વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w23 ફેબ્રુઆરી પાન ૨-૭
  • બાઇબલથી એના લેખક વિશે શું જાણવા મળે છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બાઇબલથી એના લેખક વિશે શું જાણવા મળે છે?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • મથાળાં
  • સરખી માહિતી
  • બાઇબલથી જાણવા મળે છે કે યહોવા બુદ્ધિશાળી છે
  • બાઇબલથી જાણવા મળે છે કે યહોવા ન્યાયી છે
  • બાઇબલથી જાણવા મળે છે કે યહોવા પ્રેમાળ છે
  • બાઇબલ એક અનમોલ ભેટ છે, એની કદર કરીએ
  • બાઇબલ—ઈશ્વરનો સંદેશો
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • શું ખુશખબર ખરેખર ઈશ્વર તરફથી છે?
    ઈશ્વર પાસેથી ખુશખબર!
  • શા માટે ઈશ્વર પાસેથી શીખવું?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • “જુઓ, આ આપણો દેવ છે”
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
w23 ફેબ્રુઆરી પાન ૨-૭

અભ્યાસ લેખ ૬

બાઇબલથી એના લેખક વિશે શું જાણવા મળે છે?

“હું તને જે સંદેશો આપું, એનો એકેએક શબ્દ તું પુસ્તકમાં લખી લે.”—યર્મિ. ૩૦:૨.

ગીત ૩૭ ઈશ્વરના બોલ મને દોરે

ઝલકa

૧. બાઇબલ માટે કેમ યહોવાનો આભાર માનવો જોઈએ?

યહોવાનો લાખ લાખ અહેસાન કે તેમણે આપણને બાઇબલ આપ્યું. બાઇબલમાં તેમણે સારી સલાહ લખાવી છે, જેની મદદથી આપણે મુશ્કેલીઓ પાર કરી શકીએ છીએ. યહોવાએ બાઇબલ દ્વારા આપણને સુંદર ભાવિની આશા પણ આપી છે. સૌથી મહત્ત્વનું તો, યહોવાએ બાઇબલમાં લખાવ્યું છે કે તે કેવા ઈશ્વર છે અને તેમનામાં કેવા ગુણો છે. એ ગુણો પર ઊંડો વિચાર કરીને આપણું દિલ કદરથી ઊભરાઈ જાય છે. એટલું જ નહિ, યહોવાની નજીક જવા અને તેમની સાથે પાકી દોસ્તી કરવા પ્રેરાઈએ છીએ.—ગીત. ૨૫:૧૪.

૨. યહોવાએ કઈ રીતે માણસોને પોતાના વિશે જણાવ્યું?

૨ યહોવા ચાહે છે કે લોકો તેમને ઓળખે. પહેલાંના સમયમાં તેમણે સપનાઓ, દર્શનો અને દૂતો દ્વારા માણસોને પોતાના વિશે જણાવ્યું. (ગણ. ૧૨:૬; પ્રે.કા. ૧૦:૩, ૪) જો કોઈએ એ બધું લખ્યું ન હોત, તો આપણને કઈ રીતે ખબર પડી હોત? એના લીધે જ તેમણે અમુક માણસો દ્વારા એ બધી માહિતી એક ‘પુસ્તકમાં લખાવી.’ (યર્મિ. ૩૦:૨) યહોવાનો “માર્ગ સંપૂર્ણ છે,” તે જે કંઈ કરે છે એ હંમેશાં યોગ્ય હોય છે. (ગીત. ૧૮:૩૦) એટલે ખાતરી રાખી શકીએ કે આપણા માટે બાઇબલ લખાવીને યહોવાએ બરાબર કર્યું છે. બાઇબલ દ્વારા યહોવા આપણી સાથે વાત કરે છે, એટલે એ વાંચીશું તો આપણને જ ફાયદો થશે.

૩. બાઇબલ આજ સુધી ટકી રહે એ માટે યહોવાએ શું કર્યું? (યશાયા ૪૦:૮)

૩ યશાયા ૪૦:૮ વાંચો. હજારો વર્ષોથી વફાદાર સ્ત્રી-પુરુષોને બાઇબલમાંથી માર્ગદર્શન મળ્યું છે. એવું કઈ રીતે બની શકે? જોવા જઈએ તો બાઇબલ જે વસ્તુઓ પર લખવામાં આવતું, એ સમય જતાં ખરાબ થઈ જતી. તેમ જ, આજે બાઇબલની મૂળ હસ્તપ્રતો પણ બચી નથી. પણ યહોવાએ ખાતરી કરી કે એ પવિત્ર લખાણોની નકલ ઉતારવામાં આવે. એની નકલ ઉતારનારાઓ આપણા જેવા જ ભૂલભરેલા માણસો હતા. પણ, તેઓએ પૂરું ધ્યાન રાખ્યું કે નકલ ઉતારવામાં તેઓથી ભૂલો ન થાય. હિબ્રૂ શાસ્ત્રવચનો વિશે એક વિદ્વાને લખ્યું: “આપણે પૂરી ખાતરીથી કહી શકીએ કે એના સિવાય જૂના જમાનાનું બીજું કોઈ પુસ્તક નથી, જે ફેરફાર વગર આપણા સુધી આવ્યું હોય.” ભલે બાઇબલ વર્ષો પહેલાં એવી વસ્તુઓ પર લખાયું જેનો નાશ થઈ ગયો અને ભૂલભરેલા માણસોએ એની નકલ ઉતારી, છતાં એનો મૂળ સંદેશો બદલાયો નથી. આપણે ખાતરી રાખી શકીએ કે બાઇબલમાં એ જ સંદેશો છે, જે એના લેખક યહોવાએ લખાવ્યો હતો.

૪. આ લેખમાં આપણે શું જોઈશું?

૪ યહોવા જ “દરેક સારું દાન અને દરેક સંપૂર્ણ ભેટ” આપે છે. (યાકૂ. ૧:૧૭) બાઇબલ પણ એવી જ એક અનમોલ ભેટ છે. ધારો કે, એક વ્યક્તિ તમને એક વસ્તુ ભેટમાં આપે છે. એનાથી ખબર પડે છે કે તે તમને સારી રીતે ઓળખે છે અને તે તમારી જરૂરિયાત જાણે છે. બાઇબલની ભેટ આપનાર વિશે પણ એવું જ કહી શકાય. બાઇબલથી આપણે જાણી શકીએ છીએ કે યહોવા આપણને સારી રીતે ઓળખે છે અને તે આપણી જરૂરિયાતો જાણે છે. બાઇબલથી આપણે યહોવા વિશે બીજું પણ ઘણું શીખી શકીએ છીએ. આ લેખમાં આપણે એવી જ ત્રણ વાતો શીખવાના છીએ: તે ખૂબ બુદ્ધિશાળી છે, તે હંમેશાં સાચો ન્યાય કરે છે અને તે આપણને બહુ પ્રેમ કરે છે. ચાલો સૌથી પહેલા જોઈએ કે બાઇબલથી કઈ રીતે જાણવા મળે છે કે યહોવા સૌથી બુદ્ધિશાળી છે.

બાઇબલથી જાણવા મળે છે કે યહોવા બુદ્ધિશાળી છે

૫. બાઇબલમાં લખેલી વાતોથી કઈ રીતે ખબર પડે છે કે યહોવા બુદ્ધિશાળી છે?

૫ યહોવા જાણે છે કે આપણને સારી સલાહની જરૂર છે. તેમણે આપેલી ભેટ, બાઇબલમાં એવી જ સલાહ છે. બાઇબલની સલાહ પાળવાથી લોકોને ઘણો ફાયદો થાય છે, તેઓનું જીવન બદલાઈ જાય છે. એનાથી ખબર પડે છે કે યહોવા કેટલા બુદ્ધિશાળી છે. ધ્યાન આપો કે મૂસાએ શરૂઆતનાં પુસ્તકો લખ્યાં ત્યારે ઈશ્વરના લોકો, એટલે કે ઇઝરાયેલીઓને શું કહ્યું હતું: “એ તમારા માટે ખોખલી વાતો નહિ, પણ તમારું જીવન છે.” (પુન. ૩૨:૪૭) જે લોકોએ શાસ્ત્રમાં આપેલી સલાહ પાળી, તેઓ એક ખુશહાલ અને સુખી જીવનનો આનંદ માણી શક્યા. (ગીત. ૧:૨, ૩) એ વાત પહેલાં પણ સાચી હતી અને આજે પણ એટલી જ સાચી છે. બાઇબલ લખાયું એને હજારો વર્ષો વીતી ચૂક્યાં છે, તોપણ એની સલાહથી આજે લોકોનું જીવન બદલાઈ શકે છે. એવા અમુક અનુભવો માટે jw.org પર “પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે” શૃંખલા જોઈ શકો. એમાં ૩૦થી વધારે ભાઈ-બહેનોના અનુભવો છે. તેઓના અનુભવોથી ખાતરી મળે છે કે બાઇબલ લોકોનાં ‘દિલને અસર કરે છે.’—૧ થેસ્સા. ૨:૧૩.

૬. કેમ કહી શકીએ કે બાઇબલ અજોડ છે?

૬ બાઇબલ અજોડ છે. એવું શાના આધારે કહી શકીએ? બીજાં પુસ્તકોના લેખકોનું સમય જતાં મરણ થાય છે. એમાં લખેલી સલાહ અમુક સમય પછી કામ નથી આવતી. પણ બાઇબલ વિશે એવું નથી. એના લેખક યહોવા સર્વશક્તિમાન છે. તે હંમેશાંથી હતા અને હંમેશાં સુધી રહેશે. તે સૌથી બુદ્ધિશાળી છે. એટલું જ નહિ, બાઇબલમાં આપેલી સલાહ હંમેશાં કામ આવે છે. એનાથી જૂના જમાનાના લોકોને ફાયદો થયો હતો અને આજના લોકોને પણ ફાયદો થાય છે. જ્યારે બાઇબલ વાંચીએ છીએ અને મનન કરીએ છીએ, ત્યારે બાઇબલના લેખક યહોવા આપણને પવિત્ર શક્તિ આપે છે. એની મદદથી આપણે સમજી શકીએ છીએ કે બાઇબલની વાતો કઈ રીતે જીવનમાં લાગુ પાડી શકીએ. (ગીત. ૧૧૯:૨૭; માલા. ૩:૧૬; હિબ્રૂ. ૪:૧૨) સાચે જ, બાઇબલના લેખક આપણને મદદ કરવા હંમેશાં તૈયાર છે. એટલે ચાલો આપણે રોજ બાઇબલ વાંચીએ અને એમાંથી ભરપૂર ફાયદો મેળવીએ.

ચિત્રો: ૧. બાઇબલના વીંટાઓ, પુસ્તકના રૂપમાં બાઇબલની હસ્તપ્રતો, બાઇબલની છાપેલી કૉપી અને ફોન કે ટેબ્લેટમાં બાઇબલ. ૨. અલગ-અલગ દેશ અને જાતિના લોકો બાઇબલ વાંચી રહ્યા છે. અમુકના હાથમાં બાઇબલની છાપેલી કૉપી છે અને અમુક પોતાના ફોન કે ટેબ્લેટમાં એને વાંચી રહ્યા છે. અમુક લોકો ઘરે, કામની જગ્યાએ અને મુસાફરી કરતી વખતે વાંચી રહ્યા છે.

જૂના જમાનામાં અને આજના સમયમાં બાઇબલ કઈ રીતે ઈશ્વરભક્તોને એકતામાં લાવ્યું છે? (ફકરા ૭-૮ જુઓ)

૭. પહેલાંના સમયના લોકો શાસ્ત્રની મદદથી કઈ રીતે એકતામાં રહી શક્યા?

૭ બાઇબલ ઈશ્વરભક્તોને એકતામાં લાવે છે. એ પણ બતાવે છે કે યહોવા ખૂબ બુદ્ધિશાળી છે. આનો વિચાર કરો: વચનના દેશમાં ગયા પછી ઇઝરાયેલીઓ અલગ અલગ વિસ્તારમાં વસ્યા. તેઓ જુદાં જુદાં કામ કરવા લાગ્યા. અમુક માછીમાર હતા, અમુક ભરવાડ હતા, તો અમુક ખેડૂત હતા. એવામાં એક વિસ્તારના ઇઝરાયેલીઓ દેશના બીજા ખૂણે રહેતા ઇઝરાયેલીઓને સહેલાઈથી ભૂલી જઈ શક્યા હોત. પણ એવું ન થાય એ માટે યહોવાએ એક ગોઠવણ કરી. તેમણે પોતાના લોકોને આજ્ઞા આપી કે દર વર્ષે અમુક વાર તેઓ ભેગા મળે, જેથી તેઓ શાસ્ત્રવચનો સાંભળી શકે અને સમજી શકે. (પુન. ૩૧:૧૦-૧૩; નહે. ૮:૨, ૮, ૧૮) જરા વિચારો, એક વફાદાર ઇઝરાયેલી યરૂશાલેમ જતો હશે અને દેશના ખૂણે ખૂણેથી આવેલા લાખો ભક્તોને જોતો હશે ત્યારે તેને કેટલી ખુશી થતી હશે! આમ, એકતા જાળવી રાખવા યહોવાએ મદદ કરી. સમય જતાં, ખ્રિસ્તી મંડળની ગોઠવણ થઈ ત્યારે પણ એવી એકતા જોવા મળી. એ મંડળોમાં અલગ અલગ ભાષા બોલતાં, અમીર, ગરીબ, ભણેલાં-ગણેલાં અથવા ઓછું ભણેલાં સ્ત્રી-પુરુષો હતાં. પણ દરેકને શાસ્ત્ર ખૂબ વહાલું હતું, એટલે તેઓ એક થઈને સાચા ઈશ્વરની ભક્તિ કરતા હતાં. જેઓ નવા નવા ઈશ્વરભક્તો બનતા, તેઓ બીજાઓની મદદથી અને મંડળમાં ભેગા મળીને જ શાસ્ત્રની વાતો સમજી શકતા હતા.—પ્રે.કા. ૨:૪૨; ૮:૩૦, ૩૧.

૮. આજે યહોવા કઈ રીતે પોતાના લોકોને બાઇબલ દ્વારા એકતાના બંધનમાં જોડે છે?

૮ આજે પણ આપણા બુદ્ધિશાળી ઈશ્વર યહોવા બાઇબલ દ્વારા પોતાના લોકોને શીખવે છે અને તેઓને એકતાના બંધનમાં જોડે છે. કઈ રીતે? બાઇબલની મદદથી જ આપણે યહોવા વિશે સાચી વાતો શીખી શકીએ છીએ. આપણે નિયમિત રીતે સભાઓમાં, સંમેલનોમાં અને મહાસંમેલનોમાં જઈએ છીએ. ત્યાં બાઇબલ વાંચવામાં આવે છે, એની સમજણ આપવામાં આવે છે અને એના પર ચર્ચા કરવામાં આવે છે. યહોવા ચાહે છે કે તેમના બધા ભક્તો “ખભેખભા મિલાવીને તેમની સેવા કરે.” (સફા. ૩:૯) બાઇબલ દ્વારા યહોવાની એ ઇચ્છા પૂરી થાય છે.

૯. બાઇબલમાં લખેલી વાતો ફક્ત કેવા લોકો સમજી શકે છે? (લૂક ૧૦:૨૧)

૯ યહોવા કેટલા બુદ્ધિશાળી છે એ સમજવા બીજા એક પુરાવા પર ધ્યાન આપીએ. તેમણે શાસ્ત્રમાં ઘણી વાતો એ રીતે લખાવી છે, જે ફક્ત નમ્ર લોકો સમજી શકે છે. (લૂક ૧૦:૨૧ વાંચો.) આજે આખી દુનિયામાં ઘણા લોકો બાઇબલ વાંચે છે. એક વિદ્વાને બાઇબલ વિશે કહ્યું: “આ પુસ્તકને સૌથી વધારે લોકોએ વાંચ્યું છે અને બીજાં બધાં પુસ્તકો કરતાં વધારે ધ્યાનથી વાંચ્યું છે.” પણ ફક્ત નમ્ર લોકો જ એને સમજી શકે છે અને એમાં લખેલી વાતો પાળી શકે છે.—૨ કોરીં. ૩:૧૫, ૧૬.

૧૦. બીજી કઈ રીતે ખબર પડે છે કે યહોવા સૌથી બુદ્ધિશાળી છે?

૧૦ યહોવા કેટલા બુદ્ધિશાળી છે એ સમજવા ચાલો બીજો એક દાખલો જોઈએ. યહોવા બાઇબલ દ્વારા પોતાના લોકોને એક સમૂહ તરીકે શીખવે છે. એટલું જ નહિ, તે એકેએક વ્યક્તિને પણ એમાંથી શીખવે છે અને દિલાસો આપે છે. આપણે બાઇબલ વાંચીએ છીએ ત્યારે અહેસાસ થાય છે કે યહોવા માટે એકેએક વ્યક્તિ કીમતી છે. (યશા. ૩૦:૨૧) દાખલા તરીકે, તમે કોઈ મુશ્કેલ સંજોગોનો સામનો કરતી વખતે બાઇબલ વાંચ્યું હશે અને તમને થયું હશે ‘અરે, આ કલમ તો મારા માટે જ લખવામાં આવી છે!’ ગજબની વાત તો એ છે કે દુનિયાના લાખો લોકોને બાઇબલ વિશે એવું જ લાગે છે. એવું કઈ રીતે બની શકે કે હજારો વર્ષો પહેલાં લખાયેલા પુસ્તકથી આજે એકેએક વ્યક્તિને ફાયદો થાય? એવું બની શકે છે, કેમ કે એના લેખક આખા બ્રહ્માંડમાં સૌથી બુદ્ધિશાળી છે.—૨ તિમો. ૩:૧૬, ૧૭.

બાઇબલથી જાણવા મળે છે કે યહોવા ન્યાયી છે

૧૧. બાઇબલ જે ભાષાઓમાં લખાયું એનાથી કઈ રીતે ખબર પડે છે કે યહોવા પક્ષપાત કરતા નથી?

૧૧ યહોવાની બીજી એક ખાસિયત છે કે તે હંમેશાં સાચો ન્યાય કરે છે. (પુન. ૩૨:૪) એક ન્યાયી વ્યક્તિ પક્ષપાત કરતી નથી. એવી જ રીતે, યહોવા પણ પક્ષપાત કરતા નથી. (પ્રે.કા. ૧૦:૩૪, ૩૫; રોમ. ૨:૧૧) તેમણે જે ભાષાઓમાં બાઇબલ લખાવ્યું એનાથી એ વાત સાબિત થાય છે. બાઇબલનાં પહેલાં ૩૯ પુસ્તકો ખાસ કરીને હિબ્રૂ ભાષામાં લખવામાં આવ્યાં હતાં, કેમ કે એ સમયના ઈશ્વરભક્તો એ ભાષા સમજતા હતા. પણ પહેલી સદીમાં મોટા ભાગના લોકો ગ્રીક ભાષા બોલતા હતા. એટલે બાઇબલનાં છેલ્લાં ૨૭ પુસ્તકો ખાસ કરીને ગ્રીક ભાષામાં લખવામાં આવ્યાં. યહોવાએ એવું ન વિચાર્યું કે બાઇબલ ફક્ત એક જ ભાષામાં લખવામાં આવે. પણ આજે દુનિયામાં આશરે ૮ અબજ લોકો છે અને તેઓ ઘણી ભાષાઓ બોલે છે. આટલા બધા લોકો કઈ રીતે યહોવા વિશે શીખી શકે?

૧૨. દાનિયેલ ૧૨:૪માં આપેલી ભવિષ્યવાણી આજે કઈ એક રીતે પૂરી થઈ રહી છે?

૧૨ યહોવાએ દાનિયેલ પ્રબોધક દ્વારા વચન આપ્યું હતું કે અંતના સમયમાં બાઇબલમાં આપેલા “સાચા જ્ઞાનની વૃદ્ધિ થશે,” એટલે કે ઘણા લોકો એ સમજી શકશે. (દાનિયેલ ૧૨:૪ વાંચો.) આજે એવું જ થઈ રહ્યું છે. બાઇબલ અને બાઇબલ આધારિત સાહિત્યનું ઘણી ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવે છે, મોટા પ્રમાણમાં બહાર પાડવામાં આવે છે અને લોકો સુધી પહોંચાડવામાં આવે છે. આમ, ઘણા લોકો બાઇબલમાં લખેલી વાતો સમજી શકે છે. દુનિયામાં એવું કોઈ પુસ્તક નથી, જેનું આટલી બધી ભાષાઓમાં ભાષાંતર થયું હોય અને દુનિયાના ખૂણે ખૂણે પહોંચ્યું હોય. દુનિયાની સંસ્થાઓ જે બાઇબલ છાપે છે, એ અમુક વાર ઘણાં મોંઘાં હોય છે. પણ યહોવાના ભક્તો જે બાઇબલ છાપે છે, એ લોકો મફત મેળવી શકે છે. એટલું જ નહિ, તેઓએ આખું બાઇબલ અથવા બાઇબલનાં અમુક પુસ્તકોનું ૨૪૦થી વધારે ભાષામાં ભાષાંતર કર્યું છે. એ કારણે બધા દેશના લોકો અંત આવે એ પહેલાં ઈશ્વરના ‘રાજ્યની ખુશખબર’ જાણી શકે છે. (માથ. ૨૪:૧૪) આપણા ન્યાયી ઈશ્વર યહોવા ચાહે છે કે વધારે ને વધારે લોકો બાઇબલ વાંચીને તેમને ઓળખે, કેમ કે તે બધાને અનહદ પ્રેમ કરે છે.

બાઇબલથી જાણવા મળે છે કે યહોવા પ્રેમાળ છે

૧૩. બાઇબલથી કઈ રીતે ખબર પડે છે કે યહોવા આપણને પ્રેમ કરે છે? (યોહાન ૨૧:૨૫)

૧૩ બાઇબલથી જાણવા મળે છે કે એના લેખક યહોવાનો સૌથી મહાન ગુણ છે, પ્રેમ. (૧ યોહા. ૪:૮) ધ્યાન આપો કે યહોવાએ બાઇબલમાં કઈ વાતો લખાવી છે અને કઈ નથી લખાવી. તેમણે ફક્ત એ જ વાતો લખાવી છે, જેનાથી આપણે તેમના દોસ્ત બની શકીએ, ખુશ રહી શકીએ અને હંમેશ માટેનું જીવન મેળવી શકીએ. તેમણે બાઇબલમાં દુનિયાભરની માહિતી નથી લખાવી, જે વાંચીને મગજ ચકરાવે ચઢી જાય. એનાથી દેખાઈ આવે છે કે તે આપણને કેટલો પ્રેમ કરે છે.—યોહાન ૨૧:૨૫ વાંચો.

૧૪. બાઇબલથી બીજી કઈ રીતે યહોવાનો પ્રેમ દેખાઈ આવે છે?

૧૪ યહોવા બાઇબલ દ્વારા આપણી સાથે જે રીતે વાત કરે છે એનાથી પણ તેમનો પ્રેમ દેખાઈ આવે છે. તેમણે બાઇબલમાં નાની નાની વાતો માટે ઢગલેબંધ નિયમો નથી આપ્યા કે શું કરવું અને શું ન કરવું. તો પછી આપણે કઈ રીતે સારા નિર્ણયો લઈ શકીએ? એ માટે તેમણે બાઇબલમાં રોમાંચક ભવિષ્યવાણીઓ, લોકોના જીવનમાં બનેલી ઘટનાઓ અને રોજબરોજના જીવનમાં કામ આવે એવી સલાહ લખાવી છે. એ બધાથી આપણને યહોવાને પ્રેમ કરવાનું અને તેમની આજ્ઞાઓ પાળવાનું મન થાય છે.

ચિત્રો: ૧. એક છોકરી “લેસન્સ યુ કેન લર્ન ફ્રોમ ધી બાઇબલ” પુસ્તકમાંથી નાની ઇઝરાયેલી છોકરી વિશે વાંચી રહી છે અને મનન કરે છે કે તેણે કઈ રીતે પોતાની શેઠાણી સાથે વાત કરી હશે. ૨. એક યુવાન ભાઈ બાઇબલમાંથી યૂસફનો અહેવાલ વાંચી રહ્યા છે અને મનન કરે છે કે તે કઈ રીતે પોટીફારની પત્ની પાસેથી નાસી છૂટ્યો હશે. ૩. મોટી ઉંમરના બહેન બાઇબલમાંથી પ્રબોધિકા હાન્‍નાનો અહેવાલ વાંચી રહ્યાં છે. તે વિચારી રહ્યાં છે કે જ્યારે તેમણે બાળક ઈસુને જોયા હશે, ત્યારે કેવું લાગ્યું હશે હશે.

યહોવા અગાઉના ભક્તો સાથે જે રીતે વર્ત્યા એના પર કેમ મનન કરવું જોઈએ? (ઉત. ૩૯:૧, ૧૦-૧૨; ૨ રાજા. ૫:૧-૩; લૂક ૨:૨૫-૩૮) (ફકરો ૧૫ જુઓ)

૧૫. (ક) બાઇબલથી કઈ રીતે ખબર પડે છે કે યહોવાને આપણી ચિંતા છે? (ખ) ચિત્રમાં બતાવ્યું છે તેમ નાની છોકરી, યુવાન ભાઈ અને ઉંમરવાળાં બહેન કોના વિશે વિચારી રહ્યાં છે?

૧૫ બાઇબલથી કઈ રીતે જાણવા મળે છે કે યહોવા આપણને સમજે છે અને તેમને આપણી ચિંતા છે? તેમણે બાઇબલમાં એવા ઘણા લોકો વિશે લખાવ્યું છે, જેઓ ‘આપણા જેવા જ માણસો હતા.’ (યાકૂ. ૫:૧૭) એટલે આપણે તેઓની લાગણીઓ અને તેઓ પર શું વીત્યું હશે એ સારી રીતે સમજી શકીએ છીએ. એટલું જ નહિ, યહોવા એ લોકો સાથે કઈ રીતે વર્ત્યા એ વાંચીએ છીએ ત્યારે સાફ જોઈ શકીએ છીએ કે “યહોવા ખૂબ મમતા બતાવે છે અને તે દયાળુ છે.”—યાકૂ. ૫:૧૧.

૧૬. ભૂલો કરનાર વ્યક્તિઓ સાથે યહોવા જે રીતે વર્ત્યા એનાથી યહોવા વિશે શું ખબર પડે છે? (યશાયા ૫૫:૭)

૧૬ બાઇબલથી એ પણ જાણવા મળે છે કે આપણાથી ભૂલ થઈ જાય ત્યારે યહોવા આપણને તરછોડી દેતા નથી, પણ માફ કરે છે. એનાથી દેખાઈ આવે છે કે તે આપણને ખૂબ પ્રેમ કરે છે. જૂના જમાનામાં ઇઝરાયેલીઓએ વારેઘડીએ યહોવા વિરુદ્ધ પાપ કર્યું. પણ તેઓએ દિલથી પસ્તાવો કર્યો ત્યારે યહોવાએ તેઓને માફ કર્યા. (યશાયા ૫૫:૭ વાંચો.) પહેલી સદીના ખ્રિસ્તીઓને પણ ખબર હતી કે યહોવા તેઓને ખૂબ પ્રેમ કરે છે. એક વખતે, એક માણસે ગંભીર પાપ કર્યું, પણ પછી દિલથી પસ્તાવો કર્યો. એટલે યહોવાએ પ્રેરિત પાઉલ દ્વારા પત્રમાં લખાવ્યું કે ભાઈ-બહેનો તેને ‘દિલથી માફ કરીને દિલાસો આપે.’ (૨ કોરીં. ૨:૬, ૭; ૧ કોરીં. ૫:૧-૫) એ જાણીને કેટલી રાહત મળે છે કે ભક્તોએ ભૂલો કરી ત્યારે યહોવાએ તેઓને છોડી ન દીધા. પણ તેમણે તેઓને પ્રેમથી મદદ કરી, તેઓને સુધાર્યા અને પોતાની નજીક લઈ આવ્યા. આજે પણ જેઓ દિલથી પસ્તાવો કરે છે, એ બધાને યહોવા માફ કરે છે.—યાકૂ. ૪:૮-૧૦.

બાઇબલ એક અનમોલ ભેટ છે, એની કદર કરીએ

૧૭. કેમ કહી શકીએ કે બાઇબલ એક અનમોલ ભેટ છે?

૧૭ બાઇબલ યહોવા તરફથી અનમોલ ભેટ છે. એવું કેમ કહી શકીએ? આ લેખમાં શીખ્યા કે બાઇબલથી જાણવા મળે છે કે યહોવા બુદ્ધિશાળી, ન્યાયી અને પ્રેમાળ છે. બાઇબલથી આપણે યહોવાની ઇચ્છા પણ જાણી શકીએ છીએ. એ છે, તેમને ઓળખીએ અને તેમના દોસ્ત બનીએ.

૧૮. બાઇબલ માટે કદર બતાવવા શું કરી શકીએ?

૧૮ આપણે ઈશ્વરના શબ્દની, તેમણે આપેલી અનમોલ ભેટની હંમેશાં કદર કરવા માંગીએ છીએ, એને ક્યારેય મામૂલી ગણવા માંગતા નથી. (યાકૂ. ૧:૧૭) કદર બતાવવા શું કરી શકીએ? બાઇબલ વાંચીએ અને એના પર મનન કરીએ. એમ કરીશું તો ખાતરી રાખી શકીશું કે બાઇબલના મહાન લેખક યહોવા આપણી મહેનત પર આશીર્વાદ આપશે અને ‘ઈશ્વરનું જ્ઞાન આપણા હાથ લાગશે.’—નીતિ. ૨:૫.

બાઇબલથી કઈ રીતે ખબર પડે છે કે યહોવા . . .

  • બુદ્ધિશાળી છે?

  • ન્યાયી છે?

  • પ્રેમાળ છે?

ગીત ૧૪૩ અંધકારમાં એક દીવો

a પવિત્ર શાસ્ત્ર બાઇબલથી કઈ રીતે ખબર પડે છે કે યહોવા સૌથી બુદ્ધિશાળી છે, તે હંમેશાં સાચો ન્યાય કરે છે અને તે આપણને ખૂબ પ્રેમ કરે છે? આપણે જે શીખીશું એનાથી બાઇબલ માટે આપણી કદર વધશે અને સમજી શકીશું કે બાઇબલ પિતા યહોવા તરફથી એક અનમોલ ભેટ છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો