વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w24 એપ્રિલ પાન ૨-૭
  • “પરિપક્વ બનવા પ્રગતિ કરતા રહીએ”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “પરિપક્વ બનવા પ્રગતિ કરતા રહીએ”
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • મથાળાં
  • સરખી માહિતી
  • પરિપક્વ ઈશ્વરભક્ત કોને કહેવાય?
  • કઈ રીતે પરિપક્વ બની શકીએ?
  • બાઇબલનું ઊંડું શિક્ષણ કેમ લેતા રહેવું જોઈએ?
  • પરિપક્વ બની રહેવા કેમ મહેનત કરતા રહેવું જોઈએ?
  • શું મારા નિર્ણયથી દેખાઈ આવે છે કે મને યહોવા પર ભરોસો છે?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • અંત સુધી વફાદાર રહેવા મદદ કરતો એક પત્ર
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • આ સવાલોના જવાબ મેળવો
    ૨૦૨૫-૨૦૨૬ સરકીટ સંમેલન કાર્યક્રમ—સરકીટ નિરીક્ષક સાથે
  • શું તમે ખ્રિસ્તની જેમ પરિપક્વ બનવા પ્રગતિ કરી રહ્યા છો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
w24 એપ્રિલ પાન ૨-૭

અભ્યાસ લેખ ૧૪

ગીત ૩૪ જીવનમાં લખ્યું તારું નામ

“પરિપક્વ બનવા પ્રગતિ કરતા રહીએ”

“ચાલો આપણે પરિપક્વ બનવા પ્રગતિ કરતા રહીએ.”—હિબ્રૂ. ૬:૧.

આપણે શું શીખીશું?

એક પરિપક્વ ઈશ્વરભક્ત કઈ રીતે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે પોતાના વિચારો કેળવે છે અને એના આધારે સારા નિર્ણયો લે છે?

૧. યહોવા આપણી પાસેથી શું ચાહે છે?

બાળકનો જન્મ થાય ત્યારે મમ્મી-પપ્પાની ખુશીનો પાર રહેતો નથી. તેઓને એ બાળક ખૂબ વહાલું હોય છે. તોપણ તેઓ ચાહે છે કે એ જલદી જલદી મોટું થઈ જાય. એવું ન થાય તો તેઓને ચિંતા થવા લાગે છે. એવી જ રીતે, જ્યારે યહોવા વિશે શીખવા માટે પહેલું પગલું ભરીએ છીએ, ત્યારે તેમને બહુ ખુશી થાય છે. પણ તે નથી ચાહતા કે આપણે બાળકો જ રહીએ. (૧ કોરીં. ૩:૧) તે ચાહે છે કે આપણે તેમના વિશે વધારે શીખતા રહીએ અને સમજણમાં ‘પરિપક્વ બનીએ.’—૧ કોરીં. ૧૪:૨૦.

૨. આ લેખમાં શું શીખીશું?

૨ આ લેખમાં શીખીશું: પરિપક્વ ઈશ્વરભક્ત કોને કહેવાય? કઈ રીતે પરિપક્વ બની શકીએ? બાઇબલનું ઊંડું શિક્ષણ કેમ લેતા રહેવું જોઈએ? પરિપક્વ બની રહેવા કેમ મહેનત કરતા રહેવું જોઈએ?

પરિપક્વ ઈશ્વરભક્ત કોને કહેવાય?

૩. પરિપક્વ ઈશ્વરભક્ત બનવાનો અર્થ શું થાય?

૩ બાઇબલમાં જે ગ્રીક શબ્દનું ભાષાંતર “પરિપક્વ” થયું છે, એનો અર્થ “અનુભવી,” “પૂરેપૂરું” અને “પૂરી રીતે વિકસિત” પણ થઈ શકે છે.a (૧ કોરીં. ૨:૬, ફૂટનોટ) એક બાળક મોટું થતું જાય છે તેમ તેની સમજણ વધે છે, તે પરિપક્વ બને છે. એવી જ રીતે, યહોવા સાથેનો સંબંધ મજબૂત થતો જશે તેમ, આપણી સમજણ વધશે, આપણે પરિપક્વ બનીશું. જોકે એ સંબંધ મજબૂત કરતા રહેવાનું છે, ક્યારેય અટકવાનું નથી. (૧ તિમો. ૪:૧૫) નાના-મોટા બધા જ પરિપક્વ બની શકે છે. પણ કઈ રીતે ખબર પડે કે આપણે પરિપક્વ છીએ કે નહિ?

૪. એક પરિપક્વ ઈશ્વરભક્ત શું કરે છે?

૪ એક પરિપક્વ ઈશ્વરભક્ત યહોવાનું કહ્યું બધું જ કરે છે. અમુક વાર ઈશ્વરની વાત માનવી અઘરી લાગે તોપણ તે એ વાત માને છે. એનો અર્થ એ નથી કે તેમનાથી ભૂલ નહિ થાય. તે દરરોજ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે જીવવાની કોશિશ કરે છે. તેમણે નવો સ્વભાવ પહેર્યો છે. તે દરેક વાતમાં ઈશ્વરની જેમ વિચારવાનો પ્રયત્ન કરે છે. (એફે. ૪:૨૨-૨૪) સારા નિર્ણયો લેવા તે યહોવાના નિયમો અને સિદ્ધાંતો ધ્યાનમાં રાખે છે. એટલે શું કરવું અને શું ન કરવું એ વિશે તેમને કોઈ લાંબા લિસ્ટની જરૂર પડતી નથી. તે નિર્ણય લીધા પછી એ પ્રમાણે કરવા પૂરી મહેનત કરે છે.—૧ કોરીં. ૯:૨૬, ૨૭.

૫. જે ઈશ્વરભક્ત પરિપક્વ નથી, તે શું કરી બેસે છે? (એફેસીઓ ૪:૧૪, ૧૫)

૫ બીજી બાજુ, જે ઈશ્વરભક્ત પરિપક્વ નથી તે સહેલાઈથી એવા લોકોની વાતોમાં આવી જાય છે, જેઓ “ચાલાકીઓથી અને છેતરામણી યુક્તિઓથી” બધાને ભમાવે છે. (એફેસીઓ ૪:૧૪, ૧૫ વાંચો.) તે ઇન્ટરનેટ પર કે છાપાઓમાં આવતા ખોટા સમાચાર કે અફવાઓને સાચી માની લે છે. તે સત્યમાં ભેળસેળ કરતા લોકોની વાતોમાં આવી જાય છે.b એટલું જ નહિ, તેમને બીજાઓની ઈર્ષા થાય છે, તે બીજાઓ સાથે ઝઘડે છે અથવા તેમને વાતે વાતે ખોટું લાગી જાય છે. તે ઘણી વાર લાલચોમાં પણ ફસાઈ જાય છે.—૧ કોરીં. ૩:૩.

૬. પરિપક્વ બનવું એ કઈ રીતે બાળકના મોટા થવા જેવું છે? (ચિત્ર પણ જુઓ.)

૬ આપણે લેખની શરૂઆતમાં જોઈ ગયા કે બાળકો ધીરે ધીરે મોટાં થાય છે અને સમજુ બને છે. એવી જ રીતે, બાઇબલમાં જણાવ્યું છે કે આપણે બાળકો નથી રહેવાનું. પણ ધીરે ધીરે પરિપક્વ કે સમજદાર બનવાનું છે. એક બાળકને ખબર હોતી નથી કે શું કરવું અને શું ન કરવું. એટલે તેને મોટાઓની જરૂર પડે છે. દાખલા તરીકે, એક મમ્મી પોતાની નાની છોકરીનો હાથ પકડીને રસ્તો ક્રોસ કરાવશે. એ છોકરી થોડી મોટી થશે પછી કદાચ મમ્મી તેને જાતે રસ્તો ક્રોસ કરવા દેશે. પણ તે જરૂર યાદ અપાવશે, ‘બેટા, આજુબાજુ જોઈને રસ્તો ક્રોસ કરજે.’ તે મોટી થઈ જાય પછી શું? હવે તે જાતે રસ્તો ક્રોસ કરે છે અને મમ્મી પણ તેને ટકોર નહિ કરે. અમુક ઈશ્વરભક્તો બાળકો જેવા નાદાન છે. તેઓ પરિપક્વ નથી. એટલે જોખમો ટાળવા અને સારા નિર્ણય લેવા તેઓને ઘણી વાર બીજાં અનુભવી ભાઈ-બહેનોની જરૂર પડે છે. જો એ મદદ ન મળે તો તેઓ એવું કંઈક કરી બેસે, જેનાથી યહોવા સાથેનો તેઓનો સંબંધ જોખમમાં આવી પડે. પણ પરિપક્વ બન્યા પછી તેઓ જાતે સારા નિર્ણયો લે છે. એ માટે તેઓ બાઇબલના સિદ્ધાંતો પર વિચાર કરે છે અને યહોવાના વિચારો જાણવાની કોશિશ કરે છે. પછી એ પ્રમાણે પગલાં ભરે છે.

ચિત્રો: ૧. એક યુવાન બહેન પોતાનાં મમ્મી-પપ્પાની વાત સાંભળી રહી છે. તેણે પોતાના ટેબ્લેટમાં એક લેખ ખોલી રાખ્યો છે અને તેનાં મમ્મી-પપ્પાના હાથમાં બાઇબલ ખુલ્લું છે. ૨. એ જ બહેન જાતે બાઇબલ અભ્યાસ કરી રહી છે. બાજુમાં ટેબલ પર ટેબ્લેટ, બાઇબલ અને એક ડાયરી છે. નાના ચિત્રો: ૧. મમ્મી અને દીકરી રસ્તો ક્રોસ કરી રહ્યા છે. મમ્મીએ દીકરીનો હાથ પકડ્યો છે અને રસ્તો ક્રોસ કરતા શીખવી રહી છે. ૨. એ દીકરી મોટી થઈ ગઈ છે અને પોતે રસ્તો ક્રોસ કરી રહી છે.

જે ઈશ્વરભક્તો બાળકો જેવા નાદાન છે, તેઓએ બાઇબલના સિદ્ધાંતોના આધારે સારા નિર્ણય લેવાનું શીખવું જોઈએ (ફકરો ૬ જુઓ)


૭. શું પરિપક્વ ઈશ્વરભક્તને બીજાઓની મદદની જરૂર પડે છે?

૭ તો શું એનો એવો અર્થ થાય કે પરિપક્વ ઈશ્વરભક્તને ક્યારેય કોઈની મદદની જરૂર પડતી નથી? ના, એવું નથી. પરિપક્વ ઈશ્વરભક્ત પણ ક્યારેક બીજાઓની મદદ લે છે. પણ તે આવા સવાલો નહિ પૂછે: ‘તમે મારી જગ્યાએ હોત તો શું કર્યું હોત? મારે કયો નિર્ણય લેવો જોઈએ?’ એવા સવાલો તો પરિપક્વ ન હોય એવી વ્યક્તિ પૂછશે. એક પરિપક્વ ઈશ્વરભક્ત કોઈ અનુભવી ભાઈ કે બહેનની મદદ લે છે ત્યારે, યાદ રાખે છે કે નિર્ણય તો તેમણે પોતે લેવાનો છે. કેમ કે યહોવા ચાહે છે કે ‘દરેક પોતાની જવાબદારીનો બોજો જાતે ઊંચકે.’—ગલા. ૬:૫.

૮. પરિપક્વ ઈશ્વરભક્તો કઈ રીતે એકબીજાથી અલગ હોય છે?

૮ જેમ બધા લોકો એક જેવા દેખાતા નથી, તેમ પરિપક્વ ઈશ્વરભક્તો પણ એક જેવા નથી. તેઓમાં અલગ અલગ ગુણો છે. અમુક ઈશ્વરભક્તો બુદ્ધિશાળી છે, તો અમુક હિંમતવાન. અમુક દરિયાદિલ છે, તો અમુક બીજાઓની લાગણી સારી રીતે સમજે છે. એવું પણ બની શકે કે બે પરિપક્વ ઈશ્વરભક્ત એક જેવા જ સંજોગોનો સામનો કરે. એવા સમયે તેઓ બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે યોગ્ય નિર્ણય લે, પણ કદાચ તેઓના નિર્ણય એકબીજાથી સાવ અલગ હોય. જ્યારે અંતઃકરણને આધારે નિર્ણય લેવાનો થાય ત્યારે ઘણી વાર એવું બને છે. પરિપક્વ ઈશ્વરભક્તો એ વાત સમજે છે અને બીજાઓના નિર્ણયમાં ભૂલો શોધતા નથી. તેઓ એકબીજાને માન આપે છે અને ભેગા મળીને યહોવાની ભક્તિ કરતા રહે છે.—રોમ. ૧૪:૧૦; ૧ કોરીં. ૧:૧૦.

કઈ રીતે પરિપક્વ બની શકીએ?

૯. શું એક ઈશ્વરભક્ત આપોઆપ પરિપક્વ બની જાય છે? સમજાવો.

૯ સમય વીતતો જાય છે તેમ બાળકો આપોઆપ મોટાં થતાં જાય છે. પણ ઈશ્વરભક્તો આપોઆપ પરિપક્વ બનતા નથી. યહોવા સાથેનો સંબંધ મજબૂત કરવા તેઓએ મહેનત કરવી પડે છે. કોરીંથનાં ભાઈ-બહેનોનો વિચાર કરો. તેઓએ સંદેશો સ્વીકાર્યો અને બાપ્તિસ્મા લીધું. પછી તેઓને ઈશ્વરની પવિત્ર શક્તિ મળી. તેઓ પ્રેરિત પાઉલ પાસેથી ઘણું શીખ્યાં. (પ્રે.કા. ૧૮:૮-૧૧) પણ દુઃખની વાત છે કે બાપ્તિસ્માનાં અમુક વર્ષો પછી પણ ઘણાં ભાઈ-બહેનો પરિપક્વ ન બન્યાં. (૧ કોરીં. ૩:૨) આપણી સાથે એવું ન થાય એ માટે શું કરી શકીએ?

૧૦. પરિપક્વ બનવા શું કરવું જોઈએ? (યહૂદા ૨૦)

૧૦ પરિપક્વ બનવા સૌથી પહેલા શાની જરૂર છે? પરિપક્વ બનવાની ઇચ્છા હોવી. પણ અમુક લોકો ‘મૂર્ખાઈને વળગી રહેવા’ માંગે છે, એટલે પરિપક્વ બની શકતા નથી. (નીતિ. ૧:૨૨) તેઓ મોટા તો થઈ ગયા છે, પણ જવાબદારીથી છટકવા માંગે છે. તેઓ મમ્મી-પપ્પા વગર એક ડગલું પણ ભરી શકતા નથી. આપણે એવા લોકો જેવા બનવા માંગતા નથી. આપણે સારી રીતે સમજીએ છીએ કે યહોવા સાથેનો સંબંધ મજબૂત કરવાની જવાબદારી આપણી પોતાની છે. (યહૂદા ૨૦ વાંચો.) જો તમે પરિપક્વ બનવા મહેનત કરી રહ્યા હો, તો યહોવાને પ્રાર્થના કરો કે તે તમને “ઇચ્છા અને બળ આપે.”—ફિલિ. ૨:૧૩.

૧૧. પરિપક્વ બનવા યહોવાએ કઈ મદદ આપી છે? (એફેસીઓ ૪:૧૧-૧૩)

૧૧ યહોવા જાણે છે કે આપણે પોતાની રીતે પરિપક્વ નહિ બની શકીએ. એટલે તેમણે મંડળમાં ઘેટાંપાળકો અને શિક્ષકો નીમ્યા છે. તેઓ આપણને યહોવા સાથેનો સંબંધ મજબૂત કરવા મદદ કરે છે. તેઓની મદદથી આપણે “પૂરેપૂરી વૃદ્ધિ” મેળવી શકીએ છીએ અને “ખ્રિસ્તની જેમ પરિપક્વ” થઈ શકીએ છીએ. (એફેસીઓ ૪:૧૧-૧૩ વાંચો.) યહોવા આપણને પવિત્ર શક્તિ પણ આપે છે, જેથી આપણે ‘ખ્રિસ્ત ઈસુ જેવું મન’ કેળવી શકીએ. (૧ કોરીં. ૨:૧૪-૧૬) યહોવાએ બીજી પણ એક મદદ પૂરી પાડી છે. એ છે, ઈસુના સેવાકાર્ય વિશે જણાવતાં ખુશખબરનાં ચાર પુસ્તકો. એમાં ઈસુનાં વિચારો, શબ્દો અને કામો વિશે જણાવ્યું છે. જો આપણે તેમની જેમ વિચારીશું અને કામો કરીશું તો પરિપક્વ બનીશું.

બાઇબલનું ઊંડું શિક્ષણ કેમ લેતા રહેવું જોઈએ?

૧૨. “ખ્રિસ્ત વિશેનું મૂળ શિક્ષણ” કયું છે?

૧૨ પરિપક્વ બનવા જરૂરી છે કે આપણે “ખ્રિસ્ત વિશેનું મૂળ શિક્ષણ” લઈને બેસી ન રહીએ, પણ વધારે શીખતા રહીએ. એ મૂળ શિક્ષણ કયું છે? પસ્તાવો કરવો, ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી, બાપ્તિસ્મા વિશેનું શિક્ષણ, ગુજરી ગયેલા લોકોનું જીવતા થવું અને એના જેવું બીજું શિક્ષણ. (હિબ્રૂ. ૬:૧, ૨) એ મૂળ શિક્ષણ ઈસુના બધા શિષ્યોની શ્રદ્ધાનો પાયો છે. એટલે પ્રેરિત પિતરે પચાસમા દિવસે લોકોને સંદેશો જણાવતી વખતે એ શિક્ષણ વિશે વાત કરી હતી. (પ્રે.કા. ૨:૩૨-૩૫, ૩૮) પાઉલે ચેતવણી આપી હતી કે જે લોકો સ્વીકારતા નથી કે ગુજરી ગયેલા લોકોને જીવતા કરવામાં આવશે, તેઓ ઈસુના શિષ્યો કહેવડાવવાને લાયક નથી. (૧ કોરીં. ૧૫:૧૨-૧૪) એટલે ઈસુના સાચા શિષ્યો બનવા ખૂબ જરૂરી છે કે આપણે એ મૂળ શિક્ષણ સ્વીકારીએ. પણ મૂળ શિક્ષણથી સંતોષ માની લેવાને બદલે, એમાં વધારે ઊંડા ઊતરવું જોઈએ.

૧૩. હિબ્રૂઓ ૫:૧૪માં જણાવેલો ભારે ખોરાક લેવા આપણે શું કરવું જોઈએ? (ચિત્ર પણ જુઓ.)

૧૩ આપણે ખ્રિસ્ત વિશેનું મૂળ શિક્ષણ લેવાની સાથે સાથે ભારે ખોરાક, એટલે કે બાઇબલનું ઊંડું શિક્ષણ લેતા રહેવું જોઈએ. એનો અર્થ થાય કે ફક્ત યહોવાના નિયમો જ નહિ, તેમના સિદ્ધાંતો પણ સમજીએ. એનાથી આપણે યહોવાના વિચારો સમજી શકીશું. એ ભારે ખોરાક લેવા બાઇબલનો અભ્યાસ કરીએ, એના પર મનન કરીએ અને શીખેલી વાતોને જીવનમાં લાગુ પાડીએ. આમ, એવા નિર્ણયો લેવાનું શીખી શકીશું, જેનાથી યહોવા ખુશ થાય.c—હિબ્રૂઓ ૫:૧૪ વાંચો.

એક ભાઈ જાતે બાઇબલ અભ્યાસ કરી રહ્યા છે. નાનું ચિત્ર: એ ભાઈ એવી ફિલ્મ જોવાનું નક્કી કરે છે જે સમુદ્ર વિશે છે.

બાઇબલનું ઊંડું શિક્ષણ લઈશું તો યહોવા ખુશ થાય એવા નિર્ણય લઈ શકીશું (ફકરો ૧૩ જુઓ)d


૧૪. પાઉલે કોરીંથનાં ભાઈ-બહેનોને કઈ રીતે પરિપક્વ બનવા મદદ કરી?

૧૪ અમુક સંજોગો વિશે બાઇબલમાં કોઈ નિયમ ન હોય ત્યારે, બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે નિર્ણય લેવાનો હોય છે. એવા સમયે જે ભાઈ-બહેનો પરિપક્વ નથી તેઓને ઘણી વાર નિર્ણય લેવો અઘરું લાગે છે. અમુકને લાગે કે કોઈ નિયમ ન હોય તો તેઓ મન ફાવે એમ કરી શકે છે. તો અમુકને લાગે કે એ વિશે કોઈ નિયમ હોય તો કેવું સારું! જૂના જમાનામાં કોરીંથ મંડળમાં પણ અમુક એવા લોકો હતા. તેઓને સવાલ થયો હતો કે મૂર્તિઓને ચઢાવેલો ખોરાક ખાઈ શકાય કે નહિ. એટલે તેઓએ પ્રેરિત પાઉલને પૂછ્યું કે શું એ વિશે કોઈ નિયમ છે. તેઓએ શું કરવું એ કહેવાને બદલે, તેમણે સમજાવ્યું કે વ્યક્તિ પોતાના અંતઃકરણ પ્રમાણે નિર્ણય લઈ શકે છે અને દરેકની પાસે ‘પસંદગી કરવાનો હક’ છે. તેમણે અમુક સિદ્ધાંતો વિશે જણાવ્યું, જેનાથી તેઓ સારા નિર્ણયો લઈ શકતા હતા, એવા નિર્ણય જેનાથી તેઓનું અંતઃકરણ ન ડંખે અને બીજાઓ ઠોકર પણ ન ખાય. (૧ કોરીં. ૮:૪, ૭-૯) પાઉલ તેઓને શીખવી રહ્યા હતા કે યોગ્ય નિર્ણયો લેવા તેઓએ કોઈના પર આધાર રાખવો ન જોઈએ અથવા નિયમો શોધવા બેસી જવું ન જોઈએ. તેઓ પોતાની સમજશક્તિનો ઉપયોગ કરીને જાતે સારા નિર્ણયો લઈ શકતા હતા. આમ, પાઉલે તેઓને પરિપક્વ બનવા મદદ કરી.

૧૫. પાઉલે હિબ્રૂ મંડળનાં ભાઈ-બહેનોને પરિપક્વ બનવા કઈ રીતે મદદ કરી?

૧૫ પાઉલે હિબ્રૂઓને લખેલા પત્રમાંથી બીજી એક મહત્ત્વની વાત શીખવા મળે છે. અમુક હિબ્રૂ ભાઈ-બહેનોએ પરિપક્વ બનવા જરાય મહેનત કરી ન હતી. એટલે તેઓને ‘ભારે ખોરાકની નહિ, પણ દૂધની ફરીથી જરૂર’ પડી. (હિબ્રૂ. ૫:૧૨) તેઓની કેમ એવી હાલત થઈ? કેમ કે યહોવા તેઓને મંડળ દ્વારા ધીરે ધીરે જે નવી વાતો શીખવી રહ્યા હતા, એ તેઓ શીખ્યા ન હતા. (નીતિ. ૪:૧૮) દાખલા તરીકે, જે ભાઈ-બહેનો અગાઉ યહૂદી હતાં, તેઓમાંથી ઘણાં હજી પણ એ વાત પર ભાર મૂકતાં હતાં કે મૂસાનું નિયમશાસ્ત્ર પાળવું જરૂરી છે. (તિત. ૧:૧૦) પણ ખ્રિસ્તના બલિદાનથી મૂસાનું નિયમશાસ્ત્ર રદ થયું હતું અને એ વાતને ત્રીસેક વર્ષ વીતી ગયાં હતાં. (રોમ. ૧૦:૪) આટલાં વર્ષો વીત્યા પછી પણ તેઓ સમજ્યા ન હતાં કે હવે નિયમશાસ્ત્ર પાળવાની કોઈ જરૂર નથી. એ કારણે પાઉલે તેઓને ભારે ખોરાક આપ્યો, એટલે કે તેઓને શાસ્ત્રની ઊંડી વાતો પર ધ્યાન આપવા મદદ કરી. પાઉલે પોતાના પત્રથી સમજાવ્યું કે યહોવાએ ઈસુના બલિદાન દ્વારા એક નવી ગોઠવણની શરૂઆત કરી હતી, જે ઘણી ચઢિયાતી હતી. તેમની વાતોથી ભાઈ-બહેનોને વિરોધ છતાં, પ્રચાર કરતા રહેવા હિંમત મળી.—હિબ્રૂ. ૧૦:૧૯-૨૩.

પરિપક્વ બની રહેવા કેમ મહેનત કરતા રહેવું જોઈએ?

૧૬. પરિપક્વ બની રહેવા આપણે શું કરવું જોઈએ?

૧૬ આપણે પરિપક્વ બનવા અત્યાર સુધી ઘણી મહેનત કરી હશે. પણ પરિપક્વ બની રહેવા મહેનત કરતા રહેવાનું છે. આપણે ક્યારેય આવું ન વિચારીએ: ‘યહોવા સાથે મારો સંબંધ એકદમ મજબૂત છે. હું પરિપક્વ છું, એટલે હવે મારે કંઈ કરવાની જરૂર નથી.’ (૧ કોરીં. ૧૦:૧૨) એના બદલે, ‘પરખ કરતા રહેવું જોઈએ’ કે શું આપણો યહોવા સાથેનો સંબંધ ગાઢ થઈ રહ્યો છે.—૨ કોરીં. ૧૩:૫.

૧૭. પાઉલના પત્રથી કઈ રીતે ખ્યાલ આવે છે કે પરિપક્વ બની રહેવું ખૂબ જરૂરી છે?

૧૭ કોલોસેનાં ભાઈ-બહેનોને પત્ર લખ્યો ત્યારે પાઉલે ફરી એક વાર પરિપક્વ બની રહેવા પર ભાર મૂક્યો. એ ભાઈ-બહેનો પરિપક્વ હતાં. તોપણ પાઉલે તેઓને ચેતવણી આપી કે તેઓ દુનિયાના વિચારોથી છેતરાઈ ન જાય. (કોલો. ૨:૬-૧૦) તેમણે પોતાના પત્રમાં એપાફ્રાસ વિશે જણાવ્યું, જે કદાચ કોલોસેનાં ભાઈ-બહેનોને સારી રીતે ઓળખતા હતા. એપાફ્રાસ સતત પ્રાર્થના કરતા હતા કે ભાઈ-બહેનો ‘પરિપક્વ માણસની જેમ દૃઢ ઊભા રહે.’ (કોલો. ૪:૧૨) પાઉલ અને એપાફ્રાસ પાસેથી આપણે શું શીખી શકીએ? તેઓ સારી રીતે જાણતા હતા કે પરિપક્વ બની રહેવા ઈશ્વરની મદદની જરૂર છે અને દરેકે મહેનત કરતા રહેવાની જરૂર છે. તેઓ ચાહતા હતા કે કોલોસેનાં ભાઈ-બહેનો પણ મુશ્કેલીઓ છતાં પરિપક્વ બની રહેવા પ્રયત્ન કરતા રહે.

૧૮. એક પરિપક્વ ઈશ્વરભક્ત ધ્યાન ન રાખે તો શું થઈ શકે? (ચિત્ર પણ જુઓ.)

૧૮ પાઉલે હિબ્રૂ મંડળનાં ભાઈ-બહેનોને કહ્યું કે જો એક પરિપક્વ ઈશ્વરભક્ત ધ્યાન નહિ રાખે, તો તે કાયમ માટે ઈશ્વરની કૃપા ગુમાવી શકે છે. એ ઈશ્વરભક્તનું દિલ એટલું કઠોર થઈ શકે કે તે ક્યારેય પસ્તાવો ન કરે અને ઈશ્વર પાસે માફી ન માંગે. સારું છે કે હિબ્રૂ ભાઈ-બહેનોની હાલત એવી ન હતી. (હિબ્રૂ. ૬:૪-૯) પણ આજના સમયનાં એ ભાઈ-બહેનો વિશે શું જેઓ નિષ્ક્રિય થઈ ગયાં છે અથવા જેઓને બહિષ્કૃત કરવામાં આવ્યાં છે? જો તેઓ સાચો પસ્તાવો કરે, તો બતાવી આપે છે કે તેઓ એ લોકો જેવા નથી જેઓએ કાયમ માટે ઈશ્વરની કૃપા ગુમાવી દીધી હતી. જોકે એ વાત સાચી છે કે યહોવા પાસે પાછા ફર્યા પછી તેઓને મદદની જરૂર હોય છે. (હઝકિ. ૩૪:૧૫, ૧૬) તેઓએ યહોવા સાથેનો સંબંધ ફરીથી મજબૂત કરવાનો હોય છે. વડીલો તેઓને મદદ કરવા કદાચ કોઈ અનુભવી ભાઈ કે બહેનને કહી શકે.

એક વૃદ્ધ ભાઈ બીજા ભાઈના ઘરે જઈને તેમને બાઇબલમાંથી ઉત્તેજન આપી રહ્યા છે.

યહોવા એવા લોકોને મદદ કરે છે, જેઓ તેમની સાથે સંબંધ ફરી મજબૂત કરવા માંગે છે (ફકરો ૧૮ જુઓ)


૧૯. આપણે શું કરતા રહેવું જોઈએ?

૧૯ જો તમે પરિપક્વ બનવા કોશિશ કરી રહ્યા હો, તો ભરોસો રાખો કે તમે પરિપક્વ બની શકો છો. એ માટે નિયમિત રીતે ભારે ખોરાક, એટલે કે બાઇબલનું ઊંડું શિક્ષણ લેતા રહો અને યહોવા જેવા વિચારો કેળવતા રહો. તેમ જ, કાયમ માટે પરિપક્વ બની રહેવા મહેનત કરતા રહો.

તમે શું કહેશો?

  • પરિપક્વ ઈશ્વરભક્ત કોને કહેવાય?

  • કઈ રીતે પરિપક્વ બની શકીએ?

  • પરિપક્વ બની રહેવા કેમ મહેનત કરતા રહેવું જોઈએ?

ગીત ૪૫ આગળ ચાલો

a આમ તો હિબ્રૂ શાસ્ત્રવચનોમાં ક્યાંય “પરિપક્વ” શબ્દ વાપરવામાં નથી આવ્યો, પણ એનો વિચાર જરૂર જોવા મળે છે. દાખલા તરીકે, નીતિવચનોના પુસ્તકમાં એક ભોળા અને યુવાન માણસને કહેવામાં આવ્યું છે કે તે જ્ઞાની અને સમજુ બને.—નીતિ. ૧:૪, ૫.

b jw.org/gu અને JW લાઇબ્રેરી પર આ વીડિયો જુઓ: ખોટી માહિતીથી બચો.

c આ અંકમાં છેલ્લે આપેલો આ લેખ જુઓ: “અભ્યાસ માટે વિષય.”

d ચિત્રની સમજ: એક ભાઈ બાઇબલ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને વિચારી રહ્યા છે કે તે ટીવી પર શું જોશે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો