અભ્યાસ લેખ ૨૧
ગીત ૫૦ ઈશ્વરનો મધુર પ્રેમ
તમે કઈ રીતે યોગ્ય જીવનસાથી શોધી શકો?
“સારી પત્ની કોને મળે? તેનું મૂલ્ય કીમતી રત્નો કરતાં પણ ઘણું વધારે છે.”—નીતિ. ૩૧:૧૦.
આપણે શું શીખીશું?
આપણે અમુક બાઇબલ સિદ્ધાંતો જોઈશું, જેનાથી કુંવારાં ભાઈ-બહેનોને યોગ્ય જીવનસાથી શોધવા મદદ મળશે. એ પણ જોઈશું કે મંડળનાં ભાઈ-બહેનો તેઓને કઈ રીતે સાથ આપી શકે.
૧-૨. (ક) જો લગ્નના ઇરાદાથી તમે કોઈને વધારે ઓળખવા માંગતા હો, તો તમારે શાનો વિચાર કરવો જોઈએ? (ખ) આ અને આવતા લેખમાં આપણે શાના વિશે ચર્ચા કરીશું? (ફૂટનોટ જુઓ.)
શું તમે લગ્ન કરવા માંગો છો? એવું નથી કે ફક્ત લગ્ન કરવાથી જ ખુશી મળે છે, તોપણ ઘણા કુંવારા લોકો લગ્ન કરવાની ઇચ્છા રાખે છે, પછી ભલે તેઓ યુવાન હોય કે મોટી ઉંમરના. જો લગ્નના ઇરાદાથી તમે કોઈને વધારે ઓળખવા માંગતા હો, તો પહેલાં આ સવાલોનો વિચાર કરજો: ‘શું યહોવા સાથે મારો સંબંધ ગાઢ છે? શું હું કુટુંબનું ગુજરાન ચલાવી શકીશ? શું હું લગ્નની જવાબદારી ઉપાડવા તૈયાર છું, કે પછી હજીયે બાળકની જેમ વિચારું છું?’a (૧ કોરીં. ૭:૩૬) એ સવાલોના જવાબથી તમને ખબર પડશે કે તમે લગ્ન માટે તૈયાર છો કે નહિ. જો તમે તૈયાર હશો, તો મોટા ભાગે તમારું લગ્નજીવન ખુશીઓથી ભરેલું હશે.
૨ યોગ્ય જીવનસાથી શોધવા હંમેશાં સહેલું નથી હોતું. (નીતિ. ૩૧:૧૦) જો એવી વ્યક્તિ મળી જાય, તોપણ ગડમથલ હોય કે તેને કહેવું કઈ રીતે.b આ લેખમાં જોઈશું કે કુંવારાં ભાઈ-બહેનોને યોગ્ય જીવનસાથી શોધવા શાનાથી મદદ મળશે. એ પણ જોઈશું કે મંડળનાં ભાઈ-બહેનો તેઓને કઈ રીતે મદદ કરી શકે.
યોગ્ય જીવનસાથી શોધવા શું કરી શકો?
૩. જીવનસાથી શોધતી વખતે તમારે શાનો વિચાર કરવો જોઈએ?
૩ જો તમે લગ્ન કરવા માંગતા હો, તો પહેલાં વિચારો કે તમારા લગ્નસાથીમાં કયા ગુણો હોવા જોઈએ. એમ નહિ કરો તો શું થશે? કદાચ તમે એવી વ્યક્તિને પસંદ કરી બેસશો જે તમારા માટે યોગ્ય નથી અથવા કોઈ સારું પાત્ર તમારા ધ્યાન બહાર રહી જશે. એ વાત સાચી છે કે તમે એવી જ વ્યક્તિ પસંદ કરશો, જેણે બાપ્તિસ્મા લીધું હોય. (૧ કોરીં. ૭:૩૯) પણ જરૂરી નથી કે બાપ્તિસ્મા લીધું હોય એવી દરેક વ્યક્તિ તમારા માટે યોગ્ય જીવનસાથી સાબિત થાય. એટલે પોતાને પૂછો: ‘મારા ધ્યેયો કયા છે? જીવનસાથીમાં કયા ગુણો હોવા જરૂરી છે? શું હું વધારે પડતી અપેક્ષા રાખું છું?’
૪. અમુક ભાઈ-બહેનોએ કેવી બાબતો વિશે પ્રાર્થના કરી છે?
૪ જો તમે લગ્ન કરવા માંગતા હો, તો ચોક્કસ એ વિશે પ્રાર્થના કરી હશે. (ફિલિ. ૪:૬) જોકે યહોવા વચન નથી આપતા કે તેમના સેવકોને જીવનસાથી મળશે જ. પણ એક વાત પાકી છે, તે તમારી લાગણીઓ સમજે છે, તમારી જરૂરિયાતો જાણે છે અને યોગ્ય જીવનસાથી શોધવા તમને મદદ કરી શકે છે. એટલે તેમને પોતાની ઇચ્છાઓ અને લાગણીઓ વિશે જણાવતા રહો. (ગીત. ૬૨:૮) ધીરજ અને ડહાપણ માટે પ્રાર્થના કરતા રહો. (યાકૂ. ૧:૫) અમેરિકામાં રહેતા જૉનભાઈc કુંવારા છે. તે શાના વિશે પ્રાર્થના કરે છે? તે કહે છે: “હું યહોવાને જણાવું છું કે મારે કેવી પત્ની જોઈએ છે, તેનામાં કયા ગુણો જોવા માંગું છું. એ પણ કહું છું કે તે મને એવી કોઈ બહેનને મળાવે, જે મારા માટે યોગ્ય પત્ની બને. હું યહોવાને એ પણ કહું છું કે મને એવા ગુણો કેળવવા મદદ કરે, જેથી હું સારો પતિ બની શકું.” શ્રીલંકામાં રહેતાં તાનિયાબહેન કહે છે: “હું યોગ્ય જીવનસાથી શોધી રહી છું, પણ સાથે સાથે યહોવાને પ્રાર્થના કરું છું કે તે મને વફાદાર રહેવા, યોગ્ય વિચારો રાખવા અને ખુશ રહેવા મદદ કરે.” જો હમણાં તમને યોગ્ય જીવનસાથી ન મળે, તો નિરાશ ન થતા. થોડો વધારે સમય વીતે તોપણ યાદ રાખજો કે યહોવા હંમેશાં તમારી જરૂરિયાતો પૂરી કરશે, તમને પ્રેમ કરશે અને તમારી સંભાળ રાખશે. યહોવા પોતાનું એ વચન જરૂર પૂરું કરશે.—ગીત. ૫૫:૨૨.
૫. યહોવાને પ્રેમ કરતા કુંવારાં ભાઈ-બહેનોને મળવા તમારી પાસે કઈ તકો છે? (૧ કોરીંથીઓ ૧૫:૫૮) (ચિત્ર પણ જુઓ.)
૫ બાઇબલમાં જણાવ્યું છે: “ઈશ્વરની સેવામાં પુષ્કળ કામ છે.” (૧ કોરીંથીઓ ૧૫:૫૮ વાંચો.) જો તમે યહોવાની સેવામાં વ્યસ્ત રહેશો અને અલગ અલગ ભાઈ-બહેનો સાથે સમય વિતાવશો, તો તમને ઘણું ઉત્તેજન મળશે. તમને અનેક કુંવારાં ભાઈ-બહેનોને પણ મળવાની તક મળશે, જેઓ તમારી જેમ પૂરા દિલથી યહોવાની સેવા કરી રહ્યાં છે. યહોવાની કૃપા મેળવવા તમારાથી બનતું બધું કરજો, એનાથી સાચી ખુશી મળશે.
જો તમે યહોવાની સેવામાં વ્યસ્ત રહેશો અને અલગ અલગ ભાઈ-બહેનો સાથે સમય વિતાવશો, તો કદાચ એવાં ભાઈ-બહેનોને મળશો જેઓ લગ્ન કરવા માંગે છે (ફકરો ૫ જુઓ)
૬. જીવનસાથી શોધતી વખતે તમારે શું યાદ રાખવું જોઈએ?
૬ પણ ધ્યાન રાખજો કે યોગ્ય લગ્નસાથીની શોધ જ તમારા માટે સૌથી મહત્ત્વની ન બની જાય. (ફિલિ. ૧:૧૦) સાચી ખુશી યહોવા સાથેના પાકા સંબંધથી મળે છે, તમે કુંવારા છો કે પરણેલા એનાથી નહિ. (માથ. ૫:૩) લગ્ન ન થાય ત્યાં સુધી તમે યહોવાની સેવામાં ઘણું બધું કરી શકો છો. (૧ કોરીં. ૭:૩૨, ૩૩) એ તકનો પૂરેપૂરો ફાયદો ઉઠાવજો. અમેરિકામાં રહેતાં જેસિકાબહેનનો દાખલો લો. તેમણે લગભગ ૪૦ વર્ષની ઉંમરે લગ્ન કર્યું હતું. તે કહે છે: “મારા દિલમાં લગ્ન કરવાની ઇચ્છા તો હતી, પણ લગ્ન થયા એ પહેલાં હું પ્રચારકામમાં વ્યસ્ત રહેતી. એનાથી મને ખુશ રહેવા મદદ મળી.”
વ્યક્તિને જાણવાની કોશિશ કરો
૭. પોતાની લાગણીઓ જણાવતા પહેલાં એ જોવું કેમ સારું રહેશે કે વ્યક્તિ કેવી છે? (નીતિવચનો ૧૩:૧૬)
૭ જો તમને લાગે કે ફલાણી વ્યક્તિ તમારા માટે યોગ્ય પાત્ર છે, તો શું? શું તમે તરત જ પોતાની લાગણીઓ જણાવી દેશો? બાઇબલમાં જણાવ્યું છે કે સમજદાર વ્યક્તિ કોઈ પણ પગલું ભરતા પહેલાં માહિતી મેળવે છે. (નીતિવચનો ૧૩:૧૬ વાંચો.) એટલે સારું રહેશે કે પોતાની લાગણીઓ જણાવતા પહેલાં થોડો સમય જવા દો અને ધ્યાનથી જુઓ કે એ વ્યક્તિ કેવી છે. પણ એ માટે તેની સાથે સમય પસાર કરવો જરૂરી નથી. નેધરલૅન્ડમાં રહેતા ઍશવિનભાઈ કહે છે: “તમારી લાગણીઓ બદલાઈ શકે છે. એક પળે તમને કોઈ ગમે, તો બીજી જ પળે એ ન પણ ગમે. એટલે વ્યક્તિ કેવી છે એ જોવા થોડો સમય લો. આ રીતે તમે લાગણીઓમાં વહી જઈને તેની સાથે સમય વિતાવાનું શરૂ નહિ કરી દો.” વધુમાં, આ રીતે પરખ કરવાથી કદાચ તમને ખ્યાલ આવે કે એ વ્યક્તિ તમારા માટે યોગ્ય નથી.
૮. જો તમને કોઈ પસંદ હોય, તો તેના વિશે વધારે જાણવા શું કરી શકો? (ચિત્ર પણ જુઓ.)
૮ એ વ્યક્તિ વિશે વધારે જાણવા તમે શું કરી શકો? સભાઓમાં કે બીજા પ્રસંગોએ આવી બાબતો નોંધી શકો: તે કઈ રીતે વર્તે છે? તેનો સ્વભાવ કેવો છે? યહોવા સાથેનો તેનો સંબંધ કેટલો ગાઢ છે? તેના મિત્રો કેવા છે? તે કેવી વાતો કરે છે? (લૂક ૬:૪૫) તેના ધ્યેયો કયા છે? શું એ તમારા ધ્યેયો સાથે મેળ ખાય છે? તમે કદાચ તેના મંડળના વડીલો અથવા અનુભવી ભાઈ-બહેનો સાથે વાત કરી શકો, જેઓ તેને સારી રીતે ઓળખે છે. (નીતિ. ૨૦:૧૮) તમે પૂછી શકો કે મંડળમાં એ વ્યક્તિની શાખ કેવી છે અને તેનામાં કયા ગુણો છે. (રૂથ ૨:૧૧) પણ આ વાતનું ધ્યાન રાખો: તેની ઝીણામાં ઝીણી માહિતી કઢાવવાની કોશિશ ન કરો. ચોવીસે કલાક તેની આજુબાજુ ફર્યા ન કરો. ટૂંકમાં, એવું કંઈ ન કરો જેનાથી તે શરમાઈ જાય.
પોતાની લાગણીઓ જણાવતા પહેલાં થોડો સમય વીતવા દો અને જુઓ કે એ વ્યક્તિ કેવી છે (ફકરા ૭-૮ જુઓ)
૯. કોઈને પોતાની લાગણીઓ જણાવતા પહેલાં તમને શાની ખાતરી હોવી જોઈએ?
૯ જો તમને કોઈ ગમી જાય અને તેને વધારે ઓળખવા માંગતા હો, તો તમારે ક્યારે પોતાની લાગણીઓ જણાવવી જોઈએ? જો પોતાની લાગણીઓ તરત જણાવી દેશો, તો તેને લાગી શકે કે તમે ઉતાવળે નિર્ણય લો છો. (નીતિ. ૨૯:૨૦) બીજી બાજુ, જો સામેવાળી વ્યક્તિને તમારી લાગણીઓ વિશે ખ્યાલ આવી જાય અને તમે એ વિશે જણાવવામાં મોડું કરો, તો તેને લાગી શકે કે તમે નિર્ણય લેતા બહુ અચકાઓ છો. (સભા. ૧૧:૪) યાદ રાખજો, કોઈને પોતાની લાગણીઓ જણાવતા પહેલાં એવું મન ન બનાવી લેતા કે તમે તેની સાથે જ લગ્ન કરશો. બસ તમને ખાતરી હોવી જોઈએ કે તમે લગ્ન કરવા તૈયાર છો અને એ વ્યક્તિ તમારા માટે યોગ્ય જીવનસાથી બની શકે છે.
૧૦. જો તમને ખ્યાલ આવે કે કોઈ તમને પસંદ કરે છે, પણ તમને તેનામાં રસ નથી, તો તમે શું કરી શકો?
૧૦ ધારો કે તમને ખ્યાલ આવે છે કે કોઈ તમને પસંદ કરે છે. હવે તમે શું કરશો? જો તમને તેનામાં રસ ન હોય, તો એ તમારાં વાણી-વર્તનથી સાફ બતાવી આપો. નહિતર સામેવાળી વ્યક્તિને લાગશે કે તમને તેનામાં રસ છે.—૧ કોરીં. ૧૦:૨૪; એફે. ૪:૨૫.
૧૧. જો તમને કોઈના માટે જીવનસાથી શોધવાનું કહેવામાં આવે, તો તમારે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ?
૧૧ અમુક સમાજમાં મમ્મી-પપ્પા અથવા ઘરના વડીલો કુંવારી વ્યક્તિનું લગ્ન નક્કી કરે છે. બીજા અમુક સમાજમાં કુટુંબીજનો અથવા મિત્રો કુંવારી વ્યક્તિ માટે છોકરો કે છોકરી શોધે છે અને પછી બંનેની મુલાકાત કરાવે છે, જેથી તેઓ પારખી શકે કે એકબીજા માટે યોગ્ય છે કે નહિ. જો તમને કોઈના માટે જીવનસાથી શોધવાનું કહેવામાં આવે, તો શું કરી શકો? વિચારો કે બંનેની પસંદ-નાપસંદ શું છે અને તેઓને કેવા જીવનસાથી જોઈએ છે. જો તમને પોતાના દોસ્ત કે સગા માટે એવી કોઈ વ્યક્તિ મળી જાય, તો તેના ગુણો અને સ્વભાવ જુઓ. પણ સૌથી મહત્ત્વનું, એ જુઓ કે યહોવા સાથેનો તેનો સંબંધ કેટલો મજબૂત છે. પૈસા, ભણતર કે સામાજિક માન-મોભા કરતાં યહોવા સાથેનો સંબંધ વધારે મહત્ત્વનો છે. એ પણ યાદ રાખજો કે છેવટે લગ્ન કરવું કે નહિ, એ છોકરા-છોકરીના હાથમાં છે, એ હક તમારો નથી.—ગલા. ૬:૫.
જો કોઈ વ્યક્તિ ગમી જાય તો શું કરવું?
૧૨. જો તમે કોઈને ઓળખવા માંગતા હો, તો તેને કઈ રીતે જણાવી શકો?
૧૨ જો તમને કોઈ વ્યક્તિ ગમી જાય અને તેને વધારે ઓળખવા માંગતા હો, તો શું કરી શકો?d તમે ઑડિયો અથવા વીડિયો કોલ દ્વારા તેની સાથે વાત કરી શકો અથવા તેને જાહેર જગ્યાએ મળીને જણાવી શકો. સાફ શબ્દોમાં કહો કે તમે તેને પસંદ કરો છો અને તેને વધારે ઓળખવા માંગો છો. (૧ કોરીં. ૧૪:૯) જરૂર પડે તો તેને વિચારવા વધારે સમય આપો. (નીતિ. ૧૫:૨૮) જો એ વ્યક્તિ ના પાડી દે, તો તેની લાગણીઓને માન આપો.
૧૩. જો કોઈ કહે કે તે તમને પસંદ કરે છે, તો તમે શું કરી શકો? (કોલોસીઓ ૪:૬)
૧૩ જો કોઈ આવીને તમને કહે કે તે તમને પસંદ કરે છે, તો તમે શું કરશો? એ કહેવા તેને ખૂબ હિંમતની જરૂર પડી હશે, એટલે તેની સાથે માનથી વાત કરો અને માયાળુ શબ્દો વાપરો. (કોલોસીઓ ૪:૬ વાંચો.) જો તમને વિચારવા સમય જોઈતો હોય, તો એ જણાવો. પણ બને એટલો જલદી જવાબ આપો. (નીતિ. ૧૩:૧૨) જો તમને તેનામાં રસ ન હોય, તો નરમાશથી પણ સાફ શબ્દોમાં જણાવો. ઑસ્ટ્રિયામાં રહેતા હાન્સભાઈનો દાખલો લો. એક છોકરીએ આવીને તેમને જણાવ્યું કે તે તેમને પસંદ કરે છે. એ સમયે હાન્સભાઈએ શું કર્યું? તે કહે છે: “મેં નરમાશથી, પણ સાફ શબ્દોમાં તેને મારો નિર્ણય જણાવ્યો. મેં તેને તરત જવાબ આપ્યો, જેથી તેના મનમાં ખોટાં અરમાન ન જાગે. પછી પણ તેને કોઈ ગેરસમજ ન થાય એટલે હું મારાં વાણી-વર્તનનું ધ્યાન રાખતો.” બીજી બાજુ, જો તમે એ વ્યક્તિને વધારે ઓળખવા માંગતા હો, તો તેને પોતાની લાગણીઓ જણાવો. સાથે મળીને ચર્ચા કરો કે તમે શું કરશો: જેમ કે, એકબીજા સાથે કેટલો સમય વિતાવશો, તમે લગ્નના ઇરાદાથી એકબીજાને ઓળખી રહ્યા છો એ વિશે કોને કોને જણાવશો, વગેરે. એમ કરવું સારું રહેશે, કેમ કે સમાજ અથવા બીજાં કારણોને લીધે તમારા બંનેના વિચારો અલગ હોય શકે છે.
બીજાઓ કઈ રીતે કુંવારાં ભાઈ-બહેનોને સાથ આપી શકે?
૧૪. આપણી વાતોથી કઈ રીતે કુંવારાં ભાઈ-બહેનોને સાથ આપી શકીએ?
૧૪ જે લોકો લગ્ન કરવા માંગે છે, તેઓને મંડળનાં ભાઈ-બહેનો કઈ રીતે સાથ આપી શકે? એક રીત છે, તેઓ સાથે સમજી-વિચારીને વાત કરીએ. (એફે. ૪:૨૯) પોતાને આ સવાલો પૂછી શકીએ: ‘શું હું એવાં ભાઈ-બહેનોને ચીડવ્યા કરું છું, જેઓ લગ્ન કરવા માંગે છે? જ્યારે મંડળમાં કોઈ છોકરા કે છોકરીને એકબીજા સાથે વાત કરતા જોઉં છું, ત્યારે શું હું ધારી લઉં છું કે તેઓ એકબીજાને પસંદ કરે છે?’ (૧ તિમો. ૫:૧૩) વધુમાં, આપણાં વાણી-વર્તનથી કુંવારાં ભાઈ-બહેનોને ક્યારેય એવું ન લાગવું જોઈએ કે લગ્ન વગર તેઓ અધૂરાં છે. આપણે અગાઉ હાન્સભાઈ વિશે જોઈ ગયા. તે કહે છે: “અમુક ભાઈઓ મને કહે છે, ‘તું લગ્ન કેમ નથી કરતો? આમેય હવે તારી ઉંમર થઈ ગઈ છે.’ આવી વાતો સાંભળીને કુંવારાં ભાઈ-બહેનોને લાગે છે કે કોઈ તેઓની કદર નથી કરતું. તેઓ કદાચ લગ્ન કરી લેવાનું દબાણ અનુભવે.” એવી વાતો કરવાને બદલે કુંવારાં ભાઈ-બહેનોના વખાણ કરીએ તો કેવું સારું!—૧ થેસ્સા. ૫:૧૧.
૧૫. (ક) કોઈને જીવનસાથી શોધવા મદદ કરવી હોય, તો શાનું ધ્યાન રાખવું જોઈએ? (રોમનો ૧૫:૨) (ચિત્ર પણ જુઓ.) (ખ) વીડિયોમાંથી તમને શું શીખવા મળ્યું? (ફૂટનોટ જુઓ.)
૧૫ જો તમને લાગે કે ફલાણાં છોકરા-છોકરીની જોડી સરસ જામશે, તો શું કરી શકો? બાઇબલમાં જણાવ્યું છે કે આપણે બીજાઓની લાગણીઓનો વિચાર કરવો જોઈએ. (રોમનો ૧૫:૨ વાંચો.) ઘણાં કુંવારાં ભાઈ-બહેનો નથી ચાહતાં કે બીજાઓ તેમને જીવનસાથી શોધવા મદદ કરે. આપણે તેઓની ઇચ્છાને માન આપવું જોઈએ. (૨ થેસ્સા. ૩:૧૧) બીજાં અમુક કુંવારાં ભાઈ-બહેનો ચાહે છે કે બીજાઓ તેઓને મદદ કરે. પણ તેઓ આપણને સામેથી મદદ માટે પૂછે એની રાહ જોઈએ.e (નીતિ. ૩:૨૭) અમુક લોકોને એવું ન ગમે કે કોઈ તેઓને અચાનક જ છોકરા કે છોકરી સાથે મળાવી દે. જર્મનીમાં રહેતાં લીડિયાબહેન કહે છે: “તમે કદાચ અમુક પ્રસંગોએ એ ભાઈ કે બહેનને બોલાવી શકો. આ રીતે તેઓને એકબીજાને મળવાનો સરસ મોકો મળશે અને પછી બધું તેઓના હાથમાં છોડી દો.”
ઘણા લોકો ભેગા મળ્યા હોય ત્યારે કુંવારાં ભાઈ-બહેનો પાસે એકબીજાને મળવાની તક હોય છે (ફકરો ૧૫ જુઓ)
૧૬. કુંવારાં ભાઈ-બહેનોએ શું યાદ રાખવું જોઈએ?
૧૬ ભલે આપણે કુંવારા હોઈએ કે પરણેલા, આપણે ખુશ રહી શકીએ છીએ! (ગીત. ૧૨૮:૧) એટલે જો તમે લગ્ન કરવા માંગતા હો, પણ હજી સુધી યોગ્ય પાત્ર મળ્યું ન હોય, તો નિરાશ ન થશો. તન-મનથી યહોવાની સેવા કરતા રહો. મકાઉમાં રહેતાં સીન-યી નામનાં બહેન કહે છે: “હું ક્યારેક વિચારું છું કે નવી દુનિયામાં જીવનસાથી સાથે આપણે કેટલો બધો સમય વિતાવીશું! એની સરખામણીમાં આપણે હમણાં કુંવારા રહીએ, એ સમય તો કંઈ જ નથી. એટલે, લગ્ન ન થાય ત્યાં સુધી એ સમયનો સૌથી સારો ઉપયોગ કરો અને ખુશ રહો.” પણ જો તમને કોઈ વ્યક્તિ ગમી ગઈ હોય અને તેને ઓળખવા સાથે સમય વિતાવી રહ્યા હો, તો સારો નિર્ણય લેવા તમે કઈ વાતોનું ધ્યાન રાખી શકો? એ વિશે હવે પછીના લેખમાં જોઈશું.
ગીત ૩ ઈશ્વર પ્રેમ છે
a તમે લગ્ન કરવા તૈયાર છો કે નહિ એ જાણવા jw.org/hi પર આપેલા આ લેખથી તમને મદદ મળશે: “ડેટિંગ—ભાગ ૧: ક્યા મેં ડેટિંગ કે લિયે તૈયાર હું?”
b લગ્નનો નિર્ણય લેતા પહેલાં એક છોકરો અને છોકરી એકબીજાને ઓળખવા સમય વિતાવે છે, જેથી નક્કી કરી શકે કે તેઓ એકબીજા માટે યોગ્ય જીવનસાથી સાબિત થશે કે નહિ. એ સમયગાળા વિશે આ લેખમાં અને હવે પછીના લેખમાં જોઈશું. છોકરો અને છોકરી એકબીજાને સ્પષ્ટ જણાવે કે તેઓ એકબીજાને પસંદ કરે છે ત્યારથી એ સમયગાળો શરૂ થાય છે. તેઓ લગ્ન કરવાનું નક્કી કરે અથવા આગળ ન વધવાનો નિર્ણય લે ત્યાં સુધી એ સમયગાળો ચાલે છે.
c અમુક નામ બદલ્યાં છે.
d અમુક જગ્યાએ મોટા ભાગે એક ભાઈ જઈને બહેનને જણાવે છે કે તે લગ્નના ઇરાદાથી તેને ઓળખવા માંગે છે. પણ જો બહેન એમ કરવામાં પહેલ કરે, તો એમાં કંઈ ખોટું નથી. (રૂથ ૩:૧-૧૩) વધારે માહિતી માટે ઑક્ટોબર ૨૨, ૨૦૦૪ સજાગ બનો!માં (અંગ્રેજી) આવેલો આ લેખ જુઓ: “યુવાનો પૂછે છે . . . તેને મારી લાગણીઓ કઈ રીતે જણાવું?”
e jw.org/gu પર આ વીડિયો જુઓ: શ્રદ્ધામાં અડગ—જેઓ કુંવારા છે.