અભ્યાસ લેખ ૨૨
ગીત ૨૯ ચાલું તારી સંગે
વ્યક્તિને ઓળખો, લગ્ન માટે સારો નિર્ણય લો
‘તમારો શણગાર અંદરનો હોય, જે ઘણો મૂલ્યવાન છે.’—૧ પિત. ૩:૪.
આપણે શું શીખીશું?
જેઓ લગ્ન કરવા માંગે છે, તેઓ કઈ રીતે સારા નિર્ણયો લઈ શકે? મંડળનાં ભાઈ-બહેનો તેઓને કઈ રીતે સાથ આપી શકે?
૧-૨. લગ્ન પહેલાં એકબીજાને ઓળખવા વિશે અમુક ભાઈ-બહેનોને કેવું લાગે છે?
શું તમે લગ્નના ઇરાદાથી કોઈને ઓળખવા સમય વિતાવી રહ્યા છો? એ સમય ખુશનુમા હોય છે અને તમે પણ એની મજા માણવા માંગતા હશો. ઘણાં યુગલો માટે એ ખુશીનો સમય રહ્યો છે. ઇથિયોપિયામાં રહેતાં સિયોનબહેનa કહે છે: “લગ્ન પહેલાંના દિવસો એકદમ સોનેરી હતા. અમે ઘણી મહત્ત્વની બાબતો પર ચર્ચા કરી, ઘણી મજાક-મસ્તી પણ કરી. જ્યારે મને અહેસાસ થયો કે આ જ મારો હમસફર છે, જે મને પ્રેમ કરે છે અને જેને હું પ્રેમ કરું છું, ત્યારે મારું રોમેરોમ ખુશીથી ઝૂમી ઊઠ્યું.”
૨ નેધરલૅન્ડમાં રહેતા એલેસિયોભાઈ કહે છે: “લગ્ન પહેલાં મને મારી પત્નીને ઓળખવાનો સરસ મોકો મળ્યો. ખુશી તો હતી, જોકે અમુક મુશ્કેલીઓ પણ આવી.” આ લેખમાં આપણે જોઈશું: લગ્નના ઇરાદાથી સમય વિતાવી રહેલાં છોકરા-છોકરી સામે કઈ મુશ્કેલીઓ આવી શકે? તેઓ કઈ રીતે સારા નિર્ણયો લઈ શકે? એ માટે કયા બાઇબલ સિદ્ધાંતો મદદ કરી શકે? મંડળનાં ભાઈ-બહેનો તેઓને કઈ રીતે સાથ આપી શકે?
એકબીજાને ઓળખવાનો હેતુ
૩. એકબીજાને ઓળખવા કેમ જરૂરી છે? (નીતિવચનો ૨૦:૨૫)
૩ લગ્ન માટે સારો નિર્ણય લેતા પહેલાં એક છોકરો અને છોકરી એકબીજાને સારી રીતે ઓળખે એ બહુ જરૂરી છે. કેમ કે આગળ જતાં તેઓ એના જ આધારે લગ્નનો નિર્ણય લેશે. લગ્નના દિવસે એક યુગલ યહોવા આગળ વચન આપે છે કે તેઓ જીવશે ત્યાં સુધી એકબીજાને પ્રેમ કરશે અને માન આપશે. બાઇબલમાં જણાવ્યું છે કે કોઈ પણ વચન આપતા પહેલાં ઊંડો વિચાર કરવો જોઈએ. (નીતિવચનો ૨૦:૨૫ વાંચો.) લગ્નના વચન વિશે પણ એ એટલું જ સાચું છે. એકબીજાને ઓળખ્યા પછી અમુક લોકો લગ્ન કરવાનો નિર્ણય લે, તો બીજા અમુક લોકો આગળ ન વધવાનો નિર્ણય લે. જો છોકરા-છોકરી છૂટાં પડી જાય, તો એનો એવો અર્થ નથી કે તેઓએ કંઈ ખોટું કર્યું છે. એનો અર્થ થાય કે તેઓ એકબીજા માટે યોગ્ય નથી, એ તેઓએ જાણી લીધું છે.
૪. આપણે બધાએ શું યાદ રાખવું જોઈએ અને શા માટે?
૪ કુંવારાં ભાઈ-બહેનોએ યાદ રાખવું જોઈએ કે લગ્નનો નિર્ણય લેતા પહેલાં એકબીજાને ઓળખવાનો હેતુ કયો છે. એ હેતુ યાદ રાખવાથી તેઓને કેવો ફાયદો થશે? તેઓ એવી વ્યક્તિ સાથે સમય નહિ વિતાવે, જેની સાથે લગ્ન જ કરવા માંગતાં નથી. ફક્ત કુંવારાં ભાઈ-બહેનોએ જ નહિ, આપણે બધાએ એ હેતુ યાદ રાખવો જોઈએ. કારણ કે અમુકને લાગે છે કે જો કોઈ છોકરો અને છોકરી એકબીજા સાથે સમય વિતાવે, તો તેઓએ લગ્ન કરવું જ જોઈએ. પણ એવા વિચારોની કુંવારાં ભાઈ-બહેનો પર કેવી અસર થાય છે? અમેરિકામાં રહેતાં મેલિસાબહેન કુંવારાં છે. તે કહે છે: “લગ્નના ઇરાદાથી એકબીજાને ઓળખવા માંગતાં છોકરા-છોકરી પર લગ્નનું સખત દબાણ હોય છે. પરિણામે, જો તેઓને ખ્યાલ આવી ગયો હોય કે તેઓ એકબીજા માટે યોગ્ય નથી, તોપણ સંબંધનો અંત લાવતા ડરે છે. અમુક તો લગ્ન પહેલાં એકબીજાને ઓળખવા જ નથી માંગતા. એ દબાણ સહેવું બહુ અઘરું હોય છે.”
એકબીજાને સારી રીતે ઓળખો
૫-૬. લગ્ન કરવા માંગતાં છોકરા-છોકરીએ એકબીજા વિશે શું જાણવું જોઈએ? (૧ પિતર ૩:૪)
૫ તમે જેની સાથે સમય વિતાવી રહ્યા છો, તેની સાથે લગ્ન કરવા કે નહિ એ નક્કી કરવા શાનાથી મદદ મળશે? એકબીજાને સારી રીતે ઓળખવાથી. તમે કોઈની સાથે સમય વિતાવવાનું નક્કી કર્યું એ પહેલાં કદાચ તેના વિશે થોડું-ઘણું જાણ્યું હશે. પણ હવે તમારી પાસે એ જાણવાનો સરસ મોકો છે કે એ વ્યક્તિનો ‘અંદરનો શણગાર’ કેવો છે. (૧ પિતર ૩:૪ વાંચો.) એટલે કે યહોવા સાથેના તેના સંબંધ વિશે, તેના સ્વભાવ અને વિચારો વિશે વધારે જાણી શકો છો. સમય જતાં, તમારી પાસે આ સવાલોના જવાબ હશે: ‘શું એ વ્યક્તિ મારા માટે યોગ્ય જીવનસાથી સાબિત થશે?’ (નીતિ. ૩૧:૨૬, ૨૭, ૩૦; એફે. ૫:૩૩; ૧ તિમો. ૫:૮) ‘શું અમે એકબીજાને એવાં પ્રેમ અને હૂંફ આપી શકીશું, જેની અમને બંનેને જરૂર છે? શું તેની ખામીઓને નજરઅંદાજ કરવી મારા માટે સહેલું હશે?’b (રોમ. ૩:૨૩) તમે એકબીજાને ઓળખવા લાગો તેમ આ વાત યાદ રાખો: તમારા બંને વચ્ચે શું મળતું આવે છે એ નહિ, પણ એકબીજામાં જે અલગ છે એની સાથે જીવવા તૈયાર છો કે નહિ એ વધારે મહત્ત્વનું છે.
૬ બીજી શાના વિશે વાત કરવી જોઈએ? એકબીજા માટે તમારી લાગણીઓ વધે એ પહેલાં તમારે અમુક મહત્ત્વની વાતો પર ચર્ચા કરવી જોઈએ. જેમ કે, તે આગળ જતાં શું કરવા માંગે છે? તમે કદાચ અમુક અંગત પ્રશ્ન પૂછવાનું પણ વિચારો. જેમ કે, કોઈ બીમારી કે આર્થિક મુશ્કેલી વિશે પૂછી શકો. ભૂતકાળમાં બનેલા કોઈ બનાવ વિશે પણ પૂછી શકો, જેના લીધે તેના વિચારો, લાગણીઓ અને વર્તન પર અસર થઈ હોય. જોકે, એકદમ શરૂઆતમાં જ એ બધા વિશે વાત કરવી જરૂરી નથી. (યોહાન ૧૬:૧૨ સરખાવો.) જો તમને લાગતું હોય કે અમુક અંગત વાતો વિશે જવાબ આપવા તમે હમણાં તૈયાર નથી, તો સામેવાળી વ્યક્તિને એ જણાવો. પણ સમય જતાં તેણે એ જવાબો જાણવાની જરૂર પડશે, કેમ કે એનાથી તેને સારો નિર્ણય લેવા મદદ મળશે. એટલે એ સમયે ખુલ્લા દિલે વાત કરજો.
૭. છોકરા-છોકરી કઈ રીતે એકબીજાને ઓળખી શકે? (“જ્યારે એક વ્યક્તિ દૂર રહેતી હોય, ત્યારે શું?” બૉક્સ પણ જુઓ.) (ચિત્રો પણ જુઓ.)
૭ તમે કઈ રીતે જાણી શકો કે વ્યક્તિ અંદરથી કેવી છે? એક રીત છે, સવાલો પૂછો અને ધ્યાનથી સાંભળો. એકબીજા સાથે ખુલ્લા દિલે વાત કરો, કંઈ પણ ન છુપાવો. (નીતિ. ૨૦:૫; યાકૂ. ૧:૧૯) એ માટે તમે કદાચ અમુક કામ સાથે મળીને કરી શકો, જેથી ખૂલીને વાત કરવાનો મોકો મળે. જેમ કે, સાથે જમી શકો, બહાર ચાલવા જઈ શકો અથવા સાથે પ્રચારમાં જઈ શકો. દોસ્તો અથવા કુટુંબીજનો સાથે સમય વિતાવતી વખતે પણ એકબીજાને સારી રીતે ઓળખી શકો. તમે બીજી અમુક ગોઠવણો પણ કરી શકો, જેથી જોવા મળે કે એ વ્યક્તિ અલગ અલગ સંજોગોમાં અને અલગ અલગ લોકો સાથે કઈ રીતે વર્તે છે. નેધરલૅન્ડમાં રહેતા ઍશવિનભાઈના દાખલા પર ધ્યાન આપો. લગ્ન પહેલાં તેમણે એલીસિયાબહેન સાથે જે સમય વિતાવ્યો એ વિશે તે કહે છે: “અમે અમુક કામ સાથે મળીને કરતા, જેથી એકબીજાને સારી રીતે ઓળખી શકીએ. જેમ કે, ઘણી વાર સાથે જમવાનું બનાવતા અથવા બીજાં અમુક નાનાં-મોટાં કામ કરતા. એ વખતે અમે એકબીજાનાં સારા ગુણો અને નબળાઈઓ જોઈ શક્યાં.”
તમે સાથે મળીને એવાં અમુક કામો કરી શકો, જેનાથી એકબીજા સાથે સારી એવી વાતચીત કરવાનો મોકો મળે. આમ તમે એકબીજાને સારી રીતે ઓળખી શકશો (ફકરા ૭-૮ જુઓ)
૮. સાથે મળીને અભ્યાસ કરવાથી કેવો ફાયદો થશે?
૮ એકબીજાને સારી રીતે ઓળખવા તમે બાઇબલના અમુક વિષયો પર અભ્યાસ કરી શકો. જો તમે લગ્ન કરશો, તો તમારે કુટુંબ તરીકેની ભક્તિ માટે સમય કાઢવો પડશે, જેથી યહોવા તમારા લગ્નજીવનનો મહત્ત્વનો ભાગ બની રહે. (સભા. ૪:૧૨) તો પછી અત્યારે જ અભ્યાસ માટે સમય કાઢો. ખરું કે, હમણાં તમે પતિ-પત્ની નથી અને ભાઈ કુટુંબના શિર નથી. પણ સાથે મળીને અભ્યાસ કરવાથી તમે જાણી શકશો કે તમારા બંનેનો યહોવા સાથેનો સંબંધ કેવો છે. અમેરિકામાં રહેતાં મૅક્સભાઈ અને લાયસાબહેનને એવું કરવાથી બીજો એક ફાયદો થયો. મૅક્સભાઈ કહે છે: “એકબીજાને ઓળખવાનું શરૂ કર્યું ત્યારથી જ અમે એવાં સાહિત્યનો અભ્યાસ કરતા, જેમાં લગ્ન પહેલાંની મુલાકાતો, લગ્ન અને કુટુંબ વિશે માહિતી હોય. એનાથી અમે અમુક મહત્ત્વના વિષયો પર સહેલાઈથી વાત કરી શક્યા, જેના પર વાત કરવી કદાચ અમારા માટે અઘરું હોત.”
બીજી કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ?
૯. બીજાઓને જણાવતા પહેલાં કઈ વાતોનું ધ્યાન રાખી શકો?
૯ તમે એકબીજાને ઓળખવા સમય વિતાવો છો એ વિશે કોને જણાવશો? એ તમે બંને સાથે મળીને નક્કી કરી શકો. શરૂઆતમાં તમે કદાચ અમુક જ લોકોને જણાવવાનું વિચારો. (નીતિ. ૧૭:૨૭) એમ કરવાથી તમે કદાચ લોકોના સવાલોથી અને નિર્ણય લેવાના દબાણથી બચી શકશો. પણ જો કોઈને નહિ જણાવો, તો પકડાઈ જવાના ડરથી તમે કદાચ છુપાઈ છુપાઈને મળો. પણ એમાં જોખમ છે, કેમ કે તમે કદાચ ખોટું કામ કરી બેસો. એટલે સારું રહેશે કે એવા લોકોને જણાવો, જેઓ તમને સારી સલાહ આપી શકે છે અને જરૂરી મદદ કરી શકે છે. (નીતિ. ૧૫:૨૨) જેમ કે, કુટુંબના અમુક સભ્યોને, અમુક દોસ્તોને અથવા મંડળના વડીલોને જણાવી શકો.
૧૦. છોકરા-છોકરી કઈ રીતે પોતાનાં વાણી-વર્તન શુદ્ધ રાખી શકે? (નીતિવચનો ૨૨:૩)
૧૦ તમે કઈ રીતે પોતાનાં વાણી-વર્તન શુદ્ધ રાખી શકો? લાગણીઓ ખીલતી જશે તેમ તમે આપોઆપ એકબીજા તરફ આકર્ષાશો. એ સમયે યહોવાની નજરે શુદ્ધ રહેવા શું કરી શકો? (૧ કોરીં. ૬:૧૮) ગંદી કે અશ્લીલ વાતો ટાળો. એકલા એકલા ન મળો અને વધુ પડતો દારૂ ન પીઓ. (એફે. ૫:૩) એ બધાથી જાતીય ઇચ્છાઓ ભડકી શકે છે અને શુદ્ધ રહેવાનો તમારો ઇરાદો નબળો પડી શકે છે. એટલે સારું રહેશે કે તમે સમયે સમયે વાત કરો કે એકબીજાની ઇચ્છાઓનું માન રાખવા અને યહોવાનાં ધોરણોને વળગી રહેવા શું કરશો. (નીતિવચનો ૨૨:૩ વાંચો.) ધ્યાન આપો કે ઇથિયોપિયામાં રહેતા ડાવિતભાઈ અને અલમાઝબહેનને શાનાથી મદદ મળી. તેઓ કહે છે: “અમે એવી જગ્યાએ મળવાનું પસંદ કરતા જ્યાં ઘણા લોકો હોય અથવા અમારા દોસ્તો અમારી સાથે હોય. અમે ક્યારેય કારમાં એકલા ન જતાં અથવા ઘરે એકલા ન રહેતાં. આમ અમે લાલચ જાગે એવા સંજોગો ટાળી શક્યાં.”
૧૧. જાહેરમાં લાગણી બતાવવા વિશે શું ધ્યાનમાં રાખવું જોઈએ?
૧૧ શું જાહેરમાં એકબીજા માટે લાગણી બતાવવી જોઈએ? પ્રેમ વધતો જાય એમ તમે કદાચ અમુક રીતે લાગણી બતાવવાનું નક્કી કરો. પણ જો એનાથી તમારી જાતીય ઇચ્છાઓ જાગી ઊઠે, તો તમે એ વ્યક્તિ વિશે યોગ્ય નિર્ણય નહિ લઈ શકો. (ગી.ગી. ૧:૨; ૨:૬) એવું પણ બને કે તમે પોતાનો કાબૂ ગુમાવી બેસો અને કંઈ ખોટું કરી બેસો. (નીતિ. ૬:૨૭) એટલે યહોવાનાં ધોરણો વિશે તેમજ લાગણી બતાવવા તમે શું કરશો અને શું નહિ કરો એની શરૂઆતથી જ ચર્ચા કરો.c (૧ થેસ્સા. ૪:૩-૭) તમે બંને આ સવાલો પર વિચાર કરી શકો: ‘જો અમે જાહેરમાં લાગણી બતાવીશું, તો આસપાસના લોકોને કેવું લાગશે? શું એવું કરવાથી અમારા બંનેમાંથી કોઈની પણ જાતીય ઇચ્છાઓ જાગી ઊઠશે?’
૧૨. જો મતભેદો થાય, તો શાનો વિચાર કરવો જોઈએ?
૧૨ મુશ્કેલીઓ આવે અથવા મતભેદ થાય ત્યારે શું કરશો? જો તમારી વચ્ચે અમુક વાર મતભેદ થાય, તો શું એનો એવો અર્થ થાય કે તમે એકબીજા માટે યોગ્ય નથી? ના, એવું જરૂરી નથી. દરેક યુગલમાં મતભેદ થાય છે. પણ જ્યારે બંને જણ એકબીજાને માન આપે છે અને પોતાના વિચારોમાં ફેરફાર કરવા તૈયાર હોય છે, ત્યારે જ લગ્નસંબંધ મજબૂત થાય છે. એટલે આજે તમે જે રીતે મુશ્કેલીનો હલ લાવો છો, એનાથી કદાચ ખબર પડશે કે તમારું લગ્નજીવન મજબૂત રહેશે કે નહિ. સાથે મળીને આ સવાલો પર વિચાર કરો: ‘મુશ્કેલી આવે ત્યારે શું અમે શાંતિથી અને માનથી વાત કરીએ છીએ? શું અમે તરત પોતાની ભૂલ સ્વીકારીએ છીએ અને સુધારો કરવાની કોશિશ કરીએ છીએ? શું અમે જતું કરવા, માફી માંગવા કે માફ કરવા તૈયાર છીએ?’ (એફે. ૪:૩૧, ૩૨) પણ જો તમારી વચ્ચે વારંવાર મતભેદ થતા હોય, તો મોટા ભાગે લગ્ન પછી પણ આવી જ હાલત રહેશે. જો તમને ખ્યાલ આવે કે સામેવાળી વ્યક્તિ તમારા માટે યોગ્ય નથી, તો છૂટા પડવું એ તમારા બંને માટે સારું રહેશે.d
૧૩. એકબીજાને ઓળખવા કેટલો સમય જોઈએ?
૧૩ એકબીજાને ઓળખવા કેટલો સમય જોઈએ? સામેવાળી વ્યક્તિને સારી રીતે ઓળખી લો એટલો સમય પૂરતો છે. કેમ કે ઉતાવળે લીધેલા નિર્ણયનાં ઘણી વાર ખરાબ પરિણામ આવે છે. (નીતિ. ૨૧:૫) જોકે, એકબીજાને ઓળખવા જરૂર કરતાં વધારે સમય ન લેશો. બાઇબલમાં લખ્યું છે: “આશા પૂરી થવામાં વાર લાગે તો માણસ નિરાશ થઈ જાય છે.” (નીતિ. ૧૩:૧૨) સાથે વધારે સમય વિતાવવામાં બીજું એક જોખમ પણ છે. એનાથી જાતીય ઇચ્છા પર કાબૂ રાખવો વધારે અઘરું બનશે. (૧ કોરીં. ૭:૯) એટલે કેટલો સમય લેવો જોઈએ એવું વિચારવાને બદલે પોતાને પૂછો: ‘હા કે ના પાડવા મારે સામેવાળી વ્યક્તિ વિશે હજુ શું જાણવાનું બાકી છે?’
મંડળનાં ભાઈ-બહેનો કઈ રીતે સાથ આપી શકે?
૧૪. મંડળનાં ભાઈ-બહેનો કઈ રીતે મદદ કરી શકે? (ચિત્ર પણ જુઓ.)
૧૪ જો આપણે જાણતા હોઈએ કે મંડળનો કોઈ છોકરો અને છોકરી એકબીજાને ઓળખવા મળી રહ્યાં છે, તો તેઓને કઈ રીતે મદદ કરી શકીએ? તેઓને જમવા અને કુટુંબ તરીકેની ભક્તિમાં બોલાવી શકીએ અથવા સાથે મળીને કંઈક મનોરંજન કરી શકીએ. (રોમ. ૧૨:૧૩) એવા સંજોગોમાં તેઓ કદાચ એકબીજાને સારી રીતે ઓળખી શકશે. શું તેઓ ચાહે છે કે કોઈ તેઓની સાથે બહાર જાય? શું તેઓને આવવા-જવા મદદની જરૂર છે? શું તેઓને એવી જગ્યાની જરૂર છે, જ્યાં તેઓ અંગત વાતો કરી શકે અને તેઓને ખલેલ પહોંચાડનાર કોઈ ન હોય? જો એમ હોય તો શું તમે તેઓને મદદ કરી શકો? (ગલા. ૬:૧૦) અગાઉ આપણે એલીસિયાબહેન વિશે જોઈ ગયા. તેમને અને તેમના પતિ ઍશવિનભાઈને અમુક ભાઈ-બહેનોએ મદદ કરી હતી. તે કહે છે: “અમુક ભાઈ-બહેનોએ કહ્યું, ‘જો તમારે બંનેએ સાથે સમય વિતાવવો હોય, તો અમારાં ઘરે આવી શકો, જેથી તમારે એકાંતમાં ન મળવું પડે.’ એ સાંભળીને અમને સારું લાગ્યું.” જો છોકરા-છોકરીને સાથે સમય વિતાવવો હોય અને ચાહતા હોય કે તમે તેઓની સાથે રહો, તો એને મદદ કરવાની તક ગણજો. એ વાતનું ધ્યાન રાખજો કે તમે હંમેશાં તેઓની સાથે રહો અને તેઓને એકલા મૂકી ન દો. જોકે, એ પણ યાદ રાખજો કે અમુક અંગત વાતો તેઓ તમારી સામે નહિ કરી શકે, એટલે તેઓને મોકળાશ આપજો.—ફિલિ. ૨:૪.
જો તમે જાણતા હો કે મંડળનો કોઈ છોકરો અને છોકરી એકબીજાને ઓળખવા મળી રહ્યાં છે, તો તેઓને અલગ અલગ રીતોએ મદદ કરી શકો (ફકરા ૧૪-૧૫ જુઓ)
૧૫. ભાઈ-બહેનો બીજું શું કરી શકે? (નીતિવચનો ૧૨:૧૮)
૧૫ લગ્નના ઇરાદાથી મળતાં છોકરા-છોકરીને આપણે પોતાના શબ્દોથી પણ સાથ આપી શકીએ. અમુક વાર આપણે જીભે તાળાં મારવાં પડે. (નીતિવચનો ૧૨:૧૮ વાંચો.) જેમ કે, કદાચ આપણે જાણતા હોઈએ કે કોઈ છોકરા અને છોકરીએ લગ્નના ઇરાદાથી મળવાનું શરૂ કર્યું છે અને આપણે બીજાઓને એ જણાવવા ઉતાવળા હોઈએ. પણ કદાચ તેઓ પોતે એ વિશે બધાને જણાવવા ચાહતા હોય. આપણે તેઓ વિશે વગર કામની ચર્ચા કરવી ન જોઈએ અથવા તેઓની અંગત બાબતમાં માથું ન મારવું જોઈએ. (નીતિ. ૨૦:૧૯; રોમ. ૧૪:૧૦; ૧ થેસ્સા. ૪:૧૧) વધુમાં, આપણે એવું કંઈ કહેવું ન જોઈએ અથવા એવા સવાલ પૂછવા ન જોઈએ, જેથી તેઓ લગ્ન કરી લેવાનું દબાણ અનુભવે. એલીસબહેન અને તેમના પતિ કહે છે: “જ્યારે અમુક લોકો અમને પૂછતા, ‘લગ્ન ક્યારે કરો છો?’ ત્યારે અમને અજીબ લાગતું, કેમ કે અમે પોતે એ વિશે વાત કરી ન હતી.”
૧૬. જ્યારે એક છોકરો અને છોકરી આગળ ન વધવાનો નિર્ણય લે, ત્યારે આપણે શું કરવું જોઈએ?
૧૬ જ્યારે એક છોકરો અને છોકરી આગળ ન વધવાનો નિર્ણય લે, ત્યારે આપણે શું કરવું જોઈએ? અંગત સવાલો પૂછવા ન જોઈએ અથવા કોઈને દોષ આપવો ન જોઈએ. (૧ પિત. ૪:૧૫) લિયાબહેન કહે છે: “જ્યારે મેં અને એક ભાઈએ નક્કી કર્યું કે અમે લગ્ન નહિ કરીએ, ત્યારે બીજાઓ વાતો બનાવવા લાગ્યા કે અમે કેમ એવું કર્યું હશે. એવી વાતો સાંભળીને મને ઘણું દુઃખ પહોંચ્યું.” અગાઉ જોઈ ગયા તેમ જો બે વ્યક્તિ આગળ ન વધવાનો નિર્ણય લે, તો આપણે એવું માની લેવું ન જોઈએ કે તેઓએ ખોટો નિર્ણય લીધો છે. હકીકતમાં, તેઓ બંને જોઈ શક્યા છે કે તેઓ એકબીજા માટે યોગ્ય જીવનસાથી નહિ બની શકે. પણ એ સાચું છે કે છૂટા પડવાને લીધે કદાચ તેઓનું દિલ તૂટી ગયું હોય અથવા એકલું એકલું લાગતું હોય. એવા સમયે આપણે તેઓની પડખે રહીએ અને જરૂરી મદદ પૂરી પાડીએ.—નીતિ. ૧૭:૧૭.
૧૭. જો તમે લગ્નના ઇરાદાથી કોઈને મળી રહ્યા હો, તો તમારે શું કરતા રહેવું જોઈએ?
૧૭ આ લેખમાં જોયું તેમ લગ્ન કરવા માંગતાં ભાઈ-બહેનો સામે અમુક મુશ્કેલીઓ આવી શકે છે. પણ એ એક અનોખી મુસાફરી છે. જેસિકાબહેન કહે છે: “સાચું કહું તો, એકબીજાને ઓળખવામાં ઘણી મહેનત લાગે છે. પણ મને ઘણી ખુશી છે કે અમે એકબીજાને ઓળખવા સમય આપ્યો અને મહેનત કરી.” જો તમે લગ્નના ઇરાદાથી કોઈને મળી રહ્યા હો, તો તેને ઓળખવા પૂરેપૂરી કોશિશ કરજો. આમ, તમે એક સારો નિર્ણય લઈ શકશો.
ગીત ૧૧ યહોવાને વળગી રહું
a અમુક નામ બદલ્યાં છે.
b બીજા અમુક સવાલો પર વિચાર કરવા પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છે, ગ્રંથ ૨, (અંગ્રેજી) પાન ૩૯-૪૦ જુઓ.
c બીજી વ્યક્તિનાં જાતીય અંગો પંપાળવાં એ વ્યભિચાર છે. એ માટે જરૂરી પગલાં ભરવા મંડળના વડીલો ન્યાય સમિતિની ગોઠવણ કરે છે. સ્તનોને પંપાળવામાં આવે અથવા ફોન પર કે પછી મૅસેજ દ્વારા ગંદી વાતો કરવામાં આવે ત્યારે પણ વડીલો ન્યાય સમિતિની ગોઠવણ કરી શકે છે. પણ એવી ગોઠવણ કરતા પહેલાં તેઓ બધા સંજોગોને ધ્યાનમાં રાખશે.
d વધારે માહિતી માટે ચોકીબુરજ ઑગસ્ટ ૧૫, ૧૯૯૯માં આવેલો આ લેખ જુઓ: “વાચકો તરફથી પ્રશ્નો.”