અભ્યાસ લેખ ૩૦
ગીત ૫૨ દિલની સંભાળ રાખીએ
ઇઝરાયેલના રાજાઓ પાસેથી મહત્ત્વની વાતો શીખીએ
“તમે ફરીથી નેક અને દુષ્ટ વચ્ચેનો ફરક અને ઈશ્વરની સેવા કરનાર અને નહિ કરનાર વચ્ચેનો ફરક જોશો.”—માલા. ૩:૧૮.
આપણે શું શીખીશું?
ઇઝરાયેલના રાજાઓ વિશે શીખવાથી એ જાણી શકીશું કે યહોવાને ખુશ કરવા આપણે શું કરવાની જરૂર છે.
૧-૨. બાઇબલમાં ઇઝરાયેલના અમુક રાજાઓ વિશે શું જણાવ્યું છે?
ઇઝરાયેલ પર રાજ કરનાર ૪૦ કરતાં વધારે રાજાઓ વિશે બાઇબલમાં જોવા મળે છે.a અમુક રાજાઓ વિશે બાઇબલમાં ખૂલીને જણાવ્યું છે કે તેઓએ કેવાં કામ કર્યાં હતાં. દાખલા તરીકે, સારા રાજાઓએ અમુક ખરાબ કામો કર્યાં હતાં. રાજા દાઉદનો દાખલો લો. તે સારા રાજા હતા. યહોવાએ તેમના વિશે કહ્યું: ‘મારા સેવક દાઉદે મારી નજરમાં જે ખરું છે એ કરીને મારી આજ્ઞાઓ પાળી હતી. તે પૂરા દિલથી મારા માર્ગે ચાલ્યો હતો.’ (૧ રાજા. ૧૪:૮) પણ દાઉદે એક પરિણીત સ્ત્રી સાથે વ્યભિચાર કર્યો અને કાવતરું ઘડીને તેના પતિને યુદ્ધમાં મારી નંખાવ્યો.—૨ શમુ. ૧૧:૪, ૧૪, ૧૫.
૨ બીજી બાજુ, ઘણા રાજાઓ યહોવાને વફાદાર રહ્યા ન હતા. પણ તેઓએ અમુક સારાં કામો કર્યાં હતાં. રાજા રહાબઆમનો વિચાર કરો. યહોવાની નજરમાં “જે ખોટું હતું, એ જ તેણે કર્યું” હતું. (૨ કાળ. ૧૨:૧૪) પણ તેણે અમુક સારાં કામો કર્યાં હતાં. દાખલા તરીકે, જ્યારે યહોવાએ તેને કહ્યું કે તે ઇઝરાયેલનાં દસ કુળો સામે લડવા ન જાય અને તેઓને પોતાની રીતે રાજા પસંદ કરવા દે, ત્યારે તેણે યહોવાની વાત માની. તેણે પોતાના રાજ્યનાં કોટવાળાં શહેરોને વધારે મજબૂત બનાવ્યાં, જેથી દુશ્મનોથી ઈશ્વરના લોકોનું રક્ષણ કરી શકે.—૧ રાજા. ૧૨:૨૧-૨૪; ૨ કાળ. ૧૧:૫-૧૨.
૩. કયો મહત્ત્વનો સવાલ ઊભો થાય છે? આ લેખમાં શાની ચર્ચા કરીશું?
૩ આપણે જોઈ ગયા કે ઇઝરાયેલના રાજાઓએ સારાં અને ખરાબ બંને કામો કર્યાં હતાં. તો પછી એક મહત્ત્વનો સવાલ ઊભો થાય છે: યહોવાએ શાના આધારે નક્કી કર્યું કે કોઈ રાજા તેમની નજરે વફાદાર છે કે નહિ? એ સવાલનો જવાબ મેળવવાથી આપણે સમજી શકીશું કે યહોવાને ખુશ કરવા આપણે શું કરવાની જરૂર છે. આ લેખમાં આપણે એવી ત્રણ વાતો પર ચર્ચા કરીશું, જેના આધારે યહોવાએ નક્કી કર્યું હતું કે કોઈ રાજા સારો હતો કે ખરાબ: (૧) શું તે પૂરા દિલથી યહોવાની ભક્તિ કરતો હતો? (૨) શું તેણે પોતાની ભૂલો માટે પસ્તાવો કર્યો હતો? (૩) શું તે યોગ્ય રીતે યહોવાની ભક્તિ કરતો હતો?
તેઓએ પૂરા દિલથી યહોવાની ભક્તિ કરી
૪. વફાદાર રાજાઓ અને બેવફા રાજાઓ વચ્ચે કયો ફરક હતો?
૪ જે રાજાઓએ પૂરા દિલથી યહોવાની ભક્તિ કરી, તેઓએ યહોવાનું દિલ ખુશ કર્યું.b યહોશાફાટ સારો રાજા હતો. તેણે “પૂરા દિલથી યહોવાની ભક્તિ કરી હતી.” (૨ કાળ. ૨૨:૯) રાજા યોશિયા વિશે બાઇબલમાં લખ્યું છે: તેણે “પૂરા દિલથી . . . યહોવાની ભક્તિ કરી. તેના જેવો કોઈ રાજા થયો ન હતો.” (૨ રાજા. ૨૩:૨૫) રાજા સુલેમાન વિશે શું, જેણે અનેક ખરાબ કામો કર્યાં હતાં? “તેણે પૂરા દિલથી ઈશ્વર યહોવાની ભક્તિ કરી નહિ.” (૧ રાજા. ૧૧:૪) અબીયામ પણ યહોવાને બેવફા હતો. તેના વિશે બાઇબલમાં લખ્યું છે: ‘તેણે યહોવાની પૂરા દિલથી ભક્તિ કરી નહિ.’—૧ રાજા. ૧૫:૩.
૫. સમજાવો કે પૂરા દિલથી યહોવાની ભક્તિ કરવાનો અર્થ શું થાય.
૫ પૂરા દિલથી યહોવાની ભક્તિ કરવાનો અર્થ શું થાય? એવી વ્યક્તિ ફક્ત જવાબદારી સમજીને નહિ, પણ યહોવા માટેના પ્રેમ અને ઊંડા આદરને લીધે તેમની ભક્તિ કરે છે. વધુમાં, તે આખું જીવન યહોવાને પ્રેમ કરતી રહે છે અને તેમને માન આપતી રહે છે.
૬. પૂરા દિલથી યહોવાની ભક્તિ કરતા રહેવા આપણે શું કરવું જોઈએ? (નીતિવચનો ૪:૨૩; માથ્થી ૫:૨૯, ૩૦)
૬ આપણે કઈ રીતે એ વફાદાર રાજાઓના પગલે ચાલી શકીએ, જેઓએ પૂરા દિલથી યહોવાની ભક્તિ કરી હતી? આપણે એવી દરેક બાબતથી દૂર રહેવું જોઈએ, જેનાથી યહોવા માટેનો પ્રેમ ઠંડો પડી શકે છે. દાખલા તરીકે, ધ્યાન રાખવું જોઈએ કે નવરાશની પળોમાં આપણે શું જોઈએ છીએ અથવા શું કરીએ છીએ. આપણે સમજી વિચારીને સારા દોસ્તો બનાવવા જોઈએ, જેથી એવું વિચારવા ન લાગીએ કે પૈસા કમાવા જ જીવનમાં સૌથી મહત્ત્વનું છે. જો ખ્યાલ આવે કે કશાકને લીધે યહોવા માટેનો પ્રેમ ઠંડો પડી રહ્યો છે, તો એ વિચારને તરત જ મનમાંથી કાઢી નાખવો જોઈએ અને યોગ્ય પગલાં ભરવાં જોઈએ.—નીતિવચનો ૪:૨૩; માથ્થી ૫:૨૯, ૩૦ વાંચો.
૭. ખોટી બાબતોથી દૂર રહેવું કેમ જરૂરી છે?
૭ આપણું દિલ ફંટાઈ ન જાય એનું ધ્યાન રાખવું જોઈએ. જો ધ્યાન નહિ રાખીએ તો, એવું વિચારવા લાગીશું કે યહોવાની સેવામાં ડૂબેલા છીએ, એટલે ખોટી બાબતો આપણને નુકસાન નહિ પહોંચાડે. પણ એવું વિચારવું બહુ મોટી ભૂલ હશે. એ સમજવા આ દાખલો લો. ધારો કે, ઘર સાફ કરવામાં તમે સખત મહેનત કરી છે. પણ જો તમે બારી ખુલ્લી રાખશો, તો શું થશે? હવા ફૂંકાશે ત્યારે ધૂળ પાછી ઘરમાં આવી જશે અને ઘર ગંદું થઈ જશે. યહોવા સાથેના સંબંધ વિશે પણ એ એટલું જ સાચું છે. યહોવાની નજીક લઈ જાય એવાં કામો કરવાં જરૂરી છે. પણ એટલું જ પૂરતું નથી. આપણે મનની બારી પણ બંધ કરી દેવી જોઈએ, જેથી શેતાનની દુનિયાની ગંદી ધૂળ આપણા દિલમાં આવી ન જાય અને આપણને ફંટાવી ન દે.—એફે. ૨:૨.
તેઓએ પોતાની ભૂલો માટે પસ્તાવો કર્યો
૮-૯. જ્યારે રાજા દાઉદને અને રાજા હિઝકિયાને ઠપકો આપવામાં આવ્યો, ત્યારે તેઓએ શું કર્યુ? (ચિત્ર જુઓ.)
૮ પહેલા ફકરામાં જોઈ ગયા તેમ, રાજા દાઉદે મોટી ભૂલ કરી હતી. પણ જ્યારે નાથાન પ્રબોધકે દાઉદને તેમની ભૂલ જણાવી, ત્યારે તેમણે નમ્રતા બતાવી અને પસ્તાવો કર્યો. (૨ શમુ. ૧૨:૧૩) એવું ન હતું કે દાઉદે પસ્તાવો કર્યાનો દેખાડો કર્યો હતો, જેથી નાથાનને મૂર્ખ બનાવી શકે અથવા સજાથી બચી શકે. દાઉદે તો દિલથી પસ્તાવો કર્યો હતો. ગીતશાસ્ત્ર ૫૧માં તેમણે લખેલા શબ્દોથી એ સાફ દેખાઈ આવે છે.—ગીત. ૫૧:૩, ૪, ૧૭, મથાળું.
૯ રાજા હિઝકિયાએ ઘણી ભૂલો કરી હતી અને યહોવાને દુઃખી કર્યા હતા. બાઇબલમાં લખ્યું છે: “તેનામાં ઘમંડ આવી ગયું. એટલે તે પોતાના પર, યહૂદા પર અને યરૂશાલેમ પર ઈશ્વરનો ભારે કોપ લઈ આવ્યો.” (૨ કાળ. ૩૨:૨૫) હિઝકિયામાં કેમ ઘમંડ આવી ગયું હતું? યહોવાએ તેને પુષ્કળ ધનદોલત આપી હતી, આશ્શૂરીઓ સામે જીત મેળવવા મદદ કરી હતી અને મોટી બીમારીમાંથી સાજો કર્યો હતો. કદાચ એ કારણોને લીધે જ તે પોતાને ચઢિયાતો સમજતો હતો. કદાચ ઘમંડને લીધે જ તેણે પોતાનો આખો ખજાનો બાબેલોનીઓને બતાવી દીધો. એટલે યહોવાએ પ્રબોધક યશાયા દ્વારા તેને ઠપકો આપ્યો. (૨ રાજા. ૨૦:૧૨-૧૮) પણ દાઉદની જેમ હિઝકિયા નમ્ર બન્યો અને દિલથી પસ્તાવો કર્યો. (૨ કાળ. ૩૨:૨૬) એટલે યહોવાએ તેને વફાદાર રાજા ગણ્યો. તે “યહોવાની નજરમાં જે ખરું હતું એ જ કરતો રહ્યો.”—૨ રાજા. ૧૮:૩.
જ્યારે દાઉદ રાજા અને હિઝકિયા રાજાને ઠપકો આપવામાં આવ્યો, ત્યારે તેઓએ નમ્રતાથી પોતાની ભૂલ સ્વીકારી અને પસ્તાવો કર્યો (ફકરા ૮-૯ જુઓ)
૧૦. અમાઝ્યા રાજાને ભૂલ બતાવવામાં આવી ત્યારે તેણે શું કર્યું?
૧૦ યહૂદાનો રાજા અમાઝ્યા દાઉદ અને હિઝકિયાથી સાવ અલગ હતો. તેણે યહોવાની નજરમાં જે ખરું હતું એ કર્યું, “પણ પૂરા દિલથી નહિ.” (૨ કાળ. ૨૫:૨) તેણે કઈ ભૂલ કરી? યહોવાએ તેને અદોમીઓ પર જીત અપાવી, એ પછી તે અદોમીઓના દેવો આગળ નમન કરવા લાગ્યો.c પછી યહોવાના પ્રબોધકે તેને તેની ભૂલ જણાવી ત્યારે, તે તાડૂકી ઊઠ્યો અને તેણે એ પ્રબોધકનું જરાય સાંભળ્યું નહિ.—૨ કાળ. ૨૫:૧૪-૧૬.
૧૧. બીજો કોરીંથીઓ ૭:૯, ૧૧ પ્રમાણે યહોવા પાસેથી માફી મેળવવા આપણે શું કરવું જોઈએ? (ચિત્રો પણ જુઓ.)
૧૧ ઇઝરાયેલના રાજાઓ પાસેથી આપણે શું શીખી શકીએ? જ્યારે આપણાથી કોઈ ભૂલ થઈ જાય, ત્યારે પૂરા દિલથી પસ્તાવો કરવો જોઈએ અને ધ્યાન રાખવું જોઈએ કે એ ભૂલ ફરી ન કરી બેસીએ. પણ જો વડીલો આપણને એવી કોઈ વાત માટે ઠપકો આપે, જે આપણને નાની-સૂની લાગતી હોય, તો શું? એવું થાય ત્યારે એમ ન વિચારવું જોઈએ કે યહોવા અથવા વડીલો આપણને પ્રેમ નથી કરતા. યાદ રાખો કે ઇઝરાયેલના સારા રાજાઓને પણ ઠપકો આપવામાં આવ્યો હતો અને તેઓને સુધારવામાં આવ્યા હતા. (હિબ્રૂ. ૧૨:૬) જ્યારે ઠપકો આપવામાં આવે, ત્યારે આપણે (૧) નમ્રતાથી એ સ્વીકારવો જોઈએ, (૨) જરૂરી ફેરફાર કરવા જોઈએ અને (૩) પૂરા દિલથી યહોવાની સેવા કરતા રહેવું જોઈએ. જો દિલથી પસ્તાવો કરીશું, તો યહોવા જરૂર માફ કરશે.—૨ કોરીંથીઓ ૭:૯, ૧૧ વાંચો.
જ્યારે ઠપકો આપવામાં આવે, ત્યારે આપણે (૧) નમ્રતાથી એ સ્વીકારવો જોઈએ, (૨) જરૂરી ફેરફાર કરવા જોઈએ અને (૩) પૂરા દિલથી યહોવાની સેવા કરતા રહેવું જોઈએ (ફકરો ૧૧ જુઓ)f
તેઓએ યોગ્ય રીતે યહોવાની ભક્તિ કરી
૧૨. અમુક વફાદાર રાજાઓ કઈ રીતે બેવફા રાજાઓ કરતાં અલગ હતા?
૧૨ જે રાજાઓને યહોવાએ વફાદાર ગણ્યા હતા, તેઓએ યોગ્ય રીતે યહોવાની ભક્તિ કરી હતી. તેઓએ પોતાની પ્રજાને પણ એમ કરવાનું ઉત્તેજન આપ્યું હતું. આગળ જોઈ ગયા તેમ, એ વાત સાચી છે કે તેઓથી અમુક ભૂલો થઈ ગઈ હતી. પણ તેઓએ ફક્ત યહોવાની ભક્તિ કરી હતી અને આખા ઇઝરાયેલ રાષ્ટ્રમાંથી મૂર્તિપૂજા દૂર કરવા સખત મહેનત કરી હતી.d
૧૩. શા માટે યહોવાએ રાજા આહાબને બેવફા ગણ્યો?
૧૩ શા માટે યહોવાએ અમુક રાજાઓને બેવફા ગણ્યા? એવું ન હતું કે તેઓએ હંમેશાં ખરાબ કામો કર્યાં હતાં. દાખલા તરીકે, દુષ્ટ રાજા આહાબનો વિચાર કરો. જ્યારે તેને સાંભળવા મળ્યું કે તેના લીધે નાબોથનું ખૂન થયું છે, ત્યારે તેણે અમુક હદે નમ્રતા બતાવી અને દુઃખ વ્યક્ત કર્યું. (૧ રાજા. ૨૧:૨૭-૨૯) એ ઉપરાંત, તેણે શહેરો બાંધ્યાં અને ઘણી લડાઈઓમાં ઇઝરાયેલને જીત અપાવી. (૧ રાજા. ૨૦:૨૧, ૨૯; ૨૨:૩૯) પણ આહાબે એવું કંઈક કર્યું હતું જે બહુ જ ખરાબ હતું. પોતાની પત્નીના ઇશારે ચાલીને તે જૂઠા દેવોની ભક્તિ કરવા લાગ્યો હતો અને પોતાની પ્રજાને પણ એમ કરવા ઉશ્કેરી હતી. એવાં કામો માટે તેણે ક્યારેય પસ્તાવો કર્યો નહિ.—૧ રાજા. ૨૧:૨૫, ૨૬.
૧૪. (ક) શા માટે યહોવાએ રાજા રહાબઆમને બેવફા ગણ્યો? (ખ) કયા કારણના લીધે ઇઝરાયેલના મોટા ભાગના રાજાઓ બેવફા ગણાયા?
૧૪ ચાલો બીજા એક રાજાનો વિચાર કરીએ, જે યહોવાને બેવફા બન્યો. એ હતો, રહાબઆમ રાજા. આગળ જોઈ ગયા તેમ, તેણે ઘણાં સારાં કામો કર્યાં હતાં. પણ તેનું રાજ્ય અડગ થયું પછી તેણે યહોવાના નિયમશાસ્ત્રનો ત્યાગ કર્યો અને તે જૂઠા દેવોની ભક્તિ કરવા લાગ્યો. (૨ કાળ. ૧૨:૧) એ પછી પણ તે યહોવાની ભક્તિ અને જૂઠી ભક્તિ વચ્ચે ડોલા ખાતો હતો. (૧ રાજા. ૧૪:૨૧-૨૪) ફક્ત રહાબઆમ અને આહાબ જ નહિ, ઇઝરાયેલના મોટા ભાગના રાજાઓ યહોવાને બેવફા બન્યા હતા, કારણ કે તેઓ જૂઠા દેવોની ભક્તિ કરતા હતા અને પોતાની પ્રજાને પણ એમ કરવા ઉશ્કેરતા હતા. તો પછી યહોવાએ કઈ રીતે નક્કી કર્યું કે કોઈ રાજા સારો હતો કે ખરાબ? તેમણે એ વાત પર ધ્યાન આપ્યું કે એ રાજા સાચી ભક્તિને ટેકો આપતો હતો કે નહિ.
૧૫. યહોવા માટે સાચી ભક્તિ કેમ ખૂબ મહત્ત્વની છે?
૧૫ યહોવા માટે સાચી ભક્તિનો મુદ્દો કેમ ખૂબ મહત્ત્વનો હતો? એનું એક કારણ હતું કે આખી પ્રજા યોગ્ય રીતે યહોવાની ભક્તિ કરે એની જવાબદારી રાજાના માથે હતી. તેમ જ, લોકો બીજા દેવોની ભક્તિ કરતા ત્યારે ગંભીર પાપ કરી બેસતા હતા અને બીજાઓ સાથે ખરાબ રીતે વર્તતા હતા. (હોશિ. ૪:૧, ૨) એ ઉપરાંત, ઇઝરાયેલના રાજાઓ અને તેઓની પ્રજા યહોવાને સમર્પિત હતાં. એટલે જ્યારે તેઓ યહોવાને બેવફા બન્યાં અને બીજા દેવોની ભક્તિ કરવા લાગ્યાં, ત્યારે તેઓએ જાણે વ્યભિચાર કર્યો હતો. (યર્મિ. ૩:૮, ૯) જ્યારે એક પરિણીત વ્યક્તિ વ્યભિચાર કરે છે, ત્યારે તેના સાથીનું કાળજું કપાઈ જાય છે. એવી જ રીતે, યહોવાનો સમર્પિત સેવક તેમને વફાદાર નથી રહેતો અને બીજા દેવોની ભક્તિ કરે છે ત્યારે, યહોવાનું દિલ વીંધાઈ જાય છે.e—પુન. ૪:૨૩, ૨૪.
૧૬. શાના લીધે એક વ્યક્તિ યહોવાની નજરે સારી કે ખરાબ બને છે?
૧૬ આપણને શું શીખવા મળે છે? આપણે પાકો નિર્ણય લેવો જોઈએ કે કોઈ પણ રીતે જૂઠી ભક્તિને ટેકો નહિ આપીએ. પણ આપણે હંમેશાં યહોવાની ભક્તિ કરતા રહેવું જોઈએ અને તેમની સેવામાં વ્યસ્ત રહેવું જોઈએ. પ્રબોધક માલાખીએ સાફ સમજાવ્યું હતું કે શાના લીધે એક વ્યક્તિ યહોવાની નજરે સારી કે ખરાબ બને છે. તેમણે કહ્યું હતું: “તમે ફરીથી નેક અને દુષ્ટ વચ્ચેનો ફરક અને ઈશ્વરની સેવા કરનાર અને નહિ કરનાર વચ્ચેનો ફરક જોશો.” (માલા. ૩:૧૮) આપણે ચાહીએ છીએ કે યહોવા આપણને નેક ગણે. એટલે ધ્યાન રાખીશું કે કોઈ પણ બાબત આપણને યહોવાની સેવા કરતા અટકાવે નહિ. આપણી ભૂલો કે નબળાઈઓને લીધે ક્યારેય એટલા નિરાશ ન થઈ જઈએ કે યહોવાની સેવા કરવાનું છોડી દઈએ. યહોવાની સેવા કરવાનું છોડી દેવું, એ તો મોટું પાપ છે.
૧૭. જીવનસાથી પસંદ કરતી વખતે કેમ સમજી-વિચારીને નિર્ણય લેવો જોઈએ?
૧૭ જો તમે કુંવારા હો અને લગ્ન કરવાનું વિચારી રહ્યા હો, તો માલાખીના શબ્દો તમને યોગ્ય જીવનસાથી પસંદ કરવા મદદ કરશે. આનો વિચાર કરો: એક વ્યક્તિમાં સારા ગુણો હોય શકે છે. પણ જો તે યહોવાને ભજતી ન હોય, તો શું યહોવા તેને નેક ગણશે? (૨ કોરીં. ૬:૧૪) શું એવી સાથી તમને યહોવાની વધારે નજીક જવા મદદ કરશે? જરા વિચારો, સુલેમાન રાજાની પત્નીઓમાં કદાચ અમુક સારા ગુણો હતા. પણ તેઓ યહોવાને ભજતી ન હતી અને ધીરે ધીરે તેઓએ સુલેમાનનું દિલ પણ જૂઠા દેવોની ભક્તિ તરફ વાળી દીધું.—૧ રાજા. ૧૧:૧, ૪.
૧૮. મમ્મી-પપ્પાએ બાળકોને શું શીખવવું જોઈએ?
૧૮ મમ્મી-પપ્પા, તમારાં બાળકો સાથે મળીને બાઇબલમાંથી ઇઝરાયેલના રાજાઓના અહેવાલ પર ચર્ચા કરો અને તેઓનાં દિલમાં યહોવાની સેવા કરવાનો ઉમંગ જગાડો. તેઓને એ સમજવા મદદ કરો કે જે રાજાઓ યહોવાની ભક્તિ કરતા હતા અને બીજાઓને પણ એમ કરવા ઉત્તેજન આપતા હતા, ફક્ત તેઓથી જ યહોવા ખુશ હતા. તમારી વાતોથી અને કાર્યોથી બતાવો કે બીજાં બધાં કામો કરતાં તમારા માટે બાઇબલ વાંચવું, સભાઓમાં જવું અને પ્રચાર કરવો સૌથી મહત્ત્વનું છે. આમ, તમારો દાખલો જોઈને બાળકો પણ એ કામોને મહત્ત્વ આપવાનું શીખશે. (માથ. ૬:૩૩) જો તમે એ બધું કરતા નહિ હો, તો બાળકો યહોવા સાથે ગાઢ સંબંધ કેળવી નહિ શકે. તેઓ દિલથી યહોવાની ભક્તિ નહિ કરે. તેઓ કદાચ વિચારે, ‘મારાં મમ્મી-પપ્પા યહોવાની ભક્તિ કરે છે, એટલે મારે પણ કરવી પડશે.’ બની શકે કે સમય જતાં, તેઓ વિચારવા લાગે કે યહોવાની ભક્તિ મહત્ત્વની નથી અથવા તેઓ તેમની ભક્તિ કરવાનું જ છોડી દે.
૧૯. જો કોઈએ યહોવાની સેવા કરવાનું છોડી દીધું હોય, તો શું તે ફરી તેમનો મિત્ર બની શકે છે? (“યહોવા પાસે પાછા ફરો!” બૉક્સ પણ જુઓ.)
૧૯ જો કોઈએ યહોવાની સેવા કરવાનું છોડી દીધું હોય, તો શું એનો અર્થ એવો થાય કે તે ફરી ક્યારેય યહોવાનો મિત્ર નહિ બની શકે? ના, એવું નથી. જો તે પસ્તાવો કરે અને યહોવા પાસે પાછો ફરે, તો તે ફરી યહોવાનો મિત્ર બની શકે છે. એમ કરવા તેણે નમ્ર બનવું પડશે અને મંડળના વડીલોની મદદ સ્વીકારવી પડશે. (યાકૂ. ૫:૧૪) કદાચ એ સહેલું નહિ હોય, પણ એમ કરીને તે ફરીથી યહોવાની નજીક જઈ શકશે. એનાથી વધારે ખુશીની વાત બીજી શું હોય શકે!
૨૦. જો વફાદાર રાજાઓને અનુસરીશું, તો યહોવા આપણને કેવા ગણશે?
૨૦ ઇઝરાયેલના રાજાઓ પાસેથી શું શીખવા મળ્યું? જો પૂરા દિલથી યહોવાની ભક્તિ કરીશું, તો વફાદાર રાજાઓ જેવા બની શકીશું. તો ચાલો, પોતાની ભૂલોમાંથી શીખીએ, પસ્તાવો કરીએ અને જરૂરી ફેરફારો કરીએ. હંમેશાં યાદ રાખીએ કે એકલા ખરા ઈશ્વરની ભક્તિ કરવી ખૂબ મહત્ત્વનું છે. જો તમે યહોવાને વફાદાર રહેશો, તો તે તમને પણ નેક ગણશે.
ગીત ૨૨ “યહોવા મારો પાળક”
a આ લેખમાં “ઇઝરાયેલના રાજાઓ” વિશે જણાવ્યું છે. એમાં ઇઝરાયેલના બધા જ રાજાઓનો સમાવેશ થાય છે, પછી ભલે તેઓએ યહૂદાનાં બે કુળો પર રાજ કર્યું હોય, ઇઝરાયેલનાં ૧૦ કુળો પર રાજ કર્યું હોય, કે પછી બધાં ૧૨ કુળો પર રાજ કર્યું હોય.
b શબ્દોની સમજ: બાઇબલમાં “દિલ” શબ્દ વપરાય છે ત્યારે એનો અર્થ થાય કે વ્યક્તિ ખરેખર કેવી છે. એમાં તેના વિચારો, ઇચ્છાઓ, તેનું વર્તન, તેના ઇરાદા અને તેના ધ્યેયોનો પણ સમાવેશ થાય છે.
c કદાચ એવો રિવાજ હતો કે ઇઝરાયેલી ન હતા એવા રાજાઓ જ્યારે કોઈ દેશને જીતી લેતા, ત્યારે તેઓ મોટા ભાગે એ દેશનાં દેવી-દેવતાઓને પૂજતા હતા.
d આસા રાજાએ ઘણી ગંભીર ભૂલો કરી હતી. (૨ કાળ. ૧૬:૭, ૧૦) પણ બાઇબલમાં તેના વિશે લખ્યું છે કે તેણે એ જ કર્યું, જે યહોવાની નજરમાં ખરું હતું. જ્યારે યહોવાના પ્રબોધકે તેને ઠપકો આપ્યો, ત્યારે પહેલા તો તે ખરાબ રીતે વર્ત્યો, પણ કદાચ પછીથી તેણે પસ્તાવો કર્યો. યહોવાએ તેની ભૂલ પર નહિ, તેના સારા ગુણો પર વધારે ધ્યાન આપ્યું. ધ્યાન આપો કે આસા રાજા ફક્ત યહોવાની ભક્તિ કરતો હતો અને તેણે પોતાના રાજ્યમાંથી મૂર્તિપૂજાનું નામનિશાન મિટાવવા પૂરા પ્રયત્નો કર્યા હતા.—૧ રાજા. ૧૫:૧૧-૧૩; ૨ કાળ. ૧૪:૨-૫.
e નોંધ લેવા જેવી વાત છે કે મૂસાના નિયમશાસ્ત્રની પહેલી બે આજ્ઞાઓમાં જણાવ્યું હતું કે ફક્ત યહોવાની ભક્તિ કરવામાં આવે, બીજી કોઈ વસ્તુની કે વ્યક્તિની નહિ.—નિર્ગ. ૨૦:૧-૬.
f ચિત્રની સમજ: એક યુવાન વડીલ દારૂ વિશે એક ભાઈને સલાહ આપી રહ્યા છે. એ ભાઈ નમ્રતાથી સલાહ સ્વીકારે છે, પોતાનામાં જરૂરી ફેરફાર કરે છે અને વફાદારીથી યહોવાની સેવા કરતા રહે છે.