અભ્યાસ લેખ ૩૯
ગીત ૨૧ દયાળુ બનીએ
આપવાથી તમને ખુશી મળશે
“લેવા કરતાં આપવામાં વધારે ખુશી છે.”—પ્રે.કા. ૨૦:૩૫.
આપણે શું શીખીશું?
કઈ અલગ અલગ રીતોએ બીજાઓને મદદ કરી શકીએ? મદદ કરવાથી આપણને કેમ ખુશી મળે છે?
૧-૨. યહોવાએ આપણને એ રીતે બનાવ્યા છે કે લેવા કરતાં આપવાથી વધારે ખુશી મળે છે. એનાથી કઈ રીતે ફાયદો થાય છે?
શું તમે કદી અનુભવ્યું છે કે લેવા કરતાં આપવામાં વધારે ખુશી મળે છે? (પ્રે.કા. ૨૦:૩૫) ચોક્કસ, તમે અનુભવ્યું હશે. કેમ કે યહોવાએ આપણને એ જ રીતે બનાવ્યા છે. પણ શું આપણને કંઈક મળે છે ત્યારે ખુશી નથી થતી? આપણને બધાને ક્યારેક ને ક્યારેક ભેટ મળી હશે અને એ ભેટ મેળવીને આનંદ થયો હશે. પણ બીજાઓને કંઈક આપીએ છીએ ત્યારે વધારે ખુશી થાય છે. યહોવાએ આપણને એ રીતે બનાવ્યા છે, એ આપણા ભલા માટે જ છે. શા માટે?
૨ કારણ કે આપણે પોતાની ખુશીમાં વધારો કરી શકીએ છીએ. જ્યારે બીજાઓને કંઈક આપવાની અલગ અલગ રીતો શોધીએ છીએ અને એ પ્રમાણે કરીએ છીએ, ત્યારે આપણને આનંદ થાય છે. યહોવાએ આપણને એ રીતે ઘડ્યા છે, એ કેટલું જોરદાર કહેવાય!—ગીત. ૧૩૯:૧૪.
૩. યહોવાને કેમ ‘આનંદી ઈશ્વર’ કહ્યા છે?
૩ બાઇબલમાં લખ્યું છે કે જેઓ બીજાઓને કંઈક આપે છે, તેઓ ખુશ છે. એટલે આપણે સહેલાઈથી સમજી શકીએ છીએ કે બાઇબલમાં કેમ યહોવાને ‘આનંદી ઈશ્વર’ કહ્યા છે. (૧ તિમો. ૧:૧૧) આપવાની શરૂઆત યહોવાએ કરી હતી અને આપવાની બાબતમાં તેમની ટક્કર કોઈ ઝીલી ન શકે. પ્રેરિત પાઉલે કહ્યું હતું તેમ “તેમના તરફથી આપણને જીવન મળ્યું છે, આપણે હરી-ફરી શકીએ છીએ અને જીવીએ છીએ.” (પ્રે.કા. ૧૭:૨૮) સાચે જ, “દરેક સારું દાન અને દરેક સંપૂર્ણ ભેટ” યહોવા તરફથી મળે છે.—યાકૂ. ૧:૧૭.
૪. આપણી ખુશી વધારવા શાનાથી મદદ મળશે?
૪ આપવાથી ખુશી મળે છે અને કદાચ આપણે બધા જ લોકો એવી ખુશી મેળવવા માંગીએ છીએ. એમ કરવા યહોવાની જેમ ઉદાર બની શકીએ. (એફે. ૫:૧) આ લેખમાં યહોવાના દાખલા પર ધ્યાન આપીશું. એ પણ શીખીશું કે જો એવું લાગે કે બીજાઓ આપણા કામની કદર નથી કરતા, તો શું કરી શકીએ. એનાથી બીજાઓને કંઈક આપતા રહેવા અને પોતાની ખુશી વધારવા મદદ મળશે.
યહોવાની જેમ ઉદાર બનો
૫. યહોવા આપણને કઈ વસ્તુઓ આપે છે?
૫ યહોવા કઈ અમુક રીતોએ ઉદારતા બતાવે છે? ચાલો અમુક દાખલા જોઈએ. યહોવા આપણને જીવન-જરૂરી વસ્તુઓ આપે છે. બની શકે કે આપણી પાસે બધી સુખ-સગવડો ન હોય. પણ યહોવા ખાતરી કરે છે કે જીવન ટકાવી રાખવા જે જરૂરી છે, એ આપણને મળી રહે. દાખલા તરીકે, તે આપણને ખોરાક, કપડાં અને રહેવાની જગ્યા આપે છે. (ગીત. ૪:૮; માથ. ૬:૩૧-૩૩; ૧ તિમો. ૬:૬-૮) શું યહોવા એ બધું ફરજને લીધે કરે છે? ના, જરાય નહિ. તો પછી યહોવા શા માટે જીવન-જરૂરી વસ્તુઓ પૂરી પાડે છે?
૬. માથ્થી ૬:૨૫, ૨૬માંથી શું શીખવા મળે છે?
૬ યહોવા આપણને પ્રેમ કરે છે, એટલે આપણી જરૂરિયાતો પૂરી પાડે છે. માથ્થી ૬:૨૫, ૨૬માં આપેલા ઈસુના શબ્દો પર ધ્યાન આપો. (વાંચો.) ઈસુએ પક્ષીઓનો દાખલો વાપર્યો અને કહ્યું: “તેઓ બી વાવતાં નથી, લણતાં નથી કે કોઠારોમાં ભરતાં નથી.” હવે ધ્યાન આપો કે આગળ ઈસુએ શું કહ્યું: “સ્વર્ગમાંના તમારા પિતા તેઓને ખાવાનું આપે છે.” પછી ઈસુએ પૂછ્યું: “શું તેઓનાં કરતાં તમે વધારે મૂલ્યવાન નથી?” એ શબ્દોથી ઈસુ શું શીખવવા માંગતા હતા? યહોવા પ્રાણીઓ અને પક્ષીઓ કરતાં તેમના સેવકોને વધારે મૂલ્યવાન ગણે છે. જો યહોવા તેઓની જરૂરિયાતો પૂરી પાડતા હોય, તો શું આપણી જરૂરિયાતો પૂરી નહિ પાડે? ચોક્કસ. એક પ્રેમાળ પિતાની જેમ યહોવા પ્રેમને લીધે પોતાના કુટુંબનું ભરણપોષણ કરે છે.—ગીત. ૧૪૫:૧૬; માથ. ૬:૩૨.
૭. યહોવાની જેમ ઉદાર બનવાની એક રીત કઈ છે? (ચિત્ર પણ જુઓ.)
૭ યહોવાની જેમ આપણે પણ પ્રેમને લીધે ભાઈ-બહેનોની જરૂરિયાતો પૂરી કરી શકીએ. દાખલા તરીકે, શું તમે એવા કોઈ ભાઈ કે બહેનને ઓળખો છો, જેમને ખોરાક કે કપડાંની જરૂર હોય? યહોવા તમારા દ્વારા તેમની એ જરૂરિયાત પૂરી કરી શકે છે. કોઈ આફત આવે ત્યારે પણ યહોવાના લોકો બીજાઓને મદદ કરવા તત્પર હોય છે. દાખલા તરીકે, કોવિડ-૧૯ મહામારી દરમિયાન ભાઈ-બહેનોએ કપડાં, ખોરાક અને બીજી વસ્તુઓ આપી, જેથી જેઓને જરૂર હોય તેઓને મદદ મળી રહે. ઘણાં ભાઈ-બહેનોએ દુનિયા ફરતેના કામ માટે ઉદારતાથી દાન આપ્યું હતું. એ દાનની મદદથી આખી પૃથ્વી પર રાહતકામ શક્ય બન્યું. એ ઉદાર ભાઈ-બહેનોએ હિબ્રૂઓ ૧૩:૧૬ની સલાહ લાગુ પાડી હતી. ત્યાં લખ્યું છે: “ભલું કરવાનું અને તમારી વસ્તુઓથી બીજાઓને મદદ કરવાનું ભૂલશો નહિ, કેમ કે એવાં બલિદાનોથી ઈશ્વર ઘણા ખુશ થાય છે.”
આપણે બધા જ લોકો યહોવાની જેમ ઉદાર બની શકીએ છીએ (ફકરો ૭ જુઓ)
૮. યહોવા જે બળ આપે છે એની મદદથી આપણે શું કરી શકીએ છીએ? (ફિલિપીઓ ૨:૧૩)
૮ યહોવા બળ આપે છે. યહોવા પાસે અપાર શક્તિ છે અને તે ખુશી ખુશી પોતાના વફાદાર સેવકોને એ આપે છે. (ફિલિપીઓ ૨:૧૩ વાંચો.) શું તમે ક્યારેય પ્રાર્થનામાં યહોવા પાસે લાલચનો સામનો કરવા બળ માંગ્યું છે? કોઈ કસોટી સહેવા શક્તિ માંગી છે? કદાચ કોઈક વાર તમે યહોવાને આવું કહ્યું હશે: “હે યહોવા, બસ એટલી શક્તિ આપો કે આજનાં કામ કરી શકું.” જ્યારે યહોવાએ તમારી પ્રાર્થનાનો જવાબ આપ્યો અને તમને શક્તિ આપી, ત્યારે તમને પણ પ્રેરિત પાઉલ જેવું લાગ્યું હશે. તેમણે કહ્યું હતું: “ઈશ્વર મને બળ આપે છે અને તેમની મદદથી મને બધું કરવાની શક્તિ મળે છે.”—ફિલિ. ૪:૧૩.
૯. યહોવાની જેમ આપણે કઈ રીતે પોતાની શક્તિનો ઉપયોગ કરી શકીએ? (ચિત્ર પણ જુઓ.)
૯ આપણી પાસે યહોવા જેટલી શક્તિ નથી અને આપણે પોતાની શક્તિ બીજાઓને આપી શકતા નથી. તોપણ યહોવાની જેમ ઉદાર બની શકીએ છીએ. કઈ રીતે? બીજાઓને મદદ કરવા પોતાની શક્તિ વાપરીને. દાખલા તરીકે, વૃદ્ધ કે બીમાર ભાઈ-બહેનોને ઘરના કામકાજમાં મદદ કરી શકીએ અથવા જરૂરી સામાન બજારમાંથી ખરીદી આપી શકીએ. જો સંજોગો સાથ આપતા હોય, તો પ્રાર્થનાઘરની સાફ-સફાઈ અને સમારકામમાં મદદ કરી શકીએ. એ રીતોએ પોતાની શક્તિ વાપરીને આપણે ભાઈ-બહેનોનું ભલું કરી શકીશું.
બીજાઓને મદદ કરવા આપણે પોતાની શક્તિ વાપરી શકીએ છીએ (ફકરો ૯ જુઓ)
૧૦. કઈ રીતે પોતાના શબ્દોથી બીજાઓને ઉત્તેજન આપી શકીએ?
૧૦ એ પણ યાદ રાખો કે શબ્દોમાં ઘણી તાકાત હોય છે. શું તમારા ધ્યાનમાં એવી કોઈ વ્યક્તિ છે, જેને પ્રશંસાના બે બોલ સાંભળીને ઉત્તેજન મળી શકે? અથવા શું કોઈને દિલાસાની જરૂર છે? જો એમ હોય, તો તેમને જણાવો કે તમને તેમની ચિંતા છે. તમે રૂબરૂ તેમને મળવા જઈ શકો, ફોન કરી શકો અથવા કાર્ડ, ઈ-મેઈલ કે મૅસેજ મોકલી શકો. જરૂરી નથી કે તમે ભારેખમ શબ્દો વાપરો. બસ પ્રેમથી વાત કરો. શું ખબર કે તમારા પ્રેમાળ શબ્દોથી તેઓને યહોવાને વફાદાર રહેવા અને પોતાના સંજોગો વિશે યોગ્ય વલણ રાખવા મદદ મળે!—નીતિ. ૧૨:૨૫; એફે. ૪:૨૯.
૧૧. યહોવા કઈ રીતે પોતાનું ડહાપણ બીજાઓને આપે છે?
૧૧ યહોવા ડહાપણ આપે છે. શિષ્ય યાકૂબે લખ્યું: “જો કોઈને ડહાપણની જરૂર હોય, તો તેણે ઈશ્વર પાસે માંગતા રહેવું. તેને એ આપવામાં આવશે, કેમ કે ઈશ્વર બધાને ઉદારતાથી આપે છે અને વાંક કાઢતા નથી.” (યાકૂ. ૧:૫; ફૂટનોટ) એનાથી જોવા મળે છે કે યહોવા પોતાનું ડહાપણ પોતાની પાસે નથી રાખતા. તે ઉદારતાથી બીજાઓને આપે છે. યાકૂબે એમ પણ કહ્યું કે યહોવા ડહાપણ આપતી વખતે “ઠપકો આપતા નથી” અથવા “વાંક કાઢતા નથી.” તેમની પાસે માર્ગદર્શન માંગીએ છીએ ત્યારે, તે આપણને નાનમ અનુભવવા દેતા નથી. એને બદલે, તે પોતે ચાહે છે કે આપણે તેમની પાસે ડહાપણ માંગીએ.—નીતિ. ૨:૧-૬.
૧૨. આપણે કઈ રીતે બીજાઓને સમજણ અને ડહાપણ આપી શકીએ?
૧૨ આપણા વિશે શું? યહોવાની જેમ શું આપણે બીજાઓને સમજણ અને ડહાપણ આપી શકીએ? હા, ચોક્કસ. (ગીત. ૩૨:૮) પણ કઈ રીતે? આપણે જે શીખ્યા છીએ, એ બીજાઓને શીખવી શકીએ. એમ કરવાની ઘણી તકો મળે છે. દાખલા તરીકે, આપણે નવાં ભાઈ-બહેનોને શીખવીએ છીએ કે કઈ રીતે પ્રચાર કરવો. વડીલો ધીરજથી સહાયક સેવકો અને બાપ્તિસ્મા પામેલા ભાઈઓને શીખવે છે કે મંડળમાં સોંપણી મળે ત્યારે એને કઈ રીતે નિભાવવી. જે ભાઈ-બહેનો પાસે સંગઠનનાં બાંધકામનો અને સમારકામનો અનુભવ છે, તેઓ ઓછા અનુભવવાળાં ભાઈ-બહેનોને તાલીમ આપે છે.
૧૩. બીજાઓને તાલીમ આપતી વખતે આપણે કઈ રીતે યહોવા જેવા બની શકીએ?
૧૩ બીજાઓને તાલીમ આપતી વખતે યહોવા જેવા બનવાની કોશિશ કરીએ. યાદ કરો, યહોવા પોતાનું ડહાપણ પોતાની પાસે રાખતા નથી, પણ ખુશીથી બીજાઓને આપે છે. એવી જ રીતે, આપણે કોશિશ કરીએ છીએ કે આપણા જ્ઞાન અને અનુભવના ભંડારથી બીજાઓને લાભ થાય. આપણે આવો ડર ન રાખવો જોઈએ: ‘જો હું આને શીખવીશ, તો તે મારી જગ્યા લઈ લેશે.’ આવું પણ ન વિચારવું જોઈએ: ‘મને તો કોઈએ શીખવ્યું ન હતું, તેને પણ પોતે શીખવા દો.’ યહોવાના કોઈ પણ સેવકે એવું વલણ રાખવું ન જોઈએ. એને બદલે, પોતે જે જાણીએ છીએ, એ ખુશી ખુશી બીજાઓને જણાવવું જોઈએ અને તેઓને તાલીમ આપવા પોતાનો જીવ રેડી દેવો જોઈએ. (૧ થેસ્સા. ૨:૮) આપણે તેઓને એ રીતે શીખવવું જોઈએ કે “બીજાઓને શીખવવા તેઓ પાસે સારી લાયકાત” હોય. (૨ તિમો. ૨:૧, ૨) આમ, જો ઉદારતાથી એકબીજાને ડહાપણ આપીશું, તો આપણે બધા બુદ્ધિમાન બની શકીશું અને ખુશ રહી શકીશું.
લોકો કદર ન બતાવે ત્યારે
૧૪. જ્યારે બીજાઓ માટે કંઈક કરીએ છીએ, ત્યારે મોટા ભાગે તેઓ શું કરે છે?
૧૪ બીજાઓ માટે કંઈક કરીએ છીએ ત્યારે તેઓ ઘણી વાર કદર બતાવે છે. એમાંય જો ભાઈ-બહેનો માટે કંઈક કરીએ, તો આભાર માનતા તેઓનું મોં સુકાતું નથી. તેઓ કદાચ આપણને સરસ કાર્ડ મોકલે અને આભાર વ્યક્ત કરે અથવા બીજી કોઈ રીતે કદર બતાવે. (કોલો. ૩:૧૫) જ્યારે તેઓ આભાર માને છે, ત્યારે આપણી ખુશી બમણી થઈ જાય છે.
૧૫. જો કોઈ કદર ન બતાવે, તો શું યાદ રાખવું જોઈએ?
૧૫ જોકે, એ પણ સાચું છે કે અમુક લોકો કદાચ કદર ન બતાવે. અમુક વાર લાગે, ‘મેં ફલાણી વ્યક્તિને મદદ કરવા કેટલું બધું કર્યું! પણ તેને જરાય પડી નથી. તેને જરાય અંદાજો નથી કે મેં તેની પાછળ કેટલો સમય આપ્યો, મારી શક્તિ ખર્ચી અને મારો પૈસો વાપર્યો.’ એવું થાય ત્યારે કદાચ પોતાનો આનંદ ગુમાવી દઈએ અથવા મનમાં કડવાશ ભરી રાખીએ. પણ એવું ન કરવા શાનાથી મદદ મળશે? આપણી મુખ્ય કલમ પ્રેરિતોનાં કાર્યો ૨૦:૩૫ના શબ્દો યાદ રાખવાથી મદદ મળશે. એનાથી જોવા મળે છે કે બીજાઓ કદર બતાવશે કે નહિ, એના પર આપણી ખુશી આધાર રાખતી નથી. ભલે કોઈ આભાર માને કે ન માને, આપણે ખુશ રહી શકીએ છીએ. કઈ રીતે? ચાલો અમુક રીતો જોઈએ.
૧૬. બીજાઓને ખુશીથી આપતા રહેવા શાનાથી મદદ મળશે?
૧૬ યાદ રાખો, બીજાઓને કંઈક આપો છો ત્યારે તમે યહોવા જેવા બનો છો. યહોવા લોકોને સારી સારી વસ્તુઓ આપે છે, પછી ભલે તેઓ કદર બતાવે કે ન બતાવે. (માથ. ૫:૪૩-૪૮) યહોવા વચન આપે છે કે જો આપણે પણ “કંઈ પણ પાછું મેળવવાની આશા વગર” આપીશું, તો આપણને “મોટો બદલો મળશે.” (લૂક ૬:૩૫) એ શબ્દો બતાવે છે કે લોકો આપણને પ્રશંસાના બે બોલ કહે એવી આશા પણ ન રાખીએ. કદી ભૂલશો નહિ, બીજાઓનું ભલું કરવા તમે જે કંઈ કરો છો, એનું યહોવા હંમેશાં ઇનામ આપશે. કારણ કે તે ‘રાજીખુશીથી આપનારને ચાહે છે.’—નીતિ. ૧૯:૧૭; ૨ કોરીં. ૯:૭.
૧૭. યહોવા જેવા બનવા આપણે બીજું શું કરી શકીએ? (લૂક ૧૪:૧૨-૧૪)
૧૭ યહોવાની જેમ ઉદાર બનવા બીજું પણ કંઈ કરી શકીએ. લૂક ૧૪:૧૨-૧૪માં આપેલી ઈસુની સલાહ પાળી શકીએ. (વાંચો.) એવી વ્યક્તિને જમવા બોલાવવામાં અને દયા બતાવવામાં કંઈ ખોટું નથી, જે એ જ રીતે બદલો વાળી આપી શકે છે. પણ જો ખ્યાલ આવે કે આપણે કંઈ પાછું મેળવવાની આશાને લીધે મહેમાનગતિ બતાવીએ છીએ, તો શું? એવા કિસ્સામાં આપણે ઈસુના કહેવા પ્રમાણે કરી શકીએ. આપણે એવી વ્યક્તિને મહેમાનગતિ બતાવી શકીએ, જેની પાસે પાછું વાળી આપવા કંઈ નથી. આમ, યહોવા જેવા બનવાથી આપણે હંમેશાં ખુશ રહી શકીશું. કોઈ આભાર ન માને ત્યારે પણ ખુશ રહી શકીશું.
૧૮. આપણે ભાઈ-બહેનો વિશે શું ન વિચારવું જોઈએ અને શા માટે?
૧૮ બીજાઓના ઇરાદા પર શંકા ન કરો. (૧ કોરીં. ૧૩:૭) જો કોઈ આભાર ન માને તો પોતાને પૂછી શકીએ: ‘શું તે ખરેખર મારી કદર નથી કરતા, કે ફક્ત આભાર માનવાનું ભૂલી ગયા છે?’ બની શકે કે આપણે વિચાર્યું હોય એ રીતે લોકો આભાર ન માને. એનાં ઘણાં કારણો હોય શકે છે. કદાચ અમુકના દિલમાં તો કદર હોય, પણ શબ્દોમાં કહેવું અઘરું લાગતું હોય. તેઓને કદાચ મદદ સ્વીકારતા પણ શરમ લાગતી હોય. જરા વિચારો, જો તેઓ અગાઉ બીજાઓની મદદ કરતા હોય અને હવે તેઓએ બીજાઓની મદદ લેવાની જરૂર પડી હોય, તો તેઓને કેવું લાગતું હશે. પણ જો ખરેખર ભાઈ-બહેનોને પ્રેમ કરતા હોઈશું, તો તેઓના ઇરાદા પર શંકા નહિ કરીએ અને ખુશી ખુશી આપતા રહીશું.—એફે. ૪:૨.
૧૯-૨૦. બીજાઓને મદદ કરીએ ત્યારે કેમ ધીરજ રાખવી જોઈએ? (ચિત્ર પણ જુઓ.)
૧૯ ધીરજ રાખો. બુદ્ધિમાન રાજા સુલેમાને કહ્યું હતું: “તારી રોટલી પાણી પર નાખ અને ઘણા દિવસો પછી એ તને પાછી મળશે.” (સભા. ૧૧:૧) એનાથી ખબર પડે છે કે અમુક લોકો કદાચ “ઘણા દિવસો પછી” આભાર માને. એ વાતને સમજવા ચાલો એક દાખલો જોઈએ.
૨૦ ઘણાં વર્ષો અગાઉ એક સરકીટ નિરીક્ષકનાં પત્નીએ એક બહેનને પત્ર લખ્યો હતો. એ બહેને હાલમાં જ બાપ્તિસ્મા લીધું હતું. પત્રમાં તેમણે બહેનને જણાવ્યું હતું કે યહોવાને વફાદાર રહેવું કેટલું જરૂરી છે. આઠેક વર્ષ પછી બહેને સરકીટ નિરીક્ષકનાં પત્નીને વળતો પત્ર લખ્યો. એમાં લખ્યું હતું: “તમે જાણતા નહિ હો, પણ હું તમને સાચે જ જણાવવા માંગું છું કે પાછલાં આઠ વર્ષોમાં તમારા પત્રથી મને કેટલી મદદ મળી છે. તમારા શબ્દો ખૂબ પ્રેમાળ હતા, પણ તમે જે કલમ લખી હતી એ તો મારા દિલને સ્પર્શી ગઈ. એને હું ક્યારેય ભૂલી નથી.”a એ વર્ષો દરમિયાન તેમના પર જે મુશ્કેલીઓ આવી એ વિશે જણાવ્યા પછી તેમણે કહ્યું: “ઘણી વાર થતું કે બધું જ છોડી દઉં. યહોવાની ભક્તિ પણ છોડી દઉં. પણ તમે જે કલમ લખી હતી એને હું હંમેશાં યાદ રાખતી. એનાથી મને વફાદાર રહેવા ખૂબ હિંમત મળી અને મેં ક્યારેય હાર ન માની.” પછી બહેને કહ્યું: “આ આઠ વર્ષોમાં તમારા પત્રથી અને કલમથી મને જેટલી હિંમત મળી છે, એટલી તો બીજા કશાથી નથી મળી.” જરા વિચારો, સરકીટ નિરીક્ષકનાં પત્નીને “ઘણા દિવસો પછી” પોતાના પત્રનો જવાબ મળ્યો ત્યારે, કેવું લાગ્યું હશે. તેમની ખુશીનો પાર રહ્યો નહિ હોય. આપણી સાથે પણ એવું જ કંઈક બની શકે છે. બની શકે કે આપણે કોઈને મદદ કરી હોય અને લાંબા સમય પછી તે આપણો આભાર માને.
બની શકે કે આપણે કોઈને મદદ કરી હોય અને લાંબા સમય પછી તે આપણો આભાર માને (ફકરો ૨૦ જુઓ)b
૨૧. તમે શા માટે યહોવાની જેમ ઉદાર બનવા માંગો છો?
૨૧ શરૂઆતમાં જોઈ ગયા તેમ યહોવાએ આપણને એ રીતે બનાવ્યા છે કે જ્યારે બીજાઓને કંઈક આપીએ છીએ, ત્યારે ખુશી મળે છે. આપણે ભાઈ-બહેનોને મદદ કરી શકીએ છીએ એ વિચારથી જ દિલમાં સારું લાગે છે. બીજાઓ આભાર માને છે ત્યારે ખુશી થાય છે. પણ કોઈ આભાર માને કે ન માને, આપણે ખુશ રહી શકીએ છીએ. કારણ કે આપણે જાણીએ છીએ કે આપણે યહોવાને ગમે એવું જ કરીએ છીએ. કદી ન ભૂલો, ભલે તમે કંઈ પણ આપશો, “યહોવા પાસે તમને એનાથી પણ ઘણું વધારે આપવાની શક્તિ છે.” (૨ કાળ. ૨૫:૯) જેટલું બીજાઓને આપીએ છીએ, એનાથી વધારે યહોવા આપણને આપે છે. શું યહોવા કરતાં મોટું ઇનામ બીજું કોઈ આપી શકે? તો ચાલો સ્વર્ગમાંના પિતાની જેમ ઉદારતાથી આપતા રહીએ.
ગીત ૨૫ પ્રેમ છે ઈશ્વરની રીત
b ચિત્રની સમજ: હકીકતમાં શું બન્યું હતું એ સમજાવતું દૃશ્ય—સરકીટ નિરીક્ષકનાં પત્નીએ એક બહેનને ઉત્તેજન આપવા પત્ર લખ્યો હતો. વર્ષો પછી એ બહેને પત્ર લખીને સરકીટ નિરીક્ષકનાં પત્નીનો આભાર માન્યો.