અભ્યાસ લેખ ૪૧
ગીત ૫ ઈસુને પગલે ચાલું
ઈસુના પૃથ્વી પરના છેલ્લા ૪૦ દિવસમાંથી શીખો
“તે તેઓને ૪૦ દિવસ સુધી દેખાયા અને ઈશ્વરના રાજ્ય વિશે વાતો કરી.”—પ્રે.કા. ૧:૩.
આપણે શું શીખીશું?
ઈસુએ પૃથ્વી પરના પોતાના જીવનના છેલ્લા ૪૦ દિવસોમાં જે કંઈ કર્યું, એમાંથી આપણે શું શીખી શકીએ?
૧-૨. ઈસુના બે શિષ્યો એમ્મોસ ગામે જઈ રહ્યા હતા ત્યારે શું બન્યું?
ઈસવીસન ૩૩, નીસાન ૧૬નો દિવસ છે. ઈસુના શિષ્યો ખૂબ દુઃખી છે. તેઓ પર ડર છવાઈ ગયો છે. તેઓમાંથી બે શિષ્યો યરૂશાલેમથી નીકળીને એમ્મોસ નામના ગામે જઈ રહ્યા છે. એ ગામ યરૂશાલેમથી આશરે ૧૧ કિલોમીટર દૂર છે. એ માણસો ખૂબ નિરાશ છે. કેમ કે તેઓ જે માણસના શિષ્યો હતા એ ઈસુને મારી નાખવામાં આવ્યા છે. તેઓ માનતા હતા કે મસીહ યહૂદીઓ માટે મોટાં મોટાં કામ કરશે, પણ તેઓની એ આશા પર પાણી ફરી વળ્યું છે. જોકે હવે એવું કંઈક બને છે, જેના વિશે તેઓએ વિચાર્યું પણ ન હતું.
૨ રસ્તામાં એક અજાણ્યો માણસ તેઓને મળે છે અને તેઓની સાથે ચાલવા લાગે છે. એ બે શિષ્યો તેને જણાવે છે કે ઈસુ સાથે કેટલું ખરાબ બન્યું હતું. પછી એ અજાણ્યો માણસ તેઓને એવું કંઈક જણાવે છે, જે તેઓ આજીવન ભૂલ્યા નહિ હોય. “મૂસા અને બધા પ્રબોધકોનાં લખાણોથી શરૂ કરીને” તે તેઓને સમજાવે છે કે મસીહ માટે દુઃખો સહેવાં અને મરવું કેમ જરૂરી હતું. પછી એ ત્રણેય માણસો એમ્મોસ ગામ પહોંચે છે. ત્યાં એ બે શિષ્યોને ખ્યાલ આવે છે કે તેઓની સાથે જે માણસ હતો એ બીજું કોઈ નહિ પણ ઈસુ હતા, જેમને ઈશ્વરે જીવતા કર્યા હતા. આપણે કલ્પના કરી શકીએ કે જ્યારે એ શિષ્યોને ખબર પડી હશે કે મસીહ જીવતા છે, ત્યારે તેઓ ખુશીથી ઊછળી પડ્યા હશે!—લૂક ૨૪:૧૩-૩૫.
૩-૪. ઈસુએ પોતાના શિષ્યોને જે ઉત્તેજન આપ્યું એની તેઓ પર કેવી અસર પડી? (પ્રેરિતોનાં કાર્યો ૧:૩) (ખ) આ લેખમાં આપણે શું શીખીશું?
૩ ઈસુ પૃથ્વી પરના પોતાના જીવનના છેલ્લા ૪૦ દિવસો દરમિયાન ઘણી વાર શિષ્યોને મળ્યા. (પ્રેરિતોનાં કાર્યો ૧:૩ વાંચો.) એ સમયે તેમણે પોતાના દુઃખી અને ડરી ગયેલા શિષ્યોને ઉત્તેજન આપ્યું. એનાથી તેઓનું દિલ આનંદથી ભરાઈ ગયું અને તેઓને ઈશ્વરના રાજ્યની ખુશખબરનો પ્રચાર કરવા અને એ વિશે શીખવવા હિંમત મળી.a
૪ ઈસુએ એ છેલ્લા ૪૦ દિવસો દરમિયાન જે કંઈ કર્યું એનો અભ્યાસ કરવાથી આપણે ઘણું શીખી શકીએ છીએ. આ લેખમાં જોઈશું કે એ સમયે ઈસુએ કઈ રીતે (૧) શિષ્યોને ઉત્તેજન આપ્યું, (૨) તેઓને શાસ્ત્રવચનો સારી રીતે સમજવા મદદ કરી અને (૩) તેઓ મોટી મોટી જવાબદારીઓ ઉપાડી શકે એ માટે તાલીમ આપી. દરેક મુદ્દાની ચર્ચા કરતી વખતે એ પણ જોઈશું કે આપણે કઈ રીતે ઈસુના પગલે ચાલી શકીએ.
બીજાઓને ઉત્તેજન આપો
૫. ઈસુના શિષ્યોને કેમ ઉત્તેજનની જરૂર હતી?
૫ ઈસુના શિષ્યોને ઉત્તેજનની જરૂર હતી. શા માટે? ઈસુ સાથે પૂરો સમય સેવા કરવા અમુક શિષ્યોએ પોતાનાં ઘરબાર, કુટુંબીજનો અને ધંધો છોડ્યાં હતાં. (માથ. ૧૯:૨૭) બીજા અમુક સાથે લોકો ખરાબ રીતે વર્તતા હતા, કેમ કે તેઓ ઈસુના શિષ્યો બન્યા હતા. (યોહા. ૯:૨૨) તેઓ એ બધા ફેરફારો કરવા અને બધું સહેવા તૈયાર હતા, કેમ કે તેઓ માનતા હતા કે ઈસુ જ વચન આપેલા મસીહ છે. (માથ. ૧૬:૧૬) પણ ઈસુને મારી નાખવામાં આવ્યા ત્યારે તેઓ નિરાશ થઈ ગયા. કેમ કે તેઓને લાગ્યું કે હવે તેઓની આશા પૂરી નહિ થાય.
૬. ઈસુને જીવતા કરવામાં આવ્યા એ પછી તેમણે શું કર્યું?
૬ શિષ્યો કેમ દુઃખી હતા એ ઈસુ સમજતા હતા. તે જાણતા હતા કે શિષ્યોમાં શ્રદ્ધાની ખામી નથી, પણ તેમને ગુમાવવાને લીધે તેઓ દુઃખી છે. એટલે જીવતા થયા એ જ દિવસથી તેમણે પોતાના મિત્રોને ઉત્તેજન આપવાનું શરૂ કરી દીધું. દાખલા તરીકે, મરિયમ માગદાલેણ ઈસુની કબર આગળ રડતી હતી ત્યારે ઈસુ તેને દેખાયા. (યોહા. ૨૦:૧૧, ૧૬) ઈસુ બે શિષ્યોને પણ દેખાયા જેમ આ લેખની શરૂઆતમાં જોયું. તે પ્રેરિત પિતરને પણ દેખાયા. (લૂક ૨૪:૩૪) ઈસુના દાખલામાંથી શું શીખી શકીએ? ચાલો સૌથી પહેલાં એ જોઈએ કે ઈસુ મરિયમ માગદાલેણને દેખાયા ત્યારે શું બન્યું.
૭. યોહાન ૨૦:૧૧-૧૬માં જણાવ્યું છે તેમ, ઈસુએ મરિયમને શું કરતા જોઈ અને ઈસુએ તેના માટે શું કર્યું? (ચિત્ર પણ જુઓ.)
૭ યોહાન ૨૦:૧૧-૧૬ વાંચો. નીસાન ૧૬ની સવારે અમુક વફાદાર સ્ત્રીઓ ઈસુની કબરે આવી. (લૂક ૨૪:૧, ૧૦) તેઓમાંની એક હતી, મરિયમ માગદાલેણ. જ્યારે મરિયમ કબરે આવી, ત્યારે તેણે જોયું કે ઈસુનું શબ ત્યાં ન હતું. એટલે તે દોડીને પિતર અને યોહાન પાસે ગઈ અને તેઓને એ વિશે જણાવ્યું. પિતર અને યોહાન દોડીને કબરે આવ્યા અને મરિયમ પણ તેઓની પાછળ પાછળ આવી. ખાલી કબર જોઈને એ બે માણસો ઘરે પાછા જતા રહ્યા, પણ મરિયમ ન ગઈ. તે ત્યાં જ ઊભી ઊભી રડતી હતી. તેને ખબર ન હતી કે ઈસુ તેને જોઈ રહ્યા હતા. એ વફાદાર સ્ત્રીનાં આંસુ જોઈને ઈસુનું હૈયું હચમચી ઊઠ્યું. એટલે તે તેને દેખાયા અને તેને ઉત્તેજન આપવા કંઈક કર્યું. ઈસુએ મરિયમ સાથે વાત કરી અને તેને એક મહત્ત્વનું કામ સોંપ્યું. મરિયમે જઈને ઈસુના ભાઈઓને જણાવવાનું હતું કે ઈસુને જીવતા કરવામાં આવ્યા છે.—યોહા. ૨૦:૧૭, ૧૮.
ઈસુની જેમ ધ્યાન આપો કે ભાઈ-બહેનો કઈ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યાં છે અને તેઓને મદદ કરવા શું કરી શકો (ફકરો ૭ જુઓ)
૮. આપણે કઈ રીતે ઈસુના પગલે ચાલી શકીએ?
૮ આપણે કઈ રીતે ઈસુના પગલે ચાલી શકીએ? ભાઈ-બહેનો યહોવાની સેવામાં લાગુ રહે એ માટે તેઓને ઉત્તેજન આપીએ. ઈસુની જેમ આપણે ધ્યાન આપવું જોઈએ કે ભાઈ-બહેનો કઈ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યાં છે. એ સમજવાની કોશિશ કરવી જોઈએ કે તેઓને કેવું લાગી રહ્યું છે અને તેઓને દિલાસો આપવો જોઈએ. ચાલો જોસલીનબહેનનો અનુભવ જોઈએ. એક કરુણ અકસ્માતમાં તેમની નાની બહેનનું મરણ થયું. જોસલીનબહેન કહે છે: “મહિનાઓ સુધી હું દુઃખમાં ડૂબેલી રહી.” પણ એક પતિ-પત્નીએ તેમને પોતાના ઘરે બોલાવ્યાં. તેઓએ બહુ ધ્યાનથી તેમની વાત સાંભળી અને તેમને ભરોસો અપાવ્યો કે યહોવા તેમને બહુ કીમતી ગણે છે. બહેન કહે છે: “મને લાગતું હતું કે જાણે સમુદ્રમાં મોટું તોફાન આવ્યું હોય અને હું એનાં ઊછળતાં મોજાઓમાં ડૂબી રહી હોઉં. પણ યહોવાએ એ પતિ-પત્ની દ્વારા હોડી મોકલીને મને બચાવી લીધી. યહોવાની સેવામાં મારો જોશ ફરીથી જાગે એ માટે એ પતિ-પત્નીએ મને મદદ કરી.” આપણે કઈ રીતે ભાઈ-બહેનોને દિલાસો આપી શકીએ? તેઓને પોતાનું દિલ ઠાલવવા દઈએ અને ધ્યાનથી તેઓની વાત સાંભળીએ. આમ તેઓને દિલાસો આપી શકીશું અને તેઓ યહોવાની ભક્તિમાં લાગુ રહે એ માટે તેઓને મદદ કરી શકીશું.—રોમ. ૧૨:૧૫.
શાસ્ત્રવચનો સમજવા બીજાઓને મદદ કરો
૯. ઈસુના શિષ્યો સામે કઈ અડચણ આવી? ઈસુએ તેઓને કઈ રીતે મદદ કરી?
૯ ઈસુના શિષ્યો શાસ્ત્રવચનોમાં માનતા હતા અને યહોવાની આજ્ઞાઓ પાળવા સખત મહેનત કરતા હતા. (યોહા. ૧૭:૬) પણ તેઓ એ સમજી શકતા ન હતા કે ઈસુને કેમ ગુનેગાર તરીકે મારી નાખવામાં આવ્યા. ઈસુ જાણતા હતા કે તેમના શિષ્યોમાં શ્રદ્ધા હતી અને તેઓ યહોવાને પ્રેમ કરતા હતા. પણ ઈસુને ખ્યાલ આવ્યો કે શિષ્યોએ શાસ્ત્રવચનો વધારે સારી રીતે સમજવાની જરૂર હતી. (લૂક ૯:૪૪, ૪૫; યોહા. ૨૦:૯) એટલે તેમણે તેઓને શાસ્ત્રવચનો સમજવા મદદ કરી. ઈસુએ એવું કઈ રીતે કર્યું? એ સમજવા ચાલો જોઈએ કે બે શિષ્યો એમ્મોસ ગામ જતા હતા ત્યારે રસ્તામાં શું બન્યું.
૧૦. ઈસુએ કઈ રીતે પોતાના શિષ્યોને ભરોસો અપાવ્યો કે તે જ મસીહ છે? (લૂક ૨૪:૧૮-૨૭)
૧૦ લૂક ૨૪:૧૮-૨૭ વાંચો. ધ્યાન આપો કે ઈસુએ એ બે શિષ્યોને તરત જ ન જણાવ્યું કે તે કોણ છે. એને બદલે તેમણે સવાલો પૂછ્યા. શા માટે? કદાચ તે ચાહતા હતા કે શિષ્યો તેમની આગળ પોતાનું દિલ ઠાલવે. એ શિષ્યોને લાગતું હતું કે ઈસુ ઇઝરાયેલના રાજા બનશે અને તેઓને રોમનોના જુલમથી છુટકારો અપાવશે. શિષ્યોએ પોતાના દિલના વિચારો જણાવ્યા પછી ઈસુએ શાસ્ત્રવચનોનો ઉપયોગ કરીને તેઓને સમજાવ્યું કે ઘણી ભવિષ્યવાણીઓ પૂરી થઈ છે.b એ સાંજે પછીથી ઈસુ પોતાના બીજા શિષ્યોને મળ્યા અને તેઓને પણ ભવિષ્યવાણીઓનો અર્થ સમજાવ્યો. (લૂક ૨૪:૩૩-૪૮) આ બનાવમાંથી આપણે શું શીખી શકીએ?
૧૧-૧૨. (ક) ઈસુએ જે રીતે શાસ્ત્રવચનોમાંથી શીખવ્યું, એમાંથી શું શીખી શકીએ? (ચિત્રો પણ જુઓ.) (ખ) એક ભાઈએ કઈ રીતે પોતાના બાઇબલ વિદ્યાર્થીને મદદ કરી?
૧૧ આપણે કઈ રીતે ઈસુના પગલે ચાલી શકીએ? બાઇબલ વિદ્યાર્થીઓને શીખવતી વખતે સમજી-વિચારીને સવાલો પૂછો, જેથી તેઓ જણાવી શકે કે તેઓનાં મનમાં શું ચાલી રહ્યું છે. (નીતિ. ૨૦:૫) તેઓનાં દિલની વાત જાણી લીધા પછી બતાવો કે તેઓના સંજોગોમાં લાગુ પડતી હોય એવી કલમો કઈ રીતે શોધવી. તેઓએ શું કરવું અથવા શું ન કરવું એ જણાવવાને બદલે બાઇબલ કલમોને આધારે સવાલો પૂછો. તેઓને એ કલમો પર અને એને કઈ રીતે જીવનમાં લાગુ પાડવી એના પર વિચાર કરવા ઉત્તેજન આપો. ચાલો ઘાનામાં રહેતા નોર્ટે નામના ભાઈનો દાખલો જોઈએ.
૧૨ સોળ વર્ષની ઉંમરે નોર્ટેએ બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું. પણ થોડા જ સમયમાં તેનું કુટુંબ તેનો વિરોધ કરવા લાગ્યું. બાઇબલમાંથી શીખતા રહેવા તેને શાનાથી મદદ મળી? જે ભાઈ તેને બાઇબલમાંથી શીખવતા હતા, તેમણે પહેલેથી જ તેની સાથે માથ્થી અધ્યાય ૧૦માંથી ચર્ચા કરી હતી અને સમજાવ્યું હતું કે જેઓ ઈસુના પગલે ચાલે છે, તેઓની સતાવણી થશે. નોર્ટે કહે છે: “એટલે જ્યારે મારી સતાવણી થઈ, ત્યારે મને ભરોસો થઈ ગયો કે હું જે શીખું છું એ સાચું છે.” એ ભાઈએ તેની સાથે માથ્થી ૧૦:૧૬ પર પણ ચર્ચા કરી હતી. એનાથી નોર્ટેને સમજાયું હતું કે તેણે એવા દરેક સંજોગથી સાવધ રહેવાનું હતું, જેનાથી કુટુંબ સાથે વાદવિવાદ થઈ શકે. એટલું જ નહિ, ધર્મ વિશે વાત થાય ત્યારે તેણે માનપૂર્વક વાત કરવાની હતી. બાપ્તિસ્મા લીધા પછી નોર્ટે પાયોનિયરીંગ કરવા માંગતો હતો. પણ તેના પપ્પા ચાહતા હતા કે તે કૉલેજમાં જાય અને વધારે ભણે. એ ભાઈએ નોર્ટેને સીધેસીધું ન કહ્યું કે તેણે શું કરવું જોઈએ. એને બદલે તેમણે તેને સવાલો પૂછ્યા, જેથી તે બાઇબલ કલમો પર વિચાર કરી શકે અને યોગ્ય નિર્ણય લઈ શકે. એનું શું પરિણામ આવ્યું? નોર્ટેએ પોતે નક્કી કર્યું કે તે પૂરા સમયની સેવામાં જોડાશે. તેના પપ્પાએ તેને ઘર છોડી દેવા કહ્યું. તેના જીવનમાં જે કંઈ બન્યું એ વિશે નોર્ટેને કેવું લાગે છે? તે કહે છે: “મને પૂરી ખાતરી છે કે મેં યોગ્ય નિર્ણય લીધો હતો.” જ્યારે આપણે પણ બીજાઓને બાઇબલ કલમો પર મનન કરવા ઉત્તેજન આપીએ છીએ, ત્યારે તેઓને પોતાની શ્રદ્ધા દૃઢ કરવા અને યહોવાની સેવામાં લાગુ રહેવા મદદ કરીએ છીએ.—એફે. ૩:૧૬-૧૯.
ઈસુની જેમ બીજાઓને શાસ્ત્રવચનો સમજવા મદદ કરો (ફકરો ૧૧ જુઓ)e
ભાઈઓને તાલીમ આપો
૧૩. પિતાએ સોંપેલું કામ આ પૃથ્વી પર ચાલુ રહે એ માટે ઈસુએ શું કર્યું? (એફેસીઓ ૪:૮)
૧૩ પૃથ્વી પર હતા ત્યારે ઈસુએ એ જ કર્યું, જે તેમના પિતાએ તેમને કરવાનું કહ્યું હતું. (યોહા. ૧૭:૪) પણ ઈસુએ કદી એવું ન વિચાર્યું કે ફક્ત તે જ યહોવાની ઇચ્છા પ્રમાણે કરી શકે છે. સાડા ત્રણ વર્ષના સેવાકાર્ય દરમિયાન તેમણે બીજાઓને પણ એ કામ કરવાની તાલીમ આપી. ઈસુએ પોતાના શિષ્યો પર ભરોસો મૂક્યો. તેમણે તેઓને જવાબદારી સોંપી કે તેઓ ખુશખબરનો પ્રચાર કરે, એ વિશે બીજાઓને શીખવે તેમજ યહોવાના કીમતી ઘેટાંની સંભાળ રાખે. (એફેસીઓ ૪:૮ વાંચો.) એ જવાબદારી શિષ્યોને સોંપી ત્યારે કદાચ તેઓમાંથી અમુકની ઉંમર ૩૦ વર્ષ કરતાં પણ ઓછી હતી. એ માણસોએ ઈસુ સાથે સખત મહેનત કરી હતી અને તેમને વફાદાર રહ્યા હતા. પણ સ્વર્ગમાં જતા પહેલાં ઈસુએ તેઓને વધારે તાલીમ આપી, જેથી તેઓ બીજાઓ માટે “ભેટ” બની શકે. ઈસુએ કઈ રીતે તેઓને તાલીમ આપી?
૧૪. ઈસુએ છેલ્લા ૪૦ દિવસ દરમિયાન શિષ્યોને શું શીખવ્યું? (ચિત્ર પણ જુઓ.)
૧૪ ઈસુએ પોતાના શિષ્યોને સીધેસીધી, પણ પ્રેમથી સલાહ આપી. દાખલા તરીકે, ઈસુએ જોયું કે અમુક શિષ્યો શંકા કરતા હતા. એટલે તેમણે તેઓને સલાહ આપી અને તેઓના વિચારો સુધાર્યા. (લૂક ૨૪:૨૫-૨૭; યોહા. ૨૦:૨૭) તેમણે એ પણ કહ્યું કે તેઓ કામ-ધંધામાં ડૂબી જવાને બદલે યહોવાના લોકોની સંભાળ રાખવામાં વધારે ધ્યાન આપે. (યોહા. ૨૧:૧૫) તેમણે શિષ્યોને યાદ અપાવ્યું કે યહોવાની સેવામાં મળેલા લહાવાની સરખામણી બીજાઓ સાથે ન કરે. (યોહા. ૨૧:૨૦-૨૨) અમુક શિષ્યોના મનમાં રાજ્ય વિશે ખોટા વિચારો હતા. ઈસુએ તેઓના વિચારો સુધાર્યા અને તેઓને મદદ કરી, જેથી તેઓ પોતાનું પૂરું ધ્યાન રાજ્યની ખુશખબર ફેલાવવામાં લગાવે. (પ્રે.કા. ૧:૬-૮) ઈસુ પાસેથી વડીલો શું શીખી શકે?
ઈસુની જેમ ભાઈઓને તાલીમ આપો, જેથી તેઓ વધારે જવાબદારીઓ ઉપાડી શકે (ફકરો ૧૪ જુઓ)
૧૫-૧૬. (ક) વડીલો કઈ રીતોએ ઈસુના પગલે ચાલી શકે? (ખ) વડીલે આપેલી સલાહથી પૅટ્રિકને કઈ રીતે ફાયદો થયો?
૧૫ વડીલો કઈ રીતે ઈસુના પગલે ચાલી શકે? તેઓએ ભાઈઓને, અરે યુવાન ભાઈઓને પણ તાલીમ આપવી જોઈએ, જેથી તેઓ મંડળમાં વધારે જવાબદારી ઉપાડી શકે.c તેઓએ સમજવું જોઈએ કે એ ભાઈઓએ ઘણું શીખવાનું છે. તેઓએ યુવાન ભાઈઓને પ્રેમથી સલાહ આપવી જોઈએ, જેથી તેઓ નમ્ર બનવાનું, ભરોસાને લાયક બનવાનું અને બીજાઓને મદદ કરવા તૈયાર રહેવાનું શીખી શકે.—૧ તિમો. ૩:૧; ૨ તિમો. ૨:૨; ૧ પિત. ૫:૫.
૧૬ પૅટ્રિકનો દાખલો જોઈએ ત્યારે ધ્યાન આપજો કે વડીલે આપેલી સલાહથી તેને કઈ રીતે ફાયદો થયો. અગાઉ તે તોછડાઈથી વાત કરતો હતો અને સારી રીતે વર્તતો ન હતો. બહેનો સાથે પણ તે એવું જ કરતો હતો. એક વડીલે જોયું કે પૅટ્રિકે અમુક સુધારા કરવાની જરૂર છે. એટલે તેમણે તેને સીધેસીધી, પણ પ્રેમથી સલાહ આપી. પૅટ્રિક કહે છે: “સારું થયું કે એ વડીલે મને બતાવ્યું કે હું કઈ રીતે સુધારા કરી શકું. હું ચાહતો હતો કે મંડળમાં મને અમુક જવાબદારીઓ મળે. પણ જ્યારે બીજાઓને એ જવાબદારીઓ મળતી, ત્યારે હું નિરાશ થઈ જતો. પણ એ વડીલની સલાહથી મને એ જોવા મદદ મળી કે મારે પોતાનું ધ્યાન મંડળમાં જવાબદારીઓ મેળવવા પર રાખવું ન જોઈએ, એને બદલે મારે નમ્રતાથી ભાઈ-બહેનોની સેવા કરવી જોઈએ.” એનું પરિણામ એ આવ્યું કે પૅટ્રિક જ્યારે ૨૩ વર્ષનો હતો, ત્યારે તેને વડીલ તરીકેની જવાબદારી મળી.—નીતિ. ૨૭:૯.
૧૭. ઈસુએ કઈ રીતે પોતાના શિષ્યો પર ભરોસો બતાવ્યો?
૧૭ ઈસુએ પોતાના શિષ્યોને ફક્ત પ્રચાર કરવાની જ નહિ, બીજાઓને શીખવવાની પણ જવાબદારી સોંપી હતી. (માથ. ૨૮:૨૦) કદાચ શિષ્યોને લાગતું હતું કે તેઓ એ કામ નહિ કરી શકે. પણ ઈસુને ભરોસો હતો કે શિષ્યો એ જવાબદારી ઉપાડી શકે છે. ઈસુને એટલો બધો ભરોસો હતો કે તેમણે કહ્યું: “જેમ પિતાએ મને મોકલ્યો છે, તેમ હું પણ તમને મોકલું છું.”—યોહા. ૨૦:૨૧.
૧૮. વડીલો કઈ રીતે ઈસુના પગલે ચાલી શકે?
૧૮ વડીલો કઈ રીતે ઈસુના પગલે ચાલી શકે? અનુભવી વડીલો બીજાઓને જવાબદારી સોંપે છે. (ફિલિ. ૨:૧૯-૨૨) દાખલા તરીકે, વડીલો અમુક યુવાનોને પૂછી શકે કે શું તેઓ પ્રાર્થનાઘરની સાફ-સફાઈમાં અને સમારકામમાં મદદ કરી શકે. પછી વડીલો તેઓને અલગ અલગ કામ સોંપી શકે. એ કામ કઈ રીતે કરવું એની તાલીમ આપી શકે અને ભરોસો રાખી શકે કે તેઓ એ કામ સારી રીતે પૂરું કરશે. મેથ્યુભાઈનો દાખલો લો. તે થોડા સમય પહેલાં જ વડીલ બન્યા છે. તે એ અનુભવી વડીલોનો ખૂબ આભાર માને છે, જેઓએ તેમને મંડળની અલગ અલગ જવાબદારીઓ નિભાવવા તાલીમ આપી અને તેમનામાં ભરોસો મૂક્યો. મેથ્યુભાઈ કહે છે: “મારાથી ભૂલો થઈ જતી ત્યારે, તેઓ મને એ જોવા મદદ કરતા કે હું કઈ રીતે મારી ભૂલોમાંથી શીખી શકું અને ફરી એ કામ મળે ત્યારે એને સારી રીતે કરી શકું.”d
૧૯. આપણે કયો પાકો નિર્ણય લેવો જોઈએ?
૧૯ ઈસુએ છેલ્લા ૪૦ દિવસ દરમિયાન બીજાઓને ઉત્તેજન આપ્યું, શીખવ્યું અને તાલીમ આપી. ચાલો આપણે પાકો નિર્ણય લઈએ કે ઈસુના પગલે ચાલવા બનતું બધું કરીશું. (૧ પિત. ૨:૨૧) એમ કરવામાં તે આપણને મદદ કરશે, કેમ કે તેમણે પોતે વચન આપ્યું છે: “દુનિયાના અંત સુધી હું હંમેશાં તમારી સાથે છું.”—માથ. ૨૮:૨૦.
ગીત ૧૪૮ તમારો વહાલો દીકરો આપ્યો
a ખુશખબરના પુસ્તકોમાં અને બાઇબલના બીજા પુસ્તકોમાં જોવા મળે છે કે ઈસુને જીવતા કરવામાં આવ્યા એ પછી તે ઘણી વાર બીજાઓને દેખાયા હતા. જેમ કે, મરિયમ માગદાલેણને (યોહા. ૨૦:૧૧-૧૮); બીજી સ્ત્રીઓને (માથ. ૨૮:૮-૧૦; લૂક ૨૪:૮-૧૧); બે શિષ્યોને (લૂક ૨૪:૧૩-૧૫); પિતરને (લૂક ૨૪:૩૪); પ્રેરિતોને, જ્યારે થોમા તેઓની સાથે હાજર ન હતો (યોહા. ૨૦:૧૯-૨૪); પ્રેરિતોને, જ્યારે થોમા તેઓની સાથે હાજર હતો (યોહા. ૨૦:૨૬); સાત શિષ્યોને (યોહા. ૨૧:૧, ૨); ૫૦૦ કરતાં વધારે શિષ્યોને (માથ. ૨૮:૧૬; ૧ કોરીં. ૧૫:૬); પોતાના ભાઈ યાકૂબને (૧ કોરીં. ૧૫:૭); બધા પ્રેરિતોને (પ્રે.કા. ૧:૪); અને બેથનિયા નજીક પ્રેરિતોને. (લૂક ૨૪:૫૦-૫૨) બની શકે કે ઈસુ બીજા પ્રસંગોએ પણ પોતાના શિષ્યોને મળ્યા હોય, પણ એનો ઉલ્લેખ બાઇબલમાં નથી.—યોહા. ૨૧:૨૫.
b મસીહ વિશેની ભવિષ્યવાણીઓની યાદી જોવા jw.org/gu પર આ લેખ જુઓ: “શું બાઇબલની ભવિષ્યવાણીઓ બતાવે છે કે ઈસુ જ મસીહ છે?”
c અમુક યુવાન ભાઈઓને ૨૫થી ૩૦ વર્ષની ઉંમરે સરકીટ નિરીક્ષક બનાવવામાં આવી શકે છે. પણ એ પહેલાં તેઓએ વડીલો તરીકે સેવા આપી હોવી જોઈએ.
d યુવાન ભાઈઓ વધારે જવાબદારી ઉપાડી શકે, એ માટે આપણે તેઓને કઈ રીતે મદદ કરી શકીએ? અમુક સૂચનો માટે ઑગસ્ટ ૨૦૧૮, ચોકીબુરજ પાન ૧૧-૧૨, ફકરા ૧૫-૧૭ અને એપ્રિલ ૧૫, ૨૦૧૫ ચોકીબુરજ પાન ૩-૧૩ જુઓ.
e ચિત્રની સમજ: એક ભાઈ પોતાના બાઇબલ વિદ્યાર્થીને શાસ્ત્રવચનો પર વિચાર કરવા અને યહોવાને કઈ રીતે ખુશ કરવા એ સમજવા મદદ કરે છે. હવે એ વિદ્યાર્થી નાતાલના શણગારને લગતી વસ્તુઓ ફેંકી દેવાનો નિર્ણય લે છે.