શા માટે યુદ્ધ અને લડાઈઓનો અંત નથી આવતો?
બાઇબલમાં જણાવ્યું છે કે યુદ્ધ અને લડાઈઓ થવા પાછળનું મૂળ કારણ શું છે. એમાં એ પણ જણાવ્યું છે કે શા માટે યુદ્ધોનો અંત નથી આવતો.
પાપ
ઈશ્વરે આપણા પ્રથમ માબાપ, આદમ અને હવાને એવાં બનાવ્યાં હતાં કે તેઓ ઈશ્વર જેવા ગુણો બતાવી શકતાં હતાં. જેમ કે, પ્રેમ અને શાંતિ જેવા ગુણો. (ઉત્પત્તિ ૧:૨૭; ૧ કોરીંથીઓ ૧૪:૩૩; ૧ યોહાન ૪:૮) જોકે, આદમ અને હવાએ યહોવાનું કહ્યું માન્યું નહિ અને પાપ કરી બેઠાં. આપણે બધા આદમ અને હવાનાં બાળકો છીએ, એટલે આપણને વારસામાં પાપ અને મરણ મળ્યાં. (રોમનો ૫:૧૨) એ પાપની અસરના લીધે, આપણે ઘણી વાર ખરાબ વિચારીએ છીએ. પરિણામે ખરાબ કામો કરીએ છીએ અને હિંસા કરી બેસીએ છીએ.—ઉત્પત્તિ ૬:૫; માર્ક ૭:૨૧, ૨૨.
માણસોની સરકાર
ઈશ્વરે આપણને એ રીતે નથી બનાવ્યા કે આપણે એકબીજા પર રાજ કરીએ. બાઇબલમાં લખ્યું છે: આપણે ‘પોતાની મેળે એક પગલું પણ ભરી શકતા નથી.’ (યર્મિયા ૧૦:૨૩) એટલે માણસોની સરકારો ક્યારેય યુદ્ધ અને લડાઈઓ પૂરી રીતે દૂર નહિ કરી શકે.
શેતાન અને તેના દુષ્ટ દૂતો
બાઇબલમાં જણાવ્યું છે કે “આખી દુનિયા શેતાનના કાબૂમાં છે.” (૧ યોહાન ૫:૧૯) “શેતાન” ખૂબ દુષ્ટ છે અને એક ખૂની છે. (યોહાન ૮:૪૪) તેની સાથે બીજા દુષ્ટ દૂતો પણ છે. તેઓ લોકોને ગેરમાર્ગે દોરીને યુદ્ધ અને લડાઈઓ કરવા ઉશ્કેરે છે.—પ્રકટીકરણ ૧૨:૯, ૧૨.
આપણે યુદ્ધ અને લડાઈઓ પાછળનું મૂળ કારણ દૂર કરી શકતા નથી, પણ ઈશ્વર કરી શકે છે.