યુદ્ધ અને લડાઈઓની આપણા પર કેવી અસર થાય છે?
“બીજા વિશ્વ યુદ્ધ પછી, જો સૌથી વધારે લડાઈઓ થઈ હોય તો એ આજના સમયમાં છે. બે અબજ લોકો, એટલે કે દર ચારમાંથી એક વ્યક્તિ, લડાઈઓ થઈ રહી છે એવા વિસ્તારમાં રહે છે.”
યુનાઈટેડ નેશન્સ ડેપ્યુટી સેક્રેટરી-જનરલ અમીના જે. મોહમ્મદ, ૨૬ જાન્યુઆરી, ૨૦૨૩.
ધાર્યું ન હોય એવા વિસ્તારોમાં પણ અચાનક યુદ્ધો શરૂ થઈ શકે છે. અરે, યુદ્ધ ના થતું હોય એ દેશોમાં પણ એની અસર થાય છે. યુદ્ધ પછી પણ એની ખરાબ અસરો લાંબા સમય સુધી રહે છે. ચાલો એના અમુક દાખલાઓ જોઈએ:
ખોરાકની અછત. વર્લ્ડ ફુડ પ્રોગ્રામ સંસ્થા પ્રમાણે “આજે પણ ખોરાકની અછતનું મુખ્ય કારણ યુદ્ધો છે. આજે દુનિયામાં કરોડો લોકો ભૂખમરાનો સામનો કરે છે. એમાંના ૭૦ ટકા લોકો યુદ્ધો ચાલતા હોય એવા વિસ્તારમાં રહે છે.”
શરીર અને મન પર અસર. યુદ્ધ ફાટી નીકળવાનો ડર હોય, એવા વિસ્તારના લોકો ખૂબ જ તણાવ અને ચિંતામાં હોય છે. લડાઈ ચાલતી હોય એવા વિસ્તારના લોકોને ઈજા થવાનો ખતરો રહે છે. એટલું જ નહિ, એ બધાની તેઓના મન પર ઘણી અસર થાય છે. પણ દુઃખની વાત છે કે તેઓના શરીર અને મન પર જે અસર થાય છે, એ માટે તેઓને પૂરતી સારવાર પણ નથી મળતી.
ઘર છોડવું પડે. યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રૅફ્યૂજી સંસ્થા પ્રમાણે સપ્ટેમ્બર ૨૦૨૩ સુધીમાં દુનિયા ફરતે ૧૧ કરોડ ૪૦ લાખ કરતાં વધારે લોકોએ પરાણે પોતાના ઘર છોડવા પડ્યા. એની પાછળનું મુખ્ય કારણ છે, યુદ્ધો અને લડાઈઓ.
દેશમાં પૈસાની મુશ્કેલી. યુદ્ધના કારણે લોકોએ પૈસેટકે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેમ કે, ચીજવસ્તુઓના ભાવ ખૂબ વધી જાય. લોકોની સારવાર અને ભણતર માટેના પૈસા સરકાર યુદ્ધમાં ખર્ચે છે ત્યારે, લોકોની તકલીફો અનેક ઘણી વધી જાય છે. યુદ્ધ પછી થયેલી તબાહીના સમારકામમાં અઢળક ખર્ચ થઈ જાય છે.
પર્યાવરણ પર અસર. જે દેશમાં યુદ્ધ થાય છે, ત્યાં ઘણું નુકસાન થાય છે. હવા, પાણી અને જમીન, બધું જ પ્રદૂષિત થઈ જાય છે. એની અસર ઘણા લાંબા સમય સુધી લોકોની તંદુરસ્તી પર પડે છે. યુદ્ધ પતી ગયાના દાયકાઓ પછી પણ જમીનમાં છુપાયેલી સુરંગો ફાટવાનું જોખમ રહે છે.
એમાં કોઈ બે મત નથી કે યુદ્ધોને લીધે ચારે બાજુ વિનાશ થાય છે અને લોકોએ ઘણું ભોગવવું પડે છે.