વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w25 માર્ચ પાન ૨૦-૨૫
  • શ્રદ્ધાથી ચાલતા રહીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શ્રદ્ધાથી ચાલતા રહીએ
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • મથાળાં
  • સરખી માહિતી
  • નોકરી પસંદ કરીએ ત્યારે
  • જીવનસાથી પસંદ કરીએ ત્યારે
  • સંગઠન તરફથી માર્ગદર્શન મળે ત્યારે
  • શું મારા નિર્ણયથી દેખાઈ આવે છે કે મને યહોવા પર ભરોસો છે?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • નમ્રતાથી સ્વીકારીએ કે આપણે ઘણી વાતો જાણતા નથી
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • આ સવાલોના જવાબ મેળવો
    ૨૦૨૫-૨૦૨૬ સરકીટ સંમેલન કાર્યક્રમ—સરકીટ નિરીક્ષક સાથે
  • શંકા દૂર કરવા શું કરી શકાય?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
w25 માર્ચ પાન ૨૦-૨૫

અભ્યાસ લેખ ૧૨

ગીત ૫૪ ઈશ્વરનો હાથ પકડ

શ્રદ્ધાથી ચાલતા રહીએ

“આપણે શ્રદ્ધાથી ચાલીએ છીએ, જે નજરે પડે છે એનાથી નહિ.”—૨ કોરીં. ૫:૭.

આપણે શું શીખીશું?

મહત્ત્વના નિર્ણયો લેતી વખતે આપણે કઈ રીતે શ્રદ્ધાથી ચાલી શકીએ?

૧. પ્રેરિત પાઉલ કેમ પોતાના જીવનથી ખુશ હતા?

પ્રેરિત પાઉલ જાણતા હતા કે બહુ જલદી તેમને મારી નાખવામાં આવશે. પણ તે પોતાના જીવનથી ખુશ હતા. વીતેલી કાલ પર નજર કરતી વખતે તે કહી શક્યા: “મેં દોડ પૂરી કરી છે અને હું શ્રદ્ધાથી જીવ્યો છું.” (૨ તિમો. ૪:૬-૮) પાઉલે પોતાનું આખું જીવન યહોવાની સેવામાં વિતાવવાનું નક્કી કર્યું હતું. તેમને ખાતરી હતી કે યહોવા તેમનાથી ખુશ હતા. આપણે પણ સારા નિર્ણયો લેવા માંગીએ છીએ અને યહોવાની કૃપા મેળવવા માંગીએ છીએ, ખરું ને! એ માટે શું કરી શકીએ?

૨. શ્રદ્ધાથી ચાલવું એટલે શું?

૨ પાઉલે પોતાના વિશે અને બીજાં વફાદાર ભાઈ-બહેનો વિશે કહ્યું: “આપણે શ્રદ્ધાથી ચાલીએ છીએ, જે નજરે પડે છે એનાથી નહિ.” (૨ કોરીં. ૫:૭) પાઉલના કહેવાનો અર્થ શું હતો? બાઇબલમાં અમુક વાર “ચાલવું” શબ્દનો ઉપયોગ વ્યક્તિ કઈ રીતે જીવન જીવે છે એ બતાવવા થાય છે. “જે નજરે પડે છે” એનાથી ચાલતી વ્યક્તિ જે જુએ છે, સાંભળે છે અને અનુભવે છે, બસ એના જ આધારે નિર્ણય લે છે. બીજી બાજુ, “શ્રદ્ધાથી” ચાલતી વ્યક્તિ નિર્ણય લેતી વખતે યહોવાની ઇચ્છાનો વિચાર કરે છે. તેને પાકો ભરોસો છે કે યહોવા તેને ઇનામ આપશે અને બાઇબલની સલાહ પાળવાથી તેનું ભલું થશે. એ ભરોસો તેના એકેએક કામમાં દેખાઈ આવે છે.—ગીત. ૧૧૯:૬૬; હિબ્રૂ. ૧૧:૬.

૩. શ્રદ્ધાથી ચાલીશું તો કેવા ફાયદા થશે? (૨ કોરીંથીઓ ૪:૧૮)

૩ એ સાચું છે કે અમુક નિર્ણયો આપણે જે જોઈએ, સાંભળીએ અને અનુભવીએ, એના આધારે લઈએ છીએ. પણ જો એના આધારે જ મહત્ત્વના નિર્ણયો લઈશું, તો મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. શા માટે? આંખો અને કાન અમુક વાર આપણને છેતરી શકે છે. જો નિર્ણય લેતી વખતે ફક્ત આંખો, કાન અને લાગણીઓ પર જ ભરોસો રાખીશું, તો આગળ જતાં એવું કંઈક કરી બેસીશું જે યહોવાની ઇચ્છા વિરુદ્ધ હોય. (સભા. ૧૧:૯; માથ. ૨૪:૩૭-૩૯) પણ જો શ્રદ્ધાથી ચાલીશું તો ‘ઈશ્વરને પસંદ પડે’ એવા નિર્ણયો લઈ શકીશું. (એફે. ૫:૧૦) ઈશ્વરની સલાહ પાળવાથી મનની શાંતિ અને સાચી ખુશી મળશે. (ગીત. ૧૬:૮, ૯; યશા. ૪૮:૧૭, ૧૮) એટલું જ નહિ, શ્રદ્ધાથી ચાલતા રહીશું તો હંમેશ માટેનું જીવન પણ મેળવીશું.—૨ કોરીંથીઓ ૪:૧૮ વાંચો.

૪. એક વ્યક્તિ કઈ રીતે જાણી શકે કે તે શ્રદ્ધાથી ચાલે છે, કે પછી જે નજરે પડે છે એનાથી?

૪ શું આપણે શ્રદ્ધાથી ચાલીએ છીએ, કે પછી જે નજરે પડે છે એનાથી? એ જાણવા પોતાને પૂછો: ‘હું શાના આધારે નિર્ણયો લઉં છું? શું હું આંખો પર ભરોસો રાખું છું, કે પછી યહોવાની સલાહ પર?’ ચાલો જોઈએ કે જીવનના ત્રણ મહત્ત્વના સંજોગોમાં કઈ રીતે શ્રદ્ધાથી ચાલી શકીએ: (૧) નોકરી પસંદ કરીએ ત્યારે, (૨) જીવનસાથી પસંદ કરીએ ત્યારે અને (૩) સંગઠન તરફથી કોઈ માર્ગદર્શન મળે ત્યારે. દરેક સંજોગની ચર્ચા કરતી વખતે જોઈશું કે સારો નિર્ણય લેવા આપણે શાનો વિચાર કરવો જોઈએ.

નોકરી પસંદ કરીએ ત્યારે

૫. નોકરીની પસંદગી કરતી વખતે આપણે શાનો વિચાર કરવો જોઈએ?

૫ આપણે બધા ચાહીએ છીએ કે પોતાની અને કુટુંબની જરૂરિયાતો પૂરી થાય. એ માટે આપણે પગભર બનવા માંગીએ છીએ. (સભા. ૭:૧૨; ૧ તિમો. ૫:૮) અમુક નોકરીઓમાં વધારે પગાર મળે છે. એનાથી એક વ્યક્તિ રોજબરોજનો ખર્ચ કાઢી શકે છે અને ભાવિ માટે બચત પણ કરી શકે છે. બીજી અમુક નોકરીઓમાં વધારે પગાર મળતો નથી. એનાથી વ્યક્તિ કુટુંબને બસ જીવન-જરૂરી વસ્તુઓ જ પૂરી પાડી શકે છે. જેમ કે, ખોરાક, કપડાં અને મકાન. કોઈ નોકરી કરવી કે નહિ એ નક્કી કરતી વખતે આપણે ચોક્કસ વિચારીશું કે કેટલો પગાર મળશે. પણ એ જ એક બાબતનો વિચાર કરીશું તો એનાથી દેખાઈ આવશે કે આપણે શ્રદ્ધાથી નહિ, પણ જે નજરે પડે છે એનાથી ચાલીએ છીએ.

૬. નોકરીની પસંદગી કરવાની થાય ત્યારે કઈ રીતે શ્રદ્ધાથી ચાલી શકીએ? (હિબ્રૂઓ ૧૩:૫)

૬ જો શ્રદ્ધાથી ચાલતા હોઈશું, તો વિચારીશું કે એ નોકરીની યહોવા સાથેના સંબંધ પર કેવી અસર પડશે. આપણે પોતાને પૂછી શકીએ: ‘શું નોકરીમાં મારે એવું કંઈક કરવું પડશે, જેને યહોવા ધિક્કારે છે?’ (નીતિ. ૬:૧૬-૧૯) ‘શું હું સભાઓ ચૂકી જઈશ? શું મને પ્રચાર અને બાઇબલનો અભ્યાસ કરવા ઓછો સમય મળશે? શું મારે કુટુંબથી લાંબો સમય દૂર રહેવું પડશે?’ (ફિલિ. ૧:૧૦) એ સવાલોમાંથી જો કોઈ એક સવાલનો પણ જવાબ ‘હા’ હોય, તો સારું રહેશે કે એ નોકરી ન સ્વીકારીએ. જલદી નોકરી મળતી ન હોય તોપણ એ નોકરી ન સ્વીકારીએ. આપણે શ્રદ્ધાથી ચાલીએ છીએ, એટલે એવો નિર્ણય લઈએ છીએ, જેનાથી દેખાઈ આવે કે યહોવા કોઈક રીતે આપણી જરૂરિયાતો પૂરી પાડશે એવો આપણને પાકો ભરોસો છે.—માથ. ૬:૩૩; હિબ્રૂઓ ૧૩:૫ વાંચો.

૭-૮. હાવિએરભાઈ કઈ રીતે શ્રદ્ધાથી ચાલ્યા? (ચિત્ર પણ જુઓ.)

૭ દક્ષિણ અમેરિકામાં રહેતા હાવિએરભાઈનોa વિચાર કરો. તે જાણતા હતા કે શ્રદ્ધાથી ચાલવું કેટલું મહત્ત્વનું છે. તે કહે છે: “મેં મારી નોકરીની જગ્યાએ ઊંચા હોદ્દા માટે અરજી કરી હતી. એમાં મને પહેલાં કરતાં બમણો પગાર મળવાનો હતો અને એ કામમાં મજા આવવાની હતી.” જોકે હાવિએરભાઈને પાયોનિયરીંગ કરવાની બહુ ઇચ્છા હતી. તે આગળ જણાવે છે: “મેં ઇન્ટરવ્યૂ માટેનો સમય નક્કી કર્યો. ઇન્ટરવ્યૂ પહેલાં મેં મદદ માટે યહોવાને પ્રાર્થના કરી. મને ભરોસો હતો કે મારું ભલું શામાં છે એ યહોવા સારી રીતે જાણે છે. મારે નોકરીમાં આગળ વધવું હતું. પણ જો એ કામના લીધે હું યહોવાની સેવામાં વધારે ન કરી શકું, તો એ મારે કરવું ન હતું.”

૮ હાવિએરભાઈ જણાવે છે: “ઇન્ટરવ્યૂ વખતે મૅનેજરે મને કહ્યું કે મારે નિયમિત રીતે વધારે કલાકો કામ કરવું પડશે. મેં નમ્રતાથી જવાબ આપ્યો કે હું એવું નહિ કરી શકું, કેમ કે ઈશ્વરની ભક્તિ માટે પણ મારે સમય આપવાનો હોય છે.” હાવિએરભાઈએ એ હોદ્દો જતો કર્યો. બે અઠવાડિયા પછી તેમણે પાયોનિયરીંગ શરૂ કર્યું. અમુક મહિના પછી તેમને એક પાર્ટ-ટાઇમ નોકરી મળી ગઈ. તે કહે છે: “યહોવાએ મારી પ્રાર્થનાઓ સાંભળી. તેમણે મને એવી નોકરી શોધવા મદદ કરી, જેથી હું પાયોનિયરીંગ કરી શકું. હું સાચે જ ખુશ છું કે હવે મારી પાસે એવું કામ છે, જેનાથી હું યહોવાની ભક્તિમાં અને ભાઈ-બહેનોને મદદ કરવામાં વધારે સમય આપી શકું છું.”

એક ભાઈના હાથમાં ટોપો છે. તેમણે કારખાનાનાં કપડાં પહેર્યાં છે. ત્યાંનો સુપરવાઇઝર તેમને એક ખાલી ઑફિસમાં લઈ જાય છે અને પૂછે છે કે તે ઊંચા પગારવાળા હોદ્દા પર નોકરી કરશે કે નહિ.

જો તમને નોકરી પર ઊંચા પગારવાળો હોદ્દો મળે, તો તમે શું કરશો? ભલે તમે ગમે એ નિર્ણય લો, પણ શું એ નિર્ણયથી દેખાઈ આવશે કે તમને યહોવામાં ભરોસો છે? (ફકરા ૭-૮ જુઓ)


૯. ટ્રેસોરભાઈના અનુભવમાંથી તમને શું શીખવા મળ્યું?

૯ ધારો કે, તમને ખ્યાલ આવે કે હમણાંની નોકરીથી તમારા માટે શ્રદ્ધાથી ચાલવું અઘરું થઈ રહ્યું છે. હવે તમે શું કરશો? કૉંગોમાં રહેતા ટ્રેસોરભાઈના અનુભવ પર ધ્યાન આપો. તે કહે છે: “મારી નવી નોકરી ખરેખર જોરદાર હતી. એવી તક જીવનમાં વારંવાર ન આવે. મને પહેલાં કરતાં ત્રણ ગણો વધારે પગાર મળતો હતો અને લોકો મને ઘણું માન આપતા હતા.” જોકે ટ્રેસોરભાઈએ ઓવરટાઇમ કરવો પડતો અને એના લીધે તે ઘણી વાર સભાઓ ચૂકી જતા. વધુમાં, તેમની સાથે કામ કરતા લોકો તેમને જૂઠું બોલવાનું દબાણ કરતા, જેથી બીજા લોકોને ખબર ન પડે કે કંપની બેઈમાની કરે છે. ટ્રેસોરભાઈ નોકરી છોડવા માંગતા હતા. પણ તેમને ચિંતા હતી કે નોકરી નહિ હોય તો શું થશે. તેમને શાનાથી મદદ મળી? તે કહે છે: “હબાક્કૂક ૩:૧૭-૧૯થી મને ઘણી મદદ મળી. મને સમજાયું કે જો નોકરી જતી રહે તોપણ યહોવા કોઈ ને કોઈ રીતે મારી સંભાળ રાખશે. એટલે મેં રાજીનામું આપી દીધું.” છેલ્લે તે કહે છે: “ઘણા માલિકોને લાગે છે કે સારા પગારવાળી નોકરી માટે વ્યક્તિ કંઈ પણ કરવા તૈયાર થઈ જશે, કુટુંબ અને ભક્તિ માટેનો સમય પણ જતો કરશે. પણ હું ખુશ છું કે મેં યહોવા સાથેનો સંબંધ જાળવી રાખ્યો. એક વર્ષ પછી યહોવાએ મને સારી નોકરી શોધવા મદદ કરી. એનાથી મને એટલા તો પૈસા મળે છે કે મારું ગુજરાન ચાલી શકે અને હું યહોવાની સેવામાં વધારે સમય આપી શકું. જ્યારે યહોવાને જીવનમાં પહેલા રાખીએ છીએ, ત્યારે કદાચ અમુક સમય માટે પૈસાની ખેંચ પડે. પણ એ સમયે યહોવા આપણી સંભાળ રાખે છે.” જો યહોવાની સલાહ અને તેમનાં વચનો પર ભરોસો રાખીશું, તો શ્રદ્ધાથી ચાલતા રહી શકીશું અને તે ચોક્કસ આપણને આશીર્વાદ આપશે.

જીવનસાથી પસંદ કરીએ ત્યારે

૧૦. જીવનસાથીની પસંદગી કરતી વખતે કઈ બાબતો મહત્ત્વની છે? પણ વ્યક્તિએ શાનું ધ્યાન રાખવું જોઈએ?

૧૦ લગ્‍ન યહોવા તરફથી ભેટ છે. લગ્‍નની ઇચ્છા રાખવામાં કંઈ ખોટું નથી. જીવનસાથીની પસંદગી કરતી વખતે એક બહેન કદાચ ધ્યાન આપે કે ભાઈ કેવા દેખાય છે, તેમનો સ્વભાવ કેવો છે, તેમની શાખ કેવી છે, પૈસેટકે તેમના સંજોગો કેવા છે, તેમની પાસે કુટુંબની કઈ જવાબદારીઓ છે અને તેને કેટલી ખુશ રાખે છે.b એ બાબતો મહત્ત્વની છે. પણ જો બહેન ફક્ત એ જ બાબતોનો વિચાર કરશે, તો એનાથી કદાચ દેખાઈ આવશે કે તે શ્રદ્ધાથી નહિ, પણ જે નજરે પડે છે એનાથી ચાલે છે.

૧૧. જીવનસાથીની પસંદગી કરતી વખતે કઈ રીતે શ્રદ્ધાથી ચાલી શકીએ? (૧ કોરીંથીઓ ૭:૩૯)

૧૧ જ્યારે ભાઈ-બહેનો જીવનસાથીની પસંદગી કરતી વખતે યહોવાની સલાહ પાળે છે, ત્યારે યહોવાને તેઓ પર ઘણો ગર્વ થાય છે. દાખલા તરીકે, તેઓ “યુવાનીનો જોશ પસાર થઈ” જાય એ સમયની રાહ જુએ છે અને પછી જ લગ્‍નના ઇરાદાથી કોઈને ઓળખવાનું શરૂ કરે છે. (૧ કોરીં. ૭:૩૬, ફૂટનોટ) યહોવાએ જણાવ્યું છે કે એક સારા પતિ કે પત્નીમાં કયા ગુણો હોવા જોઈએ. એટલે તેઓ ખાસ ધ્યાન આપે છે કે ભાવિ જીવનસાથીમાં એ ગુણો હોય. (નીતિ. ૩૧:૧૦-૧૩, ૨૬-૨૮; એફે. ૫:૩૩; ૧ તિમો. ૫:૮) જો કોઈ એવી વ્યક્તિ તેઓમાં રસ બતાવે, જે યહોવાની સાક્ષી ન હોય તો શું? એ વખતે તેઓ ભરોસો રાખે છે કે પહેલો કોરીંથીઓ ૭:૩૯માં આપેલી સલાહ પાળવાથી તેઓનું જ ભલું થશે. (વાંચો.) ત્યાં લખ્યું છે કે જીવનસાથી “માલિક ઈસુનો શિષ્ય હોવો જોઈએ.” તેઓ શ્રદ્ધાથી ચાલતા રહે છે. તેઓને ભરોસો છે કે યહોવા તેઓની લાગણીઓ સારી રીતે જાણે છે અને તેઓને જરૂરી મદદ પૂરી પાડશે.—ગીત. ૫૫:૨૨.

૧૨. રોઝાના અનુભવમાંથી તમને શું શીખવા મળ્યું?

૧૨ ચાલો રોઝાનો અનુભવ જોઈએ. તે કોલંબિયામાં રહે છે અને પાયોનિયરીંગ કરે છે. કામને લીધે તેણે વારંવાર એક માણસને મળવું પડતું, જે યહોવાનો સાક્ષી ન હતો. એ માણસને રોઝા ગમતી હતી અને રોઝાને પણ તે ગમતો હતો. રોઝા કહે છે: “તે સારો માણસ લાગતો હતો. તે પોતાના વિસ્તારમાં બીજાઓને મદદ કરતો. તેનામાં કોઈ ખરાબ આદત પણ ન હતી. તે મારી સાથે જે રીતે વર્તતો, એ મને બહુ ગમતું. મને જેવો પતિ જોઈતો હતો, તે એવો જ હતો. બસ એટલું જ કે તે યહોવાનો સાક્ષી ન હતો.” તે આગળ જણાવે છે: “તેને ના પાડવી મારા માટે બહુ અઘરું હતું. કેમ કે મારી લાગણીઓ જોડાયેલી હતી. હું બહુ એકલી પડી ગઈ હતી. મારે લગ્‍ન કરવું હતું, પણ યહોવાનો સાક્ષી હોય એવો ભાઈ મળી રહ્યો ન હતો.” છતાં રોઝાએ પોતાની આંખો પર ભરોસો ન રાખ્યો. તેણે વિચાર્યું કે જો તે પેલા માણસ સાથે આગળ વધશે, તો યહોવા સાથેની દોસ્તી પર એની કેવી અસર પડશે. એટલે તેણે એ માણસ સાથેનો સંપર્ક કાપી નાખ્યો. તે યહોવાની સેવામાં વ્યસ્ત રહેવા લાગી. થોડા સમય પછી તેને રાજ્ય પ્રચારકો માટેની શાળામાં જવાનું આમંત્રણ મળ્યું. હવે તે ખાસ પાયોનિયર તરીકે સેવા આપે છે. રોઝા કહે છે: “યહોવાએ મારું દિલ ખુશીઓથી ભરી દીધું છે.” એ સાચું છે કે જે બાબતમાં લાગણીઓ જોડાયેલી હોય છે, એમાં શ્રદ્ધાથી ચાલવું અઘરું બની શકે છે. પણ એમ કરવાથી હંમેશાં ફાયદો થાય છે.

સંગઠન તરફથી માર્ગદર્શન મળે ત્યારે

૧૩. સંગઠન તરફથી કોઈક માર્ગદર્શન મળે ત્યારે અમુક વાર કેવું લાગી શકે?

૧૩ આપણે સારી રીતે ભક્તિ કરી શકીએ એ માટે ઘણી વાર વડીલો, સરકીટ નિરીક્ષકો, શાખા કચેરી અથવા નિયામક જૂથ માર્ગદર્શન આપે છે. પણ અમુક વાર એ ન સમજાય કે માર્ગદર્શન કેમ આપવામાં આવ્યું. એ વખતે કદાચ શંકા કરવા લાગીએ કે એ માર્ગદર્શન યોગ્ય છે કે નહિ. કદાચ એ ભાઈઓની ભૂલો પર ધ્યાન આપવા લાગીએ, જેઓ પાસેથી એ માર્ગદર્શન મળ્યું છે. જોકે એનાથી દેખાઈ આવશે કે આપણે શ્રદ્ધાથી નહિ, પણ જે નજરે પડે છે એનાથી ચાલીએ છીએ.

૧૪. માર્ગદર્શન મળે ત્યારે શ્રદ્ધાથી ચાલવા શાનાથી મદદ મળશે? (હિબ્રૂઓ ૧૩:૧૭)

૧૪ શ્રદ્ધાથી ચાલીએ છીએ ત્યારે, ભરોસો રાખીએ છીએ કે યહોવા સંગઠનને ચલાવે છે અને તે જાણે છે કે આપણું ભલું શામાં છે. પરિણામે, આપણે તરત માર્ગદર્શન પાળીએ છીએ અને એ પણ ઉત્સાહથી. (હિબ્રૂઓ ૧૩:૧૭ વાંચો.) આપણે માર્ગદર્શન પાળીએ છીએ ત્યારે મંડળમાં એકતા જળવાઈ રહે છે અને એ વાત આપણે સારી રીતે જાણીએ છીએ. (એફે. ૪:૨, ૩) આપણને ભરોસો છે કે ભલે આગેવાની લેતા ભાઈઓમાં અમુક ખામીઓ છે, પણ જો તેઓનું કહ્યું કરીશું, તો યહોવા જરૂર ઇનામ આપશે. (૧ શમુ. ૧૫:૨૨) જે બાબતોને સુધારવાની જરૂર છે, એને તે પોતાના યોગ્ય સમયે ચોક્કસ સુધારશે.—મીખા. ૭:૭.

૧૫-૧૬. માર્ગદર્શન પર શંકા હોવા છતાં કેવિનભાઈને શ્રદ્ધાથી ચાલવા શાનાથી મદદ મળી? (ચિત્ર પણ જુઓ.)

૧૫ શ્રદ્ધા રાખવાથી અને માર્ગદર્શન પાળવાથી કેવા ફાયદા થાય છે એ સમજવા ચાલો એક અનુભવ જોઈએ. પેરુમાં મોટા ભાગના લોકો સ્પેનિશ ભાષા બોલે છે. જોકે, ઘણા લોકો પેરુની સ્થાનિક ભાષાઓ પણ બોલે છે. એવી જ એક સ્થાનિક ભાષા છે, ખીચવા. ખીચવા બોલતાં ઘણાં ભાઈ-બહેનો વર્ષો સુધી પોતાના પ્રચાર વિસ્તારમાં એ ભાષા બોલતા લોકોને શોધીને સંદેશો જણાવતાં હતાં. પણ સરકારના નિયમોને માન આપવા લોકોને શોધવાની રીતમાં ફેરફાર કરવામાં આવ્યો. (રોમ. ૧૩:૧) પરિણામે અમુકને લાગ્યું કે તેઓ માટે ખીચવા ભાષા બોલતા લોકોને શોધવું બહુ અઘરું થઈ જશે. પણ ભાઈ-બહેનોએ માર્ગદર્શન પાળ્યું, એટલે યહોવાએ તેઓની મહેનત પર આશીર્વાદ આપ્યો અને તેઓ ખીચવા બોલતા ઘણા લોકોને શોધી શક્યાં.

૧૬ કેવિનભાઈ ખીચવા ભાષાના મંડળમાં વડીલ તરીકે સેવા આપે છે. બીજાં ભાઈ-બહેનોની જેમ તેમને પણ એવી ચિંતા થતી હતી. તે સમજાવે છે: “મેં વિચાર્યું, ‘હવે અમે કઈ રીતે ખીચવા ભાષા બોલતા લોકોને શોધી શકીશું?’” કેવિનભાઈએ શું કર્યું? તે કહે છે: “મેં નીતિવચનો ૩:૫નો વિચાર કર્યો. મેં મૂસા વિશે પણ વિચાર્યું. યહોવાએ મૂસાને કહ્યું હતું કે તે ઇઝરાયેલીઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવે અને લાલ સમુદ્ર પાસે લઈ જાય. ત્યાં તેઓ સહેલાઈથી ઇજિપ્તવાસીઓનો કોળિયો બની શકતા હતા. એવું લાગી શકે કે યહોવાનું માર્ગદર્શન કામ નહિ કરે. તોપણ મૂસાએ યહોવાના કહ્યા પ્રમાણે જ કર્યું. યહોવાએ તેમને આશીર્વાદ આપ્યો અને અદ્‍ભુત ચમત્કાર કરીને ઇઝરાયેલીઓને બચાવ્યા.” (નિર્ગ. ૧૪:૧, ૨, ૯-૧૧, ૨૧, ૨૨) કેવિનભાઈ પ્રચારની રીતમાં ફેરફાર કરવા તૈયાર હતા. એનાથી કેવો ફાયદો થયો? તે કહે છે: “યહોવાએ અમને જે રીતે આશીર્વાદ આપ્યો, એ જોઈને મને બહુ નવાઈ લાગી. અગાઉ અમારે પ્રચારમાં બહુ ચાલવું પડતું. અમુક વાર અમે ખીચવા ભાષા બોલતા એકાદ બે જણને જ મળી શકતા. હવે અમે એવી જગ્યાઓએ જઈને પ્રચાર કરીએ છીએ, જ્યાં ખીચવા ભાષા બોલતા ઘણા લોકો રહે છે. પરિણામે, હવે અમને ઘણા લોકો સાથે વાત કરવાનો મોકો મળે છે. અમારી ફરી મુલાકાતો, બાઇબલ અભ્યાસો અને સભાની હાજરીમાં પણ વધારો થયો છે.” સાચે જ, શ્રદ્ધાથી ચાલીએ છીએ ત્યારે યહોવા હંમેશાં ઇનામ આપે છે.

એક સાક્ષી પતિ-પત્ની પ્રચારમાં છે. ખીચવા ભાષા બોલતો એક માણસ તેઓ સાથે વાત કરે છે. તે બતાવી રહ્યો છે કે ખીચવા ભાષા બોલતી વ્યક્તિ ક્યાં રહે છે.

ઘણા લોકોએ ભાઈ-બહેનોને નજીકના એવા વિસ્તારો વિશે જણાવ્યું, જ્યાં ખીચવા ભાષા બોલતા લોકો મળી શકતા હતા (ફકરા ૧૫-૧૬ જુઓ)


૧૭. આ લેખમાંથી તમને શું શીખવા મળ્યું?

૧૭ આપણે જોઈ ગયા કે ત્રણ મહત્ત્વના સંજોગોમાં કઈ રીતે શ્રદ્ધાથી ચાલતા રહી શકીએ. જોકે, જીવનના દરેક પાસામાં નિર્ણય લેતી વખતે શ્રદ્ધાથી ચાલવાની જરૂર છે. જેમ કે, કયું મનોરંજન પસંદ કરીશું, નવરાશની પળોમાં શું કરીશું, કેટલું ભણીશું અથવા કઈ રીતે બાળકોનો ઉછેર કરીશું. કોઈ પણ નિર્ણય લેતી વખતે, જે નજરે પડે છે એ જોવાની સાથે સાથે બીજી બાબતોનો પણ વિચાર કરીએ. જેમ કે, યહોવા સાથેની દોસ્તીનો વિચાર કરીએ, તેમની સલાહ લઈએ અને તે જરૂરિયાતો પૂરી પાડશે એવો ભરોસો રાખીએ. જો એમ કરીશું તો ‘સદાને માટે આપણા ઈશ્વર યહોવાના નામમાં ચાલી શકીશું.’—મીખા. ૪:૫.

આ સંજોગોમાં આપણે કઈ રીતે શ્રદ્ધાથી ચાલી શકીએ?

  • નોકરી પસંદ કરીએ ત્યારે

  • જીવનસાથી પસંદ કરીએ ત્યારે

  • સંગઠન તરફથી કોઈ માર્ગદર્શન મળે ત્યારે

ગીત ૨૭ યહોવા મારો માલિક

a અમુક નામ બદલ્યાં છે.

b આ ફકરામાં જણાવ્યું છે કે એક બહેન જીવનસાથી શોધી રહ્યાં છે. પણ એમાં આપેલી સલાહ જીવનસાથી શોધતા ભાઈને પણ લાગુ પડે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો