અભ્યાસ લેખ ૧૯
ગીત ૧૫ સૃષ્ટિ આપે યહોવાની ઓળખ
વફાદાર દૂતો જેવા ગુણો બતાવો
“બધા સ્વર્ગદૂતો, યહોવાની સ્તુતિ કરો!”—ગીત. ૧૦૩:૨૦.
આપણે શું શીખીશું?
વફાદાર દૂતોના દાખલામાંથી આપણે શું શીખી શકીએ?
૧-૨. (ક) આપણે દૂતો કરતાં કઈ રીતે અલગ છીએ? (ખ) આપણામાં અને દૂતોમાં કઈ વાતો સરખી છે?
જ્યારે યહોવાએ આપણને તેમના તરફ ખેંચ્યા, ત્યારે તેમણે આપણને તેમના કુટુંબનો ભાગ બનવા બોલાવ્યા. એ કુટુંબમાં કોણ કોણ છે? આખી દુનિયામાં રહેતાં ભાઈ-બહેનો અને સ્વર્ગમાં રહેતા કરોડો દૂતો. (દાનિ. ૭:૯, ૧૦) દૂતોનો વિચાર કરીએ છીએ ત્યારે ઘણી વાર થાય કે તેઓ આપણા કરતાં કેટલા અલગ છે. દાખલા તરીકે, માણસોને બનાવવામાં આવ્યા એનાં હજારો વર્ષો પહેલાં દૂતોને બનાવવામાં આવ્યા હતા. (અયૂ. ૩૮:૪, ૭) તેઓ આપણા કરતાં વધારે શક્તિશાળી છે. તેઓ આપણા કરતાં વધારે પવિત્ર અને નેક છે. કેમ કે પાપની અસર હોવાને લીધે આપણે તેઓની જેમ પવિત્ર અને નેક બની શકતા નથી.—લૂક ૯:૨૬.
૨ ખરું કે, દૂતોમાં અને આપણામાં ઘણો ફરક છે. જોકે ઘણી સમાનતા પણ છે. દાખલા તરીકે, દૂતોની જેમ આપણે પણ યહોવા જેવા ગુણો બતાવી શકીએ છીએ. દૂતોની જેમ આપણે પણ પોતે નિર્ણયો લઈ શકીએ છીએ. તેઓની જેમ આપણા બધાનાં અલગ અલગ નામ અને સ્વભાવ છે. એટલું જ નહિ, યહોવાની સેવામાં આપણી પાસે અલગ અલગ જવાબદારીઓ છે. દૂતોની જેમ આપણામાં પણ સર્જનહારની ભક્તિ કરવાની ભૂખ છે.—૧ પિત. ૧:૧૨.
૩. વફાદાર દૂતો પાસેથી શું શીખી શકીએ?
૩ આપણામાં અને દૂતોમાં ઘણી વાતો સરખી છે. એટલે તેઓના સારા દાખલામાંથી આપણને ઘણું ઉત્તેજન મળે છે અને તેઓ પાસેથી ઘણું શીખી શકીએ છીએ. આ લેખમાં આપણે શીખીશું કે વફાદાર દૂતોની જેમ આપણે કઈ રીતે નમ્રતા બતાવી શકીએ, લોકોને પ્રેમ કરી શકીએ, ધીરજ રાખી શકીએ અને મંડળને શુદ્ધ રાખવા મહેનત કરી શકીએ.
દૂતો નમ્ર છે
૪. (ક) દૂતો કઈ રીતે નમ્રતા બતાવે છે? (ખ) દૂતો શા માટે નમ્ર છે? (ગીતશાસ્ત્ર ૮૯:૭)
૪ વફાદાર દૂતો નમ્ર છે. ખરું કે તેઓ પાસે ઘણો અનુભવ, તાકાત અને બુદ્ધિ છે. તેમ છતાં, તેઓ યહોવાનું માર્ગદર્શન પાળે છે. (ગીત. ૧૦૩:૨૦) યહોવાએ સોંપેલું કામ કરતી વખતે તેઓ કદી બડાઈ મારતા નથી અથવા પોતાની તાકાતનો દેખાડો કરતા નથી. તેઓ ખુશી ખુશી યહોવાની ઇચ્છા પ્રમાણે કરે છે. અરે, તેઓ પોતાનું નામ પણ જણાવતા નથી.a (ઉત. ૩૨:૨૪, ૨૯; ૨ રાજા. ૧૯:૩૫) તેઓ બધો મહિમા યહોવાને આપે છે, પોતે ક્યારેય મહિમા લેતા નથી. દૂતો શા માટે આટલા નમ્ર છે? કેમ કે તેઓ યહોવાને ખૂબ પ્રેમ કરે છે અને તેમને ઊંડો આદર આપે છે.—ગીતશાસ્ત્ર ૮૯:૭ વાંચો.
૫. પ્રેરિત યોહાનના વિચારો સુધારતી વખતે એક દૂતે કઈ રીતે નમ્રતા બતાવી? (ચિત્ર પણ જુઓ.)
૫ દૂતો કેટલા નમ્ર છે, એ સમજવા ચાલો એક બનાવ પર ધ્યાન આપીએ. આ વાત આશરે ૯૬ની સાલની છે. એક દૂતે પ્રેરિત યોહાનને જોરદાર દર્શન બતાવ્યું. (પ્રકટી. ૧:૧) એ દૂતનું નામ આપણે જાણતા નથી. પણ એ દર્શન જોઈને યોહાને શું કર્યું? તે એ દૂતની ભક્તિ કરવા ઘૂંટણિયે પડ્યા. પણ એ વફાદાર દૂતે તરત જ તેમને એમ કરતા રોક્યા અને કહ્યું: “જોજે, એવું ન કરતો! ઈશ્વરની ભક્તિ કર! હું પણ તારી જેમ અને તારા ભાઈઓની જેમ એક દાસ છું.” (પ્રકટી. ૧૯:૧૦) કેટલી જોરદાર નમ્રતા! એ દૂતને માન-મહિમા કે પ્રશંસા મેળવવામાં જરાય રસ ન હતો. તેમણે તરત જ યોહાનનું ધ્યાન યહોવા ઈશ્વર તરફ દોર્યું. તેમણે યોહાનને એવું પણ ન લાગવા દીધું કે તેમની સરખામણીમાં યોહાન કેટલા ઊતરતા છે. ખરું કે, એ દૂતે યોહાન કરતાં ઘણો લાંબો સમય યહોવાની ભક્તિ કરી હતી અને તેમની તાકાત સામે યોહાનની જરાય વિસાત ન હતી. તેમ છતાં, એ દૂતે બહુ જ નમ્રતાથી પ્રેરિત યોહાનને કહ્યું કે તેમની જેમ તે પણ એક દાસ છે. ખરું કે, એ દૂતને યોહાનના વિચારો સુધારવાની જરૂર પડી. પણ તેમણે એ વૃદ્ધ પ્રેરિતને ખખડાવ્યા નહિ અથવા તેમની સાથે કઠોરતાથી વર્ત્યા નહિ. એને બદલે, તેમણે તો બહુ જ પ્રેમથી વાત કરી. કદાચ તે સમજી ગયા હતા કે દર્શન જોઈને યોહાન દંગ રહી ગયા હતા અને એટલે ઘૂંટણિયે પડ્યા હતા.
યોહાન સાથે વાત કરતી વખતે અને તેમના વિચારો સુધારતી વખતે દૂતે નમ્રતા બતાવી (ફકરો ૫ જુઓ)
૬. આપણે કઈ રીતે દૂતોની જેમ નમ્રતા બતાવી શકીએ?
૬ આપણે કઈ રીતે દૂતોની જેમ નમ્રતા બતાવી શકીએ? દૂતોની જેમ આપણે પણ યહોવાની સેવામાં સખત મહેનત કરવા માંગીએ છીએ. પણ પોતાની સોંપણીઓ વિશે બડાઈ મારવી ન જોઈએ અથવા એનો જશ પોતાના માથે ન લેવો જોઈએ. (૧ કોરીં. ૪:૭) વધુમાં, જો આપણે બીજાઓ કરતાં વધારે સમયથી યહોવાની ભક્તિ કરતા હોઈએ અથવા આપણી પાસે અમુક લહાવાઓ હોય, તો આપણે બીજાઓ કરતાં પોતાને ચઢિયાતા ગણવા ન જોઈએ. હકીકતમાં, જેટલી વધારે જવાબદારીઓ, એટલા વધારે પોતાને નાના ગણવા જોઈએ. (લૂક ૯:૪૮) દૂતોની જેમ આપણે બીજાઓની સેવા કરવા માંગીએ છીએ. એવો દેખાડો કરવા નથી માંગતા કે આપણે બીજાઓ કરતાં વધારે મહત્ત્વના છીએ.
૭. જ્યારે કોઈના વિચારો સુધારવાના હોય અથવા સલાહ આપવાની હોય, ત્યારે કઈ રીતે નમ્રતા બતાવી શકીએ?
૭ ધારો કે, આપણે કોઈ ભાઈ કે બહેનના અથવા આપણા બાળકના વિચારો સુધારવાના છે અથવા તેને સલાહ આપવાની છે. એ સમયે પણ નમ્રતા બતાવી શકીએ. કડક સલાહ આપવાની જરૂર પડે ત્યારે એ દૂતને યાદ રાખી શકીએ, જેમણે યોહાનના વિચારો બહુ પ્રેમથી સુધાર્યા હતા. એ દૂતની જેમ કડક સલાહ આપી શકીએ, પણ ધ્યાન રાખીએ કે વ્યક્તિ નિરાશ ન થઈ જાય. જો પોતાને બીજાઓ કરતાં ચઢિયાતા નહિ ગણીએ, તો તેઓને બાઇબલમાંથી સલાહ આપીશું. પણ એમ કરતી વખતે પૂરા આદરથી અને પ્રેમથી વર્તીશું.—કોલો. ૪:૬.
દૂતો લોકોને પ્રેમ કરે છે
૮. (ક) લૂક ૧૫:૧૦ પ્રમાણે કઈ રીતે જોવા મળે છે કે દૂતો લોકોને પ્રેમ કરે છે? (ખ) પ્રચારકામમાં દૂતો કઈ રીતે મદદ કરે છે? (ચિત્ર પણ જુઓ.)
૮ શું દૂતોને મનુષ્યો સાથે કોઈ લેવાદેવા નથી અથવા તેઓ મનુષ્યોને ગણકારતા જ નથી? ના, એવું નથી. તેઓ તો લોકોને ખૂબ જ પ્રેમ કરે છે. જ્યારે એક ખોવાયેલું ઘેટું યહોવા પાસે પાછું ફરે છે, એટલે કે એક પાપી પસ્તાવો કરે છે, ત્યારે દૂતોને ખૂબ જ આનંદ થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં ફેરફારો કરે છે અને યહોવાની ભક્ત બને છે, ત્યારે પણ તેઓને ખૂબ આનંદ થાય છે. (લૂક ૧૫:૧૦ વાંચો.) દૂતો લોકોને પ્રચાર કરતા નથી. પણ કદાચ તેઓ આપણને એવી વ્યક્તિ પાસે દોરી જાય, જે યહોવા વિશે શીખવા માંગે છે. (પ્રકટી. ૧૪:૬) ખરું કે, દૂતો જ આપણને એ વ્યક્તિ પાસે દોરી ગયા હતા એવું પૂરી ખાતરીથી ન કહી શકીએ. કેમ કે પોતાના લોકોને મદદ કરવા અથવા માર્ગદર્શન આપવા યહોવા બીજી રીતોનો પણ ઉપયોગ કરી શકે છે. જેમ કે, તેમની પવિત્ર શક્તિ. (પ્રે.કા. ૧૬:૬, ૭) પણ એક વાત ચોક્કસ છે કે પ્રચારકામમાં દૂતો આપણને ઘણી મદદ કરે છે. એટલે ખુશખબર જણાવતી વખતે ભરોસો રાખી શકીએ કે દૂતો આપણી સાથે હશે.—“તેઓની પ્રાર્થનાઓ સાંભળવામાં આવી” બૉક્સ જુઓ.b
એક પતિ-પત્ની ટ્રૉલી દ્વારા પ્રચાર કરીને ઘરે પાછાં જઈ રહ્યાં છે. પાછા ફરતી વખતે બહેનનું ધ્યાન એક સ્ત્રી પર પડે છે, જે બહુ નિરાશ લાગે છે. બહેનને ખ્યાલ આવે છે કે દૂતો તેને એવી વ્યક્તિ પાસે દોરી જઈ શકે છે, જે ઈશ્વર વિશે શીખવા માંગે છે અથવા જીવનનો હેતુ જાણવા માંગે છે. તે એ સ્ત્રી સાથે પ્રેમથી વાત કરવા પ્રેરાય છે (ફકરો ૮ જુઓ)
૯. આપણે કઈ રીતે દૂતોની જેમ લોકોને પ્રેમ બતાવી શકીએ?
૯ આપણે કઈ રીતે દૂતોની જેમ લોકોને પ્રેમ બતાવી શકીએ? જ્યારે જાહેરાત કરવામાં આવે કે કોઈ ભાઈ કે બહેનને મંડળમાં પાછા લેવામાં આવ્યાં છે, ત્યારે દૂતોની જેમ આપણે આનંદ મનાવી શકીએ. એનાથી પણ વધારે કંઈક કરી શકીએ છીએ. એ ભાઈ કે બહેનને ખાતરી અપાવી શકીએ કે આપણે તેમને પ્રેમ કરીએ છીએ અને તેમણે ફરીથી યહોવાની સેવા શરૂ કરી એ માટે ખુશ છીએ. (લૂક ૧૫:૪-૭; ૨ કોરીં. ૨:૬-૮) પ્રચારકામમાં બનતું બધું કરીને પણ દૂતોનું અનુકરણ કરી શકીએ. (સભા. ૧૧:૬) ખુશખબર જણાવીએ છીએ ત્યારે દૂતો આપણને મદદ કરે છે. એવી જ રીતે, આપણે પ્રચારકામમાં ભાઈ-બહેનોને મદદ કરવાની રીતો શોધી શકીએ. દાખલા તરીકે, શું આપણે એવા કોઈ ભાઈ કે બહેન સાથે પ્રચાર કરી શકીએ, જેમણે હમણાં જ પ્રચાર કરવાનું શરૂ કર્યું છે અથવા જે હમણાં જ યહોવાનાં ભક્ત બન્યાં છે? શું આપણે વૃદ્ધ કે બીમાર ભાઈ-બહેનોને મદદ કરી શકીએ, જેથી તેઓ પણ આપણી સાથે પ્રચારકામમાં જોડાય?
૧૦. સારાહબહેનના અનુભવમાંથી આપણે શું શીખી શકીએ?
૧૦ જો સંજોગોને લીધે યહોવાની સેવામાં વધારે કરી શકતા ન હોઈએ, તોપણ શું કરી શકીએ? પ્રચારકામમાં દૂતો સાથે કામ કરવાની નવી નવી રીતો શોધી શકીએ. ભારતમાં રહેતાં સારાહબહેનનોc દાખલો લો. વીસેક વર્ષ સુધી જોરશોરથી પાયોનિયરીંગ કર્યા પછી બહેન બીમાર પડ્યાં અને પથારીવશ થઈ ગયાં. તે ખૂબ જ નિરાશ થઈ ગયાં. પણ નિયમિત બાઇબલ વાંચવાથી અને મંડળનાં ભાઈ-બહેનોના પ્રેમાળ સાથથી તે ધીરે ધીરે પોતાનો આનંદ પાછો મેળવી શક્યાં. ખરું કે, પ્રચાર માટે તેમણે નવી નવી રીતો શોધવાની હતી. બહેન પત્ર લખવા જેટલો સમય પણ બેસી શકતાં ન હતાં. એટલે તે ફક્ત ફોન દ્વારા જ પ્રચાર કરી શકતાં હતાં. તેમણે એ લોકોને ફોન કર્યો, જેઓની તે ફરી મુલાકાતો લેતાં હતાં. તેઓએ બહેનને એવા લોકો વિશે જણાવ્યું જેઓ કદાચ યહોવા વિશે શીખવા માંગતા હોય. અમુક જ મહિનામાં સારાહબહેન ૭૦ બાઇબલ અભ્યાસ શરૂ કરી શક્યાં. જોકે તે એકલા હાથે એટલા બધા લોકોને શીખવી શકતાં ન હતાં. એટલે તેમણે મંડળનાં ભાઈ-બહેનોને કહ્યું કે તેઓમાંથી અમુકને બાઇબલમાંથી શીખવે. બાઇબલમાંથી શીખતા ઘણા લોકો આજે આપણી સભાઓમાં આવે છે. સારાહબહેનની જેમ પ્રચારકામમાં પોતાનું દિલ રેડી દેતાં ભાઈ-બહેનો સાથે કામ કરીને દૂતોને કેટલી ખુશી થતી હશે!
દૂતો બધું ધીરજથી સહન કરે છે
૧૧. વફાદાર દૂતોએ કઈ રીતે ધીરજથી સહન કર્યું છે?
૧૧ ધીરજથી સહન કરવામાં વફાદાર દૂતોએ જોરદાર દાખલો બેસાડ્યો છે. હજારો વર્ષોથી તેઓએ અન્યાય અને દુષ્ટતા સહન કર્યાં છે. કઈ રીતે? વફાદાર દૂતોએ જોયું છે કે શેતાન અને બીજા દૂતોએ કઈ રીતે યહોવા વિરુદ્ધ બળવો કર્યો. જરા વિચારો, એક સમયે તેઓએ સાથે મળીને યહોવાની ભક્તિ કરી હતી. હવે એ લોકોને બળવો કરતા જોઈને એ વફાદાર દૂતોને કેટલું દુઃખ થયું હશે! (ઉત. ૩:૧; ૬:૧, ૨; યહૂ. ૬) બાઇબલમાં જણાવ્યું છે કે એક દુષ્ટ દૂતે ઘણા દિવસો સુધી એક વફાદાર દૂતનો વિરોધ કર્યો. (દાનિ. ૧૦:૧૩) વધુમાં, દૂતોએ એ પણ જોયું છે કે આખા માનવ ઇતિહાસ દરમિયાન ફક્ત થોડા જ લોકોએ યહોવાની ભક્તિ કરવાનો નિર્ણય લીધો છે. એ બધું છતાં એ વફાદાર દૂતો હોંશે હોંશે યહોવાની ભક્તિમાં લાગુ રહે છે. તેઓ જાણે છે કે યોગ્ય સમયે યહોવા અન્યાય દૂર કરશે.
૧૨. બધું ધીરજથી સહેવા શાનાથી મદદ મળશે?
૧૨ આપણે કઈ રીતે દૂતોની જેમ બધું ધીરજથી સહન કરી શકીએ? દૂતોની જેમ કદાચ આપણે અન્યાય સહેવો પડે અથવા આપણો વિરોધ થાય. પણ ભરોસો રાખી શકીએ કે ઈશ્વર યોગ્ય સમયે બધી દુષ્ટતા દૂર કરી દેશે. એટલે વફાદાર દૂતોની જેમ “સારું કરવાનું પડતું ન મૂકીએ.” (ગલા. ૬:૯) ઈશ્વરે વચન આપ્યું છે કે આપણે બધું ધીરજથી સહન કરી શકીએ એ માટે તે મદદ કરશે. (૧ કોરીં. ૧૦:૧૩) આપણે પ્રાર્થનામાં યહોવા પાસે પવિત્ર શક્તિ માંગી શકીએ, જે ધીરજ અને આનંદ જેવા ગુણો કેળવવા મદદ કરે છે. (ગલા. ૫:૨૨; કોલો. ૧:૧૧) પણ જો હમણાં કોઈ તમારો વિરોધ કરી રહ્યું હોય, તો શું? યહોવામાં પૂરી શ્રદ્ધા રાખો અને ડરશો નહિ. યહોવા હંમેશાં તમને સાથ આપશે અને બધું ધીરજથી સહેવા હિંમત આપશે.—હિબ્રૂ. ૧૩:૬.
દૂતો મંડળને શુદ્ધ રાખવામાં મદદ કરે છે
૧૩. આ છેલ્લા દિવસોમાં દૂતોને કયું ખાસ કામ સોંપવામાં આવ્યું છે? (માથ્થી ૧૩:૪૭-૪૯)
૧૩ આ છેલ્લા દિવસોમાં યહોવાએ દૂતોને એક ખાસ કામ સોંપ્યું છે. (માથ્થી ૧૩:૪૭-૪૯ વાંચો.) આજે આખી દુનિયામાં લાખો લોકો રાજ્યના સંદેશામાં રસ બતાવી રહ્યા છે. એમાંથી અમુક જ લોકો ફેરફારો કરીને યહોવાના ભક્ત બને છે, જ્યારે કે ઘણા લોકો એવું નથી કરતા. “દુષ્ટ લોકોને નેક લોકોથી જુદા” પાડવાનું કામ દૂતોને સોંપવામાં આવ્યું છે. એ બતાવે છે કે મંડળને શુદ્ધ રાખવાનું કામ દૂતોને સોંપવામાં આવ્યું છે. જોકે એનો એવો અર્થ નથી કે જે વ્યક્તિ આપણી સાથે મળીને યહોવાની ભક્તિ કરવાનું છોડી દે છે, એ યહોવા પાસે કદી પાછી ફરી શકતી નથી. એનો એવો પણ અર્થ નથી થતો કે મંડળમાં કદી કોઈ મુશ્કેલી ઊભી નહિ થાય. પણ આપણે ખાતરી રાખી શકીએ છીએ કે મંડળને શુદ્ધ રાખવામાં દૂતો સખત મહેનત કરે છે.
૧૪-૧૫. દૂતોની જેમ કઈ રીતે બતાવી શકીએ કે મંડળને શુદ્ધ રાખવા માંગીએ છીએ? (ચિત્રો પણ જુઓ.)
૧૪ દૂતોની જેમ આપણે કઈ રીતે મંડળને શુદ્ધ રાખવા મદદ કરી શકીએ? મંડળને શુદ્ધ રાખવાની જવાબદારી બધાની છે. એ માટે શું કરી શકીએ? યહોવા સાથેનો પોતાનો સંબંધ મજબૂત કરવા સખત મહેનત કરીએ. એ માટે સારા દોસ્તો પસંદ કરીએ અને યહોવા સાથેનો સંબંધ જોખમમાં મૂકે એવી દરેક બાબતથી દૂર રહીએ. (ગીત. ૧૦૧:૩) યહોવાને વફાદાર રહેવા ભાઈ-બહેનોને પણ મદદ કરી શકીએ. દાખલા તરીકે, જો તમને ખબર પડે કે કોઈ ભાઈ કે બહેને મોટું પાપ કર્યું છે, તો તમે શું કરશો? તમે એ વ્યક્તિને પ્રેમ કરો છો, એટલે તેને અરજ કરશો કે તે પોતે જઈને વડીલોને એ વિશે જણાવે. પણ જો તે એવું ન કરે તો શું કરી શકો? તમારે વડીલોને એ વિશે જણાવવું જોઈએ. આપણે ચાહીએ છીએ કે એવી દરેક વ્યક્તિને તરત મદદ મળે, જેથી યહોવા સાથેનો તેનો સંબંધ ફરીથી મજબૂત થાય.—યાકૂ. ૫:૧૪, ૧૫.
૧૫ દુઃખની વાત છે કે મોટું પાપ કરનાર અમુક ભાઈ-બહેનોને મંડળમાંથી દૂર કરવામાં આવે છે. એવા સંજોગોમાં આપણે તેઓ સાથે ‘હળવા-મળવાનું બંધ કરીએ છીએ.’d (૧ કોરીં. ૫:૯-૧૩) એ ગોઠવણથી મંડળને શુદ્ધ રાખવામાં મદદ મળે છે. વધુમાં, મંડળમાંથી દૂર કરાયેલી વ્યક્તિ સાથે હળવા-મળવાનું બંધ કરીને હકીકતમાં તો આપણે તેને પ્રેમ બતાવીએ છીએ. કઈ રીતે? યહોવાની આજ્ઞા પાળીને એ વ્યક્તિ સાથે હળતા-મળતા નથી ત્યારે, કદાચ તેને ખ્યાલ આવે કે તેણે યહોવા પાસે પાછા ફરવાની જરૂર છે. તે એવું કરે છે ત્યારે યહોવા અને તેમના દૂતોની સાથે સાથે આપણને પણ ઘણો આનંદ થાય છે.—લૂક ૧૫:૭.
જો આપણને ખબર પડે કે કોઈ ભાઈ કે બહેને મોટું પાપ કર્યું છે, તો આપણે શું કરવું જોઈએ? (ફકરો ૧૪ જુઓ)e
૧૬. આપણે કઈ રીતોએ દૂતોને અનુસરી શકીએ?
૧૬ યહોવાએ આપણને દૂતો વિશે શીખવ્યું છે, તેઓ સાથે કામ કરવાનો લહાવો આપ્યો છે. એ કેટલા મોટા સન્માનની વાત કહેવાય! એટલે ચાલો, એ વફાદાર દૂતોની જેમ નમ્રતા બતાવીએ, લોકોને પ્રેમ કરીએ, ધીરજથી બધું સહન કરીએ અને મંડળને શુદ્ધ રાખવા મદદ કરીએ. જો એ વફાદાર દૂતોનો દાખલો અનુસરીશું, તો આપણે પણ યુગોના યુગો સુધી યહોવાના કુટુંબનો ભાગ બની રહીશું.
ગીત ૪૩ જાગતા રહીએ
a આમ તો લાખો ને કરોડો દૂતો છે. પણ બાઇબલમાં ફક્ત બે જ દૂતનાં નામ આપ્યાં છે, મિખાયેલ અને ગાબ્રિયેલ.—દાનિ. ૧૨:૧; લૂક ૧:૧૯.
b વધારે અનુભવો જાણવા jw.org/gu પર આ વીડિયો જુઓ: ૨૦૨૧ નિયામક જૂથ તરફથી વધારે માહિતી #૧.
c નામ બદલ્યું છે.
d ૨૦૨૪ નિયામક જૂથ તરફથી વધારે માહિતી #૨ વીડિયોમાં જણાવ્યું છે તેમ, પ્રકાશક બાઇબલથી કેળવાયેલા અંતઃકરણ પ્રમાણે પોતે નક્કી કરી શકે છે કે મંડળમાંથી દૂર કરાયેલી વ્યક્તિ સભામાં આવે ત્યારે તેને આવકારશે કે નહિ અથવા ‘કેમ છો?’ કહેશે કે નહિ.
e ચિત્રની સમજ: એક બહેન પોતાની બહેનપણીને જણાવે છે કે તે પોતાના પાપ વિશે વડીલો સાથે વાત કરે. થોડો સમય પસાર થઈ ગયો છે અને બહેનપણીએ વડીલો સાથે વાત નથી કરી. એટલે હવે બહેન પોતે જઈને વડીલોને એ વિશે જણાવે છે.