વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w25 મે પાન ૮-૧૩
  • દિલાસો મેળવવા યહોવા પાસે જાઓ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • દિલાસો મેળવવા યહોવા પાસે જાઓ
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • મથાળાં
  • સરખી માહિતી
  • યહોવા દયા બતાવે છે અને માફ કરે છે
  • યહોવા આશા આપે છે
  • યહોવા આપણો ડર દૂર કરે છે
  • યહોવા “કચડાયેલાં મનના લોકોને સાજા કરે છે”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • નમ્રતાથી સ્વીકારીએ કે આપણે ઘણી વાતો જાણતા નથી
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • યહોવા આપણને એકલા મૂકી નહિ દે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • આ સવાલોના જવાબ મેળવો
    ૨૦૨૫-૨૦૨૬ સરકીટ સંમેલન કાર્યક્રમ—સરકીટ નિરીક્ષક સાથે
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
w25 મે પાન ૮-૧૩

અભ્યાસ લેખ ૨૦

ગીત ૨૩ યહોવા મારો કિલ્લો

દિલાસો મેળવવા યહોવા પાસે જાઓ

‘દયાળુ પિતા અને દરેક પ્રકારનો દિલાસો આપનાર ઈશ્વરની સ્તુતિ થાઓ.’—૨ કોરીં. ૧:૩.

આપણે શું શીખીશું?

બાબેલોનની ગુલામીમાં ગયેલા યહૂદીઓને યહોવાએ કઈ રીતે દિલાસો આપ્યો? તેઓ પાસેથી આપણે શું શીખી શકીએ?

૧. બાબેલોનની ગુલામીમાં ગયેલા યહૂદીઓના સંજોગો વિશે જણાવો.

કલ્પના કરો કે જે યહૂદીઓને બાબેલોનની ગુલામીમાં લઈ જવામાં આવ્યા હતા, તેઓને કેવું લાગ્યું હશે. તેઓની નજર સામે તેઓના વતનનો નાશ થયો હતો. તેઓનાં અને બાપદાદાઓનાં પાપને લીધે તેઓને પોતાના દેશમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા અને એક પારકા દેશમાં લઈ જવામાં આવ્યા હતા. (૨ કાળ. ૩૬:૧૫, ૧૬, ૨૦, ૨૧) ખરું કે, બાબેલોનમાં તેઓ પાસે અમુક હદે આઝાદી હતી. તેઓ પોતાનું રોજબરોજનું કામ કરી શકતા હતા. (યર્મિ. ૨૯:૪-૭) પણ તેઓનું જીવન સહેલું ન હતું. તેઓ ચોક્કસ બાબેલોનમાં રહેવા માંગતા નહિ હોય. તેઓને પોતાના સંજોગો વિશે કેવું લાગતું હતું? તેઓમાંના એક વફાદાર યહૂદીએ લખ્યું: “અમે બાબેલોનની નદીઓને કાંઠે બેઠા. સિયોન યાદ આવ્યું ત્યારે, અમે ખૂબ રડ્યા.” (ગીત. ૧૩૭:૧) નિરાશ થઈ ગયેલા આ ગુલામોને દિલાસાની જરૂર હતી. પણ તેઓને એ દિલાસો ક્યાંથી મળી શકતો હતો?

૨-૩. (ક) ગુલામીમાં હતા એ યહૂદીઓ માટે યહોવાએ શું કર્યું? (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૨ યહોવા “દરેક પ્રકારનો દિલાસો આપનાર ઈશ્વર છે.” (૨ કોરીં. ૧:૩) યહોવા પોતાના લોકોને ખૂબ પ્રેમ કરે છે અને તેઓને દિલાસો આપવા માંગે છે. યહોવા જાણતા હતા કે ગુલામીમાં ગયા પછી યહૂદીઓને પોતાની ભૂલનો અહેસાસ થશે અને તેઓ ફરીથી તેમની ભક્તિ કરવા લાગશે. (યશા. ૫૯:૨૦) યહૂદીઓ બાબેલોનની ગુલામીમાં ગયા એનાં સો કરતાં વધારે વર્ષ પહેલાં યહોવાએ પ્રબોધક યશાયાને એક સંદેશો આપ્યો. કારણ કે તે પોતાના લોકોની હિંમત વધારવા માંગતા હતા. યશાયાએ જે સંદેશો લખ્યો એ આજે યશાયાના પુસ્તક તરીકે ઓળખાય છે. યશાયાએ લખ્યું: “તમારા ઈશ્વર કહે છે, ‘મારા લોકોને દિલાસો આપો, હા, દિલાસો આપો.’” (યશા. ૪૦:૧) સાચે, યશાયાના પુસ્તક દ્વારા યહોવાએ યહૂદીઓને દિલાસો આપ્યો.

૩ ગુલામીમાં હતા એ યહૂદીઓની જેમ આજે આપણને પણ સમયે સમયે દિલાસાની જરૂર પડે છે. આ લેખમાં આપણે ત્રણ રીતો જોઈશું, જેના દ્વારા યહોવાએ એ યહૂદીઓને દિલાસો આપ્યો હતો: (૧) યહોવાએ વચન આપ્યું હતું કે તે પસ્તાવો કરનાર લોકોને માફ કરશે, (૨) તેમણે પોતાના લોકોને આશા આપી અને (૩) તેમણે તેઓનો ડર દૂર કર્યો. આ મુદ્દાઓની ચર્ચા કરીએ ત્યારે ધ્યાન આપજો કે આજે યહોવા એ જ રીતો દ્વારા આપણને કઈ રીતે દિલાસો આપે છે.

યહોવા દયા બતાવે છે અને માફ કરે છે

૪. યહોવાએ કઈ રીતે બતાવ્યું કે તે દયાળુ ઈશ્વર છે? (યશાયા ૫૫:૭)

૪ યહોવા “દયાળુ પિતા” છે. (૨ કોરીં. ૧:૩) યહોવાએ યશાયા દ્વારા વચન આપ્યું કે તે પસ્તાવો કરનાર યહૂદીઓને માફ કરશે. (યશાયા ૫૫:૭ વાંચો.) તેમણે કહ્યું: “હું તારા પર દયા રાખીશ, કેમ કે મારો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.” (યશા. ૫૪:૮) યહોવા કઈ રીતે દયા બતાવવાના હતા? ખરું કે યહૂદીઓએ પોતાનાં કામોનું પરિણામ ભોગવવાનું હતું, પણ યહોવાએ વચન આપ્યું હતું કે તેઓ હંમેશ માટે બાબેલોનમાં નહિ રહે. તેઓ ગુલામીમાં થોડા જ સમય માટે રહેવાના હતા. (યશા. ૪૦:૨) જરા વિચારો, પસ્તાવો કરનાર યહૂદીઓને એ શબ્દોથી કેટલો દિલાસો મળ્યો હશે!

૫. યહોવા માફ કરે છે એ વાત પર આપણે કેમ યહૂદીઓ કરતાં વધારે ભરોસો રાખી શકીએ છીએ?

૫ આપણને શું શીખવા મળે છે? યહોવા પોતાના સેવકોને પૂરી રીતે માફ કરવા તૈયાર છે. એ વાત પર આજે આપણે યહૂદીઓ કરતાં પણ વધારે ભરોસો રાખી શકીએ છીએ. શા માટે? કારણ કે પાપોની માફી આપવા યહોવાએ જે કર્યું છે, એ આપણે જાણીએ છીએ. યશાયાએ ભવિષ્યવાણી કરી એનાં આશરે ૭૦૦ વર્ષ પછી કંઈ ખાસ બન્યું. યહોવાએ પોતાના વહાલા દીકરાને ધરતી પર મોકલ્યા, જેથી પસ્તાવો કરનાર લોકો માટે તે છુટકારાની કિંમત ચૂકવે. ઈસુના બલિદાનના આધારે યહોવા પાપને પૂરી રીતે ‘ભૂંસી નાખે છે.’ (પ્રે.કા. ૩:૧૯; યશા. ૧:૧૮; એફે. ૧:૭) સાચે જ, આપણે જે ઈશ્વરની ભક્તિ કરીએ છીએ, એ કેટલા દયાળુ છે!

૬. યહોવાએ આપણને માફ કરી દીધા છે એના પર વિચાર કરવાથી કઈ રીતે દિલાસો મળે છે? (ચિત્ર પણ જુઓ.)

૬ શું અગાઉ કરેલી ભૂલના લીધે તમે પોતાને દોષ આપ્યા કરો છો? જો એમ હોય તો યશાયા ૫૫:૭માં લખેલા યહોવાના શબ્દોથી દિલાસો મળી શકે છે. અમુક વાર પોતાની ભૂલ માટે પસ્તાવો કર્યો હોવા છતાં પોતાને દોષિત ગણીએ. ખાસ કરીને, પોતાની ભૂલનાં પરિણામો ભોગવી રહ્યાં હોઈએ ત્યારે એવું બની શકે. યાદ રાખીએ કે જો પાપ કબૂલ કર્યાં હશે અને ખોટાં કામો કરવાનું છોડી દીધું હશે, તો ખાતરી રાખી શકીએ કે યહોવાએ આપણને માફ કરી દીધા છે. અને જ્યારે યહોવા માફ કરે છે, ત્યારે તે આપણાં પાપને ક્યારેય યાદ નથી કરતા. (યર્મિયા ૩૧:૩૪ સરખાવો.) જો યહોવા આપણી ભૂલો પર વિચાર નથી કરતા તો આપણે પણ ન કરવો જોઈએ. યહોવા માટે એ મહત્ત્વનું નથી કે આપણે અગાઉ કઈ ભૂલો કરી હતી. તેમના માટે એ મહત્ત્વનું છે કે આપણે હમણાં શું કરી રહ્યા છીએ. (હઝકિ. ૩૩:૧૪-૧૬) પોતાની ભૂલોને લીધે આપણે જે માઠાં પરિણામો ભોગવવાં પડે છે, એને યહોવા બહુ જલદી નવી દુનિયામાં દૂર કરી દેશે.

એક ભાઈ પૂરા આત્મવિશ્વાસ સાથે ચાલી રહ્યા છે. ચિત્રો: અમુક ચિત્રોમાં બતાવ્યું છે કે તે પહેલાં શું કરતા હતા અને અત્યારે શું કરે છે. તેમની પહેલાંની ભૂલો: ૧. મારફાડવાળી વીડિયો ગેમ રમવી. ૨. સિગારેટ અને વધુ પડતો દારૂ પીવો. ૩. કોમ્પ્યુટર પર ગંદાં ચિત્રો અને વીડિયો જોવાં. અત્યારે તે આ કામો કરે છે: ૧. પ્રાર્થનાઘરને સાફ કરવું. ૨. એક વૃદ્ધ બહેન સાથે વાત કરવી. ૩. પ્રચાર કરવો.

યહોવા માટે એ મહત્ત્વનું નથી કે આપણે અગાઉ કઈ ભૂલો કરી હતી. તેમના માટે એ મહત્ત્વનું છે કે આપણે હમણાં શું કરી રહ્યા છીએ (ફકરો ૬ જુઓ)


૭. મોટી ભૂલ વિશે વડીલોને જણાવવા શાનાથી મદદ મળશે?

૭ ધારો કે આપણે મોટી ભૂલ કરી છે અને એને સંતાડીએ છીએ. એના લીધે આપણું મન ડંખ્યા કરે છે. એ કિસ્સામાં શું કરી શકીએ? બાઇબલ ઉત્તેજન આપે છે કે આપણે વડીલોની મદદ લેવી જોઈએ. (યાકૂ. ૫:૧૪, ૧૫) જોકે તેઓને આપણી ભૂલ વિશે જણાવવું સહેલું નથી. પણ યાદ રાખીએ કે આપણને મદદ કરવા યહોવાએ આ માણસોને પસંદ કર્યા છે અને યહોવાની જેમ તેઓ પણ પ્રેમ અને દયા બતાવશે. એ વાત યાદ રાખીશું તો પસ્તાવો કરવાનું અને તેઓ સાથે દિલ ખોલીને વાત કરવાનું મન થશે. ચાલો આર્થરa નામના ભાઈનો દાખલો જોઈએ. તેમણે કંઈક ખોટું કર્યું હતું. એના લીધે તેમનું અંતઃકરણ ખૂબ ડંખતું હતું. યહોવાએ વડીલો દ્વારા તેમને દિલાસો આપ્યો. તે કહે છે: “મેં એકાદ વર્ષ સુધી પોર્નોગ્રાફી જોઈ. પણ અંતઃકરણ વિશે એક પ્રવચન સાંભળ્યા પછી મેં મારી પત્ની અને વડીલોને મારી ભૂલ વિશે જણાવ્યું. એ પછી મને ઘણી રાહત મળી. પણ હું હજી મારી ભૂલનો બોજો લઈને ફરતો હતો. વડીલોએ મને યાદ અપાવ્યું કે યહોવાએ મને તરછોડી દીધો નથી. તે આપણને પ્રેમ કરે છે, એટલે શિસ્ત આપે છે. તેઓના પ્રેમાળ શબ્દો મારા દિલને સ્પર્શી ગયા. એનાથી મને વિચારોમાં ફેરફાર કરવા મદદ મળી.” આજે આર્થરભાઈ નિયમિત પાયોનિયરીંગ કરે છે અને સહાયક સેવક તરીકે સેવા આપે છે. પસ્તાવો કરીએ છીએ ત્યારે યહોવા દયા બતાવે છે, એ જાણીને કેટલો દિલાસો મળે છે!

યહોવા આશા આપે છે

૮. (ક) યહૂદી ગુલામોને યહોવાએ કઈ આશા આપી? (ખ) જ્યારે પસ્તાવો કરનાર યહૂદીઓને આશા મળી, ત્યારે યશાયા ૪૦:૨૯-૩૧ પ્રમાણે તેઓને કેવું લાગ્યું હશે?

૮ યહૂદીઓને કદાચ થયું હશે કે તેઓ પોતાના વતન ક્યારેય પાછા નહિ જઈ શકે. કારણ કે બાબેલોનીઓ પોતાના ગુલામોને ક્યારેય આઝાદ કરતા ન હતા. (યશા. ૧૪:૧૭) જોકે યહોવાએ પોતાના લોકોને આશા આપી હતી. તેમણે વચન આપ્યું હતું કે તે તેઓને આઝાદ કરશે અને એમ કરતા તેમને કોઈ રોકી નહિ શકે. (યશા. ૪૪:૨૬; ૫૫:૧૨) યહોવાની નજરમાં બાબેલોન ધૂળની રજ સમાન હતું. (યશા. ૪૦:૧૫) ફૂંક મારો અને ધૂળ ઊડી જાય. યહોવા માટે પોતાના લોકોને બાબેલોનની ગુલામીમાંથી છોડાવવા એટલું જ સહેલું હતું. એ આશાથી યહૂદીઓને કેવું લાગ્યું હશે? તેઓને ઘણો દિલાસો મળ્યો હશે. દિલાસાની સાથે સાથે હિંમત પણ મળી હશે. યશાયાએ લખ્યું: “યહોવા પર આશા રાખનારા ફરીથી તાકાત મેળવશે.” (યશાયા ૪૦:૨૯-૩૧ વાંચો.) આશાને લીધે યહૂદીઓમાં નવો જોશ ભરાઈ ગયો હશે. હવે તેઓ ‘ગરુડની જેમ પાંખો ફેલાવીને ઊંચે ઊંચે ઊડી’ શકતા હતા.

૯. યહૂદીઓ કેમ ભરોસો રાખી શકતા હતા કે યહોવા તેઓને બાબેલોનની ગુલામીમાંથી આઝાદ કરશે?

૯ જરા વિચારો, યહૂદીઓએ યહોવાની કેટલી બધી ભવિષ્યવાણીઓ પૂરી થતા જોઈ હતી. એટલે તેઓ ખાતરી રાખી શકતા હતા કે યહોવાનાં વચનો ચોક્કસ પૂરાં થશે. તેઓ જાણતા હતા કે આશ્શૂરીઓએ ઇઝરાયેલના ઉત્તરના રાજ્યને કબજે કરી લીધું હતું અને લોકોને ગુલામ બનાવીને લઈ ગયા હતા. (યશા. ૮:૪) તેઓએ બાબેલોનીઓને યરૂશાલેમનો વિનાશ કરતા અને એના રહેવાસીઓને ગુલામ બનાવીને લઈ જતા જોયા હતા. (યશા. ૩૯:૫-૭) તેઓ એ પણ જાણતા હતા કે બાબેલોનના રાજાએ સિદકિયાની આંખો ફોડી નાખી હતી અને તેને બાબેલોન લઈ ગયા હતા. (યર્મિ. ૩૯:૭; હઝકિ. ૧૨:૧૨, ૧૩) યહોવાએ જે પણ ભાખ્યું હતું એ બધું પૂરું થયું. (યશા. ૪૨:૯; ૪૬:૧૦) એ ભવિષ્યવાણીઓથી યહૂદીઓને ભરોસો મળ્યો હશે કે તેઓને આઝાદ કરવાનું યહોવાનું વચન ચોક્કસ પૂરું થશે.

૧૦. આ છેલ્લા દિવસોમાં આશા ઝળહળતી રાખવા શું કરી શકીએ?

૧૦ આપણને શું શીખવા મળે છે? નિરાશ હોઈએ ત્યારે યહોવાએ આપેલી ભાવિ વિશેની આશાથી દિલાસો અને હિંમત મળે છે. આપણે અઘરા સમયોમાં જીવી રહ્યા છીએ અને ઘણા શક્તિશાળી દુશ્મનોનો સામનો કરી રહ્યા છીએ. તેમ છતાં હિંમત હારવાની જરૂર નથી. યહોવાએ એક જોરદાર આશા આપી છે કે આપણે સુંદર પૃથ્વી પર હંમેશ માટે જીવી શકીશું. ત્યાં સાચી શાંતિ અને સલામતી હશે. આપણે આશાને દિલમાં હંમેશાં ઝળહળતી રાખવાની છે. એમ નહિ કરીએ તો આશા ઝાંખી પડી જશે. એ સમજવા એક દાખલો લઈએ. તમારી કાચની બારીમાંથી એક સુંદર દૃશ્ય નજરે પડે છે. પણ બારી પર ધૂળ જામી ગઈ હોવાને લીધે એ સુંદર દૃશ્ય સાફ જોઈ શકાતું નથી. તમે કઈ રીતે “બારીને સાફ” કરી શકો, એટલે કે આશાને ઝળહળતી રાખી શકો? એ માટે નવી દુનિયામાં આપણું જીવન કેટલું જોરદાર હશે એની નિયમિત રીતે કલ્પના કરી શકો. આપણી આશા વિશે જણાવ્યું હોય એવા લેખો વાંચી શકો, વીડિયો જોઈ શકો અને ગીતો સાંભળી શકો. તેમ જ, યહોવાને પ્રાર્થનામાં જણાવી શકો કે નવી દુનિયામાં તમે કયું વચન પૂરું થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો.

૧૧. જોયબહેનને પોતાની બીમારીઓ સામે લડવા શાનાથી તાકાત મળે છે?

૧૧ જોયબહેનનો દાખલો લો. તેમને મોટી મોટી બીમારીઓ છે. આશાને લીધે તેમને કઈ રીતે દિલાસો અને મુશ્કેલીઓ સહેવાની તાકાત મળી? તે કહે છે: “જ્યારે મારી બીમારીઓને લીધે હું ઘણી નિરાશ થઈ જાઉં છું, ત્યારે હું યહોવાને જણાવું છું કે મારા દિલમાં શું ચાલી રહ્યું છે. તે મારી લાગણીઓ સમજે છે. પછી તે મને તાકાત આપે છે, જે ‘માણસની તાકાત કરતાં ઘણી ચઢિયાતી છે.’” (૨ કોરીં. ૪:૭) એ સિવાય, જોયબહેન કલ્પના કરે છે કે તે જાણે નવી દુનિયામાં પહોંચી ગયાં હોય. તે વિચારે છે કે એ કેટલો સરસ સમય હશે જ્યારે “‘હું બીમાર છું,’ એવું કોઈ કહેશે નહિ.” (યશા. ૩૩:૨૪) જો આપણે પણ યહોવા આગળ હૈયું ઠાલવીશું અને આશા પર ધ્યાન આપીશું, તો આપણને પણ ફરીથી તાકાત મળશે.

૧૨. આપણે કેમ યહોવાનાં વચનોમાં ભરોસો મૂકી શકીએ છીએ? (ચિત્ર પણ જુઓ.)

૧૨ બાબેલોનની ગુલામીમાં ગયેલા યહૂદીઓએ યહોવાનાં ઘણાં વચનો પૂરાં થતાં જોયાં હતાં. એટલે તેઓ ભરોસો કરી શકતા હતા કે યહોવાનાં બીજાં વચનો પણ પૂરાં થશે. આપણા વિશે શું? જરા એ ભવિષ્યવાણીઓ પર ધ્યાન આપો, જે આપણી નજર સામે પૂરી થઈ રહી છે. દાખલા તરીકે, આજે જે મહાસત્તા રાજ કરી રહી છે એનો “અમુક ભાગ મજબૂત અને અમુક ભાગ નબળો” છે. (દાનિ. ૨:૪૨, ૪૩) આજે ‘એક પછી એક ઘણી જગ્યાએ ધરતીકંપો’ થતા જોઈએ છીએ. આપણે “આખી દુનિયામાં” ખુશખબર ફેલાવી રહ્યા છીએ. (માથ. ૨૪:૭, ૧૪) એ ભવિષ્યવાણીઓ અને બીજી ભવિષ્યવાણીઓ આજે પૂરી થઈ રહી છે. એનાથી ભરોસો મળે છે કે યહોવા પોતાનું એકેએક વચન ચોક્કસ પૂરું કરશે.

એક બહેન બાઇબલની ભવિષ્યવાણીઓ વાંચી રહ્યાં છે અને એના પર મનન કરી રહ્યાં છે. ચિત્રો: ૧. એક યુગલ ટ્રૉલી દ્વારા પ્રચાર કરી રહ્યું છે અને એક માણસ સાથે વાત કરી રહ્યું છે. ૨. એક માણસ અને તેનો દીકરો કુદરતી આફતથી થયેલું નુકસાન જોઈ રહ્યા છે. ૩. દાનિયેલ અધ્યાય ૨માં જણાવ્યું છે તેમ નબૂખાદનેસ્સારે સપનામાં જોયેલી મૂર્તિના પગ સાથે એક પથ્થર અથડાય છે. ૪. નવી દુનિયામાં લોકો સુખ-શાંતિથી જીવે છે.

આજે જે ભવિષ્યવાણીઓ પૂરી થઈ રહી છે એનાથી ભરોસો મળે છે કે યહોવા પોતાનું એકેએક વચન પૂરું કરશે (ફકરો ૧૨ જુઓ)


યહોવા આપણો ડર દૂર કરે છે

૧૩. (ક) છુટકારાનો સમય નજીક આવે ત્યારે યહૂદીઓ પર કઈ તકલીફો આવવાની હતી? (ખ) યશાયા ૪૧:૧૦-૧૩માં જણાવ્યું છે તેમ યહોવાએ કઈ રીતે યહૂદીઓને દિલાસો આપ્યો?

૧૩ યહોવાએ બાબેલોનમાં રહેતા યહૂદીઓને છુટકારાની જોરદાર આશા આપી હતી. એ આશાથી યહૂદીઓને દિલાસો મળ્યો હશે. પણ યહોવા જાણતા હતા કે છુટકારાનો સમય નજીક આવશે ત્યારે તેઓનું જીવન અઘરું થઈ જશે. યહોવાએ ભાખ્યું હતું કે એક શક્તિશાળી રાજા હુમલો કરશે અને બાબેલોનની આસપાસનાં રાષ્ટ્રો પર કબજો મેળવી લેશે. પછી તે બાબેલોન પર પણ હુમલો કરશે. (યશા. ૪૧:૨-૫) શું એના લીધે યહૂદીઓએ ડરી જવાની જરૂર હતી? ના. યહોવાએ પહેલેથી પોતાના લોકોને દિલાસો આપતા કહ્યું હતું: “તું ગભરાઈશ નહિ, હું તારી સાથે છું. તું ચિંતામાં ડૂબી જઈશ નહિ, હું તારો ઈશ્વર છું.” (યશાયા ૪૧:૧૦-૧૩ વાંચો.) “હું તારો ઈશ્વર છું,” એ શબ્દોથી યહોવા શું કહેવા માંગતા હતા? શું તે યહૂદીઓને યાદ અપાવી રહ્યા હતા કે તેઓએ તેમની ભક્તિ કરવી જોઈએ? ના. એ વાત તો યહૂદીઓ પહેલેથી જાણતા હતા. યહોવા તો તેઓને યાદ અપાવી રહ્યા હતા કે તે હજી તેઓના પક્ષે છે.—ગીત. ૧૧૮:૬.

૧૪. પોતાના લોકોનો ડર દૂર કરવા યહોવાએ બીજું શું કર્યું?

૧૪ પોતાના લોકોનો ડર દૂર કરવા યહોવાએ બીજું શું કર્યું? તેમણે તેઓને યાદ અપાવ્યું કે તેમની શક્તિ અને બુદ્ધિનો કોઈ પાર નથી. તેમણે યહૂદીઓને જણાવ્યું કે તેઓ તારાઓથી ભરેલું આકાશ જુએ. તેમણે જણાવ્યું કે એ બધા તારા તેમણે પોતે બનાવ્યા છે. તે દરેક તારાનું નામ પણ જાણે છે. (યશા. ૪૦:૨૫-૨૮) જો યહોવા દરેક તારાનું નામ જાણતા હોય, તો શું તે પોતાના દરેક સેવકનું નામ જાણતા નહિ હોય? જો યહોવા પાસે આટલા બધા તારા બનાવવાની શક્તિ હોય, તો શું તેમની પાસે પોતાના સેવકોને મદદ કરવાની શક્તિ નહિ હોય? એમાં શંકાને જરાય સ્થાન નથી. સાચે, બાબેલોનની ગુલામીમાં ગયેલા યહૂદીઓ પાસે ચિંતા કરવાનું કે ડરવાનું કોઈ કારણ ન હતું.

૧૫. છુટકારાનો સમય આવે ત્યારે યહોવાના કહ્યા પ્રમાણે યહૂદીઓએ શું કરવાનું હતું?

૧૫ યહોવાએ પોતાના લોકોને પહેલેથી તૈયાર પણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે છુટકારાનો સમય આવે ત્યારે તેઓએ શું કરવાનું હતું. યશાયાના પુસ્તકના શરૂઆતના ભાગમાં જોવા મળે છે કે યહોવાએ પોતાના લોકોને કહ્યું હતું: “તમારા અંદરના ઓરડાઓમાં જાઓ અને બારણાં બંધ કરી દો. કોપ પૂરો થાય ત્યાં સુધી થોડી વાર સંતાઈ રહો.” (યશા. ૨૬:૨૦) એવું લાગે છે કે જ્યારે કોરેશ રાજાએ બાબેલોન પર હુમલો કર્યો હતો, ત્યારે કદાચ યહૂદીઓએ એ સલાહ પાળી હતી. જૂના જમાનાના એક ગ્રીક ઇતિહાસકારના કહેવા પ્રમાણે જ્યારે કોરેશ બાબેલોન પર ચઢી આવ્યો ત્યારે તેણે ‘પોતાના સૈનિકોને હુકમ કર્યો હતો કે જેઓ ઘરની બહાર દેખાય તેઓની કતલ કરી નાખે.’ જરા વિચારો, એ સાંભળીને બાબેલોનના રહેવાસીઓને કેટલો ડર લાગ્યો હશે! તેઓના હાંજા ગગડી ગયા હશે. પણ યહોવાની સલાહ પાળવાને લીધે બાબેલોનમાં રહેતા યહૂદીઓ બચી ગયા હશે.

૧૬. ભાવિમાં જે બનવાનું છે એ વિશે આપણે કેમ વધુ પડતી ચિંતા કરવી ન જોઈએ? (ચિત્ર પણ જુઓ.)

૧૬ આપણને શું શીખવા મળે છે? બહુ જલદી જ મોટી વિપત્તિ શરૂ થઈ જશે. એ માનવ ઇતિહાસનો સૌથી અઘરો સમય હશે. એ શરૂ થશે ત્યારે લોકોમાં અફરાતફરી મચી જશે. પણ યહોવાના લોકો વિશે શું? આપણે જાણીએ છીએ કે યહોવા આપણા ઈશ્વર છે. આપણે માથું ઊંચું કરીને સીધા ઊભા રહીશું, કારણ કે આપણે જાણીએ છીએ કે ‘આપણો ઉદ્ધાર નજીક આવ્યો છે.’ (લૂક ૨૧:૨૮) જ્યારે રાષ્ટ્રોનો સમૂહ આપણા પર હુમલો કરશે, ત્યારે પણ આપણે ડરીશું નહિ અને યહોવા પર ભરોસો રાખતા રહીશું. યહોવા પોતાના દૂતો દ્વારા આપણું રક્ષણ કરશે અને જીવન બચે એવું માર્ગદર્શન આપશે. એ માર્ગદર્શન કઈ રીતે આપવામાં આવશે? એનો જવાબ જાણવા આપણે રાહ જોવી પડશે. પણ એ માર્ગદર્શન કદાચ મંડળો દ્વારા આપવામાં આવશે. એ મંડળો આપણા માટે ‘અંદરના ઓરડા’ જેવાં હશે, જ્યાં આપણને સલામતી મળશે. ભાવિમાં જે બનવાનું છે એ માટે કઈ રીતે પોતાને તૈયાર કરી શકીએ? ભાઈ-બહેનો સાથેનો સંબંધ ગાઢ કરીએ, યહોવાના સંગઠન તરફથી મળતું માર્ગદર્શન રાજીખુશીથી પાળીએ અને પૂરો ભરોસો રાખીએ કે યહોવા જ એ સંગઠનને ચલાવી રહ્યા છે.—હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫; ૧૩:૧૭.

મોટી વિપત્તિ દરમિયાન અમુક ભાઈ-બહેનો એક રૂમમાં ભેગાં મળ્યાં છે અને તેઓ સાથે મળીને બાઇબલ વાંચી રહ્યાં છે. એક ભાઈ રાતે આકાશ તરફ ઇશારો કરે છે અને બધાં બારીની બહાર જોઈ રહ્યાં છે.

આપણે જાણીએ છીએ કે યહોવા પાસે અપાર શક્તિ છે અને તે આપણને બચાવી શકે છે. એટલે મોટી વિપત્તિ દરમિયાન આપણે વધુ પડતી ચિંતા કરવાની જરૂર નહિ પડે (ફકરો ૧૬ જુઓ)b


૧૭. યહોવા પાસેથી દિલાસો મેળવવા તમે શું કરી શકો?

૧૭ બાબેલોનમાં યહૂદીઓનું જીવન સહેલું ન હતું, પણ યહોવાએ તેઓને જરૂરી દિલાસો આપ્યો. તે તમને પણ દિલાસો આપશે. એટલે ભલે તમારા જીવનમાં ગમે એ મુશ્કેલી આવે, પણ દિલાસો મેળવવા યહોવા પાસે જજો. ભરોસો રાખજો કે યહોવા ખૂબ દયાળુ છે અને તે દિલથી માફ કરે છે. તમારી આશાની જ્યોતને સળગતી રાખજો. કદી ભૂલશો નહિ કે યહોવા તમારા ઈશ્વર છે, એટલે તમારે ડરવાની જરાય જરૂર નથી.

આ કલમોમાંથી તમને કઈ રીતે દિલાસો મળે છે?

  • યશાયા ૫૫:૭

  • યશાયા ૪૦:૨૯-૩૧

  • યશાયા ૪૧:૧૦-૧૩

ગીત ૧૫૨ તું છો બળ, તું છો જ્યોત

a અમુક નામ બદલ્યાં છે.

b ચિત્રની સમજ: અમુક ભાઈ-બહેનો એક ઓરડામાં ભેગાં મળ્યાં છે. તેઓ આકાશમાં અગણિત તારાઓ જોઈ રહ્યાં છે. એનાથી તેઓને યાદ આવે છે કે યહોવા ખૂબ શક્તિશાળી છે અને દુનિયાના કોઈ પણ ખૂણે રહેતા સેવકોને બચાવી શકે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો