અભ્યાસ લેખ ૨૭
ગીત ૧૩૯ યહોવા તમને સાચવી રાખે
બાઇબલ વિદ્યાર્થીને પગલું ભરવા મદદ કરો
“શ્રદ્ધામાં મક્કમ રહો . . . અને બળવાન થાઓ.”—૧ કોરીં. ૧૬:૧૩.
આપણે શું શીખીશું?
બાઇબલ વિદ્યાર્થીને શ્રદ્ધા અને હિંમત વધારવા મદદ કરો, જેથી તે ફેરફારો કરી શકે અને યહોવાની ભક્તિ કરવાનો નિર્ણય લઈ શકે.
૧-૨. (ક) અમુક બાઇબલ વિદ્યાર્થીઓ કેમ યહોવાના સાક્ષી બનતા અચકાય છે? (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
શું તમે યહોવાના સાક્ષી બનતા અચકાતા હતા? શું તમને કશાનો ડર હતો? કદાચ એ વાતનો ડર હતો કે સાથે કામ કરતા લોકો, દોસ્તો અથવા કુટુંબીજનો તમારાથી નારાજ થઈ જશે. અથવા તમને લાગતું હતું કે તમે ઈશ્વરનાં ધોરણો પ્રમાણે કદી નહિ જીવી શકો. જો એમ હોય, તો તમે એવા બાઇબલ વિદ્યાર્થીઓની લાગણી સારી રીતે સમજી શકશો, જેઓ યહોવાના ભક્ત બનતા અચકાય છે.
૨ ઈસુ જાણતા હતા કે એવા ડરને લીધે એક વ્યક્તિ યહોવાની ભક્તિ કરતા અચકાઈ શકે છે. (માથ. ૧૩:૨૦-૨૨) પણ તે એ લોકોને મદદ કરતા રહ્યા, જેઓ તેમના પગલે ચાલતા અચકાતા હતા. ઈસુએ પોતાના દાખલાથી બતાવ્યું કે એવા લોકોને કઈ રીતે મદદ કરી શકાય, જેથી (૧) તેઓ પારખી શકે કે કઈ વાત તેઓને યહોવાની ભક્તિ કરતા અટકાવે છે? (૨) તેઓ યહોવા માટેનો પ્રેમ ગાઢ કરી શકે? (૩) તેઓ યહોવાને જીવનમાં પહેલા રાખવા ફેરફારો કરી શકે? અને (૪) વિરોધ માટે તૈયાર થઈ શકે? આજે આપણે બાઇબલ વિદ્યાર્થીઓને દુઃખ જશે, સુખ આવશે પુસ્તકમાંથી શીખવીએ છીએ, જેથી તેઓ યહોવાના ભક્ત બની શકે. એમ કરતી વખતે કઈ રીતે ઈસુનો દાખલો અનુસરી શકીએ?
વિદ્યાર્થીને પારખવા મદદ કરો કે કઈ વાત તેને પગલું ભરતા અટકાવે છે
૩. નિકોદેમસ કેમ ઈસુના શિષ્ય બનતા અચકાતા હતા?
૩ નિકોદેમસ યહૂદી સમાજના ઉચ્ચ અધિકારી હતા. ઈસુને પોતાનું સેવાકાર્ય શરૂ કર્યે હજી છ જ મહિના થયા હતા અને નિકોદેમસ સમજી ગયા કે તે ઈશ્વર પાસેથી આવ્યા છે. (યોહા. ૩:૧, ૨) પણ એક વાતના લીધે નિકોદેમસ ઈસુના શિષ્ય બનતા અચકાતા હતા. “યહૂદીઓની બીકને લીધે” તે ઈસુને રાતે મળવા ગયા હતા. (યોહા. ૭:૧૩; ૧૨:૪૨) તેમને કદાચ લાગતું હતું કે જો તે ઈસુના શિષ્ય બનશે, તો તેમણે હોદ્દો અને અમુક ધનસંપત્તિ ગુમાવવાં પડશે.a
૪. ઈસુએ નિકોદેમસને કઈ રીતે મદદ કરી?
૪ નિકોદેમસ મૂસાનું નિયમશાસ્ત્ર સારી રીતે જાણતા હતા. પણ યહોવા તેમની પાસેથી શું ચાહે છે, એ સમજવા તેમને મદદની જરૂર હતી. ઈસુએ કઈ રીતે તેમને મદદ કરી? ઈસુએ નિકોદેમસને પોતાનો સમય આપ્યો. અરે, તે તેમને રાતે મળ્યા. ઈસુએ સ્પષ્ટ જણાવ્યું કે તેમના શિષ્ય બનવા નિકોદેમસે શું કરવાની જરૂર છે: પાપોનો પસ્તાવો કરવો, પાણીથી બાપ્તિસ્મા લેવું અને ઈશ્વરના દીકરામાં શ્રદ્ધા મૂકવી.—યોહા. ૩:૫, ૧૪-૨૧.
૫. વિદ્યાર્થીને કઈ વાત પગલું ભરતા અટકાવે છે, એ પારખવા તેને કઈ રીતે મદદ કરી શકીએ?
૫ બની શકે કે તમારો વિદ્યાર્થી બાઇબલની વાતો સારી રીતે સમજતો હોય. પણ કદાચ તેને એ પારખવા મદદની જરૂર હોય કે કઈ વાત તેને પગલું ભરતા અટકાવે છે. દાખલા તરીકે, તેની નોકરી મોટા ભાગનો સમય ખાઈ જતી હોય અથવા તેનું કુટુંબ ચાહતું ન હોય કે તે યહોવાનો સાક્ષી બને. એટલે ઈસુની જેમ તેની સાથે સમય વિતાવો. તમે કદાચ તેને ચા-નાસ્તા માટે લઈ જઈ શકો અથવા સાથે ક્યાંક આંટો મારવા જઈ શકો. આ રીતે તેની સાથે સમય વિતાવવાથી તે ખૂલીને પોતાની મુશ્કેલીઓ વિશે વાત કરી શકશે અને તમે સમજી શકશો કે તેને કઈ રીતે મદદ કરવી. પછી તમારા વિદ્યાર્થીને ફેરફારો કરવા ઉત્તેજન આપો. તેને યાદ અપાવો કે તેણે એ ફેરફારો તમને ખુશ કરવા નહિ, પણ યહોવાના દિલને ખુશી મળે એ માટે કરવાના છે.
૬. શીખેલી વાતો લાગુ પાડવા વિદ્યાર્થીને હિંમત મળે એ માટે તમે શું કરી શકો? (૧ કોરીંથીઓ ૧૬:૧૩)
૬ વિદ્યાર્થીને શીખેલી વાતો લાગુ પાડવા શાનાથી હિંમત મળશે? તેને ખાતરી થવી જોઈએ કે યહોવા તેને બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે જીવવા મદદ કરશે. (૧ કોરીંથીઓ ૧૬:૧૩ વાંચો.) તમે પોતાને શાળાના એક શિક્ષક સાથે સરખાવી શકો. વિચાર કરો કે શાળામાં તમને કયા શિક્ષક ગમતા હતા. કદાચ એ શિક્ષક જે તમારી સાથે ધીરજથી વર્ત્યા હોય અને તમને ભરોસો અપાવ્યો હોય કે તમે ઘણું કરી શકો છો. એવી જ રીતે, બાઇબલના એક સારા શિક્ષક વિદ્યાર્થીને શીખવે છે કે ઈશ્વર તેની પાસેથી શું ચાહે છે. એટલું જ નહિ, વિદ્યાર્થીને ભરોસો અપાવે છે કે તે યહોવાની મદદથી જીવનમાં ફેરફારો કરી શકે છે. તમે કઈ રીતે એવા શિક્ષક બની શકો?
વિદ્યાર્થીને યહોવા માટેનો પ્રેમ ગાઢ કરવા મદદ કરો
૭. ઈસુની વાત સાંભળવા આવેલા લોકોનાં દિલમાં યહોવા માટેનો પ્રેમ વધે એ માટે તેમણે શું કર્યું?
૭ ઈસુ જાણતા હતા કે જે વ્યક્તિ ઈશ્વરને પ્રેમ કરે છે, તે શીખેલી વાતોને ખુશી ખુશી લાગુ પાડે છે. તેમણે ઘણી વાર એવી વાતો શીખવી, જેનાથી તેમના પગલે ચાલનારાઓનાં દિલમાં સ્વર્ગમાંના પિતા માટેનો પ્રેમ વધે. દાખલા તરીકે, તેમણે યહોવાની સરખામણી એક એવા માણસ સાથે કરી, જે પોતાનાં બાળકોને સારી સારી વસ્તુઓ આપે છે. (માથ. ૭:૯-૧૧) જેઓ ઈસુની વાતો સાંભળવા આવ્યા હતા, તેઓમાંથી અમુકને કદાચ પિતાનો પ્રેમ મળ્યો ન હતો. એટલે જરા વિચારો કે જ્યારે ઈસુએ એક પ્રેમાળ પિતાનું ઉદાહરણ આપ્યું, ત્યારે તેઓને કેવું લાગ્યું હશે. એ પ્રેમાળ પિતાનો દીકરો ખોટા રવાડે ચઢી ગયો હતો. પણ જ્યારે તે પાછો આવ્યો, ત્યારે પિતાએ દિલથી તેનો આવકાર કર્યો. એ ઉદાહરણથી તેઓ જોઈ શક્યા કે યહોવા તેઓને પોતાનાં બાળકો ગણે છે અને તેઓને ખૂબ પ્રેમ કરે છે.—લૂક ૧૫:૨૦-૨૪.
૮. યહોવા માટેનો પ્રેમ ગાઢ કરવા તમે કઈ રીતે વિદ્યાર્થીને મદદ કરી શકો?
૮ યહોવા માટેનો પ્રેમ ગાઢ કરવા તમે પણ વિદ્યાર્થીને મદદ કરી શકો છો. એ માટે તેને શીખવતી વખતે અવાર-નવાર યહોવાના સુંદર ગુણો વિશે વાત કરો. દરેક વખતે તેને એ સમજવા મદદ કરો કે તે જે શીખ્યો એનાથી કઈ રીતે દેખાઈ આવે છે કે યહોવા તેને ખૂબ પ્રેમ કરે છે. દાખલા તરીકે, ઈસુના બલિદાન વિશે ચર્ચા કરતી વખતે એ વાત પર ભાર મૂકો કે એ બલિદાનથી તેને પોતાને કઈ રીતે ફાયદો થાય છે. (રોમ. ૫:૮; ૧ યોહા. ૪:૧૦) જ્યારે વિદ્યાર્થી સમજશે કે યહોવા તેને કેટલો બધો પ્રેમ કરે છે, ત્યારે યહોવા માટેનો તેનો પ્રેમ પણ ગાઢ થશે.—ગલા. ૨:૨૦.
૯. માઇકલભાઈને જીવનમાં ફેરફાર કરવા શાનાથી મદદ મળી?
૯ ઇન્ડોનેશિયામાં રહેતા માઇકલ નામના માણસનો વિચાર કરો. તે નાનપણથી યહોવા વિશે જાણતા હતા. પણ તેમણે બાપ્તિસ્મા લીધું ન હતું. ૧૮ વર્ષની ઉંમરે તે બીજા દેશમાં કામ કરવા ગયા. ત્યાં તે ટ્રક ચલાવતા હતા. પછીથી તેમનું લગ્ન થયું. પણ લગ્નના થોડા સમય પછી તે પોતાના કુટુંબથી દૂર વિદેશ જઈને ફરીથી પોતાનું કામ કરવા લાગ્યા. એ દરમિયાન તેમની પત્ની અને દીકરીએ બાઇબલમાંથી શીખવાનું અને શીખેલી વાતો જીવનમાં લાગુ પાડવાનું શરૂ કર્યું. માઇકલભાઈનાં મમ્મી ગુજરી ગયાં એ પછી તેમણે ઘરે પાછા ફરવાનો નિર્ણય લીધો, જેથી પિતાની સંભાળ રાખી શકે. માઇકલભાઈ બાઇબલમાંથી શીખવા રાજી થઈ ગયા. દુઃખ જશે, સુખ આવશે પુસ્તકમાંથી અભ્યાસ કરતી વખતે તે પાઠ ૨૭ પર પહોંચ્યા. એ પાઠનો “વધારે જાણો” વિભાગ તેમના દિલને સ્પર્શી ગયો. પોતાના દીકરાને પીડાતા જોઈને યહોવાને કેટલું દુઃખ થયું હશે, એના પર વિચાર કર્યો ત્યારે માઇકલભાઈની આંખોમાંથી આંસુ સરી પડ્યાં. ઈસુના બલિદાન માટે તેમનું દિલ કદરથી ઊભરાઈ આવ્યું. તેમણે જીવનમાં ફેરફારો કર્યા અને પછી બાપ્તિસ્મા લીધું.
યહોવાને જીવનમાં પહેલા રાખવા વિદ્યાર્થીને મદદ કરો
૧૦. પ્રચારકામને જીવનમાં પહેલું રાખવા ઈસુએ શિષ્યોને કઈ રીતે મદદ કરી? (લૂક ૫:૫-૧૧) (ચિત્ર પણ જુઓ.)
૧૦ જેઓ શરૂ શરૂમાં ઈસુના શિષ્યો બન્યા, તેઓ તરત પારખી ગયા કે ઈસુ જ વચન પ્રમાણેના મસીહ છે. પણ તેઓએ પ્રચારકામને જીવનમાં પહેલું રાખવાની જરૂર હતી. પિતર અને આંદ્રિયાનો વિચાર કરો. તેઓ ઈસુના શિષ્યો બન્યા એને થોડોક સમય થયો હતો. પછી ઈસુએ તેઓને પૂરો સમય સેવાકાર્યમાં સાથ આપવા માટે બોલાવ્યા. (માથ. ૪:૧૮, ૧૯) પિતર અને આંદ્રિયા માછીમારો હતો અને તેઓનો ધંધો ધમધોકાર ચાલતો હતો. એવું લાગે છે કે તેઓ યાકૂબ અને યોહાન સાથે મળીને ધંધો કરતા હતા. (માર્ક ૧:૧૬-૨૦) ઈસુની વાત સાંભળીને પિતર અને આંદ્રિયાએ ‘પોતાની જાળ પડતી મૂકી’ અને તેઓ “તેમની પાછળ ગયા.” એ નિર્ણય લેતી વખતે ચોક્કસ તેઓએ કુટુંબના ભરણપોષણ માટે અમુક ગોઠવણો કરી હશે. તેઓ કેમ પોતાનો ધંધો છોડવા તૈયાર થઈ ગયા? લૂકના અહેવાલથી જોવા મળે છે કે ઈસુએ એક ચમત્કાર કર્યો હતો. એનાથી તેઓનો ભરોસો વધ્યો કે યહોવા તેઓની જરૂરિયાતો પૂરી પાડશે.—લૂક ૫:૫-૧૧ વાંચો.
શિષ્યો યહોવાને પોતાનાં જીવનમાં પહેલા રાખી શકે એ માટે ઈસુએ તેઓને મદદ કરી. એમાંથી આપણે શું શીખી શકીએ? (ફકરા ૧૦-૧૧ જુઓ)b
૧૧. આપણા અનુભવોથી કઈ રીતે વિદ્યાર્થીની શ્રદ્ધા મજબૂત કરી શકીએ?
૧૧ આપણે ઈસુની જેમ ચમત્કારો કરી શકતા નથી. પણ આપણે વિદ્યાર્થીને જણાવી શકીએ છીએ કે જે લોકો યહોવાને જીવનમાં પહેલા રાખે છે, તેઓને યહોવા કઈ રીતે મદદ કરે છે. એવા જોરદાર અનુભવોથી તેને ચોક્કસ મદદ મળશે. દાખલા તરીકે, શું તમને યાદ છે કે જયારે તમે સભાઓમાં જવાનું શરૂ કર્યું હતું, ત્યારે યહોવાએ તમને કઈ રીતે મદદ કરી હતી? કદાચ તમારે કામની જગ્યાએ માલિકને સમજાવવું પડ્યું હતું કે સભામાં જવા તમારે કેમ વહેલા નીકળવું પડશે. યહોવાએ તમને જે રીતે મદદ કરી એનાથી તમારી શ્રદ્ધા જરૂર વધી હશે. વિદ્યાર્થીને તમારો અનુભવ જણાવો ત્યારે એ વાત કહેવાનું ના ભૂલતા.
૧૨. (ક) આપણે કેમ અલગ અલગ ભાઈ-બહેનોને બાઇબલ અભ્યાસમાં લઈ જવાં જોઈએ? (ખ) વિદ્યાર્થીને સારી રીતે શીખવવા તમે કઈ રીતે વીડિયોનો ઉપયોગ કરી શકો? એક દાખલો આપો.
૧૨ બીજાં ભાઈ-બહેનોએ યહોવાની સેવાને જીવનમાં પહેલી રાખવા કયા કયા ફેરફારો કર્યા છે, એ જણાવવાથી પણ તમારા વિદ્યાર્થીને મદદ મળશે. એટલે અલગ અલગ ભાઈ-બહેનોને તમારી સાથે અભ્યાસમાં લઈ જાઓ. તેઓને પોતાનો અનુભવ જણાવવાનું કહો કે તેઓ કઈ રીતે યહોવાના સાક્ષી બન્યા અને યહોવાની સેવાને જીવનમાં પહેલી રાખવા તેઓએ શું કર્યું. વધુમાં, સમય કાઢીને તમારા વિદ્યાર્થી સાથે દુઃખ જશે, સુખ આવશે પુસ્તકના “વધારે જાણો” ભાગમાં આપેલા વીડિયો જુઓ. જરૂર લાગે ત્યારે “વધારે માહિતી” ભાગમાં આપેલા વીડિયો પણ જુઓ. દાખલા તરીકે, તમે પાઠ ૩૭ની ચર્ચા કરી રહ્યા છો અને યહોવા આપણી જરૂરિયાતો પૂરી પાડશે વીડિયો જોઈ રહ્યા છો. હવે એ વીડિયોને આધારે ચર્ચા કરો કે યહોવાને જીવનમાં પહેલા રાખવા વિદ્યાર્થી શું કરી શકે છે.
વિદ્યાર્થીને વિરોધ માટે તૈયાર કરો
૧૩. ઈસુએ શિષ્યોને કઈ રીતે વિરોધ માટે તૈયાર કર્યા?
૧૩ ઈસુએ પોતાના પગલે ચાલનારાઓને વારંવાર જણાવ્યું હતું કે કુટુંબીજનો અથવા બીજાઓ તેઓનો વિરોધ કરશે. (માથ. ૫:૧૧; ૧૦:૨૨, ૩૬) ઈસુએ પોતાના મરણના થોડા જ સમય પહેલાં શિષ્યોને જણાવ્યું હતું કે તેઓએ મોતનો સામનો કરવો પડશે. (માથ. ૨૪:૯; યોહા. ૧૫:૨૦; ૧૬:૨) તેમણે તેઓને પ્રચારકામમાં સાવધ રહેવાની અરજ કરી. તેમણે સલાહ આપી કે વિરોધ થાય ત્યારે તેઓ દલીલો ન કરે અને સમજી-વિચારીને વર્તે, જેથી તેઓ પ્રચારકામ કરતા રહી શકે.
૧૪. આપણે કઈ રીતે વિદ્યાર્થીને વિરોધ માટે તૈયાર કરી શકીએ? (૨ તિમોથી ૩:૧૨)
૧૪ ઈસુની જેમ આપણે પણ વિદ્યાર્થીને વિરોધ માટે તૈયાર કરી શકીએ છીએ. કઈ રીતે? આપણે તેને પહેલેથી જણાવી શકીએ કે સાથે કામ કરનારા લોકો, મિત્રો અને કુટુંબીજનો તેને શું કહેશે. (૨ તિમોથી ૩:૧૨ વાંચો.) કદાચ સાથે કામ કરનારા અમુક લોકો તેની મજાક ઉડાવે, કેમ કે હવે તે બાઇબલનાં સિદ્ધાંતો પ્રમાણે જીવન જીવે છે. કદાચ કુટુંબીજનો અથવા બીજાઓ તેની માન્યતાને લીધે મહેણાં-ટોણાં મારે. બાઇબલ વિદ્યાર્થીને વિરોધ માટે બને એટલા જલદી તૈયાર કરવો સારું છે. આમ વિરોધ થશે ત્યારે તેને આંચકો નહિ લાગે અને તેને ખબર હશે કે શું કહેવું અથવા શું કરવું.
૧૫. કુટુંબીજનોના વિરોધનો સામનો કરવા વિદ્યાર્થીને શાનાથી મદદ મળી શકે?
૧૫ જો કુટુંબીજનો વિદ્યાર્થીનો વિરોધ કરતા હોય, તો તેને એ વિચારવા મદદ કરો કે તેનાં સગાઓ તેનાથી કેમ નારાજ છે. કદાચ તેઓને લાગતું હોય કે તેને ગેરમાર્ગે દોરવામાં આવ્યો છે. કદાચ તેઓનાં મનમાં યહોવાના સાક્ષીઓ વિશે ખોટા વિચારો હોય. ઈસુ સાથે પણ એવું થયું હતું. ઈસુનાં સગાઓએ કહ્યું હતું કે ઈસુનું મગજ ફરી ગયું છે. (માર્ક ૩:૨૧; યોહા. ૭:૫) એટલે વિદ્યાર્થીને ધીરજ રાખવાનું તેમજ કુટુંબીજનો અને બીજાઓ સાથે પ્રેમથી વાત કરવાનું શીખવો.
૧૬. વિદ્યાર્થી સમજી-વિચારીને પોતાની માન્યતા જણાવી શકે એ માટે આપણે તેને કઈ રીતે મદદ કરી શકીએ?
૧૬ જો વિદ્યાર્થીનાં સગાઓ બાઇબલ વિશે વધારે જાણવા માંગતા હોય તો શું? એવા સમયે સારું રહેશે કે વિદ્યાર્થી તેઓને એકસાથે બહુ બધી વાતો ન જણાવે. નહિતર, તેનાં સગાઓ માટે એ બધું સમજવું અઘરું થઈ જશે અને કદાચ તેઓ બીજી વાર તેની સાથે વાત કરતા અચકાશે. એટલે વિદ્યાર્થીને ઉત્તેજન આપો કે તે ટૂંકમાં પોતાની વાત જણાવે. આમ તેના માટે સગાઓ સાથે ફરી વાત કરવાનો દરવાજો ખુલ્લો રહેશે. (કોલો. ૪:૬) તે પોતાનાં સગાઓને jw.org વેબસાઇટ જોવાનું કહી શકે. એ વેબસાઇટ દ્વારા તેઓ યહોવાના સાક્ષીઓ વિશે જાણી શકશે અને પોતે નક્કી કરી શકશે કે વેબસાઇટ પરથી ક્યારે અને કેટલું વાંચવું.
૧૭. જો કોઈ વ્યક્તિ વિદ્યાર્થીને યહોવાના સાક્ષીઓ વિશે સવાલ પૂછે, તો એનો જવાબ આપવા તેને કઈ રીતે તૈયાર કરી શકો? (ચિત્ર પણ જુઓ.)
૧૭ જો સગાં-વહાલાં કે સાથે કામ કરનારા લોકો વિદ્યાર્થીને કોઈ સવાલ પૂછે તો શું? તમે વિદ્યાર્થીને સાદા જવાબો તૈયાર કરવા મદદ કરી શકો. એ માટે jw.org વેબસાઇટ પર આપેલી “વારંવાર પૂછાતા સવાલો” શૃંખલાનો ઉપયોગ કરી શકો. (૨ તિમો. ૨:૨૪, ૨૫) બીજી પણ એક મદદ છે: દુઃખ જશે, સુખ આવશે પુસ્તકમાં દરેક પાઠના અંતે આપેલો “અમુક લોકો કહે છે” ભાગ. એની ચર્ચા કરવાનું ભૂલશો નહિ. વિદ્યાર્થીને જણાવો કે તે પોતાના શબ્દોમાં જવાબ તૈયાર કરે. તે વધારે સારી રીતે જવાબ આપી શકે એ માટે જો કોઈ સલાહ-સૂચન હોય, તો એ આપતા અચકાશો નહિ. આવી રીતે વિદ્યાર્થી સાથે મળીને તૈયારી કરવાથી તે પૂરા ભરોસા સાથે બીજાઓને પોતાની માન્યતા વિશે જણાવી શકશે.
બાઇબલ વિદ્યાર્થી પ્રચાર કરી શકે એ માટે અભ્યાસ દરમિયાન તેની સાથે તૈયારી કરો (ફકરો ૧૭ જુઓ)c
૧૮. તમે કઈ રીતે વિદ્યાર્થીને બાપ્તિસ્મા ન પામેલા પ્રકાશક બનવા મદદ કરી શકો? (માથ્થી ૧૦:૨૭)
૧૮ ઈસુએ શિષ્યોને આજ્ઞા આપી હતી કે તેઓ બધા લોકોને ખુશખબર જણાવે. (માથ્થી ૧૦:૨૭ વાંચો.) એટલે વિદ્યાર્થીને એ ધ્યેય રાખવા મદદ કરો કે તે પોતાની માન્યતા બીજાઓને જણાવવાનું શરૂ કરે. તે જેટલું જલદી એમ કરવાનું શરૂ કરશે, એટલું જ જલદી તે યહોવા પર ભરોસો રાખવાનું શીખશે. એ ધ્યેય રાખવા તેને કઈ રીતે મદદ કરી શકો? જો તમારા વિસ્તારમાં કોઈ ઝુંબેશ થવાની હોય, તો વિદ્યાર્થીને જણાવો કે બાપ્તિસ્મા ન પામેલા પ્રકાશક બનવા તે શું કરી શકે. જેમ કે, સ્મરણપ્રસંગ કે મહાસંમેલન માટેની ઝુંબેશ. એ પણ જણાવો કે મોટા ભાગે ઝુંબેશ દરમિયાન પ્રચાર કરવો સહેલું હોય છે. તમે તેને બીજો એક ધ્યેય રાખવા પણ મદદ કરી શકો. એ છે, અઠવાડિયા દરમિયાન થતી સભાઓમાં વિદ્યાર્થી ભાગ આપવો. જેમ જેમ તે એ ધ્યેય પૂરો કરવા મહેનત કરશે, તેમ તેમ તે સારી રીતે પોતાની માન્યતાઓ જણાવવાનું શીખી શકશે.
વિદ્યાર્થી પર ભરોસો રાખો
૧૯. ઈસુએ કઈ રીતે શિષ્યોમાં ભરોસો બતાવ્યો? ઈસુ પાસેથી આપણે શું શીખી શકીએ?
૧૯ ઈસુનું મરણ થયું અને તે સ્વર્ગમાં ગયા એ પહેલાં તેમણે શિષ્યોને કહ્યું હતું કે તે તેઓને ફરી મળશે અને તેઓ સાથે હશે. પણ શિષ્યો સમજ્યા નહિ કે એક દિવસે તેઓ ઈસુ સાથે સ્વર્ગમાં હશે. તેમ છતાં, ઈસુએ તેઓની શંકા પર નહિ, પણ વફાદારી પર ધ્યાન આપ્યું. (યોહા. ૧૪:૧-૫, ૮) ઈસુ જાણતા હતા કે શિષ્યોને અમુક વાતો સમજતા સમય લાગશે, જેમ કે સ્વર્ગ જવા વિશે. (યોહા. ૧૬:૧૨) ઈસુની જેમ આપણે પણ ભરોસો રાખી શકીએ કે આપણો વિદ્યાર્થી યહોવાને ખુશ કરવા માંગે છે.
વિદ્યાર્થી જેટલું જલદી પોતાની માન્યતા વિશે જણાવવાનું શરૂ કરશે, એટલું જલદી તે યહોવા પર ભરોસો રાખવાનું શીખશે
૨૦. મલાવીમાં રહેતી બહેને કઈ રીતે પોતાની વિદ્યાર્થીમાં ભરોસો બતાવ્યો?
૨૦ ભરોસો રાખીએ કે આપણો વિદ્યાર્થી જે ખરું છે એ કરવા માંગે છે. મલાવીમાં રહેતી ચિફુન્ડો નામની બહેનનો દાખલો લો. તેણે અલીનાફે નામની એક યુવાન સ્ત્રી સાથે દુઃખ જશે, સુખ આવશે પુસ્તકમાંથી અભ્યાસ શરૂ કર્યો હતો. અલીનાફે કૅથલિક ધર્મ પાળતી હતી. પાઠ ૧૪ની ચર્ચા કર્યા પછી ચિફુન્ડોએ અલીનાફેને પૂછ્યું કે મૂર્તિઓ દ્વારા ભક્તિ કરવા વિશે તેને કેવું લાગે છે. અલીનાફે બહુ ભાવુક થઈ ગઈ. તેણે કહ્યું: “એ મારો પોતાનો નિર્ણય છે.” ચિફુન્ડો વિચારવા લાગી કે હવે એ અભ્યાસ આગળ નહિ વધે. પણ તેણે અલીનાફેમાં ભરોસો બતાવ્યો અને આશા રાખી કે સમય જતાં તેને સમજાશે કે મૂર્તિઓ દ્વારા ભક્તિ કરવી ખોટું છે. ચિફુન્ડો તેને બાઇબલમાંથી શીખવતી રહી. અમુક મહિનાઓ પછી પાઠ ૩૪ની ચર્ચા કરતી વખતે ચિફુન્ડોએ તેને પાઠમાં આપેલો આ સવાલ પૂછ્યો: “તમે બાઇબલમાંથી હમણાં સુધી ઘણું શીખ્યા છો અને યહોવા વિશે ઘણું જાણો છો. એનાથી તમને કેવો ફાયદો થયો છે?” અલીનાફેએ જે જવાબ આપ્યો એ જણાવતા ચિફુન્ડો કહે છે: “તેણે ઘણા સરસ મુદ્દાઓ જણાવ્યા. એમાંનો એક મુદ્દો હતો કે સાક્ષીઓ એવું કોઈ કામ કરતા નથી, જે બાઇબલ પ્રમાણે ખોટું છે.” એના થોડા સમય પછી અલીનાફેએ મૂર્તિઓની ભક્તિ કરવાનું છોડી દીધું અને બાપ્તિસ્મા લીધું.
૨૧. બાઇબલ વિદ્યાર્થીને યહોવાના ભક્ત બનવા કઈ રીતે મદદ કરી શકીએ?
૨૧ એ વાત સાચી છે કે યહોવા જ ‘વૃદ્ધિ આપે છે.’ (૧ કોરીં. ૩:૭) પણ આપણે વિદ્યાર્થીને પગલાં ભરવા મદદ કરી શકીએ છીએ. આપણે તેને શીખવીએ છીએ કે ઈશ્વર તેની પાસેથી શું ચાહે છે. જોકે, આપણે બીજું પણ ઘણું કરીએ છીએ. આપણે તેને યહોવા માટેનો પ્રેમ ગાઢ કરવા મદદ કરીએ છીએ. તેને ઉત્તેજન આપીએ છીએ કે તે યહોવાની સેવાને જીવનમાં પહેલી રાખવા અમુક ફેરફારો કરે અને યહોવા માટેનો પ્રેમ બતાવી આપે. વધુમાં, આપણે તેને શીખવીએ છીએ કે વિરોધ થાય ત્યારે યહોવા પર કઈ રીતે આધાર રાખવો. તેનામાં ભરોસો બતાવીને આપણે તેનો ઉત્સાહ વધારીએ છીએ કે તે પણ યહોવાનાં ધોરણો પ્રમાણે જીવી શકે છે અને તેમનો વહાલો ભક્ત બની શકે છે.
ગીત ૩૩ ડરશો નહિ!
a નિકોદેમસ ઈસુને પહેલી વાર મળ્યા એના અઢી વર્ષ પછી પણ યહૂદી ન્યાયસભાના સભ્ય હતા. (યોહા. ૭:૪૫-૫૨) અમુક ઇતિહાસકારો માને છે કે નિકોદેમસ ઈસુના મરણ પછી તેમના શિષ્ય બન્યા હતા.—યોહા. ૧૯:૩૮-૪૦.
b ચિત્રની સમજ: પિતર અને બીજા માછીમારો ઈસુની પાછળ ચાલવા માટે માછલી પકડવાનો ધંધો છોડી દે છે.
c ચિત્રની સમજ: એક બહેન પોતાની વિદ્યાર્થીને તૈયારી કરાવે છે, જેથી તે બીજાઓને પ્રચાર કરી શકે.