વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w25 જુલાઈ પાન ૨-૭
  • સલાહ લેવાની થાય ત્યારે શું કરવું?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સલાહ લેવાની થાય ત્યારે શું કરવું?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • મથાળાં
  • સરખી માહિતી
  • મારામાં કયા ગુણો હોવા જોઈએ?
  • મને કોની પાસેથી સારી સલાહ મળી શકે?
  • હું કઈ રીતે બતાવી શકું કે મને સાચે જ સલાહ જોઈએ છે?
  • શું મારે બીજાઓને મારા વતી નિર્ણય લેવાનું કહેવું જોઈએ?
  • સલાહ માંગતા રહો
  • સલાહ આપવાની થાય ત્યારે શું કરવું?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • શું મારા નિર્ણયથી દેખાઈ આવે છે કે મને યહોવા પર ભરોસો છે?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • વિશ્વાસુ માણસોએ કહેલા છેલ્લા શબ્દોમાંથી શીખીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • નમ્રતાથી સ્વીકારીએ કે આપણે ઘણી વાતો જાણતા નથી
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
w25 જુલાઈ પાન ૨-૭

અભ્યાસ લેખ ૨૮

ગીત ૧૧ યહોવાને વળગી રહું

સલાહ લેવાની થાય ત્યારે શું કરવું?

“બીજાની સલાહ લેનાર પાસે બુદ્ધિ હોય છે.”—નીતિ. ૧૩:૧૦.

આપણે શું શીખીશું?

આપણને જે સલાહ મળે એમાંથી પૂરો ફાયદો મેળવવા શું કરવું જોઈએ?

૧. સારા નિર્ણયો લેવા અને આપણી યોજનાઓ પાર પાડવા શું કરવું જોઈએ? (નીતિવચનો ૧૩:૧૦; ૧૫:૨૨)

આપણે બધા જ લોકો સારા નિર્ણયો લેવા માંગીએ છીએ. આપણે એ પણ ચાહીએ છીએ કે આપણી યોજનાઓ પાર પડે. એ માટે શું કરવું જોઈએ? બાઇબલમાં જણાવ્યું છે તેમ બીજાઓ પાસેથી સલાહ લેવી જોઈએ.—નીતિવચનો ૧૩:૧૦; ૧૫:૨૨ વાંચો.

૨. યહોવા આપણને કયું વચન આપે છે?

૨ ફક્ત પિતા યહોવા જ આપણને સૌથી સારી સલાહ આપી શકે છે. એટલે તેમને પ્રાર્થના કરવી જોઈએ અને તેમની પાસે બુદ્ધિ માંગવી જોઈએ. તેમણે આપણને મદદ કરવાનું વચન આપ્યું છે. તે કહે છે: “હું તારા પર નજર રાખીને તને સલાહ આપીશ.” (ગીત. ૩૨:૮) એ શબ્દોથી જોવા મળે છે કે યહોવા આપણને એવી સલાહ આપે છે, જેની આપણને જરૂર છે તેમજ તે સલાહ લાગુ પાડવા મદદ પણ કરે છે.

૩. આ લેખમાં શાની ચર્ચા કરીશું?

૩ આ લેખમાં આપણે બાઇબલની મદદથી આ ચાર સવાલોના જવાબ મેળવીશું: (૧) સારી સલાહથી ફાયદો મેળવવા મારામાં કયા ગુણો હોવા જોઈએ? (૨) મને કોની પાસેથી સારી સલાહ મળી શકે? (૩) હું કઈ રીતે બતાવી શકું કે મને સાચે જ સલાહ જોઈએ છે? (૪) મારે કેમ બીજાઓને મારા વતી નિર્ણય લેવાનું ન કહેવું જોઈએ?

મારામાં કયા ગુણો હોવા જોઈએ?

૪. સારી સલાહમાંથી ફાયદો મેળવવા આપણામાં કયા ગુણો હોવા જોઈએ?

૪ સારી સલાહમાંથી ફાયદો મેળવવા નમ્રતા અને મર્યાદા, એ બે ગુણો હોવા ખૂબ જરૂરી છે. આપણે સ્વીકારવું જોઈએ કે પોતાની રીતે સારો નિર્ણય લેવા આપણી પાસે દરેક વખતે જરૂરી અનુભવ કે જ્ઞાન નહિ હોય. જો આપણામાં નમ્રતા અને મર્યાદા નહિ હોય, તો યહોવા આપણને મદદ નહિ કરે શકે. પરિણામે, બાઇબલ વાંચતી વખતે જે સલાહ મળે છે, એ આપણા માટે જાણે પથ્થર પર પાણી હશે. (મીખા. ૬:૮; ૧ પિત. ૫:૫) પણ જો આપણે નમ્ર હોઈશું અને પોતાની મર્યાદા જાણતા હોઈશું, તો બાઇબલમાંથી મળતી સલાહને તરત સ્વીકારીશું અને લાગુ પાડીશું.

૫. કયાં જોરદાર કામોને લીધે રાજા દાઉદ અભિમાની બની શક્યા હોત?

૫ ચાલો જોઈએ કે રાજા દાઉદ પાસેથી આપણે શું શીખી શકીએ. તેમણે જીવનમાં ઘણાં જોરદાર કામ કર્યાં હતાં. એના લીધે તે અભિમાની બની શક્યા હોત. જેમ કે, રાજા બન્યા એના ઘણાં વર્ષો પહેલાં દાઉદ સારા સંગીતકાર તરીકે જાણીતા હતા. અરે, તેમને રાજા માટે સંગીત વગાડવા બોલાવવામાં આવ્યા હતા. (૧ શમુ. ૧૬:૧૮, ૧૯) શાઉલ પછી રાજા બનવા યહોવાએ દાઉદને પસંદ કર્યા હતા. તેમણે પોતાની પવિત્ર શક્તિ આપીને દાઉદને બળવાન કર્યા હતા. (૧ શમુ. ૧૬:૧૧-૧૩) લોકો પણ દાઉદને ખૂબ પસંદ કરતા હતા. કેમ કે તેમણે અનેક શક્તિશાળી દુશ્મનોને મારી નાખ્યા હતા, જેમ કે પલિસ્તી ગોલ્યાથને. (૧ શમુ. ૧૭:૩૭, ૫૦; ૧૮:૭) એક અભિમાની માણસ વિચારી શક્યો હોત કે આટલાં મોટાં મોટાં કામો કર્યાં પછી તેણે બીજાઓની સલાહ લેવાની જરૂર નથી. પણ દાઉદ એવા ન હતા.

૬. શાના આધારે કહી શકીએ કે દાઉદ બીજાઓ પાસેથી સલાહ લેતા હતા? (ચિત્ર પણ જુઓ.)

૬ રાજા બન્યા પછી દાઉદે એવા મિત્રો પસંદ કર્યા, જેઓ તેમને સારી સલાહ આપી શકે. (૧ કાળ. ૨૭:૩૨-૩૪) એનાથી આપણને નવાઈ ન લાગવી જોઈએ. કેમ કે રાજા બન્યા એ પહેલાં પણ દાઉદ હંમેશાં બીજાઓની સલાહ પર ધ્યાન આપતા હતા. શું તેમણે ફક્ત પુરુષોની જ સલાહ સ્વીકારી? ના, તેમણે અબીગાઈલ નામની એક સ્ત્રીની પણ સલાહ સ્વીકારી. તેનું લગ્‍ન નાબાલ સાથે થયું હતું. નાબાલ ખૂબ ઘમંડી હતો. તે બીજાઓની કદર કરતો ન હતો અને કોઈને માન આપતો ન હતો. પણ દાઉદ ખૂબ જ નમ્ર હતા. તેમણે અબીગાઈલની સલાહને લાગુ પાડી. પરિણામે, તે મોટી ભૂલ કરતા બચી ગયા.—૧ શમુ. ૨૫:૨, ૩, ૨૧-૨૫, ૩૨-૩૪.

રાજા દાઉદ ખૂબ ધ્યાનથી અબીગાઈલની વાત સાંભળી રહ્યા છે, જે નીચે બેસીને તેમને કાલાવાલા કરી રહી છે. દાઉદના માણસો નજીકમાં ઊભા છે અને એ જુએ છે.

રાજા દાઉદે નમ્ર બનીને અબીગાઈલની સલાહ સ્વીકારી અને લાગુ પાડી (ફકરો ૬ જુઓ)


૭. દાઉદના દાખલામાંથી શું શીખવા મળે છે? (સભાશિક્ષક ૪:૧૩) (ચિત્રો પણ જુઓ.)

૭ દાઉદ પાસેથી આપણે ઘણું શીખી શકીએ છીએ. દાખલા તરીકે, કદાચ આપણી પાસે અમુક આવડતો હોય અથવા અમુક અધિકાર હોય. પણ આપણે એવું ન વિચારવું જોઈએ કે આપણને બધું જ ખબર છે અને બીજાઓ પાસેથી સલાહ લેવાની કોઈ જરૂર નથી. ભલે કોઈ પણ વ્યક્તિ સલાહ આપે, આપણે દાઉદની જેમ સલાહ સ્વીકારવા તૈયાર રહેવું જોઈએ. (સભાશિક્ષક ૪:૧૩ વાંચો.) જો દાઉદના પગલે ચાલીશું, તો મોટી મોટી ભૂલો કરવાનું ટાળી શકીશું. આમ પોતાને અને બીજાઓને દુઃખ નહિ પહોંચાડીએ.

ચિત્રો: ૧. વડીલોની સભામાં ચાર વડીલો ભેગા મળ્યા છે. એક વડીલ બહુ ગુસ્સામાં વાત કરી રહ્યા છે. ૨. પછીથી તે એક યુવાન વડીલ સાથે ગાડીમાં છે. એ યુવાન વડીલ પણ સભામાં હતા. તે પેલા વડીલ સાથે એકલામાં વાત કરે છે, જે બહુ ગુસ્સે ભરાઈ ગયા હતા.

ભલે કોઈ પણ વ્યક્તિ સલાહ આપે, આપણે તેની વાત સાંભળવા તૈયાર રહેવું જોઈએ (ફકરો ૭ જુઓ)c


મને કોની પાસેથી સારી સલાહ મળી શકે?

૮. યોનાથાન કેમ દાઉદને સારી સલાહ આપી શકતા હતા?

૮ ચાલો જોઈએ કે દાઉદ પાસેથી બીજું શું શીખી શકીએ. તેમણે એવા લોકો પાસેથી સલાહ લીધી, જેઓનો યહોવા સાથે સારો સંબંધ હતો અને જેઓ દાઉદની મુશ્કેલી સારી રીતે સમજતા હતા. દાખલા તરીકે, દાઉદ જાણવા માંગતા હતા કે રાજા શાઉલ તેમની સાથે સંબંધો સુધારવા માંગે છે કે નહિ. એ વખતે તેમણે શાઉલના દીકરા યોનાથાનની સલાહ લીધી. કેમ યોનાથાન સારી સલાહ આપી શકતા હતા? કેમ કે યોનાથાનનો યહોવા સાથે એકદમ પાકો સંબંધ હતો અને તે શાઉલને પણ ખૂબ સારી રીતે ઓળખતા હતા. (૧ શમુ. ૨૦:૯-૧૩) એમાંથી આપણે શું શીખી શકીએ?

૯. સલાહ લેવાની થાય ત્યારે કોની પાસે જવું જોઈએ? સમજાવો. (નીતિવચનો ૧૩:૨૦)

૯ સલાહ લેવાની થાય ત્યારે કોની પાસે જવું જોઈએ? એવી વ્યક્તિ પાસે જવું જોઈએ, જેનો યહોવા સાથે સારો સંબંધ હોય અને આપણને જે બાબતમાં મદદની જરૂર છે, એમાં સારો અનુભવ હોય.a (નીતિવચનો ૧૩:૨૦ વાંચો.) આ દાખલાનો વિચાર કરો: એક યુવાન ભાઈ લગ્‍ન કરવા માંગે છે. યોગ્ય જીવનસાથી શોધવા તેને કોની પાસેથી સારી સલાહ મળી શકે? કદાચ એક કુંવારા મિત્ર પાસેથી તેને સારી સલાહ મળી શકે. પણ જો એ સલાહ બાઇબલને આધારે હશે તો જ તેને ફાયદો થશે. જોકે તેને એવાં પતિ-પત્ની પાસેથી વધારે સારી સલાહ મળી શકે, જેઓ તેને સારી રીતે ઓળખે છે અને અમુક વર્ષોથી સાથે મળીને યહોવાની ભક્તિ કરી રહ્યાં છે. તેઓ તેને જણાવી શકશે કે બાઇબલની સલાહ કઈ રીતે લાગુ પાડવી. એટલું જ નહિ, પોતાના અનુભવથી તેઓ લગ્‍નજીવન વિશે સારી સલાહ આપી શકશે.

૧૦. હવે આપણે શાની ચર્ચા કરીશું?

૧૦ આપણે ચર્ચા કરી કે આપણામાં કયા બે ગુણો હોવા જોઈએ. આપણે એ પણ જોઈ ગયા કે કોની પાસેથી સારી સલાહ મળી શકે. હવે ચાલો આ બે સવાલોના જવાબ મેળવીએ: આપણે કઈ રીતે બતાવી શકીએ કે આપણને સાચે જ સલાહ જોઈએ છે? તેમ જ, આપણે બીજાઓને આપણા વતી નિર્ણય લેવાનું કહેવું જોઈએ કે નહિ?

હું કઈ રીતે બતાવી શકું કે મને સાચે જ સલાહ જોઈએ છે?

૧૧-૧૨. (ક) અમુક વાર કદાચ આપણે શું કરીએ? (ખ) મહત્ત્વનો નિર્ણય લેવાનો થયો ત્યારે રાજા રહાબઆમે શું કર્યું?

૧૧ અમુક વાર એક વ્યક્તિ બીજા કોઈ પાસે સલાહ માંગે. પણ હકીકતમાં તેણે પહેલેથી જ નિર્ણય લઈ લીધો હોય કે તે શું કરશે. તે તો બસ પોતાના મનની વાત બીજાના મોંએ સાંભળવા માંગતી હોય. એ બતાવે છે કે એવી વ્યક્તિને સલાહ જોઈતી નથી. રાજા રહાબઆમ સાથે જે બન્યું એમાંથી તેણે શીખવું જોઈએ.

૧૨ રાજા સુલેમાનનું મરણ થયું એ પછી રહાબઆમ ઇઝરાયેલનો રાજા બન્યો. તે રાજા બન્યો ત્યારે ઇઝરાયેલ ઘણું સમૃદ્ધ હતું. પણ લોકોને લાગતું હતું કે સુલેમાને તેઓ પાસે સખત મજૂરી કરાવી હતી. તેઓ રહાબઆમ પાસે આવ્યા અને ભારે બોજો હળવો કરવા કાલાવાલા કર્યા. તેણે નિર્ણય લેતા પહેલાં એ વિશે વિચાર કરવા થોડો સમય માંગ્યો. તેણે રાજ્યના વૃદ્ધ માણસો પાસે સલાહ માંગી, જેઓ સુલેમાનને મદદ કરતા હતા. (૧ રાજા. ૧૨:૨-૭) તેણે શરૂઆત તો સારી કરી, પણ વૃદ્ધ માણસોની સલાહ એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખી. તેણે કેમ એવું કર્યું? શું તેણે પહેલેથી નક્કી કરી દીધું હતું કે તે શું કરશે? શું તે એવા કોઈને શોધી રહ્યો હતો જે તેના વિચારો સાથે સહમત થાય? જો એમ હોય તો તેના યુવાન મિત્રોએ એ કામ કરી આપ્યું. તેઓએ તેને એવી સલાહ આપી જે તે સાંભળવા માંગતો હતો. (૧ રાજા. ૧૨:૮-૧૪) પછી તેણે એ જ શબ્દો પોતાની પ્રજાને જણાવ્યા. પરિણામે, રાજ્યના ભાગલા પડી ગયા અને ત્યાર પછી રહાબઆમનું જીવન મુશ્કેલીઓથી ભરાઈ ગયું.—૧ રાજા. ૧૨:૧૬-૧૯.

૧૩. આપણે કઈ રીતે જાણી શકીએ કે આપણને સાચે જ સલાહ જોઈએ છે?

૧૩ રહાબઆમના દાખલામાંથી આપણે શું શીખી શકીએ? બીજાઓ પાસે સલાહ માંગીએ ત્યારે પહેલેથી નક્કી ન કરી દઈએ કે આપણે શું કરીશું. તેઓ સલાહ આપે ત્યારે તેઓની વાત સાંભળવા તૈયાર રહીએ. પોતાને પૂછી શકીએ: ‘શું હું સલાહ માંગું છું અને પછી તરત એને નકારી દઉં છું, કેમ કે એ મારા કાનોને ગમે એવી નથી?’

૧૪. સલાહ મળે ત્યારે આપણે શું કરવું જોઈએ? એક દાખલો આપો. (ચિત્ર પણ જુઓ.)

૧૪ ચાલો એક દાખલો જોઈએ. એક ભાઈને મોટા પગારવાળી નોકરીની ઑફર મળી છે. નોકરી માટે ‘હા’ પાડતા પહેલાં તે એક વડીલ પાસે સલાહ માંગે છે. ભાઈ જણાવે છે કે નોકરીના લીધે તેમણે અમુક અઠવાડિયા માટે કુટુંબથી દૂર રહેવું પડશે અને એવું ઘણી વાર થશે. વડીલ તેમને બાઇબલનો સિદ્ધાંત યાદ અપાવે છે કે તેમની મુખ્ય જવાબદારી કુટુંબને યહોવાની ભક્તિમાં મદદ કરવાની છે. (એફે. ૬:૪; ૧ તિમો. ૫:૮) એ ભાઈ વડીલની સલાહમાં વાંધાવચકા કાઢે છે. હવે તે મંડળના બીજા ભાઈઓ પાસે સલાહ માંગે છે. ક્યાં સુધી? ‘નોકરી સ્વીકારી લો,’ એવું કહેનાર કોઈ ન મળે ત્યાં સુધી. તમને શું લાગે છે, શું એ ભાઈ સાચે જ સલાહ શોધી રહ્યા છે? કે પછી તેમણે પહેલેથી નક્કી કરી દીધું છે અને હવે તે બસ એવી વ્યક્તિ શોધી રહ્યા છે, જે તેમની સાથે સહમત થાય? આપણે યાદ રાખવું જોઈએ કે દિલ સૌથી કપટી છે. (યર્મિ. ૧૭:૯) અમુક વાર, આપણે જે સલાહ સાંભળવા માંગતા ન હોઈએ, એ જ સલાહ આપણા કામની હોય.

એક બહેન અલગ અલગ ભાઈ-બહેનો પાસે સલાહ માંગે છે. તે એક પછી એક વ્યક્તિ પાસે જાય છે, પણ દરેક વખતે તેને સંતોષ થતો નથી.

શું આપણને સાચે જ સલાહ જોઈએ છે, કે પછી એવી વ્યક્તિને શોધીએ છીએ જે આપણી સાથે સહમત થાય? (ફકરો ૧૪ જુઓ)


શું મારે બીજાઓને મારા વતી નિર્ણય લેવાનું કહેવું જોઈએ?

૧૫. આપણે શું ન કરવું જોઈએ અને કેમ?

૧૫ યહોવા ચાહે છે કે આપણે પોતાના નિર્ણયો પોતે લઈએ. (ગલા. ૬:૪, ૫) આપણે જોઈ ગયા તેમ, એક સમજુ માણસ નિર્ણય લેતા પહેલાં બાઇબલમાંથી સલાહ શોધે છે. તેમ જ, જેઓ લાંબા સમયથી યહોવાને વફાદાર છે, તેઓ પાસે સલાહ માંગે છે. પણ આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણે બીજાઓને એવું ન કહીએ કે તેઓ આપણા વતી નિર્ણય લે. અમુક લોકો કદાચ એવું કઈ રીતે કરે? તેઓ જેમના પર ભરોસો મૂકતા હોય તેમને સીધેસીધું પૂછે, “તમે મારી જગ્યાએ હોત તો શું કરતા?” બીજા અમુક કદાચ ઝાઝો વિચાર ન કરે અને આંખો મીંચીને બીજાઓએ લીધેલા નિર્ણય પ્રમાણે કરે.

૧૬. મૂર્તિઓને ચઢાવેલું માંસ ખાવા વિશે કોરીંથ મંડળમાં કયો કોયડો ઊભો થયો હતો? નિર્ણય લેવાની જવાબદારી કોની હતી? (૧ કોરીંથીઓ ૮:૭; ૧૦:૨૫, ૨૬)

૧૬ ધ્યાન આપો કે પહેલી સદીના કોરીંથ મંડળમાં કયો કોયડો ઊભો થયો હતો. ત્યાંના ખ્રિસ્તીઓએ નિર્ણય લેવાનો હતો કે તેઓ મૂર્તિઓને ચઢાવેલું માંસ ખાશે કે નહિ. એ ખ્રિસ્તીઓને પાઉલે લખ્યું: “આપણે જાણીએ છીએ કે મૂર્તિ કંઈ જ નથી અને ફક્ત એક જ ઈશ્વર છે.” (૧ કોરીં. ૮:૪) એ વાત ધ્યાનમાં રાખીને મંડળનાં અમુક ભાઈ-બહેનોએ નિર્ણય લીધો હતો કે તેઓ એવું માંસ ખાઈ શકે છે, જે કદાચ મૂર્તિઓને ચઢાવવામાં આવ્યું હતું અને પછી બજારમાં વેચાતું હતું. બીજાઓએ એવું માંસ ન ખાવાનો નિર્ણય લીધો હતો, કેમ કે તેઓને લાગતું હતું કે એવું માંસ ખાવાથી તેઓનું અંતઃકરણ ડંખશે. (૧ કોરીંથીઓ ૮:૭; ૧૦:૨૫, ૨૬ વાંચો.) પણ માંસ ખાવું કે નહિ, એ વિશે બધાએ પોતે નિર્ણય લેવાનો હતો. પાઉલે કોરીંથનાં ભાઈ-બહેનોને કદી એવી સલાહ આપી ન હતી કે તેઓ બીજાઓ માટે નિર્ણય લે અથવા બીજાઓના નિર્ણયની નકલ કરે. ‘દરેકે ઈશ્વરને હિસાબ આપવાનો’ હતો.—રોમ. ૧૪:૧૦-૧૨.

૧૭. જો બીજાઓના નિર્ણયની નકલ કરીશું તો શું થઈ શકે? એક દાખલો આપો. (ચિત્રો પણ જુઓ.)

૧૭ આજે કઈ રીતે એવી મુશ્કેલી ઊભી થઈ શકે? લોહીના અંશોનો દાખલો લો. દરેક ખ્રિસ્તીએ પોતે નક્કી કરવું જોઈએ કે તે લોહીના અંશો લેશે કે નહિ.b ખરું કે એ વિષય સમજવો થોડું અઘરું છે. પણ આપણા દરેકની જવાબદારી છે કે આપણે પોતે એ વિશે નિર્ણય લઈએ અને એનો બોજો ઉઠાવીએ. (રોમ. ૧૪:૪) હવે ધારો કે કોઈ ભાઈ કે બહેને લોહીના અંશો વિશે પોતાનો નિર્ણય લીધો છે અને આપણે બસ તેમની નકલ કરીએ છીએ. એવું કરીને તો આપણે પોતાનું અંતઃકરણ કમજોર બનાવીએ છીએ. એને બદલે, જો આપણે બાઇબલનો ઉપયોગ કરીને પોતે નિર્ણયો લઈશું, તો સમજુ બની શકીશું અને અંતઃકરણને તાલીમ આપી શકીશું. (હિબ્રૂ. ૫:૧૪) તો પછી આપણે ક્યારે કોઈ અનુભવી ભાઈ કે બહેન પાસે સલાહ માંગવી જોઈએ? પહેલા પોતે સંશોધન કર્યું હોય અને હજી એ સમજવા મદદની જરૂર હોય કે બાઇબલ સિદ્ધાંતો આપણા સંજોગોમાં કઈ રીતે લાગુ પડે છે ત્યારે.

ચિત્રો: ૧. એક ભાઈ “નો બલ્ડ” કાર્ડ ભરવા બાઇબલ, “દુઃખ જશે, સુખ આવશે” પુસ્તકના પાઠ ૩૯ અને “સારવારમાં લોહી—નિર્ણય કઈ રીતે લેવો?” વીડિયોનો ઉપયોગ કરે છે. ૨. પછીથી તે એક અનુભવી ભાઈની વાત સાંભળી રહ્યા છે, જે તેમની સાથે બાઇબલની એક કલમની ચર્ચા કરી રહ્યા છે.

આપણે પૂરતું સંશોધન કર્યું હોય એ પછી જ સલાહ માંગવી જોઈએ (ફકરો ૧૭ જુઓ)


સલાહ માંગતા રહો

૧૮. યહોવાએ આપણા માટે શું કર્યું છે?

૧૮ યહોવાએ આપણને પોતે નિર્ણયો લેવાની આઝાદી આપી છે અને એમ કરીને આપણામાં ભરોસો બતાવ્યો છે. તેમણે આપણને બાઇબલ આપ્યું છે. સમજુ મિત્રો પણ આપ્યા છે, જેઓ આપણને એ સમજવા મદદ કરે છે કે બાઇબલના સિદ્ધાંતો કઈ રીતે લાગુ પાડવા. સાચે, યહોવાએ એક પિતા તરીકેની જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી છે. (નીતિ. ૩:૨૧-૨૩) એવી જોરદાર મદદ પૂરી પાડવા આપણે કઈ રીતે તેમનો આભાર માની શકીએ?

૧૯. આપણે કઈ રીતે યહોવાનું દિલ હંમેશાં ખુશ કરી શકીએ?

૧૯ આ હકીકતનો વિચાર કરો: જ્યારે બાળકો મોટાં થાય છે અને યહોવાના સમજુ ભક્ત બને છે, ત્યારે મમ્મી-પપ્પાને ઘણી ખુશી થાય છે. એવી જ રીતે, જ્યારે યહોવાને અનુસરવા મહેનત કરતા રહીએ છીએ, બીજાઓ પાસે સલાહ માંગતા રહીએ છીએ અને યહોવાને મહિમા મળે એવા નિર્ણયો લેતા રહીએ છીએ, ત્યારે પિતા યહોવાને ઘણી ખુશી મળે છે.

તમે શું કહેશો?

  • મારે કેમ નમ્ર બનવું જોઈએ અને મર્યાદામાં રહેવું જોઈએ?

  • હું કઈ રીતે બતાવી શકું કે મને સાચે જ સલાહ જોઈએ છે?

  • મારે કેમ બીજાઓને મારા વતી નિર્ણય લેવાનું ન કહેવું જોઈએ?

ગીત ૨૯ ચાલું તારી સંગે

a યહોવાના ભક્ત નથી એવા લોકો પાસેથી સલાહ લેવી અમુક વાર ખ્રિસ્તીઓ માટે સારું છે. જેમ કે પૈસા, સારવાર કે બીજી બાબતો વિશે.

b વધારે જાણકારી માટે દુઃખ જશે, સુખ આવશે પુસ્તકના પાઠ ૩૯ મુદ્દો ૫ અને “વધારે માહિતી” ભાગ જુઓ.

c ચિત્રની સમજ : વડીલોની સભામાં એક ઉંમરવાળા વડીલ જે રીતે વર્ત્યા, એ વિશે બીજા એક વડીલ તેમને પછીથી સલાહ આપે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો