અભ્યાસ લેખ ૨૯
ગીત ૨૦ સભાને આશિષ દો
સલાહ આપવાની થાય ત્યારે શું કરવું?
“હું તારા પર નજર રાખીને તને સલાહ આપીશ.”—ગીત. ૩૨:૮.
આપણે શું શીખીશું?
બીજાઓને મદદ મળે એવી સલાહ કઈ રીતે આપી શકીએ?
૧. કોણે કોણે સલાહ આપવાની જરૂર પડે છે? સમજાવો.
સલાહ આપવા વિશે તમને કેવું લાગે છે? અમુકને સલાહ આપવી ગમે છે. તો બીજા અમુકને સલાહ આપતા ડર લાગે છે, તેઓની જીભ થોથવાય છે. ભલે આપણને સલાહ આપવી ગમતું હોય કે ન ગમતું હોય, પણ અમુક વાર આપણે બધાએ સલાહ આપવી પડે છે. શા માટે? કેમ કે સલાહ આપીને આપણે ભાઈ-બહેનોને પ્રેમ બતાવીએ છીએ. ઈસુએ કહ્યું હતું કે તેમના સાચા શિષ્યોની ઓળખ પ્રેમ છે. (યોહા. ૧૩:૩૫) વધુમાં, બાઇબલમાં જણાવ્યું છે કે “દિલથી આપેલી સલાહ દોસ્તીમાં મીઠાશ ઉમેરે છે.”—નીતિ. ૨૭:૯.
૨. વડીલોએ શું જાણવાની જરૂર છે અને શા માટે? (“અઠવાડિયા દરમિયાન થતી સભામાં અપાતી સલાહ” બૉક્સ પણ જુઓ.)
૨ ખાસ કરીને વડીલોએ એ જાણવાની જરૂર છે કે સારી સલાહ કઈ રીતે આપવી. યહોવા અને ઈસુએ તેઓને ઘેટાંપાળકો તરીકે નીમ્યા છે, જેથી તેઓ મંડળનાં ભાઈ-બહેનોની સંભાળ રાખી શકે. (૧ પિત. ૫:૨, ૩) સંભાળ રાખવાની એક રીત છે, પ્રવચનો દ્વારા બાઇબલમાંથી સલાહ આપવી. વધુમાં આપણામાંથી કોઈને સલાહની જરૂર પડે ત્યારે પણ તેઓ સલાહ આપે છે. તેઓ એવા લોકોને પણ સલાહ આપે છે જેઓ યહોવાથી દૂર થઈ ગયા છે. તો પછી વડીલો અને આપણે બધા સારી સલાહ આપવા શું કરી શકીએ?
૩. (ક) આપણે કઈ રીતે સારી સલાહ આપવાનું શીખી શકીએ? (યશાયા ૯:૬; “સલાહ આપતી વખતે ઈસુ જેવા બનીએ” બૉક્સ પણ જુઓ.) (ખ) આ લેખમાં શાની ચર્ચા કરીશું?
૩ બાઇબલમાં એવા ઘણા લોકો વિશે જણાવ્યું છે જેઓએ સારી સલાહ આપી હતી. તેઓના દાખલા પર ધ્યાન આપવાથી આપણે ઘણું શીખી શકીએ છીએ. એ બધામાં ઈસુએ સૌથી સારો દાખલો બેસાડ્યો છે. બાઇબલમાં તેમને “બુદ્ધિશાળી સલાહકાર” કહેવામાં આવ્યા છે. (યશાયા ૯:૬ વાંચો.) આ લેખમાં જોઈશું કે કોઈ સલાહ માંગે ત્યારે શું કરી શકીએ તેમજ કોઈએ સલાહ માંગી ન હોય અને સલાહ આપવાની થાય ત્યારે શું કરી શકીએ. એ પણ ચર્ચા કરીશું કે યોગ્ય સમયે અને યોગ્ય રીતે સલાહ આપવી કેમ મહત્ત્વનું છે.
કોઈ સલાહ માંગે ત્યારે
૪-૫. જો કોઈ સલાહ માંગે, તો પહેલા કયા સવાલનો વિચાર કરવો જોઈએ? એક દાખલો આપો.
૪ ધારો કે તમારો દોસ્ત તમારી પાસે સલાહ માંગે છે. એ વખતે તમને કેવું લાગશે? તમને કદાચ થશે, ‘અરે વાહ, તે મારી સલાહ લેવા આવ્યો છે!’ તમને કદાચ તરત સલાહ આપવાનું મન થશે. પણ ઊભા રહો. સલાહ આપતા પહેલાં આ સવાલનો વિચાર કરો: ‘તેણે જે વિશે સલાહ માંગી છે એ વિશે શું મને પૂરતું જ્ઞાન છે?’ અમુક વાર તમારા દોસ્તને મદદ કરવાની સારી રીત હશે કે તેને એવી વ્યક્તિ પાસે મોકલો, જેને એ વિષયનું સારું જ્ઞાન હોય.
૫ ચાલો એક દાખલો લઈએ. તમારા એક ખાસ દોસ્તને મોટી બીમારી થઈ છે. તેણે સારવાર વિશે સંશોધન કરવાનું શરૂ કરી દીધું છે. તે તમને જણાવે છે કે તેને કયા કયા પ્રકારની સારવાર મળી શકે છે. પછી તે તમને પૂછે કે તમારા મતે કઈ સારવાર વધારે સારી છે. તમને કદાચ સારવારની કોઈ રીત વધારે ગમતી હોય. પણ તમે ડૉક્ટર નથી અને તમારી પાસે બીમારીનો ઇલાજ કરવાની કોઈ તાલીમ નથી. એવા કિસ્સામાં સારું રહેશે કે તમે તમારા દોસ્તને એવી વ્યક્તિ શોધવા મદદ કરો, જેને એ બીમારીનો ઇલાજ કરવાની તાલીમ મળી હોય.
૬. સલાહ આપતા પહેલાં શું કરવું સારું રહેશે અને કેમ?
૬ અમુક વાર કદાચ લાગે કે આપણે દોસ્તને સારી સલાહ આપી શકીએ છીએ. પણ સારું રહેશે કે તરત સલાહ આપી ન દઈએ. નીતિવચનો ૧૫:૨૮માં લખ્યું છે: “નેક માણસ વિચાર કરીને જવાબ આપે છે.” એટલે સલાહ આપતા પહેલાં સંશોધન કરીએ, પ્રાર્થના કરીએ અને કઈ સલાહ આપવી એના પર ઊંડો વિચાર કરીએ. આમ, આપણે એવી સલાહ આપી શકીશું, જે યહોવાના વિચારો સાથે બંધબેસતી હોય. ચાલો નાથાન પ્રબોધકના દાખલા પર ધ્યાન આપીએ.
૭. નાથાન પ્રબોધકના દાખલામાંથી તમને શું શીખવા મળ્યું?
૭ નાથાન પ્રબોધક સાથે વાત કરતી વખતે રાજા દાઉદે જણાવ્યું કે તે યહોવા માટે મંદિર બાંધવા માંગે છે. નાથાને તરત જ તેમને એમ કરવાની સલાહ આપી. પણ નાથાને સૌથી પહેલા યહોવાને એ વિશે પૂછવાની જરૂર હતી. શા માટે? કેમ કે યહોવા ચાહતા ન હતા કે દાઉદ મંદિર બાંધે. (૧ કાળ. ૧૭:૧-૪) આ દાખલાથી જોવા મળે છે કે જો કોઈ સલાહ માંગે, તો આપણે “વિચાર્યા વગર ન બોલવું” જોઈએ.—યાકૂ. ૧:૧૯.
૮. સમજી-વિચારીને સલાહ આપવાનું બીજું કારણ કયું છે?
૮ આપણે કેમ સમજી-વિચારીને સલાહ આપવી જોઈએ, એના બીજા એક કારણ પર ધ્યાન આપીએ: જો આપણી સલાહથી કોઈ વ્યક્તિ ખોટો નિર્ણય લઈ બેસે અને એનાં ખરાબ પરિણામ ભોગવવાં પડે, તો એ માટે આપણે પણ જવાબદાર ગણાઈશું. ખરેખર, સલાહ આપતા પહેલાં ઊંડો વિચાર કરવો કેટલું જરૂરી છે!
કોઈએ સલાહ માંગી ન હોય અને સલાહ આપવાની થાય ત્યારે
૯. સલાહ આપતા પહેલાં વડીલોએ શાની ખાતરી કરવી જોઈએ? (ગલાતીઓ ૬:૧)
૯ અમુક વાર વડીલોએ પહેલ કરીને એવા ભાઈ કે બહેનને સલાહ આપવી પડે છે, જે “ખોટા માર્ગે” જઈ રહ્યાં છે. (ગલાતીઓ ૬:૧ વાંચો.) બની શકે કે તે હમણાં ખોટા નિર્ણયો લઈ રહ્યાં હોય અને એના લીધે તે કદાચ આગળ જતાં મોટી ભૂલ કરી બેસે. વડીલો ચાહે છે કે એ ભાઈ કે બહેન યહોવાની ભક્તિ કરતા રહે અને હંમેશ માટેનું જીવન મેળવે. (યાકૂ. ૫:૧૯, ૨૦) પણ તેઓની સલાહનું સારું પરિણામ આવે એ માટે જરૂરી છે કે તેઓ આ સવાલનો વિચાર કરે: ‘શું એ ભાઈ કે બહેન ખરેખર ખોટા માર્ગે જઈ રહ્યાં છે?’ એ સવાલ પર વિચાર કરવો મહત્ત્વનું છે, કેમ કે જો તેમણે અલગ નિર્ણય લીધો હોય, તો એનો અર્થ એ નથી કે તેમણે ખોટું પગલું ભર્યું છે. (રોમ. ૧૪:૧-૪) પણ જો વડીલોને ખ્યાલ આવે કે કોઈ ભાઈ કે બહેને ખોટું પગલું ભર્યું છે, તો તેઓ કઈ રીતે સલાહ આપી શકે?
૧૦-૧૨. જ્યારે કોઈએ સલાહ ન માંગી હોય અને તેને સલાહ આપવાની થાય, ત્યારે વડીલોએ શું કરવું જોઈએ? દાખલો આપીને સમજાવો. (ચિત્રો પણ જુઓ.)
૧૦ જ્યારે કોઈ વ્યક્તિએ સલાહ માંગી ન હોય અને તેને સલાહ આપવાની થાય, ત્યારે વડીલો માટે એ અઘરું હોય છે. શા માટે? પ્રેરિત પાઉલે કહ્યું હતું તેમ, કદાચ એક વ્યક્તિને ખબર જ ન હોય કે તે ખોટા માર્ગે જઈ રહી છે. એટલે સલાહ આપતા પહેલાં વડીલોએ તેનું મન તૈયાર કરવું જોઈએ, જેથી વ્યક્તિ માટે સલાહ સ્વીકારવી સહેલું થઈ જાય.
૧૧ આ દાખલાનો વિચાર કરો: એક ખેડૂત કઠણ જમીન પર ખેતી કરવાનું વિચારે છે. પણ બી વાવતા પહેલાં તે જમીનને તૈયાર કરે છે. તે જમીન ખેડે છે અને એને પોચી બનાવે છે. પછી તે એમાં બી રોપે છે. છેલ્લે, તે પાણી રેડે છે જેથી બી ઊગી શકે. વડીલો પણ સલાહ આપતા પહેલાં એ ખેડૂતની જેમ જાણે “જમીન તૈયાર કરે છે.” દાખલા તરીકે, એક વડીલ યોગ્ય સમયની રાહ જુએ છે. પછી તે વ્યક્તિને જણાવે છે કે તેમને એ વ્યક્તિની ખૂબ ચિંતા છે અને તેની સાથે કંઈક વાત કરવા માંગે છે. જો સલાહ આપનાર પ્રેમાળ અને દયાળુ હશે, તો સામેવાળી વ્યક્તિ માટે સલાહ સ્વીકારવી સહેલું થઈ જશે.
૧૨ ચર્ચા કરતી વખતે એ વડીલ જમીન પોચી કરવાનું ચાલુ રાખે છે. કઈ રીતે? તે વ્યક્તિને યાદ અપાવે છે કે બધાથી ભૂલો થાય છે અને બધાને ક્યારેક ને ક્યારેક સલાહની જરૂર પડે છે. (રોમ. ૩:૨૩) તે બાઇબલમાંથી સાફ સાફ બતાવે છે કે વ્યક્તિ કઈ રીતે ખોટા માર્ગે જઈ રહી છે. પણ એ વખતે તે કોમળતાથી અને પૂરા આદરથી વાત કરે છે. જો વ્યક્તિ સ્વીકારે કે તેનાથી ભૂલ થઈ છે, તો વડીલ આગળનું પગલું ભરે છે. તે “બી રોપે છે,” એટલે કે તેને સાદા શબ્દોમાં, પણ સાફ સાફ જણાવે છે કે તેણે કયા ફેરફારો કરવાની જરૂર છે. છેલ્લે, વડીલ “પાણી રેડે છે,” એટલે કે તે વ્યક્તિના દિલથી વખાણ કરે છે અને તેની સાથે પ્રાર્થના કરે છે.—યાકૂ. ૫:૧૫.
જ્યારે કોઈએ સલાહ માંગી ન હોય અને વડીલોએ તેને સલાહ આપવાની થાય, ત્યારે તેઓ પ્રેમ બતાવે છે અને અમુક પગલાં ભરે છે (ફકરા ૧૦-૧૨ જુઓ)
૧૩. વડીલો કઈ રીતે પારખી શકે કે વ્યક્તિ સલાહ બરાબર સમજી ગઈ છે?
૧૩ અમુક વાર એવું બને કે વ્યક્તિને સલાહ બરાબર ન સમજાય. સલાહ આપનાર કહે કંઈક અને વ્યક્તિ સમજે કંઈક. બંનેમાં આભ-જમીનનો ફરક હોય. એવું ન થાય એ માટે વડીલો શું કરી શકે? વડીલો સમજી-વિચારીને સવાલો પૂછી શકે. આમ તેઓ પારખી શકશે કે વ્યક્તિ સલાહ બરાબર સમજી છે કે નહિ.—સભા. ૧૨:૧૧.
યોગ્ય સમયે અને યોગ્ય રીતે સલાહ આપવી
૧૪. આપણે ગુસ્સામાં હોઈએ ત્યારે કેમ સલાહ ન આપવી જોઈએ?
૧૪ આપણે બધા પાપી છીએ. એટલે ક્યારેક ને ક્યારેક આપણે એવું કંઈક બોલી બેસીએ છીએ કે કરી બેસીએ છીએ, જેનાથી બીજાઓને માઠું લાગે. (કોલો. ૩:૧૩) બાઇબલમાં જણાવ્યું છે કે અમુક વાર આપણે એકબીજાને ગુસ્સો પણ અપાવીએ છીએ. (એફે. ૪:૨૬) પણ ગુસ્સામાં હોઈએ ત્યારે કદી સલાહ ન આપીએ. શા માટે? “કેમ કે ગુસ્સો કરનાર માણસ ઈશ્વરની નજરે જે ખરું છે, એ કરતો નથી.” (યાકૂ. ૧:૨૦) જો બરાબરનો ગુસ્સો ચઢ્યો હોય અને એ વખતે સલાહ આપીશું, તો વાત વધારે બગડી શકે છે. પણ એનો અર્થ એ નથી કે આપણે માઠું લગાડનાર વ્યક્તિને પોતાનાં વિચારો અને લાગણીઓ ક્યારેય જણાવવાં ન જોઈએ. એને બદલે, મન શાંત થાય ત્યાં સુધી રાહ જોઈશું, તો વધારે સારી રીતે વાત કરી શકીશું. ચાલો, અલીહૂનો દાખલો જોઈએ જેમણે અયૂબને સલાહ આપી હતી.
૧૫. અલીહૂના દાખલામાંથી શું શીખવા મળે છે? (ચિત્ર પણ જુઓ.)
૧૫ અલીહૂ ઘણા દિવસો સુધી અયૂબ અને તેમના ત્રણ મિત્રોની વાતો સાંભળતા રહ્યા. એ ત્રણ મિત્રો અયૂબ પર આરોપો મૂકતા હતા અને અયૂબ એ આરોપો જૂઠા સાબિત કરવાની કોશિશ કરતા હતા. એ જોઈને અલીહૂના દિલમાં અયૂબ માટે દયા જાગી. પણ પછી અલીહૂનો ગુસ્સો ભડકી ઊઠ્યો. કેમ કે અયૂબ પોતાને નિર્દોષ સાબિત કરવા લાગ્યા અને તેમણે યહોવા વિશે એવી વાતો કહી, જે જરાય સાચી ન હતી. તોપણ તેમણે પોતાનો વારો આવે એની રાહ જોઈ. તેમણે એકદમ નરમાશથી અને અયૂબનું માન જળવાય એ રીતે સલાહ આપી. (અયૂ. ૩૨:૨; ૩૩:૧-૭) અલીહૂના દાખલાથી આપણને આ એક મહત્ત્વની વાત શીખવા મળે છે: સારું રહેશે કે યોગ્ય સમયે સલાહ આપીએ અને યોગ્ય રીતે, એટલે કે આદર અને પ્રેમથી સલાહ આપીએ.—સભા. ૩:૧, ૭.
અયૂબની વાત સાંભળીને અલીહૂ ખૂબ ગુસ્સે થયા. પણ તેમણે રાહ જોઈ. તેમણે શાંતિથી અને પૂરા આદરથી અયૂબને સલાહ આપી (ફકરો ૧૫ જુઓ)
સલાહ આપવી અને સ્વીકારવી ખૂબ જરૂરી છે
૧૬. ગીતશાસ્ત્ર ૩૨:૮માંથી તમને શું શીખવા મળ્યું?
૧૬ આ લેખની મુખ્ય કલમમાં લખ્યું છે કે ‘યહોવા આપણા પર નજર રાખીને આપણને સલાહ આપે છે.’ (ગીતશાસ્ત્ર ૩૨:૮ વાંચો.) એનો અર્થ કે યહોવા આપણને શીખવતા રહે છે. તે આપણને સલાહ આપે છે અને એ લાગુ પાડવા મદદ પણ કરે છે. સાચે જ, તેમણે આપણા માટે કેટલો સરસ દાખલો બેસાડ્યો છે! સલાહ આપવાનો લહાવો મળે ત્યારે યહોવાને અનુસરીએ. સલાહની સાથે સાથે ઉત્તેજન આપતા રહીએ અને બીજાઓ સારા નિર્ણયો લઈ શકે એ માટે મદદ કરતા રહીએ.
૧૭. વડીલો વિશે કઈ વાત સાચી છે? સમજાવો. (યશાયા ૩૨:૧, ૨)
૧૭ છેલ્લા દિવસોમાં જીવતા હોવાથી અત્યારે સલાહ આપવી અને સ્વીકારવી ખૂબ જરૂરી છે. (૨ તિમો. ૩:૧) વડીલો “સૂકી ભૂમિમાં પાણીનાં ઝરણાઓ” જેવા છે. (યશાયા ૩૨:૧, ૨ વાંચો.) તેઓ આપણને બાઇબલમાંથી જરૂરી સલાહ આપે છે અને યહોવાની ભક્તિમાં લાગુ રહેવા મદદ કરે છે. આપણે એવા દોસ્તોની ખૂબ કદર કરીએ છીએ, જેઓ આપણા કાનને ગમે એવી નહિ, પણ આપણને જરૂર હોય એવી સલાહ આપે છે. તેઓની સલાહ “ચાંદીની ટોપલીમાં મૂકેલા સોનાના સફરજન” જેવી છે. (નીતિ. ૨૫:૧૧) તો ચાલો, સારી સલાહ આપવાનું અને સ્વીકારવાનું હંમેશાં શીખતા રહીએ.
ગીત ૨૫ પ્રેમ છે ઈશ્વરની રીત