વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w25 સપ્ટેમ્બર પાન ૨-૭
  • મદદની જરૂર હોય ત્યારે ‘વડીલોને બોલાવો’

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મદદની જરૂર હોય ત્યારે ‘વડીલોને બોલાવો’
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • મથાળાં
  • સરખી માહિતી
  • આપણે ક્યારે “વડીલોને બોલાવવા” જોઈએ?
  • આપણે કેમ વડીલોને બોલાવવા જોઈએ?
  • વડીલો કઈ રીતે આપણને મદદ કરે છે?
  • આપણા દરેકની જવાબદારી
  • વડીલો કઈ રીતે પાપ કરનારાઓને પ્રેમ અને દયા બતાવે છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • યહોવા કઈ રીતે મંડળોને ઈસુ દ્વારા ચલાવે છે?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • ભાઈઓ—શું તમે વડીલ બનવાનો ધ્યેય રાખ્યો છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • યહોવાના લોકો માટે સખત મહેનત કરતા વડીલો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
w25 સપ્ટેમ્બર પાન ૨-૭

અભ્યાસ લેખ ૩૬

ગીત ૪૨ ‘નબળાઓને મદદ કરીએ’

મદદની જરૂર હોય ત્યારે ‘વડીલોને બોલાવો’

“તેણે મંડળના વડીલોને બોલાવવા.”—યાકૂ. ૫:૧૪.

આપણે શું શીખીશું?

આપણે જોઈશું કે મદદની જરૂર હોય ત્યારે કેમ વડીલોને બોલાવવા જોઈએ.

૧. આપણે કેમ કહી શકીએ કે યહોવા માટે બધા ભક્તો ખૂબ અનમોલ છે?

યહોવા પોતાના બધા ભક્તોને ખૂબ અનમોલ ગણે છે, તેઓને પ્રેમ કરે છે અને પ્રેમાળ ઘેટાંપાળકની જેમ તેઓની સંભાળ રાખે છે. તેમણે તેઓ માટે પોતાનો વહાલો દીકરો કુરબાન કર્યો છે અને તેઓની સંભાળ રાખવા વડીલો નીમ્યા છે. (પ્રે.કા. ૨૦:૨૮) યહોવા ચાહે છે કે તેમના ભક્તો સાથે વડીલો પ્રેમથી વર્તે. એટલે વડીલો ઈસુનું માર્ગદર્શન પાળીને ભાઈ-બહેનોને ઉત્તેજન આપે છે અને વફાદાર રહેવા મદદ કરે છે.—યશા. ૩૨:૧, ૨.

૨. હઝકિયેલ ૩૪:૧૫, ૧૬ પ્રમાણે યહોવા ખાસ કરીને કોને મદદ કરે છે?

૨ યહોવાને પોતાના બધા ભક્તોની ખૂબ ચિંતા છે. પણ જેઓ શ્રદ્ધામાં નબળા છે તેઓને મદદ કરવા તે ખૂબ આતુર છે. યહોવા તેઓને વડીલો દ્વારા મદદ કરે છે. (હઝકિયેલ ૩૪:૧૫, ૧૬ વાંચો.) પણ તે ચાહે છે કે મદદની જરૂર હોય ત્યારે આપણે સામે ચાલીને મદદ માંગીએ. પ્રાર્થનામાં મદદ માંગવાની સાથે સાથે મંડળના “ઘેટાંપાળકો અને શિક્ષકો” પાસેથી પણ મદદ માંગીએ.—એફે. ૪:૧૧, ૧૨.

૩. યહોવાએ વડીલોની જે ગોઠવણ કરી છે, એનાથી આપણને બધાને કઈ રીતે ફાયદો થઈ શકે?

૩ આ લેખમાં જોઈશું કે જેઓનો યહોવા સાથેનો સંબંધ નબળો પડી ગયો છે, તેઓને મદદ કરવા યહોવાએ વડીલોની ગોઠવણ કરી છે. આપણે આ સવાલોના જવાબ મેળવીશું: આપણે ક્યારે વડીલો પાસે મદદ માંગવી જોઈએ અને કેમ? તેઓ કઈ રીતે આપણને મદદ કરે છે? હમણાં કદાચ યહોવા સાથેનો આપણો સંબંધ એકદમ પાકો હોય અને વડીલોની મદદની જરૂર ન હોય. પણ આ લેખથી યહોવાની એ ગોઠવણ માટે કદર વધશે. એટલું જ નહિ, આપણને ખબર હશે કે મદદની જરૂર પડે ત્યારે શું કરવું.

આપણે ક્યારે “વડીલોને બોલાવવા” જોઈએ?

૪. યાકૂબ ૫:૧૪-૧૬, ૧૯, ૨૦માં કોના વિશે વાત થઈ છે? સમજાવો. (ચિત્રો પણ જુઓ.)

૪ યાકૂબે સમજાવ્યું કે યહોવા કઈ રીતે વડીલો દ્વારા આપણને મદદ કરે છે. તેમણે લખ્યું: ‘શું તમારામાંથી કોઈ બીમાર છે? તેણે મંડળના વડીલોને બોલાવવા જોઈએ.’ (યાકૂબ ૫:૧૪-૧૬, ૧૯, ૨૦ વાંચો.) યાકૂબ અહીંયા એવી વ્યક્તિ વિશે વાત કરી રહ્યા છે, જેનો યહોવા સાથેનો સંબંધ નબળો પડી ગયો છે. એવું કેમ કહી શકીએ? યાકૂબ બીમાર વ્યક્તિને કહે છે કે તે મદદ માટે મંડળના વડીલોને બોલાવે, કોઈ વૈદને નહિ. વધુમાં તે સમજાવે છે કે એ બીમાર વ્યક્તિનાં પાપ માફ થાય છે ત્યારે તે સાજી થાય છે. યહોવા સાથેનો સંબંધ ફરી પાકો કરવો, એ અમુક હદે બીમારીમાંથી સાજા થવા જેવું છે. આપણે બીમાર પડીએ છીએ ત્યારે ડૉક્ટર પાસે જઈએ છીએ, તેમને પોતાની મુશ્કેલી જણાવીએ છીએ અને તેમની સલાહ પાળીએ છીએ. એવી જ રીતે, યહોવા સાથેનો સંબંધ ફરી પાકો કરવા વડીલો પાસે જવું જોઈએ, તેઓને પોતાની મુશ્કેલી જણાવવી જોઈએ અને બાઇબલમાંથી આપેલી સલાહ પાળવી જોઈએ.

ચિત્રો: ૧. એક માણસ પોતાના ખભાની તકલીફ વિશે ડૉક્ટરને જણાવે છે. ૨. એક ભાઈ અને એક વડીલ બહાર બાંકડા પર બેઠા છે. ભાઈ એ વડીલને પોતાના સંજોગો વિશે જણાવે છે.

જ્યારે બીમાર પડીએ છીએ ત્યારે ડૉક્ટર પાસે જઈએ છીએ. એવી જ રીતે, જ્યારે લાગે કે શ્રદ્ધા નબળી પડી રહી છે, ત્યારે વડીલો પાસે મદદ માંગીએ છીએ (ફકરો ૪ જુઓ)


૫. કઈ રીતે ખબર પડે કે યહોવા સાથેનો આપણો સંબંધ નબળો પડી રહ્યો છે?

૫ અધ્યાય ૫માં યાકૂબ આ મહત્ત્વનું પગલું ભરવાનું ઉત્તેજન આપે છે: જ્યારે પણ લાગે કે યહોવા સાથેનો સંબંધ નબળો પડી રહ્યો છે, ત્યારે વડીલો સાથે વાત કરીએ. પણ યહોવાની કૃપા ગુમાવી બેસીએ એ પહેલાં એમ કરવું ખૂબ મહત્ત્વનું છે. આપણે ઈમાનદારીથી દિલમાં ડોકિયું કરવું જોઈએ. બાઇબલમાં ચેતવણી આપી છે કે ધ્યાન નહિ રાખીએ તો, વિચારવા લાગીશું કે યહોવા સાથેનો સંબંધ એકદમ પાકો છે. પણ હકીકત કંઈક જુદી જ હોય. (યાકૂ. ૧:૨૨) પહેલી સદીમાં સાર્દિસ મંડળનાં અમુક ભાઈ-બહેનોએ એવું જ વિચારી લીધું હતું. પણ ઈસુએ તેઓના વિચારો સુધાર્યા અને સાફ સાફ કહ્યું કે તેઓ ઈશ્વરને ખુશ કરી રહ્યાં નથી. (પ્રકટી. ૩:૧, ૨) તો પછી કઈ રીતે ખબર પડે કે યહોવા સાથેનો આપણો સંબંધ નબળો પડી રહ્યો છે? વિચારીએ કે બાપ્તિસ્મા લીધું એની સરખામણીમાં આજે આપણે કેટલા ઉત્સાહથી ભક્તિ કરી રહ્યા છીએ. (પ્રકટી. ૨:૪, ૫) પોતાને પૂછીએ: ‘શું હવે મને બાઇબલ વાંચવાનો અને મનન કરવાનો કંટાળો આવે છે? શું હું અમુક સભાઓ ચૂકી જઉં છું? શું હું તૈયારી કર્યા વગર સભામાં જઉં છું? શું પ્રચાર માટેનો મારો ઉત્સાહ ઠંડો પડી ગયો છે? શું મને પ્રચારના બદલે બીજી બાબતોમાં સમય વિતાવવો વધારે ગમે છે? શું હું પૈસા અને ચીજવસ્તુઓ વિશે જ વિચાર્યા કરું છું?’ જો આમાંથી એક પણ સવાલનો જવાબ ‘હા’ હોય, તો એનો અર્થ થઈ શકે કે યહોવા સાથેનો સંબંધ નબળો પડી રહ્યો છે. જો એ વિશે કંઈ નહિ કરીએ, તો આગળ જતાં સંજોગો બગડી શકે છે. જો આપણે જાતે યહોવા સાથેનો સંબંધ પાકો ન કરી શકીએ અથવા આપણે એવું કોઈ કામ કર્યું હોય જે યહોવાને પસંદ નથી, તો વડીલો પાસે મદદ માંગવી જોઈએ.

૬. જેઓએ ગંભીર પાપ કર્યું છે તેઓએ શું કરવું જોઈએ?

૬ અમુક પાપ ખૂબ ગંભીર હોય છે. એવું પાપ કરનાર વ્યક્તિ પસ્તાવો ન કરે તો, તેને મંડળમાંથી દૂર કરવામાં આવી શકે છે. જો આપણે એવું પાપ કર્યું હોય તો કોઈ વડીલ સાથે વાત કરવી જોઈએ. (૧ કોરીં. ૫:૧૧-૧૩) કોઈ પણ વ્યક્તિ ગંભીર પાપ કર્યા પછી જાતે યહોવા સાથેનો સંબંધ મજબૂત કરી શકતી નથી. ઈસુના બલિદાન દ્વારા યહોવાની માફી મેળવવા આપણે “પોતાનાં કામોથી પસ્તાવાની સાબિતી” આપવી જોઈએ. (પ્રે.કા. ૨૬:૨૦) એ સાબિતી આપવાની એક રીત છે, વડીલોને પોતાના ગંભીર પાપ વિશે જણાવવું.

૭. બીજા કોણે વડીલો પાસે મદદ માંગવી જોઈએ?

૭ વડીલો એવાં ભાઈ-બહેનોને પણ મદદ કરવા માંગે છે, જેઓને ખોટી ઇચ્છાઓ સામે લડવું ખૂબ અઘરું લાગે છે. (પ્રે.કા. ૨૦:૩૫) બની શકે કે તમે બાપ્તિસ્મા લીધું એ પહેલાં ડ્રગ્સ લેતા હતા, પોર્નોગ્રાફી જોતા હતા અથવા વ્યભિચાર જેવાં કામો કરતા હતા. એના લીધે તમને ખોટી ઇચ્છાઓ સામે લડવું ખૂબ અઘરું લાગે છે. પણ તમારે એકલા હાથે લડવાની જરૂર નથી. તમે એવા વડીલ સાથે વાત કરી શકો જે તમારી વાત ધ્યાનથી સાંભળે, સારી સલાહ આપે અને ખાતરી અપાવે કે ખોટી ઇચ્છાઓ સામે લડતા રહેવાથી યહોવાની કૃપા મળશે. (સભા. ૪:૧૨) વારંવાર ખોટા વિચારો આવતા હોવાને લીધે જો તમે નિરાશ થઈ ગયા હો, તો વડીલો યાદ અપાવશે કે તમે સામે ચાલીને મદદ માંગી છે એટલે યહોવા તમારાથી ખુશ છે. એ બતાવે છે કે તમે સાચે જ યહોવાને ખુશ કરવા માંગો છો અને પોતાની જાત પર વધારે પડતો ભરોસો નથી રાખતા.—૧ કોરીં. ૧૦:૧૨.

૮. આપણે કેવી ભૂલો માટે વડીલો પાસે જવાની જરૂર નથી? સમજાવો.

૮ દરેક ભૂલ માટે આપણે વડીલો પાસે જવાની જરૂર નથી. દાખલા તરીકે, તમે કોઈ ભાઈ કે બહેનને પોતાના શબ્દોથી માઠું લગાડો છો અથવા તેમના પર તપી જાઓ છો. એવું થાય ત્યારે વડીલ પાસે જવાને બદલે ઈસુની સલાહ પાળી શકો. તમે એ ભાઈ કે બહેન સાથે વાત કરી શકો અને માફી માંગી શકો. (માથ. ૫:૨૩, ૨૪) તમે સાહિત્યમાં સંશોધન કરી શકો, જેથી કોમળતા, ધીરજ અને સંયમ જેવા ગુણો વધારે કેળવી શકો. જો હજીયે મદદની જરૂર હોય તો કોઈ વડીલ પાસે મદદ માંગી શકો. યાદ કરો, ફિલિપી મંડળમાં યુવદિયા અને સુન્તુખે વચ્ચેના મતભેદો દૂર થતા ન હતા. એટલે પાઉલે એ મંડળના એક ભાઈને કહ્યું કે તે તેઓને મદદ કરે. તેમની જેમ, તમારા મંડળના વડીલ પણ તમને મદદ કરી શકે છે.—ફિલિ. ૪:૨, ૩.

આપણે કેમ વડીલોને બોલાવવા જોઈએ?

૯. પોતાની ભૂલ માટે શરમ લાગતી હોય તોપણ કેમ વડીલો પાસે મદદ માંગવી જોઈએ? (નીતિવચનો ૨૮:૧૩)

૯ જ્યારે આપણે કોઈ ગંભીર પાપ કર્યું હોય અથવા ખોટી ઇચ્છાઓ સામે લડવું અશક્ય લાગતું હોય, ત્યારે મદદ માંગવા શ્રદ્ધા અને હિંમતની જરૂર પડે છે. પોતાની ભૂલને લીધે શરમ લાગતી હોય તોપણ વડીલો સાથે વાત કરતા અચકાવું ન જોઈએ. શા માટે? કેમ કે યહોવાએ વડીલોની ગોઠવણ કરી છે, જેથી તેમની સાથેનો આપણો સંબંધ મજબૂત રહે. એટલે વડીલો સાથે વાત કરીએ છીએ ત્યારે બતાવી આપીએ છીએ કે આપણને યહોવામાં પૂરો ભરોસો છે અને તેમની આજ્ઞા પાળીએ છીએ. આપણે સ્વીકારીએ છીએ કે સારાં કામો કરવા આપણને યહોવાની મદદની જરૂર છે. (ગીત. ૯૪:૧૮) જો વડીલો આગળ પાપ કબૂલ કરીશું અને ખોટાં કામો કરવાનું છોડી દઈશું, તો ખાતરી રાખી શકીશું કે યહોવા આપણને માફ કરશે.—નીતિવચનો ૨૮:૧૩ વાંચો.

૧૦. જો આપણે પોતાનાં પાપ છુપાવીશું તો શું થઈ શકે?

૧૦ જ્યારે વડીલોને પોતાનાં પાપ વિશે જણાવીએ છીએ, ત્યારે યહોવા આપણને માફ કરી શકે છે અને આપણે તેમની સાથે ફરીથી દોસ્તી કરી શકીએ છીએ. પણ જો વડીલોથી પોતાનું પાપ છુપાવીશું, તો વધારે તકલીફ થશે. રાજા દાઉદ સાથે એવું જ બન્યું. થોડા સમય સુધી તેમણે પોતાનાં પાપ વિશે કોઈને ન જણાવ્યું. એના લીધે તે ખૂબ દુઃખી અને નિરાશ થઈ ગયા. કેમ કે તેમને ખબર હતી કે તેમના પર યહોવાની કૃપા નથી. (ગીત. ૩૨:૩-૫) એક દાખલો લઈએ. જો આપણને કંઈક વાગે અથવા કોઈ બીમારી થાય અને તરત સારવાર ન લઈએ, તો ઘા ઊંડો થશે, તબિયત વધારે બગડશે. એવી જ રીતે, જો આપણે કોઈ ગંભીર પાપ કર્યું હોય અને વડીલોને એ વિશે જણાવવામાં મોડું કરીએ, તો કદાચ વધારે તકલીફ સહેવી પડે, યહોવા સાથેની દોસ્તી પણ તૂટી શકે. યહોવા એ વાત સારી રીતે સમજે છે. એટલે તે કહે છે: “આવો આપણે વાત કરીએ અને આનો ઉકેલ લાવીએ.” (યશા. ૧:૫, ૬, ૧૮) તે ચાહે છે કે આપણે વડીલો સાથે વાત કરીએ, જેઓ દ્વારા તે આપણને મદદ કરે છે.

૧૧. જો આપણે ગંભીર પાપ છુપાવીશું તો એની બીજાઓ પર કેવી અસર થઈ શકે?

૧૧ જો આપણે પોતાનું ગંભીર પાપ છુપાવીશું, તો એની બીજાઓ પર ખરાબ અસર થઈ શકે છે. આપણા લીધે મંડળ પર યહોવાની પવિત્ર શક્તિ પૂરી રીતે કામ કરતા અટકી શકે છે. અરે, આપણે ભાઈ-બહેનો માટે પણ મુશ્કેલીઓ ઊભી કરી શકીએ છીએ. (એફે. ૪:૩૦) બીજી બાજુ, જો આપણને ખબર પડે કે મંડળમાં કોઈએ ગંભીર પાપ કર્યું છે તો શું? બીજાનું ગંભીર પાપ છુપાવવાથી આપણે તેમના પાપમાં ભાગીદાર બનીએ છીએ. (લેવી. ૫:૧) એટલે તેમને ઉત્તેજન આપવું જોઈએ કે તે વડીલો સાથે વાત કરે. જો પૂરતો સમય આપ્યા પછી પણ તે વડીલોને એ વિશે ન જણાવે, તો યહોવા માટેના પ્રેમ અને વફાદારીને લીધે આપણે વડીલોને હકીકત જણાવવી જોઈએ. આમ, આપણે મંડળને શુદ્ધ રાખવા મદદ કરીએ છીએ. એટલું જ નહિ, પાપ કરનારને યહોવા સાથેનો સંબંધ ફરી પાકો કરવા મદદ કરીએ છીએ.

વડીલો કઈ રીતે આપણને મદદ કરે છે?

૧૨. જેઓનો યહોવા સાથેનો સંબંધ નબળો પડી ગયો છે, તેઓને વડીલો કઈ રીતે મદદ કરે છે?

૧૨ બાઇબલમાં જણાવ્યું છે કે વડીલોએ એવા લોકોને મદદ કરવી જોઈએ, જેઓનો યહોવા સાથેનો સંબંધ નબળો પડી ગયો છે. (૧ થેસ્સા. ૫:૧૪) જો તમે કોઈ પાપ કર્યું હોય, તો વડીલો તમારા દિલનાં વિચારો અને લાગણીઓ ‘બહાર કાઢી લાવવા’ કદાચ સવાલો પૂછે. (નીતિ. ૨૦:૫) તમારા માટે વડીલો સાથે વાત કરવી કદાચ સહેલું ન હોય. તમે ઓછાબોલા હો અથવા જે બન્યું એના લીધે શરમ લાગતી હોય. પણ દિલ ખોલીને પોતાની બધી મુશ્કેલીઓ વિશે વાત કરશો તો વડીલો સારી રીતે મદદ કરી શકશે. એવી ચિંતા ન કરતા કે ન કહેવાનું કહી દેશો અથવા “ધડ-માથા વગરની વાતો” કરશો તો શું થશે. (અયૂ. ૬:૩) યાદ રાખો, વડીલો તમારી વાત સાંભળીને તરત તમારા વિશે મત બાંધી નહિ લે. એના બદલે, તેઓ તમારી વાત ધ્યાનથી સાંભળશે, બધી હકીકતો જાણવાની કોશિશ કરશે અને પછી બાઇબલમાંથી કોઈ સલાહ આપશે. (નીતિ. ૧૮:૧૩) તેઓ જાણે છે કે કોઈને સારી રીતે મદદ કરવામાં સમય લાગે છે, એટલે ક્યારેક એક કરતાં વધારે વાર મળવું જરૂરી છે.

૧૩. વડીલો પ્રાર્થના કરે છે અને બાઇબલમાંથી સલાહ આપે છે ત્યારે કઈ રીતે મદદ મળે છે? (ચિત્રો પણ જુઓ.)

૧૩ જ્યારે તમે વડીલોને બોલાવશો, ત્યારે તેઓ તમારા દિલ પર લાગેલા ઘાને ખોતરવાનું કામ નહિ કરે. એના બદલે તેઓ તમારા માટે પ્રાર્થના કરશે. તમને એ જોઈને ઘણી નવાઈ લાગશે કે તેઓની પ્રાર્થનાની “જોરદાર અસર” થાય છે. તેઓ ‘યહોવાના નામમાં તેલ પણ ચોપડશે.’ (યાકૂ. ૫:૧૪-૧૬) અહીંયા “તેલ” બાઇબલના સાચા શિક્ષણને રજૂ કરે છે. તેઓ બાઇબલનો કુશળતાથી ઉપયોગ કરીને તમારા ઘા પર મલમ લગાડશે, તમને દિલાસો આપશે અને યહોવા સાથે તમારો સંબંધ પાછો મજબૂત કરવા મદદ કરશે. (યશા. ૫૭:૧૮) તેઓ બાઇબલમાંથી જે સલાહ આપશે એની મદદથી તમે સારાં કામો કરતા રહી શકશો. વડીલો દ્વારા તમે યહોવાનો અવાજ સાંભળી શકશો, જે તમને કહી રહ્યા છે: “માર્ગ આ છે, એના પર ચાલો.”—યશા. ૩૦:૨૧.

ચિત્રો: ૧. અગાઉના ચિત્રમાં બતાવેલા ડૉક્ટર, માણસનો ખભો તપાસે છે. ખભાનો એક્સ-રે દીવાલ પર લાગેલો છે. ૨. અગાઉના ચિત્રમાં બતાવેલા વડીલ બીજા એક વડીલ સાથે પેલા ભાઈના ઘરે આવ્યા છે. તેઓ એ ભાઈને બાઇબલમાંથી ઉત્તેજન આપે છે. ભાઈ ખુશીથી તેઓની વાત સાંભળે છે.

વડીલો બાઇબલ દ્વારા આપણને ઉત્તેજન અને દિલાસો આપે છે (ફકરા ૧૩-૧૪ જુઓ)


૧૪. ગલાતીઓ ૬:૧ પ્રમાણે “ખોટા માર્ગે” જનાર વ્યક્તિને વડીલો કઈ રીતે મદદ કરે છે? (ચિત્રો પણ જુઓ.)

૧૪ ગલાતીઓ ૬:૧ વાંચો. જે ભાઈ કે બહેન “ખોટા માર્ગે” જાય છે, તે ઈશ્વરનાં ધોરણો પ્રમાણે ચાલતાં નથી. તે કદાચ ખોટો નિર્ણય લઈ બેસે છે અથવા ગંભીર પાપ કરી બેસે છે. વડીલો પ્રેમને લીધે તેમને “કોમળતાથી સુધારવાનો પ્રયત્ન” કરે છે. “સુધારવા” માટે મૂળ ગ્રીક ભાષામાં જે શબ્દ વપરાયો છે, એનો ઉપયોગ વૈદ કરતા હતા. કાયમની ખોડ ન રહી જાય એ માટે ભાંગેલા હાડકાને વૈદ જે રીતે પાછું બેસાડતા, એ બતાવવા “સુધારવા” શબ્દનો ઉપયોગ થતો. એક સારો ડૉક્ટર ભાંગેલું હાડકું પાછું બેસાડતી વખતે ખૂબ ધ્યાન રાખે છે, જેથી દર્દીને વધારે દુખાવો ન થાય. એવી જ રીતે, ખોટા માર્ગે જનાર વ્યક્તિને સુધારતી વખતે વડીલો ધ્યાન રાખે છે કે તેના દુઃખમાં વધારો ન થાય. એના બદલે તેઓ પ્રેમથી સુધારે છે. બાઇબલમાં એમ પણ જણાવ્યું છે કે વડીલો ‘પોતાના પર ધ્યાન આપે.’ બાઇબલમાંથી સલાહ આપતી વખતે તેઓ હંમેશાં યાદ રાખે છે કે તેઓથી પણ ભૂલો થાય છે. એટલે તેઓ ક્યારેય પોતાને બીજાઓ કરતાં ચઢિયાતા કે વધારે નેક નથી સમજતા. એના બદલે તેઓ નમ્ર રહે છે અને ભાઈ-બહેનોની લાગણી સમજવાની કોશિશ કરે છે.—૧ પિત. ૩:૮.

૧૫. જો આપણને કોઈ મુશ્કેલી હોય તો શું કરી શકીએ?

૧૫ આપણે મંડળના વડીલો પર પૂરો ભરોસો રાખી શકીએ છીએ. યહોવાએ તેઓને આ બાબતોમાં એકદમ સરસ તાલીમ આપી છે: ખાનગી વાતોને ખાનગી રાખવી, પોતાના વિચારો જણાવવાને બદલે બાઇબલમાંથી સલાહ આપવી અને મુશ્કેલીઓ સહેવા ભાઈ-બહેનોને મદદ કરતા રહેવું. (નીતિ. ૧૧:૧૩; ગલા. ૬:૨) દરેક વડીલનો સ્વભાવ અલગ હોય છે. અમુક પાસે વધારે અનુભવ હોય છે તો અમુક પાસે ઓછો. પણ આપણે કોઈ પણ વડીલ સાથે પોતાની મુશ્કેલી વિશે વાત કરી શકીએ છીએ. પણ એનો અર્થ એવો નથી કે મનગમતી સલાહ સાંભળવા મળે ત્યાં સુધી અલગ અલગ વડીલો પાસે સલાહ માંગતા રહીએ. એમ કરીશું તો એવા લોકો જેવા બની જઈશું, જેઓ “ખરું શિક્ષણ” સાંભળવાને બદલે ‘પોતાને ગમતી વાતો’ સાંભળવા માંગે છે. (૨ તિમો. ૪:૩) વડીલ પાસે કોઈ મુશ્કેલી લઈને જઈએ ત્યારે તે કદાચ આવા સવાલો પૂછે: ‘શું તમે બીજા કોઈ વડીલ સાથે એ વિશે વાત કરી છે? તેમણે કઈ સલાહ આપી હતી?’ નમ્ર હોવાને લીધે એ વડીલ કદાચ બીજા કોઈ વડીલ પાસે સલાહ માંગે.—નીતિ. ૧૩:૧૦.

આપણા દરેકની જવાબદારી

૧૬. આપણા દરેકની કઈ જવાબદારી છે?

૧૬ ખરું કે વડીલો ઈશ્વરના ટોળાનું ધ્યાન રાખે છે, પણ તેઓ એ નથી જણાવતા કે આપણે શું કરવું જોઈએ. ઈશ્વરનાં ધોરણો પ્રમાણે જીવવાની જવાબદારી આપણામાંથી દરેકની છે. આપણે પોતાનાં વાણી-વર્તન માટે ઈશ્વરને હિસાબ આપવો પડશે. (રોમ. ૧૪:૧૨) પણ યહોવા આપણને સારા નિર્ણયો લેવા અને તેમને વફાદાર રહેવા મદદ કરશે. એટલે આપણે શું કરવું જોઈએ એ સીધેસીધું જણાવવાને બદલે, વડીલો બાઇબલમાંથી યહોવાના વિચારો સમજવા મદદ કરે છે. તેઓ બાઇબલમાંથી જે સલાહ આપે છે, એ પાળવાથી ‘સમજ-શક્તિ કેળવી’ શકીએ છીએ અને સારા નિર્ણયો લઈ શકીએ છીએ.—હિબ્રૂ. ૫:૧૪.

૧૭. આપણે કયો પાકો નિર્ણય લેવો જોઈએ?

૧૭ યહોવા એક પ્રેમાળ ઘેટાંપાળકની જેમ આપણી સંભાળ રાખે છે. સાચે જ, તેમના ટોળાનો ભાગ હોવું, એ કેટલો મોટો લહાવો છે! યહોવાએ “ઉત્તમ ઘેટાંપાળક” ઈસુને પૃથ્વી પર મોકલ્યા. ઈસુએ પોતાનું જીવન આપી દીધું, જેથી આપણે હંમેશ માટેનું જીવન મેળવી શકીએ. (યોહા. ૧૦:૧૧) યહોવાએ વડીલો પણ આપ્યા છે, જેઓ મંડળમાં આપણી સંભાળ રાખે છે. આમ, યહોવાએ પોતાનું આ વચન પૂરું કર્યું છે: “હું તમને એવા ઘેટાંપાળકો આપીશ, જે મારી ઇચ્છા પ્રમાણે કરશે. તેઓ જ્ઞાન અને સમજણથી તમારું પાલન-પોષણ કરશે.” (યર્મિ. ૩:૧૫) એટલે જ્યારે આપણને લાગે કે શ્રદ્ધા કમજોર થઈ રહી છે અથવા યહોવા સાથેનો સંબંધ નબળો પડી રહ્યો છે, ત્યારે વડીલો પાસે મદદ માંગતા જરાય અચકાવું ન જોઈએ. તો ચાલો, યહોવાએ વડીલોની જે ગોઠવણ કરી છે એનો પૂરેપૂરો ફાયદો ઉઠાવીએ.

તમે શું કહેશો?

  • આપણે મદદ માટે ક્યારે “વડીલોને બોલાવવા” જોઈએ?

  • આપણે કેમ વડીલોને બોલાવવા જોઈએ?

  • વડીલો કઈ રીતે આપણને મદદ કરે છે?

ગીત ૨૬ યહોવા સાથે ચાલ

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો