અભ્યાસ લેખ ૩૧
ગીત ૨૮ એક નવું ગીત
શું તમે ‘સંતોષથી રહેવાનું રહસ્ય શીખ્યા’ છો?
“હું કોઈ પણ સંજોગોમાં સંતોષથી રહેવાનું શીખ્યો છું.”—ફિલિ. ૪:૧૧.
આપણે શું શીખીશું?
જો આપણે આભાર માનતા રહીશું, પોતાનું ધ્યાન ભટકવા નહિ દઈએ અને નમ્ર રહીશું તેમજ ભાવિની આશા પર મનન કરીશું, તો સંતોષથી જીવી શકીશું.
૧. (ક) સંતોષ રાખવાનો અર્થ શું થાય છે? (ખ) સંતોષ રાખવાનો અર્થ શું નથી થતો?
શું તમે સંતોષથી જીવો છો? જે વ્યક્તિ જીવનમાં સંતોષ રાખે છે, તે હમણાંના આશીર્વાદો પર ધ્યાન આપે છે. આમ તે ખુશ રહે છે અને તેને મનની શાંતિ મળે છે. તેની પાસે જે નથી એના પર વિચાર કરીને તે પોતાનું મન ખાટું કરતી નથી અથવા ગુસ્સે થતી નથી. જોકે, સંતોષ રાખવાનો અર્થ એ નથી કે જીવનનું ગાડું બસ ગબડાવીએ રાખીએ અને આગળ વધવા મહેનત ન કરીએ. દાખલા તરીકે, યહોવાની સેવામાં વધારે કરવાની ઇચ્છા રાખવામાં કંઈ ખોટું નથી. (રોમ. ૧૨:૧; ૧ તિમો. ૩:૧) પણ જો ધારેલા સમયે મનગમતી સોંપણી ન મળે તો શું? જો સંતોષ રાખીશું, તો નિરાશ નહિ થઈ જઈએ.
૨. સંતોષ નહિ રાખીએ તો શું થઈ શકે?
૨ જો સંતોષ નહિ રાખીએ, તો કદાચ ખોટા નિર્ણયો લઈ બેસીશું. જેઓને જીવનમાં સંતોષ નથી હોતો, તેઓ જરૂર ન હોય એવી વસ્તુઓ મેળવવા કલાકોના કલાકો કામ કરે છે. દુઃખની વાત છે કે અમુક ભાઈ-બહેનોએ પૈસાની અથવા મનગમતી વસ્તુઓની ચોરી પણ કરી છે. તેઓએ કદાચ વિચાર્યું હશે, ‘આ વસ્તુ મારા પાસે હોવી જ જોઈએ,’ ‘મેં આના માટે બહુ રાહ જોઈ છે’ અથવા ‘હું હમણાં પૈસા લઈ લઉં છું, પછી પાછા આપી દઈશ.’ જોકે, યહોવાને કોઈ પણ પ્રકારની ચોરી પસંદ નથી અને એનાથી તેમનું નામ બદનામ થાય છે. (નીતિ. ૩૦:૯) બીજા અમુકને યહોવાની સેવામાં કોઈ લહાવો કે સોંપણી મળી નથી. એના લીધે, તેઓ એટલા નિરાશ થઈ ગયા છે કે તેઓએ યહોવાની ભક્તિ કરવાનું જ છોડી દીધું છે. (ગલા. ૬:૯) યહોવાનો કોઈ ભક્ત એવો વિચાર પણ કેમનો કરી શકે? બની શકે કે એ વ્યક્તિએ ધીરે ધીરે જીવનમાં સંતોષ રાખવાનું છોડી દીધું હોય.
૩. ફિલિપીઓ ૪:૧૧, ૧૨માંથી આપણને શું શીખવા મળે છે?
૩ આપણે બધા સંતોષથી જીવવાનું શીખી શકીએ છીએ. પ્રેરિત પાઉલે લખ્યું: “હું કોઈ પણ સંજોગોમાં સંતોષથી રહેવાનું શીખ્યો છું.” (ફિલિપીઓ ૪:૧૧, ૧૨ વાંચો.) એ શબ્દો તેમણે કેદમાં લખ્યા હતા, તોપણ તે પોતાનો આનંદ જાળવી શક્યા. તેમણે ‘સંતોષથી રહેવાનું રહસ્ય શીખી’ લીધું હતું. જો સંતોષ રાખવો અઘરું લાગતું હોય, તો પાઉલના શબ્દોથી અને જીવનથી ખાતરી મળે છે કે આપણે પણ સંતોષથી જીવી શકીએ છીએ. આપણે એવું ન વિચારી લેવું જોઈએ કે દરેક સંજોગમાં સંતોષથી જીવવું સહેલું હશે, એ ગુણ આપણામાં આપોઆપ આવી જશે. એના બદલે, આપણે સંતોષથી જીવવાનું શીખવું જોઈએ. તો ચાલો, આ લેખમાં સંતોષથી રહેવાનું રહસ્ય શીખીએ.
આભાર માનવાનું શીખીએ
૪. આભાર માનવાથી કઈ રીતે સંતોષ રાખવા મદદ મળે છે? (૧ થેસ્સાલોનિકીઓ ૫:૧૮)
૪ આભાર માનવાથી સંતોષ રાખવા મદદ મળે છે. (૧ થેસ્સાલોનિકીઓ ૫:૧૮ વાંચો.) દાખલા તરીકે, જો જીવન-જરૂરી વસ્તુઓ માટે આભાર માનીશું, તો એવી વસ્તુઓ માટે ચિંતા નહિ કરીએ જે આપણને જોઈએ છે. જો હમણાંની સોંપણી માટે યહોવાનો આભાર માનતા રહીશું, તો એ સોંપણીમાં બનતું બધું કરવાની કોશિશ કરીશું. આખો દિવસ એના પર વિચાર નહિ કરીએ કે બીજી કોઈ મનગમતી સોંપણી કઈ રીતે મેળવી શકાય. યહોવા જાણે છે કે આપણા માટે આભાર માનવો ખૂબ મહત્ત્વનું છે. એટલે તેમણે બાઇબલમાં જણાવ્યું છે કે આપણે પ્રાર્થનામાં તેમનો આભાર માનીએ. તો ચાલો આભાર માનવાને પોતાની આદત બનાવીએ. એમ કરવાથી આપણને “ઈશ્વરની શાંતિ” મળશે, “જે આપણી સમજશક્તિની બહાર છે.”—ફિલિ. ૪:૬, ૭.
૫. ઇઝરાયેલીઓ પાસે આભાર માનવાનાં કયાં કારણો હતાં? (ચિત્ર પણ જુઓ.)
૫ જરા ઇઝરાયેલીઓનો વિચાર કરો. ઘણી વાર તેઓએ યહોવા સામે કચકચ કરી, કેમ કે તેઓને ઇજિપ્તમાં મળતો ખોરાક યાદ આવતો હતો. (ગણ. ૧૧:૪-૬) વેરાન પ્રદેશમાં જીવન ખરેખર અઘરું હતું. પણ સંતોષ રાખવા તેઓએ શું કરવાની જરૂર હતી? યહોવાએ અત્યાર સુધી તેઓ માટે જે કર્યું હતું એનો વિચાર કરવાનો હતો અને એ માટે કદર બતાવવાની હતી. ઇજિપ્તમાં તેઓ ગુલામ હતા અને તેઓ પર જુલમ ગુજારવામાં આવતો હતો. પણ યહોવાએ ઇજિપ્તવાસીઓ પર દસ આફત લાવીને તેઓને બચાવ્યા હતા. ઇજિપ્તમાંથી નીકળતી વખતે ઇઝરાયેલીઓએ ઇજિપ્તના લોકો પાસેથી સોના-ચાંદીની ચીજો અને કપડાં માંગી લીધાં હતાં. જોવા જઈએ તો તેઓએ “ઇજિપ્તના લોકોને લૂંટી લીધા” હતા. (નિર્ગ. ૧૨:૩૫, ૩૬) પછી ઇઝરાયેલીઓ ઇજિપ્તના સૈન્ય અને લાલ સમુદ્ર વચ્ચે ફસાઈ ગયા ત્યારે, યહોવાએ સમુદ્રના બે ભાગ કરી નાખ્યા. વધુમાં, તેઓ વેરાન પ્રદેશમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે, યહોવાએ તેઓને દરરોજ માન્ના પૂરું પાડ્યું હતું. તો પછી તેઓ કેમ ખોરાક માટે કચકચ કરતા હતા? એવું ન હતું કે તેઓને પૂરતા પ્રમાણમાં ખોરાક મળતો ન હતો. હકીકતમાં, ઇઝરાયેલીઓને સંતોષ ન હતો, કેમ કે યહોવાએ તેઓ માટે જે કર્યું હતું, એની તેઓને કોઈ જ કદર ન હતી.
ઇઝરાયેલીઓને કેમ સંતોષ ન હતો? (ફકરો ૫ જુઓ)
૬. આભાર માનવા આપણને કઈ વાત મદદ કરશે?
૬ તો પછી આભાર માનવા તમને કઈ વાત મદદ કરશે? પહેલી વાત, દરરોજ સમય કાઢીને વિચારો કે આજે તમને શાનાથી ખુશી મળી. તમે કદાચ એવા બે ત્રણ મુદ્દા લખી શકો. (ય.વિ. ૩:૨૨, ૨૩) બીજી વાત, આભાર માનો. બીજાઓ તમારા માટે જે કંઈ કરે, એની કદર બતાવવા પહેલ કરો. સૌથી મહત્ત્વનું તો, દરરોજ યહોવાનો આભાર માનો. (ગીત. ૭૫:૧) ત્રીજી વાત, એવા દોસ્તો પસંદ કરો જેઓ હંમેશાં આભાર માનતા હોય. યાદ રાખો, જેવો સંગ તેવો રંગ. એટલે જો તમારા દોસ્તો કચકચ કરતા હશે, તો તમે પણ તેઓ જેવું કરવા લાગશો. પણ જો તેઓ હંમેશાં બીજાઓનો આભાર માનતા હશે, તો તેઓની સારી અસર તમારા પર થશે. (પુન. ૧:૨૬-૨૮; ૨ તિમો. ૩:૧, ૨, ૫) આભાર માનવાની તક શોધતા રહીએ છીએ ત્યારે, પોતાની મુશ્કેલીઓ અને પોતાની પાસે જે નથી એના પર વિચાર કરીને નિરાશામાં ડૂબી જતા નથી.
૭. આભાર માનવા આચીબહેનને શાનાથી મદદ મળી અને એવું કેવું પરિણામ આવ્યું?
૭ આચીબહેનના અનુભવ પર ધ્યાન આપો. તે ઇન્ડોનેશિયામાં રહે છે. તે કહે છે: “કોવિડ-૧૯ મહામારી વખતે હું મારા સંજોગોને બીજાં ભાઈ-બહેનોના સંજોગો સાથે સરખાવવા લાગી. એના લીધે હું મારી ખુશી ગુમાવી બેઠી.” (ગલા. ૬:૪) તેમને પોતાના વિચારોમાં ફેરફાર કરવા શાનાથી મદદ મળી? તે કહે છે: “હું વિચાર કરવા લાગી કે યહોવા દરરોજ મને કયા આશીર્વાદો આપી રહ્યા હતા. હું એ પણ વિચારવા લાગી કે યહોવાના સંગઠનનો ભાગ હોવાને લીધે હું કઈ સારી સારી બાબતોનો આનંદ માણી રહી હતી. પછી એ બધા માટે મેં યહોવાનો દિલથી આભાર માન્યો. એનાથી મને સંતોષ રાખવા મદદ મળી.” જો તમને તમારા સંજોગોમાં સંતોષ રાખવો અઘરું લાગતું હોય, તો આચીબહેન જેવું કરી શકો. આમ તમારામાં ફરીથી આભાર માનવાનો ઉત્સાહ જાગશે.
ધ્યાન ભટકવા ન દઈએ અને નમ્ર રહીએ
૮. બારૂખ સાથે શું બન્યું?
૮ ધ્યાન આપો કે યર્મિયા પ્રબોધકના મદદનીશ બારૂખ સાથે શું બન્યું. બારૂખ પાસે સાચે જ બહુ અઘરી સોંપણી હતી. તેમણે યર્મિયાને સાથ આપવાનો હતો, જે કદર ન બતાવનાર ઇઝરાયેલીઓને કડક સંદેશો જણાવતા હતા. પણ એક સમયે બારૂખનું ધ્યાન ભટકી ગયું. તેમને પોતાના સંજોગોને લીધે સંતોષ રાખવો અઘરું લાગ્યું. યહોવા તેમની પાસેથી શું ચાહે છે એના પર ધ્યાન આપવાને બદલે તે પોતાના પર અને પોતાની ઇચ્છાઓ પર વધારે ધ્યાન આપવા લાગ્યા. એટલે યર્મિયા દ્વારા યહોવાએ બારૂખને કહ્યું: “તું મોટી મોટી વસ્તુઓ મેળવવાની ઇચ્છા રાખે છે, પણ એવી ઇચ્છા ન રાખ.” (યર્મિ. ૪૫:૩-૫) બીજા શબ્દોમાં, યહોવા કહી રહ્યા હતા: “બારૂખ, તું તારા સંજોગોમાં સંતોષ રાખ.” બારૂખે યહોવાની વાત માની અને એના લીધે યહોવાની કૃપા હંમેશાં તેમના પર રહી.
૯. પહેલો કોરીંથીઓ ૪:૬, ૭માંથી આપણને શું શીખવા મળે છે? (ચિત્રો પણ જુઓ.)
૯ અમુક વાર કોઈ ભાઈ કે બહેનને લાગતું હોય કે તેમને યહોવાની સેવામાં કોઈ લહાવો મળવો જ જોઈએ. કેમ કે તેમની પાસે ઘણી આવડત હોય, તે ઘણા મહેનતુ હોય અથવા તે ઘણાં વર્ષોથી યહોવાની ભક્તિ કરતા હોય. પણ કદાચ બીજા કોઈને એ લહાવો મળે. એવા સમયે નિરાશ ન થઈ જવા એ ભાઈ કે બહેનને શાનાથી મદદ મળી શકે? તે પહેલો કોરીંથીઓ ૪:૬, ૭માં આપેલા પ્રેરિત પાઉલના શબ્દો પર ધ્યાન આપી શકે. (વાંચો.) આપણામાં રહેલી દરેક આવડત અને આપણને મળતો દરેક લહાવો યહોવા તરફથી એક ભેટ છે. એને આપણે જાતે કમાઈ શકતા નથી અથવા આપણે એના હકદાર નથી. પણ એ તો યહોવા અપાર કૃપા બતાવીને આપણને એ ભેટ આપે છે.—રોમ. ૧૨:૩, ૬; એફે. ૨:૮, ૯.
આપણામાં રહેલી દરેક આવડત યહોવાની અપાર કૃપાને લીધે છે (ફકરો ૯ જુઓ)b
૧૦. નમ્ર બનવા શું કરી શકીએ?
૧૦ જો આપણે ઈસુના દાખલા પર ઊંડો વિચાર કરીશું અને તેમના પગલે ચાલીશું, તો નમ્ર બનવાનું શીખી શકીશું. ઈસુ જાણતા હતા કે તે ઈશ્વરના દીકરા છે અને તેમની પાસે ઘણો બધો અધિકાર છે, તોપણ તેમણે પ્રેરિતોના પગ ધોયા. પ્રેરિત યોહાને લખ્યું: “ઈસુ જાણતા હતા કે પિતાએ બધું જ તેમના હાથમાં સોંપી દીધું છે. તે જાણતા હતા કે પોતે ઈશ્વર પાસેથી આવ્યા છે અને ઈશ્વર પાસે પાછા જવાના છે.” પછી ઈસુ ઊઠ્યા અને “શિષ્યોના પગ ધોવા લાગ્યા.” (યોહા. ૧૩:૩-૫) ઈસુ વિચારી શકતા હતા કે પ્રેરિતોએ તેમના પગ ધોવા જોઈએ. પણ તે પૃથ્વી પર હતા ત્યારે તેમણે કદી એવું ન વિચાર્યું કે ઈશ્વરના દીકરા હોવાને લીધે તે એશઆરામના હકદાર છે. (લૂક ૯:૫૮) ઈસુ નમ્ર હતા અને તેમણે પોતાના જીવનમાં સંતોષ રાખ્યો. તેમણે આપણા માટે જોરદાર દાખલો બેસાડ્યો છે.—યોહા. ૧૩:૧૫.
૧૧. નમ્રતાના ગુણથી ડેનિસભાઈને કઈ રીતે મદદ મળી છે?
૧૧ ડેનિસભાઈ નેધરલૅન્ડમાં રહે છે. તે ઈસુની જેમ નમ્ર બનવાની કોશિશ કરે છે. પણ તેમના માટે હંમેશાં એમ કરવું સહેલું નથી. તે કહે છે: “જ્યારે મને જોઈતી સોંપણી બીજાઓને મળે છે, ત્યારે અમુક વાર હું નિરાશ થઈ જાઉં છું, કેમ કે મને લાગે છે કે એ સોંપણી તો મને મળવી જોઈએ. એવું થાય ત્યારે હું નમ્રતાના વિષય પર અભ્યાસ કરું છું. JW લાઇબ્રેરી એપમાં મેં નમ્રતાને લગતી અમુક કલમો ટેગ કરી રાખી છે, જેથી એને તરત શોધી શકું અને વાંચી શકું. મેં મારા ફોનમાં નમ્રતાના વિષય પર અમુક પ્રવચનો ડાઉનલોડ કરી રાખ્યાં છે. હું એને વારંવાર સાંભળું છું.a હું શીખ્યો છું કે આપણે જે કંઈ કરીએ એ યહોવાના મહિમા માટે કરવું જોઈએ, નહિ કે પોતાની વાહ વાહ માટે. યહોવા આપણને દરેકને નાનું-મોટું કામ કરવા દે છે. પણ એ કામને તો યહોવા જ સફળ બનાવે છે.” જો કોઈ સોંપણી ન મળવાને લીધે આપણે નિરાશ થઈ જઈએ, તો નમ્રતાનો ગુણ કેળવવા તરત પગલાં ભરીએ. એમ કરવાથી યહોવા સાથેનો આપણો સંબંધ વધારે પાકો થશે અને સંતોષ રાખવા મદદ મળશે.—યાકૂ. ૪:૬, ૮.
ભાવિની આશા પર મનન કરીએ
૧૨. ભાવિની કઈ આશાથી આપણને સંતોષ રાખવા મદદ મળે છે? (યશાયા ૬૫:૨૧-૨૫)
૧૨ ભાવિની જોરદાર આશા પર મનન કરવાથી સંતોષ રાખવા મદદ મળે છે. પ્રબોધક યશાયાએ યહોવાના જે શબ્દો નોંધ્યા, એનાથી ખ્યાલ આવે છે કે યહોવા આપણી લાગણીઓ સમજે છે. તે સમજે છે કે મુશ્કેલીઓને લીધે આપણે હેરાન-પરેશાન થઈ જઈએ છીએ. પણ તે વચન આપે છે કે તે પોતે આપણી દરેક મુશ્કેલી દૂર કરશે. (યશાયા ૬૫:૨૧-૨૫ વાંચો.) ભાવિમાં આપણે સુંદર ઘરોમાં રહીશું. આપણી પાસે મનગમતું કામ હશે. આપણે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખોરાક ખાઈશું. આપણે ક્યારેય પોતાની કે બાળકોની સલામતીની ચિંતા નહિ કરવી પડે. (યશા. ૩૨:૧૭, ૧૮; હઝકિ. ૩૪:૨૫) ખરેખર, આપણું ભાવિ ઉજ્જવળ અને સલામત છે.
૧૩. ખાસ કરીને કયા સંજોગોમાં આપણી આશા પર મનન કરવું જોઈએ?
૧૩ આપણે અગાઉ કરતાં હમણાં ભાવિની આશા પર વધારે ધ્યાન આપવાની જરૂર છે. શા માટે? કેમ કે આપણે “છેલ્લા દિવસોમાં” જીવી રહ્યા છીએ અને આપણાં બધાનાં જીવનમાં એવી મુશ્કેલીઓ છે, ‘જે સહન કરવી અઘરી છે.’ (૨ તિમો. ૩:૧) એ મુશ્કેલીઓનો સામનો કરવા યહોવા દરરોજ આપણને માર્ગદર્શન, તાકાત અને જરૂરી મદદ પૂરી પાડે છે. (ગીત. ૧૪૫:૧૪) વધુમાં, ભાવિની આશાથી આપણે અઘરા સમયોમાં પણ ટકી શકીએ છીએ. ધારો કે, તમે સખત મહેનત કરો છો પણ ઘરના બે છેડા ભેગા થતા નથી. શું એનો એવો અર્થ થાય કે કુટુંબની જરૂરિયાતો પૂરી કરવા તમારે આખું જીવન સંઘર્ષ કરવો પડશે? જરાય નહિ. યહોવાએ વચન આપ્યું છે કે નવી દુનિયામાં તે તમારી બધી જરૂરિયાતો પૂરી પાડશે. અરે, જરૂરિયાત કરતાંય વધારે આપશે. (ગીત. ૯:૧૮; ૭૨:૧૨-૧૪) કદાચ હમણાં તમે મોટી બીમારી, ડિપ્રેશન કે ઘડપણને લીધે તકલીફો સહી રહ્યા છો. શું તમારે એ પીડા કાયમ સહેવી પડશે? શું એમાંથી કદી રાહત નહિ મળે? ના, એવું જરાય નથી! નવી દુનિયામાં બીમારી અને મરણનું નામનિશાન નહિ રહે. (પ્રકટી. ૨૧:૩, ૪) એ આશાને લીધે આપણે હાલના સંજોગોમાં ઉદાસ થઈ જતા નથી કે ગુસ્સે ભરાઈ જતા નથી, પણ સંતોષ રાખી શકીએ છીએ. જો કોઈ આપણી સાથે અન્યાયથી વર્તે, કોઈ પ્રિયજનને મરણમાં ગુમાવીએ, બીમારી સહીએ કે બીજી કોઈ તકલીફ આવે, તોપણ આપણે શાંત અને ખુશ રહી શકીએ છીએ. શા માટે? કેમ કે હમણાં સંજોગો ભલે ગમે એટલા અઘરા હોય, પણ આપણે જાણીએ છીએ કે “કસોટી પળભરની” છે. (૨ કોરીં. ૪:૧૭, ૧૮, ફૂટનોટ) જલદી જ નવી દુનિયામાં આપણે રાહતનો ઊંડો શ્વાસ લઈશું અને એ પણ કાયમ માટે.
૧૪. આપણે કઈ રીતે આશા પાકી કરી શકીએ?
૧૪ ભાવિની આશા આપણને સંતોષ રાખવા મદદ કરે છે. એટલે એને પાકી કરવી ખૂબ જરૂરી છે. એવું કઈ રીતે કરી શકીએ? આ દાખલાનો વિચાર કરો: એક વ્યક્તિએ દૂરની વસ્તુઓને સાફ સાફ જોવા કદાચ ચશ્માં પહેરવા પડે. એવી જ રીતે, આશાને પાકી કરવા કદાચ આપણે અમુક પગલાં ભરવાં પડે, જેથી મનની આંખોથી નવી દુનિયાને સાફ સાફ જોઈ શકીએ. જો ચિંતા થતી હોય કે કુટુંબની જરૂરિયાતો પૂરી કરવા પૂરતા પૈસા નથી, તો કલ્પના કરી શકીએ કે નવી દુનિયામાં પૈસા, દેવું કે ગરીબી નહિ હોય ત્યારે જીવન કેવું હશે. જો યહોવાની સેવામાં હમણાં કોઈ લહાવો ન મળ્યો હોય અને એના લીધે નિરાશ થઈ ગયા હોઈએ તો શું કરી શકીએ? વિચારી શકીએ કે નવી દુનિયામાં પાપની અસર દૂર થઈ ગઈ હશે અને આપણે હજારો વર્ષો સુધી યહોવાની ભક્તિ કરી હશે ત્યારે જીવન કેટલું અદ્ભુત હશે. એ સમયે થશે કે આપણે નકામી એ લહાવાઓની ચિંતા કરતા હતા. (૧ તિમો. ૬:૧૯) અત્યારે આપણાં જીવનમાં એટલી બધી ચિંતાઓ છે કે ભાવિની કલ્પના કરવી કદાચ અઘરું લાગે. પણ જો એને આપણી આદત બનાવીશું, તો સમય જતાં ચિંતાઓને બદલે યહોવાનાં અદ્ભુત વચનો પર ધ્યાન આપવું સહેલું બની જશે.
૧૫. ક્રિસ્ટાબહેનના અનુભવથી તમને શું શીખવા મળ્યું?
૧૫ ધ્યાન આપો કે આશાને લીધે ક્રિસ્ટાબહેનને કઈ રીતે મદદ મળી. તેમનું લગ્ન ડેનિસભાઈ સાથે થયું છે, જેમના વિશે આપણે અગાઉ જોઈ ગયા. ક્રિસ્ટાબહેન કહે છે: “મને એવી બીમારી છે, જેના લીધે મારા સ્નાયુઓ નબળા પડી ગયા છે. હું ચાલી શકતી નથી. મારે વ્હિલચૅર વાપરવી પડે છે. મોટા ભાગનો દિવસ મારે પલંગમાં જ કાઢવો પડે છે. દરરોજ મને સખત પીડા થાય છે. મારા ડૉક્ટરે હાલમાં જ મને કહ્યું કે હવે બહુ આશા નથી. પણ મેં તરત જ વિચાર્યું, ‘હું જે રીતે ભાવિને જોઉં છું, એ રીતે તે જોતા નથી.’ મારું પૂરું ધ્યાન મારી આશા પર છે. એના લીધે મને મનની શાંતિ મળે છે. આ દુનિયામાં કદાચ મારે અનેક મુશ્કેલીઓ સહેવી પડે, પણ નવી દુનિયામાં હું એકેએક દિવસનો આનંદ માણીશ.”
“તેમનો ડર રાખનારાઓને કશાની ખોટ પડતી નથી”
૧૬. રાજા દાઉદ કેમ કહી શક્યા કે યહોવાનો “ડર રાખનારાઓને કશાની ખોટ પડતી નથી”?
૧૬ જીવનમાં સંતોષ રાખનાર ઈશ્વરભક્તે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. રાજા દાઉદનો દાખલો લો. તેમનાં ઓછામાં ઓછાં ત્રણ બાળકોનું મરણ થયું હતું. તેમના પર ખોટા આરોપો મૂકવામાં આવ્યા. તેમના મિત્રોએ તેમને દગો આપ્યો. એક રાજા તેમનો જીવ લેવા માંગતો હતો. એના લીધે તેમણે વર્ષો સુધી ભાગતા રહેવું પડ્યું. તોપણ એક આકરી કસોટી સહેતી વખતે તેમણે યહોવા વિશે કહ્યું: “તેમનો ડર રાખનારાઓને કશાની ખોટ પડતી નથી.” (ગીત. ૩૪:૯, ૧૦) દાઉદ કેમ એવું કહી શક્યા? કેમ કે તે જાણતા હતા કે યહોવા તેમના જીવનમાં આવતી મુશ્કેલીઓ રોકી નહિ દે, પણ એની સામે લડવા જેની જરૂર છે એ ચોક્કસ આપશે. (ગીત. ૧૪૫:૧૬) દાઉદની જેમ આપણે પણ ખાતરી રાખી શકીએ છીએ કે અઘરા સંજોગોમાં યહોવા આપણને નિભાવી રાખશે. ભલે જીવનમાં ગમે એવા ઉતાર-ચઢાવ આવે, આપણે સંતોષથી જીવી શકીએ છીએ.
૧૭. તમે કેમ સંતોષથી રહેવાનું રહસ્ય શીખવા માંગો છો?
૧૭ યહોવા ચાહે છે કે તમે જીવનમાં સંતોષ રાખો. (ગીત. ૧૩૧:૧, ૨) એટલે સંતોષથી રહેવાનું રહસ્ય શીખવા બનતું બધું કરો. આભાર માનતા રહો. તમારું ધ્યાન ભટકવા ન દો અને નમ્ર બનો. તેમ જ તમારી આશા પાકી કરતા રહો. એમ કરશો તો પૂરા દિલથી કહી શકશો: ‘હા, મને અનેરો સંતોષ છે.’—ગીત. ૧૬:૫, ૬.
ગીત ૫૪ ઈશ્વરનો હાથ પકડ
a દાખલા તરીકે, તમે jw.org/gu પર સવારની ભક્તિનો આ કાર્યક્રમ જોઈ શકો: નમ્ર કે ઘમંડી?
b ચિત્રની સમજ: એક ભાઈ ભક્તિની જગ્યાએ સમારકામ કરે છે. એક બહેન સાઇન લેંગ્વેજ શીખી છે અને એક સરકીટ સંમેલનમાં તેનું ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. એક ભાઈ જાહેર પ્રવચન આપે છે.