વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w25 ઑક્ટોબર પાન ૧૮-૨૩
  • દિલથી પ્રાર્થના કરતા શીખીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • દિલથી પ્રાર્થના કરતા શીખીએ
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • મથાળાં
  • સરખી માહિતી
  • યહોવાને પ્રાર્થના કરતા કદી ન અચકાઈએ
  • વધારે સારી રીતે પ્રાર્થના કરવા શું કરી શકીએ?
  • બાઇબલમાં નોંધેલી પ્રાર્થનાઓ પર મનન કરીએ
  • પ્રાર્થના દ્વારા યહોવાની વધારે નજીક જઈએ
  • બીજાઓ માટે પ્રાર્થના કરવાનું ન ભૂલીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
  • ઈશ્વર સાંભળે એવી પ્રાર્થના કરો
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • બાઇબલ વાંચવાથી પ્રાર્થના કરવા મદદ મળે છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • પ્રાર્થના કરો, ઈશ્વરની છાયામાં આશરો લો
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
w25 ઑક્ટોબર પાન ૧૮-૨૩

અભ્યાસ લેખ ૪૨

ગીત ૩૮ તારો બોજો યહોવા પર નાખ

દિલથી પ્રાર્થના કરતા શીખીએ

“હું પૂરા દિલથી પોકારું છું. હે યહોવા, જવાબ આપો.”—ગીત. ૧૧૯:૧૪૫.

આપણે શું શીખીશું?

બાઇબલમાં નોંધેલી પ્રાર્થનાઓ પર મનન કરવાથી શીખીશું કે કઈ રીતે દિલથી પ્રાર્થના કરી શકીએ.

૧-૨. (ક) શાના લીધે આપણે દિલ ખોલીને પ્રાર્થના ન કરી શકીએ? (ખ) આપણે કઈ રીતે કહી શકીએ કે યહોવા આપણી પ્રાર્થનાઓ ધ્યાનથી સાંભળે છે?

શું તમને લાગે છે કે તમે એકની એક પ્રાર્થના કરો છો, તમારી પ્રાર્થના ઉપરછલ્લી છે અથવા તમે બસ કરવા ખાતર પ્રાર્થના કરો છો? જો એવું હોય તો તમે એકલા નથી. આપણા બધાનું જીવન વ્યસ્ત છે, એટલે કદાચ ઉતાવળે પ્રાર્થના કરીએ. કદાચ આપણે યહોવાને દિલની બધી લાગણીઓ જણાવી ન શકીએ, કેમ કે લાગતું હોય કે આપણે તેમને પ્રાર્થના કરવાને લાયક નથી.

૨ બાઇબલમાંથી જોવા મળે છે કે યહોવા માટે શું મહત્ત્વનું છે. તે ચાહે છે કે આપણે લાંબી લાંબી પ્રાર્થનાઓને બદલે દિલથી પ્રાર્થના કરીએ. તે “નમ્ર જનોની અરજોને” કાન ધરે છે. (ગીત. ૧૦:૧૭) તે આપણા એકેએક શબ્દને ધ્યાનથી સાંભળે છે, કેમ કે તેમને આપણી બહુ ચિંતા છે.—ગીત. ૧૩૯:૧-૩.

૩. આ લેખમાં કયા સવાલો પર ચર્ચા કરીશું?

૩ આ લેખમાં આપણે આ સવાલો પર ચર્ચા કરીશું: ‘આપણે યહોવાને પ્રાર્થના કરતા કેમ ન અચકાવું જોઈએ? વધારે સારી રીતે પ્રાર્થના કરવા શું કરી શકીએ? બાઇબલમાં નોંધેલી પ્રાર્થનાઓથી શું શીખવા મળે છે અને એ પ્રાર્થનાઓ પર વિચાર કરવાથી કઈ રીતે પોતાની પ્રાર્થનામાં સુધારો કરવા મદદ મળી શકે? અતિશય ચિંતામાં હોઈએ અને પ્રાર્થનામાં શું કહેવું એ ન સમજાય ત્યારે શું કરી શકીએ?’

યહોવાને પ્રાર્થના કરતા કદી ન અચકાઈએ

૪. પ્રાર્થનામાં પોતાનાં વિચારો અને લાગણીઓ જણાવવા શાનાથી મદદ મળશે? (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૪૫)

૪ યહોવા આપણા વફાદાર દોસ્ત છે, જે હંમેશાં આપણું ભલું ઇચ્છે છે. એ વાત સમજીશું તો દિલ ખોલીને આપણાં વિચારો અને લાગણીઓ પ્રાર્થનામાં જણાવી શકીશું. ગીતશાસ્ત્ર ૧૧૯ના લેખક યહોવાને એવા જ દોસ્ત ગણતા હતા. તેમના જીવનમાં પણ ઘણી મુશ્કેલીઓ હતી. દુષ્ટ લોકોએ તેમના વિશે જૂઠાણું ફેલાવ્યું હતું. (ગીત. ૧૧૯:૨૩, ૬૯, ૭૮) એટલું જ નહિ, તે પોતાની ભૂલોને લીધે અમુક વાર નિરાશ થઈ ગયા હતા. (ગીત. ૧૧૯:૫) તોપણ તે કદી દિલ ખોલીને પ્રાર્થના કરતા અચકાયા નહિ.—ગીતશાસ્ત્ર ૧૧૯:૧૪૫ વાંચો.

૫. આપણે કેમ નિરાશાને લીધે પ્રાર્થના કરવાનું બંધ ન કરવું જોઈએ? દાખલો આપીને સમજાવો.

૫ યહોવા ચાહે છે કે જેઓએ મોટું પાપ કર્યું છે, તેઓ પણ તેમને પ્રાર્થના કરે. (યશા. ૫૫:૬, ૭) એટલે આપણે નિરાશાને લીધે કદી પ્રાર્થના કરવાનું બંધ ન કરવું જોઈએ. ધારો કે એક નાના બાળકને પોતાની ભૂલને લીધે વાગી જાય છે. શું તે શરમને લીધે પોતાના પપ્પા પાસે મદદ માંગતા અચકાશે? જરાય નહિ! એવી જ રીતે, અમુક વાર આપણે કોઈ પાપ કરી બેસીએ અથવા આપણને સમજાય નહિ કે શું કરવું, તોપણ આપણે દિલ ખોલીને યહોવાને પ્રાર્થના કરી શકીએ છીએ.—ગીત. ૧૧૯:૨૫, ૧૭૬.

વધારે સારી રીતે પ્રાર્થના કરવા શું કરી શકીએ?

૬-૭. યહોવાના ગુણો પર મનન કરવાથી કઈ રીતે પ્રાર્થનામાં પોતાની લાગણીઓ જણાવવા મદદ મળશે? એક દાખલો આપો. (ફૂટનોટ પણ જુઓ.)

૬ જ્યારે આપણે પ્રાર્થનામાં યહોવાને પોતાની લાગણીઓ જણાવીએ છીએ, ત્યારે તેમની વધારે નજીક આવીએ છીએ. તો એવી પ્રાર્થના કરવા આપણે શું કરી શકીએ?

૭ યહોવાના ગુણો પર મનન કરીએ.a આપણે જેટલું વધારે યહોવાના ગુણો પર મનન કરીશું, એટલું જ સહેલાઈથી તેમને પોતાનાં વિચારો અને લાગણીઓ જણાવી શકીશું. (ગીત. ૧૪૫:૮, ૯, ૧૮) ક્રિસ્ટીનબહેનનો દાખલો લો. તેમના પપ્પા હિંસક હતા. તે જણાવે છે: “યહોવાને મારા પિતા ગણવા અને તેમની સાથે વાત કરવી મારા માટે અઘરું હતું. મને લાગતું હતું કે મારી ભૂલોને લીધે યહોવા મને પ્રેમ કરવાનું છોડી દેશે.” યહોવાના કયા ગુણ પર મનન કરવાથી બહેનને મદદ મળી? બહેન જણાવે છે: “મેં યહોવાના અતૂટ પ્રેમ પર મનન કર્યું. એનાથી મને ખાતરી મળી કે યહોવા મને પ્રેમ કરે છે. હવે હું જાણું છું કે તે હંમેશાં મારી પડખે રહેશે. ભલે મારાથી ભૂલો થઈ જાય, તોપણ તે મને પ્રેમ કરશે અને મારી મદદ કરશે. જ્યારે હું વિચારું છું કે યહોવા કેટલા પ્રેમાળ છે, ત્યારે હું તેમની સાથે મારાં સુખ-દુઃખ વિશે સહેલાઈથી વાત કરી શકું છું.”

૮-૯. પ્રાર્થનામાં શું કહેવું એનો પહેલેથી વિચાર કરવાથી કેવા ફાયદા થાય છે? દાખલો આપીને સમજાવો.

૮ પ્રાર્થનામાં શું કહેવું એનો પહેલેથી વિચાર કરીએ. પ્રાર્થના કરતા પહેલાં કદાચ અમુક સવાલો પર વિચાર કરી શકીએ: ‘શું હમણાં મારા જીવનમાં કોઈ મુશ્કેલી છે? શું મારે કોઈને માફ કરવાની જરૂર છે? શું હાલમાં મારા સંજોગો બદલાયા છે અને મને યહોવાની મદદની જરૂર છે?’ (૨ રાજા. ૧૯:૧૫-૧૯) વધુમાં ઈસુએ શીખવ્યું હતું તેમ, આપણે વિચારી શકીએ કે ઈશ્વરનું નામ, તેમનું રાજ્ય અને તેમની ઇચ્છા વિશે પ્રાર્થનામાં શું કહીશું.—માથ. ૬:૯, ૧૦.

૯ અલિસ્કાબહેનનો વિચાર કરો. તેમને જાણવા મળ્યું કે તેમના પતિને મગજનું કેન્સર છે. એ જાણ્યા પછી તેમના માટે પ્રાર્થના કરવું ખૂબ અઘરું થઈ ગયું. એ સમય યાદ કરતા તે કહે છે: “હું એટલી હેરાન-પરેશાન થઈ ગઈ હતી કે પ્રાર્થનામાં શું કહેવું એ વિશે કંઈ વિચારી શકતી ન હતી.” બહેનને શાનાથી મદદ મળી? તે કહે છે: “હું પહેલા વિચારું છું કે શાના વિશે પ્રાર્થના કરીશ, જેથી હું મારા વિશે અને મારા પતિની બીમારી વિશે જ બોલ બોલ ન કરું. એમ કરવાથી મારું મન શાંત રહે છે અને હું યહોવાને અલગ અલગ બાબતો માટે પ્રાર્થના કરી શકું છું.”

૧૦. પ્રાર્થનામાં વધારે સમય કેમ આપવો જોઈએ? (ચિત્રો પણ જુઓ.)

૧૦ પ્રાર્થનામાં વધારે સમય આપીએ. ખરું કે ટૂંકી પ્રાર્થના કરવાથી પણ આપણે યહોવાની નજીક આવી શકીએ છીએ. જોકે પ્રાર્થનામાં વધારે સમય આપવાથી યહોવાને વધારે સારી રીતે પોતાની લાગણીઓ જણાવી શકીશું.b અલિસ્કાબહેનના પતિ ઇલાઇજા જણાવે છે: “હું દિવસમાં ઘણી વખત પ્રાર્થના કરવાની કોશિશ કરું છું. પ્રાર્થનામાં વધારે સમય આપવાથી હું યહોવાની વધારે નજીક આવ્યો છું. યહોવા અધીરા નથી કે તે મારી પ્રાર્થના પૂરી થવાની રાહ જોતા હોય. એટલે હું પૂરતો સમય લઈને પ્રાર્થના કરી શકું છું.” તમે આવું કંઈક કરી શકો: એવી જગ્યા અને સમય પસંદ કરી શકો, જેથી તમારું ધ્યાન ન ફંટાય અને પ્રાર્થનામાં વધારે સમય આપી શકો. કદાચ મોટેથી પ્રાર્થના કરી શકો. પછી એવું નિયમિત રીતે કરો.

ચિત્રો: ૧. સૂર્ય ઊગ્યો નથી. એક ભાઈ પોતાના ટેબલ પર બેઠા છે અને મનન કરે છે. તેમના ટેબલ પર બાઇબલ ખુલ્લું છે અને તેમના હાથમાં કૉફીનો કપ છે. ૨. સૂર્ય ઊગી ગયો છે. તોપણ તે ટેબલ પર બેઠા છે અને પ્રાર્થનામાં મગન છે.

એવી જગ્યા અને સમય પસંદ કરો, જેથી તમે પ્રાર્થનામાં વધારે સમય આપી શકો (ફકરો ૧૦ જુઓ)


બાઇબલમાં નોંધેલી પ્રાર્થનાઓ પર મનન કરીએ

૧૧. બાઇબલમાં નોંધેલી પ્રાર્થનાઓ પર મનન કરવાથી કઈ રીતે મદદ મળે છે? (“શું તમને પણ આ ઈશ્વરભક્તો જેવું લાગે છે?” બૉક્સ પણ જુઓ.)

૧૧ બાઇબલમાં નોંધેલાં ગીતો અને પ્રાર્થનાઓ પર મનન કરવાથી તમને મદદ મળશે. તમે ઈશ્વરભક્તોની ઊંડી લાગણીઓનો વિચાર કરશો તેમ, તમને પણ દિલના ઊંડા વિચારો જણાવવાનું મન થશે. તેઓની પ્રાર્થનાઓથી તમને યહોવાની સ્તુતિ કરવા નવા નવા શબ્દો મળશે. પછી એને તમે પોતાની પ્રાર્થનામાં વાપરી શકો. તમને કદાચ એવી પ્રાર્થનાઓ વાંચવા મળે, જેમાં તમારા જેવાં જ સંજોગો અને લાગણીઓનો ઉલ્લેખ થયો હોય.

શું તમને પણ આ ઈશ્વરભક્તો જેવું લાગે છે?

અલગ અલગ સંજોગોમાં વફાદાર ઈશ્વરભક્તોએ પ્રાર્થનામાં પોતાનું દિલ રેડી દીધું. શું તમને પણ ક્યારેય તેઓ જેવું લાગ્યું છે?

  • યાકૂબ ચિંતામાં હતા ત્યારે તેમણે પ્રાર્થનામાં ફક્ત પોતાના ડર વિશે જ ન જણાવ્યું. તેમણે યહોવાનો આભાર પણ માન્યો. એ પણ જણાવ્યું કે તેમને યહોવા પર કેટલો ભરોસો છે.—ઉત. ૩૨:૯-૧૨.

  • જ્યારે રાજા સુલેમાનને લાગ્યું કે યહોવાએ સોંપેલું કામ પૂરું કરવા તે હજી યુવાન છે અને તેમની પાસે પૂરતો અનુભવ નથી, ત્યારે તેમણે યહોવા પાસે મદદ માંગી.—૧ રાજા. ૩:૭-૯.

  • બાથ-શેબા સાથે વ્યભિચાર કર્યા પછી દાઉદે યહોવાને કાલાવાલા કર્યા કે તે તેમને “શુદ્ધ હૃદય” આપે.—ગીત. ૫૧:૯-૧૨.

  • જ્યારે યહોવાએ મરિયમને ખાસ જવાબદારી સોંપી, ત્યારે તેણે યહોવાની સ્તુતિ કરી.—લૂક ૧:૪૬-૪૯.

અભ્યાસ માટે વિષય: બાઇબલમાંથી કોઈ એક વફાદાર ઈશ્વરભક્તની પ્રાર્થના વાંચો અને પોતાને પૂછો: ‘તેમણે યહોવાને શું કહ્યું? તેમણે એ કઈ રીતે કહ્યું? યહોવાએ તેમને કઈ રીતે જવાબ આપ્યો?’ પછી જે શીખો એ પોતાના સંજોગોમાં લાગુ પાડો.

૧૨. બાઇબલમાં લખેલી પ્રાર્થનાઓ વાંચીએ ત્યારે પોતાને કેવા સવાલો પૂછી શકીએ?

૧૨ બાઇબલમાં લખેલી પ્રાર્થનાઓ વાંચો ત્યારે પોતાને પૂછો: ‘એ શબ્દો કોણે કહ્યા હતા અને તેમના સંજોગો કેવા હતા? ઈશ્વરભક્તે પ્રાર્થનામાં જે કહ્યું, શું મને પણ એવું જ લાગે છે? મને એમાંથી શું શીખવા મળે છે?’ જો એ સવાલોના જવાબ મેળવવા વધારે સંશોધન કરવું પડે, તો પાછા ન પડશો. તમારી મહેનત ચોક્કસ રંગ લાવશે! ચાલો અમુક ઈશ્વરભક્તોની પ્રાર્થનાઓ પર ધ્યાન આપીએ.

૧૩. હાન્‍નાની પ્રાર્થનામાંથી શું શીખી શકીએ? (૧ શમુએલ ૧:૧૦, ૧૧) (ચિત્ર પણ જુઓ.)

૧૩ પહેલો શમુએલ ૧:૧૦, ૧૧ વાંચો. જ્યારે હાન્‍નાએ આ પ્રાર્થના કરી ત્યારે તેના જીવનમાં બે મોટી મુશ્કેલીઓ હતી. તેને કોઈ બાળક ન હતું અને તેના પતિની બીજી પત્નીએ તેનું જીવવું હરામ કરી નાખ્યું હતું. (૧ શમુ. ૧:૪-૭) જો તમારા જીવનમાં પણ એવી કોઈ મુશ્કેલી હોય જેનો હલ આવતો જ ન હોય, તો તમે હાન્‍નાની પ્રાર્થનામાંથી શું શીખી શકો? હાન્‍નાએ પ્રાર્થનામાં ઘણો સમય વિતાવ્યો. તેણે યહોવાને પોતાની બધી જ ચિંતા જણાવી દીધી, પછી તેનું મન હળવું થઈ ગયું. (૧ શમુ. ૧:૧૨, ૧૮) એવી જ રીતે, જ્યારે ‘પોતાનો બોજો યહોવા પર નાખી દઈશું,’ એટલે કે પોતાની બધી જ ચિંતાઓ અને લાગણીઓ યહોવાને જણાવીશું, ત્યારે આપણું મન હળવું થઈ જશે.—ગીત. ૫૫:૨૨.

ચિત્રો: ૧. એલ્કાનાહ પોતાનાં બે બાળકો સાથે રમે છે. હાન્‍ના ખૂબ દુઃખી છે અને બીજી તરફ જુએ છે. ૨. પનિન્‍ના મલકાય છે, તેના હાથમાં પોતાનું નવું જન્મેલું બાળક છે. ૩. હાન્‍ના કરગરીને પ્રાર્થના કરતી વખતે રડે છે. ૪. પ્રમુખ યાજક એલી અદબ વાળીને બેઠા છે અને હાન્‍ના સામે ગુસ્સામાં જોઈ રહ્યા છે.

બાળક ન હોવાને લીધે અને પતિની બીજી પત્નીનાં મહેણાં-ટોણાંને લીધે હાન્‍ના હેરાન-પરેશાન થઈ ગઈ હતી. તેણે પોતાનો બોજો યહોવા પર નાખી દીધો (ફકરો ૧૩ જુઓ)


૧૪. (ક) હાન્‍નાના દાખલામાંથી બીજું શું શીખી શકીએ? (ખ) કલમો પર મનન કરવાથી કઈ રીતે આપણી પ્રાર્થનાઓ સુધારી શકીશું? (ફૂટનોટ જુઓ.)

૧૪ થોડા સમય પછી હાન્‍નાને એક દીકરો થયો. તેણે તેનું નામ શમુએલ પાડ્યું. અમુક વર્ષો પછી હાન્‍ના શમુએલને પ્રમુખ યાજક એલી પાસે લાવી. (૧ શમુ. ૧:૨૪-૨૮) હાન્‍નાએ પ્રાર્થનામાં દિલથી યહોવાનો આભાર માન્યો, કેમ કે તેણે પોતે જોયું હતું કે યહોવા કઈ રીતે પોતાના વફાદાર ભક્તોનું રક્ષણ કરે છે અને તેઓની સંભાળ રાખે છે.c (૧ શમુ. ૨:૧, ૮, ૯) હાન્‍નાના જીવનમાં હજીયે મુશ્કેલીઓ હતી. તોપણ તેણે મુશ્કેલીઓ પર ધ્યાન આપવાને બદલે, યહોવાના આશીર્વાદો પર ધ્યાન આપ્યું. આપણે શું શીખી શકીએ? જો ધ્યાન આપીશું કે યહોવાએ આપણને અત્યાર સુધી કઈ રીતે મદદ કરી છે, તો હાલની મુશ્કેલીઓનો સારી રીતે સામનો કરી શકીશું.

૧૫. આપણી સાથે અન્યાય થતો હોય ત્યારે યર્મિયાની પ્રાર્થનામાંથી શું શીખી શકીએ? (યર્મિયા ૧૨:૧)

૧૫ યર્મિયા ૧૨:૧ વાંચો. યર્મિયા પ્રબોધકનો દાખલો લો. જ્યારે તેમણે જોયું કે દુષ્ટો સુખેથી જીવે છે, ત્યારે તે નિરાશ થઈ ગયા. એટલું જ નહિ, જ્યારે બીજા ઇઝરાયેલીઓએ તેમની મજાક ઉડાવી ત્યારે તે દુઃખી થઈ ગયા. (યર્મિ. ૨૦:૭, ૮) આપણે યર્મિયાની લાગણીઓ સારી રીતે સમજી શકીએ છીએ. કેમ કે લોકો આપણી પણ મજાક ઉડાવે છે. આપણે પણ ચારે બાજુ જોઈએ છીએ કે દુષ્ટ અને બેઈમાન લોકો ખુશીથી જીવન જીવે છે. ખરું કે યર્મિયાએ યહોવા આગળ પોતાના મનનો ઊભરો ઠાલવ્યો, પણ તેમણે ક્યારેય એવો આરોપ ન મૂક્યો કે યહોવા અન્યાયી છે. વધુમાં તેમણે જોયું કે યહોવા કઈ રીતે બળવાખોર લોકોને શિસ્ત આપે છે. એ જોઈને યહોવાના ન્યાય પર તેમનો ભરોસો ચોક્કસ મજબૂત થયો હશે. (યર્મિ. ૩૨:૧૯) આપણે પણ કોઈ સંકોચ વગર પ્રાર્થનામાં યહોવા આગળ મનનો ઊભરો ઠાલવી શકીએ છીએ. પણ એની સાથે સાથે પ્રાર્થનામાં જણાવીએ કે આપણને યહોવામાં ભરોસો છે કે તે યોગ્ય સમયે અન્યાય દૂર કરશે.

૧૬. લેવીની પ્રાર્થનામાંથી આપણે શું શીખી શકીએ? (ગીતશાસ્ત્ર ૪૨:૧-૪) (ચિત્રો પણ જુઓ.)

૧૬ ગીતશાસ્ત્ર ૪૨:૧-૪ વાંચો. આ ગીત એક લેવીએ લખ્યું હતું, જે મંદિરમાં બીજા ઇઝરાયેલીઓ સાથે મળીને ભક્તિ કરી શકતા ન હતા. તેમના ગીતમાં જોવા મળે છે કે તેમને કેવું લાગતું હતું. જો કોઈ કારણને લીધે ઘરની બહાર જવું મુશ્કેલ હોય અથવા શ્રદ્ધાને લીધે કેદમાં હોઈએ, તો એ લેવીની લાગણીઓ સારી રીતે સમજી શકીએ છીએ. ભલે મનમાં ઊથલ-પાથલ મચે, તોપણ એ બધું પ્રાર્થનામાં જણાવવું જોઈએ. એમ કરવાથી પોતાની લાગણીઓ સારી રીતે સમજવા અને પોતાના સંજોગો વિશે યોગ્ય વલણ રાખવા મદદ મળશે. ચાલો જોઈએ કે લેવીને કઈ રીતે મદદ મળી. તેમને ખ્યાલ આવ્યો કે હવે તેમની પાસે યહોવાની સ્તુતિ કરવાની અનેક તક છે. (ગીત. ૪૨:૫) યહોવા કઈ રીતે તેમની સંભાળ રાખી રહ્યા છે, એના પર પણ તેમણે મનન કર્યું. (ગીત. ૪૨:૮) આપણે દિલથી પ્રાર્થના કરીશું તો પોતાની લાગણીઓ પાછળનાં કારણો સમજી શકીશું, મન શાંત રાખી શકીશું અને હિંમતથી મુશ્કેલીઓ સહી શકીશું.

ચિત્રો: ૧. એક લેવી વેરાન પ્રદેશમાં કરગરીને પ્રાર્થના કરે છે. ૨. એક ભાઈ હૉસ્પિટલના ખાટલા પર બેસીને પ્રાર્થના કરે છે અને તેમના ખોળામાં બાઇબલ ખુલ્લું છે.

ગીતશાસ્ત્ર ૪૨ લખનાર લેવીએ યહોવા આગળ દિલ ઠાલવી દીધું. જ્યારે આપણે પ્રાર્થનામાં યહોવા આગળ દિલ ઠાલવીએ છીએ, ત્યારે પોતાના સંજોગો વિશે યોગ્ય વલણ રાખી શકીએ છીએ (ફકરો ૧૬ જુઓ)


૧૭. (ક) પ્રબોધક યૂનાની પ્રાર્થનામાંથી આપણે શું શીખી શકીએ? (યૂના ૨:૧, ૨) (ખ) ગીતશાસ્ત્રની અમુક કલમો યાદ કરીશું તો મુશ્કેલ સંજોગોમાં કઈ રીતે મદદ મળી શકે? (ફૂટનોટ જુઓ.)

૧૭ યૂના ૨:૧, ૨ વાંચો. પ્રબોધક યૂનાએ આ પ્રાર્થના મોટી માછલીના પેટમાંથી કરી હતી. ખરું કે તેમણે યહોવાની વાત ન માની, તોપણ તેમને ખાતરી હતી કે યહોવા તેમની પ્રાર્થના સાંભળશે. તેમણે પોતાની પ્રાર્થનામાં એવા ઘણા શબ્દો કહ્યા, જે ગીતશાસ્ત્રના પુસ્તકમાં જોવા મળે છે.d એવું લાગે છે કે એ પુસ્તકમાં લખેલી વાતો તે સારી રીતે જાણતા હતા. એ વાતો પર વિચાર કરવાથી તેમને ખાતરી મળી કે યહોવા ચોક્કસ તેમને મદદ કરશે. એવી જ રીતે, જો આપણે પણ અમુક કલમો યાદ કરીશું, તો મુશ્કેલ સંજોગોમાં પ્રાર્થના કરતી વખતે આપણને એ શબ્દો યાદ આવશે અને દિલાસો મળશે.

પ્રાર્થના દ્વારા યહોવાની વધારે નજીક જઈએ

૧૮-૧૯. પ્રાર્થનામાં શું કહેવું એ ન સમજાય ત્યારે રોમનો ૮:૨૬, ૨૭માંથી કઈ ખાતરી મળે છે? એક દાખલો આપો.

૧૮ રોમનો ૮:૨૬, ૨૭ વાંચો. અમુક વખતે આપણે એટલી ચિંતામાં હોઈએ કે આપણી લાગણીઓ શબ્દોમાં ન કહી શકીએ. પણ મદદ હાજર છે! એવા સમયે યહોવાની પવિત્ર શક્તિ આપણા માટે “અરજ કરે છે.” કઈ રીતે? પવિત્ર શક્તિ દ્વારા યહોવાએ બાઇબલમાં એવા ઘણા ઈશ્વરભક્તોની પ્રાર્થનાઓ લખાવી છે, જેઓના સંજોગો આપણા જેવા હતા. જ્યારે આપણે પોતાની લાગણીઓને શબ્દોમાં ન કહી શકીએ, ત્યારે યહોવા કદાચ એ ઈશ્વરભક્તોએ કહેલા શબ્દોને આપણી અરજો તરીકે સ્વીકારે અને પછી એનો જવાબ આપે.

૧૯ એ વિચારથી રશિયાના યેલેનાબહેનને ઘણી મદદ મળી. પ્રાર્થના કરવાને લીધે અને બાઇબલ વાંચવાને લીધે તેમની ધરપકડ થઈ. યેલેનાબહેન એટલી ચિંતામાં હતાં કે પ્રાર્થના કરવી તેમને અઘરું લાગતું હતું. તે કહે છે: ‘પણ પછી મને યાદ આવ્યું કે જ્યારે પ્રાર્થનામાં શું કહેવું એ ન સમજાય, ત્યારે યહોવા અગાઉના ઈશ્વરભક્તોની પ્રાર્થનાઓને મારી અરજો તરીકે સ્વીકારશે. એનાથી અઘરા સમયમાં મને ઘણો દિલાસો મળ્યો.’

૨૦. ચિંતામાં હોઈએ ત્યારે કઈ રીતે પ્રાર્થના માટે પોતાનું મન તૈયાર કરી શકીએ?

૨૦ જ્યારે આપણે બહુ ચિંતામાં હોઈએ ત્યારે પ્રાર્થના કરવાનું શરૂ તો કરીએ, પણ પછી ધ્યાન ફંટાઈ જાય. એવામાં પ્રાર્થના માટે કઈ રીતે પોતાનું મન તૈયાર કરી શકીએ? આપણે કદાચ ગીતશાસ્ત્રના અમુક અધ્યાયનું ઑડિયો રેકોર્ડિંગ સાંભળી શકીએ. રાજા દાઉદની જેમ આપણી લાગણીઓ લખી પણ શકીએ. (ગીત. ૧૮, ૩૪, ૧૪૨; મથાળાં.) ખરું કે, પ્રાર્થના પહેલાં કઈ રીતે મન તૈયાર કરવું એ માટે કોઈ નિયમ નથી. (ગીત. ૧૪૧:૨) તમને જે રીત ફાવે એ પ્રમાણે તમે કરી શકો છો.

૨૧. આપણે કેમ પૂરા દિલથી પ્રાર્થના કરી શકીએ છીએ?

૨૧ એ જાણીને આપણને કેટલું સારું લાગે છે કે આપણા બોલતા પહેલાં જ યહોવા આપણી લાગણીઓ સમજી જાય છે. (ગીત. ૧૩૯:૪) પણ તે આપણી પાસેથી સાંભળવા માંગે છે કે આપણને કેવું લાગે છે અને આપણને તેમનામાં કેટલો ભરોસો છે. એમ કરીએ છીએ ત્યારે તેમને ઘણી ખુશી થાય છે. એટલે સ્વર્ગમાંના પિતાને પ્રાર્થના કરતા જરાય અચકાઈએ નહિ. બાઇબલમાં નોંધેલી પ્રાર્થનાઓમાંથી શીખીએ, એના શબ્દોનો ઉપયોગ કરીએ. પૂરા દિલથી પ્રાર્થના કરીએ. આપણાં સુખ-દુઃખ વિશે તેમને જણાવીએ. આપણા પાકા મિત્ર તરીકે યહોવા હંમેશાં આપણી પડખે રહેશે!

તમે શું કહેશો?

  • દિલ ખોલીને પ્રાર્થના કરવા શાનાથી મદદ મળી શકે?

  • વધારે સારી રીતે પ્રાર્થના કરવા શું કરી શકીએ?

  • બાઇબલમાં નોંધેલી પ્રાર્થનાઓ પર મનન કરવાથી કઈ રીતે મદદ મળી શકે?

ગીત ૨૨ “યહોવા મારો પાળક”

a ઈશ્વરની વાણી લાવે જીવનમાં પ્રકાશ પુસ્તકમાં “યહોવા” વિષયમાં “યહોવાના અમુક ખાસ ગુણો” જુઓ.

b સભામાં થતી જાહેર પ્રાર્થનાઓ સામાન્ય રીતે ટૂંકી હોય છે.

c હાન્‍નાએ પોતાની પ્રાર્થનામાં એવા શબ્દોનો ઉપયોગ કર્યો જે મૂસાનાં લખાણોમાં જોવા મળે છે. એનાથી જોઈ શકાય છે કે હાન્‍નાએ શાસ્ત્રવચનો પર મનન કરવા સમય કાઢ્યો હતો. (પુન. ૪:૩૫; ૮:૧૮; ૩૨:૪, ૩૯; ૧ શમુ. ૨:૨, ૬, ૭) સદીઓ પછી ઈસુની મા મરિયમે પણ યહોવાની સ્તુતિ કરવા એવા શબ્દો વાપર્યા, જે હાન્‍નાની પ્રાર્થનામાં જોવા મળે છે.—લૂક ૧:૪૬-૫૫.

d દાખલા તરીકે, યૂના ૨:૩-૯ને ગીતશાસ્ત્ર ૬૯:૧; ૧૬:૧૦; ૩૦:૩; ૧૪૨:૨, ૩; ૧૪૩:૪, ૫; ૧૮:૬ અને ૩:૮ સાથે સરખાવો. અહીંયા યૂનાની પ્રાર્થના પ્રમાણે ગીતશાસ્ત્રની કલમો ક્રમવાર આપી છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો