માર્ચ ૯-૧૫, ૨૦૨૬
ગીત ૨૨ “યહોવા મારો પાળક”
યહોવા આપણને નિરાશામાંથી બહાર આવવા મદદ કરશે
“હું કેવો લાચાર માણસ છું!”—રોમ. ૭:૨૪.
આપણે શું શીખીશું?
નિરાશા ઘેરી વળે ત્યારે શું કરી શકીએ?
૧-૨. પ્રેરિત પાઉલને અમુક વાર કેવું લાગતું હતું અને તેમના દાખલા પર ધ્યાન આપવાથી આપણને કેમ મદદ મળી શકે? (રોમનો ૭:૨૧-૨૪)
પ્રેરિત પાઉલ વિશે વિચારો ત્યારે તમને શું યાદ આવે છે? તમને કદાચ યાદ આવે કે તે દૂર દૂર જઈને પ્રચાર કરતા હતા, એક સારા શિક્ષક હતા અથવા તેમણે બાઇબલના ઘણાં પુસ્તકો લખ્યાં હતાં. સાચે જ, તે એક હિંમતવાન અને વફાદાર ઈશ્વરભક્ત હતા. પણ આપણી જેમ અમુક વાર તે પણ દુઃખી થઈ જતા અથવા નિરાશ થઈ જતા.
૨ રોમનો ૭:૨૧-૨૪ વાંચો. રોમનોને લખેલા પત્રમાં પાઉલે પોતાની અમુક લાગણીઓ ઠાલવી હતી. આપણામાંથી ઘણા લોકોને પાઉલ જેવી જ લાગણી થાય છે. તે વફાદાર હતા અને હંમેશાં ઈશ્વરની આજ્ઞા પાળવા માંગતા હતા. પણ વારસામાં મળેલા પાપને લીધે અમુક વાર ઈશ્વરને ગમતાં કામો કરવા તેમને અઘરું લાગતું હતું. જ્યારે પાઉલ વિચારતા કે ખ્રિસ્તી બન્યા પહેલાં તેમણે કેવાં કામો કર્યાં હતાં, ત્યારે તેમનું દિલ ડંખતું. વધુમાં, તેમના જીવનમાં એક એવી મુશ્કેલી હતી જેનો અંત આવતો જ ન હતો. એના લીધે પણ તે ક્યારેક હેરાન-પરેશાન થઈ જતા.
૩. આ લેખમાં શાની ચર્ચા કરીશું? (“શબ્દોની સમજ” પણ જુઓ.)
૩ ખરું કે અમુક વાર પાઉલ નિરાશa થઈ ગયા, પણ તેમણે એ લાગણીને પોતાના પર હાવી ન થવા દીધી. આ લેખમાં આપણે આ સવાલોની ચર્ચા કરીશું: પાઉલે કેમ પોતાને “લાચાર” કહ્યા? નિરાશાની લાગણીમાંથી બહાર આવવા પાઉલે શું કર્યું? એવી લાગણીમાંથી બહાર આવવા આપણે શું કરી શકીએ?
પાઉલ કેમ નિરાશ થઈ ગયા?
૪. શાના લીધે પાઉલ નિરાશ થઈ જતા?
૪ અગાઉ કરેલી ભૂલો. પાઉલ ઈસુના શિષ્ય બન્યા એ પહેલાં શાઉલ નામથી ઓળખાતા હતા. એ સમયે તેમણે ખરાબ કામો કરવામાં હદ વટાવી દીધી હતી, જેનો તેમને પછીથી ઘણો પસ્તાવો થયો. દાખલા તરીકે, વફાદાર ઈશ્વરભક્ત સ્તેફનને મારી નાખવામાં શાઉલની સંમતિ હતી. સ્તેફનને પથ્થરે મારવામાં આવતા હતા ત્યારે તે ત્યાં જ ઊભા હતા. (પ્રે.કા. ૭:૫૮; ૮:૧) અરે, શાઉલ પર તો ખ્રિસ્તીઓની આકરી સતાવણી કરવાનું ઝનૂન સવાર હતું.—પ્રે.કા. ૮:૩; ૨૬:૯-૧૧.
૫. અગાઉ કરેલાં ખરાબ કામોની પાઉલ પર કેવી અસર થઈ?
૫ ખ્રિસ્તી બન્યા પછી પણ પાઉલના મનમાં જૂની યાદો તાજી હતી. વર્ષો વીત્યાં તેમ તેમને એ વાતનો વધારે ને વધારે પસ્તાવો થયો હશે. જેમ કે, આશરે ૫૫ની સાલમાં તેમણે કોરીંથીઓને પહેલી વાર પત્ર લખ્યો ત્યારે તેમણે કહ્યું: “હું . . . પ્રેરિત ગણાવાને પણ લાયક નથી, કેમ કે મેં ઈશ્વરના મંડળની સતાવણી કરી હતી.” (૧ કોરીં. ૧૫:૯) એનાં કંઈક પાંચ વર્ષ પછી તેમણે એફેસીઓને પત્ર લખ્યો. તેમના શબ્દોથી ખ્યાલ આવે છે કે તે બીજાં ભાઈ-બહેનો કરતાં પોતાને સાવ મામૂલી ગણતા હતા. તેમણે લખ્યું: ‘બધા પવિત્ર જનોમાં હું નાનામાં નાનો છું.’ (એફે. ૩:૮) તિમોથીને પત્ર લખતી વખતે પાઉલે કહ્યું કે તે અગાઉ “ઈશ્વરની નિંદા કરનાર, જુલમી અને ઉદ્ધત માણસ” હતા. (૧ તિમો. ૧:૧૩) આની કલ્પના કરો: પાઉલ એક મંડળની મુલાકાતે ગયા છે. ત્યાં તે એવાં ભાઈ-બહેનોને મળે છે, જેઓની તેમણે સતાવણી કરી હતી અથવા તે તેઓનાં કુટુંબીજનોને મળે છે. સાચે જ, તેઓને મળવું પાઉલને કેટલું અઘરું લાગ્યું હશે!
૬. પાઉલ શાના લીધે હેરાન-પરેશાન થઈ જતા હતા? (ફૂટનોટ પણ જુઓ.)
૬ શરીરમાં કાંટો. પાઉલને એક મુશ્કેલી હતી જેના લીધે તે હેરાન-પરેશાન થઈ જતા હતા. એ મુશ્કેલીને પાઉલે ‘શરીરમાં કાંટા’ સાથે સરખાવી. (૨ કોરીં. ૧૨:૭) તેમણે એ તો ન જણાવ્યું કે એ મુશ્કેલી કઈ હતી. પણ તેમણે જે કહ્યું એનાથી લાગે છે કે એ શરીરની કોઈ તકલીફ હોય શકે અથવા બીજું કશુંક જેના લીધે પાઉલને ખૂબ ચિંતા થતી હતી.b
૭. જે સારું છે એ કરવું પાઉલને કેમ અઘરું લાગતું હતું? (રોમનો ૭:૧૮, ૧૯)
૭ પોતાની નબળાઈઓ. પોતાની નબળાઈને લીધે પાઉલ અમુક વાર ભૂલો કરી બેઠા. એટલે તે નિરાશ થઈ ગયા. (રોમનો ૭:૧૮, ૧૯ વાંચો.) ખરું કે તે હંમેશાં સારું કરવા માંગતા હતા, પણ વારસામાં મળેલાં પાપને લીધે ક્યારેક તે એમ કરવાનું ચૂકી જતા. તેમણે જણાવ્યું કે તેમના મનમાં હંમેશાં આ લડાઈ ચાલતી હતી: શરીરની પાપી ઇચ્છાઓ પ્રમાણે કરવું, કે પછી જે ખરું છે એ પ્રમાણે કરવું. પાઉલે પોતાનામાં સુધારો કરવા સખત મહેનત કરી. (૧ કોરીં. ૯:૨૭) પણ જરા વિચારો, જે નબળાઈ પર કાબૂ મેળવવા તેમણે સખત મહેનત કરી હશે અને એ જ નબળાઈને લીધે તે ફરી એક વાર ભૂલ કરી બેઠા હશે, ત્યારે તેમને પોતાના પર કેટલો ગુસ્સો આવ્યો હશે!
નિરાશાની લાગણીમાંથી બહાર આવવા પાઉલે શું કર્યું?
૮. પાઉલે પોતાની નબળાઈઓ પર કાબૂ મેળવવા શું કર્યું?
૮ પાઉલના પત્રોથી ખબર પડે છે કે તે કઈ રીતે નિરાશાનો સામનો કરતા હતા. તે જાણતા હતા કે પવિત્ર શક્તિની મદદથી જ તે અને બીજા ખ્રિસ્તીઓ ખોટી ઇચ્છાઓ પર કાબૂ મેળવી શકતા હતા અને સારાં કામો કરવાનો ઇરાદો મક્કમ કરી શકતા હતા. (રોમ. ૮:૧૩; ગલા. ૫:૧૬, ૧૭) પાઉલે ઘણી વાર સમજાવ્યું કે યહોવાને ખુશ કરવા ખ્રિસ્તીઓએ કેવાં વિચારો અને કામોથી દૂર રહેવું જોઈએ. (ગલા. ૫:૧૯-૨૧, ૨૬) આપણે ભરોસો રાખી શકીએ કે પાઉલે બીજાઓને જે સલાહ આપી, એ તે પોતે પણ પાળતા હતા. તેમણે ચોક્કસ વિચાર્યું હશે કે તેમનામાં કઈ નબળાઈઓ છે અને શાસ્ત્રમાં એ વિશે સલાહ શોધી હશે. પછી તેમણે નક્કી કર્યું હશે કે એ નબળાઈઓ પર કાબૂ મેળવવા કયાં પગલાં ભરશે.
૯-૧૦. નિરાશાનો સામનો કરવા પાઉલને શાનાથી મદદ મળી? (એફેસીઓ ૧:૭) (ચિત્ર પણ જુઓ.)
૯ ખરું કે પાઉલ અમુક વાર નિરાશ થઈ જતા, તોપણ તે ખુશ રહી શક્યા. તેમણે પોતાનું મન સારી વાતો પર લગાડ્યું. જેમ કે, દૂર દૂરનાં મંડળોમાંથી સારા અહેવાલ સાંભળવા મળતા ત્યારે તે ખુશ થઈ જતા. (૨ કોરીં. ૭:૬, ૭) ઘણાં ભાઈ-બહેનો સાથે તેમની સારી દોસ્તી હતી અને તેઓ સાથે સમય વિતાવીને તેમને આનંદ મળતો. (૨ તિમો. ૧:૪) તેમને એ વાતથી પણ ખુશી મળતી હતી કે યહોવાની કૃપા તેમના પર છે અને તે “શુદ્ધ દિલથી” તેમની ભક્તિ કરી શકે છે. (૨ તિમો. ૧:૩) પાઉલ રોમમાં કેદ હતા તોપણ તેમણે ભાઈ-બહેનોને અરજ કરી કે “ઈશ્વરને લીધે હંમેશાં આનંદ કરો.” (ફિલિ. ૪:૪) તેમના શબ્દોથી એવું લાગતું નથી કે તે નિરાશાના વમળમાં ઘેરાઈ ગયા હતા. જ્યારે પણ તેમના મનમાં નિરાશ કરી દેતા વિચારો આવતા, ત્યારે તે તરત સારી વાતો પર ધ્યાન આપતા. આમ તે ખુશ રહી શક્યા.
૧૦ બીજી એક વાતને લીધે પણ પાઉલ નિરાશાનો સામનો કરી શક્યા અને ખુશ રહી શક્યા. તેમણે યાદ રાખ્યું કે યહોવા તેમને બહુ પ્રેમ કરે છે અને તેમના માટે પોતાના દીકરાનું બલિદાન આપ્યું છે. (ગલા. ૨:૨૦; એફેસીઓ ૧:૭ વાંચો.) પાઉલને પૂરી ખાતરી હતી કે ઈસુએ જે છૂટકારાની કિંમત ચૂકવી, એના આધારે યહોવાએ તેમનાં પાપ માફ કર્યાં છે અને આગળ પણ યહોવા માફ કરતા રહેશે. (રોમ. ૭:૨૪, ૨૫) એ કારણે પાઉલ ખુશી ખુશી “ઈશ્વરની પવિત્ર સેવા” કરી શક્યા.—હિબ્રૂ. ૯:૧૨-૧૪.
અમુક વાર અગાઉની ભૂલોને લીધે પાઉલનું દિલ ડંખતું. પણ ઈસુના બલિદાન પર વિચાર કરીને તેમને એવી લાગણીઓ પર કાબૂ મેળવવા મદદ મળી (ફકરા ૯-૧૦ જુઓ)
૧૧. પાઉલના દાખલાથી આપણને કેમ ઉત્તેજન મળે છે?
૧૧ પાઉલની જેમ આપણને પણ કોઈક વાર લાગે કે આપણે લાચાર છીએ. કેમ કે, અમુક વાર આપણે ન બોલવાનું બોલી જઈએ છીએ, ખોટાં કામ કરી બેસીએ છીએ અથવા મનમાં ખરાબ વિચારો આવી જાય છે. ક્યારેક એવું લાગે છે કે ‘હું યહોવાને કદી ખુશ નહિ કરી શકું.’ ૨૬ વર્ષની એલિઝાનોc વિચાર કરો. તે પણ ક્યારેક ક્યારેક નિરાશ થઈ જાય છે. તે કહે છે: “પાઉલના દાખલા પર વિચાર કરીને મને ઘણું ઉત્તેજન મળ્યું. મને એ જાણીને સારું લાગે છે કે મારા જેવી લાગણી બીજાઓને પણ થાય છે. યહોવા ખૂબ સારી રીતે સમજે છે કે તેમના ભક્તો કેવી લાગણીઓ સામે લડી રહ્યા છે.” પાઉલની જેમ આપણે પણ નિરાશામાં ખુશ રહી શકીએ છીએ અને શુદ્ધ દિલથી યહોવાની ભક્તિ કરી શકીએ છીએ. એવું કઈ રીતે કરી શકીએ?
નિરાશામાંથી બહાર આવવા આપણે શું કરી શકીએ?
૧૨. ખુશ રહેવા આપણે શું કરતા રહી શકીએ?
૧૨ ભક્તિને લગતાં કામોમાં લાગુ રહીએ. આ દાખલાનો વિચાર કરીએ: જ્યારે આપણે પૌષ્ટિક ખોરાક ખાઈએ છીએ, નિયમિત કસરત કરીએ છીએ અને પૂરતી ઊંઘ લઈએ છીએ ત્યારે આપણને સારું લાગે છે. એવી જ રીતે, દરરોજ બાઇબલ વાંચીશું, પ્રચાર કરીશું, સભાની તૈયારી કરીશું, એમાં હાજર રહીશું અને જવાબ આપીશું તો આપણને ઘણું ઉત્તેજન મળશે. એમ કરતા રહેવાથી નિરાશ કરી દેતા વિચારોને બદલે સારા વિચારો પર મન લગાડી શકીશું. આમ આપણે ખુશ રહી શકીશું.—રોમ. ૧૨:૧૧, ૧૨.
૧૩-૧૪. ભક્તિનાં કામોમાં લાગુ રહેવાથી અમુક ભાઈ-બહેનોને કઈ રીતે ફાયદો થયો છે?
૧૩ જોનભાઈના દાખલા પર ધ્યાન આપો. તે ૩૯ વર્ષના હતા ત્યારે તેમને કેન્સર થયું. એ સાંભળીને તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ. તે ખૂબ ડરી ગયા. તે વિચારવા લાગ્યા, ‘મને કઈ રીતે કેન્સર થઈ શકે? આ તો કંઈ મારી ઉંમર છે?’ એ વખતે તેમનો દીકરો બસ ત્રણ વર્ષનો હતો. જોનભાઈને નિરાશામાંથી બહાર આવવા શાનાથી મદદ મળી? તે કહે છે: “હું ખૂબ થાકી જતો, તોપણ કુટુંબ યહોવાની ભક્તિમાં લાગુ રહે એનું ખાસ ધ્યાન રાખતો. ભલે મુશ્કેલ લાગે તોપણ દરેક સભામાં જતા, દર અઠવાડિયે પ્રચારમાં જતા અને નિયમિત રીતે કુટુંબ તરીકેની ભક્તિ કરતા.” એ દિવસો યાદ કરતા જોનભાઈ આગળ જણાવે છે: “શરૂ શરૂમાં બીમારીને લીધે આઘાત લાગે અને ચિંતા થાય એ સ્વાભાવિક છે. પણ મેં જોયું છે કે યહોવા તરત પોતાની શક્તિ આપે છે અને ભરોસો અપાવે છે કે તે આપણને કેટલો પ્રેમ કરે છે. જેમ યહોવાએ મને ટકી રહેવા શક્તિ આપી, તેમ તમને પણ આપશે.”
૧૪ આપણે એલિઝા વિશે અગાઉ જોઈ ગયા. તે કહે છે: “દરેક વખતે સભાઓમાં જવાથી અને બાઇબલનો ઊંડો અભ્યાસ કરવાથી મને અહેસાસ થાય છે કે યહોવાને મારા માટે બહુ લાગણી છે અને તે મારી વાત ધ્યાનથી સાંભળે છે. એનાથી ચહેરો ખીલી ઊઠે છે.” નોલનભાઈ આફ્રિકામાં સરકીટ નિરીક્ષક છે. તે જણાવે છે કે તેમને અને તેમની પત્ની ડાયનાબહેનને નિરાશામાંથી બહાર આવવા શાનાથી મદદ મળે છે. ભાઈ કહે છે: “અમે નિરાશ થઈ જઈએ તોપણ પ્રાર્થના કરવાનું, બાઇબલનો અભ્યાસ કરવાનું, સભાઓમાં જવાનું અને પ્રચાર કરવાનું ચૂકતા નથી. એનાથી જોઈ શકીએ છીએ કે યહોવા અમારી પડખે છે અને ખુશ રહેવા અમને મદદ કરી રહ્યા છે. અમે એક વાત મનમાં ઠસાવી લીધી છે કે યહોવા કાયમ અમને સાથ આપશે અને આશીર્વાદ આપશે. અમે એ તો જાણતા નથી કે કઈ રીતે, પણ તે ચોક્કસ અમારી મદદ કરશે.”
૧૫. નિરાશ કરી દેતા વિચારોમાંથી બહાર આવવા આપણે શું કરી શકીએ? દાખલો આપીને સમજાવો.
૧૫ જોકે નિરાશામાંથી બહાર આવવા ફક્ત બાઇબલ વાંચવું અને સભામાં જવું જ પૂરતું નથી. આપણે કંઈક વધારે કરવું પડશે. ધારો કે, તમને કમરમાં દુખાવો થાય છે. જો તમે દરરોજ ચાલવા જશો તો કદાચ થોડી રાહત મળશે. પણ પૂરી રીતે સાજા થવા તમારે કંઈક વધારે કરવું પડશે. સૌથી પહેલા, તમારે જાણવું પડશે કે દુખાવો કેમ થાય છે. એ માટે કદાચ તમારે સંશોધન કરવું પડે, ડૉક્ટર પાસે પણ જવું પડે. એવી જ રીતે, વારંવાર નિરાશ કરી દેતા વિચારોમાંથી બહાર આવવા આપણે કદાચ બાઇબલ અને સાહિત્યમાં સંશોધન કરવું પડે. એટલું જ નહિ, અનુભવી ભાઈ કે બહેન સાથે વાત પણ કરવી પડે. આપણે બીજું શું કરી શકીએ? ચાલો અમુક સૂચનો પર ધ્યાન આપીએ.
૧૬. નિરાશાનું કારણ જાણવા શું કરી શકીએ? (ગીતશાસ્ત્ર ૧૩૯:૧-૪, ૨૩, ૨૪)
૧૬ નિરાશાનું કારણ જાણવા પ્રાર્થનામાં મદદ માંગીએ. દાઉદ રાજાને ખબર હતી કે યહોવા તેમને સારી રીતે ઓળખે છે. એટલે તેમણે પોતાના ‘મનની ચિંતાઓનું’ કારણ જાણવા યહોવા પાસે મદદ માંગી. (ગીતશાસ્ત્ર ૧૩૯:૧-૪, ૨૩, ૨૪ વાંચો.) આપણે પણ નિરાશાનું કારણ જાણવા અને એમાંથી બહાર આવવા યહોવા પાસે મદદ માંગી શકીએ. આપણે આવા અમુક સવાલો પર પણ વિચાર કરી શકીએ: ‘નિરાશાનું મૂળ કારણ કયું છે? એવી કઈ બાબત કે સંજોગ છે જેના લીધે મારા મનમાં નિરાશ કરી દેતા વિચારો આવવા લાગે છે? એવું થાય ત્યારે શું હું તરત એવા વિચારોને મનમાંથી કાઢી નાખું છું કે પછી એ વિશે વિચાર્યા કરું છું?’
૧૭. સારી વાતો પર મન લગાડવા આપણે કયા વિષયો પર અભ્યાસ કરી શકીએ? (ચિત્ર પણ જુઓ.)
૧૭ પોતાના સંજોગોમાં મદદ મળે એવા વિષય પર અભ્યાસ કરીએ. સમયે સમયે યહોવાના ગુણો પર અભ્યાસ કરવાથી આપણને ઘણું ઉત્તેજન મળી શકે છે. પ્રેરિત પાઉલે એવું જ કર્યું. ઈસુના બલિદાન અને યહોવાની માફી પર મનન કરવાથી તેમને ઘણી મદદ મળી. આપણે પણ એવું કરી શકીએ. આપણે યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા અથવા jw.org વેબસાઇટમાંથી સંશોધન કરી શકીએ. આપણે યહોવાની દયા, માફી અને અતૂટ પ્રેમ જેવા વિષયો પર અભ્યાસ કરી શકીએ. સંશોધન કર્યા પછી જે લેખ મળે એનું એક લિસ્ટ બનાવીએ. પછી નજરે પડે એવી કોઈ જગ્યાએ એ લિસ્ટ મૂકીએ. જ્યારે પણ મન ઉદાસ થવા લાગે ત્યારે એ લિસ્ટમાંથી લેખો વાંચીએ. પછી વિચારીએ કે એની માહિતી આપણને કઈ રીતે લાગુ પડે છે.—ફિલિ. ૪:૮.
નિરાશામાંથી બહાર આવવા મદદ મળે એવા વિષયો પર અભ્યાસ કરીએ (ફકરો ૧૭ જુઓ)
૧૮. અમુક ભાઈ-બહેનોને કયા વિષયો પર સંશોધન કરવાથી ફાયદો થયો છે?
૧૮ આપણે અગાઉ એલિઝા વિશે જોઈ ગયા હતા. તેને અયૂબના દાખલા પર અભ્યાસ કરવાથી ઘણી મદદ મળી. તે કહે છે: “મારા પર એકસાથે ઘણી બધી મુશ્કેલીઓ આવી પડી. એટલે મેં અયૂબ વિશે ઊંડો અભ્યાસ કર્યો. તેમના પર પણ ઉપરા-છાપરી ઘણી બધી મુશ્કેલીઓ આવી અને એના લીધે તે ખૂબ જ નિરાશ થઈ ગયા. તેમને તો એ પણ ખબર ન હતી કે તેમના પર આટલી બધી મુશ્કેલીઓ કેમ આવી. તોપણ તેમણે મદદ માટે હંમેશાં યહોવા પર આધાર રાખ્યો.” (અયૂ. ૪૨:૧-૬) આપણે ડાયનાબહેન વિશે પણ અગાઉ જોઈ ગયા હતા. તે કહે છે: “હું અને મારા પતિ આપણાં સાહિત્યમાંથી યહોવાના ગુણો પર અભ્યાસ કરીએ છીએ. અમે જોઈ શકીએ છીએ કે યહોવા એક કુંભારની જેમ અમને ઘડી રહ્યા છે. એ માટે તેમનો ખૂબ આભાર માનીએ છીએ. જ્યારે અમે પોતાની ભૂલોને લીધે નિરાશ થઈ જઈએ છીએ, ત્યારે એમાંથી બહાર આવવા યાદ કરીએ છીએ કે યહોવા અમને શીખવી રહ્યા છે અને સારા ગુણો કેળવવા મદદ કરી રહ્યા છે. એનાથી તેમની સાથેની દોસ્તી વધારે પાકી થાય છે.”—યશા. ૬૪:૮.
હિંમત ન હારીએ
૧૯. અમુક વાર આપણને કેવું લાગી શકે, પણ કઈ વાત પર આપણે પૂરો ભરોસો રાખી શકીએ?
૧૯ આ લેખમાં આપેલી સલાહ પાળવાથી આપણને ચોક્કસ ફાયદો થશે. પણ એનો અર્થ એ નથી કે આપણે ક્યારેય નિરાશ નહિ થઈએ. અમુક દિવસ એવા હશે કે જ્યારે આપણે પોતાને લાચાર મહેસુસ કરીશું. પણ યહોવા આપણને નિરાશાની લાગણી પર કાબૂ મેળવવા અને મન શાંત કરવા મદદ કરશે. યહોવા સાથે આપણી દોસ્તી એકદમ પાકી છે અને આપણને ખબર છે કે તે આપણી સેવાથી ખુશ છે. એટલે આપણે પૂરો ભરોસો રાખી શકીએ છીએ કે મોટા ભાગના દિવસો આપણે ખુશ રહીશું.
૨૦. તમે શું કરવાનો દૃઢ નિર્ણય લીધો છે?
૨૦ દૃઢ નિર્ણય લઈએ કે હાલના સંજોગો, અગાઉની ભૂલો કે નબળાઈઓને પોતાના પર હાવી નહિ થવા દઈએ. નિરાશાના વાદળો ઘેરાવા લાગે ત્યારે યહોવા આપણને મન શાંત રાખવા મદદ કરશે. (ગીત. ૧૪૩:૧૦) આપણે એ સમયની આતુરતાથી રાહ જોઈએ છીએ કે જ્યારે સારી વાતો પર મન લગાડવા આપણે મહેનત નહિ કરવી પડે. રોજ સવારે ઊઠીશું ત્યારે આપણાં મનમાં કોઈ ચિંતા નહિ હોય. દરરોજ આપણે ખુશી ખુશી પ્રેમાળ પિતા યહોવાની ભક્તિ કરી શકીશું.
ગીત ૨૯ ચાલું તારી સંગે
a શબ્દોની સમજ: આ લેખમાં એવા લોકો વિશે વાત થઈ છે જેઓ “નિરાશ” છે, ઉદાસ છે અથવા વધારે પડતી ચિંતા કરે છે. આ લેખમાં એવા લોકો વિશે વાત નથી થઈ, જેઓ લાંબા સમયથી ડિપ્રેશનમાં છે અને જેઓને ડૉક્ટરની મદદની જરૂર છે.
b પાઉલના પત્રોથી એવું લાગે છે કે તેમને ઓછું દેખાતું હતું. એટલે તેમને મંડળોને પત્રો લખવા, મુસાફરી કરવી અને પ્રચાર કરવો અઘરું લાગતું હશે. (ગલા. ૪:૧૫; ૬:૧૧) અથવા કદાચ જૂઠા શિક્ષકો તેમના વિશે જે વાતો કહેતા હતા, એના લીધે તે હેરાન-પરેશાન થઈ જતા હશે. (૨ કોરીં. ૧૦:૧૦; ૧૧:૫, ૧૩) ભલે ગમે એ મુશ્કેલી હોય, પણ એ વિશે વિચારીને પાઉલ ક્યારેક દુઃખી થઈ જતા હતા.
c અમુક નામ બદલ્યાં છે.