પસંદગી કરવાની છૂટ વિશે બાઇબલ શું કહે છે? શું ભગવાન આપણું ભાવિ નક્કી કરે છે?
શાસ્ત્રમાંથી જવાબ
ભગવાને આપણને જાતે પસંદગી કરવાની છૂટ આપી છે. એટલે આપણે જાતે નિર્ણયો લઈ શકીએ છીએ. આપણી સાથે ભાવિમાં શું બનશે એ વિશે ભગવાને નસીબમાં પહેલેથી કંઈ લખ્યું નથી. ચાલો જોઈએ કે બાઇબલમાં એ વિશે શું જણાવ્યું છે.
ભગવાને આપણામાં તેમના જેવા ગુણો મૂક્યા છે. (ઉત્પત્તિ ૧:૨૬) પ્રાણીઓ સહજ બુદ્ધિથી અથવા સ્વાભાવિક રીતે વર્તે છે. પણ આપણે સર્જનહારને અનુસરી શકીએ છીએ તેમજ તેમની જેમ પ્રેમ અને ન્યાય જેવા ગુણો બતાવી શકીએ છીએ. આપણા સર્જનહારની જેમ આપણી પાસે જાતે નિર્ણયો લેવાની છૂટ છે.
મોટા ભાગે આપણે જ નક્કી કરી શકીએ છીએ કે આપણું ભાવિ કેવું હશે. બાઇબલમાં કહ્યું છે કે ‘જીવન પસંદ કરીએ’ અને એ માટે ‘ઈશ્વરનું સાંભળીએ,’ એટલે કે તેમની આજ્ઞા પાળીએ. (પુનર્નિયમ ૩૦:૧૯, ૨૦) જો આપણી પાસે જાતે નિર્ણયો લેવાની આઝાદી જ ન હોત તો એ પસંદગી આપવાનો શો અર્થ. એ તો ક્રૂરતા કહેવાય! ભગવાન તેમની વાત મનાવવા આપણને જબરજસ્તી નથી કરતા, એના બદલે તે પ્રેમથી અરજ કરે છે: “જો તમે મારી આજ્ઞાઓ પાળો તો કેવું સારું! જો એમ કરો તો તમારી શાંતિ નદીના જેવી થશે.”—યશાયા ૪૮:૧૮.
આપણે જીવનમાં સુખી થઈશું કે દુઃખી, એ બધું કંઈ નસીબમાં લખેલું નથી. જો કોઈ કામમાં સફળ થવું હોય તો સખત મહેનત કરવી જોઈએ. બાઇબલમાં લખ્યું છે: ‘જે કંઈ કામ તારે હાથ લાગે એ પૂરી તાકાતથી કર.’ (સભાશિક્ષક ૯:૧૦) એમાં એમ પણ લખ્યું છે કે “મહેનતુ માણસની યોજનાઓ સફળ થાય છે.”—નીતિવચનો ૨૧:૫.
ભગવાને આપણને પસંદગી કરવાની આઝાદી આપી છે. એટલે જ આપણે “પૂરા દિલથી” તેમને પ્રેમ કરી શકીએ છીએ અને એ પણ રાજીખુશીથી. (માથ્થી ૨૨:૩૭) એ આઝાદી સાચે જ એક અનમોલ ભેટ છે!
શું ભગવાન એકેએક બાબત પર કાબૂ રાખે છે?
બાઇબલમાં જણાવ્યું છે કે ભગવાન સર્વશક્તિમાન છે. તેમની શક્તિનો કોઈ પાર નથી, કોઈ તેમને પોતાની શક્તિનો ઉપયોગ કરતા રોકી શકતું નથી. (અયૂબ ૩૭:૨૩; યશાયા ૪૦:૨૬) જોકે, તે પોતાની શક્તિથી દુનિયાની એકેએક બાબત કાબૂમાં નથી રાખતા. દાખલા તરીકે, બાઇબલમાં જણાવ્યું છે કે જૂના જમાનામાં બાબેલોનના લોકો ઈશ્વરભક્તોને ખૂબ ત્રાસ આપતા હતા. પણ એ સમયે ભગવાને એ દુશ્મનો વિરુદ્ધ પગલાં ભરતા ‘પોતાને રોક્યા.’ (યશાયા ૪૨:૧૪) આજે પણ લોકો નિર્ણય લેવાની છૂટનો ખોટો ઉપયોગ કરે છે અને બીજાઓને નુકસાન પહોંચાડે છે. જોકે ભગવાન હાલ પૂરતું ધીરજ રાખી રહ્યા છે, પણ તે કાયમ માટે એવું ચાલવા નહિ દે.—ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧.