યહોવાના સાક્ષીઓ શા માટે રાજકારણમાં કોઈનો પક્ષ નથી લેતા?
યહોવાના સાક્ષીઓ બાઇબલની વાતો પાળે છે, એ પ્રમાણે તેઓ રાજકારણમાં ભાગ લેતા નથી કે રાજકારણમાં કોઈનો પક્ષ લેતા નથી. અમે કોઈ નેતા પર પ્રભાવ પાડવાનો પ્રયત્ન કરતા નથી. અમે રાજકારણમાં કોઈ પદવી મેળવવાનો કે સરકાર બદલવાનો પણ પ્રયત્ન કરતા નથી. અમે શા માટે રાજકારણમાં કોઈનો પક્ષ નથી લેતા, એના ઘણાં કારણો બાઇબલમાં આપેલાં છે.
પહેલું કારણ એ છે કે અમે ઈસુના પગલે ચાલીએ છીએ. એક વાર લોકોએ ઈસુને રાજા બનાવવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તેમણે ના પાડી દીધી. (યોહાન ૬:૧૫) ઈસુએ શિષ્યોને શીખવ્યું કે તેઓ આ “દુનિયાના નથી.” આ રીતે તેમણે સ્પષ્ટ બતાવી આપ્યું કે શિષ્યોએ રાજકારણમાં કોઈનો પક્ષ લેવો ન જોઈએ.—યોહાન ૧૭:૧૪, ૧૬; ૧૮:૩૬; માર્ક ૧૨:૧૩-૧૭.
બીજું કારણ એ છે કે અમે વફાદારીથી ઈશ્વરના રાજ્ય કે સરકારને ટેકો આપીએ છીએ. એ રાજ્ય વિશે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું: “રાજ્યની આ ખુશખબર આખી દુનિયામાં જણાવવામાં આવશે.” (માથ્થી ૨૪:૧૪) ઈશ્વરના રાજ્યના સેવકો હોવાને લીધે અમે આખી દુનિયામાં એનો પ્રચાર કરીએ છીએ. એટલે અમે કોઈ માણસોની સરકાર કે પાર્ટીને ટેકો આપતા નથી કે એનો પ્રચાર કરતા નથી, ભલે એ કોઈ પણ દેશની હોય.—૨ કોરીંથીઓ ૫:૨૦; એફેસીઓ ૬:૨૦.
ત્રીજું કારણ એ છે કે અમે કોઈનો પક્ષ નથી લેતા, એનાથી બધા લોકોને રાજ્યની ખુશખબર જણાવી શકીએ છીએ, ભલે સામેવાળી વ્યક્તિ કોઈ રાજકીય પક્ષની હોય તોપણ. એમ કરવા અમારે તટસ્થ રહેવાનું છે, તો જ અમે અચકાયા વગર ખુશખબર જણાવી શકીશું. અમારાં વાણી-વર્તનથી બતાવીએ છીએ કે અમને ઈશ્વરના રાજ્ય પર પૂરો ભરોસો છે. એટલું જ નહિ, અમે માનીએ છીએ કે ફક્ત એ રાજ્ય જ દુનિયાની બધી દુ:ખ-તકલીફો દૂર કરશે.—ગીતશાસ્ત્ર ૫૬:૧૧.
યહોવાના સાક્ષીઓ કોઈ પણ રાજકીય પાર્ટીનો ભાગ નથી. એટલે તેઓમાં ભાગલા નથી અને આખી દુનિયામાં તેઓ વચ્ચે એકતા જોવા મળે છે. (કોલોસીઓ ૩:૧૪; ૧ પિતર ૨:૧૭) જ્યારે કે જે ધર્મોના લોકો અલગ અલગ રાજકીય પક્ષોમાં વહેંચાયેલા છે, તેઓમાં એવી એકતા જોવા મળતી નથી.—૧ કોરીંથીઓ ૧:૧૦.
સરકાર માટે આદર. ભલે અમે રાજકારણમાં ભાગ નથી લેતા, છતાં પોતાના દેશની સરકારને આધીન રહીએ છીએ. કેમ કે, અમે બાઇબલની આ આજ્ઞા પાળીએ છીએ: “આપણે ઉચ્ચ અધિકારીઓને આધીન રહેવું જોઈએ.” (રોમનો ૧૩:૧) અમે સરકારના નિયમો પાળીએ છીએ, કરવેરો ભરીએ છીએ અને નાગરિકોની ભલાઈ માટે સરકાર જે પણ કામ કરે છે એમાં સાથ આપીએ છીએ. અમે સરકારને ઉથલાવી પાડવાનો પ્રયત્ન કરવાને બદલે બાઇબલની આ સલાહ પાળીએ છીએ: “રાજાઓ અને સત્તા ધરાવનારા બધા માટે” પ્રાર્થના કરો. (૧ તિમોથી ૨:૧, ૨) ખાસ તો જ્યારે કોઈ એવો નિર્ણય લેવાનો હોય, જેની અમારા પ્રચારકામ પર અસર થવાની હોય.
રાજકારણની બાબતમાં બીજાઓએ શું નિર્ણય લેવો એમાં અમે માથું નથી મારતા. અમે બીજાઓના નિર્ણયને માન આપીએ છીએ અને ચૂંટણીમાં કોઈ મુશ્કેલી ઊભી નથી કરતા કે વોટ આપતા કોઈને રોકતા નથી.
રાજકારણમાં ભાગ ન લેવાના વિચારો ક્યારથી શરૂ થયા? પહેલી સદીથી શરૂ થયા. એ સમયના ખ્રિસ્તીઓ કોઈ પણ જાતની રાજકીય બાબતોમાં માથું મારતા ન હતા. બિયૉન્ડ ગુડ ઇન્ટેન્શન્સ નામના પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે: “પહેલી સદીના ખ્રિસ્તીઓ માનતા હતા કે સરકારી અધિકારીઓની વાત માનવી જોઈએ, પણ તેઓ રાજકીય બાબતોમાં ભાગ લેતા ન હતા.” એવી જ રીતે ઓન ધ રોડ ટુ સિવિલાઇઝેશન નામના પુસ્તકમાં જણાવ્યું છે કે પહેલી સદીના ખ્રિસ્તીઓ “કોઈ પણ જાતનું રાજકીય પદ સ્વીકારતા ન હતા.”
રાજકારણમાં કોઈનો પક્ષ નથી લેતા તો, શું એનાથી દેશને ખતરો થઈ શકે? ના. અમે શાંતિ ચાહનારા નાગરિકો છીએ. સરકારી અધિકારીઓને અમારાથી કોઈ ખતરો નથી. ૨૦૦૧માં યુક્રેનના રાષ્ટ્રીય વિજ્ઞાનની એકૅડૅમી દ્વારા એક અહેવાલ બહાર પાડ્યો. એમાં જણાવ્યું છે: “યહોવાના સાક્ષીઓના વિચારોને કદાચ આજે અમુક લોકો પસંદ ન કરે. પણ તેઓના એ વિચારોને લીધે તેઓને નાઝી (જર્મની) અને કૉમ્યુનિસ્ટ સરકાર દ્વારા સતાવવામાં આવ્યા હતા.” ઉપરાંત સોવિયેત સરકારે પણ સતાવણી કરી હતી, છતાં તેઓએ “સારા નાગરિક તરીકેની ફરજ બજાવી. તેઓને જે પણ કામ સોંપવામાં આવ્યું એ ઈમાનદારીથી અને મન લગાડીને કર્યું. એ સમયગાળા દરમિયાન તેઓ કૉમ્યુનિસ્ટ સરકાર માટે ખતરો સાબિત ન થયા.” એ અહેવાલમાં છેલ્લે જણાવ્યું છે કે આજે પણ યહોવાના સાક્ષીઓની માન્યતા કે તેઓનું કામ “કોઈ પણ દેશની શાંતિ અને સલામતી માટે ખતરો નથી.”