શું આપણા મરણનો સમય પહેલેથી નક્કી હોય છે?
શાસ્ત્રમાંથી જવાબ
ના, આપણા મરણનો સમય પહેલેથી નક્કી હોતો નથી. બાઇબલ નસીબ કે ભાગ્યના શિક્ષણના ટેકો આપતું નથી. પણ એમાં લખ્યું છે કે મરણ ‘અણધાર્યા સંજોગોને’ લીધે થાય છે.—સભાશિક્ષક ૯:૧૧.
શું બાઇબલમાં એમ નથી લખ્યું કે “મરણનો સમય” હોય છે?
હા, સભાશિક્ષક ૩:૨માં લખ્યું છે કે “જન્મનો સમય અને મરણનો સમય. રોપવાનો સમય અને ઉખેડી નાખવાનો સમય” હોય છે. પણ આજુબાજુની કલમો તપાસવાથી ખબર પડે છે કે એમાં રોજબરોજના જીવનમાં થતી બાબતોની વાત થઈ છે. (સભાશિક્ષક ૩:૧-૮) જેમ રોપવાનો એક સમય હોય છે, પણ ઈશ્વરે રોપવા માટે કોઈ ચોક્કસ સમય કે દિવસ નથી આપ્યો. એવી જ રીતે ઈશ્વરે આપણા મરણનો સમય નક્કી નથી કર્યો. પણ કલમ એ સમજવા મદદ કરે છે કે આપણે આપણા રોજીંદા કામોમાં એટલા વ્યસ્ત ન થઈ જઈએ કે ઈશ્વરને ભૂલી જઈએ.—સભાશિક્ષક ૩:૧૧; ૧૨:૧, ૧૩.
આપણે લાંબું જીવી શકીએ છીએ
આપણી સાથે ગમે ત્યારે કંઈ પણ બનાવ બની શકે છે. પણ જો આપણે સમજી-વિચારીને નિર્ણય લઈશું તો આપણે લાંબું જીવન જીવી શકીશું. બાઇબલમાં લખ્યું છે: “બુદ્ધિમાને શીખવેલી વાતો જીવનનો ઝરો છે, જે માણસને મોતના ફાંદાથી બચાવે છે.” (નીતિવચનો ૧૩:૧૪) મૂસાએ પણ ઇઝરાયેલીઓને કહ્યું હતું કે જો તેઓ ઈશ્વરની આજ્ઞાઓ પાળશે, તો તેઓ ‘લાંબું જીવી’ શકશે. (પુનર્નિયમ ૬:૨) પણ જો આપણે બેદરકાર બનીને ખરાબ કામો કરીશું તો આપણું જીવન ટૂંકું થઈ જશે.—સભાશિક્ષક ૭:૧૭.
ભલે આપણે ગમે એટલા સમજદાર કે સાવધાન કેમ ન હોઈએ, આપણે મરણથી બચી શકતા નથી. (રોમનો ૫:૧૨) પણ હંમેશાં એવું રહેવાનું નથી, કેમ કે બાઇબલ વચન આપે છે કે એવો સમય આવશે જ્યારે “મરણ પણ રહેશે નહિ!”—પ્રકટીકરણ ૨૧:૪.