વિજ્ઞાન વિશે યહોવાના સાક્ષીઓના વિચારો શું છે?
અમે માનીએ છીએ કે વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે. વિજ્ઞાનની જે શોધ પુરાવાને આધારે સાબિત થઈ છે, એના પર અમે ભરોસો પણ કરીએ છીએ.
‘વિજ્ઞાન એટલે કોઈ પણ પ્રક્રિયાને ચોતરફથી પૂરી રીતે જાણવી. કુદરતી ક્રિયાઓનું કારણ સમજવું, પણ કશું અધ્ધરતાલ માની લેવું નહિ.’ (ગુજરાતી વિશ્વકોશ) ખરું કે, બાઇબલ કંઈ વિજ્ઞાનનું પુસ્તક નથી. તોપણ, એ લોકોને સૃષ્ટિનો અભ્યાસ કરવા અને વિજ્ઞાને કરેલી શોધમાંથી ફાયદો મેળવવા મદદ કરે છે. ચાલો, એના અમુક દાખલા જોઈએ:
ખગોળશાસ્ત્ર: “તમારી આંખો ઊંચી કરીને આકાશ તરફ જુઓ. એ બધા તારા કોણે બનાવ્યા છે? તે તેઓને સૈન્યની જેમ ગણી ગણીને બહાર લઈ આવે છે અને બધાને નામથી બોલાવે છે.”—યશાયા ૪૦:૨૬.
જીવવિજ્ઞાન: પ્રાચીન ઇઝરાયેલનો રાજા સુલેમાન “લબાનોનના દેવદારનાં વૃક્ષોથી લઈને દીવાલ પર ઊગતા મરવો છોડ સુધી બધાં વૃક્ષો વિશે તે વર્ણન કરી શકતો હતો. પ્રાણીઓ, પક્ષીઓ, પેટે ચાલનાર પ્રાણીઓ અને માછલીઓ વિશે પણ તે વર્ણન કરી શકતો હતો.”—૧ રાજાઓ ૪:૩૩.
આરોગ્ય વિજ્ઞાન: “વૈદની જરૂર તંદુરસ્ત લોકોને નથી, પણ માંદા લોકોને છે.”—લૂક ૫:૩૧.
હવામાનશાસ્ત્ર: “શું તું બરફના ભંડારોમાં કદી પ્રવેશ્યો છે, શું તેં કરાનાં ગોદામો જોયાં છે, . . . ? શું તું જાણે છે, પ્રકાશ કયા માર્ગે પથરાય છે અને પૂર્વનો પવન ધરતી પર ક્યાંથી ફૂંકાય છે?”—અયૂબ ૩૮:૨૨-૨૪.
અમે માનીએ છીએ કે વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે. એટલે જ અમારાં સાહિત્યમાં એ વિશે અને સૃષ્ટિની રચના વિશે ઘણા લેખો છાપવામાં આવે છે. યહોવાના સાક્ષીઓ પોતાનાં બાળકોને ઉત્તેજન આપે છે કે તેઓ શિક્ષણ લે, જેથી સૃષ્ટિની રચનાને સારી રીતે સમજી શકે. ઘણા સાક્ષીઓ વિજ્ઞાનનાં અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરે છે. જેમ કે, અમુક જીવ વૈજ્ઞાનિક છે, તો અમુક ગણિતશાસ્ત્રી છે. અરે, અમુક તો ભૌતિક વૈજ્ઞાનિક પણ છે.
વિજ્ઞાનની એક હદ છે
અમે એવું નથી માનતા કે વિજ્ઞાન પાસે માણસોના બધા જ સવાલોના જવાબ છે.a દાખલા તરીકે, ભૂસ્તરશાસ્ત્રીઓ અભ્યાસ કરે છે કે પૃથ્વી કઈ કઈ વસ્તુઓની બનેલી છે. તેમ જ, જીવ વૈજ્ઞાનિકો અભ્યાસ કરે છે કે આપણું શરીર કઈ રીતે કામ કરે છે. પણ તેઓ સમજાવી શકતા નથી કે માણસો અને જીવ-જંતુઓના રહેવા માટે પૃથ્વી જ કેમ યોગ્ય છે? શરીરનાં અંગો સાથે મળીને કઈ રીતે કામ કરે છે?
એ સવાલોના સાચા જવાબ ફક્ત બાઇબલમાં છે. (ગીતશાસ્ત્ર ૧૩૯:૧૩-૧૬; યશાયા ૪૫:૧૮) એટલે અમે માનીએ છીએ કે સારું શિક્ષણ લેવાનો અર્થ થાય, વિજ્ઞાન અને બાઇબલ બંનેમાંથી શીખવું.
ઘણી વાર એવું લાગે કે વિજ્ઞાનની વાતો બાઇબલની વાતોના સુમેળમાં નથી. પણ એનું એક કારણ એ હોય શકે કે બાઇબલ હકીકતમાં શું શીખવે છે એ લોકો સમજતા નથી. જેમ કે, બાઇબલમાં ક્યાંય એવું નથી લખ્યું કે પૃથ્વીને ૨૪ કલાકના છ દિવસમાં બનાવવામાં આવી.—ઉત્પત્તિ ૧:૧; ૨:૪.
અમુક સિદ્ધાંતો એવા છે, જેને અમુક લોકો વિજ્ઞાનની નજરે સાચા માને છે. પણ એને સાબિત કરવા તેઓ પાસે કોઈ પુરાવા નથી. અમુક જાણીતા વૈજ્ઞાનિકો પણ એ સિદ્ધાંતોને સાચા માનતા નથી. દાખલા તરીકે, સૃષ્ટિની રચનામાં ડહાપણ જોવા મળે છે. અમે એના આધારે ઘણા જીવ વૈજ્ઞાનિકો, રસાયણશાસ્ત્રીઓ અને બીજા લોકો સાથે સહમત થઈએ છીએ, જેઓ ઉત્ક્રાંતિમાં માનતા નથી. તેઓ એવું પણ નથી માનતા કે અમુક જીવોમાં ધીરે ધીરે ફેરફાર થયો અને ફક્ત તેઓ જ જીવતા રહ્યા જે યોગ્ય હતા.
a ઑસ્ટ્રિયાના ભૌતિકશાસ્ત્રના નોબલ પ્રાઈઝ વિજેતા અરવીન શ્રોડીંગરે લખ્યું, ‘જે વિષયો આપણા દિલની નજીક છે અને મહત્ત્વના છે, એ વિશે વિજ્ઞાન કંઈ જણાવતું નથી.’ આલ્બર્ટ આઈન્સ્ટાઈને કહ્યું, “આપણે તકલીફો વેઠીને શીખ્યા છીએ કે સમાજમાં ઊભી થતી મુશ્કેલીઓનો હલ લાવવા સમજી-વિચારીને વર્તવું જ પૂરતું નથી.”