કુટુંબ માટે મદદ | લગ્નજીવન
ટૅક્નોલૉજીનો યોગ્ય ઉપયોગ કઈ રીતે કરવો?
ટૅક્નોલૉજીનો ઉપયોગ કરવાથી પતિ-પત્ની વચ્ચેનો સંબંધ મજબૂત થઈ શકે અથવા નબળો પડી શકે. તમારા લગ્નજીવન પર એની કેવી અસર પડે છે?
તમારે શું જાણવું જોઈએ?
જો મોબાઇલ કે ટેબ્લેટનો પતિ-પત્ની યોગ્ય ઉપયોગ કરશે, તો તેઓને ઘણો ફાયદો થશે. જેમ કે, અમુક પતિ-પત્ની આખો દિવસ એકબીજાથી દૂર રહેતા હોય ત્યારે, તેઓ મોબાઇલથી વાતચીત કરી શકે છે.
“એક નાના મૅસેજથી પણ ઘણો ફરક પડે છે. જેમ કે, ‘આઈ લવ યુ’ અથવા ‘તારી બહુ યાદ આવે છે.’”—જોનાથાન.
જો મોબાઇલનો યોગ્ય ઉપયોગ કરવામાં ન આવે, તો પતિ-પત્ની વચ્ચેનો સંબંધ નબળો પડી શકે છે. જેમ કે, અમુક લોકો રાત-દિવસ મોબાઇલમાં ડૂબેલા રહે છે. એના લીધે પોતાના સાથીને સમય નથી આપી શકતા.
“ઘણી વાર એવું થાય કે મારા પતિ મારી સાથે વાત કરવા માંગે, પણ કરી નથી શકતા. કેમ કે હું મારા ફોનને છોડતી જ નથી.”—જુલિસા.
અમુક લોકોનું કહેવું છે કે તેઓ પોતાના સાથી જોડે વાત કરતા કરતા મોબાઇલનો પણ ઉપયોગ કરી શકે છે. પણ સમાજ પર સંશોધન કરનાર શેરી ટર્કલ કહે છે, ‘લોકોને એવું લાગે છે કે તેઓ એકસાથે ઘણાં બધાં કામો કરી શકે છે, પણ એ સાચું નથી. કેમ કે, એકસાથે ઘણાં બધાં કામ કરવાથી કોઈ કામમાં બરકત નથી આવતી.’a
“જ્યારે હું મારા પતિ સાથે વાત કરું છું, ત્યારે મને ઘણી ખુશી થાય છે. પણ મારી સાથે વાત કરતા કરતા તે બીજું કોઈ કામ કરવા લાગે છે ત્યારે, મને જરાય નથી ગમતું. એવું લાગે છે કે જાણે હું હોઉં કે ના હોઉં તેમને કોઈ ફરક નથી પડતો.”—સારા.
આપણે શું શીખ્યા? મોબાઇલ કે ટેબ્લેટનો તમે જે રીતે ઉપયોગ કરશો, એનાથી તમારો સંબંધ કાં તો મજબૂત થશે કાં તો નબળો પડશે.
તમે શું કરી શકો?
જે મહત્ત્વનું છે એ પહેલા કરો. બાઇબલમાં લખ્યું છે: “જે વધારે મહત્ત્વનું છે એ તમે પારખી લો.” (ફિલિપીઓ ૧:૧૦) પોતાને પૂછો, ‘શું હું મારો વધારે પડતો સમય મોબાઇલમાં વિતાવું છું કે લગ્નસાથી જોડે?’
“જ્યારે પતિ-પત્ની હોટલમાં જમવા જાય છે ત્યારે પણ તેઓ એકબીજા સાથે વાત કરવાને બદલે મોબાઇલમાં મંડ્યા રહે છે. એ જોઈને ઘણું દુ:ખ થાય છે. આપણે મોબાઇલના ગુલામ ના બનીએ. પણ એકબીજા સાથેનો સંબંધ વધારે મહત્ત્વનો છે એ યાદ રાખીએ.”—મેથ્યુ.
સમય નક્કી કરો. બાઇબલમાં લખ્યું છે: “તમે પોતાના પર કડક નજર રાખો, જેથી તમે મૂર્ખની જેમ નહિ, પણ સમજુ માણસની જેમ ચાલો. તમારા સમયનો સૌથી સારો ઉપયોગ કરો.” (એફેસીઓ ૫:૧૫, ૧૬) પોતાને પૂછો, ‘શું હું જરૂરી ના હોય એવા મૅસેજને તરત વાંચવાને બદલે પછીથી વાંચી શકું?’
“ફોન સાઇલેન્ટ મોડ પર મૂકવાથી મને ઘણા ફાયદા થાય છે. જ્યારે મને સમય મળે ત્યારે હું મૅસેજના જવાબ આપું છું. એવું ભાગ્યે જ બને છે કે જરૂરી હોય એવા ફોન, મૅસેજ કે ઈ-મેઈલના જવાબ મારે તરત આપવા પડે.”—જોનાથાન.
બની શકે તો ઑફિસનું કામ ઑફિસમાં જ કરો. બાઇબલમાં લખ્યું છે: “દરેક બાબત માટે યોગ્ય સમય હોય છે.” (સભાશિક્ષક ૩:૧) પોતાને આવા સવાલો પૂછો: ‘શું ઑફિસનું કામ ઘરે કરવાથી અમારા કુટુંબ પર એની અસર પડે છે? જો હા, તો વિચારો કે કેવી અસર પડે છે? એ વિશે મારી પત્ની શું વિચારે છે?’
“ટૅક્નોલૉજીની મદદથી આપણે ઑફિસનું કામ કોઈ પણ જગ્યાએ અને કોઈ પણ સમયે કરી શકીએ છીએ. એટલે હું એ વાતનું ખાસ ધ્યાન રાખું છું કે મારી પત્ની સાથે હોય ત્યારે, ઑફિસનું કોઈ કામ ન કરું. અરે, ફોન પણ વારંવાર ના જોઉં.”—મેથ્યુ.
મોબાઇલ કે ટેબ્લેટના ઉપયોગ વિશે પોતાના સાથી જોડે વાત કરો. બાઇબલમાં લખ્યું છે: “દરેકે પોતાનો જ નહિ, બીજાના ફાયદાનો પણ વિચાર કરવો જોઈએ.” (૧ કોરીંથીઓ ૧૦:૨૪) પોતાના સાથીને પૂછો કે તમે જે રીતે મોબાઇલ કે ટેબ્લેટનો ઉપયોગ કરો છો, એમાં શું કોઈ ફેરફાર કરવાની જરૂર છે? આ લેખમાં આપેલાં અમુક સૂચનો પર તમે ધ્યાન આપી શકો.
“હું ને મારા પતિ એકબીજાને દરેક વાત જણાવી દઈએ છીએ. કોઈ એક ને પણ લાગે કે અમે મોબાઇલ કે ટેબ્લેટનો વધારે પડતો ઉપયોગ કરી છીએ તો અમે તરત જણાવી દઈએ છીએ, જેથી આગળ જતાં કોઈ મુશ્કેલી ઊભી ના થાય. અમે એકબીજાના વિચારો પણ ધ્યાનથી સાંભળીએ છીએ.”—ડેન્યેલ.
આપણે શું શીખ્યા? ટૅક્નોલૉજીની મદદથી આપણું કામ ચપટી વગાડતા થઈ જાય છે, પણ એના ગુલામ ના બનીએ.
a આ માહિતી રિક્લેમિંગ કૉન્વર્સેશન—ધ પાવર ઑફ ટૉક ઇન એ ડિજિટલ એજ પુસ્તકમાંથી છે.