બુધવાર, ઑક્ટોબર ૧૫
“હું આલ્ફા અને ઓમેગા છું!”—પ્રકટી. ૧:૮.
ગ્રીક મૂળાક્ષરોમાં આલ્ફા પહેલો અને ઓમેગા છેલ્લો અક્ષર છે. પોતાના માટે “આલ્ફા અને ઓમેગા” શબ્દો વાપરીને તે કહેવા માંગતા હતા કે તે કોઈ કામ શરૂ કરે છે ત્યારે, એ પૂરું કરીને જ રહે છે. આદમ-હવાને બનાવ્યા પછી યહોવાએ તેઓને કહ્યું કે “તમને ઘણાં બાળકો થાઓ, તમે પુષ્કળ વધો, પૃથ્વીને ભરી દો અને એના પર અધિકાર ચલાવો.” (ઉત. ૧:૨૮) એ સમયે યહોવાએ પહેલી વાર પોતાનો હેતુ જણાવ્યો. આમ જાણે તેમણે કહ્યું, “આલ્ફા.” સમય જતાં, તેમનો હેતુ પૂરો થશે. આદમ-હવાના વફાદાર વંશજોથી આખી પૃથ્વી ભરાઈ જશે અને તેઓ પૃથ્વીને સુંદર બનાવી દેશે. એ સમયે યહોવા જાણે કહેશે, “ઓમેગા.” “આકાશ, પૃથ્વી અને એમાંનું બધું જ” બનાવ્યા પછી યહોવાએ એવું કંઈક કહ્યું, જે ખાતરી આપે છે કે તેમનો હેતુ જરૂર પૂરો થશે. એ જ કે માણસજાત અને પૃથ્વી માટેનો પોતાનો હેતુ પૂરો કરવા તેમણે સાતમા દિવસને અલગ ઠરાવ્યો. આમ, સાતમા દિવસને પવિત્ર ઠરાવીને તે જાણે કહી રહ્યા હતા કે સાતમો દિવસ પૂરો થશે ત્યાં સુધીમાં તેમનો હેતુ પૂરો થઈ ગયો હશે.—ઉત. ૨:૧-૩. w૨૩.૧૧ ૫ ¶૧૩-૧૪
ગુરુવાર, ઑક્ટોબર ૧૬
“યહોવાનો માર્ગ તૈયાર કરો! આપણા ઈશ્વર માટે રણમાંથી પસાર થતો સીધો રાજમાર્ગ બનાવો.”—યશા. ૪૦:૩.
બાબેલોનથી ઇઝરાયેલની મુસાફરી ઘણી મુશ્કેલ હતી અને એમાં આશરે ચાર મહિના લાગી જતા હતા. પણ યહોવાએ વચન આપ્યું હતું કે તે માર્ગમાં આવનાર દરેક અડચણને દૂર કરશે. વફાદાર યહૂદીઓએ ઇઝરાયેલ પાછા જવા ઘણું જતું કરવાનું હતું. પણ તેઓ એ વાત જાણતા હતા કે પોતે જે કંઈ જતું કરશે, એના બદલામાં યહોવા અનેક ગણાં આશીર્વાદ આપશે. સૌથી મોટો આશીર્વાદ તો એ હતો કે તેઓ ત્યાં જઈને સારી રીતે યહોવાની ભક્તિ કરી શકશે. બાબેલોન શહેરમાં યહોવાનું એકેય મંદિર ન હતું. એવી એક પણ વેદી ન હતી, જ્યાં તેઓ મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે બલિદાનો ચઢાવી શકે. એ બલિદાનો ચઢાવવા યાજકોની કોઈ ગોઠવણ પણ ન હતી. યહૂદીઓ એવા લોકો વચ્ચે રહેતા હતા, જેઓ જૂઠાં દેવી-દેવતાઓની ભક્તિ કરતા હતા અને જેઓને યહોવાનાં ધોરણોની કંઈ પડી ન હતી. યહૂદીઓ કરતાં એ લોકોની સંખ્યા ઘણી વધારે હતી. એટલે હજારો વફાદાર યહૂદીઓ પોતાના વતન જવા ખૂબ આતુર હતા, જેથી તેઓ યહોવાની શુદ્ધ ભક્તિ કરી શકે. w૨૩.૦૫ ૧૪-૧૫ ¶૩-૪
શુક્રવાર, ઑક્ટોબર ૧૭
“પ્રકાશનાં બાળકો તરીકે ચાલતા રહો.”—એફે. ૫:૮.
આપણને ઈશ્વરની પવિત્ર શક્તિની મદદની જરૂર છે, જેથી “પ્રકાશનાં બાળકો” તરીકે ચાલતા રહી શકીએ. શા માટે? આ દુનિયા કાદવ જેવી છે અને એમાં આપણા ચારિત્ર પર ડાઘ ન લાગે એ રીતે ચાલવું બહુ અઘરું છે. (૧ થેસ્સા. ૪:૩-૫, ૭, ૮) પણ પવિત્ર શક્તિની મદદથી આપણે માણસોના એવા વિચારોથી દૂર રહી શકીશું, જે ઈશ્વરના વિચારો સાથે મેળ ખાતા નથી. પવિત્ર શક્તિ આપણને “દરેક પ્રકારની ભલાઈ” અને “નેકી” કેળવવા પણ મદદ કરશે. (એફે. ૫:૯) પવિત્ર શક્તિ મેળવવાની એક રીત છે, પ્રાર્થના કરીએ. ઈસુએ કહ્યું હતું કે જેઓ યહોવા પાસે “પવિત્ર શક્તિ માંગે છે, તેઓને તે આપશે.” (લૂક ૧૧:૧૩) સભાઓમાં બધા સાથે મળીને યહોવાની સ્તુતિ કરીએ છીએ ત્યારે પણ આપણને પવિત્ર શક્તિ મળે છે. (એફે. ૫:૧૯, ૨૦) પવિત્ર શક્તિ આપણા પર કામ કરતી હોય છે ત્યારે, યહોવા ખુશ થાય એવું જીવન જીવવા મદદ મળે છે. w૨૪.૦૩ ૨૩-૨૪ ¶૧૩-૧૫