વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • jy પ્રકરણ ૬ પાન ૨૦-પાન ૨૧ ફકરો ૮
  • વચન પ્રમાણે બાળક જન્મે છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વચન પ્રમાણે બાળક જન્મે છે
  • ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
  • સરખી માહિતી
  • તે ‘આ બધી વાતો વિશે મનમાં વિચારવા લાગી’
    તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
  • મરિયમની જિંદગીમાંથી શું શીખવા મળે છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • “જો, હું યહોવાની દાસી છું!”
    તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
  • કુંવારી હોવા છતાં મરિયમ મા બનવાની છે
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
વધુ જુઓ
ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
jy પ્રકરણ ૬ પાન ૨૦-પાન ૨૧ ફકરો ૮
યુસફ, મરિયમ અને હાન્‍ના પ્રબોધિકા જુએ છે તેમ, શિમયોન નાનકડા ઈસુને હાથમાં લે છે

પ્રકરણ ૬

વચન પ્રમાણે બાળક જન્મે છે

લુક ૨:૨૧-૩૯

  • ઈસુની સુન્‍નત થઈ અને પછીથી મંદિરમાં લાવવામાં આવ્યા

યુસફ અને મરિયમ નાઝરેથ પાછા ફરવાને બદલે બેથલેહેમમાં જ રહ્યા. ઈશ્વરે ઇઝરાયેલને આપેલા નિયમ પ્રમાણે, ઈસુ આઠ દિવસના થયા ત્યારે તેઓએ તેમની સુન્‍નત કરાવી. (લેવીય ૧૨:૨, ૩) એ દિવસે છોકરાને નામ આપવાનો પણ રિવાજ હતો. એટલે, ગાબ્રિયેલ દૂતના કહેવા પ્રમાણે તેઓએ પોતાના દીકરાનું નામ ઈસુ રાખ્યું.

એક મહિનાથી વધારે સમય વીતી ગયો અને ઈસુ ૪૦ દિવસના થયા. પછી, તેમનાં માબાપ તેમને ક્યાં લઈ ગયા? તેઓ રહેતા હતા એનાથી થોડા જ કિલોમીટર દૂર આવેલા યરૂશાલેમના મંદિરે. નિયમશાસ્ત્ર જણાવતું હતું કે પુત્રના જન્મના ૪૦ દિવસ પછી, માતાએ શુદ્ધ થવા માટેનું અર્પણ મંદિરમાં ચડાવવું.—લેવીય ૧૨:૪-૮.

મરિયમે એમ જ કર્યું. તે અર્પણ ચડાવવા બે નાનાં પક્ષીઓ લાવી હતી. એનાથી ખ્યાલ આવે છે કે યુસફ અને મરિયમની પૈસેટકે કેવી હાલત હતી. નિયમશાસ્ત્ર પ્રમાણે, એક હલવાન અને એક પક્ષીનું અર્પણ ચડાવવાનું હતું. પરંતુ, જો માતાને હલવાન ચડાવવાનું પોષાય એમ ન હોય, તો બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાં પૂરતાં હતાં. મરિયમની હાલત એવી જ હતી અને તેણે એ પ્રમાણે ચડાવ્યું.

“તેઓને શુદ્ધ કરવાનો સમય આવ્યો”

શુદ્ધ કરવાનું અર્પણ ચડાવવા યુસફ અને મરિયમ નાનકડા ઈસુને મંદિરે લાવે છે

ઇઝરાયેલી સ્ત્રી બાળકને જન્મ આપે ત્યારે, રિવાજ પ્રમાણે અમુક સમય માટે તે અશુદ્ધ ગણાતી. એ સમયગાળાના અંતે, શુદ્ધ થવા માટેના બલિદાન તરીકે અગ્‍નિ-અર્પણ ચડાવવામાં આવતું. એ યાદ કરાવતું કે બધાને અપૂર્ણ, પાપી જીવનનો વારસો આપવામાં આવ્યો છે. નાનકડા ઈસુ સંપૂર્ણ અને પવિત્ર હતા. (લુક ૧:૩૫) તોપણ, મરિયમ અને યુસફ તેમને મંદિરે લાવ્યા, જેથી નિયમશાસ્ત્ર પ્રમાણે ‘તેઓને શુદ્ધ કરવામાં’ આવે.—લુક ૨:૨૨.

મંદિરમાં યુસફ અને મરિયમ પાસે એક વૃદ્ધ માણસ આવ્યા. તેમનું નામ શિમયોન હતું. યહોવાએ તેમને જણાવ્યું હતું કે તે મરણ પામે એ પહેલાં, વચન પ્રમાણે આવનાર ખ્રિસ્તને અથવા મસીહને ચોક્કસ જોશે. શિમયોન એ દિવસે પવિત્ર શક્તિની દોરવણીથી મંદિરમાં આવ્યા હતા, જ્યાં તેમને યુસફ અને મરિયમ પોતાના બાળક સાથે જોવા મળ્યા. શિમયોને બાળકને પોતાની ગોદમાં લીધું.

ઈસુને ગોદમાં લઈને ઈશ્વરનો આભાર માનતા શિમયોને કહ્યું: “હે વિશ્વના માલિક, તમે કહ્યું હતું તેમ, હવે તમારો દાસ શાંતિથી મરણ પામી શકશે; કેમ કે મારી આંખોએ જોયું છે કે તમે કઈ રીતે ઉદ્ધાર કરશો. સર્વ લોકો જુએ એ રીતે તમે આ પ્રગટ કર્યું છે; એ એવો પ્રકાશ છે, જે પ્રજાઓની આંખો ઉપરથી અંધકારનો પડદો હટાવે છે અને તમારા ઇઝરાયેલી લોકો માટે ગૌરવ બને છે.”—લુક ૨:૨૯-૩૨.

યુસફ અને મરિયમ આ સાંભળીને નવાઈ પામ્યા. શિમયોને તેઓને આશીર્વાદ આપ્યો. તેમણે મરિયમને જણાવ્યું કે તેના દીકરાને લીધે “ઇઝરાયેલમાં ઘણા પડશે અને બીજા ઊભા થશે.” (લુક ૨:૩૪) તેમ જ, આરપાર વીંધી નાખતી લાંબી તલવાર જેવી પીડા મરિયમે સહેવી પડશે.

ત્યાં બીજું કોઈક પણ હાજર હતું. એ ૮૪ વર્ષની હાન્‍ના નામે પ્રબોધિકા હતી. હકીકતમાં, એવો કોઈ દિવસ ન હતો જ્યારે તે મંદિરે આવી ન હોય. તે હવે યુસફ, મરિયમ અને નાનકડા ઈસુ પાસે આવી પહોંચી. હાન્‍ના ઈશ્વરનો આભાર માનવા લાગી અને જેઓ સાંભળે એ બધાને તે ઈસુ વિશે જણાવવા લાગી.

તમે કલ્પના કરી શકો કે મંદિરે બનેલા આ બનાવો જોઈને યુસફ અને મરિયમને કેટલી ખુશી થઈ હશે! ચોક્કસ, આ બધાથી તેઓને ખાતરી થઈ કે તેઓનો દીકરો ઈશ્વરના વચન પ્રમાણે આવ્યો હતો.

  • ઇઝરાયેલી છોકરાને ક્યારે નામ આપવાનો રિવાજ હતો?

  • છોકરો ૪૦ દિવસનો થાય ત્યારે માતાએ શું કરવાનું હતું? મરિયમે જે કર્યું એના પરથી પૈસેટકે તેની હાલત વિશે શું જાણવા મળે છે?

  • મંદિરમાં કોણે ઈસુને ઓળખી લીધા? એ બતાવવા તેઓએ શું કર્યું?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો