વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • jy પ્રકરણ ૧૩૧ પાન ૨૯૮-પાન ૨૯૯ ફકરો ૩
  • વધસ્તંભ પર પીડા સહેતા નિર્દોષ રાજા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વધસ્તંભ પર પીડા સહેતા નિર્દોષ રાજા
  • ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
  • સરખી માહિતી
  • ગલગથામાં ઈસુ મરણ પામ્યા
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • ઈસુને સોંપી દે છે અને મારી નાખવા લઈ જાય છે
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
  • ઈસુના છેલ્લા શબ્દોમાંથી શીખીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • તેઓને મસીહ મળ્યા
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
jy પ્રકરણ ૧૩૧ પાન ૨૯૮-પાન ૨૯૯ ફકરો ૩
બાજુના ગુનેગારને ઈસુ વચન આપે છે: “તું મારી સાથે જીવનના બાગમાં હોઈશ”

પ્રકરણ ૧૩૧

વધસ્તંભ પર પીડા સહેતા નિર્દોષ રાજા

માથ્થી ૨૭:૩૩-૪૪ માર્ક ૧૫:૨૨-૩૨ લુક ૨૩:૩૨-૪૩ યોહાન ૧૯:૧૭-૨૪

  • ઈસુને ખીલા મારીને વધસ્તંભે જડવામાં આવે છે

  • ઈસુના વધસ્તંભ પરની તકતી જોઈને લોકો મશ્કરી કરે છે

  • પૃથ્વી પર જીવનના બાગમાં જીવવાની આશા ઈસુ આપે છે

ઈસુને એ જગ્યાએ લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને અને બે લુટારાઓને વધસ્તંભે ચડાવવાના હતા. એ ગલગથા કે ખોપરીની જગ્યા કહેવાતી. શહેરથી નજીક આવેલી એ જગ્યા “દૂરથી” જોઈ શકાતી હતી.—માર્ક ૧૫:૪૦.

દોષિત ઠરેલા આ ત્રણે માણસોના ઝભ્ભા કાઢી નાખવામાં આવ્યા. પછી, તેઓને કડવો રસ ભેળવેલો દ્રાક્ષદારૂ અપાયો. પીડા ઓછી કરતો એ દ્રાક્ષદારૂ યરૂશાલેમની સ્ત્રીઓએ બનાવ્યો હોય શકે. મરણની સજા થયેલાઓને એવો દ્રાક્ષદારૂ આપવામાં રોમનોને કંઈ વાંધો ન હતો. ઈસુએ એ ચાખ્યા પછી પીવાની ના પાડી. શા માટે? આ મોટી કસોટી દરમિયાન પોતે પૂરેપૂરા હોશમાં હોય એવું ઈસુ ચાહતા હતા. તે મરણ સુધી સભાન રહીને વફાદાર રહેવા માંગતા હતા.

ઈસુને વધસ્તંભ પર સુવડાવીને હાથ-પગ ખેંચવામાં આવ્યા. (માર્ક ૧૫:૨૫) સૈનિકોએ હાથ અને પગમાં ખીલાઓ માર્યા, જે માંસ અને સ્નાયુઓને વીંધીને આરપાર નીકળી ગયા. એનાથી અસહ્ય પીડા થઈ હશે. પછી, વધસ્તંભ ઊભો કરવામાં આવ્યો. ઈસુના શરીરના વજનથી તેમના ઘા ચિરાઈ ગયા. એના લીધે તેમની પીડા અનેક ગણી વધી ગઈ. તોપણ, ઈસુ સૈનિકો પર ગુસ્સે થયા નહિ. તેમણે પ્રાર્થના કરી: “હે પિતા, તેઓને માફ કરો, કેમ કે તેઓ જાણતા નથી કે પોતે શું કરે છે.”—લુક ૨૩:૩૪.

રોમનોનો રિવાજ હતો કે ગુનેગારનો દોષ તકતી પર કોતરીને વધસ્તંભ પર લગાડવો. આ વખતે, પીલાતે તકતી લગાડી, જેમાં લખેલું હતું: “નાઝરેથનો ઈસુ, યહુદીઓનો રાજા.” એ લખાણ હિબ્રૂ, લેટિન અને ગ્રીકમાં હતું, જેથી મોટા ભાગના લોકો વાંચી શકે. આ લખાણથી જોવા મળતું હતું કે ઈસુના મોત માટે જીદે ચડેલા યહુદીઓને પીલાત ધિક્કારતો હતો. એ લખાણથી ભડકી ઊઠેલા મુખ્ય યાજકોએ વિરોધ કરતા કહ્યું: “‘યહુદીઓનો રાજા’ એવું લખશો નહિ, પણ એવું લખો કે તેણે કહ્યું, ‘હું યહુદીઓનો રાજા છું.’” પણ, પીલાત ફરીથી તેઓના હાથની કઠપૂતળી બનવા માંગતો ન હતો, એટલે તેણે જવાબ આપ્યો: “મેં જે લખ્યું, એ લખ્યું.”—યોહાન ૧૯:૧૯-૨૨.

આમ, ગુસ્સે થયેલા યાજકોએ એ ખોટી જુબાની વિશે ફરીથી જણાવ્યું, જે યહુદી ન્યાયસભામાં મુકદ્દમા દરમિયાન આપવામાં આવી હતી. એટલે જ, ત્યાંથી પસાર થનારાઓએ પોતાના માથા હલાવીને તેમની મશ્કરી કરતા કહ્યું: “વાહ! તું એ જ છે ને, જે મંદિર પાડી નાખીને ત્રણ દિવસમાં એને બાંધવાનો હતો; હવે, વધસ્તંભ પરથી નીચે આવીને પોતાને બચાવ.” મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ પણ એકબીજાને કહેવા લાગ્યા: “હવે ઇઝરાયેલના રાજા, ખ્રિસ્ત વધસ્તંભ પરથી નીચે આવે, જેથી અમે જોઈએ અને શ્રદ્ધા મૂકીએ.” (માર્ક ૧૫:૨૯-૩૨) ઈસુની ડાબે અને જમણે સજા પામેલા લુટારાઓએ પણ તેમનું અપમાન કર્યું. ઈસુ એકલા જ નિર્દોષ હતા, તોપણ તેમની સાથે કેવો ખરાબ વર્તાવ થયો!

ચાર રોમન સૈનિકોએ પણ ઈસુની મજાક કરી. તેઓ એ સમયે કદાચ ખાટો દ્રાક્ષદારૂ પી રહ્યા હતા. ઈસુ જાતે લઈ શકે એમ ન હતા છતાં, તેઓ તેમની આગળ દ્રાક્ષદારૂ ધરીને મશ્કરી કરવા લાગ્યા. ઈસુના વધસ્તંભે લગાવેલી તકતી વિશે રોમનો મજાક કરવા લાગ્યા: “જો તું યહુદીઓનો રાજા હોય તો પોતાને બચાવ.” (લુક ૨૩:૩૬, ૩૭) જરા વિચારો! જેમણે સાબિત કર્યું હતું કે, પોતે માર્ગ અને સત્ય અને જીવન છે, એવા નિર્દોષ માણસ સાથે ખરાબ વ્યવહાર થઈ રહ્યો હતો અને તેમને હેરાન કરવામાં આવી રહ્યા હતા. છતાં, તેમણે શાંતિથી એ બધું સહન કર્યું. તેમને જોઈ રહેલા યહુદીઓ, તેમની મશ્કરી કરતા રોમન સૈનિકો કે તેમની આજુબાજુ વધસ્તંભે જડેલા બે ગુનેગારોને તેમણે ઠપકો આપ્યો નહિ.

ઈસુના ઝભ્ભા માટે સૈનિકો ચિઠ્ઠીઓ નાખે છે

ચાર સૈનિકોએ ઈસુનાં કપડાં લીધાં અને એના ચાર ભાગ કર્યાં. કોને કયો ભાગ મળે એ નક્કી કરવા તેઓએ ચિઠ્ઠીઓ નાખી. ઈસુનો અંદરનો ઝભ્ભો સારા કાપડનો બનેલો હતો. એ “કોઈ સાંધા વગર, ઉપરથી નીચે સુધી વણીને બનાવેલો હતો.” સૈનિકોએ એકબીજાને કહ્યું: “આપણે આને ફાડવો નથી, ચાલો ચિઠ્ઠીઓ નાખીએ અને નક્કી કરીએ કે એ કોને મળશે.” આમ, તેઓએ આ ભવિષ્યવાણી પૂરી કરી: “તેઓએ મારાં કપડાં અંદરોઅંદર વહેંચી લીધાં અને તેઓએ મારાં કપડાં માટે ચિઠ્ઠીઓ નાખી.”—યોહાન ૧૯:૨૩, ૨૪; ગીતશાસ્ત્ર ૨૨:૧૮.

થોડા સમય પછી, એક ગુનેગારને ખ્યાલ આવ્યો કે ઈસુ જ રાજા છે. તેણે પોતાના સાથી ગુનેગારને આમ કહીને ઠપકો આપ્યો: “તું તેના જેવી જ શિક્ષા ભોગવી રહ્યો છે, તોપણ તને ઈશ્વરનો જરાય ડર નથી? અને આપણી સજા વાજબી છે, કેમ કે આપણે જે કર્યું એનાં ફળ ભોગવીએ છીએ; પણ આ માણસે કંઈ ખોટું કર્યું નથી.” પછી, તેણે ઈસુને અરજ કરી: “તમે તમારા રાજ્યમાં આવો ત્યારે, મને યાદ કરજો.”—લુક ૨૩:૪૦-૪૨.

ઈસુએ જવાબ આપ્યો: ‘સાચે જ હું તને આજે કહું છું, તું મારી સાથે હોઈશ,’ રાજ્યમાં નહિ પણ “જીવનના બાગમાં.” (લુક ૨૩:૪૩) ઈસુએ પોતાના પ્રેરિતોને આપેલા વચન કરતાં આ અલગ હતું. તેમણે પ્રેરિતોને વચન આપ્યું હતું કે, રાજ્યમાં તેઓ તેમની સાથે રાજ્યાસન પર બેસશે. (માથ્થી ૧૯:૨૮; લુક ૨૨:૨૯, ૩૦) યહોવાએ શરૂઆતમાં આદમ, હવા અને તેઓના વંશજોના રહેવા માટે પૃથ્વી પર સુંદર બાગ બનાવ્યો હતો. આ યહુદી ગુનેગારે એ વિશે સાંભળ્યું હોવું જોઈએ. હવે, આ લુટારો એ સુંદર બાગમાં જીવવાની આશા સાથે મરણ પામવાનો હતો.

  • ઈસુને દ્રાક્ષદારૂ આપવામાં આવ્યો ત્યારે, તેમણે કેમ ના પાડી?

  • ઈસુના વધસ્તંભ પર કઈ તકતી લગાડવામાં આવી? એ જોઈને યહુદીઓ પર કેવી અસર પડી?

  • ઈસુનાં કપડાં સાથે જે થયું, એનાથી કઈ રીતે ભવિષ્યવાણી પૂરી થઈ?

  • એક ગુનેગારને ઈસુએ કઈ આશા આપી?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો