વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • bh પ્રકરણ ૨ પાન ૧૮-૨૬
  • બાઇબલ ઈશ્વરની વાણી છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બાઇબલ ઈશ્વરની વાણી છે
  • પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • મથાળાં
  • સરખી માહિતી
  • બાઇબલ સત્ય શીખવે છે
  • બાઇબલ આપણને માર્ગદર્શન આપે છે
  • બાઇબલના શબ્દો સાચા પડે છે
  • ઈશ્વરની વાણી જીવન સુધારે છે
  • બાઇબલ—સાચી માહિતીનો ખજાનો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૦
  • અભિમાની શહેરને યહોવાહ નમાવે છે
    યશાયાહની ભવિષ્યવાણી—સર્વ માટે પ્રકાશ ૧
  • શું બાઇબલની વાતો પર ભરોસો મૂકી શકીએ?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • શું બાઇબલની વાતો પર ભરોસો મૂકી શકીએ?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો, એક શરૂઆત
પવિત્ર બાઇબલ શું શીખવે છે?
bh પ્રકરણ ૨ પાન ૧૮-૨૬

બે

બાઇબલ ઈશ્વરની વાણી છે

  • બાઇબલમાં એવું શું છે જે બીજાં કોઈ શાસ્ત્રમાં નથી?

  • દુઃખ-તકલીફોમાં બાઇબલ કઈ રીતે મદદ કરે છે?

  • શું બાઇબલના શબ્દો સાચા પડે છે?

૧, ૨. આપણા માટે બાઇબલ કઈ રીતે ઈશ્વર તરફથી કીમતી ભેટ છે?

શું તમારા કોઈ દોસ્ત કે સગાંએ તમને કોઈ ભેટ આપી છે? ત્યારે તમને કેવું લાગ્યું હતું? શું તમારું હૈયું ખુશીથી ભરાઈ ગયું ન હતું? એ ભેટથી તમે જોઈ શક્યા કે તે તમને ખૂબ ચાહે છે.

૨ એવી જ રીતે યહોવાએ આપણને એક કીમતી ભેટ આપી છે. એ બાઇબલ છે, તેમની વાણી. એમાં સનાતન સત્ય છે, જે આપણે કદીયે પોતાની મેળે જાણી શકતા નથી. બાઇબલ જણાવે છે કે ઈશ્વરે શા માટે વિશ્વ, પૃથ્વી અને મનુષ્યોને બનાવ્યા; શા માટે જ્યાં જુઓ ત્યાં દુઃખ, દુઃખ ને દુઃખ જ છે; એને કઈ રીતે સહી શકાય. બાઇબલ એ પણ જણાવે છે કે યહોવા કઈ રીતે બધાં દુઃખો દૂર કરશે અને આપણું જીવન સુખ-શાંતિથી ભરી દેશે. દુનિયાનું બીજું કોઈ પણ પુસ્તક આવા આશીર્વાદો વિશે જણાવતું નથી. બાઇબલ યહોવાએ આપેલી એક કીમતી ભેટ, હા અનમોલ ભેટ છે!

૩. યહોવા શું ચાહે છે?

૩ યહોવાએ પોતે આપણને બાઇબલ આપ્યું છે. તે ચાહે છે કે આપણે એ વાંચીએ ને તેમના વિશે વધુને વધુ શીખતા રહીએ. તેમની વાણી સાંભળીએ. અરે, યહોવાના માર્ગ પર જાણે તેમનો હાથ પકડીને ચાલતા રહીએ!

૪. બાઇબલ જે હદે લોકો સુધી પહોંચ્યું છે એ જાણીને તમને કેવું લાગે છે?

૪ આજે ઘણા લોકો પાસે બાઇબલ છે. આખું કે અમુક ભાગમાં ૨,૩૦૦થી વધારે ભાષાઓમાં બાઇબલ છે. અરે, દુનિયાની ૯૦ ટકાથી વધારે વસ્તી પોતાની ભાષામાં એ વાંચી શકે છે. દર અઠવાડિયે, હા દર અઠવાડિયે આશરે દસ લાખથી વધારે બાઇબલનું વિતરણ કરવામાં આવે છે! આજ સુધી આખું બાઇબલ કે એના ભાગો અબજોની સંખ્યામાં છપાઈ ચૂક્યાં છે. આવું બીજું કોઈ શાસ્ત્ર નથી!

ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હૉલી સ્ક્રીપ્ચર્સની અનેક ભાષાઓમાં પ્રતો

યહોવાના સાક્ષીઓએ અનેક ભાષાઓમાં બાઇબલ બહાર પાડ્યાં છે

૫. બાઇબલ કેવી રીતે ‘ઈશ્વરની પ્રેરણાથી લખાયેલું છે’?

૫ તમને થશે કે આ બાઇબલ લખ્યું કોણે? બાઇબલ તો “ઈશ્વરની પ્રેરણાથી લખાયેલું છે.” (૨ તિમોથી ૩:૧૬) યહોવાએ પોતાના ભક્તોને જે જણાવ્યું, એ તેઓએ લખી લીધું. (૨ પિતર ૧:૨૧) એ સમજવા દાદા અને પૌત્રનો દાખલો લો. દાદા પૌત્ર પાસે કાગળ લખાવે છે. ભલે કાગળ પૌત્ર લખતો હોય, વિચારો તો દાદાના જ છે ને? એ જ રીતે, ભલે અમુક ઈશ્વરભક્તોએ બાઇબલ લખ્યું, પણ ‘સંદેશો તો ઈશ્વર યહોવાનો જ છે.’—૧ થેસ્સલોનિકી ૨:૧૩.

બાઇબલ સત્ય શીખવે છે

૬, ૭. શરૂઆતથી છેક અંત સુધી બાઇબલના સર્વ વિચારો સુમેળમાં છે, એ શું બતાવે છે?

૬ યહોવાએ પોતાના ભક્તો પાસે બાઇબલના જુદા જુદા ભાગો લખાવ્યા. તેઓ અલગ અલગ જમાનામાં રહેતા હતા. કોઈ ખેડૂત હતા, તો કોઈ ન્યાયાધીશ. કોઈ ભરવાડ હતા તો કોઈ રાજા. કોઈ માછીમાર હતા તો કોઈ પ્રબોધક કે પયગંબર. અરે, લૂક નામે લેખક તો ડૉક્ટર હતા. આખું બાઇબલ લખાવતા લગભગ ૧,૬૦૦ વર્ષ લાગ્યાં. તોપણ, જો પહેલેથી છેલ્લે સુધી વાંચો, તો એમ લાગે કે એક જ લેખકે આખું બાઇબલ લખ્યું છે. હા, એ યહોવાની કલમથી લખાયું છે!a

૭ બાઇબલનું પહેલું પુસ્તક જણાવે છે કે માણસ કેવી રીતે દુઃખ-તકલીફોમાં ફસાયો. પછીનાં પાનાંઓ હજારો વર્ષોનો ઇતિહાસ જણાવે છે. સાથે સાથે એમાં યહોવાનાં વચનો પણ છે. બાઇબલનું છેલ્લું પુસ્તક જણાવે છે કે યહોવા ધરતીને સ્વર્ગ જેવી સુંદર બનાવશે. શરૂઆતથી છેક અંત સુધી બાઇબલના સર્વ વિચારો એકબીજા સાથે ગૂંથાએલા છે. એવું પુસ્તક તો ઈશ્વર જ રચી શકે!

૮. દાખલો આપીને સમજાવો કે વિજ્ઞાનની નજરે બાઇબલ સાચું છે.

૮ બાઇબલ વિજ્ઞાનની નજરે પણ સાચું છે. દાખલા તરીકે, વૈજ્ઞાનિકોને તો હજુ આજકાલમાં ખબર પડી કે ચોખ્ખાઈને વધારો, રોગ ઘટાડો. પણ હજારો વર્ષો પહેલાં, બાઇબલના લેવીય પુસ્તકમાં યહોવાએ પોતાની ઇઝરાયલી પ્રજાને સાફ-સફાઈના નિયમો આપ્યા હતા. ઇઝરાયલની પ્રજા જેટલી જાણકારી આસપાસની બીજી કોઈ પ્રજાને ન હતી. બીજો એક દાખલો લો. પહેલાના જમાનામાં પૃથ્વીના આકાર વિશે લોકોના જુદા જુદા વિચારો હતા. ઘણા એમ માનતા કે શેષનાગે કે હાથીઓએ પૃથ્વીને ઊંચકી છે. પણ બાઇબલે તો વર્ષો પહેલેથી જણાવ્યું હતું કે પૃથ્વી ગોળ છે ને કોઈ ટેકા વગર અધ્ધર લટકે છે. (અયૂબ ૨૬:૭; યશાયા ૪૦:૨૨) ખરું કે બાઇબલ કંઈ વિજ્ઞાનનું પુસ્તક નથી. પરંતુ વિજ્ઞાનને લગતી કોઈ પણ જાણકારી આપે છે ત્યારે, બાઇબલ એકદમ સાચું છે. આવું બધું વિશ્વના સરજનહાર સિવાય કોણ જણાવી શકે?

૯. (ક) ઇતિહાસની નજરે જોઈએ તો બાઇબલ કઈ રીતે ખરું છે? (ખ) બાઇબલના લેખકોએ કોઈ પણ વાત છુપાવી નહિ, એ શું બતાવે છે?

૯ ઇતિહાસ વિશે પણ બાઇબલની એકેએક વિગતો સાચી છે. બાઇબલ વ્યક્તિઓનાં નામ અને તેઓના વંશ વિશે પણ જણાવે છે.b દુનિયાના ઇતિહાસકારોને જુઓ તો, મોટે ભાગે પોતાના દેશોની જ વાહ વાહ કરે. પણ પોતાના દેશની હાર છુપાવે છે, ભૂલો છુપાવે છે. પણ બાઇબલ એકદમ અલગ છે. એના લેખકોએ પોતાના વિશે કે પોતાના દેશ વિશે કશું જ સંતાડ્યું નથી. ગણનાના પુસ્તકમાં ઈશ્વરભક્ત મુસાનો દાખલો લો. તેમણે એક મોટી ભૂલ કરી અને એની સજા ભોગવવી પડી. એના વિશે તેમણે બધું બાઇબલમાં લખ્યું. (ગણના ૨૦:૨-૧૨) દુનિયાના ઇતિહાસકારો પોતાની નાની-નાની ભૂલો પણ માંડ કબૂલ કરશે. જ્યારે બાઇબલના લેખકોએ એ બધું જ લખ્યું. શા માટે? કેમ કે બાઇબલમાં માણસોના વિચારો નથી. એ તો ઈશ્વરની વાણી છે.

બાઇબલ આપણને માર્ગદર્શન આપે છે

૧૦. બાઇબલ કેમ જીવનમાર્ગની રોશની છે?

૧૦ યહોવાએ આપણને બાઇબલ આપ્યું છે. એ સત્ય શીખવે છે, ભૂલો સુધારે છે અને સાચો રસ્તો બતાવે છે. (૨ તિમોથી ૩:૧૬) બાઇબલ આપણને ડગલે ને પગલે રોશની આપે છે. યહોવા આપણા સરજનહાર હોવાથી આપણી લાગણીઓ અને વિચારો સમજે છે. અરે, આપણાથીયે વધારે સારી રીતે સમજે છે. જીવનની સફરમાં ફક્ત તે જ આપણને સુખને માર્ગે દોરી શકે છે. તે એ પણ જણાવે છે કે આપણે કયા ખોટા માર્ગથી દૂર રહેવું જોઈએ.

૧૧, ૧૨. (ક) ઈસુએ પહાડ પરના ઉપદેશમાં કઈ કઈ બાબતો શીખવી? (ખ) બાઇબલ બીજું શું શીખવે છે, જે આજે પણ આપણને લાભ કરે છે?

૧૧ દાખલા તરીકે, ઈસુએ પહાડ પરના ઉપદેશમાં શીખવ્યું કે માણસે સુખી થવા શું કરવું જોઈએ. તેમણે પ્રાર્થના કરતા શીખવ્યું. એકબીજા સાથે હળીમળીને રહેતા શીખવ્યું. મોહમાયાથી બચતા શીખવ્યું. આ ઉપદેશ માથ્થીના પુસ્તકમાં પાંચથી સાત અધ્યાયોમાં છે. એ ભલે ૨,૦૦૦ વર્ષ જૂનો ઉપદેશ છે, આજે પણ એ પાળીને લોકો સુખી થાય છે.

૧૨ બાઇબલમાં યહોવાએ આપણને ખાસ ભલામણ કરી છે કે કઈ રીતે કુટુંબનું ધ્યાન રાખીએ, ઇમાનદાર ને મહેનતુ બનીએ, એકબીજાને સથવારો આપીએ. બાઇબલ જિંદગીના હર કદમ પર રોશની આપે છે. યહોવા જે શીખવે છે એ આપણા ભલા માટે જ છે. તેમણે યશાયા નામના પયગંબર દ્વારા કહ્યું: “હું યહોવા તારો ઈશ્વર છું, ને તારા લાભને અર્થે હું તને શીખવું છું.”—યશાયા ૪૮:૧૭.

બાઇબલના શબ્દો સાચા પડે છે

બાઇબલ વાંચતી વખતે, એક માણસ બાબેલોન શહેરના વિનાશ વિશેની યશાયાની ભવિષ્યવાણીમાંથી એના દ્રશ્યની કલ્પના કરે છે

પયગંબર યશાયાએ બાબેલોન શહેરના વિનાશ વિશે પહેલેથી લખ્યું હતું

૧૩. બાબેલોન વિશે યહોવાએ કઈ ભવિષ્યવાણી કરી?

૧૩ ઈશ્વરે બાઇબલમાં અનેક બનાવો વિશે જણાવ્યું હતું જે વર્ષો પછી સાચા પડ્યા. એને આપણે ભવિષ્યવાણી કહીએ છીએ. દાખલા તરીકે, આજથી લગભગ ૨,૭૦૦ વર્ષ પહેલાં યહોવાએ એક ભવિષ્યવાણી કરી. એ યશાયા પયગંબર પાસે લખાવી લીધી કે પાપી બાબેલોન શહેરનો વિનાશ થશે. (યશાયા ૧૩:૧૯; ૧૪:૨૨, ૨૩) એ કઈ રીતે થશે એના વિશે પણ ઈશ્વરે જણાવ્યું. તેમણે કહ્યું કે બાબેલોનના દુશ્મનો શહેર ફરતે નદીનાં પાણી સૂકવી નાખશે. હથિયાર ઉઠાવ્યા વગર શહેરને જીતી લેશે. ઈશ્વરે યશાયાને એમ પણ જણાવ્યું કે એ લશ્કરના રાજાનું નામ કોરેશ હશે.—યશાયા ૪૪:૨૭–૪૫:૨.

૧૪, ૧૫. બાબેલોનના નાશ વિશે યહોવાની ભવિષ્યવાણી કઈ રીતે સાચી પડી?

૧૪ એ ભવિષ્યવાણી લગભગ ૨૦૦ વર્ષ પછી સાચી પડી. ઈસવીસન પૂર્વે ૫૩૯માં, ઑક્ટોબર પાંચમીની રાત્રે એક લશ્કરે બાબેલોન શહેર નજીક પડાવ નાખ્યો. એ લશ્કરનો સેનાપતિ ઈરાનનો રાજા કોરેશ હતો. શું કોરેશના લશ્કરે હથિયાર ઉઠાવ્યા વગર શહેરને જીતી લીધું? ચાલો જોઈએ.

૧૫ એ રાત્રે બાબેલોનના લોકો તહેવાર ઊજવવામાં મશગૂલ હતા. તેઓને કોઈનો ડર ન હતો. શહેર ફરતે ઊંચી ઊંચી દીવાલો હતી. એની ચારે બાજુ ઊંડી નદીનાં પાણી ખળખળ વહેતાં હતાં. એ બધું પાર કરીને કોણ આવવાનું હતું! પણ ઈરાનના ચાલાક રાજા કોરેશે શહેરમાં આવતી નદીનું પાણી એક મોટા સરોવરમાં વાળી લીધું. ધીમે ધીમે પાણી ઓછું થતું ગયું. એટલું ઓછું થયું કે કોરેશનું લશ્કર સહેલાઈથી નદી પાર કરીને શહેરની દીવાલો સુધી પહોંચી ગયું. પણ શહેરની અંદર કેવી રીતે જવું? અરે નવાઈની વાત તો જુઓ, બેફિકર બાબેલોનીઓએ તે રાતે શહેરના દરવાજા પણ બંધ કર્યા ન હતા! કોરેશનું લશ્કર ખુલ્લા દરવાજામાંથી શહેરમાં ઘૂસી ગયું. તેઓએ આસાનીથી શહેરને જીતી લીધું.

૧૬. (ક) યહોવાએ બાબેલોનના વિનાશ વિશે બીજું શું કહ્યું હતું? (ખ) બાબેલોનના સર્વનાશ વિશેની ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ?

૧૬ યહોવાએ એમ પણ કહ્યું હતું કે બાબેલોનમાં ફરી કોઈ રહેશે નહિ. કોઈ ભરવાડ ત્યાં પોતાનાં ઘેટાં ચરાવશે નહિ. (યશાયા ૧૩:૨૦) આ ભવિષ્યવાણી ફક્ત એ શહેરની હાર વિશે જ ન હતી. એના પ્રમાણે તો એ શહેર કાયમ માટે ઉજ્જડ થવાનું હતું. યહોવાએ પયગંબર યશાયા દ્વારા કહ્યું કે જેમ ઝાડુથી કચરો વાળીને ફેંકી દેવાય, તેમ પોતે જાણે વિનાશના ઝાડુથી બાબેલોનને વાળી નાખશે. (યશાયા ૧૪:૨૨, ૨૩) શું એ શબ્દો સાચા પડ્યા? હા. આજે પણ ઇરાકમાં બગદાદથી ૮૦ કિલોમીટર (૫૦ માઈલ) દક્ષિણે, બાબેલોન શહેરનાં ખંડેરો જોવા મળે છે.c

બાબેલોનનો વિનાશ

બાબેલોનનાં ખંડેરો

૧૭. બાઇબલની ભવિષ્યવાણી પૂરી થતી જોઈને તમને કેવું લાગે છે?

૧૭ આપણે જોઈ ગયા કે યહોવા જે વચન આપે છે, એ પાળે છે. યહોવાનું વચન છે કે તે ધરતીને સ્વર્ગ જેવી સુંદર બનાવશે. (ગણના ૨૩:૧૯) આપણને અમર જીવન આપશે. આપણે તેમનાં વચનમાં પૂરો ભરોસો મૂકી શકીએ, કેમ કે બાઇબલ કહે છે: “ઈશ્વર જૂઠું બોલતા નથી.”—તિતસ ૧:૨.d

ઈશ્વરની વાણી જીવન સુધારે છે

૧૮. ઈશ્વરભક્ત પાઉલે ‘ઈશ્વરની વાણી’ વિશે શું કહ્યું?

૧૮ આ પ્રકરણમાં આપણે શીખ્યા કે બાઇબલ જેવું બીજું કોઈ શાસ્ત્ર નથી! એ વિજ્ઞાનની રીતે સાચું છે. ઇતિહાસની બાબતમાં ચોક્કસ છે. શરૂઆતથી અંત સુધીના વિચારો એકબીજાની સાથે ગૂંથાએલા છે. જીવનમાં ખરો માર્ગ બતાવે છે. બાઇબલ જે કહે છે એ સાચું પડે છે. ઈશ્વરભક્ત પાઉલે કહ્યું કે બાઇબલ ઈશ્વરની જીવતી-જાગતી વાણી છે. જેમ તલવાર હાડકાંની આરપાર નીકળી જાય છે, તેમ ઈશ્વરની વાણી આપણા હૃદય સુધી પહોંચીને જીવન સુધારે છે.—હિબ્રૂ ૪:૧૨.

૧૯, ૨૦. (ક) બાઇબલ શું કરવા મદદ કરશે? (ખ) ઈશ્વરે આપેલી કીમતી ભેટ, બાઇબલ માટે તમે કઈ રીતે કદર બતાવશો?

૧૯ તમે કદાચ કહેશો કે ‘હું પણ ઈશ્વરનો ડર રાખું છું.’ એ તો સારું કહેવાય. પરંતુ ફક્ત બાઇબલ જ બતાવશે કે તમારા દિલમાં ખરેખર શું છે. ખરા દિલથી બાઇબલ વાંચો. એની સલાહ પાળો. એનાથી તમારું જીવન સુધરી જશે.

૨૦ બાઇબલ યહોવાએ આપેલી એક અમૂલ્ય ભેટ છે. રોજ એ વાંચો. એના પર વિચારો. એનાથી તમને એ પણ ખબર પડશે કે ઈશ્વરે શા માટે ધરતીને રચી, આપણને કેમ બનાવ્યા છે અને તેમની દિલની તમન્‍ના શું છે. હવે પછીનું પ્રકરણ આ સવાલોના જવાબ આપશે.

a કેટલાક લોકો કહે છે કે બાઇબલના અમુક ભાગો જુદા જુદા વિચારો બતાવે છે. પણ એ સાચું નથી. હકીકત જાણવા માટે યહોવાના સાક્ષીઓએ બહાર પાડેલું આ સાહિત્ય જુઓ: સર્વ લોકો માટેનું પુસ્તક અને તમે શા માટે બાઇબલમાં ભરોસો મૂકી શકો?

b દાખલા તરીકે, લૂક ૩:૨૩-૩૮માં ઈસુના બાપ-દાદા વિશે પૂરી માહિતી મળે છે.

c બાઇબલની ભવિષ્યવાણીઓ વિશે વધારે જાણવા, સર્વ લોકો માટેનું પુસ્તક પાન ૨૭-૨૯ જુઓ. યહોવાના સાક્ષીઓએ બહાર પાડેલી પુસ્તિકા.

d બાબેલોનના વિનાશની ભવિષ્યવાણી તો એક જ દાખલો છે. બાઇબલમાં એવી તો ઘણી ભવિષ્યવાણી છે, જે સાચી પડી. જેમ કે તૂર અને નીનવેહનો નાશ. (હઝકિયેલ ૨૬:૧-૫; સફાન્યા ૨:૧૩-૧૫) દાનિયેલના પુસ્તકે એ પણ જણાવ્યું હતું કે બાબેલોન પછી દુનિયા પર કયા દેશોનું રાજ ચાલશે. જેમ કે, માદાય-ઈરાન અને ગ્રીસ. (દાનિયેલ ૮:૫-૭, ૨૦-૨૨) બાઇબલે ઈસુ ખ્રિસ્ત વિશે અનેક ભવિષ્યવાણી કરી હતી, જે સાચી પડી. એના વિશે વધુ જાણવા માટે પાન ૨૦૦-૨૦૧ જુઓ.

બાઇબલ આમ શીખવે છે

  • બાઇબલ ઈશ્વરે આપ્યું છે. એનું દરેક વચન સાચું છે.—૨ તિમોથી ૩:૧૬.

  • બાઇબલ જીવનમાર્ગ બતાવે છે.—યશાયા ૪૮:૧૭.

  • યહોવાએ આપેલાં સર્વ વચનો ચોક્કસ પૂરાં થશે.—ગણના ૨૩:૧૯.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો