વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • bh પાન ૨૧૫-પાન ૨૧૭ ફકરો ૩
  • ૧૯૧૪, બાઇબલ ભવિષ્યવાણીનું મહત્ત્વનું વર્ષ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ૧૯૧૪, બાઇબલ ભવિષ્યવાણીનું મહત્ત્વનું વર્ષ
  • પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • સરખી માહિતી
  • ઈશ્વરનું રાજ્ય હમણાં રાજ કરે છે
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
પવિત્ર બાઇબલ શું શીખવે છે?
bh પાન ૨૧૫-પાન ૨૧૭ ફકરો ૩

વધારે માહિતી

૧૯૧૪, બાઇબલ ભવિષ્યવાણીનું મહત્ત્વનું વર્ષ

યહોવાના ભક્તો બાઇબલનાં વચનો પર ઘણો વિચાર કરતા હતા. ૧૯૧૪નું વર્ષ આવ્યું, એના આશરે ચાલીસેક વર્ષ અગાઉથી તેઓ કહેતા હતા કે એ વર્ષમાં મહત્ત્વના બનાવો બનશે. શું તેઓ સાચા હતા? શું બતાવે છે કે ૧૯૧૪ મહત્ત્વનું વર્ષ હતું? ચાલો જોઈએ.

લૂક ૨૧:૨૪માં ઈસુએ કહ્યું હતું: “વિદેશીઓના [યહૂદીઓ ન હતા તેઓના] સમયો પૂરા નહિ થશે, ત્યાં સુધી યરુશાલેમ વિદેશીઓથી ખૂંદી નંખાશે.” યરુશાલેમ તો યહૂદીઓના દેશનું પાટનગર હતું. ત્યાંથી જ રાજા દાઉદના વંશજો રાજ કરતા હતા. (ગીતશાસ્ત્ર ૪૮:૧, ૨) પણ આ રાજાઓનું રાજ બીજા રાજાઓ જેવું ન હતું. તેઓ તો જાણે ‘યહોવાના રાજ્યાસને’ બેસતા હતા. યરુશાલેમના સિંહાસન પરથી આ રાજાઓ જાણે યહોવા માટે રાજ કરતા હતા. (૧ કાળવૃત્તાંત ૨૯:૨૩) યરુશાલેમ પર ખરેખર યહોવાનું રાજ ચાલતું હતું.

તો પછી, ‘વિદેશીઓ’ એટલે બીજા દેશોના રાજાઓએ ક્યારથી અને કઈ રીતે ઈશ્વરનું રાજ ‘ખૂંદી’ નાખ્યું? એ ઈસવીસન પૂર્વે ૬૦૭માં થયું, જ્યારે બાબેલોનીઓએ યરુશાલેમ પર જીત મેળવી. એ સમયથી ‘યહોવાનું રાજ્યાસન’ ખાલી પડ્યું. આ રીતે દાઉદના વંશમાંથી આવતા રાજાઓના રાજનો અંત આવ્યો. (૨ રાજાઓ ૨૫:૧-૨૬) શું ઈશ્વરનું રાજ હંમેશાં ‘ખૂંદાતું’ રહેશે? ના, કેમ કે ગાબ્રીએલ નામના સ્વર્ગદૂતે મરિયમને કહ્યું કે ઈસુને ‘તેના પિતા (પૂર્વજ) દાઉદનું રાજ્યાસન’ આપવામાં આવશે. (લૂક ૧:૩૨, ૩૩) એટલે ઈસુ રાજા બને ત્યારે ઈશ્વરનું રાજ ‘ખૂંદાવાનું’ બંધ થશે.

તો પછી, ઈસુ ક્યારે રાજા બનવાના હતા? ઈસુએ જણાવ્યું કે બીજી પ્રજાઓ અમુક સમય માટે જ રાજ કરશે. પણ એ સમય કેટલો લાંબો હશે? દાનિયેલના પુસ્તકનો ચોથો અધ્યાય આપણને એનો જવાબ આપે છે. એ બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારને આવેલા એક સ્વપ્ન વિશે વાત કરે છે. એ તો એક ભવિષ્યવાણી હતી. રાજાએ એક મોટું ઝાડ જોયું, જેને પછી કાપી નાખવામાં આવ્યું. એના ઠૂંઠાને લોખંડ અને પિત્તળના બંધનોથી બાંધી દેવામાં આવ્યું, જેથી તે પાછું ઊગે નહિ. પછી એક સ્વર્ગદૂતે મોટેથી જાહેર કર્યું કે ‘તેને માથે સાત કાળ વીતવા દો.’—દાનિયેલ ૪:૧૦-૧૬.

બાઇબલ ઘણી વાર કોઈક રાજસત્તાને ઝાડ સાથે સરખાવે છે. (હઝકિયેલ ૧૭:૨૨-૨૪; ૩૧:૨-૫) નબૂખાદનેસ્સારના સ્વપ્નના ઝાડને કાપી નાખવાનો અર્થ શું થાય? એ જ કે અમુક સમય માટે ઈશ્વરના રાજનો, એટલે યરુશાલેમના રાજાઓની સત્તાનો અચાનક અંત આવી જશે. પરંતુ સ્વપ્ન પ્રમાણે, હંમેશાં ‘યરુશાલેમ ખૂંદાતું’ રહેશે નહિ. એ ફક્ત ‘સાત કાળ’ સુધી જ ખૂંદાશે. એ ‘સાત કાળ’ એટલે કેટલો સમય?

પ્રકટીકરણ ૧૨:૬, ૧૪ જણાવે છે કે સાડા ત્રણ કાળનો સમય ‘બારસો સાઠ દિવસ’ થાય. તો પછી ‘સાત કાળનો’ સમય એનાથી બમણો થાય, એટલે કે ૨,૫૨૦ દિવસો. પણ વિદેશી રાજાઓએ યરુશાલેમ પર જીત મેળવી ત્યારથી, ફક્ત ૨,૫૨૦ દિવસો પછી ઈશ્વરનું રાજ ‘ખૂંદવાનું’ બંધ કર્યું ન હતું. એટલે એમાં કોઈ શંકા નથી કે આ ભવિષ્યવાણીની ગણતરી વધારે લાંબી હોવી જોઈએ. ગણના ૧૪:૩૪ અને હઝકિયેલ ૪:૬ ‘એક દિવસને બદલે એક વર્ષની’ ગણતરી આપે છે. એ પ્રમાણે ‘સાત કાળના’ ૨,૫૨૦ દિવસ, ૨,૫૨૦ વર્ષો થાય છે.

એ ૨,૫૨૦ વર્ષોની શરૂઆત ક્યારથી થઈ? ઈ.સ. પૂર્વે ૬૦૭ના ઑક્ટોબરમાં. એ સમયે બાબેલોનીઓએ યરુશાલેમ જીતી લીધું. દાઉદના વંશમાંથી આવતા રાજા પાસેથી રાજ લઈ લીધું. એ ૨,૫૨૦ વર્ષો ઑક્ટોબર, ૧૯૧૪માં પૂરાં થયાં. એ વખતે ‘વિદેશીઓના સમયો’ પૂરા થયા. ઈસુને સ્વર્ગમાં ઈશ્વરના રાજ્યના રાજા બનાવવામાં આવ્યા.a—ગીતશાસ્ત્ર ૨:૧-૬; દાનિયેલ ૭:૧૩, ૧૪.

ઈસુએ કહ્યું હતું કે પોતે રાજ કરવા ‘આવશે’ ત્યારે, દુનિયામાં યુદ્ધ, દુકાળ, ભૂકંપ ને બીમારીઓ જેવી આફતો ફાટી નીકળશે. (માથ્થી ૨૪:૩-૮; લૂક ૨૧:૧૧) ઈસુએ કહ્યું હતું એમ જ બન્યું! ૧૯૧૪થી દુનિયામાં જે થઈ રહ્યું છે એ પૂરી સાબિતી આપે છે કે એ વર્ષે સ્વર્ગમાં ઈસુનું રાજ શરૂ થયું. સાથે સાથે એ પણ બતાવે છે કે શેતાનની દુનિયાના ‘છેલ્લા દિવસો’ શરૂ થઈ ગયા છે.—૨ તિમોથી ૩:૧-૫.

ચાર્ટ: સાત કાળ અથવા વિદેશીઓનો સમય, યરૂશાલેમના વિનાશથી લઈને ૨,૫૨૦ ગણવાથી એ ઑક્ટોબર ૧૯૧૪માં પૂરા થયા

a ઑક્ટોબર, ઈ.સ. પૂર્વે ૬૦૭થી ઑક્ટોબર, ઈ.સ. પૂર્વે ૧ સુધી ૬૦૬ વર્ષો થયાં. શૂન્ય વર્ષ નથી એટલે ઑક્ટોબર, ઈ.સ. ૧થી ઑક્ટોબર, ૧૯૧૪ સુધી ૧,૯૧૪ વર્ષો થયાં. હવે ૬૦૬માં ૧,૯૧૪ ઉમેરો તો કુલ ૨,૫૨૦ વર્ષો થયાં. ઈ.સ. પૂર્વે ૬૦૭માં યરુશાલેમના વિનાશ વિશે વધારે જાણવા દાનીયેલની ભવિષ્યવાણીને ધ્યાન આપો! પુસ્તકનું છઠ્ઠું પ્રકરણ જુઓ. એ પુસ્તક યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો