- 
	                        
            
            આપણને બધાને દિલાસાની જરૂર છેચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૬
 - 
                            
- 
                                        
મુખ્ય વિષય | તમે ક્યાંથી દિલાસો મેળવી શકો?
આપણને બધાને દિલાસાની જરૂર છે
નાનપણમાં તમે પડી ગયા હો, એવો કોઈ કિસ્સો યાદ છે? કદાચ હાથમાં વાગ્યું હશે અથવા ઢીંચણ છોલાઈ ગયો હશે. તમને યાદ છે, મમ્મીએ આવીને શું કર્યું હતું? તેમણે તમારો જખમ સાફ કર્યો હશે અને પાટાપિંડી કરી આપી હશે. તમે રડતા હશો, પણ મમ્મીના પ્રેમાળ શબ્દોથી અને આલિંગનથી તમારું દર્દ ઓછું થઈ ગયું હશે. બાળપણમાં સહેલાઈથી એવી હૂંફ મળી રહેતી હતી.
પણ, મોટા થતા જઈએ તેમ જીવનમાં મુશ્કેલીઓ વધતી જાય છે. મુશ્કેલીઓ વધતી જાય અને દિલાસો મળવાનું ઘટતું જાય. દુઃખની વાત છે કે મોટા થયા પછી, એવી સમસ્યાઓ આવે છે, જે પાટાપિંડી અને મમ્મીના આલિંગનથી જતી નથી. ચાલો, અમુક દાખલા જોઈએ.
શું તમે કદી નોકરી ગુમાવવાને કારણે હતાશ થઈ ગયા છો? જુલિયન નામના ભાઈને નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યા. તે ખૂબ ચિંતામાં પડી ગયા. તેમને થયું કે, ‘હું મારા કુટુંબની સંભાળ કઈ રીતે રાખીશ? મેં કંપનીમાં ઘણાં વર્ષો મહેનત કરી, તોપણ કેમ હવે હું તેઓને નકામો લાગુ છું?’
કદાચ તમારું લગ્નબંધન તૂટી જવાને કારણે તમે શોકમાં ડૂબી ગયા છો. રાકેલ નામના બહેન જણાવે છે: “૧૮ મહિના અગાઉ, અચાનક મારા પતિ મને છોડીને જતા રહ્યા. મારા પર દુઃખોનાં કાળાં વાદળો છવાઈ ગયાં. જાણે મારા દિલના ટૂકડે ટૂકડા થઈ ગયા હોય, એમ લાગતું હતું. શારીરિક અને માનસિક રીતે હું પીડા અનુભવતી હતી. મને ભાવિનો ડર લાગતો હતો.”
કદાચ તમને કોઈ એવી બીમારી છે, જેમાંથી સાજા થવાની શક્યતા ઓછી છે. તમને કદાચ પ્રાચીન સમયના માણસ અયૂબ જેવું લાગી શકે. તેમણે દુઃખી થઈને કહ્યું હતું: “મને કંટાળો આવે છે; હું હંમેશાં જીવવા ઇચ્છતો નથી.” (અયૂબ ૭:૧૬) લુઇસ નામના ભાઈ આશરે ૮૦ વર્ષના છે. કદાચ તેમના જેવી લાગણી તમને પણ થઈ હશે. તે કહે છે, ‘અમુક વાર મને લાગે છે કે બસ મોત આવે તો સારું.’
કદાચ સ્નેહીજનના મરણને કારણે તમને દિલાસો જોઈએ છે. રોબર્ટ નામના ભાઈ કહે છે: ‘અમારો દીકરો પ્લેન ક્રેશમાં મરણ પામ્યો. શરૂઆતમાં મને એ માનવામાં જ આવતું ન હતું. પણ પછી, જેમ શાસ્ત્ર જણાવે છે તેમ જાણે લાંબી તલવારે મને આરપાર વીંધી નાખ્યો હોય એટલી પીડા થઈ.’—લુક ૨:૩૫.
રોબર્ટ, લુઇસ, રાકેલ અને જુલિયનને મુશ્કેલ સંજોગો હોવા છતાં દિલાસો મળ્યો. એ દિલાસો તેઓને સૌથી ઉત્તમ વ્યક્તિ એટલે કે સર્વશક્તિમાન ઈશ્વર પાસેથી મળ્યો. ઈશ્વરે કઈ રીતે તેઓને દિલાસો આપ્યો? શું તે તમને જરૂરી દિલાસો આપશે? (wp16-E No. 5)
 
 - 
                                        
 
- 
	                        
            
            ઈશ્વર કઈ રીતે દિલાસો આપે છે?ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૬
 - 
                            
- 
                                        
મુખ્ય વિષય | તમે ક્યાંથી દિલાસો મેળવી શકો?
ઈશ્વર કઈ રીતે દિલાસો આપે છે?
પ્રેરિત પાઊલે યહોવાa વિશે કહ્યું કે, તે “દરેક પ્રકારનો દિલાસો આપનાર ઈશ્વર છે. તે આપણી બધી કસોટીઓમાં આપણને દિલાસો આપે છે.” (૨ કોરીંથીઓ ૧:૩, ૪) એટલે શાસ્ત્ર આપણને ખાતરી આપે છે કે દરેક વ્યક્તિ ઈશ્વર પાસેથી મદદ મેળવી શકે છે અને દરેક પ્રકારની મુશ્કેલીમાં આપણા પ્રેમાળ પિતા આપણને દિલાસો આપી શકે છે.
ઈશ્વર પાસેથી દિલાસો મેળવવા માટે આપણે અમુક પગલાં ભરવા પડશે. દાખલા તરીકે, જો આપણને ડૉક્ટરની મદદ જોઈતી હોય, તો આપણે તેમની પાસે જવું પડે છે. એટલે, શાસ્ત્ર આપણને અરજ કરે છે: “ઈશ્વરની પાસે આવો અને તે તમારી પાસે આવશે.”—યાકૂબ ૪:૮.
ઈશ્વર આપણી પાસે આવશે એવી ખાતરી આપણે કઈ રીતે રાખી શકીએ? પહેલું કારણ, તેમણે ઘણી વાર જણાવ્યું છે કે તે આપણને મદદ કરવા તૈયાર છે. (બૉક્સ જુઓ.) બીજું કારણ, આપણી પાસે એવા ઘણા લોકોના ઉદાહરણ છે, જેઓને ઈશ્વરે દિલાસો આપ્યો છે. એમાં હાલના અને પ્રાચીન સમયના લોકોના ઉદાહરણનો સમાવેશ થાય છે.
આજે ઘણા લોકો મુશ્કેલીઓમાં ઈશ્વર તરફ મીટ માંડે છે. રાજા દાઊદે પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. તેમણે યહોવાને આજીજી કરી: ‘હું તમને અરજ કરું છું મારા કાલાવાલા સાંભળો.’ શું ઈશ્વરે જવાબ આપ્યો? હા! દાઊદે કહ્યું: ‘મને સહાય મળી છે; માટે મારા હૃદયમાં અત્યંત આનંદ થાય છે.’—ગીતશાસ્ત્ર ૨૮:૨, ૭.
શોક કરનારાઓને ઈસુ કઈ રીતે દિલાસો આપે છે?
ઈશ્વર ચાહે છે કે દિલાસો આપવામાં ઈસુની મહત્ત્વની ભૂમિકા હોય. ઈશ્વરે ઈસુને ઘણાં કામો સોંપ્યાં, એમાંનાં અમુક કામ હતાં: “ભગ્ન હૃદયોવાળાને સાજા કરવા” અને “શોક કરનારાઓને દિલાસો” આપવો. (યશાયા ૬૧:૧, ૨) જેમ ભવિષ્યવાણી કરવામાં આવી હતી, તેમ ઈસુએ ‘સખત મજૂરી કરનારા અને બોજથી દબાયેલા’ લોકોમાં ઘણો રસ લીધો.—માથ્થી ૧૧:૨૮-૩૦.
ઈસુએ લોકોને સારી સલાહ આપી, તેઓ સાથે પ્રેમથી વર્ત્યા અને અમુક કિસ્સામાં તેમણે તેઓને સાજા પણ કર્યાં. આમ, તે લોકોને દિલાસો આપતા હતા. એક દિવસ રક્તપિત્ત થયેલા માણસે ઈસુને વિનંતી કરી: “જો તમે ચાહો તો મને શુદ્ધ કરી શકો છો.” ઈસુનું હૈયું કરુણાથી ભરાઈ આવ્યું અને તેમણે કહ્યું: “હું ચાહું છું, તું શુદ્ધ થા.” (માર્ક ૧:૪૦, ૪૧) અને એ માણસ સાજો થયો.
ઈશ્વરના દીકરા, ઈસુ આજે પૃથ્વી પર નથી કે, તે આપણને વ્યક્તિગત રીતે દિલાસો આપી શકે. પરંતુ, તેમના પિતા, યહોવા “દરેક પ્રકારનો દિલાસો આપનાર ઈશ્વર છે.” તે આપણને જરૂરી દિલાસો આપતા રહેશે. (૨ કોરીંથીઓ ૧:૩) ચાલો જોઈએ કે, લોકોને દિલાસો આપવા ઈશ્વર કઈ ચાર રીતો વાપરે છે.
પવિત્ર શાસ્ત્ર. “જે કંઈ અગાઉ લખવામાં આવ્યું હતું, એ આપણા શિક્ષણને માટે લખવામાં આવ્યું હતું. પવિત્ર શાસ્ત્ર આપણને ધીરજ રાખવા મદદ કરે છે અને દિલાસો આપે છે, જેથી આપણને આશા મળે.”—રોમનો ૧૫:૪.
ઈશ્વરની પવિત્ર શક્તિ. ઈસુના મરણના થોડા સમય પછી આખા ખ્રિસ્તી મંડળને દિલાસાની જરૂર હતી. શાસ્ત્ર જણાવે છે કે, ઈશ્વરે પોતાની પવિત્ર શક્તિ દ્વારા મંડળને દિલાસો પૂરો પાડ્યો. (પ્રેરિતોનાં કાર્યો ૯:૩૧) ઈશ્વરની પવિત્ર શક્તિ ખૂબ જ શક્તિશાળી છે. વ્યક્તિના સંજોગો ભલે ગમે તેવા હોય, ઈશ્વર પોતાની શક્તિ દ્વારા દિલાસો આપી શકે છે.
પ્રાર્થના. શાસ્ત્ર જણાવે છે, ‘કંઈ ચિંતા ન કરો, પણ બધી બાબતમાં પ્રાર્થના અને વિનંતી સાથે આભાર માનતા, તમારી અરજો ઈશ્વરને જણાવો; અને ઈશ્વરની શાંતિ, જે બધી સમજશક્તિ કરતાં ચઢિયાતી છે, એ તમારા હૃદયો અને મનોનું રક્ષણ કરશે.’—ફિલિપીઓ ૪:૬, ૭.
સાથી ઈશ્વરભક્તો. કપરા સંજોગોમાં આપણને સાથી ઈશ્વરભક્તો તરફથી દિલાસો મળી શકે છે. પ્રેરિત પાઊલે જણાવ્યું કે ‘વિપત્તિઓમાં અને સતાવણીઓમાં’ તેમના સાથીઓએ તેમને ‘ઘણો દિલાસો આપ્યો.’—કોલોસીઓ ૪:૧૧; ૧ થેસ્સાલોનિકીઓ ૩:૭.
પણ તમે કદાચ વિચારતા હશો કે આ ચાર બાબતો હકીકતમાં તમને કઈ રીતે મદદ કરી શકે. અગાઉ જે લોકો વિશે વાત કરી, તેઓના મુશ્કેલ સંજોગો પર ચાલો એક નજર નાખીએ. તેઓની જેમ, તમે પણ અનુભવી શકશો કે યહોવા પોતાનું આ વચન નિભાવે છે: ‘જેમ કોઈ બાળકને તેની મા દિલાસો આપે છે, તે પ્રમાણે હું તમને દિલાસો આપીશ.’—યશાયા ૬૬:૧૩. (wp16-E No. 5)
a પવિત્ર શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરનું નામ યહોવા છે.
 
 - 
                                        
 
- 
	                        
            
            મુશ્કેલ સંજોગોમાં દિલાસોચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૬
 - 
                            
- 
                                        
મુખ્ય વિષય | તમે ક્યાંથી દિલાસો મેળવી શકો?
મુશ્કેલ સંજોગોમાં દિલાસો
મુશ્કેલીઓ અલગ અલગ પ્રકારની હોય છે. બધી મુશ્કેલીઓ વિશે અહીં વાત કરવી શક્ય નથી. પણ ચાલો અગાઉ વાત કરી એ ચાર અનુભવો પર ધ્યાન આપીએ. કઈ રીતે મુશ્કેલીઓનો સામનો કરતી વખતે લોકોને ઈશ્વર પાસેથી ખરો દિલાસો મળ્યો, એ આ અનુભવોમાંથી જોવા મળશે.
નોકરી છૂટી જાય ત્યારે
“હું કોઈ પણ નાનું-મોટું કામ કરવા તૈયાર હતો અને અમે બિનજરૂરી ખર્ચા કરવાનું બંધ કર્યું.”—જૉનાથન
શેથa નામના ભાઈ કહે છે: “મને અને મારી પત્નીને એક જ સમયે નોકરી પરથી છૂટા કર્યાં. બે વર્ષ સુધી અમારે કુટુંબના બીજા સભ્યોને સહારે અને નાના-મોટા કામ કરીને ગુજારો કરવો પડ્યો. પરિણામે, મારી પત્ની પ્રિસ્કીલા નિરાશામાં ડૂબી ગઈ અને હું નકામાપણાની લાગણી અનુભવવા લાગ્યો.
“અમે કઈ રીતે આ બધું સહ્યું? પ્રિસ્કીલા નિયમિત રીતે માથ્થી ૬:૩૪ના ઈસુના શબ્દો પોતાને યાદ દેવડાવતી હતી. ઈસુ જણાવે છે કે આપણે આવતીકાલની ચિંતા ન કરીએ, કેમ કે આવતીકાલ માટે બીજી ચિંતાઓ ઊભી હશે. પ્રિસ્કીલા દિલ ખોલીને પ્રાર્થના કરતી હતી, એનાથી તેને સહન કરવા હિંમત મળતી. મને ગીતશાસ્ત્ર ૫૫:૨૨થી દિલાસો મળ્યો. ગીતના લેખકની જેમ મેં પણ યહોવા પર મારો બોજો નાખી દીધો અને તેમણે મને નિભાવી રાખ્યો. હવે મારી પાસે નોકરી છે, પણ અમે અમારું જીવન સાદું રાખીએ છીએ. આમ, અમે માથ્થી ૬:૨૦-૨૨માં ઈસુએ આપેલી સલાહ પાળીએ છીએ. વધુમાં, અમે ઈશ્વરની અને એકબીજાની વધુ નજીક આવ્યા છીએ.”
જૉનાથન કહે છે: “અમારો ફેમીલી બિઝનેસ ઠપ થઈ ગયો. ત્યારે મને ભાવિની ચિંતા સતાવવા લાગી. મંદીને કારણે ૨૦ વર્ષની મહેનત પાણીમાં ગઈ. હું અને મારી પત્ની પૈસાને લીધે ઝઘડવા લાગ્યા. અમે ક્રૅડિટ કાર્ડથી ખરીદી કરતા ન હતા, કેમ કે કાર્ડ નહિ ચાલે એવો અમને ડર હતો.
“પરંતુ, ઈશ્વરની વાણીએ અને તેમની પવિત્ર શક્તિએ અમને સારા નિર્ણયો લેવા મદદ કરી. હું કોઈ પણ નાનું-મોટું કામ કરવા તૈયાર હતો અને અમે બિનજરૂરી ખર્ચા કરવાનું બંધ કર્યું. અમને બીજા યહોવાના સાક્ષીઓ પાસેથી ટેકો મળ્યો. તેઓએ અમને સ્વમાન પાછું મેળવવા સહાય કરી અને બહુ જ કપરા સંજોગોમાં મદદનો હાથ લંબાવ્યો.”
લગ્નબંધન તૂટી જાય ત્યારે
રાકેલ યાદ કરે છે: “મારા પતિ અચાનક મને છોડીને જતા રહ્યા ત્યારે, હું ખૂબ દુઃખી અને ગુસ્સે થઈ. હું શોકમાં ડૂબી ગઈ. પણ, હું ઈશ્વરની વાતો પર ધ્યાન આપવા લાગી અને મને એનાથી દિલાસો મળ્યો. હું દરરોજ તેમને પ્રાર્થના કરતી અને તેમના તરફથી મળતી શાંતિએ મારા દિલનું રક્ષણ કર્યું. એમ લાગતું હતું જાણે તે મારા તૂટેલા હૃદયને જોડી રહ્યા છે.
“ઈશ્વરની વાણી, પવિત્ર શાસ્ત્રથી મને ગુસ્સો અને ખારની લાગણી પર કાબૂ કરવા મદદ મળી. રોમનો ૧૨:૨૧માં પ્રેરિત પાઊલે આપેલી સલાહ પર મેં મન લગાડ્યું: ‘ભૂંડાઈ સામે હારી ન જાઓ, પણ સારાથી ભૂંડાઈ પર જીત મેળવતા રહો.’
‘અમુક વાર “ગુમાવવાનો વખત” હોય છે. હવે, હું નવા ધ્યેયો પર મન લગાડું છું.’—રાકેલ
“એક સારા મિત્રએ મને જીવનમાં આગળ વધવા મદદ કરી. તેણે મને સભાશિક્ષક ૩:૬ કલમ બતાવી અને કહ્યું કે અમુક વાર ‘ગુમાવવાનો વખત’ હોય છે. એ બહુ આકરી પણ મારા માટે યોગ્ય સલાહ હતી. હવે, હું નવા ધ્યેયો પર મન લગાડું છું, જે મને ખુશી આપે છે.”
એલીસાબેથ જણાવે છે: “જ્યારે લગ્ન તૂટે છે, ત્યારે તમને સાથની જરૂર હોય છે. મને પણ મારી બહેનપણીએ સતત એવો જ સાથ આપ્યો હતો. તે મારી સાથે રડતી, મને દિલાસો આપતી અને મને એ રીતે સાચવતી કે, હું એકલતાની લાગણી નહિ, પણ હૂંફ અનુભવી શકું. મને ખાતરી છે યહોવાએ મારા દિલના ઘા રુઝાવવા તેનો ઉપયોગ કર્યો હતો.”
માંદગી અથવા વૃદ્ધાવસ્થા આવે ત્યારે
“પ્રાર્થના કર્યા પછી, હું અનુભવી શકું છું કે ઈશ્વરની શક્તિ મને બળ આપે છે.”—લુઇસ
શરૂઆતના લેખમાં આપણે લુઇસ નામના ભાઈની વાત કરી હતી. તેમને હૃદયની ગંભીર બીમારી છે. બે વખત તો તે મરતાં-મરતાં બચ્યા છે. દિવસના ૧૬ કલાક તેમણે ઑક્સિજનની પાઇપ લગાવી પડે છે. તે કહે છે: “હું હંમેશાં યહોવાને પ્રાર્થના કરું છું. અને પ્રાર્થના કર્યા પછી, હું અનુભવી શકું છું કે ઈશ્વરની શક્તિ મને બળ આપે છે. ટકી રહેવા પ્રાર્થના મને મદદ કરે છે, કેમ કે મને ઈશ્વરમાં શ્રદ્ધા છે અને તે મારી પરવા કરે છે એવો ભરોસો છે.”
પેટ્રા નામનાં બહેન ૮૦થી વધુ વર્ષનાં છે. તે કહે છે: “મારે ઘણું બધું કરવું છે, પણ હું કરી નથી શકતી. મારી શક્તિ ઓછી થઈ રહી છે, એ મારાથી જોવાતું નથી. હું જલદી થાકી જઉં છું અને મારે દવાઓના સહારે જીવવું પડે છે. હું ઘણી વાર વિચારું છું, અઘરા સંજોગોને દૂર કરવા ઈસુએ પોતાના પિતાને વિનંતી કરી હતી. યહોવાએ ઈસુને બળ આપ્યું અને તે મને પણ બળ આપે છે. પ્રાર્થના મારી દરરોજની સારવાર છે. ઈશ્વર સાથે વાત કર્યા પછી મને ખૂબ સારું લાગે છે.”—માથ્થી ૨૬:૩૯.
જુલિયન છેલ્લા ૩૦ વર્ષોથી મલ્ટિપલ સ્કલરોસિસ (જ્ઞાનતંત્રનો રોગ) નામની બીમારી સામે ઝઝૂમી રહ્યા છે. તે કહે છે: “હું મૅનેજરની ખુરશી પરથી વ્હિલચૅર પર આવી ગયો છું. પણ મારું જીવન નકામું નથી થઈ ગયું, કેમ કે હું બીજાઓને મદદ કરું છું. બીજાઓને મદદ કરવાથી મારું દર્દ ઓછું થાય છે. યહોવાએ વચન આપ્યું છે કે તે મને જરૂરિયાતના સમયે મદદ કરશે અને એ વચન તે પાળે પણ છે. પ્રેરિત પાઊલની જેમ હું પણ કહી શકું છું: ‘કેમ કે જે મને બળ આપે છે, તેમની મદદથી મને બધું કરવાની શક્તિ મળે છે.’”—ફિલિપીઓ ૪:૧૩.
સ્નેહીજનને ગુમાવીએ ત્યારે
એન્ટોનિયો કહે છે: “અકસ્માતમાં મારા પપ્પાનું મૃત્યુ થયું. મને એ ખબર મળી ત્યારે એ મારા માનવામાં જ ન આવ્યું. મને લાગ્યું કે એ તો ખોટું કહેવાય, તે તો ફક્ત ફૂટપાથ પર હતા. પણ, મારા હાથમાં કંઈ જ ન હતું. તે પાંચ દિવસ કોમામાં રહ્યા અને પછી ગુજરી ગયા. હું મમ્મી સામે તો રડતો ન હતો, પણ એકલો હોવ ત્યારે પોક મૂકીને રડતો. હું પોતાને પૂછ્યા કરતો, ‘કેમ? કેમ આવું થયું?’
“એ કરુણ સમયમાં હું હંમેશાં યહોવાને મદદ માટે પ્રાર્થના કરતો, જેથી મારી લાગણીઓ કાબૂમાં રાખી શકું અને મનની શાંતિ મળે. સમય જતાં, મારા દિલને રાહત મળી. શાસ્ત્રની એક કલમ મને યાદ આવી, જે કહે છે કે ‘સમય અને સંજોગોની’ અસર બધા પર થાય છે. ઈશ્વરનું વચન છે કે તે ગુજરી ગયેલા લોકોને સજીવન કરશે. એટલે, મને ખાતરી છે કે હું મારા પપ્પાને ફરી મળી શકીશ, કેમ કે ઈશ્વર કદી જૂઠું બોલતા નથી.”—સભાશિક્ષક ૯:૧૧; યોહાન ૧૧:૨૫; તિતસ ૧:૨.
“પ્લેન ક્રેશમાં અમે દીકરો ગુમાવ્યો, પણ તેની સોનેરી યાદો હજુ અમારી પાસે છે.”—રોબર્ટ
રોબર્ટ વિશે આપણે આગળ વાત કરી હતી, તેમના પણ એવા જ વિચારો છે. તે કહે છે: “ફિલિપીઓ ૪:૬, ૭માં જણાવેલી મનની શાંતિનો અનુભવ મેં અને મારી પત્નીએ કર્યો છે. અમને એ શાંતિ યહોવાને પ્રાર્થના કરવાથી મળે છે. મનની એ શાંતિને કારણે અમે ન્યૂઝ રિપોર્ટરો સાથે સજીવન થવાની આશા વિશે વાત કરી શક્યા. પ્લેન ક્રેશમાં અમે દીકરો ગુમાવ્યો, પણ તેની સોનેરી યાદો હજુ અમારી પાસે છે. અમે એ યાદો પર મન લગાવીએ છીએ.
“સાથી ભાઈ-બહેનોએ કહ્યું કે ટી.વી. પર અમે બહુ સહજતાથી અમારી શ્રદ્ધા વિશે વાત કરતા હતા. અમે તેઓને કહ્યું કે એ તો તેઓએ અમારા માટે કરેલી પ્રાર્થનાઓને લીધે શક્ય બન્યું. મને લાગે છે કે ભાઈ-બહેનોએ મોકલેલા અસંખ્ય સંદેશાઓ દ્વારા યહોવા અમને ટેકો આપી રહ્યા હતા.”
આ દાખલાઓ બતાવે છે કે કોઈ પણ મુશ્કેલી અને પડકાર હોય, તોપણ ઈશ્વર દિલાસો આપી શકે છે. તમારા વિશે શું? ભલે તમારા જીવનમાં કોઈ પણ મુશ્કેલી હોય, પણ મદદ પ્રાપ્ય છે.b ચાલો, યહોવાની મદદ લઈએ. તે “દરેક પ્રકારનો દિલાસો આપનાર ઈશ્વર છે.”—૨ કોરીંથીઓ ૧:૩. (wp16-E No. 5)
 
 -