વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • શું એ ખરેખર બન્યું હતું?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૬
    • ઈસુનું શબ વધસ્તંભ પરથી ઉતારવામાં આવી રહ્યું છે, જે તેમના શિષ્યો દૂરથી જોઈ રહ્યા છે

      મુખ્ય વિષય | ઈસુ શા માટે પીડા સહીને મોતને ભેટ્યા?

      શું એ ખરેખર બન્યું હતું?

      સાલ ૩૩ની વસંતઋતુમાં ઈસુ નાઝારીને મારી નાંખવામાં આવ્યા હતા. તેમના પર બળવાખોરીનો ખોટો આરોપ મૂકવામાં આવ્યો, તેમને ક્રૂર રીતે મારવામાં આવ્યા અને છેલ્લે સ્તંભ પર ખીલાથી જડી દેવામાં આવ્યા. આમ, તે સખત પીડામાં મરણ પામ્યા. જોકે, ઈશ્વરે તેમને પાછા જીવતા કર્યા અને ૪૦ દિવસ પછી ઈસુ સ્વર્ગમાં ચઢી ગયા.

      એ મહત્ત્વનો અહેવાલ આપણને બાઇબલમાં સુવાર્તાનાં ચાર પુસ્તકોમાં જોવા મળે છે. એ પુસ્તકો ગ્રીક શાસ્ત્રવચનોનો ભાગ છે, જેને “નવો કરાર” પણ કહેવાય છે. એ બનાવો શું ખરેખર બન્યા હતા? એ એક મહત્ત્વનો સવાલ છે. કેમ કે, એ બનાવો જો ન બન્યા હોય, તો ખ્રિસ્તીઓની શ્રદ્ધા નકામી કહેવાય અને સુંદર દુનિયામાં હંમેશ માટે જીવવાની આશા પણ ફક્ત એક સપનું કહેવાય. (૧ કોરીંથી ૧૫:૧૪) પણ, જો એ બનાવો ખરેખર બન્યા છે, તો મનુષ્યો માટે ખૂબ જ ઉજ્જવળ ભાવિ રહેલું છે, જે તમે પણ મેળવી શકો છો. તો સવાલ થાય કે સુવાર્તાના એ અહેવાલો હકીકત છે કે વાર્તાઓ?

      વિગતો શું બતાવે છે

      સુવાર્તાનાં પુસ્તકો કાલ્પનિક વાર્તાઓ જેવાં નથી. એમાં તો ખૂબ જ કાળજીપૂર્વક લખેલી સચોટ અને વિગતવાર માહિતી છે. દાખલા તરીકે, એમાં જે જગ્યાઓ વિશે જણાવ્યું છે, એ આજે પણ જોવા મળે છે. એમાં જે વ્યક્તિઓ વિશે જણાવ્યું છે, તેઓ ખરેખર થઈ ગઈ છે, જેઓના વિશે કેટલાક ઇતિહાસકારોએ પણ નોંધ્યું છે.—લુક ૩:૧, ૨, ૨૩.

      પહેલી અને બીજી સદીના લેખકોએ પણ પોતાનાં લખાણોમાં ઈસુ વિશે ઉલ્લેખ કર્યો છે.a સુવાર્તાનાં પુસ્તકોમાં જણાવેલી ઈસુના મરણની વિગતો, એ સમયના રોમનોની સજા કરવાની રીતના સુમેળમાં છે. વધુમાં, એ વિગતો એકદમ સચોટ અને કંઈ પણ છુપાવ્યા વગર જણાવવામાં આવી છે. અરે, ઈસુના શિષ્યોની ભૂલો પણ છુપાવવામાં આવી નથી! (માથ્થી ૨૬:૫૬; લુક ૨૨:૨૪-૨૬; યોહાન ૧૮:૧૦, ૧૧) આ બધા મુદ્દા સાબિત કરે છે કે સુવાર્તાના લેખકો એકદમ પ્રમાણિક હતા અને તેઓએ ઈસુ વિશે સચોટ માહિતી લખી.

      ઈસુના સજીવન થવા વિશે શું?

      મોટા ભાગના લોકો સ્વીકારે છે કે ઈસુ હતા અને તે મરણ પામ્યા. પરંતુ, અમુકને ઈસુના સજીવન થવા વિશે શંકા છે. અને કેમ ન હોય! ઈસુ પાછા જીવતા થયા છે, એ વિશે શરૂ શરૂમાં તેમના શિષ્યોએ પણ વિશ્વાસ કર્યો નહિ. (લુક ૨૪:૧૧) જોકે, તેઓની શંકાઓ ત્યારે દૂર થઈ ગઈ, જ્યારે બીજા શિષ્યોએ પણ સજીવન થયેલા ઈસુને અલગ અલગ જગ્યાએ જોયા હતા. એક કિસ્સામાં તો આશરે ૫૦૦ લોકોએ ઈસુને જોયા હતા.—૧ કોરીંથી ૧૫:૬.

      શિષ્યોને ખબર હતી કે જો તેઓ ઈસુ વિશે જણાવશે, તો ધરપકડ અને મોતની સજા થવાનું તેઓને જોખમ રહેલું છે. તેમ છતાં, તેઓએ ઈસુના સજીવન થવા વિશે બધાને હિંમતથી જણાવ્યું. તેઓએ એવા લોકોને પણ જણાવ્યું, જેઓએ ઈસુને મારી નાંખ્યા હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૪:૧-૩, ૧૦, ૧૯, ૨૦; ૫:૨૭-૩૨) શું ખાતરી વગર શિષ્યોએ એ વિશે જણાવવાની હિંમત કરી હોત? અરે, ઈસુના સજીવન થવાના બનાવને લીધે તો, ખ્રિસ્તી ધર્મનો ત્યારે અને આજના સમયમાં પણ આટલો બધો પ્રભાવ પડે છે!

      ઈસુના મરણ અને સજીવન થવા વિશે સુવાર્તાનાં પુસ્તકોમાં સચોટ ઐતિહાસિક અહેવાલ છે. એને ધ્યાનપૂર્વક વાંચવાથી તમને ખાતરી થઈ જશે કે એ બનાવો ખરેખર બન્યા હતા. એ બનાવો શા માટે બન્યા એ જાણવાથી તમારો ભરોસો હજી વધારે મજબૂત થશે. હવે પછીનો લેખ એની સમજણ આપશે. (wp16-E No. 2)

      a સાલ ૫૫માં જન્મેલા ટેસીટસે લખ્યું, ‘ખ્રિસ્તી નામ મૂળ લૅટિન ક્રિસટીસ એટલે કે, ખ્રિસ્ત પરથી આવે છે. ઈસુ ખ્રિસ્તને તીબેરિયસના રાજમાં રોમન અધિકારી પોંતિયસ પીલાતે મરણની સજા આપી હતી.’ ઈસુનો ઉલ્લેખ આ લોકોએ પણ કર્યો: સુટોનીઅસ (પહેલી સદી), યહુદી ઇતિહાસકાર જોસેફસ (પહેલી સદી) અને પ્લીની ધ યંગર, બિથુનીઆનો સૂબેદાર (બીજી સદીની શરૂઆતમાં).

      બીજાં લખાણોમાં એને લગતા પુરાવા કેમ ઓછા છે?

      આખી દુનિયા પર ઈસુનો ઘણો બધો પ્રભાવ પડ્યો છે. એ જોતા શું બાઇબલ સિવાયનાં બીજાં લખાણોમાં આપણે ઈસુના જીવન વિશે અને તેમના સજીવન થવા વિશેના પુરાવાની અપેક્ષા રાખી શકીએ? જરૂરી નથી. કારણ કે, સુવાર્તાનાં પુસ્તકો આશરે ૨,૦૦૦ વર્ષ પહેલાં લખાયાં હતાં. એ સમયનાં બહુ થોડાં લખાણો અત્યાર સુધી બચી શક્યાં છે. (૧ પીતર ૧:૨૪, ૨૫) એવું તો બની જ ન શકે કે ઈસુના ઘણા વિરોધીઓ એવું કંઈક લખવાની મહેનત કરે, જેનાથી લોકોને ઈસુમાં ભરોસો બેસે.

      ઈસુના સજીવન થવા વિશે તેમના શિષ્ય પીતરે સમજાવ્યું: “તેને [ઈસુને] ઈશ્વરે ત્રીજે દિવસે ઊઠાડ્યો અને સર્વ લોકોની આગળ નહિ, પણ અગાઉથી ઈશ્વરના પસંદ કરેલા જે સાક્ષીઓએ તેના મૂએલાંમાંથી ઊઠ્યા પછી તેની સાથે ખાધુંપીધું હતું તેઓની આગળ, એટલે અમારી આગળ, તેને પ્રગટ કર્યો.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૪૦, ૪૧) શા માટે “સર્વ લોકોની આગળ” નહિ? માથ્થીની સુવાર્તા જણાવે છે કે, જ્યારે ધાર્મિક આગેવાનોએ ઈસુના સજીવન થવાની ખબર સાંભળી, ત્યારે તેઓએ એ ખબર દબાવી દેવાનું કાવતરું ઘડ્યું.—માથ્થી ૨૮:૧૧-૧૫.

      શું એનો એમ અર્થ થાય કે પોતાને સજીવન કરવામાં આવ્યા છે, એ વાતને ઈસુ ખાનગી રાખવા માંગતા હતા? ના. જરાય નહિ. પીતર આગળ જણાવે છે, “તેણે [ઈસુએ] અમને આજ્ઞા આપી કે લોકોને ઉપદેશ કરો અને સાક્ષી આપો કે ઈશ્વરે તેને જ જીવતાનો તથા મૂએલાંનો ન્યાયાધીશ ઠરાવેલો છે.” સાચા ખ્રિસ્તીઓએ એ આજ્ઞા પ્રમાણે કર્યું છે અને કરી રહ્યા છે.—પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૪૨.

  • ઈસુ શા માટે પીડા સહીને મોતને ભેટ્યા?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૬
    • જુદા જુદા સમાજના લોકો સુંદર પૃથ્વી પર જીવનનો આનંદ માણે છે

      મુખ્ય વિષય

      ઈસુ શા માટે પીડા સહીને મોતને ભેટ્યા?

      ‘એક માણસ આદમથી જગતમાં પાપ આવ્યું, ને પાપથી મરણ.’—રોમનો ૫:૧૨

      આદમ અને હવા મનાઈ કરેલા ફળ તરફ જુએ છે; આદમ અને હવા ઘડપણના દિવસોમાં; કબ્રસ્તાન તરફ લઈ જવાતી શબપેટી

      “શું તમને હંમેશ માટે જીવવું છે?” એ સવાલ તમને પૂછવામાં આવે તો, તમે શું કહેશો? મોટા ભાગના લોકો કદાચ હા કહેશે, પણ તેઓને લાગે છે કે એવું જીવન શક્ય નથી એટલે એનો વિચાર પણ ન કરાય. તેઓ કહે છે કે, ‘આપણે જન્મ્યા છીએ, એટલે મરવાના તો છીએ જ!’

      પણ, એ જ લોકોને જો એમ પૂછવામાં આવે કે, “શું તમે મરવા તૈયાર છો?” તો સામાન્ય સંજોગોમાં મોટા ભાગના લોકો ના પાડશે. એ શું બતાવે છે? સ્વાભાવિક રીતે આપણ દરેકને જીવવાની ઇચ્છા હોય છે. પછી ભલેને જીવનમાં ગમે તેટલી દુઃખ-તકલીફો કેમ ન આવે! બાઇબલ જણાવે છે કે ઈશ્વરે મનુષ્યોમાં કાયમ જીવવાની ઇચ્છા મૂકી છે. એમાં લખ્યું છે કે, ‘તેમણે લોકોનાં હૃદયમાં સનાતનપણું મૂક્યું છે.’—સભાશિક્ષક ૩:૧૧.

      જોકે, કડવી હકીકત એ છે કે મનુષ્યો મરણ પામે છે! તો પછી મરણ આવ્યું ક્યાંથી? બીજું કે, શું ઈશ્વરે એનો કોઈ ઉકેલ કાઢ્યો છે? બાઇબલમાંથી જવાબો જાણીને આપણા દિલને ટાઢક મળે છે. અને એ પણ સ્પષ્ટ થાય છે કે, ઈસુ શા માટે પીડા સહીને મોતને ભેટ્યા?

      મરણ આવ્યું ક્યાંથી?

      બાઇબલમાં ઉત્પત્તિના પહેલા ત્રણ અધ્યાયો એ વિશે માહિતી આપે છે. એમાં જણાવ્યું છે કે ઈશ્વરે પ્રથમ યુગલ આદમ-હવાને હંમેશ માટે જીવવાની તક આપી હતી. જોકે, હંમેશ માટે જીવવા તેઓએ એક આજ્ઞા પાળવાની હતી. એ અહેવાલ જણાવે છે કે તેઓએ કઈ રીતે ઈશ્વરની આજ્ઞા તોડી અને હંમેશ માટે ના જીવનની તક ગુમાવી દીધી. એ બનાવ એટલી સાદી રીતે જણાવવામાં આવ્યો છે કે, ઘણા લોકો એને દંતકથા ગણે છે. પણ સુવાર્તાનાં પુસ્તકોની જેમ, ઉત્પત્તિનું પુસ્તક પણ એક સચોટ ઐતિહાસિક અહેવાલ હોવાની બધી ખાસિયતો ધરાવે છે.a

      આદમે આજ્ઞા તોડી એનું શું પરિણામ આવ્યું? બાઇબલ એનો જવાબ આપતા જણાવે છે: ‘એક માણસ આદમથી જગતમાં પાપ આવ્યું, ને પાપથી મરણ; અને બધાએ પાપ કર્યું, તેથી બધા માણસોમાં મરણનો પ્રસાર થયો.’ (રોમનો ૫:૧૨) ઈશ્વરની આજ્ઞા ન માનીને આદમે પાપ કર્યું. આમ, તેણે હંમેશ માટે જીવવાની તક ગુમાવી અને સમય જતાં મરણ પામ્યો. આપણે તેના વંશજો હોવાથી, વારસામાં આપણને પાપ મળ્યું છે. પરિણામે, આપણામાં બીમારી, ઘડપણ અને મરણ આવ્યાં છે. એ હકીકત આજના વૈજ્ઞાનિકોએ કરેલી શોધની સુમેળમાં છે. તેઓએ શોધી કાઢ્યું છે કે માબાપનાં અમુક લક્ષણો અથવા બીમારીઓ બાળકોમાં વારસાગત આવે છે. પરંતુ, શું ઈશ્વરે કોઈ ઉકેલ કાઢ્યો છે?

      ઈશ્વરે ઉકેલ કાઢ્યો છે

      હા, ઈશ્વરે ગોઠવણ કરી છે! આદમે હંમેશ માટેના જીવનની જે તક ગુમાવી, એ તક તેના વંશજોને ઈશ્વરે જાણે પાછી ખરીદી આપી છે. ઈશ્વરે એમ કઈ રીતે કર્યું?

      બાઇબલમાં રોમનો ૬:૨૩માં જણાવ્યું છે કે ‘પાપનું વેતન મરણ છે.’ એનો અર્થ થાય કે પાપના પરિણામે મરણ આવે છે. આદમે પાપ કર્યું એટલે તે મરી ગયો. એવી જ રીતે, આપણે પાપ કરીએ છીએ ત્યારે એના વેતનરૂપે આપણા પર મરણ આવે છે. જોકે, આપણો કોઈ વાંક ન હોવા છતાં આપણે જન્મથી પાપી ગણાઈએ છીએ. તેથી, ઈશ્વરે આપણા પર પ્રેમ બતાવીને પોતાના દીકરા ઈસુને મોકલ્યા. તેમણે આપણા વતી પાપનું વેતન ચૂકવ્યું. તેમણે એ કઈ રીતે કર્યું?

      જુદા જુદા સમાજના લોકો સુંદર પૃથ્વી પર જીવનનો આનંદ માણે છે

      ઈસુના જીવનની કુરબાનીથી હંમેશ માટેના જીવનનું દ્વાર ખુલ્યું છે

      આદમ સંપૂર્ણ માણસ હતો. તેણે આજ્ઞા તોડી માટે આપણામાં પાપ અને મરણ આવ્યાં. તેથી, આપણને પાપના બંધનમાંથી છોડાવવા એક એવા સંપૂર્ણ માણસની જરૂર હતી, જે છેલ્લા શ્વાસ સુધી આજ્ઞાંકિત રહે. એ વાતને બાઇબલ આ રીતે સમજાવે છે: “જેમ એક માણસના આજ્ઞાભંગથી ઘણાં પાપી થયાં, તેમ જ એકના આજ્ઞાપાલનથી ઘણાં ન્યાયી ઠરશે.” (રોમનો ૫:૧૯) એ ‘આજ્ઞાપાલન કરનાર’ તો ઈસુ હતા. સ્વર્ગ છોડીને તે એક સંપૂર્ણ માણસb તરીકે આવ્યા અને આપણા વતી મોતને ભેટ્યા. પરિણામે, આપણા માટે ઈશ્વર આગળ એક ન્યાયી વ્યક્તિ તરીકે ઊભા રહેવું અને હંમેશ માટે જીવવું શક્ય બન્યું છે.

      ઈસુ પીડા સહીને મોતને ભેટ્યા

      આપણને પાપના વેતનમાંથી મુક્ત કરવા ઈસુએ શા માટે મરવાની જરૂર પડી? શું આખા વિશ્વના માલિક એક ફરમાન બહાર પાડી શક્યા ન હોત કે આદમના વંશજોને હંમેશ માટે જીવવાની પરવાનગી મળે? તે ચોક્કસ એમ કરી શક્યા હોત! એમ કરવાનો તેમની પાસે અધિકાર હતો. પરંતુ, એમ કરવાથી તેમણે જ ઘડેલો આ નિયમ ખોટો પડત: ‘પાપનું વેતન મરણ છે.’ એ નિયમ કંઈ નાનો-સૂનો નથી, જે સગવડ પ્રમાણે બદલી નંખાય. એ તો અદ્દલ ન્યાયનો પાયો છે.—ગીતશાસ્ત્ર ૩૭:૨૮.

      જો ઈશ્વરે એ નિયમને અવગણ્યો હોત, તો લોકોને કદાચ થાત કે તેમણે બીજા કિસ્સાઓમાં પણ પોતાના નિયમોને અવગણ્યા હશે. દાખલા તરીકે, આદમના વંશજોમાંથી કોણ કોણ હંમેશ માટેનું જીવન મેળવશે, એની પસંદગી શું ઈશ્વરે ન્યાયી રીતે કરી હશે? બીજું કે, તે જે વચનો આપે છે એ પૂરાં કરશે, એવો ભરોસો પણ શું રાખી શકાય? પરંતુ, ઈશ્વર આપણા બચાવની ગોઠવણમાં પોતાના ન્યાયી નિયમને વળગી રહ્યા. એ સાબિતી આપે છે કે જે ખરું છે, ઈશ્વર એ જ કરશે.

      ઈસુનું બલિદાન આપીને ઈશ્વરે મનુષ્યો માટે સુંદર પૃથ્વી પર હંમેશ માટેના જીવનનું દ્વાર ખોલ્યું. યોહાન ૩:૧૬માં જણાવેલાં ઈસુના આ શબ્દો પર ધ્યાન આપો: “ઈશ્વરે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ માટે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.” ઈસુની કુરબાની દ્વારા ઈશ્વરે અદ્દલ ન્યાય કર્યો. જોકે, એનાથી પણ વિશેષ તો એમાં મનુષ્યો માટે ઈશ્વરનો અપાર પ્રેમ દેખાઈ આવે છે.

      પરંતુ, સવાલ થાય કે શા માટે ઈસુએ પીડા સહન કરીને મરવું પડ્યું? આકરી કસોટીમાં વફાદાર રહીને ઈસુએ શેતાનને તેના સવાલનો જબરદસ્ત જવાબ આપ્યો. શેતાને એવો દાવો કર્યો હતો કે કસોટીમાં મનુષ્યો ઈશ્વરને વફાદાર નહિ રહે. (અયૂબ ૨:૪, ૫) શેતાને સંપૂર્ણ આદમને પાપ કરવા માટે મનાવી લીધો, એટલે કદાચ તેનો એ દાવો યોગ્ય લાગે. પરંતુ, આદમની જેમ ઈસુ પણ સંપૂર્ણ હતા અને તે આકરી કસોટીમાં પણ વફાદાર રહ્યા. (૧ કોરીંથી ૧૫:૪૫) આમ, તેમણે સાબિત કરી આપ્યું કે જો આદમે ચાહ્યું હોત, તો તે પણ ઈશ્વરને વફાદાર રહી શક્યો હોત. ઈસુએ સતાવણીઓમાં પણ વફાદાર રહીને આપણા માટે સરસ દાખલો બેસાડ્યો છે. (૧ પીતર ૨:૨૧) ઈસુએ આજ્ઞા પાળી એનું ઈશ્વરપિતાએ તેમને અદ્‍ભુત ઇનામ આપ્યું. ઈસુને સ્વર્ગમાં અવિનાશી જીવન મળ્યું.

      તમે કઈ રીતે ફાયદો મેળવી શકો?

      ઈસુએ સાચે જ જીવનની કુરબાની આપી છે. હંમેશ માટેના જીવનનું દ્વાર હવે ખુલ્લું છે. શું તમારે હંમેશ માટે જીવવું છે? એવું જીવન મેળવવા શું કરવું જોઈએ, એ જણાવતા ઈસુએ કહ્યું: “અનંતજીવન એ છે કે તેઓ તને એકલા ખરા ઈશ્વરને તથા ઈસુ ખ્રિસ્ત જેને તેં મોકલ્યો છે તેને ઓળખે.”—યોહાન ૧૭:૩.

      આ મૅગેઝિનના પ્રકાશકો તમને સાચા ઈશ્વર યહોવા અને તેમના દીકરા ઈસુ ખ્રિસ્ત વિશે વધુ શીખવા આમંત્રણ આપે છે. તમારા વિસ્તારના યહોવાના સાક્ષીઓ તમને ખુશી ખુશી મદદ કરશે. તમે અમારી વેબસાઇટ www.pr418.com પરથી વધુ માહિતી પણ મેળવી શકો. (wp16-E No. 2)

      a ફેબ્રુઆરી ૧, ૨૦૧૧ ચોકીબુરજ પાન ૪માં આ લેખ જુઓ: “શું એદન બાગ ખરેખર હતો?” એ મૅગેઝિન યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

      b ઈશ્વરે સ્વર્ગમાંથી પોતાના દીકરાનું જીવન મરિયમ નામની સ્ત્રીની કૂખમાં મૂક્યું. આમ, ચમત્કારિક રીતે મરિયમને ગર્ભ રહ્યો. ઈશ્વરની શક્તિએ મરિયમની કૂખમાં ઈસુનું રક્ષણ કર્યું, જેથી વારસાગત અપૂર્ણતા ન આવે.—લુક ૧:૩૧, ૩૫.

      મેળવણ વગરની રોટલી સ્મરણપ્રસંગે પસાર કરવામાં આવી રહી છે

      ‘આમ કરતા રહો’

      ઈસુએ જીવનની કુરબાની આપી એની આગલી રાતે તે પોતાના વફાદાર શિષ્યો સાથે ભેગા થયા. તેમણે પોતાના મરણને યાદ કરવાની આજ્ઞા આપીને સ્મરણપ્રસંગની શરૂઆત કરી. તેમણે શિષ્યોને કહ્યું: “મારી યાદગીરીમાં આ કરો.” (લુક ૨૨:૧૯) એ આજ્ઞા પાળવા દર વર્ષે દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓ ભેગા મળે છે. ગયા વર્ષે સ્મરણપ્રસંગમાં ૧,૯૮,૬૨,૭૮૩ લોકો હાજર રહ્યા હતા.

      આ વર્ષે સ્મરણપ્રસંગ બુધવાર, માર્ચ ૨૩ના દિવસે સૂર્યાસ્ત પછી ઊજવવામાં આવશે. બાઇબલ આધારિત પ્રવચન સાંભળવા માટે આવવાનું અમે તમને, તમારા કુટુંબને અને તમારા મિત્રોને દિલથી આમંત્રણ આપીએ છીએ. પ્રવેશ તદ્દન મફત છે અને કોઈ પૈસા ઉઘરાવવામાં આવશે નહિ. પ્રસંગ ક્યાં અને ક્યારે યોજાશે એ જાણવા તમારા વિસ્તારના યહોવાના સાક્ષીઓને પૂછો. અથવા તમે ચાહો તો અમારી વેબસાઇટ www.pr418.com પર જઈ શકો.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો