વાચકો તરફથી પ્રશ્નો
શું કરારકોશમાં ફક્ત બે પાટીઓ જ હતી, કે પછી એમાં બીજી વસ્તુઓ પણ હતી?
સુલેમાને ઈસવીસન પૂર્વે ૧૦૨૬માં યહોવાહને મંદિર અર્પણ કર્યું, ત્યારે ‘કોશમાં બે પાટીઓ સિવાય બીજું કંઈ ન હતું.’ (૨ કાળવૃત્તાંત ૫:૧૦) જોકે તે પહેલાં કરાર કોશમાં બીજી વસ્તુઓ પણ હતી.
‘ઈસ્રાએલપુત્રો મિસર દેશમાંથી નીકળ્યાને ત્રીજા માસે’ સિનાયના અરણ્યમાં આવ્યા. (નિર્ગમન ૧૯:૧, ૨) ત્યાં મુસા સિનાય પર્વત પર ચડ્યા. પર્વત પર યહોવાહે મુસાને પથ્થરની બે શિલાપાટીઓ આપી. એના પર નિયમો લખેલા હતા. મુસા એ બનાવ વિષે કહે છે: “હું પાછો ફરીને પર્વત પરથી ઊતર્યો, ને જે કોશ મેં બનાવ્યો હતો તેમાં તે પાટીઓ મેં મૂકી; અને યહોવાહે મને આજ્ઞા આપી હતી તે મુજબ તેઓ ત્યાં છે.” (પુનર્નિયમ ૧૦:૫) કરાર કોશ બનાવવામાં આવ્યો ત્યાં સુધી, આ બે પાટીઓ મુસાએ બનાવેલા લાકડાના કોશમાં મૂકવામાં આવી હતી. (પુનર્નિયમ ૧૦:૧) કરાર કોશ ઈસવીસન પૂર્વે ૧૫૧૩ના અંતે બનાવવામાં આવ્યો.
મિસર દેશની ગુલામીમાંથી છૂટ્યા પછી, થોડાં દિવસોમાં જ ઈસ્રાએલીઓ ખોરાક માટે કચકચ કરવા લાગ્યા. એટલે યહોવાહે તેઓને માન્ના આપ્યું. (નિર્ગમન ૧૨:૧૭, ૧૮; ૧૬:૧-૫) ‘મુસાએ હારૂનને કહ્યું, કે “એક વાસણ લઈને તેમાં એક ઓમેર માન્ના ભરીને તમારા વંશજોને માટે રાખી મૂકવા સારૂ તેને યહોવાહની હજૂરમાં મૂક.” યહોવાહે મુસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે હારૂને સંઘરી રાખવા સારૂ સાક્ષ્યકોશની [લાકડાના કોશની] સામે તે મૂક્યું.’ (નિર્ગમન ૧૬:૩૩, ૩૪) હારૂને વાસણમાં માન્ના ભેગું કર્યું અને લાકડાના કોશની સામે મૂક્યું. છતાં પણ મુસા કરાર કોશ ન બનાવે અને બે શિલાપાટીઓ એમાં ન મૂકે, ત્યાં સુધી માન્ના કરાર કોશમાં મૂકી ન શકાય.
ઈસવીસન પૂર્વે ૧૫૧૩ના અંતે મુસાએ કરાર કોશ બનાવી દીધો. કોરાહ અને તેની સાથે બીજાઓ મુસા સામે થયા પછી, હારૂનની લાકડી કરાર કોશમાં મૂકવામાં આવી. પ્રેષિત પાઊલે પણ જણાવ્યું કે કઈ કઈ વસ્તુઓ કરારકોશમાં હતી: ‘એ પેટીમાં માન્નાથી ભરેલું સોનાનું પાત્ર, હારૂનની કળી ફૂટેલી લાકડી તથા કરારના શિલાપાટી હતાં.’—હેબ્રી ૯:૪.
ઈસ્રાએલીઓ ૪૦ વર્ષ અરણ્યમાં હતા ત્યાં સુધી, યહોવાહે તેઓને ખાવા માટે માન્ના આપ્યું. તેઓ વચન આપેલા દેશમાં પહોંચ્યા પછી, યહોવાહે માન્ના આપવાનું બંધ કર્યું. પછી, ‘તેઓએ તે દેશનું અનાજ ખાધું.’ (યહોશુઆ ૫:૧૧, ૧૨) કરાર કોશમાં હારૂનની લાકડી પણ ખાસ કારણ માટે મૂકવામાં આવી હતી. એ બેવફા ઈસ્રાએલીઓ માટે એક નિશાની અથવા સાક્ષી હતી. એવું લાગે છે કે જ્યાં સુધી ઈસ્રાએલીઓ અરણ્યમાં હતા, ત્યાં સુધી હારૂનની લાકડી કરાર કોશમાં હતી. તો પછી, હારૂનની લાકડી અને માન્નાથી ભરેલા સોનાના પાત્રને કરારકોશમાંથી ક્યારે બહાર કાઢ્યા હશે? ઈસ્રાએલીઓ વચનના દેશમાં પહોંચ્યા ત્યારથી લઈને સુલેમાને યહોવાહને મંદિર અર્પણ કર્યું, એ વચ્ચેના સમયગાળામાં એમ બન્યું હોય શકે.