બાઇબલ અભ્યાસમાં આખું કુટુંબ કઈ રીતે સાથ આપી શકે?
૧ સત્ય જાણવાથી આખા કુટુંબને ખરો અર્થ અને હેતુ મળ્યો છે. ખરું કે, આખું કુટુંબ યહોવાની ભક્તિમાં આપોઆપ મજબૂત થઈ જતું નથી. એમ થવા સમય અને પ્રયત્નો લાગે છે. એ માટે કુટુંબના સભ્યોએ એકબીજાને ઘણો સાથ-સહકાર આપવો પડે છે. આ લેખમાં જોઈશું કે નિયમિત બાઇબલ અભ્યાસ કરવા કુટુંબના સભ્યો કઈ રીતે એકબીજાને સાથ આપી શકે.
૨ દરરોજ બાઇબલ વાંચવાથી: નીતિવચનો ૨૪:૫ જણાવે છે, ‘જ્ઞાની માણસ પોતાની શક્તિ વધારે છે.’ નિયમિત રીતે બાઇબલ વાંચવાથી વ્યક્તિનું જ્ઞાન વધે છે. એ જ્ઞાન તેને શેતાનના હુમલાઓથી રક્ષણ આપે છે, જેથી યહોવાની ભક્તિમાં અડગ રહી શકે. (ગીત. ૧:૧, ૨) શું તમે કુટુંબ સાથે દરરોજ બાઇબલ વાંચો છો? આખા વર્ષ માટે દેવશાહી સેવા શાળા શેડ્યૂલમાં દર અઠવાડિયાનું “બાઇબલ વાંચન” હોય છે. એ પ્રમાણે કરવા કુટુંબ તરીકે દરરોજ વધારેમાં વધારે દસ મિનિટ આપવી પડે. તમને ફાવે એ સમયે, જેમ કે સવારના નાસ્તાના સમયે, જમ્યા પછી, કે સૂતા પહેલાં બાઇબલ વાંચી શકો. તેમ જ, દરરોજ શાસ્ત્રવચનો તપાસવાંમાંથી એ દિવસનું વચન વાંચી શકો. કુટુંબ તરીકે દરરોજ એમ કરવાની આદત કેળવો.
૩ દર અઠવાડિયે સાથે અભ્યાસ કરવાથી: કુટુંબ માટે અઠવાડિયામાં સૌથી મહત્ત્વની બાબત કુટુંબ તરીકેની ભક્તિ હોવી જોઈએ. દરેક સભ્યએ એમાં ઉત્સાહથી ભાગ લઈને ટેકો આપવો જોઈએ. શિરે પોતાના કુટુંબની જરૂરિયાતો ધ્યાનમાં રાખીને અભ્યાસ માટેની માહિતી પસંદ કરવી જોઈએ. તે નક્કી કરશે કે અભ્યાસ કયા દિવસે, કયા સમયે અને કેટલો લાંબો હશે. કુટુંબ માટે દર અઠવાડિયે અભ્યાસ કરવું સૌથી મહત્ત્વનું હોવું જોઈએ. મહત્ત્વની ન હોય એવી બાબતો ભક્તિને આડે આવવા દેવી જોઈએ નહિ.—ફિલિ. ૧:૧૦, ૧૧.
૪ એક પિતાને ધંધાને લગતા ફોન ઘરે પણ આવતા હતા. એટલે તે કુટુંબ તરીકે ભક્તિ કરતી વખતે ફોન બંધ રાખતા. જો કોઈ વ્યક્તિ કામને લગતી બાબતે ઘરે મળવા આવે, તો તેને સાથે જોડાવા અથવા અભ્યાસ પતે ત્યાં સુધી રાહ જોવા કહેતા. કુટુંબ તરીકેની ભક્તિમાં આડે કંઈ ન આવે એનું પિતા ખાસ ધ્યાન રાખતા. એમ કરવાથી, બાળકો પર ઊંડી અસર પડી. અને ધંધામાં પણ તે સારું કરી શક્યા.
૫ યહોવાની ભક્તિ કરવા કુટુંબનું દરેક સભ્ય સાથ આપે તો કેટલું સારું લાગે છે! કુટુંબ તરીકે બાઇબલનો અભ્યાસ કરવા બધા જ્યારે બનતા પ્રયત્નો કરે છે, ત્યારે યહોવાના આશીર્વાદો મેળવે છે.—ગીત. ૧:૩.