જુન—જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો
જુન ૪-૧૦
બાઇબલમાં રહેલો ખજાનો | માર્ક ૧૫-૧૬
“ઈસુમાં ભવિષ્યવાણીઓ પૂરી થઈ”
(માર્ક ૧૫:૩-૫) પણ, મુખ્ય યાજકો ઘણી બાબતો વિશે તેમના પર આરોપો મૂકતા હતા. ૪ હવે, પીલાત ફરીથી તેમને સવાલ પૂછવા લાગ્યો: “શું તારે કંઈ જવાબ આપવો નથી? જો, તેઓ તારી વિરુદ્ધ કેટલા બધા આરોપો મૂકે છે.” ૫ પણ, ઈસુએ કોઈ જવાબ આપ્યો નહિ, એટલે પીલાતને નવાઈ લાગી.
(માર્ક ૧૫:૨૪) અને તેઓએ તેમને ખીલા ઠોકીને વધસ્તંભે જડ્યા અને તેમનાં કપડાં વહેંચી લીધાં; એ માટે તેઓએ ચિઠ્ઠીઓ નાખીને નક્કી કર્યું કે કોણે શું લેવું.
(માર્ક ૧૫:૨૯, ૩૦) અને ત્યાંથી પસાર થનારાઓ માથા હલાવીને તેમની મશ્કરી કરતા કહેવા લાગ્યા: “વાહ! તું એ જ છે ને, જે મંદિર પાડી નાખીને ત્રણ દિવસમાં એને બાંધવાનો હતો; ૩૦ હવે, વધસ્તંભ પરથી નીચે આવીને પોતાને બચાવ.”
nwtsty માર્ક ૧૫:૨૪, ૨૯ અભ્યાસ માહિતી
તેમનાં કપડાં વહેંચી લીધાં: યોહ ૧૯:૨૩, ૨૪ કલમોમાં વિગતવાર અમુક માહિતી આપવામાં આવી છે, જે માથ્થી, માર્ક અને લુકના પુસ્તકોમાં નથી. અહીં સાફ સાફ જોઈ શકાય છે કે રોમન સૈનિકોએ ઈસુના કપડાં માટે ચિઠ્ઠીઓ નાખી. પહેલા તો “દરેક સૈનિક માટે એક, એમ ચાર ભાગમાં” તેઓએ તેમના કપડાં વહેંચી લીધા. પરંતુ, ઈસુએ પહેરેલો અંદરનો ઝભ્ભો તેઓને ફાડવો ન હતો, તેથી તેઓએ એના માટે ચિઠ્ઠીઓ નાખી. આમ, મસીહના કપડાં માટે ચિઠ્ઠીઓ નાંખવામાં આવી અને ગી ૨૨:૧૮ની ભવિષ્યવાણી પૂરી થઈ. સ્પષ્ટ જોઈ શકાય છે કે એ સમયના રિવાજ પ્રમાણે મૃત્યુદંડને અમલમાં મૂકનારાઓ ભોગ બનનારના કપડાં રાખી લેતા. આ રીતે, ગુનેગારોના મરતા પહેલા તેઓનાં કપડાં અને વસ્તુઓ લઈ લેવામાં આવતી, જેથી સજાને વધુ અપમાનજનક બનાવી શકાય.
તેઓના માથા હલાવીને: એ સમયે શબ્દોની સાથેસાથે આ રીતે માથા હલાવીને લોકો ઉપહાસ, અનાદર અથવા મજાક કરતા. આમ, ત્યાંથી પસાર થનારાઓએ અજાણતા ગી ૨૨:૭ની ભવિષ્યવાણી પૂરી કરી હતી.
(માર્ક ૧૫:૪૩) અરિમથાઈનો યુસફ આવ્યો; તે ધર્મસભાનો માનનીય સભ્ય હતો અને તે પોતે પણ ઈશ્વરના રાજ્યની રાહ જોતો હતો. તે હિંમત કરીને પીલાત પાસે ગયો અને ઈસુનું શબ માંગ્યું.
(માર્ક ૧૫:૪૬) ત્યાર બાદ, યુસફે બારીક શણનું કાપડ ખરીદ્યું અને તેમને નીચે ઉતાર્યા; તેમને બારીક શણના કાપડમાં વીંટાળ્યા અને કબરમાં મૂક્યા, જે ખડકમાં ખોદવામાં આવી હતી અને તેણે કબરના મુખ પર મોટો પથ્થર ગબડાવી દીધો.
nwtsty માર્ક ૧૫:૪૩ અભ્યાસ માહિતી
યુસફ: ખુશખબરના પુસ્તકોમાં યુસફ વિશે આપેલી અલગ અલગ માહિતીથી એના લેખકોના વ્યક્તિત્વ વિશે અમુક જાણકારી મળે છે. માથ્થી જે એક સમયે કર ઉઘરાવનાર હતા, તેમણે યુસફને “એક ધનવાન માણસ” કહ્યા. માર્ક રોમનોને ધ્યાનમાં રાખીને લખી રહ્યા હતા. તેથી, તેમણે યુસફને “ધર્મસભાનો માનનીય સભ્ય” કહ્યા, જે ઈશ્વરના રાજ્યની રાહ જોતા હતા. લુક જે એક લાગણીશીલ વૈધ હતા, તેમણે યુસફને “ભલો અને નેક” માણસ કહ્યા, કે જેમણે ધર્મસભામાં ઈસુ વિરુદ્ધ ઘડાઈ રહેલા કાવતરાઓમાં સાથ આપ્યો ન હતો. માત્ર યોહાને જ નોંધ્યું કે તે “ઈસુનો શિષ્ય હતો, પણ યહુદીઓથી બીતો હોવાથી” એ વાત છુપાવતો હતો.—માથ ૨૭:૫૭-૬૦; માર્ક ૧૫:૪૩-૪૬; લુક ૨૩:૫૦-૫૩; યોહ ૧૯:૩૮-૪૨.
કીમતી રત્નો શોધીએ
(માર્ક ૧૫:૨૫) હવે, તેઓએ તેમને વધસ્તંભે જડ્યા ત્યારે સવારના નવેક વાગ્યા હતા.
nwtsty માર્ક ૧૫:૨૫ અભ્યાસ માહિતી
સવારના નવેક વાગે: મૂળ, “ત્રીજા કલાકે.” અમુક લોકો આ અહેવાલ અને યોહા ૧૯:૧૪-૧૬ વચ્ચે જોવા મળતા ફરક તરફ ધ્યાન દોરે છે, જે કહે છે કે પીલાતે ઈસુને મરણની સજા કરી ત્યારે “બપોરના આશરે ૧૨ વાગ્યા હતા”. ભલે શાસ્ત્રવચનો આ ફરકને પૂરેપૂરી રીતે સમજાવતા નથી, પણ અહીં ધ્યાનમાં લેવા જેવી અમુક બાબતો છે: પૃથ્વી પર ઈસુના છેલ્લા દિવસને લગતા બનાવોના સમય વિશે ખુશખબરના પુસ્તકોમાં આપેલા અહેવાલો સુમેળમાં છે. આ ચારેય અહેવાલો બતાવે છે કે સવાર થયા પછી યાજકો અને વડીલો ભેગા મળ્યા અને ઈસુને રાજ્યપાલ પીલાત પાસે લઈ ગયા. (માથ ૨૭:૧, ૨; માર્ક ૧૫:૧; લુક ૨૨:૬૬–૨૩:૧; યોહ ૧૮:૨૮) માથ્થી, માર્ક અને લુક જણાવે છે કે જ્યારે ઈસુ વધસ્તંભે હતા, એ સમયે આખા દેશમાં અંધારું છવાઈ ગયું, જે “બપોરના બારેક વાગ્યાથી ત્રણેક વાગ્યા સુધી” રહ્યું. (માથ ૨૭:૪૫, ૪૬; માર્ક ૧૫:૩૩, ૩૪; લુક ૨૩:૪૪) ઈસુના મૃત્યુના સમયને અસર કરનાર આ એક કારણ હોય શકે: કેટલીક વખતે મરણદંડની સજામાં ચાબુક મારવાનો પણ સમાવેશ થતો હતો. અમુક વખતે ચાબુક મારવું એટલું દર્દનાક હોતું કે સજા ભોગવનાર વ્યક્તિ ત્યારે જ મરણ પામતી. ઈસુ શરૂઆતમાં પોતે વધસ્તંભ ઊંચકીને ચાલ્યા. પણ, તેમને ખૂબ ચાબુક મારવામાં આવ્યા હોવાથી જરૂરી થઈ પડ્યું કે બીજી કોઈ વ્યક્તિ આવીને તેમનો વધસ્તંભ ઊંચકે. (લુક ૨૩:૨૬; યોહ ૧૯:૧૭) જો મરણદંડની શરૂઆત ચાબુક મારવાથી થઈ હોય, તો ઈસુને વધસ્તંભે જડતા પહેલા થોડો સમય પસાર થઈ ગયો હશે. એની સુમેળમાં, માથ ૨૭:૨૬ અને માર્ક ૧૫:૧૫માં ચાબુક મારવાનો અને વધસ્તંભે ચઢાવવાનો એકસાથે ઉલ્લેખ થયો છે. તેથી, કદાચ મરણદંડની પ્રક્રિયાની શરૂઆતને લઈને અમુક વ્યક્તિઓના મત અલગ અલગ હતા. એટલે તેઓએ મરણની સજાનો સમય અલગ અલગ નોંધ્યો. કદાચ આ સમજાવી શકે કે શા માટે પીલાતને એ જાણીને આશ્ચર્ય થયું કે ઈસુને વધસ્તંભ પર લટકાવવામાં આવ્યા પછી થોડા જ સમયમાં તે મૃત્યુ પામ્યા. (માર્ક ૧૫:૪૪) એ જમાનામાં દિવસ અને રાતને ત્રણ ત્રણ કલાકના ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા હતા. એટલે દેખીતું છે કે બાઇબલમાં સવારના ૯, બપોરના ૧૨ અને ૩ વાગ્યાનો ઉલ્લેખ થયો છે, જેને ગણવાની શરૂઆત સવારના ૬ વાગ્યાથી થતી. (માથ ૨૦:૧-૫; યોહ ૪:૬; પ્રેકા ૨:૧૫; ૩:૧; ૧૦:૩, ૯, ૩૦) સામાન્યપણે, લોકો પાસે ચોક્કસ સમય બતાવી શકે એવું કોઈ સાધન ન હતું. એટલે દિવસના કોઈ પણ સમયને બતાવવા “આશરે” શબ્દનો ઉપયોગ થતો હતો, જેના વિશે આપણે યોહ ૧૯:૧૪માં જોઈ શકીએ છીએ. (માથ ૨૭:૪૬; લુક ૨૩:૪૪; યોહ ૪:૬; પ્રેકા ૧૦:૩, ૯) ટૂંકમાં જોઈ શકાય કે માર્કના અહેવાલમાં ચાબુક મારવું અને વધસ્તંભે ચઢાવવું બન્નેનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ, યોહાને ફક્ત વધસ્તંભે ચઢાવવાનો જ ઉલ્લેખ કર્યો હતો. કદાચ બન્ને લેખકોએ ત્રણ કલાકના સમયગાળાને ધ્યાનમાં રાખીને સમયની નોંધણી કરી હશે અને યોહાને “આશરે” શબ્દનો ઉપયોગ કરતા સીધેસીધો સમય બતાવ્યો. આ કારણોને લીધે બાઇબલના આ અહેવાલોમાં નોંધેલા સમયમાં તફાવત જોવા મળે છે. ખરેખર જોઈએ તો, આ વિષય પર દાયકાઓ પછી યોહાને જે લખ્યું હતું એ માર્કના અહેવાલથી ઘણું અલગ હતું. આના પરથી જાણી શકાય છે કે યોહાને માર્કના અહેવાલોની કંઈ નકલ ઉતારી ન હતી.
(માર્ક ૧૬:૮) તેથી, તેઓ બહાર આવી ત્યારે ડરથી ધ્રૂજતી અને દંગ રહી ગયેલી હતી અને તેઓ કબર પાસેથી ભાગી. તેઓએ કોઈને કંઈ કહ્યું નહિ, કેમ કે તેઓ ગભરાયેલી હતી.
nwtsty માર્ક ૧૬:૮ અભ્યાસ માહિતી
કેમ કે તેઓ ગભરાયેલી હતી: માર્કના છેલ્લા ભાગની પ્રાપ્ય સૌથી જૂની હસ્તપ્રતો મુજબ તેમનું પુસ્તક કલમ ૮માં જોવા મળતા શબ્દો સાથે સમાપ્ત થાય છે. કેટલાક લોકો દાવો કરે છે કે પુસ્તકની સમાપ્તિ આવી હોઈ જ ન શકે, આ રીતે પુસ્તકની સમાપ્તિ કરી જ ના શકાય. જોકે, માર્કની લખવાની શૈલી પર ધ્યાન આપીએ તો, તેઓનો દાવો ખોખલો લાગે છે. એ ઉપરાંત, ચોથી સદીના વિદ્વાનો જેરોમ અને યુસેબિયસ સૂચવે છે કે અસલી નકલોમાં માર્ક પુસ્તકનો અંત આ શબ્દો સાથે થાય છે: “કેમ કે તેઓ ગભરાયેલી હતી.”
એવી અનેક ગ્રીક હસ્તપ્રતો અને બીજી ભાષાઓમાં થયેલા અનુવાદો પ્રાપ્ય છે, જેમાં કલમ ૮ પછી લાંબી અથવા ટૂંકી સમાપ્તિ ઉમેરવામાં આવી છે. પાંચમી સદીના પુસ્તકો કોડેક્સ એલેક્ઝાન્ડ્રીનસ, કોડેક્સ એફરીમી સાઈરી રેસ્ક્રીપ્ટ્સ અને કોડેક્સ બેઝી કૅન્ટાબ્રિજીન્સિસમાં મોટી સમાપ્તિનો (જેમાં ૧૨ વધારાની કલમો છે) સમાવેશ થયો છે. આ કલમો લેટિન વલ્ગેટ, ક્યુરેટોનિયન સિરિયાક અને સિરિયાક પેશીટામાં પણ જોવા મળે છે. જોકે, ચોથી સદીની બે ગ્રીક હસ્તપ્રતો, કોડેક્સ સાઈનાટિક્સ અને કોડેક્સ વેટિકીનસમાં એ કલમો જોવા મળતી નથી. અથવા, ચોથી કે પાંચમી સદીના કોડેક્સ સાઈનાટિક્સ સિરિયાકસમાં કે પાંચમી સદીની માર્કની સાહેડીક કૉપ્ટિક હસ્તપ્રતમાં એ કલમો જોવા મળતી નથી. એવી જ રીતે, આર્મેનિયન અને જ્યોર્જિયન ભાષાઓમાં માર્કની સૌથી જૂની હસ્તપ્રતોમાં પણ કલમ ૮ પછી પુસ્તક પૂરું થઈ જાય છે.
અમુક સમય બાદ, ગ્રીક હસ્તપ્રતો અને અન્ય ભાષાઓના અનુવાદોમાં ટૂંકી સમાપ્તિનો સમાવેશ થયો (જેમાં ફક્ત બે વાક્યો છે). આઠમી સદીના કોડેક્સ રીજીયસમાં બંને સમાપ્તિઓ છે, જેમાં સૌ પ્રથમ ટૂંકી સમાપ્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બંને સમાપ્તિની શરૂઆતમાં એક નોંધ આપી છે, જે કંઈક આમ કહે છે: ‘આ ભાગોને સ્વીકારીને અહીંયા ઉપયોગમાં લેવામાં આવ્યા છે, પરંતુ, એ ઈશ્વરપ્રેરણાથી લખાયા છે એમ કહી શકાય નહિ.’ ગુજરાતી બાઇબલોમાં ફક્ત ૯-૨૦ કલમો ઉમેરવામાં આવી છે, જે આ મુજબ છે:
૯ અઠવાડિયાના પહેલા દહાડાને પ્રભાતે તે પાછા ઊઠીને મગ્દલાની મરિયમ, જેનામાંથી તેમણે સાત ભૂત કાઢ્યાં હતાં, તેને તે પહેલા દેખાયા. ૧૦ જેઓ તેમની સાથે રહેલા હતા, તેઓ શોક તથા રુદન કરતા હતા, ત્યારે તેમણે તેઓની પાસે જઈને ખબર આપી. ૧૧ તે જીવતા છે, ને તેના જોવામાં આવ્યા છે, એ સાંભળીને તેઓએ માન્યું નહિ. ૧૨ તે પછી તેઓમાંના બે જણ ચાલતાં ગામડે જતા હતા, એટલામાં તે બીજા રૂપમાં તેઓને દેખાયા. ૧૩ તેઓએ જઈને બાકી રહેલાઓને તે કહ્યું, પણ તેઓએ તેઓનું માન્યું નહિ. ૧૪ તે પછી અગિયાર શિષ્યો જમવા બેઠા હતા, ત્યારે તે તેઓને દેખાયા. તેમણે તેઓના અવિશ્વાસ તથા કઠણ હૃદયને લીધે તેઓને ઠપકો દીધો; કેમ કે તેમના પાછા ઊઠ્યા પછી જેઓએ તેમને જોયા હતા, તેઓનું તેઓએ માન્યું નહોતું. ૧૫ તેમણે તેઓને કહ્યું કે, આખા જગતમાં જઈને આખી સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો. ૧૬ જે કોઈ વિશ્વાસ કરે તથા બાપ્તિસ્મા લે, તે તારણ પામશે; પણ જે વિશ્વાસ નહિ કરે, તે અપરાધી ઠરશે. ૧૭ વિશ્વાસ કરનારાઓને હાથે આવા ચમત્કારો થશે: મારે નામે તેઓ ભૂતો કાઢશે, નવી બોલીઓ બોલશે; ૧૮ સર્પોને ઉઠાવી લેશે, અને જો તેઓ કંઈ પ્રાણઘાતક વસ્તુ પીએ, તો તેઓને કંઈ પણ ઈજા થશે નહિ; તેઓ માંદાઓ પર હાથ મૂકશે, એટલે તેઓ સાજા થશે. ૧૯ પ્રભુ ઈસુ તેઓની સાથે બોલી રહ્યા પછી આકાશમાં લઈ લેવાયા, ને ઈશ્વરને જમણે હાથે બેઠા. ૨૦ તેઓએ ત્યાંથી જઈને બધે ઠેકાણે સુવાર્તા પ્રગટ કરી; પ્રભુ તેઓના કામમાં તેઓની સહાય કરતા, ને તેઓને હાથે થયેલા ચમત્કારોથી સુવાર્તાની સત્યતા સાબિત કરતા. આમીન.
બાઇબલ વાંચન
(માર્ક ૧૫:૧-૧૫) પરોઢ થઈ કે તરત જ મુખ્ય યાજકો, વડીલો અને શાસ્ત્રીઓ, એટલે કે આખી યહુદી ન્યાયસભાએ ભેગા મળીને મસલત કરી; તેઓ ઈસુને બાંધીને લઈ ગયા અને પીલાતને સોંપી દીધા. પછી, પીલાતે તેમને સવાલ પૂછ્યો: “શું તું યહુદીઓનો રાજા છે?” જવાબમાં તેમણે કહ્યું: “તમે પોતે એ કહો છો.” પણ, મુખ્ય યાજકો ઘણી બાબતો વિશે તેમના પર આરોપો મૂકતા હતા. હવે, પીલાત ફરીથી તેમને સવાલ પૂછવા લાગ્યો: “શું તારે કંઈ જવાબ આપવો નથી? જો, તેઓ તારી વિરુદ્ધ કેટલા બધા આરોપો મૂકે છે.” પણ, ઈસુએ કોઈ જવાબ આપ્યો નહિ, એટલે પીલાતને નવાઈ લાગી. આ તહેવાર દરમિયાન, લોકો એક કેદી માટે અરજ કરતા, તેને પીલાત પોતાના રિવાજ મુજબ તેઓ માટે છોડી મૂકતો. એ સમયે, કેદમાં બળવાખોરો સાથે બારાબાસ નામનો એક માણસ હતો; તેઓએ બળવા દરમિયાન ખૂન કર્યું હતું. હવે, ટોળું આવ્યું અને પીલાત પોતાના રિવાજ પ્રમાણે તેઓ માટે જે કરતો હતો, એની અરજ કરવા લાગ્યું. તેણે જવાબમાં તેઓને કહ્યું: “શું તમે ચાહો છો કે હું યહુદીઓના રાજાને તમારા માટે છોડી દઉં?” કેમ કે પીલાત જાણતો હતો કે અદેખાઈને લીધે મુખ્ય યાજકોએ ઈસુને સોંપ્યા હતા. પણ, મુખ્ય યાજકોએ ટોળાને એવી માંગણી કરવા ઉશ્કેર્યું કે તે તેઓ માટે ઈસુને બદલે બારાબાસને છોડી દે. જવાબમાં ફરીથી પીલાતે તેઓને કહ્યું: “તો પછી, તમે જેને યહુદીઓનો રાજા કહો છો તેનું હું શું કરું?” ફરી એક વાર તેઓ પોકારી ઊઠ્યા: “તેને વધસ્તંભે ચડાવો!” પણ, પીલાત તેઓને કહેવા લાગ્યો: “શા માટે? તેણે શું ગુનો કર્યો છે?” તેમ છતાં, તેઓ મોટેથી પોકારી ઊઠ્યા: “તેને વધસ્તંભે ચડાવો!” એ સાંભળીને, લોકોને સંતોષ થાય એ માટે પીલાતે તેઓ માટે બારાબાસને છોડી મૂક્યો; ઈસુને કોરડા મરાવ્યા પછી, તેણે તેમને વધસ્તંભે મારી નાખવા સોંપી દીધા.
જૂન ૧૧-૧૭
બાઇબલમાં રહેલો ખજાનો | લુક ૧
“મરિયમની નમ્રતાનું અનુકરણ કરીએ”
(લુક ૧:૩૮) ત્યારે મરિયમે કહ્યું: “જો, હું યહોવાની દાસી છું! તારા જણાવ્યા પ્રમાણે મને થાઓ.” પછી, દૂત તેની પાસેથી ગયો.
“જો, હું યહોવાની દાસી છું!”
તેના શબ્દો આજે પણ શ્રદ્ધાળુ લોકો માટે નમ્રતા અને આજ્ઞાપાલનનો પડઘો પાડે છે! મરિયમે ગાબ્રિયેલને કહ્યું: “જો, હું યહોવાની દાસી છું! તારા જણાવ્યા પ્રમાણે મને થાઓ.” (લુક ૧:૩૮) નોકર-ચાકરોમાં દાસી એકદમ નીચી ગણાતી; તેનું જીવન પૂરેપૂરું તેના માલિકના હાથમાં હતું. પોતાના માલિક, યહોવા માટે મરિયમને એવી જ લાગણી હતી. તેને ખબર હતી કે યહોવાના હાથમાં પોતે સલામત છે અને યહોવા પોતાના વફાદાર ભક્તોને વફાદારી બતાવે છે. તેને ખબર હતી કે પોતાને સોંપાયેલી આ મોટી જવાબદારી પૂરી કરવા પોતે બનતું બધું જ કરશે તો, યહોવા ચોક્કસ આશીર્વાદ આપશે.—ગીત. ૩૧:૨૩.
(લુક ૧:૪૬-૫૫) મરિયમે કહ્યું: “હું યહોવાને મોટા મનાવું છું ૪૭ અને મને છોડાવનાર ઈશ્વરમાં હું અપાર ખુશી પામું છું, ૪૮ કેમ કે તેમણે પોતાની મામૂલી દાસી પર ધ્યાન આપ્યું છે. અને જુઓ, હવેથી બધી પેઢીઓ મને આશીર્વાદિત કહેશે, ૪૯ કેમ કે શક્તિશાળી ઈશ્વરે મારા માટે મહાન કામ કર્યાં છે અને તેમનું નામ પવિત્ર છે. ૫૦ અને પેઢી દર પેઢી જેઓ તેમનો ડર રાખે છે, તેઓ પર તેમની દયા છે. ૫૧ તેમણે પોતાના હાથે શક્તિશાળી કામો કર્યાં છે; જેઓના હૃદયના ઇરાદાઓ ઘમંડી છે, તેઓને તેમણે વિખેરી નાખ્યા છે. ૫૨ તેમણે શાસકોને રાજ્યાસન પરથી ઉતારી પાડ્યા છે અને નમ્ર લોકોને ઉચ્ચ પદે મૂક્યા છે; ૫૩ તેમણે ભૂખ્યા લોકોને સારી ચીજોથી પૂરેપૂરો સંતોષ પમાડ્યો છે અને ધનવાનોને ખાલી હાથે પાછા મોકલ્યા છે. ૫૪ તે પોતાના સેવક ઇઝરાયેલની મદદે આવ્યા છે. જેમ તેમણે આપણા બાપદાદાઓને કહ્યું હતું, ૫૫ તેમ તેમણે ઈબ્રાહીમ અને તેમના વંશજને હંમેશાં દયા બતાવી છે.”
“જો, હું યહોવાની દાસી છું!”
પછી, મરિયમે બોલવાનું શરૂ કર્યું. ઈશ્વરે ધ્યાન રાખીને તેના શબ્દો બાઇબલમાં સાચવી રાખ્યા છે. (લુક ૧:૪૬-૫૫ વાંચો.) બાઇબલમાં લખાયા હોય એવા મરિયમના બોલેલા આ સૌથી વધારે શબ્દો છે. એ તેના વિશે ઘણું જણાવે છે. એ બતાવે છે કે તે કેટલી આભારી હતી; તે યહોવાના આશીર્વાદની કદર કરતી હતી કે તેમણે મસીહની મા બનવાનો તેને લહાવો આપ્યો. એ જણાવે છે કે યહોવા ઘમંડી અને જોરાવર લોકોને નીચા પાડે છે; પણ, તેમની ભક્તિ કરવા માંગતા નમ્ર અને ગરીબ લોકોને મદદ કરે છે. એ શબ્દોમાં મરિયમની ઊંડી શ્રદ્ધા જોવા મળે છે. એ તેના જ્ઞાનની ઝલક પણ આપે છે. એક અંદાજ પ્રમાણે, તેણે હિબ્રૂ શાસ્ત્રવચનોમાંથી ૨૦ કરતાં વધારે સંદર્ભો જણાવ્યા હતા!
૧૬ દેખીતું છે કે મરિયમે ઈશ્વરનાં વચનો પર ઊંડો વિચાર કર્યો હતો. તોપણ, તેણે એના પર પોતાના વિચારો જણાવવાને બદલે, નમ્ર રહીને શાસ્ત્રવચનો જે કહે છે એ જ જણાવ્યું. એ સમયે તેની કૂખમાં મોટું થઈ રહેલું બાળક પણ એક દિવસ એવી જ નમ્રતા બતાવીને કહેશે: “હું જે શિક્ષણ આપું છું એ મારું પોતાનું નથી, પણ મને મોકલનારનું છે.” (યોહા. ૭:૧૬) આપણે પણ આ સવાલોનો વિચાર કરીએ: ‘શું હું બાઇબલને એવું જ માન અને આદર આપું છું? કે પછી મને પોતાના વિચારો અને શિક્ષણ ગમે છે?’ મરિયમનું વલણ એકદમ સરસ હતું.
કીમતી રત્નો શોધીએ
(લુક ૧:૬૯) તેમણે પોતાના સેવક દાઊદના ઘરમાંથી આપણા માટે શક્તિશાળી બચાવનાર ઊભો કર્યો છે.
nwtsty લુક ૧:૬૯ અભ્યાસ માહિતી
તારણનું શિંગ (ફૂટનોટ): બાઇબલમાં ઘણી વાર પ્રાણીઓના શિંગડાંનો ઉલ્લેખ તાકાત, જીત અને વિજયને દર્શાવવા થયો છે. (૧શ ૨:૧; ગી ૭૫:૪, ૫, ૧૦; ૧૪૮:૧૪) રાજા અને આખા રાજવંશને દર્શાવવા પણ શિંગડાંનો ઉપયોગ થયો છે, પછી ભલે તેઓ ન્યાયી હોય કે દુષ્ટ. જ્યારે તેઓ બીજાં રાજ્યો પર વિજય મેળવતા, ત્યારે જાણે કે તેઓ શિંગડાં મારતા હોય એમ દર્શાવ્યું છે. (પુન ૩૩:૧૭; દા ૭:૨૪; ૮:૨-૧૦, ૨૦-૨૪) પરંતુ, આ અહેવાલમાં “તારણનું શિંગ” મસીહને દર્શાવે છે, જે આપણા શક્તિશાળી બચાવનાર છે.
(લુક ૧:૭૬) પણ મારા દીકરા, તું તો સર્વોચ્ચ ઈશ્વરનો પ્રબોધક કહેવાશે, કેમ કે તું યહોવાના માર્ગો તૈયાર કરવા તેમની આગળ જઈશ;
nwtsty લુક ૧:૭૬ અભ્યાસ માહિતી
તું યહોવાના માર્ગો તૈયાર કરવા તેમની આગળ જઈશ: યોહાન બાપ્તિસ્મક “યહોવાના માર્ગો તૈયાર કરવા તેમની આગળ” જશે. આનો અર્થ કે તે ઈસુ માટે માર્ગ તૈયાર કરશે, જે પિતાને નામે આવશે અને પિતાને રજૂ કરશે.—યોહ ૫:૪૩; ૮:૨૯; આ કલમમાં આપેલી યહોવા પરની અભ્યાસ માહિતી જુઓ.
બાઇબલ વાંચન
(લુક ૧:૪૬-૬૬) મરિયમે કહ્યું: “હું યહોવાને મોટા મનાવું છું ૪૭ અને મને છોડાવનાર ઈશ્વરમાં હું અપાર ખુશી પામું છું, ૪૮ કેમ કે તેમણે પોતાની મામૂલી દાસી પર ધ્યાન આપ્યું છે. અને જુઓ, હવેથી બધી પેઢીઓ મને આશીર્વાદિત કહેશે, ૪૯ કેમ કે શક્તિશાળી ઈશ્વરે મારા માટે મહાન કામ કર્યાં છે અને તેમનું નામ પવિત્ર છે. ૫૦ અને પેઢી દર પેઢી જેઓ તેમનો ડર રાખે છે, તેઓ પર તેમની દયા છે. ૫૧ તેમણે પોતાના હાથે શક્તિશાળી કામો કર્યાં છે; જેઓના હૃદયના ઇરાદાઓ ઘમંડી છે, તેઓને તેમણે વિખેરી નાખ્યા છે. ૫૨ તેમણે શાસકોને રાજ્યાસન પરથી ઉતારી પાડ્યા છે અને નમ્ર લોકોને ઉચ્ચ પદે મૂક્યા છે; ૫૩ તેમણે ભૂખ્યા લોકોને સારી ચીજોથી પૂરેપૂરો સંતોષ પમાડ્યો છે અને ધનવાનોને ખાલી હાથે પાછા મોકલ્યા છે. ૫૪ તે પોતાના સેવક ઇઝરાયેલની મદદે આવ્યા છે. જેમ તેમણે આપણા બાપદાદાઓને કહ્યું હતું, ૫૫ તેમ તેમણે ઈબ્રાહીમ અને તેમના વંશજને હંમેશાં દયા બતાવી છે.” ૫૬ અને એલિસાબેતની સાથે મરિયમ ત્રણેક મહિના રહી, પછી પોતાના ઘરે આવી. ૫૭ હવે, બાળકને જન્મ આપવાનો એલિસાબેતનો સમય આવ્યો અને તેણે દીકરાને જન્મ આપ્યો. ૫૮ પડોશીઓ અને સગાઓએ સાંભળ્યું કે યહોવાએ તેના પર ઘણી દયા બતાવી છે અને તેઓએ તેની સાથે આનંદ કર્યો. ૫૯ આઠમા દિવસે તેઓ બાળકની સુન્નત કરવા આવ્યા અને તેના પિતા ઝખાર્યા પરથી તેનું નામ પાડવાના હતા. ૬૦ પણ, તેની માએ જવાબ આપતા કહ્યું: “ના! પણ તે યોહાન કહેવાશે.” ૬૧ ત્યારે તેઓએ તેને કહ્યું: “તારાં સગાઓમાં એ નામનું કોઈ નથી.” ૬૨ પછી, તેઓ તેના પિતાને ઇશારાથી પૂછવા લાગ્યા કે તે તેનું નામ શું પાડવા માંગે છે. ૬૩ તેણે પાટી માંગીને એના પર લખ્યું: “તેનું નામ યોહાન છે.” એનાથી તેઓ બધા નવાઈ પામ્યા. ૬૪ તરત જ, તેનું મોં ઊઘડી ગયું અને તેની જીભ છૂટી થઈ અને તે ઈશ્વરની સ્તુતિ કરતા બોલવા લાગ્યો. ૬૫ અને આસપાસના વિસ્તારમાં રહેતા બધા ઉપર ભય છવાઈ ગયો અને યહુદિયાના આખા પહાડી પ્રદેશમાં આ બધા વિશે વાત થવા લાગી; ૬૬ આ બધું સાંભળનાર સર્વએ એ વાત મનમાં રાખીને કહ્યું: “આ બાળક કેવું થશે?” કેમ કે યહોવાનો હાથ ચોક્કસ તેના પર હતો.
જૂન ૧૮-૨૪
બાઇબલમાં રહેલો ખજાનો | લુક ૨-૩
“યુવાનો, શું તમે યહોવા સાથેની દોસ્તી મજબૂત કરી રહ્યા છો?”
(લુક ૨:૪૧, ૪૨) હવે, છોકરાનાં માતાપિતા દર વર્ષે પાસ્ખાના તહેવાર માટે યરૂશાલેમ જતાં હતાં. ૪૨ જ્યારે તે ૧૨ વર્ષનો હતો, ત્યારે રીત પ્રમાણે તેઓ તહેવારમાં ગયા.
nwtsty લુક ૨:૪૧ અભ્યાસ માહિતી
ઈસુના માતાપિતા દર વર્ષે યરૂશાલેમ જતાં હતાં: નિયમ અનુસાર પાસ્ખાના તહેવારની ઉજવણીમાં સ્ત્રીઓનું આવવું જરૂરી ન હતું. તોપણ, દર વર્ષે આ તહેવારમાં સામેલ થવા યરુશાલેમ સુધીની મુસાફરીમાં મરિયમ યુસફને સાથ આપતી હતી. (નિર્ગ ૨૩:૧૭; ૩૪:૨૩) તેઓ દર વર્ષે પોતાના આખા કુટુંબ સાથે લગભગ ૩૦૦ કિ.મી. લાંબી મુસાફરી કરતાં હતાં.
(લુક ૨:૪૬, ૪૭) આખરે, ત્રણ દિવસ પછી તેઓએ તેને મંદિરમાં શોધી કાઢ્યો; તે ધર્મગુરુઓની વચ્ચે બેઠેલો હતો, તેઓને સાંભળતો અને સવાલો પૂછતો હતો. ૪૭ પણ, તેની સમજણ અને તેના જવાબોને લીધે, તેને સાંભળનારા સર્વની નવાઈનો પાર ન રહ્યો.
nwtsty લુક ૨:૪૬, ૪૭ અભ્યાસ માહિતી
તેઓને સવાલો પૂછતો હતો: ઈસુએ જે સવાલો કર્યા એ સાંભળીને ધર્મગુરુઓની નવાઈનો પાર ન રહ્યો. કારણ કે તેમના સવાલો નાના બાળક જેવા ન હતા કે જે તેની જીજ્ઞાસા સંતોષવા માંગતો હોય. (લુક ૨:૪૭) અહીંયા “સવાલો પૂછતો” માટે જે ગ્રીક શબ્દ વાપર્યો છે, એનો અર્થ થાય કે અદાલતમાં પૂછવામાં આવે એવા પ્રશ્નો. (માથ ૨૭:૧૧; માર્ક ૧૪:૬૦, ૬૧; ૧૫:૨, ૪; પ્રેકા ૫:૨૭) ઇતિહાસકારોનું કહેવું છે કે કેટલાક આગળ પડતા ધર્મગુરુઓ તહેવાર પછી નિયમિત રીતે મંદિરમાં રહેતા અને ત્યાંના એક વિશાળ આંગણાંમાં શીખવતા હતા. લોકો તેમને સાંભળવા અને સવાલો પૂછવા તેઓના પગ આગળ બેસી શકતા હતા.
તેઓની નવાઈનો પાર ન રહ્યો: “નવાઈ પામવું” માટે ગ્રીક ક્રિયાપદનો અર્થ અહીં સતત અથવા વારંવાર આશ્ચર્યચકિત થવું થઈ શકે છે.
(લુક ૨:૫૧, ૫૨) પછી, તે તેઓની સાથે ગયો અને નાઝરેથ પાછો ફર્યો અને તેઓને આધીન રહ્યો. તેમ જ, તેની માએ એ બધી વાતો પોતાના દિલમાં સંઘરી રાખી. ૫૨ અને ઈસુની સમજણ વધતી ગઈ, તે મોટા થવા લાગ્યા અને તેમના પર ઈશ્વર તથા માણસોની કૃપા વધતી ગઈ.
nwtsty લુક ૨:૫૧, ૫૨ અભ્યાસ માહિતી
તેઓને આધીન રહ્યો: અથવા “કહ્યામાં રહ્યો; આજ્ઞાનું પાલન કરતો.” ગ્રીક ક્રિયાપદ સૂચવે છે કે શાસ્ત્રના જ્ઞાનથી મંદિરના ધર્મગુરુઓને પ્રભાવિત કર્યા પછી ઈસુ ઘરે ગયા અને નમ્રપણે પોતાના માતાપિતાને આધીન રહ્યા. ઈસુનું આ રીતે માતા-પિતાના કહ્યામાં રહેવું, અન્ય કોઈ પણ બાળક કરતાં વધારે નોંધપાત્ર હતું, કેમ કે એમ કરીને તે જીવનના દરેક પાસામાં મુસાના નિયમશાસ્ત્રનું પાલન કરતા હતા.—નિર્ગ ૨૦:૧૨; ગલા ૪:૪.
કીમતી રત્નો શોધીએ
(લુક ૨:૧૪) “સ્વર્ગમાં ઈશ્વરનો મહિમા થાઓ અને પૃથ્વી પર ઈશ્વરની કૃપા પામેલા લોકોને શાંતિ થાઓ!”
nwtsty લુક ૨:૧૪ અભ્યાસ માહિતી
પૃથ્વી પર ઈશ્વરની કૃપા પામેલા લોકોને શાંતિ થાઓ: અમુક હસ્તપ્રતોમાં લખાણનો આ અર્થ પણ હોય શકે: ‘પૃથ્વી પર શાંતિ થાઓ, લોકો પર કૃપા હો.’ અને કેટલાક બાઇબલ ભાષાંતરોમાં પણ આ શબ્દો દેખાઈ આવે છે. પરંતુ, ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશનનું ભાષાંતર વધારે પ્રમાણભૂત હસ્તપ્રત પર આધારિત છે. સ્વર્ગદૂતની જાહેરાત કંઈ બધા જ લોકોનો ઉલ્લેખ કરતી ન હતી, પછી ભલે તેઓના વાણી-વર્તન કે કાર્યો ગમે એવા હોય. એ જાહેરાત તો આવા લોકોનો ઉલ્લેખ કરતી હતી: જેઓ ઈશ્વરમાં ખરી શ્રદ્ધા રાખે છે અને તેમના પુત્રના અનુયાયીઓ બને છે તેઓ જ તેમની કૃપા પામશે.—ઈશ્વરની કૃપા પામેલા લોકો પર આપેલી અભ્યાસ માહિતી જુઓ.
ઈશ્વરની કૃપા પામેલા લોકો: અહીં સ્વર્ગદૂતની જાહેરાતમાં “ઈશ્વરની કૃપા” શબ્દોનો ઉલ્લેખ થયો છે. એ દેખીતી રીતે જ ઈશ્વર તરફથી છે, માણસો તરફથી નહિ. ગ્રીક શબ્દ યુ-ડો-કીઆનો અર્થ “મહેરબાની, ખુશી, સ્વીકૃતિ” હોય શકે. યુ-ડો-કીઆથી સંબંધિત ક્રિયાપદ યુ-ડો-કીયોનો ઉપયોગ માથ ૩:૧૭; માર્ક ૧:૧૧; અને લુક ૩:૨૨માં થયો છે. (માથ ૩:૧૭; માર્ક ૧:૧૧ અભ્યાસ માહિતી જુઓ), જ્યાં ઈસુના બાપ્તિસ્મા પછી ઈશ્વર તેમને પોતાના પુત્ર તરીકે સંબોધે છે. એનો અર્થ આમ થાય છે કે, “પસંદ કરવું, પ્રસન્ન હોવું, તરફેણમાં હોવું, આનંદિત થવું.” જો આ સંદર્ભમાં જોઈએ તો, ક્રિયાપદ “ઈશ્વરની કૃપા પામેલા લોકો” (એન્થરોʼપોઈસ યુડોકીઆસ)નો ઉપયોગ એ લોકો માટે થયો છે જેમના પર ઈશ્વરની સ્વીકૃતિ અને કૃપા છે. એનો અર્થ આવો પણ થઈ શકે કે “જે લોકોને તે પસંદ કરે છે; જેઓ પર તે પ્રસન્ન છે.” એટલે, સ્વર્ગદૂતે કહેલા એ શબ્દો ઈશ્વરની કૃપાને દર્શાવતા હતા. એ બધા લોકો માટે નથી, પણ જેઓ ઈશ્વરમાં શ્રદ્ધા મૂકીને તેમને ખુશ કરે છે અને તેમના પુત્રના શિષ્યો બને છે તેઓ માટે છે. ભલે ગ્રીક શબ્દ યુ-ડો-કીઆ અમુક સંદર્ભમાં માણસોની કૃપાને કે સારા ઇરાદાને દર્શાવે છે (રોમ ૧૦:૧; ફિલિ ૧:૧૫), પણ તેનો મોટાભાગે ઉપયોગ ઈશ્વરની કૃપા, પ્રસન્નતા અથવા તેમના દ્વારા પસંદ થવું બતાવવા માટે થાય છે. (માથ ૧૧:૨૬; લુક ૧૦:૨૧; એફે ૧:૫, ૯; ફિલિ ૨:૧૩; ૨થે ૧:૧૧). સેપ્ટુઆજીંટમાં ગી ૫૧:૧૮ની કલમમાં ઈશ્વરની “કૃપા” શબ્દ વપરાયો છે.
(લુક ૩:૨૩) ઈસુએ શીખવવાનું શરૂ કર્યું ત્યારે, તે લગભગ ૩૦ વર્ષના હતા; એમ માનવામાં આવતું કે, તે યુસફના દીકરા, જે હેલીનો દીકરો,
શું તમે જાણો છો?
યુસફના પિતા કોણ હતા?
નાઝરેથના સુથાર યુસફ, ઈસુના દત્તક પિતા હતા. પણ, યુસફના પિતા કોણ હતા? માથ્થીના પુસ્તકમાં ઈસુની વંશાવળીમાં યુસફના પિતાને યાકૂબ કહ્યા છે, જ્યારે લુકનું કહેવું છે કે યુસફ “હેલીનો દીકરો” છે. શા માટે આટલો ફરક?—લુક ૩:૨૩; માથ્થી ૧:૧૬.
માથ્થીનો અહેવાલ કહે છે: “યાકૂબથી યુસફ” આ ગ્રીક શબ્દ સ્પષ્ટપણે દર્શાવે છે કે યાકૂબ યુસફના પિતા હતા. એટલે માથ્થી યુસફની વંશાવળી શોધી રહ્યા હતા, જે દાઊદના રાજવી વંશમાંથી આવવાની હતી. એ જ વંશમાંથી સિંહાસનના કાયદેસર હકદાર ઈસુ આવવાના હતા, જે યુસફના દત્તક પુત્ર હતા.
બીજી બાજુ લુકનો અહેવાલ કહે છે: “જે હેલીનો દીકરો”. એ શબ્દ “દીકરો” કદાચ “જમાઈ” તરીકે પણ સમજી શકાય. એવો જ કિસ્સો લુક ૩:૨૭માં મળી આવે છે, જ્યાં લખેલું છે કે શઆલ્તીએલ ‘નેરીના દીકરા’ હતા, પરંતુ તેમના ખરા પિતા તો યખોન્યા હતા. (૧ કાળવૃત્તાંત ૩:૧૭; માથ્થી ૧:૧૨) શઆલ્તીએલે કદાચ નેરીની દીકરી સાથે લગ્ન કર્યા હતા, આમ તે તેના જમાઈ બન્યાં હતાં. એવી જ રીતે યુસફ હેલીના “પુત્ર” સમાન હતા, કેમ કે તેમણે હેલીની પુત્રી મરિયમ સાથે લગ્ન કર્યા હતા. તેથી, લુક ઈસુની માતા મરિયમ દ્વારા ઈસુના વંશાવળી વિશે જણાવે છે, જે “મનુષ્ય તરીકે” આ પૃથ્વી પર થઈ ગયા. (રોમનો ૧:૩) આમ, બાઇબલ આપણને ઈસુની બે અલગ પણ ઉપયોગી વંશાવળી વિશે જણાવે છે.
બાઇબલ વાંચન
(લુક ૨:૧-૨૦) હવે, એ દિવસોમાં સમ્રાટ ઑગસ્તસે પૃથ્વી પરના બધા લોકો માટે નોંધણી કરાવવાનો હુકમ બહાર પાડ્યો; ૨(કુરીનિયસ સિરિયાનો રાજ્યપાલ હતો ત્યારે, આ પહેલી નોંધણી કરવામાં આવી.) ૩અને બધા લોકો નોંધણી કરાવવા પોતપોતાના જન્મ-સ્થળે ગયા. ૪યુસફ પણ ગાલીલના નાઝરેથ શહેરમાંથી નીકળીને યહુદિયામાં આવેલા દાઊદના શહેર ગયો, જે બેથલેહેમ કહેવાય છે, કેમ કે તે દાઊદના કુટુંબ અને વંશનો હતો. ૫તે નોંધણી કરાવવા મરિયમ સાથે ગયો, જેની સાથે તેના લગ્ન થઈ ચૂક્યા હતા; અને તેને જલદી જ બાળક થવાનું હતું. ૬તેઓ ત્યાં હતા ત્યારે, બાળકને જન્મ આપવાનો તેનો સમય આવી પહોંચ્યો. ૭તેણે પોતાના પ્રથમ પુત્રને જન્મ આપ્યો અને તેને કપડાંમાં વીંટાળ્યો અને ગભાણમાં સુવડાવ્યો, કેમ કે ધર્મશાળામાં તેઓ માટે જગ્યા ન હતી. ૮વળી, એ જ પ્રદેશમાં ઘેટાંપાળકો ખેતરમાં રહેતા હતા અને આખી રાત પોતપોતાનાં ટોળાંની સંભાળ રાખતા હતા. ૯અચાનક યહોવાનો દૂત તેઓની સામે ઊભો રહ્યો અને યહોવાના ગૌરવનું તેજ તેઓની આસપાસ પ્રકાશી ઊઠ્યું અને તેઓ ઘણા ગભરાઈ ગયા. ૧૦પણ, દૂતે તેઓને કહ્યું: “ગભરાશો નહિ, જુઓ! હું તમને એવી ખુશખબર જણાવું છું, જેનાથી બધા લોકોને ઘણો આનંદ થશે, ૧૧કેમ કે આજે તમારા માટે દાઊદના શહેરમાં ઉદ્ધાર કરનાર જન્મ્યા છે, જે પ્રભુ અને ખ્રિસ્ત છે. ૧૨અને તમારા માટે આ નિશાની છે: તમે એક નાના બાળકને કપડાંમાં વીંટાળેલું અને ગભાણમાં મૂકેલું જોશો.” ૧૩અચાનક બીજા દૂતોનું મોટું ટોળું આવીને એ દૂત સાથે ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યું અને કહેવા લાગ્યું: ૧૪“સ્વર્ગમાં ઈશ્વરનો મહિમા થાઓ અને પૃથ્વી પર ઈશ્વરની કૃપા પામેલા લોકોને શાંતિ થાઓ!” ૧૫તેથી, દૂતો તેઓ પાસેથી સ્વર્ગમાં પાછા જતા રહ્યા ત્યારે, ઘેટાંપાળકો એકબીજાને કહેવા લાગ્યા: “ચાલો, જલદી બેથલેહેમ જઈએ અને યહોવાના જણાવ્યા પ્રમાણે ત્યાં શું બન્યું એ આપણે જોઈએ.” ૧૬તેઓ તરત જ ગયા અને તેઓએ મરિયમ તેમજ યુસફને જોયા અને નાના બાળકને ગભાણમાં મૂકેલું જોયું. ૧૭જ્યારે ઘેટાંપાળકોએ એ જોયું, ત્યારે દૂતે તેઓને આ બાળક વિશે જે કહ્યું હતું એ જણાવ્યું. ૧૮અને ઘેટાંપાળકોએ જણાવેલી વાત જેઓએ સાંભળી, તેઓ બધા દંગ રહી ગયા. ૧૯પણ, મરિયમ આ બધી વાતો મનમાં રાખીને એનો શું અર્થ થાય, એ વિશે વિચાર કરવા લાગી. ૨૦ઘેટાંપાળકોને જે કહેવામાં આવ્યું હતું, એ જ પ્રમાણે તેઓએ બધું સાંભળ્યું અને જોયું; એટલે, તેઓ ઈશ્વરને મહિમા આપતા અને તેમની સ્તુતિ કરતા પાછા ફર્યા.
જૂન ૨૫–જુલાઇ ૧
બાઇબલમાં રહેલો ખજાનો | લુક ૪-૫
“ઈસુની જેમ લાલચોનો સામનો કરીએ”
(લુક ૪:૧-૪) પછી, ઈસુ પવિત્ર શક્તિથી ભરપૂર થઈને યરદનથી પાછા ફર્યા અને પવિત્ર શક્તિએ તેમને વેરાન પ્રદેશમાં એકથી બીજી જગ્યાએ દોર્યા; ૨ ત્યાં તે ૪૦ દિવસ હતા અને શેતાને તેમનું પરીક્ષણ કર્યું. એ દિવસોમાં તેમણે કંઈ ખાધું ન હતું; એટલે, એ દિવસો પૂરા થયા ત્યારે તેમને ભૂખ લાગી. ૩ એ માટે શેતાને તેમને કહ્યું: “જો તું ઈશ્વરનો દીકરો હોય, તો આ પથ્થરને કહે કે રોટલી બની જાય.” ૪ પણ, ઈસુએ તેને જવાબ આપ્યો: “એમ લખેલું છે કે, ‘માણસ ફક્ત રોટલીથી જીવતો નથી.’”
તમારે કેવા થવું જોઈએ એ વિચારો
શેતાને એ જ ચાલાકી વાપરીને અરણ્યમાં ઈસુને લલચાવવાની કોશિશ કરી. ઈસુએ ૪૦ રાત અને ૪૦ દિવસ ઉપવાસ કર્યા. પછી, શેતાને ખોરાક દ્વારા ઈસુને લલચાવવાનો પ્રયત્ન કર્યો. શેતાને કહ્યું: ‘જો તું ઈશ્વરનો દીકરો હોય તો આ પથ્થરને આજ્ઞા કર, કે તે રોટલી થાય.’ (લુક ૪:૧-૩) ઈસુ પાસે બે પસંદગી હતી: પોતાની ભૂખ સંતોષવા ચમત્કારિક શક્તિ વાપરે અથવા ન વાપરવાનું પસંદ કરે. ઈસુ જાણતા હતા કે પોતાના સ્વાર્થ માટે એ શક્તિ ન વાપરવી જોઈએ. ભૂખ્યા હોવા છતાં, ઈસુ માટે ભૂખ સંતોષવી મહત્ત્વની ન હતી. પણ યહોવા સાથેનો સંબંધ જાળવી રાખવો વધારે મહત્ત્વનો હતો. તેથી, ઈસુએ કહ્યું: “એમ લખેલું છે, કે માણસ એકલી રોટલીથી નહિ, પણ હરેક શબ્દ જે ઈશ્વરના મોંમાંથી નીકળે છે તેથી જીવશે.”—માથ્થી ૪:૪.
(લુક ૪:૫-૮) એટલે, તે તેમને ઊંચી જગ્યાએ લઈ ગયો અને એક પળમાં પૃથ્વીનાં બધાં રાજ્યો બતાવ્યાં. ૬ પછી, શેતાને તેમને કહ્યું: “હું તને આ બધો અધિકાર અને એનો મહિમા આપી દઈશ, કેમ કે આ બધાં રાજ્યો મને સોંપવામાં આવ્યાં છે અને હું ચાહું તેને એ આપી શકું છું. ૭ એટલે, જો તું એક વાર મારી ભક્તિ કરે તો આ બધું તારું થશે.” ૮ જવાબમાં ઈસુએ તેને કહ્યું: “એમ લખેલું છે કે, ‘તું ફક્ત તારા ઈશ્વર યહોવાની ભક્તિ કર અને તેમના એકલાની જ તું પવિત્ર સેવા કર.’”
તમારે કેવા થવું જોઈએ એ વિચારો
ઈસુના કિસ્સામાં શું બન્યું? શેતાને “એક પળમાં જગતનાં સઘળાં રાજ્ય તેને [ઈસુને] દેખાડ્યાં. શેતાને તેને કહ્યું, કે આ બધાંનો અધિકાર તથા મહિમા હું તને આપીશ.” (લુક ૪:૫, ૬) ઈસુએ સર્વ રાજ્ય એક પળમાં તેમની નરી આંખે નહિ, પણ દર્શનમાં જોયાં હશે. શેતાનને લાગ્યું હશે કે આ સઘળાં રાજ્યનો મહિમા જોઈને ઈસુ લલચાશે. શેતાને બેશરમ બનીને કહ્યું: “જો તું મારી આગળ પડીને ભજન કરશે તો તે સઘળું તારું થશે.” (લુક ૪:૭) ઈસુ કોઈ પણ હિસાબે શેતાન ચાહે એવી વ્યક્તિ બનવા માંગતા ન હતા. તેમણે તરત જ જવાબ આપતા કહ્યું: “એમ લખેલું છે, કે તારે તારા ઈશ્વર પ્રભુનું ભજન કરવું, ને એકલા તેની જ સેવા કરવી.”—લુક ૪:૮.
(લુક ૪:૯-૧૨) પછી, તે તેમને યરૂશાલેમ દોરી ગયો અને મંદિરની દીવાલની ટોચ ઉપર ઊભા રાખ્યા અને તેમને કહ્યું: “જો તું ઈશ્વરનો દીકરો હોય તો અહીંથી નીચે પડતું મૂક, ૧૦ કેમ કે લખેલું છે: ‘તે પોતાના દૂતોને તારા માટે હુકમ કરશે કે તારું રક્ષણ કરે’ ૧૧ અને ‘તેઓ તને પોતાના હાથોમાં ઝીલી લેશે, જેથી તારો પગ પથ્થર સાથે અફળાય નહિ.’” ૧૨ ઈસુએ તેને જવાબ આપ્યો: “એમ કહેલું છે કે, ‘તું તારા ઈશ્વર યહોવાની કસોટી ન કર.’”
nwtsty ચિત્રો/વીડિયો
મંદિરની સૌથી ઊંચી જગ્યા
શેતાને કદાચ સાચે જ ઈસુને “મંદિરની દીવાલની ટોચ ઉપર” [અથવા “સૌથી ઊંચી જગ્યાએ”] ઊભા રાખ્યા હતા અને કહ્યું હતું કે તે ત્યાંથી નીચે કૂદી જાય. પણ ઈસુ કોઈ ચોક્કસ જગ્યાએ ઊભા રહ્યા હશે એવું જાણવા નથી મળતું. અહીં વપરાયેલો શબ્દ “મંદિર” સમગ્ર મંદિરને દર્શાવે છે. ઈસુ કદાચ મંદિરના દક્ષિણ-પૂર્વીય ખૂણામાં (૧) ઊભા રહ્યા હશે. અથવા, તે મંદિરના બીજા ખૂણા પર ઊભા રહ્યા હશે. આ જગ્યાઓમાંની કોઈ પણ જગ્યાએથી નીચે પડવા પર ચોક્કસ મોત થઈ શકે છે, સિવાય કે યહોવા દરમિયાનગીરી કરીને તેમને બચાવે.
તમારે કેવા થવું જોઈએ એ વિચારો
હવા કરતાં ઈસુએ જુદું જ વલણ બતાવ્યું. તેમણે નમ્રતાનો એકદમ સરસ દાખલો બેસાડ્યો. શેતાને તેમને અલગ રીતે લલચાવવાની કોશિશ કરી. પણ ઈસુએ એવું કંઈ કરવાનો વિચાર સુધ્ધાં ન કર્યો, જેનાથી ઈશ્વરની કસોટી થાય. એવું વલણ તો અહંકાર ગણાયું હોત! એના બદલે, ઈસુએ સીધેસીધો જવાબ આપ્યો: “એમ કહેલું છે, કે તારે તારા ઈશ્વરનું પરીક્ષણ ન કરવું.”—લુક ૪:૯-૧૨ વાંચો.
કીમતી રત્નો શોધીએ
(લુક ૪:૧૭) તેથી, તેમને પ્રબોધક યશાયાનો વીંટો આપવામાં આવ્યો અને તેમણે વીંટો ખોલ્યો અને આમ લખેલું શોધી કાઢ્યું:
nwtsty લુક ૪:૧૭ અભ્યાસ માહિતી
પ્રબોધક યશાયાનો વીંટો: મૃત સમુદ્રમાંથી મળેલો યશાયાનો વીંટો ૧૭ ચામડાની પટ્ટીઓને એકબીજા સાથે જોડીને બનાવવામાં આવ્યો છે. એ ૫૪ પાનાં સાથે લંબાઈમાં ૭.૩ મીટરનો (૨૪ ફૂટ) વીંટો બને છે. નાઝરેથના સભાસ્થાનમાં ઉપયોગમાં લેવાતા વીંટાની લંબાઈ પણ કદાચ આટલી જ હોઈ શકે છે. પહેલી સદીમાં ઈશ્વરના વચનમાં અધ્યાય અને કલમ ન હતા. તેથી, ઈસુ જે વચન વાંચવા ઇચ્છતા હતા એ તેમણે શોધવું પડ્યું હશે. પણ ઈસુએ એ જગ્યા શોધી કાઢી જ્યાં એ પ્રબોધકીય શબ્દો લખેલા હતા. એ બતાવે છે કે ઈસુ શાસ્ત્રવચનોથી ખૂબ જ પરિચિત હતા.
(લુક ૪:૨૫) દાખલા તરીકે, હું તમને સાચું કહું છું કે, એલિયાના દિવસોમાં ઇઝરાયેલમાં ઘણી વિધવાઓ હતી; એ સમયે સાડા ત્રણ વર્ષ સુધી વરસાદ ન પડ્યો અને આખા દેશમાં ભારે દુકાળ પડ્યો.
nwtsty લુક ૪:૨૫ અભ્યાસ માહિતી
સાડા ત્રણ વર્ષ સુધી: ૧રા ૧૮:૧ના મુજબ, એલિયાએ જણાવ્યું હતું કે “ત્રીજે વર્ષે” દુકાળનો અંત આવશે. તેથી, કેટલાક લોકો કહે છે કે ઈસુએ કહેલા શબ્દો ૧રાજાના શબ્દો સાથે મેળ ખાતાં નથી. જોકે, હિબ્રૂ શાસ્ત્રવચનો એ જણાવતા નથી કે દુકાળ ત્રણ વર્ષોથી ઓછો ચાલ્યો હતો. કલમમાં કહેલા આ શબ્દો “ત્રીજે વર્ષે” સ્પષ્ટપણે એ સમયગાળાને લાગુ પડે છે, જ્યારે એલિયાએ સૌપ્રથમ આહાબને દુકાળ વિશે જાણ કરી હતી. (૧રા ૧૭:૧) એ સમયે સૂકી ઋતુ લગભગ ૬ મહિનાઓ સુધી ચાલી હતી. જે ત્યાંના ઋતુ ચક્ર પ્રમાણે ઘણી અસામાન્ય બાબત હતી. આ પરથી કહી શકાય કે, એલિયાએ દુકાળના અંત વિશે ભવિષ્યવાણી કરી એની અગાઉ જ દુકાળની શરૂઆત થઈ ચૂકી હતી. વધુમાં, એલીયા ‘ત્રીજા વર્ષમાં’ ફરી આહાબ સમક્ષ આવ્યા એ સમયે દુકાળ તરત જ સમાપ્ત થયો ન હતો. પરંતુ, યહોવાએ કાર્મેલ પર્વત પર આગ દ્વારા એલિયાનું અર્પણ સ્વીકાર્યું એ પછી દુકાળનો અંત આવ્યો. (૧રા ૧૮:૧૮-૪૫) એટલે, કહી શકાય કે ઈસુના કહેલા શબ્દો અને યાકૂ ૫:૧૭માં કહેલા તેમના સાવકા ભાઈના શબ્દો ૧રા ૧૮:૧માં આપેલી ઘટનાના સુમેળમાં છે.
બાઇબલ વાંચન
(લુક ૪:૩૧-૪૪) ત્યાર બાદ તે ગાલીલના શહેર, કાપરનાહુમમાં ગયા અને લોકોને તે સાબ્બાથના દિવસે શીખવતા હતા; ૩૨ઈસુની શીખવવાની રીત જોઈને લોકો દંગ થઈ ગયા, કેમ કે તે અધિકારથી બોલતા હતા. ૩૩હવે, સભાસ્થાનમાં ખરાબ દૂત વળગેલો એક માણસ હતો; તેણે મોટેથી બૂમ પાડી: ૩૪“ઓ નાઝરેથના ઈસુ, તારે ને અમારે શું લેવાદેવા? શું તું અમારો નાશ કરવા આવ્યો છે? હું બરાબર જાણું છું કે તું કોણ છે, તું ઈશ્વરનો પવિત્ર સેવક છે.” ૩૫પરંતુ, ઈસુએ તેને ધમકાવતા કહ્યું: “ચૂપ થા અને તેનામાંથી બહાર નીકળ.” એટલે, દુષ્ટ દૂત એ માણસને લોકોની વચ્ચે પાડીને, તેને નુકસાન પહોંચાડ્યા વગર તેનામાંથી નીકળી ગયો. ૩૬એ જોઈને બધાની નવાઈનો પાર ન રહ્યો અને તેઓ એકબીજાને કહેવા લાગ્યા: “આ તો કેવી વાણી છે, કેમ કે તે દુષ્ટ દૂતોને અધિકાર અને સત્તાથી હુકમ કરે છે અને તેઓ બહાર નીકળે છે?” ૩૭તેથી, તેમના વિશેની વાતો આસપાસના વિસ્તારોમાં ખૂણે-ખૂણે ફેલાતી ગઈ. ૩૮સભાસ્થાનમાંથી નીકળ્યા પછી, તે સિમોનના ઘરમાં ગયા. હવે, સિમોનની સાસુને સખત તાવ હતો, એટલે તેને મદદ કરવા તેઓએ ઈસુને જણાવ્યું. ૩૯તેથી, તેની પથારી પાસે જઈને તે ઊભા રહ્યા અને તેમણે તાવને ધમકાવ્યો ને તાવ ઊતરી ગયો. તરત જ, તે ઊભી થઈ અને તેઓની સેવા કરવા લાગી. ૪૦સૂર્ય આથમી ગયો ત્યારે, લોકો તેઓનાં ઘરોમાંથી અનેક રોગોથી પીડાતા બીમારોને તેમની પાસે લાવ્યા. દરેક પર હાથ મૂકીને તેમણે તેઓને સાજા કર્યા. ૪૧વળી, ઘણા લોકોમાંથી દુષ્ટ દૂતો નીકળી આવ્યા અને પોકારીને આમ કહેવા લાગ્યા: “તું ઈશ્વરનો દીકરો છે.” પણ, ઈસુ તેઓને ધમકાવીને બોલવા દેતા નહિ, કેમ કે તે ખ્રિસ્ત છે એવું તેઓ જાણતા હતા. ૪૨જોકે, દિવસ ઊગ્યો ત્યારે તે ત્યાંથી નીકળ્યા અને એકાંત જગ્યાએ ગયા. પણ ટોળું તેમને શોધવા લાગ્યું અને તે જ્યાં હતા ત્યાં આવી પહોંચ્યું અને તેઓએ તેમને પોતાની પાસેથી જતા અટકાવવાનો પ્રયત્ન કર્યો. ૪૩પરંતુ, તેમણે તેઓને કહ્યું: “ઈશ્વરના રાજ્યની ખુશખબર મારે બીજાં શહેરોમાં પણ જણાવવી જોઈએ, કેમ કે એ માટે મને મોકલવામાં આવ્યો છે.” ૪૪તેથી, તે યહુદિયાનાં સભાસ્થાનોમાં પ્રચાર કરતા ગયા.