વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwbr૧૯ જૂન પાન ૧-૭
  • જૂન—જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જૂન—જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો
  • જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો—૨૦૧૯
  • મથાળાં
  • જૂન ૩-૯
  • જૂન ૧૦-૧૬
  • જૂન ૧૭-૨૩
  • જૂન ૨૪-૩૦
જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો—૨૦૧૯
mwbr૧૯ જૂન પાન ૧-૭

જૂન—જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો

જૂન ૩-૯

બાઇબલમાં રહેલો ખજાનો | ગલાતીઓ ૪-૬

“આપણા માટે ‘આ બનાવોનો એક અર્થ રહેલો છે’”

(ગલાતીઓ ૪:૨૪, ૨૫) આ બનાવોનો એક અર્થ રહેલો છે; આ સ્ત્રીઓ બે કરારને રજૂ કરે છે, એક સિનાઈ પહાડ પર કરવામાં આવ્યો, જે ગુલામી માટે બાળકો પેદા કરે છે અને એ હાગાર છે. ૨૫ હવે, હાગારનો અર્થ સિનાઈ પહાડ થાય, જે અરબસ્તાનમાં છે અને હાગાર હાલના યરૂશાલેમને રજૂ કરે છે, કેમ કે એ પોતાનાં બાળકો સાથે ગુલામીમાં છે.

it-૧-E ૧૦૧૮ ¶૨

હાગાર

પ્રેરિત પાઊલ પ્રમાણે, હાગાર એવી બાબતોને રજૂ કરતી હતી જેનો આપણા માટે એક અર્થ રહેલો છે. તે પૃથ્વી પર રહેલા ઇઝરાયેલ રાષ્ટ્રને દર્શાવતી હતી, જે એક કરાર દ્વારા યહોવાને વળગી રહેનાર રાષ્ટ્ર બન્યું. સિનાઈ પહાડ પાસે કરવામાં આવેલા આ કરાર પછી, એ રાષ્ટ્રએ જાણે ‘ગુલામી માટેનાં બાળકોને’ જન્મ આપ્યો. પાપી વલણને લીધે આ રાષ્ટ્રના લોકો એ કરારની શરતો પ્રમાણે ચાલ્યા નહિ. આમ, એ કરાર હેઠળ આવતા ઇસ્રાએલીઓ આઝાદ નહિ, પણ પાપના બંધાણી તરીકે મોતની સજાને લાયક ગુલામો ઠરતા હતા. (યોહ ૮:૩૪; રોમ ૮:૧-૩) પાઊલના સમયનું યરૂશાલેમ હાગાર સાથે આ રીતે સાંકળી શકાય: યરૂશાલેમ ઇઝરાયેલ રાષ્ટ્રનું પાટનગર હતું. આમ, એ નગર અને એના નાગરિકો (બાળકો) બંને ગુલામીમાં આવી પડ્યાં. જ્યારે કે, પવિત્ર શક્તિથી અભિષિક્ત ખ્રિસ્તીઓ, ‘સ્વર્ગના યરૂશાલેમનાં’ બાળકો છે, જે ઈશ્વરની સ્ત્રીને દર્શાવે છે. આ યરૂશાલેમ, સારાહની જેમ એક આઝાદ સ્ત્રી તરીકે ક્યારેય ગુલામીમાં હતું નહિ. બીજું કે, ઈશ્માએલ દ્વારા ઈસ્હાકને સતાવવામાં આવ્યો હતો. એ જ રીતે, દીકરા દ્વારા મુક્ત કરાયેલ ‘સ્વર્ગના યરૂશાલેમનાં’ બાળકો પણ ગુલામ યરૂશાલેમનાં બાળકો દ્વારા સતાવવામાં આવ્યાં. હાગાર અને તેનાં બાળકોને જે દેશ નિકાલ આપવામાં આવ્યો, એ બનાવ યહોવા દ્વારા રાષ્ટ્ર તરીકે ત્યજી દેવામાં આવેલ ઇઝરાયેલને દર્શાવે છે.—ગલા ૪:૨૧-૩૧; યોહ ૮:૩૧-૪૦ પણ જુઓ.

(ગલાતીઓ ૪:૨૬, ૨૭) પરંતુ, સ્વર્ગનું યરૂશાલેમ આઝાદ છે અને એ આપણી માતા છે. ૨૭ કેમ કે લખેલું છે: “હે વાંઝણી સ્ત્રી, તેં બાળકને જન્મ આપ્યો નથી એટલે આનંદ કર; હે સ્ત્રી, પ્રસૂતિની પીડા ભોગવી ન હોવાથી તું ખુશીથી પોકાર કર; કેમ કે જે સ્ત્રી પાસે પતિ છે તેના કરતાં, જે સ્ત્રીને છોડી દેવામાં આવી છે તેનાં બાળકો વધારે છે.”

w૧૪ ૧૦/૧૫ ૧૦ ¶૧૧

ઈશ્વરના રાજ્યમાં અડગ ભરોસો રાખીએ

૧૧ ઈબ્રાહીમ સાથેના કરારમાં આપેલાં વચનો ક્યારે પૂરાં થયાં? ઈબ્રાહીમના વંશજોએ વચનનો દેશ મેળવી લીધો ત્યારે એ પ્રથમ વાર પૂરાં થયાં. જોકે, બાઇબલ જણાવે છે કે એ કરાર દ્વારા હજુ પણ મોટા આશીર્વાદો મળવાના હતા. (ગલા. ૪:૨૨-૨૫) પ્રેરિત પાઊલે જણાવ્યું કે ઈબ્રાહીમનાં સંતાનનો મુખ્ય ભાગ ઈસુ ખ્રિસ્ત છે. તેમજ, બીજો ભાગ ૧,૪૪,૦૦૦ અભિષિક્તોને રજૂ કરે છે. (ગલા. ૩:૧૬, ૨૯; પ્રકટી. ૫:૯, ૧૦; ૧૪:૧, ૪) એદનના વચનમાં જે “સ્ત્રી”નો ઉલ્લેખ થયો છે, તે ઈશ્વરના સંગઠનના સ્વર્ગમાંના ભાગને રજૂ કરે છે. એ સ્ત્રીને “ઉપરનું યરૂશાલેમ” કહેવામાં આવે છે, જે વફાદાર સ્વર્ગદૂતોનું બનેલું છે. (ગલા. ૪:૨૬, ૩૧) ઈબ્રાહીમ સાથેના કરારમાં જણાવ્યું હતું તેમ સ્ત્રીનું સંતાન, માણસજાત માટે હંમેશ માટેના આશીર્વાદો લાવશે.

(ગલાતીઓ ૪:૨૮-૩૧) હવે ભાઈઓ, જેમ ઇસહાક હતો, તેમ વચન પ્રમાણે તમે બાળકો છો. ૨૯ પણ જેમ કુદરતી રીતે જન્મેલો દીકરો, પવિત્ર શક્તિથી જન્મેલા દીકરાની સતાવણી કરવા લાગ્યો, એવું હમણાં પણ થાય છે. ૩૦ જોકે, શાસ્ત્રવચન શું કહે છે? “દાસી અને તેના દીકરાને કાઢી મૂક, કેમ કે દાસીનો દીકરો કદી આઝાદ સ્ત્રીના દીકરા સાથે વારસ થશે નહિ.” ૩૧ તેથી ભાઈઓ, આપણે દાસીનાં નહિ, પણ આઝાદ સ્ત્રીનાં બાળકો છીએ.

કીમતી રત્નો શોધીએ

(ગલાતીઓ ૪:૬) હવે, તમે દીકરાઓ હોવાથી ઈશ્વરે તેમના દીકરાને આપેલી પવિત્ર શક્તિ તમારા હૃદયોમાં આપી અને એ શક્તિ પોકારે છે: “અબ્બા, પિતા!”

w૦૯-E ૪/૧ ૧૩

શું તમે જાણો છો?

ઈસુએ પ્રાર્થનામાં યહોવાને શા માટે “અબ્બા, પિતા” કહ્યા?

“અબ્બા” એક અરામીક શબ્દ છે, જેનો અર્થ “પિતા” અથવા “ઓ પિતા” થાય છે. આ શબ્દ શાસ્ત્રમાં કુલ ત્રણ જગ્યાએ જોવા મળે છે. ત્રણેય જગ્યાએ એ શબ્દ પ્રાર્થનાઓનો એક ભાગ છે અને સ્વર્ગમાંના પિતા યહોવાને સંબોધવા વપરાયો છે. શું એ શબ્દનો કોઈ ખાસ અર્થ રહેલો છે?

ધી ઇન્ટરનેશનલ સ્ટૅન્ડર્ડ બાઇબલ એનસાઇક્લોપીડિયા કહે છે: ‘ઈસુના સમયમાં બોલચાલની ભાષામાં “અબ્બા” એ મુખ્યત્વે વહાલભર્યો અને માનભર્યો શબ્દ ગણાતો, જે બાળકો પોતાના પિતા માટે લાડથી વાપરતાં.’ આ શબ્દ વહાલ દર્શાવનાર અને એવા શબ્દોમાંનો એક હતો, જે બાળક સૌથી પહેલા બોલતા શીખતું. ઈસુએ એ શબ્દો ખાસ કરીને પોતાના પિતાને કાલાવાલા કરતી વખતે વાપર્યા છે. ગેથસેમાને બાગમાં, પોતાના મરણના અમુક જ કલાકો પહેલાં ઈસુએ પ્રાર્થનામાં યહોવાને “અબ્બા, પિતા!” કહીને બોલાવ્યા.—માર્ક ૧૪:૩૬.

ઉપર જણાવેલ જ્ઞાનકોશ આમ પણ જણાવે છે, ‘ગ્રીક-રોમન સમયકાળના સાહિત્યમાં ઈશ્વરને “અબ્બા”’ કહીને સંબોધવાનો ઉલ્લેખ જરાય જોવા મળતો નથી. દેખીતી રીતે, એની પાછળનું કારણ એ જ હોય શકે કે આવા સર્વસામાન્ય શબ્દથી ઈશ્વરને સંબોધવું એ માન વગરનું લાગે.’ એ જ્ઞાનકોશ આગળ જણાવે છે, ‘ઈસુનું પ્રાર્થનામાં આ શબ્દને વાપરવું તો, જાણે દર્શાવતું હતું કે ઈશ્વરના વહાલ માટે તેમજ તેમની સાથેના ગાઢ સંબંધ પર પોતે ખાસ રીતે હક્કદાર છે.’ આ શબ્દ “અબ્બા”, બીજી બે કલમોમાં પણ જોવા મળે છે, જે પાઊલના બે પત્રોમાં છે. એ બતાવે છે કે પ્રથમ સદીમાં ખ્રિસ્તીઓ પોતાની પ્રાર્થનામાં યહોવાને સંબોધવા એ શબ્દ વાપરતા હતા.—રોમનો ૮:૧૫; ગલાતીઓ ૪:૬.

(ગલાતીઓ ૬:૧૭) હવેથી, કોઈ મને હેરાન કરશો નહિ, કેમ કે મારા શરીર પર ઈસુના દાસ હોવાની છાપ મારેલી છે.

w૧૦-E ૧૧/૧ ૧૫

શું તમે જાણો છો?

કયા અર્થમાં પાઊલના “શરીર પર ઈસુના દાસ હોવાની છાપ મારેલી” હતી?—ગલાતીઓ ૬:૧૭.

▪ પાઊલના એ શબ્દોનો પ્રથમ સદીના લોકોએ જુદો જુદો અર્થ કાઢ્યો હોય શકે. એ સમયે, યુદ્ધમાં બંદી બનેલા કેદીઓ, મંદિરના લૂંટારાઓ અને શરણે આવેલ ગુલામોને ધગધગતા લોઢાથી ડામ આપીને છાપ મારવામાં આવતી. આવી રીતે મળેલ છાપને અપમાનની નજરે જોવાતી.

જોકે, બીજી પ્રકારની છાપ પણ લેવામાં આવતી, જે અપમાનની નજરે નહિ પણ સારી ઓળખ ગણાતી. પ્રાચીન સમયમાં ઘણા લોકો કોઈ ખાસ જાતિ અથવા ધર્મના સભ્ય તરીકે ઓળખાવવા આવી છાપનો ઉપયોગ કરતા. થીઓલૉજિકલ ડિક્શનરિ ઓફ ધ ન્યૂ ટેસ્ટામેન્ટ નામનું પુસ્તક જણાવે છે, ‘સીરિયાના લોકો પોતે તેમના દેવો હાદાદ અને અતારગાતીસને માટે અર્પિત છે એમ બતાવવા પોતાના કાંડા પર અથવા ગળા પર છાપ મરાવતા. ડાયોનીસસના ભક્તો પર આઇવી વેલના પાંદડાના આકારની છાપ મારવામાં આવતી.’

ખ્રિસ્તી મિશનરી સેવા દરમિયાન પાઊલે કેટલીકવાર સતાવણીનો સામનો કર્યો હતો. આજના સમયના ઘણા ટીકાકારો અનુમાન લગાવે છે કે “છાપ” કહીને પાઊલ એ વખતે પડેલા જખમના ડાઘ વિશે ઉલ્લેખ કરી રહ્યા હતા. (૨ કોરીંથીઓ ૧૧:૨૩-૨૭) જોકે, પાઊલ અહીં જખમના ડાઘ વિશે નહિ, પણ પોતાને એક ખ્રિસ્તી તરીકે ઓળખ આપતી જીવન ઢબ વિશે કહી રહ્યા હતા.

બાઇબલ વાંચન

(ગલાતીઓ ૪:૧-૨૦)

જૂન ૧૦-૧૬

બાઇબલમાં રહેલો ખજાનો | એફેસીઓ ૧-૩

‘યહોવાએ ગોઠવણ કરેલ સરકાર અને એની કામગીરી’

(એફેસીઓ ૧:૮, ૯) ઈશ્વરે અપાર કૃપાની સાથે સાથે સર્વ જ્ઞાન અને સમજણ પણ ઉદારતાથી આપ્યાં છે; ૯ તેમણે પોતાની ઇચ્છાનું પવિત્ર રહસ્ય આપણને જણાવ્યું છે. એ તેમની ખુશી પ્રમાણે છે અને એ તેમણે અગાઉથી નક્કી કર્યું હતું

it-૨-E ૮૩૭ ¶૪

પવિત્ર રહસ્ય

મસીહી રાજ્ય. પોતાનાં લખાણોમાં પાઊલ, ખ્રિસ્તના પવિત્ર રહસ્યનો ખુલાસો પૂરો પાડે છે. એફેસીઓ ૧:૯-૧૧માં તે લખે છે: “તેમણે પોતાની ઇચ્છાનું પવિત્ર રહસ્ય આપણને જણાવ્યું છે. એ તેમની ખુશી પ્રમાણે છે અને એ તેમણે અગાઉથી નક્કી કર્યું હતું. નક્કી કરેલો સમય પૂરો થાય ત્યારે, આ પવિત્ર રહસ્યમાં એક ગોઠવણ કરવાનો સમાવેશ થાય છે, એટલે કે સ્વર્ગની અને પૃથ્વીની બધી જ વસ્તુઓ ખ્રિસ્તમાં ફરીથી ભેગી કરવી. તેમની સાથે અમે એકતામાં છીએ અને અમને વારસ પણ બનાવવામાં આવ્યા છે. ઈશ્વરના હેતુ પ્રમાણે એ અગાઉથી પસંદ કરવામાં આવ્યું હતું, કેમ કે તે બધું પોતાની ઇચ્છા પ્રમાણે નક્કી કરીને પાર પાડે છે.” આ “પવિત્ર રહસ્ય”માં એક સરકારનો સમાવેશ થાય છે, જે ઈશ્વરનું મસીહી રાજ્ય છે. પાઊલે ‘સ્વર્ગની વસ્તુઓʼનો ઉલ્લેખ કર્યો. એમાં એવા ભક્તોનો સમાવેશ થાય છે, જેઓ સ્વર્ગીય રાજ્યમાં ઈસુ સાથે વારસદારો હશે. તો પછી ‘પૃથ્વી પરની વસ્તુઓ’ શાને દર્શાવે છે? એ રાજ્ય વખતે પૃથ્વી પર વસનાર પ્રજાને રજૂ કરે છે. પવિત્ર રહસ્ય ઈશ્વરના રાજ્યથી જોડાયેલું છે. એ દર્શાવતા ઈસુએ પોતાના શિષ્યોને આમ કહ્યું: “તમને ઈશ્વરના રાજ્યનું પવિત્ર રહસ્ય જણાવવામાં આવ્યું છે.”—માર્ક ૪:૧૧.

(એફેસીઓ ૧:૧૦) નક્કી કરેલો સમય પૂરો થાય ત્યારે, આ પવિત્ર રહસ્યમાં એક ગોઠવણ કરવાનો સમાવેશ થાય છે, એટલે કે સ્વર્ગની અને પૃથ્વીની બધી જ વસ્તુઓ ખ્રિસ્તમાં ફરીથી ભેગી કરવી

w૧૨ ૭/૧ ૨૭-૨૮ ¶૩-૪

યહોવા પોતાના કુટુંબને એકતામાં લાવે છે

૩ યહોવાનાં કાર્યો અને હેતુ હંમેશાં એકબીજાના સુમેળમાં હોય છે. સ્વર્ગમાં અને ધરતી પર રહેતા બધાને એક કુટુંબ તરીકે ભેગા કરવા ઈશ્વરે તૈયારી શરૂ કરી દીધી છે. એ તૈયારીને તે એક “વ્યવસ્થા” કે ગોઠવણ તરીકે ઓળખાવે છે. (એફેસી ૧:૮-૧૦ વાંચો.) આ ગોઠવણ પોતાનો ધ્યેય બે ભાગમાં પૂરો કરશે. પહેલો ભાગ અભિષિક્તોને તૈયાર કરે છે, જેથી તેઓ ઈસુ ખ્રિસ્તની આગેવાની નીચે સ્વર્ગમાં જીવી શકે. આ ભાગની શરૂઆત ઈસવીસન ૩૩ પેન્તેકોસ્તમાં થઈ. એ સમયે યહોવાએ ખ્રિસ્ત સાથે સ્વર્ગમાં રાજ કરનારાઓને ભેગા કર્યાં. (પ્રે.કૃ. ૨:૧-૪) ખ્રિસ્તના બલિદાનને આધારે અભિષિક્તોને જીવન માટે ન્યાયી ઠરાવવામાં આવ્યા છે. તેથી, તેઓ ખુશીથી સ્વીકારે છે કે પોતે “ઈશ્વરનાં છોકરાં” તરીકે દત્તક લેવાયા છે.—રોમ. ૩:૨૩, ૨૪; ૫:૧; ૮:૧૫-૧૭.

૪ બીજો ભાગ એવા લોકોને તૈયાર કરે છે, જેઓ પૃથ્વી પર ખ્રિસ્તના મસીહી રાજ્યમાં નવી દુનિયામાં જીવશે. તેઓનો પહેલો ભાગ “મોટી સભા” બને છે. (પ્રકટી. ૭:૯, ૧૩-૧૭; ૨૧:૧-૫) ઈસુના હજાર વર્ષના રાજ્યમાં મરણમાંથી પાછા ઊઠેલા અબજો તેઓની સાથે ભેગા મળશે. (પ્રકટી. ૨૦:૧૨, ૧૩) લોકોને મરણમાંથી પાછા ઉઠાડવામાં આવશે, એનાથી એકતા બતાવવાની કેટલી બધી તક મળશે, એની કલ્પના કરો! હજાર વર્ષ પૂરાં થયાં પછી, ‘પૃથ્વી પરનાં વાનાં’ કે લોકોની આખરી કસોટી થશે. જે લોકો વિશ્વાસુ રહેશે, તેઓને પૃથ્વી પર ‘ઈશ્વરનાં છોકરાં’ તરીકે દત્તક લેવામાં આવશે.—રોમ. ૮:૨૧; પ્રકટી. ૨૦:૭, ૮.

કીમતી રત્નો શોધીએ

(એફેસીઓ ૩:૧૩) તેથી, હું વિનંતી કરું છું કે તમારા લીધે હું સંકટો સહન કરું છું એનાથી તમે નિરાશ ન થતા, કેમ કે એ તમારા માટે ગૌરવ છે.

w૧૩ ૨/૧૫ ૨૮ ¶૧૫

ઈશ્વર તરફથી મહિમા મેળવતા તમને કંઈ ન રોકે!

૧૫ યહોવાની ઇચ્છા પ્રમાણે કરતા રહીએ છીએ ત્યારે, બીજાઓને પણ મહિમા મેળવવા મદદ મળે છે. એફેસી મંડળને પાઊલે લખ્યું: “હું માગું છું, કે તમારે માટે મને જે વિપત્તિ પડે છે તેથી તમે નાહિંમત ન થાઓ, તે વિપત્તિ તો તમારો મહિમા છે.” (એફે. ૩:૧૩) કયા અર્થમાં પાઊલે સહન કરેલી તકલીફો, એફેસીનાં ભાઈ-બહેનો માટે “મહિમા” હતી? ઘણી સતાવણીઓ છતાં, પાઊલ એફેસી મંડળની સેવા કરતા રહ્યા. એના લીધે એ મંડળ જોઈ શક્યું કે ખ્રિસ્તીઓ તરીકે તેઓ જે લહાવાનો આનંદ માણે છે, એ સૌથી મૂલ્યવાન છે. પાઊલ જો સતાવણીઓ સામે હારી ગયા હોત, તો એફેસી મંડળ પર કેવી અસર થઈ હોત? કદાચ તેઓએ યહોવા સાથેનો સંબંધ, તેઓનું સેવાકાર્ય અને તેઓની આશાને મૂલ્યવાન ગણી ન હોત. પાઊલે ઘણું સહન કરીને ખ્રિસ્તી ધર્મને ઊંચું સ્થાન આપ્યું અને બતાવ્યું કે ઈસુના શિષ્ય બનવા માટે આપેલા ભોગ નકામા નહિ જાય.

(એફેસીઓ ૩:૧૯) અને તમે ખ્રિસ્તનો પ્રેમ જાણી શકો જે જ્ઞાન કરતાં ચઢિયાતો છે, જેથી ઈશ્વર આપે છે એ ગુણોથી તમે ભરપૂર થાઓ.

cl-E ૨૯૯ ¶૨૧

‘ખ્રિસ્તનો પ્રેમ જાણી શકીએ’

૨૧ ગ્રીકમાં “જાણવું” માટેનો જે શબ્દ છે એનો અર્થ થાય “રોજબરોજના વાણી-વર્તનથી, થયેલ અનુભવ પરથી” જાણવું. ઈસુએ જેવો પ્રેમ બતાવ્યો એવો પ્રેમ આપણે બતાવીએ છીએ ત્યારે આપણે સાચા અર્થમાં તેમની લાગણીઓની કદર કરીએ છીએ. એવો પ્રેમ બતાવવામાં શું સમાયેલું છે? બીજાઓ માટે કોઈ પણ સ્વાર્થ વગર પોતાને ખર્ચી નાંખવું, દયાભાવે તેઓની જરૂરિયાતોને પૂરી પાડવી, તેઓની ભૂલો દિલથી માફ કરી દેવી. આવી રીતે આપણે ‘ખ્રિસ્તનો પ્રેમ જાણી શકીએ છીએ, જે જ્ઞાન કરતાં ચઢિયાતો છે.’ આમ, ઈસુનું જેટલું અનુકરણ કરીશું એટલું આપણે પ્રેમાળ પિતા યહોવાની નજીક જઈશું, કેમ કે ઈસુ પોતે યહોવાને પૂરેપૂરું અનુસરતા હતા.

બાઇબલ વાંચન

(એફેસીઓ ૧:૧-૧૪)

જૂન ૧૭-૨૩

બાઇબલમાં રહેલો ખજાનો | એફેસીઓ ૪-૬

“ઈશ્વરે આપેલાં બધાં હથિયાર પહેરી લો”

(એફેસીઓ ૬:૧૧-૧૩) ઈશ્વરે આપેલાં બધાં હથિયાર પહેરી લો, જેથી તમે શેતાનનાં કાવતરાં સામે દૃઢ ઊભા રહી શકો; ૧૨ કેમ કે આપણી લડાઈ માણસો સામે નથી, પણ સરકારો સામે, અધિકારીઓ સામે, આ અંધારી દુનિયાના શાસકો સામે અને સ્વર્ગના દુષ્ટ દૂતોનાં લશ્કરો સામે છે. ૧૩ એ કારણે, ઈશ્વરે આપેલાં સર્વ હથિયાર પહેરી લો, જેથી કપરો સમય આવે ત્યારે તમે એનો સામનો કરી શકો અને બધી તૈયારી કરી લીધા પછી દૃઢ ઊભા રહી શકો.

w૧૮.૦૫ ૨૭ ¶૧

યુવાનો—શેતાન સામે દૃઢ ઊભા રહો

પ્રેરિત પાઊલે ઈશ્વરભક્તની સરખામણી સૈનિક સાથે કરી હતી. આપણે દુશ્મનો સામે યુદ્ધ લડી રહ્યા છીએ. પરંતુ, આપણું યુદ્ધ મનુષ્યો સામે નહિ, પણ શેતાન અને તેના દુષ્ટ દૂતો સામે છે. તેઓ હજારો વર્ષોથી યોદ્ધાઓ છે અને સારા લડવૈયા છે. તેથી, કદાચ લાગે કે આપણે એ યુદ્ધ જીતી શકીશું નહિ. ખાસ કરીને, યુવાનોને એવું વધારે લાગી શકે. શું યુવાનો એવા શક્તિશાળી દુશ્મનો સામે જીતી શકે? હા, તેઓ જીતી શકે છે અને જીતી રહ્યા પણ છે! કઈ રીતે? યહોવા તરફથી મળતી શક્તિથી. તેઓ યુદ્ધ માટે પોતાને તૈયાર કરે છે. તાલીમ પામેલા સૈનિકની જેમ, તેઓ ‘ઈશ્વરે આપેલાં બધાં હથિયાર પહેરી લે છે.’—એફેસીઓ ૬:૧૦-૧૨ વાંચો.

(એફેસીઓ ૬:૧૪, ૧૫) એટલે, દૃઢ ઊભા રહેવા તમારી કમરે સત્યનો પટ્ટો બાંધી લો અને નેકીનું બખતર પહેરી લો ૧૫ અને શાંતિની ખુશખબર જણાવવા તૈયાર હોય, એવા જોડા પહેરી લો.

w૧૮.૦૫ ૨૮-૨૯ ¶૪, ૭, ૧૦

યુવાનો—શેતાન સામે દૃઢ ઊભા રહો

૪ બાઇબલનું સત્ય સૈનિકના પટ્ટા જેવું છે. કેમ કે, એ જૂઠાં શિક્ષણથી આપણું રક્ષણ કરે છે. (યોહા. ૮:૩૧, ૩૨; ૧ યોહા. ૪:૧) બાઇબલ સત્યને પ્રેમ કરવાનું શીખતા જઈશું તેમ, ઈશ્વરનાં ધોરણો પ્રમાણે જીવવું એટલે કે “બખતર” પહેરવું સહેલું થઈ પડશે. (ગીત. ૧૧૧:૭, ૮; ૧ યોહા. ૫:૩) તેમ જ, એ સત્યો સારી રીતે સમજવા લાગીશું તેમ, આપણે દુશ્મનોને યોગ્ય જવાબ આપી શકીશું.—૧ પીત. ૩:૧૫.

૭ યહોવાનાં નેક ધોરણો એક બખતરની જેમ આપણા ‘હૃદયનું’ એટલે કે મનનું રક્ષણ કરે છે. (નીતિ. ૪:૨૩) એક સૈનિક લોખંડના બખતરને બદલે હલકી ધાતુનું બખતર ક્યારેય નહિ પહેરે. એવી જ રીતે, જે ખરું છે એ વિશેનાં યહોવાનાં ધોરણોને બદલે, પોતાની નજરે જે ખરું છે એ આપણે ક્યારેય નહિ કરીએ. આપણા હૃદયનું રક્ષણ કરવા પોતાની બુદ્ધિ પર આધાર નહિ રાખીએ. (નીતિ. ૩:૫, ૬) તેથી, “બખતર” આપણાં હૃદયનું રક્ષણ કરે છે કે નહિ, એની હંમેશાં તપાસ કરતા રહેવું જોઈએ.

૧૦ એ જોડા પહેરવાથી રોમન સૈનિકને યુદ્ધ જીતવા મદદ મળતી હતી. એવી જ રીતે, ઈશ્વરે આપેલાં હથિયારોમાંના જોડા પહેરવાથી “શાંતિની ખુશખબર જણાવવા” મદદ મળે છે. (યશા. ૫૨:૭; રોમ. ૧૦:૧૫) જોકે, અમુક વાર ખુશખબર ફેલાવવાનું કામ હિંમત માંગી લે છે. ૨૦ વર્ષનો બો કહે છે કે, ‘સાથી વિદ્યાર્થીને સંદેશો જણાવતા મારા હાંજા ગગડી જતા. મને ઘણી શરમ આવતી. આજે હું વિચારું છું, ખબર નહિ કેમ મને એવું લાગતું હતું. હવે, મને સાથી વિદ્યાર્થીઓને સંદેશો જણાવવામાં ખુશી મળે છે.’

(એફેસીઓ ૬:૧૬, ૧૭) એ ઉપરાંત, શ્રદ્ધાની મોટી ઢાલ સાથે રાખો, જેથી દુષ્ટનાં સળગતાં બધાં તીર તમે હોલવી શકો. ૧૭ તેમ જ, ઉદ્ધારનો ટોપ પહેરી લો અને પવિત્ર શક્તિની તલવાર, એટલે કે ઈશ્વરનું વચન લઈ લો.

w૧૮.૦૫ ૨૯-૩૧ ¶૧૩, ૧૬, ૨૦

યુવાનો—શેતાન સામે દૃઢ ઊભા રહો

૧૩ શેતાન તમારા પર કયાં ‘સળગતાં તીર’ મારી શકે છે? કદાચ તે તમારી સામે યહોવા વિશે જૂઠાણાંનાં તીર ચલાવે. શેતાન ચાહે છે, તમે એવું વિચારો કે યહોવા તમને પ્રેમ કરતા નથી અને કોઈને તમારી પડી નથી. ૧૯ વર્ષની ઇડા કહે છે: ‘મને ઘણી વાર થતું કે યહોવા મારાથી ઘણા દૂર છે અને તે મારા મિત્ર બનવા માંગતા નથી.’ એવું લાગ્યું ત્યારે તેણે શું કર્યું? તે જણાવે છે કે, ‘સભાઓથી મારી શ્રદ્ધાને નવું જોમ મળતું. અગાઉ હું સભામાં જઈને બેસી રહેતી અને ક્યારેય જવાબ ન આપતી. મને લાગતું કોઈને મારા જવાબ સાંભળવામાં રસ નથી. જોકે, હવે હું સભાની તૈયારી કરું છું અને એક કે બે જવાબ આપવાનો પ્રયત્ન કરું છું. એ અઘરું છે, પણ એનાથી મારા મનને સંતોષ મળે છે. ઉપરાંત, ભાઈ-બહેનો પણ ઘણું ઉત્તેજન આપે છે. સભામાંથી પાછી ફરું ત્યારે, મને હંમેશાં લાગે છે કે યહોવા મને ખૂબ પ્રેમ કરે છે.’

૧૬ ટોપ સૈનિકના મગજનું રક્ષણ કરતો હતો. એવી જ રીતે, “તારણની આશા” આપણા વિચારોનું રક્ષણ કરે છે. (૧ થેસ્સા. ૫:૮; નીતિ. ૩:૨૧) આશા આપણને ઈશ્વરનાં વચનો પર ધ્યાન આપવા અને મુશ્કેલીઓને કારણે નિરાશ ન થવા મદદ કરે છે. (ગીત. ૨૭:૧, ૧૪; પ્રે.કા. ૨૪:૧૫) જો આપણે ચાહતા હોઈએ કે “ટોપ” આપણું રક્ષણ કરે, તો જરૂરી છે કે એને હાથમાં નહિ પણ માથા પર રાખીએ!

૨૦ પ્રેરિત પાઊલે કહ્યું હતું કે બાઇબલ તલવારની જેમ કામ કરે છે. બાઇબલ તો યહોવા તરફથી મળેલી એક ભેટ છે. એનો કુશળતાથી ઉપયોગ કરવાનું આપણે શીખવું જોઈએ. જેથી, આપણી શ્રદ્ધા વિશે લોકોને હિંમતથી જણાવી શકીએ અને પોતાના વિચારોને સુધારી શકીએ. (૨ કોરીં. ૧૦:૪, ૫; ૨ તિમો. ૨:૧૫) આપણે પોતાની આવડતને કઈ રીતે વધારે અસરકારક બનાવી શકીએ? ૨૧ વર્ષનો સેબેસ્ટિયન કહે છે કે, ‘બાઇબલ વાંચન દરમિયાન હું દરેક અધ્યાયમાંથી મારી એક મનપસંદ કલમ લખી લઉં છું. પછી એ કલમોની એક ડાયરી બનાવું છું.’ એની મદદથી તે યહોવાના વિચારોને વધુ સારી રીતે સમજી શકે છે. તે આગળ જણાવે છે: ‘બાઇબલ વાંચન દરમિયાન લોકોને મદદરૂપ થાય એવી કલમો હું પસંદ કરું છું. મને જોવા મળ્યું કે, જો તમે બાઇબલ પ્રત્યે ઊંડો પ્રેમ બતાવો અને લોકોને મદદ કરવા બનતું બધું કરો, તો એનાથી લોકો સંદેશો સાંભળવા પ્રેરાય છે.’

કીમતી રત્નો શોધીએ

(એફેસીઓ ૪:૩૦) તેમ જ, પવિત્ર શક્તિને દુઃખી ન કરો, કેમ કે એનાથી તમારા પર એ દિવસ માટે મહોર મારવામાં આવી છે, જ્યારે તમને કિંમત ચૂકવીને છોડાવવામાં આવશે.

it-૧-E ૧૧૨૮ ¶૩

પવિત્રતા

પવિત્ર શક્તિ. એ યહોવાની શક્તિને દર્શાવે છે. યહોવા પોતાના હેતુઓ હંમેશાં પૂરા કરવા પોતાની પવિત્ર શક્તિનો યોગ્ય રીતે ઉપયોગ કરે છે. યહોવાની જેમ તેમની શક્તિ પણ પવિત્ર અને શુદ્ધ છે, જેનો તે હંમેશાં ભલાઈનાં કામોમાં ઉપયોગ કરે છે. એટલે એને “પવિત્ર શક્તિ” અને ‘પવિત્ર શક્તિનું બળ’ કહે છે. (ગી ૫૧:૧૧; લુક ૧૧:૧૩; રોમ ૧:૪; એફે ૧:૧૩) પવિત્ર શક્તિ વ્યક્તિ પર કામ કરે છે ત્યારે એ વ્યક્તિ તન-મનથી શુદ્ધ રહેવા પ્રેરાય છે. પણ જ્યારે તે કોઈ પણ પ્રકારનું અશુદ્ધ કામ કે આદતમાં સપડાય તો એ પવિત્ર શક્તિની વિરુદ્ધ જવા અથવા એને “દુઃખી” કરવા બરાબર છે. (એફે ૪:૩૦) ખરું કે, પવિત્ર શક્તિ કોઈ વ્યક્તિ નથી. પણ ઈશ્વર પાસેથી આવતી હોવાને લીધે એનાથી તેમના ગુણો જોવા મળે છે. કોઈ એની વિરુદ્ધ કામ કરે તો, પવિત્ર શક્તિ “દુઃખી” થાય છે, એટલે કે ઈશ્વરને દુઃખ થાય છે. વ્યક્તિ જો કોઈ ખરાબ કામોમાં લાગુ રહે તો જાણે ‘પવિત્ર શક્તિની આગ હોલવવાનું’ કામ કરે છે. (૧થે ૫:૧૯) એનાથી વ્યક્તિ હકીકતમાં ઈશ્વરની પવિત્ર શક્તિને ‘દુઃખ પહોંચાડે છે’. પછી એવી બળવાખોર વ્યક્તિ ઈશ્વરની દુશ્મન બને છે. (યશા ૬૩:૧૦) પવિત્ર શક્તિને દુઃખી કરનાર વ્યક્તિ એટલી હદે જાય છે કે એના વિરુદ્ધ નિંદા કરનાર બને છે. ઈસુએ જણાવ્યું તેમ, આ એક એવું પાપ છે, જેની માફી આ દુનિયામાં કે આવનાર નવી દુનિયામાં પણ નહિ મળે.—માથ ૧૨:૩૧, ૩૨; માર્ક ૩:૨૮-૩૦.

(એફેસીઓ ૫:૫) તમે જાણો છો અને તમે પૂરી રીતે સમજો છો કે કોઈ વ્યભિચારી કે અશુદ્ધ કે લોભી માણસ જે મૂર્તિપૂજક જેવો છે, તેનો ખ્રિસ્તના અને ઈશ્વરના રાજ્યમાં કોઈ વારસો નથી.

it-૧-E ૧૦૦૬ ¶૨

લોભ

કામો પરથી જાહેર થશે. લોભી સ્વભાવ વ્યક્તિના અમુક કામો પરથી સાફ દેખાઈ આવે છે અને તેના ખોટા ઇરાદા અને ગેરવાજબી ઇચ્છાઓને ખુલ્લી પાડે છે. બાઇબલના એક લેખક યાકૂબ જણાવે છે કે ખોટી ઇચ્છા, જ્યારે ગર્ભ ધરે છે ત્યારે પાપને જન્મ દે છે. (યાકૂ ૧:૧૪, ૧૫) તેથી લોભિયા લોકો તેઓનાં કાર્યો પરથી ઓળખી શકાય છે. પ્રેરિત પાઊલે કહ્યું લોભ કરવો તો મૂર્તિપૂજા જેવું છે. (એફે ૫:૫) કોઈ બાબતના લોભમાં ને લોભમાં વ્યક્તિ એ બાબતને જાણે પોતાનો દેવ બનાવી દે છે. પછી, યહોવા ઈશ્વરની સેવા તેમજ ભક્તિની જગ્યાએ એ બાબતને પ્રથમ રાખવા લાગે છે.—રોમ ૧:૨૪, ૨૫.

બાઇબલ વાંચન

(એફેસીઓ ૪:૧૭-૩૨)

જૂન ૨૪-૩૦

બાઇબલમાં રહેલો ખજાનો | ફિલિપીઓ ૧-૪

“કંઈ ચિંતા ન કરો”

(ફિલિપીઓ ૪:૬) કંઈ ચિંતા ન કરો, પણ બધી બાબતમાં પ્રાર્થના અને વિનંતી સાથે આભાર માનતા, તમારી અરજો ઈશ્વરને જણાવો.

w૧૭.૦૮ ૧૦ ¶૧૦

‘ઈશ્વરની શાંતિ બધી સમજશક્તિ કરતાં ચઢિયાતી છે.’

૧૦ વધુ પડતી ‘ચિંતા ન કરવા’ અને ‘ઈશ્વરની શાંતિનો’ અનુભવ કરવા આપણને શું મદદ કરી શકે? પાઊલના શબ્દો પરથી જોઈ શકાય કે, ચિંતામાં હોઈએ ત્યારે દુઆ દવાનું કામ કરે છે. એટલે, ચિંતામાં ગરક થઈ જવાને બદલે, પ્રાર્થનામાં આપણો બોજો યહોવા પર નાખીએ. (૧ પીતર ૫:૬, ૭ વાંચો.) પ્રાર્થના કરો ત્યારે પૂરી ખાતરી રાખો કે યહોવા તમારી કાળજી લે છે. દરેક આશીર્વાદ માટે હંમેશાં તેમનો આભાર માનો. ક્યારેય ભૂલશો નહિ, “આપણે માંગીએ કે કલ્પના કરીએ એના કરતાં અનેક ગણું વધારે” યહોવા કરી શકે છે.—એફે. ૩:૨૦.

(ફિલિપીઓ ૪:૭) અને ઈશ્વરની શાંતિ, જે બધી સમજશક્તિ કરતાં ચઢિયાતી છે, એ ખ્રિસ્ત ઈસુ દ્વારા તમારા હૃદયો અને મનોનું રક્ષણ કરશે.

w૧૭.૦૮ ૧૦ ¶૭

‘ઈશ્વરની શાંતિ બધી સમજશક્તિ કરતાં ચઢિયાતી છે.’

૭ પાઊલે લખેલો પત્ર વાંચીને ફિલિપીના ભાઈઓને શું યાદ આવ્યું હશે? કદાચ તેઓને પાઊલ અને સિલાસ સાથે બનેલા બનાવો અને યહોવાએ આપેલી અદ્‍ભુત મદદ યાદ આવી હશે. પત્ર દ્વારા પાઊલ તેઓને કયો બોધપાઠ શીખવવા માંગતા હતા? એ જ કે, તેઓ ‘કંઈ ચિંતા ન કરે, પણ પ્રાર્થના કરે અને તેઓને ઈશ્વરની શાંતિ’ આપવામાં આવશે. પાઊલે તેઓને જણાવ્યું કે ઈશ્વરની શાંતિ “બધી સમજશક્તિ કરતાં ચઢિયાતી છે.” એ શબ્દોનો શો અર્થ થાય? અમુક બાઇબલમાં એ શબ્દોનું આમ ભાષાંતર થયું છે: ‘સપનામાં પણ વિચાર્યું ન હોય એવું’ અથવા ‘માણસોની યોજનાઓથી ચઢિયાતું.’ એટલે, પાઊલ કહેવા માંગતા હતા કે ઈશ્વર તરફથી મળતી શાંતિ આપણી કલ્પના બહાર છે. અમુક વાર આપણે સમસ્યાઓનો હલ જાણતા નથી, પણ યહોવા જાણે છે. અને યહોવા અશક્યને શક્ય બનાવી શકે છે.—૨ પીતર ૨:૯ વાંચો.

w૧૭.૦૮ ૧૨ ¶૧૬

‘ઈશ્વરની શાંતિ બધી સમજશક્તિ કરતાં ચઢિયાતી છે.’

૧૬ “ઈશ્વરની શાંતિ” ખરેખર “બધી સમજશક્તિ કરતાં ચઢિયાતી છે.” એ મળે છે ત્યારે કેવું પરિણામ આવે છે? બાઇબલ જણાવે છે કે એ આપણાં “હૃદયો અને મનોનું રક્ષણ” કરે છે. (ફિલિ. ૪:૭) અહીં “રક્ષણ” માટેનો મૂળ શબ્દ સૈનિકોની એવી ટુકડી માટે વપરાતો, જેને શહેરની સુરક્ષાનું કામ સોંપવામાં આવતું. ફિલિપી શહેરના લોકોને એ સૈનિકોને લીધે રક્ષણ મળતું. તેઓનું શહેર સુરક્ષિત છે, એ જાણીને તેઓ નિરાંતે ઊંઘી જતા. એવી જ રીતે, “ઈશ્વરની શાંતિ” મળે ત્યારે, આપણે ચિંતા નથી કરતા અને આપણું મન અને હૃદય રાહત અનુભવે છે. આપણે જાણીએ છીએ કે યહોવા આપણી કાળજી રાખે છે અને ચાહે છે કે આપણે સુખ-શાંતિમાં રહીએ. (૧ પીત. ૫:૧૦) આમ, આપણે ચિંતા કે નિરાશાના બોજા તળે દબાઈ જતા નથી.

કીમતી રત્નો શોધીએ

(ફિલિપીઓ ૨:૧૭) જોકે, તમે શ્રદ્ધાને લીધે કરો છો એ બલિદાન પર અને પવિત્ર સેવા પર હું દ્રાક્ષદારૂના અર્પણની જેમ રેડાઈ જાઉં, તોપણ હું ખુશ છું અને તમારા બધા સાથે આનંદ કરું છું.

it-૨-E ૫૨૮ ¶૫

અર્પણો

દ્રાક્ષદારૂનાં અર્પણો. આ અર્પણો મોટાભાગે બીજાં બધાં અર્પણો સાથે જ ચઢાવવામાં આવતાં, એમાંય ખાસ તો ઇઝરાયેલીઓ વચનના દેશમાં વસ્યા પછી. (ગણ ૧૫:૨, ૫, ૮-૧૦) એ અર્પણો વેદી પર રેડવામાં આવતાં. (ગણ ૨૮:૭, ૧૪; નિર્ગ ૩૦:૯ સરખાવો; ગણ ૧૫:૧૦) પ્રેરિત પાઊલે ફિલિપીમાંના ખ્રિસ્તીઓને લખ્યું: “જોકે, તમે શ્રદ્ધાને લીધે કરો છો એ બલિદાન પર અને પવિત્ર સેવા પર હું દ્રાક્ષદારૂના અર્પણની જેમ રેડાઈ જાઉં, તોપણ હું ખુશ છું અને તમારા બધા સાથે આનંદ કરું છું.” અહીં પાઊલ એવું દર્શાવવા માંગતા હતા કે પોતે ખ્રિસ્તીઓના હિત માટે જાણે દ્રાક્ષદારૂના અર્પણની જેમ રેડાઈ જવા તૈયાર છે. (ફિલિ ૨:૧૭) પોતાના મરણના થોડાં જ દિવસો પહેલાં તેમણે તિમોથીને લખ્યું: “હું અત્યારે દ્રાક્ષદારૂના અર્પણ તરીકે રેડાઈ રહ્યો છું અને મારા છુટકારાનો સમય એકદમ પાસે આવી ગયો છે.”—૨તિ ૪:૬.

(ફિલિપીઓ ૩:૧૧) જેથી શક્ય હોય તો જેઓને મરણમાંથી પ્રથમ જીવતા કરવામાં આવે, તેઓમાં હું હોઉં.

w૦૭ ૧/૧ ૨૮ ¶૫

“પહેલું પુનરુત્થાન” આજે થઈ રહ્યું છે!

૫ ઈસુ પછી બીજા કોને સજીવન કરવામાં આવે છે? “દેવના ઈસ્રાએલ” એટલે કે સ્વર્ગમાં રાજ કરવા પસંદ કર્યા છે તેઓને. તેઓ ‘સદા પ્રભુ ઈસુ સાથે’ સ્વર્ગમાં રાજ કરશે. (ગલાતી ૬:૧૬; ૧ થેસ્સાલોનીકી ૪:૧૭) બાઇબલ એને ‘પહેલું પુનરુત્થાન’ કહે છે. (પ્રકટીકરણ ૨૦:૬) આ પહેલું પુનરુત્થાન પૂરું થઈ ગયા પછી શું થશે? એ પછી યહોવાહ એ લાખો લોકોને જીવતા કરશે, જેઓને પૃથ્વી પર સદા સુખ-ચેનમાં જીવવાનો મોકો આપશે. તેથી, ભલે આપણી આશા સ્વર્ગમાં જીવવાની હોય કે પૃથ્વી પર, આપણે બધાએ ‘પહેલા પુનરુત્થાનમાં’ પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ. પણ એ ખરેખર શું છે અને એ ક્યારે થાય છે?

બાઇબલ વાંચન

(ફિલિપીઓ ૪:૧૦-૨૩)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો