યહોવાના ગુણોની ઊંડી કદર કરીએ
“પ્રિય બાળકો તરીકે ઈશ્વરનું અનુકરણ કરનારાં થાઓ.”—એફે. ૫:૧.
૧. (ક) યહોવા વિશે વિચાર કરો ત્યારે તેમના કયા ગુણો મનમાં આવે છે? (ખ) અભ્યાસમાં યહોવાના ગુણો પર વિચાર કરવાથી શું ફાયદો થશે?
યહોવા વિશે તમે વિચાર કરો ત્યારે, તેમના કયા ગુણો મનમાં આવે છે? આપણામાંના ઘણાને કદાચ આવા ગુણો મનમાં આવે: પ્રેમ, ન્યાય, ડહાપણ અને શક્તિ. હકીકતમાં તો, યહોવા અનેક અજોડ ગુણો ધરાવે છે. વર્ષો દરમિયાન આપણાં સાહિત્યમાં યહોવાના ૪૦થી વધારે ગુણો વિશે ચર્ચા થઈ છે. વ્યક્તિગત કે કુટુંબ તરીકેના અભ્યાસમાં એ ગુણો પર વિચાર કરવાથી યહોવા વિશે ઘણું જાણી શકાય છે. એનાથી શું ફાયદો થશે? ઈશ્વરપિતા યહોવા માટે કદર વધશે. કદર વધશે તેમ, ઈશ્વરની નજીક જવાની ઇચ્છા થશે અને તેમને અનુસરવાનું મન થશે.—યહો. ૨૩:૮; ગીત. ૭૩:૨૮.
૨. (ક) દાખલો આપી સમજાવો કે યહોવાના ગુણો માટે આપણી કદર વધારવા શું કરી શકાય? (ખ) આ અને આવતા બે લેખોમાં શાની ચર્ચા કરીશું?
૨ કોઈ બાબતની કદર વધારવા શું કરી શકાય? એ સમજવા, ધારો કે તમે નવી વાનગી ચાખવાના છો. પહેલા તો, એની સુગંધ તમારું ધ્યાન ખેંચે છે. પછી, તમે એને ચાખો છો. ચાખતાની સાથે જ એ તમને સ્વાદિષ્ટ લાગે છે. તેથી, બીજી વખત કદાચ તમે પોતે એને બનાવવા માગશો. એવી જ રીતે, યહોવાના ગુણો માટે કદર વધારવા, પહેલા તેમના ગુણો વિશે શીખીએ. એના પર મનન કરીએ. પછી, એ ગુણોને પોતાના જીવનમાં કેળવવાનું મન થશે. (એફે. ૫:૧) આ અને આવતા બે લેખો, યહોવાના એવા ગુણોની ચર્ચા કરશે, જે વિશે અમુક વાર આપણે બહુ વિચારતા નથી. આ લેખો આપણને એ ગુણો માટે કદર વધારવા મદદ કરશે. તેમ જ, સમજાવશે કે: એ ગુણોનો અર્થ શું થાય? યહોવા એ ગુણો કઈ રીતે બતાવે છે? અને આપણે કઈ રીતે એ ગુણો બતાવી શકીએ?
યહોવાની પાસે અચકાયા વગર જઈ શકાય
૩, ૪. (ક) વ્યક્તિ પાસે અચકાયા વગર જવું કે નહિ એ કઈ રીતે પારખી શકાય? (ખ) યહોવા એ ગુણ ધરાવે છે, એની ખાતરી તે કઈ રીતે આપે છે?
૩ યહોવા પાસે અચકાયા વગર જઈ શકાય છે. ચાલો, સૌથી પહેલા એ ગુણની ચર્ચા કરીએ. જે વ્યક્તિનો સ્વભાવ એવો હોય કે તેની પાસે અચકાયા વગર જઈ શકાય, તે નમ્ર, મળતાવડી અને વાત કે મદદ કરવા તૈયાર હોય છે. કોઈ પણ વ્યક્તિની વાતચીત અને હાવભાવથી બીજાઓ પારખશે કે, તેની પાસે અચકાયા વગર જવું કે નહિ.
૪ યહોવાની પાસે પણ અચકાયા વગર જઈ શકાય છે. તે વિશ્વના માલિક છે અને સૌથી શક્તિશાળી છે. છતાં, આપણે તેમની પાસે પ્રાર્થનામાં સહેલાઈથી જઈ શકીએ છીએ. તે આપણી પ્રાર્થના સાંભળવા અને જરૂરી મદદ આપવા આતુર છે. (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૮; યશાયા ૩૦:૧૮, ૧૯ વાંચો.) યહોવાને આપણે કોઈ પણ સમયે અને કોઈ પણ જગ્યાએ પ્રાર્થના કરી શકીએ છીએ. ભલે ગમે એટલી વાર, ગમે એટલી લાંબી પ્રાર્થના કરીએ, તે કંટાળતા નથી. (ગીત. ૬૫:૨; યાકૂ. ૧:૫) બાઇબલ જણાવે છે કે, આપણે પ્રાર્થનામાં યહોવા પાસે જઈએ એવું તે ચાહે છે. દાખલા તરીકે, દાઊદે લખ્યું, ‘યહોવાની દૃષ્ટિ’ આપણા પર છે અને તે ‘જમણા હાથથી’ આપણને ઊંચકી રાખે છે. (ગીત. ૩૪:૧૫; ૬૩:૮) યશાયા પ્રબોધકે યહોવાને એક ઘેટાંપાળક સાથે સરખાવ્યા. તેમણે લખ્યું: ‘ઘેટાંપાળક બચ્ચાંને પોતાના હાથથી એકઠાં કરીને તેમને પોતાની ગોદમાં ઊંચકી લેશે.’ (યશા. ૪૦:૧૧) એક ઘેટાંપાળક ઘેટાંના બચ્ચાને પોતાની નજીક રાખવા ગોદમાં ઊંચકે છે. વિશ્વના માલિક યહોવા પણ ચાહે છે કે આપણે તેમની નજીક રહીએ. એ કેટલો મોટો લહાવો! યહોવાના એ ગુણ વિશે વિચાર કરીને તેમના માટે આપણો પ્રેમ ઘણો વધે છે. આપણે કઈ રીતે યહોવાના એ ગુણને અનુસરી શકીએ?
ખૂબ મહત્ત્વનો ગુણ
૫. બીજાઓ અચકાયા વગર આવી શકે એવો ગુણ કેળવવો વડીલો માટે કેમ જરૂરી છે?
૫ હાલમાં અલગ અલગ દેશોના અમુક સાક્ષીઓને પૂછવામાં આવ્યું કે, “વડીલનો કયો ગુણ તમને સૌથી વધારે ગમે છે?” મોટા ભાગે આવો જવાબ મળ્યો: ‘વડીલો સાથે અચકાયા વગર વાત કરી શકાય છે.’ ખરું કે, આપણે બધાએ એ ગુણ કેળવવાની જરૂર છે. પણ, ખાસ કરીને વડીલો માટે એમ કરવું ખૂબ મહત્ત્વનું છે. (યશા. ૩૨:૧, ૨) એક બહેને કહેલા શબ્દોથી પારખી શકાય કે એ ગુણ કેળવવો કેમ મહત્ત્વનું છે. તેમણે જણાવ્યું, ‘વડીલ સાથે અચકાયા વગર વાત કરી શકું તો જ, હું તેમના બીજા ગુણો જાણી શકીશ.’ એ કેટલી સાચી વાત! તો સવાલ થાય કે, તમે કઈ રીતે એ ગુણ કેળવી શકો?
૬. બીજાઓ અચકાયા વગર વાત કરી શકે માટે વડીલોએ શું કરવું જોઈએ?
૬ બીજાઓ અચકાયા વગર વાત કરી શકે માટે તેઓમાં દિલથી રસ બતાવવો જોઈએ. જો વડીલ સંભાળ લેવા અને મદદ કરવા તૈયાર હશે, તો ભાઈ-બહેનો અને બાળકો તેમની સાથે સહેલાઈથી વાત કરી શકશે. (માર્ક ૧૦:૧૩-૧૬) બાર વર્ષનો કારલોસ જણાવે છે, ‘મંડળમાં વડીલોનો હસતો ચહેરો અને તેઓ કાયમ મદદ કરવા તૈયાર હોય છે એ જોવું મને ગમે છે.’ વડીલ પોતે બીજાઓને સાંભળવા અને મદદ કરવા તૈયાર છે, એવું ફક્ત કહેવા ખાતર નહિ, કાર્યથી પણ વડીલે બતાવવું જોઈએ. (૧ યોહા. ૩:૧૮) તેઓ એમ કઈ રીતે કરી શકે?
૭. લૅપલ કાર્ડ લગાવવાથી લોકો સાથે વાતચીત કેમ સહેલાઈથી શરૂ થાય છે અને એ કિસ્સામાંથી શું શીખવા મળે છે?
૭ આનો વિચાર કરો. અમુક સમય પહેલાં, એક ભાઈ સંમેલન પછી ઘરે જવા વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમણે “ઈશ્વરનું રાજ્ય આવો” સંમેલનનું લૅપલ કાર્ડ પહેર્યું હતું. વિમાનના કર્મચારીએ એને જોઈને કહ્યું, ‘હા, એ આવવું જ જોઈએ!’ પછી, તેઓ એ વિશે સારી ચર્ચા કરી શક્યા અને ભાઈ તેમને મૅગેઝિનો આપી શક્યા. આપણામાંના ઘણાને આવો અનુભવ થયો હશે. લૅપલ કાર્ડ લગાવવાથી લોકો સાથે વાતચીત કેમ સહેલાઈથી શરૂ થાય છે? કારણ, લૅપલ કાર્ડ જોઈને તેઓ એ જાણવા ઉત્સુક બને છે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. તેમ જ, તેઓને દેખાઈ આવે છે કે આપણે તેઓ સાથે વાત કરવા ચાહીએ છીએ. એ કિસ્સામાંથી શું શીખવા મળે છે? વડીલના વલણ પરથી પણ દેખાઈ આવવું જોઈએ કે, તે ભાઈ-બહેનો સાથે વાત કરવા હંમેશાં તૈયાર છે. વડીલ કઈ રીતે એમ કરી શકે?
૮. વડીલો કઈ રીતે બતાવી શકે કે તેઓ ભાઈ-બહેનોમાં દિલથી રસ લે છે? એની મંડળ પર કેવી અસર પડે છે?
૮ દરેક દેશનાં રીત-રિવાજ જુદાં હોય શકે. જોકે, આપણે સ્મિત આપીને, હાથ મીલાવીને કે પ્રેમથી એકબીજાને આવકાર આપી શકીએ છીએ. એમ કરીને આપણે બતાવીએ છીએ કે ભાઈ-બહેનોમાં દિલથી રસ લઈ રહ્યા છીએ. પરંતુ, સવાલ થાય કે એમ કરવામાં પહેલ કોણે કરવી? ઈસુના દાખલાનો વિચાર કરીએ. માથ્થીનો અહેવાલ બતાવે છે કે, શિષ્યો ભેગા મળ્યા ત્યારે “ઈસુએ ત્યાં આવીને તેઓ” સાથે વાત શરૂ કરી. (માથ. ૨૮:૧૮) એવી જ રીતે, ભાઈ-બહેનો પાસે જવામાં અને વાત કરવામાં વડીલોએ પહેલ કરવી જોઈએ. એની મંડળ પર કેવી અસર પડે છે? ૮૮ વર્ષનાં પાયોનિયર બહેને કહ્યું, ‘સભામાં વડીલો તરફથી સ્મિતભર્યો આવકાર અને ઉત્તેજનભર્યા શબ્દો સાંભળીને દિલ ખુશ થાય છે.’ બીજાં એક બહેને કહ્યું, ‘સ્મિત સાથે વડીલ આવકાર કરે, એ મારા માટે બહુ મોટી વાત છે.’
ભાઈ-બહેનો સાથે વાત કરવા સમય કાઢો
૯, ૧૦. (ક) યહોવાએ આપણા માટે કેવું ઉદાહરણ બેસાડ્યું છે? (ખ) વડીલો કઈ રીતે યહોવાને અનુસરી શકે?
૯ ભાઈ-બહેનો આપણી સાથે અચકાયા વગર વાત કરી શકે માટે જરૂરી છે કે, તેઓને સમય આપીએ. યહોવાનું ઉદાહરણ અનુસરીએ. બાઇબલ જણાવે છે, યહોવા ‘આપણામાંના કોઈથી દૂર નથી.’ (પ્રે.કૃ. ૧૭:૨૭) વડીલો કઈ રીતે ભાઈ-બહેનો માટે સમય કાઢી શકે? એની એક રીત છે: સભાની પહેલાં અને પછી, નાના-મોટા બધા સાથે વાત કરવા સમય કાઢે. એક પાયોનિયર ભાઈ જણાવે છે, ‘જ્યારે વડીલ મારા હાલ-ચાલ પૂછે અને મારો જવાબ સાંભળવા સમય આપે, ત્યારે મને લાગે છે કે તે મારી કદર કરે છે.’ પચાસ વર્ષથી ભક્તિ કરતા બહેન કહે છે, ‘સભા પછી, જો વડીલો મારી સાથે થોડો સમય પણ વાત કરે, તો મને લાગે છે કે તેઓ મારી કાળજી રાખે છે.’
૧૦ ખરું કે, વડીલોને ઘણી જવાબદારી હોય છે. પરંતુ, સભાઓ વખતે ભાઈ-બહેનો સાથે વાતચીત કરવા સમય કાઢવો, તેઓનો મુખ્ય ધ્યેય હોવો જોઈએ.
યહોવા પક્ષપાત કરતા નથી
૧૧, ૧૨. (ક) પક્ષપાત ન કરવાનો શું અર્થ થાય? (ખ) પક્ષપાત ન કરવામાં યહોવાએ કઈ રીતે સૌથી સારું ઉદાહરણ બેસાડ્યું છે?
૧૧ યહોવાનો બીજો એક ગુણ છે કે તે પક્ષપાત કરતા નથી. (પ્રે.કૃ. ૧૦:૩૪) પક્ષપાત ન કરવાનો શું અર્થ થાય? એ જ કે, બધા સાથે સમાન રીતે વર્તવું. એમ કરવા, સૌથી પહેલા માનવું પડે કે બધા સાથે સારો વ્યવહાર રાખવો જરૂરી છે. જે વ્યક્તિ પક્ષપાતી નથી તે પૈસા કે રૂપરંગ જોઈને, એક કરતાં બીજાને વધારે મહત્ત્વ નથી આપતી. તે બધાને સમાન ગણે છે.
૧૨ પક્ષપાત ન કરવામાં યહોવાએ સૌથી સારું ઉદાહરણ બેસાડ્યું છે. બાઇબલ જણાવે છે કે, “ઈશ્વર પક્ષપાતી નથી.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫; પુનર્નિયમ ૧૦:૧૭a વાંચો.) ચાલો, એ સમજવા મુસાના સમયનો એક કિસ્સો જોઈએ.
યહોવા પક્ષપાત વગર વર્ત્યા એની સલોફહાદની દીકરીઓએ કદર કરી (ફકરા ૧૩, ૧૪ જુઓ)
૧૩, ૧૪. (ક) સલોફહાદની દીકરીઓ સામે શું મુશ્કેલી આવી? (ખ) એ બાબત યહોવાએ કઈ રીતે પક્ષપાત વગર હાથ ધરી?
૧૩ ઈસ્રાએલીઓ વચનના દેશમાં પ્રવેશ કરવાના જ હતા એ પહેલાં, પાંચ કુંવારી બહેનો સામે એક મુશ્કેલી આવી. દરેક ઈસ્રાએલી કુટુંબની જેમ તેઓના પિતાને જમીન મળવાની હતી. (ગણ. ૨૬:૫૨-૫૫) જોકે, તેઓના પિતા સલોફહાદ, જે મનાશ્શાના કુળના હતા, તે મરણ પામ્યા. રિવાજ પ્રમાણે, વારસામાં મળતી જમીનના હક્કદાર ફક્ત દીકરાઓ હતા. જ્યારે કે, સલોફહાદને પાંચ દીકરીઓ હતી. (ગણ. ૨૬:૩૩) કુટુંબમાં દીકરો ન હોવાથી, શું વારસાની જમીન બીજા સગાંને આપવામાં આવત? અને દીકરીઓના હિસ્સામાં કંઈ ના આવત?
૧૪ પાંચેય બહેનો મુસા પાસે ગઈ અને પૂછ્યું: ‘દીકરો ન હતો માટે અમારા પિતાનું નામ તેમના કુળમાંથી લોપ કેમ થાય?’ તેઓએ આજીજી કરી કે: ‘અમારા પિતાના ભાઈઓ મધ્યે અમને વારસો આપો.’ જવાબમાં, શું મુસાએ એવું કહ્યું કે, ‘એવો કોઈ નિયમ નથી’? ના. તે એ બાબત ‘યહોવાની સંમુખ લાવ્યા.’ (ગણ. ૨૭:૨-૫) યહોવાએ શું કર્યું? તેમણે મુસાને જણાવ્યું: ‘સલોફહાદની દીકરીઓ વાજબી બોલે છે. તું નિશ્ચે તેઓના પિતાના ભાઈઓ મધ્યે તેઓને વારસો અપાવ.’ એટલું જ નહિ, યહોવાએ આ નવી ગોઠવણને નિયમમાં ઉમેરવાની આજ્ઞા કરી. તેમણે મુસાને કહ્યું, “જો કોઈ માણસ મરી જાય ને તેને દીકરો ન હોય, તો તમે દીકરીને તેનો વારસો અપાવો.” (ગણ. ૨૭:૬-૮; યહો. ૧૭:૧-૬) ત્યાર બાદ, દરેક ઈસ્રાએલી સ્ત્રીને એવા સંજોગોમાં વારસો મળતો.
૧૫. (ક) યહોવા લાચાર ભક્તોની સાથે પણ કઈ રીતે વર્તે છે? (ખ) બાઇબલના બીજા કયા અહેવાલ બતાવે છે કે, યહોવા પક્ષપાત કરતા નથી?
૧૫ જોઈ શકાય છે કે, યહોવાએ પક્ષપાત વગર નિર્ણય લીધો. યહોવા બીજા ઈસ્રાએલીઓની સાથે વર્તતા તેમ, પાંચેય લાચાર બહેનો સાથે માનથી અને વાજબી રીતે વર્ત્યા. (ગીત. ૬૮:૫) બાઇબલના એવા ઘણા અહેવાલ બતાવે છે કે યહોવા પોતાના ભક્તો સાથે પક્ષપાત કરતા નથી.—૧ શમૂ. ૧૬:૧-૧૩; પ્રે.કૃ. ૧૦:૩૦-૩૫, ૪૪-૪૮.
આપણે યહોવાને અનુસરી શકીએ છીએ
૧૬. પક્ષપાત ન કરવામાં આપણે યહોવાને કઈ રીતે અનુસરી શકીએ?
૧૬ પક્ષપાત ન કરવામાં આપણે યહોવાને કઈ રીતે અનુસરી શકીએ? યાદ રાખીએ કે, આપણો સ્વભાવ પક્ષપાત વગરનો હશે તો જ બધા સાથે સમાન રીતે વર્તી શકીશું. આપણને કદાચ લાગે કે, “હું પક્ષપાત નથી કરતો.” જોકે, પોતાની ખરી લાગણીઓ પારખવી અમુક વાર અઘરી હોય છે. તો સવાલ થાય કે, ખરું વલણ કઈ રીતે પારખવું? ઈસુનો વિચાર કરો. તે જાણવા માગતા હતા કે, લોકો તેમના વિશે શું વિચારે છે. તેથી, તેમણે શિષ્યોને પૂછ્યું કે, “માણસનો દીકરો કોણ છે, એ વિશે લોકો શું કહે છે?” (માથ. ૧૬:૧૩, ૧૪) તમે પણ મિત્રને પૂછી શકો, ‘શું તમને લાગે છે કે હું પક્ષપાત કરું છું? લોકો એ વિશે શું કહે છે?’ કદાચ તે જણાવે કે, ‘તમે ઊંચી પદવીના અથવા અમુક જાતિના લોકોને બીજા કરતાં વધારે મહત્ત્વ આપો છો.’ તો હવે, તમારે શું કરવું જોઈએ? વલણમાં ફેરફાર લાવવા પ્રાર્થનામાં યહોવાને આજીજી કરો. આમ, યહોવાની જેમ તમે પણ લોકો સાથે પક્ષપાત વગર વર્તી શકશો.—માથ. ૭:૭; કોલો. ૩:૧૦, ૧૧.
૧૭. કઈ રીતે આપણે ભેદભાવ રાખ્યા વગર વર્તી શકીએ?
૧૭ મંડળમાં બધાં જ ભાઈ-બહેનો સાથે પ્રેમ અને માનથી વર્તીને આપણે યહોવાને અનુસરીએ છીએ. દાખલા તરીકે, કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર ભાઈ-બહેનોને ઘરે બોલાવીએ. પછી ભલે તેઓ અમીર કે ગરીબ, અનાથ કે વિધવા હોય. (ગલાતી ૨:૧૦; યાકૂબ ૧:૨૭ વાંચો.) વધુમાં, આપણે કોઈ પણ ભેદભાવ વગર રાજ્યનો પ્રચાર કરીએ છીએ. આપણે, દરેક જાતિ, સમાજ અને દેશના લોકોને ખુશખબર જણાવીએ છીએ. આશરે ૬૦૦ ભાષામાં આપણી પાસે બાઇબલ સાહિત્ય છે. એ સાબિત કરે છે કે, આપણે જરાય પક્ષપાત રાખતા નથી.
૧૮. લેખમાં જણાવેલા યહોવાના બે ગુણો તમે કઈ રીતે બતાવશો?
૧૮ યહોવા પાસે અચકાયા વગર જઈ શકાય છે અને તે પક્ષપાત કરતા નથી. એ ગુણો પર મનન કરવાથી તેમના માટે આપણી કદર વધે છે. આમ, યહોવાના એ ગુણોને પૂરી રીતે અનુસરવા આપણે પ્રેરાઈએ છીએ. તેમ જ, ભાઈ-બહેનો અને પ્રચારમાં લોકોની સાથે એ ગુણો પ્રમાણે વર્તવા મદદ મળે છે.
‘જેઓ તેમને વિનંતી કરે છે, તે સર્વની પાસે યહોવા છે.’—ગીત. ૧૪૫:૧૮ (ફકરો ૯ જુઓ)
‘ઈશ્વર યહોવા પક્ષપાત કરતા નથી.’—પુન. ૧૦:૧૭, IBSI (ફકરો ૧૭ જુઓ)
[ફુટનોટ]
a (પુનર્નિયમ ૧૦:૧૭, [IBSI]) “તમારા પ્રભુ ઈશ્વર, દેવોના ઈશ્વર અને પ્રભુઓના પ્રભુ છે. તે મહાન, પરાક્રમી અને ભયાવહ ઈશ્વર છે. તે પક્ષપાત કરતા નથી અને લાંચ લેતા નથી.”