વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w03 ૬/૧૫ પાન ૧૨-૧૭
  • યહોવાહની જેમ કોઈ ભેદભાવ ન રાખો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાહની જેમ કોઈ ભેદભાવ ન રાખો
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • મથાળાં
  • સરખી માહિતી
  • યહોવાહનાં પરાક્રમોની અસર
  • ઈબ્રાહીમ અને ઈસ્રાએલીઓને યહોવાહની કૃપા
  • વડ તેવા ટેટા, બાપ તેવા બેટા
  • જીવન પર સારી અસર
  • ભેદભાવ પર જીત
  • ‘તમારા દિલ ખુલ્લા કરો’
  • યહોશુઆ અને ગિબયોની લોકો
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • યહોશુઆના મુખ્ય વિચારો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • યહોશુઆને શું યાદ હતું?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • ઇઝરાયલ પ્રજા કનાન દેશમાં જાય છે
    બાઇબલનો સંદેશો શું છે?
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
w03 ૬/૧૫ પાન ૧૨-૧૭

યહોવાહની જેમ કોઈ ભેદભાવ ન રાખો

“દેવની પાસે પક્ષપાત નથી.”—રૂમીઓને ૨:૧૧.

એ ઈસવી સન પૂર્વે ૧૪૭૩નો સમય હતો. ઈસ્રાએલીઓએ મોઆબના મેદાનમાં તંબૂ નાખ્યા હતા. ઈશ્વર-ભક્ત મુસા તેઓને બહુ જ મહત્ત્વની વાતો કહી રહ્યા હતા. યરદન નદીને પેલે પાર મોટી મુસીબતો રાહ જોઈને ઊભી હતી. હવે ઈસ્રાએલીઓ શું કરશે? મુસા તેઓને જણાવે છે કે યહોવાહ પરમેશ્વર શું કરવા ચાહે છે. યહોવાહ ઈસ્રાએલી લોકોની સાથે રહેશે, જેથી યરદન નદીને પેલે પારના સાત બળવાન કનાની રાજાઓને તેઓ હરાવે. મુસાના આ શબ્દોથી લોકોને કેટલી રાહત થઈ હશે: ‘યહોવાહ તારો દેવ તેઓને તારે સ્વાધીન કરી દે ત્યારે, તું તેમનો પરાજય કર.’ ઈસ્રાએલીઓએ કનાનીઓ પર જરાય દયા બતાવવાની ન હતી, કે તેઓની સાથે કંઈ કરાર કરવાનો ન હતો.—પુનર્નિયમ ૧:૧; ૭:૧, ૨.

૨ ત્યાર પછી ઈસ્રાએલીઓએ યરદન નદી પાર કરી. પરંતુ, તેઓએ હરાવેલા પહેલા શહેરમાંથી યહોવાહે એક કુટુંબ બચાવ્યું. વળી, બીજાં ચાર શહેરોને યહોવાહે રક્ષણ આપ્યું. શા માટે યહોવાહે એમ કર્યું? એ બનાવો આપણને યહોવાહ વિષે શું શીખવે છે? આપણે કેવી રીતે યહોવાહ જેવા બની શકીએ?

યહોવાહનાં પરાક્રમોની અસર

૩ ઈસ્રાએલીઓ વચનના દેશમાં ગયા એ પહેલાં, તેઓએ ૪૦ વર્ષ અરણ્યમાં કાઢ્યા. પરંતુ, યહોવાહ હરેક પળે તેઓની સાથે હતા. તેમણે જાણે તેઓની ફરતે રક્ષણની દીવાલ ઊભી કરી હતી. જેમ કે વચનના દેશની દક્ષિણે, કનાની રાજા અરાદ લડવા ઊભો થયો. યહોવાહે ઈસ્રાએલીઓને મદદ કરી અને તેઓએ તેને હોર્માહ પાસે હરાવ્યો. (ગણના ૨૧:૧-૩) પછી, ઈસ્રાએલીઓએ અદોમ દેશની પાસે થઈને મૃત સરોવર કે ખારા સમુદ્રની ઉત્તર-પૂર્વે મુસાફરી કરી. આ દેશ અગાઉ મોઆબી લોકોનો હતો, પણ હવે એમાં અમોરીઓ વસતા હતા. અમોરી રાજા સીહોને પોતાની હદમાં થઈને ઈસ્રાએલી લોકોને જવા દીધા નહિ. તેથી, યાહાસ શહેરમાં લડાઈ થઈ, જે આર્નોનની ઉત્તરે આવેલું હતું. ત્યાં સીહોન માર્યો ગયો. (ગણના ૨૧:૨૩, ૨૪; પુનર્નિયમ ૨:૩૦-૩૩) હજુ આગળ ઉત્તરે, બાશાનમાં અમોરીઓ પર રાજા ઓગ રાજ કરતો હતો. ઓગ રાક્ષસ જેવો હતો, છતાં યહોવાહની સામે તે કીડી-મંકોડી જેવો હતો. એડ્રેઈ નામની જગ્યાએ તે માર્યો ગયો. (ગણના ૨૧:૩૩-૩૫; પુનર્નિયમ ૩:૧-૩, ૧૧) વળી, ઈસ્રાએલી લોકોને ઇજિપ્તના પંજામાંથી હજુ તો થોડા સમય પહેલાં જ, યહોવાહે છોડાવ્યા હતા. આ બધા પરાક્રમોની વાત ચારે બાજુ ફેલાઈ ગઈ, જેના લીધે કનાનીઓ ફફડી ઊઠ્યા હતા.a

૪ ઈસ્રાએલ લોકોએ યરદન નદી પાર કરીને, કનાનની ધરતી પર પગ મૂક્યો. તેઓએ ગિલ્ગાલમાં તંબુ બાંધ્યા. (યહોશુઆ ૪:૯-૧૯) તેઓની સામે યરેખોનું જબરજસ્ત કોટવાળું શહેર દેખાતું હતું. શું તમને યાદ છે કે યરેખોમાં કનાની રાહાબ રહેતી હતી? તેણે યહોવાહ વિષે જે સાંભળ્યું, એમાં પૂરા દિલથી ભરોસો મૂક્યો. એટલું જ નહિ, પણ રાહાબે યહોવાહના સેવકોને મદદ કરી. તેથી યહોવાહે યરેખોનો નાશ કર્યો ત્યારે, રાહાબ અને તેના ઘરમાં જેઓ હતા એ સર્વને બચાવી લીધા.—યહોશુઆ ૨:૧-૧૩; ૬:૧૭, ૧૮; યાકૂબ ૨:૨૫.

૫ પછી ઈસ્રાએલીઓ યરદન નદી પાસેથી, દેશના પહાડી વિસ્તારમાં ગયા. યહોવાહના કહેવા પ્રમાણે જ, યહોશુઆએ આય શહેર સામે જાળ બિછાવી. આય શહેરની પણ સખત હાર થઈ. (યહોશુઆ અધ્યાય ૮) એ સમાચાર બધી બાજુ વીજળી વેગે ફેલાઈ ગયા. ઘણા કનાની રાજાઓ લડવા માટે ભેગા મળ્યા. (યહોશુઆ ૯:૧, ૨) જો કે ગિબઓનના હિવ્વી શહેરમાં, લોકોએ પોતાનો બચાવ કરવા ચાલાકી વાપરી. (યહોશુઆ ૯:૪) રાહાબની જેમ જ, તેઓએ સાંભળ્યું હતું કે કઈ રીતે યહોવાહે ઈસ્રાએલી લોકોને બચાવ્યા. વળી, સીહોન તથા ઓગને કઈ રીતે સખત હાર આપી. (યહોશુઆ ૯:૬-૧૦) ગિબઓનીઓ જાણતા હતા કે ઈસ્રાએલીઓ સામે લડવા જવું, એટલે પોતાના પગ પર કુહાડો મારવા બરાબર છે. તેથી, તેઓએ ગિબઓન અને બાજુનાં ત્રણ શહેરોને માટે અમુક માણસોને ગિલ્ગાલમાં યહોશુઆ પાસે મોકલ્યા. એ ત્રણ શહેરોના નામ કફીરાહ, બએરોથ અને કિર્યાથ-યઆરીમ હતા. ગિબઓની લોકોએ માણસોને એ રીતે તૈયાર કરીને મોકલ્યા, કે જાણે તેઓ દૂર દેશના હોય. જેથી, યહોશુઆને ખબર પડી ન જાય કે તેઓ બાજુના શહેરમાંથી જ આવે છે. તેઓની આ ચાલાકી કામ કરી ગઈ. યહોશુઆએ ગિબઓની લોકોને સલામત રાખવાના કોલ-કરાર કર્યા. ત્રણ દિવસ પછી, ઈસ્રાએલીઓને ખબર પડી કે પોતાને છેતરવામાં આવ્યા છે. પરંતુ, તેઓએ ગિબઓની લોકોને યહોવાહને નામે વચન આપ્યું હતું, એટલે એ પાળ્યું. (યહોશુઆ ૯:૧૬-૧૯) શું યહોવાહે એ નિર્ણય સ્વીકાર્યો?

૬ પછી, ગિબઓની લોકોને ‘યહોવાહની વેદીને સારું’ લાકડાં કાપવાનું અને પાણી ભરવાનું કામ સોંપાયું. (યહોશુઆ ૯:૨૧-૨૭) હજુ આગળ જુઓ કે યહોવાહે શું કર્યું. પાંચ અમોરી રાજાઓ મોટાં મોટાં લશ્કરો લઈને ગિબઓનની સામે થયા. એ સમયે, યહોવાહે ચમત્કાર કરીને તેઓનું રક્ષણ કર્યું. યહોશુઆના માણસોએ જેટલા માર્યા, એના કરતાં વધારે દુશ્મનો બરફના કરાથી માર્યા ગયા. વળી, યહોવાહે દુશ્મનોને ધૂળ ચાટતા કરવા માટે, યહોશુઆની અરજ સાંભળી. તેમણે સૂર્ય અને ચંદ્રને પોત-પોતાની જગ્યાએ સ્થિર રાખ્યા. “તે દિવસના જેવો એક પણ દિવસ તેની આગળ કે તેની પાછળ થયો નથી, કે જ્યારે યહોવાહે માણસની વાણી સાંભળી હોય; કેમકે ઈસ્રાએલને સારૂ યહોવાહ લડ્યો.”—યહોશુઆ ૧૦:૧-૧૪.

૭ કનાની રાહાબ અને તેનું કુટુંબ તથા ગિબઓનના લોકોએ યહોવાહનો ડર રાખ્યો. તેઓએ મીઠી મીઠી વાતો જ નહિ, પણ એ પ્રમાણે કરી બતાવ્યું. પ્રેષિત પીતરે પછીથી જે કહ્યું, એ આ અનુભવોમાં સો ટકા સાચું સાબિત થાય છે: “દેવ પક્ષપાતી નથી; પણ દરેક દેશમાં જે કોઈ તેની બીક રાખે છે, ને ન્યાયીપણું કરે છે, તે તેને માન્ય છે.”—પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫.

ઈબ્રાહીમ અને ઈસ્રાએલીઓને યહોવાહની કૃપા

૮ યાકૂબ આપણું ધ્યાન દોરે છે કે કઈ રીતે યહોવાહે ઈબ્રાહીમ અને તેમના કુટુંબને અપાર કૃપા બતાવી હતી. પરંતુ, એનો અર્થ એ ન હતો કે ઈબ્રાહીમ કોઈ ઊંચી નાતના હતા. ના, પણ એ તો ઈબ્રાહીમની અટલ શ્રદ્ધા હતી, જે માટે તેમને યહોવાહ ‘દેવના મિત્ર’ કહેવામાં આવ્યા. (યાકૂબ ૨:૨૩) ઈબ્રાહીમ યહોવાહને દિલોજાનથી ચાહતા હતા. તેથી તેમના કુટુંબને પણ આશીર્વાદ મળ્યો. (૨ કાળવૃત્તાંત ૨૦:૭) યહોવાહે ઈબ્રાહીમને વચન આપ્યું: ‘તે માટે ખચીત હું તને આશીર્વાદ પર આશીર્વાદ દઇશ, ને આકાશના તારા જેટલાં તથા સમુદ્રના કાંઠાની રેતી જેટલાં તારાં સંતાન વધારીશ જ વધારીશ. . . . તારા વંશમાં પૃથ્વીના સર્વ લોક આશીર્વાદ પામશે.’—ઉત્પત્તિ ૨૨:૧૭, ૧૮; રૂમીઓને પત્ર ૪:૧-૮.

૯ યહોવાહ જરાય ભેદભાવ રાખતા નથી. ઈસ્રાએલી લોકોના અનુભવો બતાવે છે કે, યહોવાહ પોતાના સેવકો પર અપાર પ્રેમ વરસાવે છે. ઈસ્રાએલી લોકો તો યહોવાહનું “ખાસ ધન” હતા. (નિર્ગમન ૧૯:૫; પુનર્નિયમ ૭:૬-૮) યહોવાહે તેઓને ઇજિપ્તની ગુલામી, એટલે કે મોતના પંજામાંથી છોડાવ્યા હતા. યહોવાહે તેઓને કહ્યું: “પૃથ્વીની સર્વ કોમોમાંથી ફક્ત તમારી જ કાળજી મેં રાખી છે.” પરંતુ, શું એનો અર્થ એવો હતો કે યહોવાહ બીજા લોકોને ચાહતા ન હતા? એવું કદી પણ ન બને, કેમ કે તેમણે “બધી પ્રજાઓ” માટે સુંદર ભાવિનાં વચનો આપ્યાં છે.—આમોસ ૩:૨; ૯:૧૧, ૧૨; યશાયાહ ૨:૨-૪.

વડ તેવા ટેટા, બાપ તેવા બેટા

૧૦ યહોવાહની જેમ જ ઈસુએ પણ કોઈની પ્રત્યે ભેદભાવ રાખ્યો નહિ. (હેબ્રી ૧:૩) ઈસુ પૃથ્વી પર આવ્યા ત્યારે, તેમની મુખ્ય જવાબદારી “ઈસ્રાએલના ઘરનાં ખોવાએલાં ઘેટાં” શોધવાની હતી. તોપણ, તેમણે સમરૂની સ્ત્રીથી સત્યનો સંદેશો પાછો ન રાખ્યો. (માત્થી ૧૫:૨૪; યોહાન ૪:૭-૩૦) વળી, એક રોમન અધિકારીની વિનંતી સાંભળીને, ઈસુએ ચમત્કાર પણ કર્યો. (લુક ૭:૧-૧૦) આ બતાવે છે કે તેમણે ફક્ત યહોવાહના ખાસ લોકો માટે જ નહિ, પણ બધા પર પ્રેમ રાખ્યો. ઈસુના શિષ્યોએ દૂર દૂર સુધી પ્રચાર કર્યો. ખરેખર, યહોવાહનો આશીર્વાદ મેળવવા કોઈ ખાસ જાત કે નાતના હોવું જરૂરી નથી. પરંતુ, આપણે નેક, નમ્ર, સાચા દિલના, અને યહોવાહના જ્ઞાનના ભૂખ્યા હોવું જોઈએ. ઘમંડી અને પોતાનો જ કક્કો ખરો કરાવતા લોકોને, ઈસુનો સંદેશો કાંટાની જેમ ખૂંચતો હતો. ઈસુએ કહ્યું: “ઓ બાપ, આકાશ તથા પૃથ્વીના ધણી, હું તારી સ્તુતિ કરૂં છું, કે જ્ઞાનીઓથી તથા બુદ્ધિમાનોથી તેં એ વાત ગુપ્ત રાખીને બાળકોને પ્રગટ કરી છે; હા, બાપ, કેમકે એ તને સારૂં લાગ્યું.” (લુક ૧૦:૨૧) તેથી, ચાલો આપણે પણ કોઈ ભેદભાવ રાખીએ નહિ. એના બદલે, બધા પર પ્રેમ અને પૂરો ભરોસો રાખીએ. આપણે જાણીએ છીએ કે એનાથી યહોવાહ આપણા પર રાજી થશે.

૧૧ ખ્રિસ્તી મંડળ શરૂ થયું ત્યારે, યહુદી હોય કે બિન-યહુદી બધા એક-સરખા હતા. “ઈશ્વરને આધીન રહેનાર દરેક જણને તેમના તરફથી મહિમા, માન તથા શાંતિ મળશે, પછી તે યહૂદી હોય કે બિનયહૂદી હોય. કેમ કે ઈશ્વરને ત્યાં પક્ષપાત નથી.” (રોમન ૨:૧૦, ૧૧, IBSI) યહોવાહની અપાર કૃપા પામવા શું જરૂરી હતું? એ માટે વ્યક્તિએ કોઈ ખાસ નાત-જાત કે દેશના હોવું જરૂરી ન હતું. પણ યહોવાહ પર તેને કેટલો પ્રેમ છે, એ જોવાનું હતું. યહોવાહે પોતાના દીકરા ઈસુનું બલિદાન આપીને મોટી કિંમત ચૂકવી. એના માટે તેને કેટલી કદર છે? (યોહાન ૩:૧૬, ૩૬) પાઊલે લખ્યું કે “જે દેખીતો યહુદી તે યહુદી નથી, અને જે દેખીતી એટલે દેહની સુનત તે સુનત નથી. પણ જે આંતરિક [દિલથી] યહુદી તેજ યહુદી; અને જે સુનત, એટલે કેવળ લેખના અક્ષરો પ્રમાણેની નહિ, પણ આત્મિક છે તેજ સુનત છે.” યહુદી શબ્દનો અર્થ થાય છે, વખાણ કરવા અથવા પ્રશંસા કરવી. એના પર ભાર મૂકતા પાઊલ કહે છે: “તેની પ્રશંસા માણસ તરફથી નહિ પણ દેવ તરફથી છે.” (રૂમીઓને પત્ર ૨:૨૮, ૨૯) યહોવાહ ઊંચ-નીચના કોઈ ભેદભાવ રાખ્યા વિના લોકોના વખાણ કરે છે. શું આપણે પણ એમ જ કરીએ છીએ?

૧૨ પ્રેષિત યોહાનને ભાવિ વિષેનું એક દર્શન થયું, જેમાં તેમણે સ્વર્ગમાં જનારા અભિષિક્ત ખ્રિસ્તીઓને જોયા. તેઓની સંખ્યા ૧,૪૪,૦૦૦ની હતી અને તેઓ “ઈસ્રાએલપુત્રોનાં સર્વ કુળોમાંના” હતા. પરંતુ, પછી યોહાને શું જોયું? તે જવાબ આપે છે: “સર્વ દેશોમાંથી આવેલા, સર્વ કુળના, લોકના તથા ભાષાના, કોઈથી ગણી શકાય નહિ એટલા માણસોની એક મોટી સભા! તેઓ રાજ્યાસનની આગળ તથા હલવાનની આગળ ઊભેલા હતા; તેઓએ શ્વેત ઝભ્ભા પહેરેલા હતા, અને તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી.” (પ્રકટીકરણ ૭:૪, ૯) ખરેખર, આજે પણ ખ્રિસ્તી મંડળમાં બધી જ ભાષાના, નાત-જાતના લોકો છે. દરેક વ્યક્તિને માટે “મોટી વિપત્તિમાંથી” બચવાની આશા છે. જેથી, આપણે સર્વ યહોવાહની નવી દુનિયામાં ‘જીવનના પાણીના ઝરામાંથી’ ધરાઈને પીએ.—પ્રકટીકરણ ૭:૧૪-૧૭.

જીવન પર સારી અસર

૧૩ એક પ્રેમાળ પિતા પોતાનાં બાળકોને સારી રીતે જાણે છે. એ જ રીતે, યહોવાહ આપણને જાણે છે. ચાલો આપણે પણ બીજા લોકોને સમજવાનો પ્રયત્ન કરીએ અને તેઓની રીત-ભાતમાં રસ બતાવીએ. આમ, જો આપણી વચ્ચે કોઈ ભેદભાવ હોય, તોપણ ધીમે ધીમે દૂર થઈ જશે. નાત-જાતની દીવાલ તૂટી જશે, અને પ્રેમથી પાક્કી દોસ્તી બંધાશે. (૧ કોરીંથી ૯:૧૯-૨૩) આનો સરસ દાખલો આપણને મિશનરિઓ પાસેથી મળે છે, જેઓ પરદેશમાં પ્રચાર કરવા જાય છે. મિશનરિઓ જે દેશમાં જાય, ત્યાંના લોકોની રીત-ભાત, ભાષા વગેરે શીખી લે છે. એટલે જ તેઓ જલદી મંડળમાં હળી-મળી જાય છે.—ફિલિપી ૨:૪.

૧૪ આપણે કોઈ ભેદભાવ ન રાખીએ, એની સારી અસર તરત જ દેખાઈ આવે છે. અક્લીલુ ઇથિયોપિયાથી લંડનમાં આવે છે. પરંતુ, તે બિચારા એકલા પડી જાય છે. અક્લીલુને લાગ્યું કે અહીંના લોકો બીજા દેશના લોકો સાથે મિત્રતા બાંધતા નથી. કોઈક વાર મોર્ડન યુરોપના મોટાં મોટાં શહેરોમાં એમ બની શકે છે. જો કે અક્લીલુ યહોવાહના સાક્ષીઓના કિંગ્ડમ હૉલમાં આવ્યા, ત્યારે તેમને સાવ જુદો જ અનુભવ થયો! હૉલમાં હતા એ બધા આવીને અક્લીલુને મળ્યા. તેમને એવું લાગ્યું કે જાણે તેઓ બધા પોતાના દોસ્તો જ ન હોય! તે જલદી જ યહોવાહ વિષે વધારેને વધારે શીખવા માંડ્યા. અક્લીલુ બીજા લોકો સાથે પણ પોતે જે શીખ્યા, એની વાતો કરવા માંડ્યા. એક દિવસ અક્લીલુ અને બીજા એક ભાઈ પ્રચારમાં ગયા. પેલા ભાઈએ અક્લીલુને પૂછ્યું કે ‘જીવનમાં હવે તમે શું કરવા ચાહો છો?’ અક્લીલુએ તરત જ જવાબ આપ્યો કે, કોઈ દિવસ પોતાની ભાષા, આમ્હેરિકમાં મંડળ શરૂ થાય એવી તેમની આશા છે. જ્યારે અંગ્રેજી મંડળના ભાઈઓએ આ સાંભળ્યું, ત્યારે તેઓએ ખુશીથી અક્લીલુની ભાષામાં પ્રવચનની ગોઠવણ કરી. બધી બાજુ આમ્હેરિક ભાષાના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું. બ્રિટનની સૌથી પહેલી આમ્હેરિક મિટિંગમાં ઘણા જ લોકો આવ્યા. આજે એ આનંદી મંડળમાં આમ્હેરિક ભાષાના લોકો ખુશીથી ભેગા મળે છે. ઘણા લોકોને યહોવાહની ભક્તિમાં જોડાવા કશું જ રોકી શકતું નથી.—પ્રેરિતોનાં કૃત્યો ૮:૨૬-૩૬.

૧૫ ખરું કે રંગ-બે-રંગી ફૂલોની જેમ, આપણો સ્વભાવ જુદો જુદો હોય છે. પરંતુ, ‘આ ઊંચી નાતના, અને પેલા નીચી જાતના,’ એવું યહોવાહના લોકોમાં જરાય નથી. મૉલ્ટા નામના ટાપુનો દાખલો લો. યહોવાહના સાક્ષીઓના સંમેલનમાં નવા ભાઈ-બહેનો બાપ્તિસ્મા પામે ત્યારે, મૉલ્ટાના સાક્ષીઓ તાળીઓના ગડગડાટથી તેઓને વધાવી લે છે. જ્યારે કે ત્યાં ફરવા ગયેલા બ્રિટનના સાક્ષીઓની આંખમાંથી ખુશીના આંસુ સરે છે. બંને દેશોના સાક્ષીઓ જુદી જુદી રીતે પોતાની લાગણી બતાવે છે. પરંતુ, યહોવાહ માટેનો અપાર પ્રેમ તેઓને અતૂટ બંધનમાં બાંધે છે.—ગીતશાસ્ત્ર ૧૩૩:૧; કોલોસી ૩:૧૪.

ભેદભાવ પર જીત

૧૬ આપણે યહોવાહની જેમ બીજામાં સારા ગુણો શોધતા રહીએ. એ માટે આપણે યહોવાહ પરમેશ્વર અને ભાઈ-બહેનો માટેનો પ્રેમ વધારતા જ રહીએ. જો કોઈ રંગના, નાત-જાતના કે કુટુંબના લોકો માટે પહેલાં આપણને ભેદભાવ હોય, તો એના પર જીત મેળવી શકાય છે. દાખલા તરીકે આલ્બર્ટનો વિચાર કરો. તે બીજા વિશ્વ યુદ્ધમાં બ્રિટિશ લશ્કરમાં હતા. જાપાને ૧૯૪૨માં સિંગાપુર પર જીત મેળવી ત્યારે, બ્રિટિશ લશ્કર પણ જાપાનના હાથમાં જઈ પડ્યું. પછીથી, તેઓના હાથ નીચે ક્વાઈ નદી પરના પુલની નજીક, “મોતની રેલવે” બાંધવા આલ્બર્ટે લગભગ ત્રણ વર્ષ કાળી મજૂરી કરી. છેવટે, યુદ્ધનો અંત આવ્યો અને આલ્બર્ટનો છુટકારો થયો. એ સમયે તેમનું વજન ફક્ત ૩૨ કિલો જ હતું! તેમના મોંનું એક હાડકું અને નાક પણ ભાંગી ગયું હતું. વળી, આલ્બર્ટ મરડો, મલેરિયા, અને ખરજવું કે ખૂજલીથી પણ પીડાતા હતા. જો કે આલ્બર્ટ સાથેના હજારો કેદીઓની હાલત એથી પણ ખરાબ હતી. તેઓમાંના ઘણા આ બધું સહી ન શક્યા, અને મરણ પામ્યા. આવો જુલમ જોઈ અને સહ્યા પછી, ૧૯૪૫માં આલ્બર્ટ ઘરે પાછા આવ્યા. એ સમયે તેમના દિલમાં બસ ઝેર ફેલાઈ ગયું હતું. આલ્બર્ટ માનવા લાગ્યા કે, ધર્મ કે ભગવાન જેવું કંઈ છે જ નહિ!

૧૭ આલ્બર્ટની પત્ની આઈરીન યહોવાહની એક સાક્ષી બની હતી. તેને રાજી રાખવા, આલ્બર્ટ અમુક મિટિંગોમાં જતા હતા. ત્યાં પૉલ નામનો એક યુવાન ભાઈ હતો, જે મોટા ભાગનો સમય પ્રચાર કરતો હતો. તેણે આલ્બર્ટ સાથે બાઇબલની ચર્ચા શરૂ કરી. આલ્બર્ટને જલદી જ ખબર પડી કે યહોવાહ અને માણસોમાં આભ-જમીનનો ફરક છે. યહોવાહ તો દરેકનું દિલ કેવું છે એ જુએ છે. પછી, આલ્બર્ટ યહોવાહના સેવક બન્યા અને બાપ્તિસ્મા પામ્યા.

૧૮ હવે પૉલ લંડન શહેરમાં રહેવા આવે છે અને જાપાનીઝ ભાષા શીખે છે. પછી, તે જાપાનીઝ મંડળમાં જોડાય છે. થોડા સમય પછી જાપાનથી અમુક યહોવાહના સાક્ષીઓ લંડન ફરવા આવ્યા. પૉલે પોતાના અગાઉના મંડળના ભાઈઓને વાત કરી કે તે જાપાનીઝ ભાઈ-બહેનોને ત્યાં લઈ આવશે. ભાઈઓએ ફક્ત યાદ અપાવ્યું કે એનાથી આલ્બર્ટને કેવું લાગશે. યુદ્ધ પછી આલ્બર્ટ બ્રિટન પાછા આવ્યા ત્યારથી, તે જાણી-જોઈને જાપાનના કોઈ વ્યક્તિને મળતા નહિ. પરંતુ, જાણે કે ચમત્કાર થયો! આલ્બર્ટે જાપાનીઝ ભાઈ-બહેનોનો ખુલ્લા દિલથી આવકાર કર્યો.—૧ પીતર ૩:૮, ૯.

‘તમારા દિલ ખુલ્લા કરો’

૧૯ “આંખની શરમ રાખવી એ સારૂં નથી.” (નીતિવચનો ૨૮:૨૧) આપણા મિત્રો સાથે હળવું-મળવું સહેલું છે. પરંતુ, જેઓને સારી રીતે ઓળખતા નથી, તેઓને જાણે આપણે ભૂલી જઈએ છીએ. એવો ભેદભાવ યહોવાહના સેવકોને જરાય શોભતો નથી. તેથી, ચાલો આપણે પાઊલની સલાહ માનીએ કે ‘તમારા દિલ ખુલ્લા કરો.’ આમ, આપણે બધા જ વહાલા ભાઈ-બહેનોને ખુલ્લા દિલથી ગળે લગાડીએ.—૨ કોરીંથી ૬:૧૩, પ્રેમસંદેશ.

૨૦ આપણે કોઈ ભેદભાવ ન રાખીને, એકતાના અતૂટ બંધનનો આનંદ માણીશું. (એફેસી ૪:૪, ૫, ૧૬) ભેદભાવ ન રાખવાથી બીજી કઈ રીતે મદદ મળી શકે? પ્રચાર કાર્યમાં, કુટુંબમાં, મંડળમાં, અરે જીવનના દરેક પાસામાં મદદ મળી શકે છે. કઈ રીતે? ચાલો આપણે એ વિષે બીજા લેખમાં જોઈએ.

[ફુટનોટ્‌સ]

a યહોવાહનાં આ બધા પરાક્રમો પરથી ગીતો પણ લખાયાં છે.—ગીતશાસ્ત્ર ૧૩૫:૮-૧૧; ૧૩૬:૧૧-૨૦.

તમે કેવો જવાબ આપશો?

• યહોવાહે કઈ રીતે રાહાબ અને ગિબઓનીઓ માટે કોઈ ભેદભાવ ન રાખ્યો?

• કઈ રીતે ઈસુએ કોઈ ભેદભાવ ન રાખ્યો?

• આપણે કઈ રીતે ભેદભાવ પર જીત મેળવી શકીએ?

[અભ્યાસ પ્રશ્નો]

૧, ૨. (ક) યહોવાહ કનાની દેશનું શું કરવાના હતા? (ખ) પછી યહોવાહે શું કર્યું અને એનાથી કયા પ્રશ્નો ઊભા થાય છે?

૩, ૪. ઈસ્રાએલી લોકોને એક પછી એક જીત મળી, એની કનાનીઓ પર કેવી અસર પડી?

૫. ગિબઓનના લોકોએ કઈ ચાલાકી વાપરી?

૬. યહોશુઆએ ગિબઓનીઓ સાથે કરેલા કરારનો શું યહોવાહે સ્વીકાર કર્યો?

૭. પીતરે જે કહ્યું એ અમુક કનાની લોકોના અનુભવોમાં કઈ રીતે સાચું સાબિત થયું?

૮, ૯. ઈબ્રાહીમ અને ઈસ્રાએલી લોકોના અનુભવો કઈ રીતે બતાવે છે કે યહોવાહ કોઈ ભેદભાવ રાખતા નથી?

૧૦. ઈસુએ કઈ રીતે યહોવાહની જેમ જ કોઈ ભેદભાવ ન રાખ્યો?

૧૧. શું શરૂઆતના ખ્રિસ્તી મંડળમાં કોઈ ભેદભાવ હતા?

૧૨. પ્રકટીકરણ ૭:૯ કઈ આશા આપે છે અને એ કોને માટે છે?

૧૩-૧૫. (ક) કઈ રીતે આપણે કોઈ પણ જાતનો ભેદભાવ દૂર કરી શકીએ? (ખ) લોકોને મિત્રતા બતાવવાથી કેવા અનુભવો થયા છે?

૧૬-૧૮. કઈ રીતે ભેદભાવ પર જીત મેળવી શકાય, એનો અનુભવ જણાવો.

૧૯. આપણે પાઊલની કઈ સલાહ માનવી જોઈએ?

૨૦. ભેદભાવ ન રાખવાથી, જીવનના કયા કયા પાસામાં આપણને મદદ મળી શકે છે?

[પાન ૧૩ પર ચિત્ર]

ઈસ્રાએલ કનાન દેશ જીતવાનું શરૂ કરે છે

[પાન ૧૫ પર ચિત્ર]

ઈસુએ સમરૂની સ્ત્રીને પણ પ્રચાર કર્યો

[પાન ૧૬ પર ચિત્ર]

બ્રિટનમાં આમ્હેરિક ભાષામાં મિટિંગ

[પાન ૧૬ પર ચિત્ર]

આલ્બર્ટને યહોવાહ પર ખૂબ જ પ્રેમ છે, એટલે તેમણે ભેદભાવ પર જીત મેળવી

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો