વાચકો તરફથી પ્રશ્નો
નિષ્ણાતોને એવું શું જોવા મળ્યું છે, જે સાબિત કરે છે કે યરેખો શહેરને બહુ ઓછા સમયમાં જીતી લેવામાં આવ્યું હતું?
યહોશુઆ ૬:૧૦-૧૫, ૨૦ જણાવે છે કે ઈસ્રાએલી સૈનિકોએ ૬ દિવસ સુધી યરેખો શહેર ફરતે દરરોજ એક વાર કૂચ કરી. સાતમા દિવસે તેઓએ શહેર ફરતે સાત વાર કૂચ કરી. ત્યાર બાદ, યહોવાએ યરેખોનો મજબૂત કોટ તોડી પાડ્યો અને ઈસ્રાએલીઓએ યરેખો શહેર પર જીત મેળવી. બાઇબલ પ્રમાણે યરેખો શહેરને બહુ ઓછા સમયમાં જીતી લેવામાં આવ્યું હતું. પરંતુ, પ્રાચીન અવશેષો પર સંશોધન કરનારા નિષ્ણાતોને, શું એ વાતને ટેકો આપતા પુરાવા મળ્યા છે?
પ્રાચીન સમયમાં શહેર પર હુમલો કરતાં પહેલાં, એના કોટને બધી બાજુએથી ઘેરી લેવામાં આવતો. જો સૈનિકો લાંબા સમય સુધી શહેરને ઘેરી રાખે, તો શહેરની અંદર રહેતા લોકોનું મોટા ભાગનું અનાજ વપરાઈ જતું. ઉપરાંત, જ્યારે સૈનિકો શહેર પર ચઢાઈ કરતા, ત્યારે તેઓ પણ વધેલું અનાજ લૂંટી લેતા. પેલેસ્તાઈનમાં ઘણાં શહેરો એવાં હતાં, જેઓને આ રીતે ઘેરીને જીતવામાં આવ્યાં હતાં. તેથી, એ બધાં શહેરોના અવશેષોમાં સાવ ઓછું અથવા નહિવત્ અનાજ મળ્યું હતું. જ્યારે કે યરેખો શહેરના અવશેષોની વાત જુદી છે. બિબ્લિકલ આર્કિઓલોજી રિવ્યુ મૅગેઝિન જણાવે છે: ‘શહેરના અવશેષોમાં માટીનાં વાસણો પછી, બીજું કંઈ સૌથી વધારે મળ્યું હોય તો એ અનાજ હતું. શહેરના વિનાશ પછી આટલું બધું અનાજ મળવું બહુ અજુગતી વાત છે.’
બાઇબલ જણાવે છે કે ઈસ્રાએલીઓએ યરેખો શહેરમાંથી ખાવાની કોઈ પણ વસ્તુઓ લીધી ન હતી. કારણ કે યહોવાએ તેઓને એવી આજ્ઞા આપી હતી. (યહો. ૬:૧૭, ૧૮) ઉપરાંત, બાઇબલ જણાવે છે કે ઈસ્રાએલીઓએ વસંતઋતુમાં કાપણીના સમય પછી તરત યરેખો શહેર પર ચઢાઈ કરી હતી. એટલે યરેખો શહેરમાં એ સમયે ખૂબ અનાજ હતું. (યહો. ૩:૧૫-૧૭; ૫:૧૦) અવશેષોમાં ઘણું અનાજ મળ્યું એ બતાવે છે કે યરેખો શહેરને જીતવામાં વધુ સમય નહિ લાગ્યો હોય. આમ, પુરવાર થાય છે કે બાઇબલમાં જણાવ્યા મુજબ જ યરેખોને જીતવામાં આવ્યું હતું.