વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwbr21 નવેમ્બર પાન ૧-૧૧
  • જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો
  • જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો—૨૦૨૧
  • મથાળાં
  • નવેમ્બર ૧-૭
  • કીમતી રત્નો
  • નવેમ્બર ૮-૧૪
  • નવેમ્બર ૧૫-૨૧
  • નવેમ્બર ૨૨-૨૮
  • નવેમ્બર ૨૯–ડિસેમ્બર ૫
  • ડિસેમ્બર ૬-૧૨
  • ડિસેમ્બર ૧૩-૧૯
  • ડિસેમ્બર ૨૦-૨૬
  • ડિસેમ્બર ૨૭–જાન્યુઆરી ૨
જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો—૨૦૨૧
mwbr21 નવેમ્બર પાન ૧-૧૧

જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો

નવેમ્બર ૧-૭

બાઇબલમાં રહેલો ખજાનો | યહોશુઆ ૧૮-૧૯

“યહોવાએ સમજી-વિચારીને જમીન વહેંચી”

it-૧-E ૩૫૯ ¶૧

વિસ્તારની સરહદ

ઇઝરાયેલીઓના કુળોમાં જમીન વહેંચી આપવા બે કામ કરવામાં આવ્યા. ચિઠ્ઠીઓ નાખવામાં આવી અને કયું કુળ કેટલું મોટું છે એ જોવામાં આવ્યું. ચિઠ્ઠીઓ નાખીને એ નક્કી કરવામાં આવ્યું કે કયા કુળને કઈ જગ્યાએ જમીન મળવી જોઈએ. જેમ કે, ઉત્તરમાં, દક્ષિણમાં, પૂર્વમાં, પશ્ચિમમાં, દરિયા કિનારે આવેલા સપાટ પ્રદેશમાં કે પહાડી પ્રદેશમાં. ચિઠ્ઠીઓ એટલા માટે નાખવામાં આવી, જેથી જે પણ ફેંસલો આવે એ યહોવા તરફથી છે એવું માનવામાં આવે અને કોઈ કુળ વચ્ચે ઈર્ષા કે ઝઘડો ના થાય. (ની ૧૬:૩૩) યાકૂબની ભવિષ્યવાણીને ધ્યાનમાં રાખીને યહોવાએ ઇઝરાયેલીઓને જમીન વહેંચી. યાકૂબે એ ભવિષ્યવાણી પોતાના મરણ પહેલાં કરી હતી, જે ઉત્પત્તિ ૪૯:૧-૩૩માં જણાવી છે.

it-૧-E ૧૨૦૦ ¶૧

વારસો

ઉત્પત્તિ ૪૯:૫, ૭માં જણાવેલી યાકૂબની ભવિષ્યવાણી પ્રમાણે શિમયોન અને લેવી કુળને વારસામાં અલગથી જમીન આપવામાં આવી ન હતી. શિમયોન કુળને યહૂદા કુળના વારસામાંથી હિસ્સો મળ્યો. (યહો ૧૯:૧-૯) લેવી કુળને આખા ઇઝરાયેલ દેશના બધા કુળોના વિસ્તારમાંથી ૪૮ શહેરો આપવામાં આવ્યા.

it-૧-E ૩૫૯ ¶૨

વિસ્તારની સરહદ

સૌથી પહેલાં એ નક્કી કરવામાં આવ્યું કે વારસામાં કયા કુળને ક્યાં જમીન મળવી જોઈએ. ત્યાર પછી એ નક્કી કરવામાં આવ્યું કે દરેક કુળને કેટલો વિસ્તાર મળવો જોઈએ. એ માટે જોવામાં આવ્યું કે કયું કુળ કેટલું મોટું છે. યહોવાએ જણાવ્યું હતું, “તમે ચિઠ્ઠીઓ નાખીને એ દેશ તમારાં કુટુંબો પ્રમાણે વહેંચી લેજો. જો કુળ મોટું હોય, તો એને વધારે વિસ્તાર આપજો અને નાનું હોય તો, એને ઓછો વિસ્તાર આપજો. જેની ચિઠ્ઠી જે જગ્યા માટે નીકળે, તેને ત્યાં વારસો મળશે.” (ગણ ૩૩:૫૪) દરેક કુળને ચિઠ્ઠીમાં જણાવેલી જગ્યાએ જ જમીન આપવાની હતી અને એમાં કોઈ ફેરફાર કરવાનો ન હતો. કુળ નાનું હોય કે મોટું એ પ્રમાણે વારસાનો વિસ્તાર ઘટાડવામાં આવતો કે વધારવામાં આવતો. “યહૂદાનો વિસ્તાર ખૂબ મોટો હોવાથી, તેઓના વિસ્તારમાં જ શિમયોનના વંશજોને વારસો આપવામાં આવ્યો.”—યહો ૧૯:૯.

કીમતી રત્નો

it-૧-E ૩૫૯ ¶૫

વિસ્તારની સરહદ

ઇઝરાયેલના સાત કુળો યર્દનનો પશ્ચિમ વિસ્તાર કબજે કરવામાં કેમ મોડું કરતા હતા? બાઇબલ વિદ્વાનોનું કહેવું છે કે એનાં ઘણાં કારણો હોય શકે. એક, એ હોય શકે કે ઇઝરાયેલીઓએ અત્યાર સુધી જે વિસ્તાર કબજે કર્યો હતો, ત્યાંથી લૂંટનો ઘણો માલ મેળવ્યો હતો. એ ઉપરાંત, તેઓને એવો કોઈ ડર ન હતો કે કનાનીઓ તેઓ પર હુમલો કરશે. એટલે તેઓને લાગ્યું હોય શકે કે બીજા વિસ્તારનો કબજો મેળવવા ઉતાવળ કરવાની જરૂર નથી. બીજું, એ હોય શકે કે બાકીના વિસ્તારમાં રહેતા દુશ્મનોને હરાવવા સહેલું નહિ હોય, કેમ કે તેઓ તાકતવર હતા અને તેઓની સંખ્યા પણ ઘણી મોટી હતી. (યહો ૧૩:૧-૭) એ સિવાય, તેઓએ અત્યાર સુધી જે વિસ્તાર કબજે કર્યો હતો એની સરખામણીમાં આ વિસ્તારો વિશે તેમને વધારે માહિતી ન હતી. એટલે, તેઓ આ વિસ્તારો પર કબજો કરવામાં મોડું કરતા હતા.

નવેમ્બર ૮-૧૪

બાઇબલમાં રહેલો ખજાનો | યહોશુઆ ૨૦-૨૨

“ગેરસમજણમાંથી શીખીએ”

w૧૮.૦૮ ૫-૬ ¶૧૦

શું તમે બધી હકીકત જાણો છો?

૧૦ યહોશુઆના સમયમાં, યરદન નદીની પશ્ચિમમાં રહેતાં ઇઝરાયેલીઓ સાથે જે થયું, એમાંથી આપણે બોધપાઠ લઈ શકીએ છીએ. (યહો. ૨૨:૯-૩૪) તેઓએ સાંભળ્યું કે યરદનની પૂર્વમાં રહેતા ઇઝરાયેલીઓએ નદી પાસે મોટી વેદી બાંધી છે. એ વાત સાચી હતી, પણ તેઓ પાસે પૂરી માહિતી ન હતી. એનાથી, તેઓને લાગ્યું કે પૂર્વમાં રહેતા ઇઝરાયેલીઓએ યહોવા વિરુદ્ધ બળવો કર્યો છે. તેથી, તેઓ યુદ્ધ કરવા ભેગા થયા. (યહોશુઆ ૨૨:૯-૧૨ વાંચો.) જોકે તેઓએ હુમલો કરતા પહેલાં, કેટલાક માણસોને હકીકત જાણવા પેલે પાર મોકલ્યા. એ માણસોને શું જાણવા મળ્યું? પૂર્વમાં રહેતા ઇઝરાયેલીઓએ જૂઠા દેવો માટે વેદી બાંધી ન હતી. પણ તેઓએ તો સ્મારક બાંધ્યું હતું, જેનાથી બધાને ખબર પડે કે તેઓ યહોવાની ભક્તિ કરે છે. ઇઝરાયેલીઓ કેટલા ખુશ થયા હશે કે, તેઓએ પોતાના ભાઈઓ સાથે યુદ્ધ કરવાને બદલે બધી હકીકત જાણવા સમય કાઢ્યો.

w૦૮ ૧૧/૧ ૧૧ ¶૬

મંડળમાં સંપ રાખવા બધું જ કરીએ

લડવા તૈયાર થનારાં કુળો માનતા હતા કે પાપનો પુરાવો નજર સામે જ હતો. તેઓએ ધાર્યું કે ચોરીછૂપીથી હુમલો કરે તો, પોતાના બહુ લોકો માર્યા નહિ જાય. તોપણ ઉતાવળે પગલું ભરવાને બદલે, પહેલાં તો તેઓએ માણસો મોકલીને પૂછાવ્યું: ‘તમે ઈસ્રાએલના ઈશ્વરની વિરૂદ્ધ આ કેવો અપરાધ કર્યો છે કે આજ તમે યહોવાહને અનુસરવાનું છોડી દીધું?’ જે કુળોએ વેદી બાંધી, તેઓએ એ આરોપ સાંભળીને શું કર્યું? શું તેઓ પણ લડવા ઊભા થઈ ગયા? શું તેઓએ વાત કરવાની ના પાડી? જરાય નહિ. તેઓએ તો શાંતિથી સમજાવ્યું કે યહોવાહની ભક્તિ કરવા એ વેદી બાંધી છે. પ્રેમથી વાતચીત કરવાથી ગેરસમજ દૂર થઈ. સંબંધો જાળવી રાખ્યા. યહોવાહ સાથેનો તેઓનો નાતો પાકો રહ્યો.—યહો. ૨૨:૧૩-૩૪.

કીમતી રત્નો

it-૧-E ૪૦૨ ¶૩

કનાન

ઇઝરાયેલીઓની આસપાસ રહેતા કનાનીઓ તેઓથી ડરતા હતા. ઇઝરાયેલીઓને કનાનીઓ તરફથી કોઈ જોખમ ન હતું. કેમ કે જ્યાં સુધી તેઓ યહોવાનું કહેવું માનતા હતા, ત્યાં સુધી યહોવા તેઓનું રક્ષણ કરતા હતા. યહોવાએ ઇઝરાયેલીઓને પહેલેથી જ કહ્યું હતું કે તે કનાનીઓને “ધીમે ધીમે” દેશમાંથી હાંકી કાઢશે. એ સમયે ઇઝરાયેલીઓની સંખ્યા ઓછી હતી, એટલે તેઓને એટલા મોટા વિસ્તારની જરૂર ન હતી. યહોવાએ બીજા એક કારણને લીધે પણ કનાનીઓનો એક સામટો વિનાશ ન કર્યો. જો યહોવા એમ કરત તો દેશ વેરાન થઈ જાત અને એમાં જંગલી જાનવરોની સંખ્યા વધી જાત.—નિર્ગ ૨૩:૨૯, ૩૦; પુન ૭:૨૨.

નવેમ્બર ૧૫-૨૧

બાઇબલમાં રહેલો ખજાનો | યહોશુઆ ૨૩-૨૪

“યહોશુઆનું છેલ્લું પ્રવચન”

it-૧-E ૭૫

હળવું-મળવું

ઇઝરાયેલીઓને કનાન દેશ પર કબજો મેળવવાનો પૂરો અધિકાર હતો, કેમ કે સર્વોચ્ચ ઈશ્વર યહોવાએ તેઓને એમ કરવા કહ્યું હતું. તેઓ કનાનમાં પરદેશીઓ તરીકે રહેવાના ન હતા, એટલે તેઓએ કનાનીઓ સાથે કોઈ કરાર કરવાની જરૂર ન હતી. યહોવાએ ઇઝરાયેલીઓને સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે કનાનીઓ સાથે કોઈ કરાર ન કરે, કેમ કે તેઓ જૂઠા દેવોની ભક્તિ કરતા હતા. (નિર્ગ ૨૩:૩૧-૩૩; ૩૪:૧૧-૧૬) યહોવાએ તેઓને એમ પણ કહ્યું હતું કે કનાનીઓ સાથે કોઈ જાતનો લગ્‍ન વ્યવહાર ન રાખે. કનાનીઓ સાથે હળવા-મળવાથી પણ ઇઝરાયેલીઓ પાપમાં પડી શકતા હતા. પોતાના જીવનસાથી અને બીજા સગાઓને જોઈ જોઈને પણ તેઓ જૂઠા રીતરિવાજોમાં ફસાઈ શકતા હતા. જો તેઓ એવું કરતા તો તેઓ યહોવાની વિરૂદ્ધ જતા અને યહોવા તેઓનું રક્ષણ ન કરતા. એટલું જ નહિ, તેઓને આશીર્વાદ પણ ન આપતા.—પુન ૭:૨-૪; નિર્ગ ૩૪:૧૬; યહો ૨૩:૧૨, ૧૩.

w૦૭ ૧૧/૧ ૨૭ ¶૧૯-૨૦

યહોવાહનો દરેક બોલ સાચો

૧૯ આજ સુધી આપણે પોતે જે જોયું છે, એનાથી આમ ચોક્કસ કહી શકીએ: ‘જે વચનો તમારા ઈશ્વર યહોવાહે તમારા વિષે કહ્યાં તેમાંનું એકે નિષ્ફળ ગયું નથી; તે સર્વ તમારા સંબંધમાં પૂરાં થયાં છે.’ (યહોશુઆ ૨૩:૧૪) બેશક, યહોવાહ પોતાના લોકોને આઝાદ કરે છે. રક્ષણ કરે છે. સંભાળ રાખે છે. શું તમે એવું કોઈ વચન બતાવી શકો જે યહોવાહને ટાઇમે પૂરું ન થયું હોય? એવું કદીયે ન બને!

૨૦ આપણી આવતીકાલ કેવી હશે? યહોવાહે વચન આપ્યું છે કે આપણે સુંદર પૃથ્વી પર અમર જીવન જીવી શકીશું. ઈસુ સાથે અમુક સ્વર્ગમાંથી રાજ કરશે. ચાલો આપણે યહોશુઆ જેવી જ શ્રદ્ધા રાખીએ. પછી આપણે યહોવાહનાં વચનો યાદ કરતા કરતા કહીશું કે ‘એ સર્વ પૂરાં થયાં છે!’

કીમતી રત્નો

w૦૪ ૧૨/૧ ૧૨ ¶૨

યહોશુઆના મુખ્ય વિચારો

૨૪:૨—શું ઈબ્રાહીમના પિતા તેરાહ મૂર્તિપૂજક હતા? શરૂઆતમાં તેરાહ યહોવાહના ઉપાસક ન હતા. તે સીન નામના ચંદ્રદેવના ઉપાસક હોય શકે. આ દેવ ઉરમાં બહુ પ્રખ્યાત હતો. યહુદી પરંપરા પ્રમાણે, તેરાહ મૂર્તિ બનાવનાર હોય શકે. તેમ છતાં, ઈબ્રાહીમે પરમેશ્વરની આજ્ઞાથી ઉર છોડ્યું ત્યારે, તેરાહ પણ તેમની સાથે હારાન ગયા હતા.—ઉત્પત્તિ ૧૧:૩૧.

નવેમ્બર ૨૨-૨૮

બાઇબલમાં રહેલો ખજાનો | ન્યાયાધીશો ૧-૩

“હિંમત અને સમજદારીનો કિસ્સો”

w૦૪ ૩/૧૫ ૩૧ ¶૩

એહૂદ જુલમીની ઝૂંસરી તોડે છે

એહૂદની યોજના પાછળ શું હતું? શું તે ચાલાક હતો? શું તે ડરપોક હતો? ના એની પાછળ તો ઈશ્વરનો હાથ હતો. પરમેશ્વરે માણસો પર કંઈ આધાર રાખવો પડતો નથી. પરંતુ એહૂદની સફળતાનું મુખ્ય કારણ એ હતું કે તેણે પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે પોતાના લોકોને છોડાવવાનો પ્રયત્ન કર્યો. જેના લીધે પરમેશ્વર તેની સાથે હતા. પરમેશ્વરે એહૂદને ઊભો કર્યો, “જ્યારે યહોવાહ [પોતાના લોકોને] સારૂ ન્યાયાધીશો ઊભા કરતો હતો, ત્યારે યહોવાહ તે ન્યાયાધીશની સાથે રહેતો હતો.”—ન્યાયાધીશો ૨:૧૮; ૩:૧૫.

w૦૪ ૩/૧૫ ૩૦ ¶૧-૩

એહૂદ જુલમીની ઝૂંસરી તોડે છે

પહેલા તો એહૂદે એક હાથનું નાનકડું, બેધારી ખંજર બનાવ્યું. એને તેના કપડાંની અંદર સંતાડી દીધું. જો તેની કદાચ તપાસ લેવામાં આવે, તોપણ હાથ ન આવે. તલવારને સામાન્ય રીતે શરીરની ડાબી બાજુ લટકાવવામાં આવતી, જેથી જમણા હાથેથી ઝડપથી કાઢી શકાય. એહૂદ ડાબોડીયો હતો, એટલે “વસ્ત્રની તળે કમરની જમણી બાજૂએ તેણે તે લટકાવી.” આ જગ્યાએ રાજાના ચોકીદારો ભાગ્યે જ તપાસતા. તેથી, કોઈ પણ પ્રકારના નડતર વગર “તેણે મોઆબના રાજા એગ્લાનને નજરાણું કર્યું.”—ન્યાયાધીશો ૩:૧૬, ૧૭.

રાજા એગ્લોનના દરબારમાં એહૂદ સાથે થયેલી મુલાકાતમાં શું બન્યું, એ બધી માહિતી આપવામાં આવી નથી. પણ બાઇબલ એટલું જણાવે છે: “નજરાણું કર્યા પછી, તેણે નજરાણું ઊંચકી લાવનાર લોકોને વિદાય કર્યા.” (ન્યાયાધીશો ૩:૧૮) એહૂદ નજરાણું લાવનારાઓને એગ્લોન રાજાના મહેલની બહાર દૂર સુધી વિદાય આપીને મહેલમાં પાછો આવ્યો. તે પાછો શા માટે આવ્યો? શું તે માણસોને પોતાની સાથે સલામતી માટે લાવ્યો હતો કે પછી એવો રિવાજ હતો? કે પછી તેઓને ફક્ત નજરાણું ઉઠાવવા જ લાવ્યો હતો? તે તેઓ સાથે થોડી દૂર શા માટે ગયો? શું તે તેઓને સહી-સલામત બહાર પહોંચાડવા માંગતો હતો? ભલે ગમે તે કારણ હોય, પણ એહૂદે બહાદુરીથી એકલાએ જ મહેલમાં પગ મૂક્યો.

“તેણે કહ્યું, હે રાજા, મારે તને એક ગુપ્ત વાત કહેવી છે.” તે કઈ રીતે રાજા પાસે લઈ જવાયો એ વિષે બાઇબલ કંઈ જણાવતું નથી. શું ચોકીદારોએ તેના પર શંકા નહિ કરી હોય? શું તેઓએ એવું વિચાર્યું હશે કે એક ઈસ્રાએલી પોતાના માલિકનું શું બગાડી લેવાનો છે? શું એહૂદ એકલો પાછો આવ્યો, એટલે તે તેના લોકો સાથે ગદ્દારી કરી રહ્યો હતો, એમ લાગ્યું હશે? ગમે એમ તોપણ, એહૂદે રાજા સાથે ખાનગીમાં વાત કરવાની રજા માંગી, એ તેને મળી.—ન્યાયાધીશો ૩:૧૯.

કીમતી રત્નો

w૦૫ ૧/૧૫ ૨૪ ¶૭

ન્યાયાધીશોના મુખ્ય વિચારો

૨:૧૦-૧૨. આપણે નિયમિત રીતે બાઇબલ વાંચવું જોઈએ જેથી, ‘યહોવાહના સર્વ ઉપકારો ભૂલી ન જઈએ.’ (ગીતશાસ્ત્ર ૧૦૩:૨) માબાપે બાળકોને પરમેશ્વરનાં વચનો એ રીતે શીખવવા જોઈએ કે જેથી એ તેમના હૃદયમાં ઊતરી જાય.—પુનર્નિયમ ૬:૬-૯.

નવેમ્બર ૨૯–ડિસેમ્બર ૫

બાઇબલમાં રહેલો ખજાનો | ન્યાયાધીશો ૪-૫

“યહોવાએ બે સ્ત્રીઓ દ્વારા ઇઝરાયેલીઓને બચાવ્યા”

w૧૭.૪ ૨૯ ¶૬

રાજીખુશીથી કરેલી સેવા, આપે યહોવાને મહિમા

૬ બારાક ઇઝરાયેલી યોદ્ધા હતા અને દબોરાહ પ્રબોધિકા તથા ન્યાયાધીશ હતાં. ૨૦ વર્ષ સુધી કનાનના રાજા યાબીને ઇઝરાયેલીઓ પર “બહુ જ જુલમ” ગુજાર્યો હતો. યાબીનનું સૈન્ય એટલું ખતરનાક અને ક્રૂર હતું કે, ગામડામાં રહેતા ઇઝરાયેલીઓ ઘરની બહાર પગ મૂકતા પણ ડરતા હતા. યાબીનના સૈન્ય પાસે લોઢાના ૯૦૦ રથ હતા. જ્યારે કે, ઇઝરાયેલીઓ પાસે લડવા માટે કે પોતાનું રક્ષણ કરવા માટે પૂરતાં હથિયારો પણ ન હતાં.—ન્યા. ૪:૧-૩, ૧૩; ૫:૬-૮.

w૧૪ ૮/૧૫ ૮ ¶૧૨

યહોવાના હેતુમાં સ્ત્રીઓની શી ભૂમિકા છે?

૧૨ ઈસ્રાએલી ન્યાયાધીશોના સમયમાં દબોરાહ નામનાં પ્રબોધિકા પર યહોવાની કૃપા હતી. એ પ્રબોધિકાએ ન્યાયાધીશ બારાકને ઉત્તેજન આપ્યું હતું. ઈસ્રાએલીઓને દુશ્મનોથી છૂટકારો અપાવવામાં દબોરાહે પણ ભાગ ભજવ્યો હતો. તેમ જ, તેમણે ભાખ્યું હતું કે કનાનીઓ પર વિજય મેળવવાનો જશ બારાકને નહિ મળે. એના બદલે એ જશ “એક સ્ત્રીના હાથમાં” જશે. એ સ્ત્રીનું નામ યાએલ હતું. તે ઈસ્રાએલી ન હતી છતાં, કનાની સેનાપતિ સીસરાને મારવા યહોવાએ તેનો ઉપયોગ કર્યો.—ન્યા. ૪:૪-૯, ૧૭-૨૨.

w૧૨ ૨/૧ ૨૦ ¶૯

‘બળવાન તથા બહુ હિંમતવાન થાઓ’

૯ આશરે ઈ.સ. પૂર્વે ૧૪૫૦માં યહોશુઆનું મરણ થયું. એ પછી ન્યાયાધીશો ઈસ્રાએલમાં ન્યાય કરતા હતા. કનાનનો રાજા યાબીન ૨૦ વર્ષથી ઈસ્રાએલીઓ પર જુલમ કરતો હતો. એટલે, ઈશ્વરે દબોરાહ પ્રબોધિકા દ્વારા ન્યાયાધીશ બારાકને કહેવડાવ્યું કે એ માટે પગલા ભરે. પછી, બારાકે દસ હજાર માણસોને તાબોર પર્વત પર ભેગા કર્યા. તેઓ યાબીનના લશ્કરના અધિકારી સીસરા સાથે લડવા તૈયાર હતા. સીસરા પોતાનું લશ્કર અને નવસો રથ કીશોન નદીની ખીણમાંથી લઈને આવતો હતો. ઈસ્રાએલીઓ જ્યારે એ ખીણમાં ઉતર્યા ત્યારે ઈશ્વર અચાનક પૂર લાવ્યા. ત્યાંનું આખું યુદ્ધ મેદાન કાદવકીચડ થઈ ગયું. કનાની રથો એમાં ફસાઈ ગયા. પછી, બારાકના માણસોએ ‘સીસરાના આખા સૈન્યને તરવારથી’ મારી નાખ્યાં. પછી સીસરાએ યાએલ નામની સ્ત્રીના તંબુમાં આશરો લીધો. તે સૂતો હતો ત્યારે યાએલે તેને મારી નાખ્યો. આમ, દબોરાહે પહેલાં ભવિષ્યવાણી કહી હતી, તેમ એ જીતનો “જશ” યાએલને મળ્યો. દબોરાહ, બારાક અને યાએલ હિંમતથી વર્ત્યા એના લીધે, ‘ચાળીસ વર્ષ સુધી દેશમાં શાંતિ રહી.’ (ન્યા. ૪:૧-૯, ૧૪-૨૨; ૫:૨૦, ૨૧, ૩૧) ઘણાં ઈશ્વરભક્તોએ એવો વિશ્વાસ અને હિંમત બતાવ્યાં છે.

કીમતી રત્નો

w૦૫ ૧/૧૫ ૨૫ ¶૫

ન્યાયાધીશોના મુખ્ય વિચારો

૫:૨૦—કઈ રીતે તારાઓએ બારાક માટે આકાશમાંથી યુદ્ધ કર્યું? બાઇબલમાં બતાવવામાં આવ્યું નથી કે દૂતોએ મદદ કરી હતી કે કેમ; એ ખરતા તારાના પથ્થરો હતા કે કેમ જેને સીસરાના જ્યોતિષોએ સીસરા માટે અપશુકન ગણ્યા હતા; અથવા સીસરા માટે જ્યોતિષોએ જે કહ્યું એ ખોટું પડ્યું. જોકે, પરમેશ્વરે ગમે તે રીતે મદદ કરી એ ચોક્કસ હતું.

ડિસેમ્બર ૬-૧૨

બાઇબલમાં રહેલો ખજાનો | ન્યાયાધીશો ૬-૭

“હિંમત રાખ અને જા”

w૦૨ ૨/૧૫ ૬-૭

પરમેશ્વરના સિદ્ધાંતોથી મળતા લાભ

અગાઉના સમયમાં હેબ્રી લોકોમાં ગિદઓન નામે એક ન્યાયાધીશ હતો, જે ઘણો નમ્ર હતો. તે ઈસ્રાએલનો આગેવાન થવા ચાહતો ન હતો. તેને એ કામ સોંપવામાં આવ્યું ત્યારે પોતે એ માટે લાયક નથી, એમ તેણે જણાવ્યું. તેણે આમ કહ્યું: “મનાશ્શેહમાં મારૂં કુટુંબ સૌથી ગરીબ છે, ને મારા બાપના ઘરમાં હું સૌથી નાનો છું.”—ન્યાયાધીશ ૬:૧૨-૧૬.

w૦૫ ૭/૧૫ ૧૬ ¶૩

“યહોવાહની તથા ગિદઓનની તલવારની જે!”

ગિદઓનના ત્રણસો માણસોએ અચાનક ઘડા ફોડ્યા અને પોતાનાં રણશિંગડાં વગાડ્યાં. તેઓના અવાજથી છાવણીમાં ખળભળાટ મચી ગયો. તેઓ બૂમો પાડીને કહેવા લાગ્યા કે “યહોવાહની તથા ગિદઓનની તલવારની જે!” એ સાંભળીને મિદ્યાનીઓ ગૂંચવણમાં પડી ગયા. તેઓ પણ બૂમાબૂમ કરવા લાગ્યા. તેઓ પોતાના જ માણસોને ઓળખી શક્યા નહિ. ગિદઓન અને એના ત્રણસો માણસો તો હજુ પોતાની જગ્યાએ જ ઊભા હતા. યહોવાહે મિદ્યાનીઓમાં એવી ગૂંચવણ કરી કે તેઓ જ એકબીજાને મારી નાખવા માંડ્યા. દોડાદોડ, નાસ-ભાગ થવા માંડી, પણ એકેય બચી શક્યો નહિ. ઈસ્રાએલીઓએ તેઓને પકડી પકડીને મારી નાખ્યા. આખરે, લાંબા સમયથી ત્રાસ આપતા ક્રૂર મિદ્યાનીઓનો અંત આવ્યો.—ન્યાયાધીશો ૭:૧૯-૨૫; ૮:૧૦-૧૨, ૨૮.

કીમતી રત્નો

w૦૫ ૧/૧૫ ૨૬ ¶૬

ન્યાયાધીશોના મુખ્ય વિચારો

૬:૨૫-૨૭. પોતાના વિરોધીઓનો ગુસ્સો ટાળવા માટે ગિદઓન ડહાપણથી વર્ત્યા. શુભ સંદેશાનો પ્રચાર કરતા હોઈએ ત્યારે, આપણે એવી રીતે ન બોલવું જોઈએ કે જેથી બીજાઓને દુઃખ પહોંચે.

ડિસેમ્બર ૧૩-૧૯

બાઇબલમાં રહેલો ખજાનો | ન્યાયાધીશો ૮-૯

“અભિમાની નહિ, પણ નમ્ર બનીએ”

w૦૦ ૮/૧૫ ૨૫ ¶૩

તમે તકરાર કઈ રીતે હલ કરો છો?

મિદ્યાનીઓ સાથે લડાઈ કરવા એફ્રાઈમના લોકોએ મદદ માટે ગિદઓનને બોલાવ્યા. તેમ છતાં, લડાઈમાં સફળતા મેળવ્યા પછી એફ્રાઈમીઓએ ગિદઓન સાથે ઝઘડો કર્યોં. તેઓએ કહ્યું કે મિદ્યાનીઓ સાથે લડવા ગિદઓન અમને લઈને કેમ ગયો નહિ. બાઇબલ બતાવે છે: “તેઓએ તેને સખત ઠપકો દીધો.” અને ગિદઓને જવાબમાં કહ્યું: “તમે જે કર્યું છે તેના પ્રમાણમાં મેં તો શું કર્યું છે? એફ્રાઈમની દ્રાક્ષોનો સળો તે અબીએઝેરની દ્રાક્ષોના આખા ફાલ કરતાં શું સારો નથી? દેવે મિદ્યાનના ઓરેબ તથા ઝએબ સરદારોને તમારા હાથમાં સોંપ્યા છે; અને તમારા પ્રમાણમાં હું શું કરી શક્યો છું?” (ન્યાયાધીશ ૮:૧-૩) આમ કહીને ગિદઓને સમજી વિચારીને ઝઘડો કરવાનું ટાળ્યું. કદાચ એફ્રાઈમના લોકોમાં અભિમાન હતું અથવા તેઓ પોતાને વધુ મહત્વ આપતા હતા. ભલે તેઓ ગમે તેવા હોય, ગિદઓન તકરાર કે ઝઘડો ન કરીને શાંતિ લાવવામાં સફળ થયા. શું આપણે પણ તેમના જેવું કરી શકીએ?

w૧૭.૦૧ ૨૦ ¶૧૫

મર્યાદામાં રહેવું શા માટે જરૂરી છે?

૧૫ મર્યાદામાં રહીને કામ કઈ રીતે કરવું એ માટે ગિદિયોને સારો દાખલો બેસાડ્યો છે. ઇઝરાયેલીઓને મિદ્યાનીઓના હાથમાંથી છોડાવવાની જવાબદારી યહોવાએ તેમને સોંપી ત્યારે, તેમણે કહ્યું: “જો, મનાશ્શેમાં મારું કુટુંબ સૌથી ગરીબ છે, ને મારા બાપના ઘરમાં હું સૌથી નાનો છું.” (ન્યા. ૬:૧૫) ગિદિયોને યહોવામાં ભરોસો રાખ્યો અને એ સોંપણીનો સ્વીકાર કર્યો. ગિદિયોને ખાતરી કરી કે, યહોવા તેમની પાસેથી જે ચાહી રહ્યા છે એને તે સારી રીતે સમજ્યા છે. માર્ગદર્શન માટે તેમણે યહોવાને પ્રાર્થના કરી. (ન્યા. ૬:૩૬-૪૦) શક્તિશાળી અને બહાદુર હોવાની સાથે સાથે ગિદિયોન સમજુ અને સાવધ પણ હતા. (ન્યા. ૬:૧૧, ૨૭) પછીથી, લોકોએ તેમને રાજા બનવા આગ્રહ કર્યો ત્યારે, તેમણે એનો નકાર કરી દીધો. યહોવા તરફથી મળેલી સોંપણી પૂરી કર્યા પછી તે પોતાને ઘેર પાછા ફર્યા.—ન્યા. ૮:૨૨, ૨૩, ૨૯.

w૦૮ ૨/૧ ૧૫ ¶૯

યહોવાહના માર્ગે ચાલીએ

૯ યહોવાહની દિલથી ભક્તિ કરવા આપણે ‘નમ્ર રહેવું’ જોઈએ. (૧ પીતર ૩:૮; ગીતશાસ્ત્ર ૧૩૮:૬) એ સમજવા ન્યાયાધીશોનો નવમો અધ્યાય જોઈએ. ઈશ્વરભક્ત ગિદઓનના દીકરા યોથામે કહ્યું, “એકવાર વૃક્ષોએ પોતાને માટે રાજા પસંદ કરવાનું નક્કી કર્યું.” (ન્યાયાધીશો ૯:૮, IBSI.) એમાં જૈતવૃક્ષ, અંજીરી અને દ્રાક્ષવેલો સારા માણસને રજૂ કરતા હતા. એ ત્રણેવ ઈસ્રાએલી પ્રજા પર રાજ કરવા યોગ્ય હતા, તોપણ તેઓએ ના પાડી. પછી ઝાંખરાની વાત થાય છે, જે નકામું છે. ફક્ત બાળવાના કામમાં આવે છે. એ અભિમાની અબીમેલેખને રજૂ કરે છે, જે ખૂની હતો અને બીજા પર રાજ કરવાનો લાગ શોધતો હતો. ભલે અબીમેલેખે “ઈસ્રાએલ પર ત્રણ વર્ષ રાજ કર્યું,” તોયે તે બેહાલ માર્યો ગયો. (ન્યાયાધીશો ૯:૯-૧૫, ૨૨, ૫૦-૫૪) એના કરતાં ‘નમ્ર રહેવું’ કેટલું સારું છે!

કીમતી રત્નો

it-૧-E ૭૫૩ ¶૧

એફોદ, ૧

જ્યારે ગિદિયોને એફોદ બનાવ્યો ત્યારે તેમનો ઇરાદો સારો હતો. યહોવાએ ઇઝરાયેલીઓને જીત અપાવી હતી, એ ગિદિયોન યાદ રાખવા માંગતા હતા. તે યહોવાને મહિમા આપવા ચાહતા હતા. આ કારણને લીધે ગિદિયોને એફોદ બનાવ્યો હતો. પણ “એ એફોદ ગિદિયોન અને તેના ઘરનાઓ માટે ફાંદો બની ગયો,” કેમ કે ઇઝરાયેલીઓ એફોદને મૂર્તિની જેમ પૂજવા લાગ્યા. (ન્યા ૮:૨૭) ગિદિયોને એફોદની પૂજા કરી હોય એવું બાઇબલમાં ક્યાંય લખ્યું નથી. પ્રેરિત પાઉલે જ્યારે અગાઉના વફાદાર ઈશ્વરભક્તો વિશે સાક્ષી આપી ત્યારે ગિદિયોનનો પણ ઉલ્લેખ કર્યો.—હિબ્રૂ ૧૧:૩૨; ૧૨:૧.

ડિસેમ્બર ૨૦-૨૬

બાઇબલમાં રહેલો ખજાનો | ન્યાયાધીશો ૧૦-૧૨

“યિફતાનો યહોવા સાથે પાકો સંબંધ હતો”

w૧૬.૦૪ ૭ ¶૯

યહોવાહના માર્ગે ચાલીએ

૯ યુસફના દાખલામાંથી પણ યિફતાને શીખવા મળ્યું હશે. યુસફના ભાઈઓ તેમની સાથે નફરતથી વર્ત્યા હતા, તોપણ યુસફે તેઓ પર દયા બતાવી હતી. (ઉત. ૩૭:૪; ૪૫:૪, ૫) એ બનાવ પર વિચાર કરવાથી યિફતાને એવું વર્તન રાખવા મદદ મળી હશે, જે યહોવાને ખુશ કરે. યિફતાને પણ પોતાના ભાઈઓના વર્તનથી ઠેસ પહોંચી હતી. તોપણ યિફતા માટે પોતાની લાગણીઓ નહિ, પણ યહોવાના નામ અને તેમના લોકો માટે લડવું વધારે મહત્ત્વનું હતું. (ન્યા. ૧૧:૯) યહોવાને વફાદાર રહેવા તે કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર હતા! એવા સારા વલણને લીધે, યહોવાએ તેમને અને ઈસ્રાએલી પ્રજાને આશીર્વાદ આપ્યો.—હિબ્રૂ ૧૧:૩૨, ૩૩.

it-૨-E ૨૭ ¶૨

યિફતા

આમ્મોનીઓના રાજાએ ઇઝરાયેલીઓ પર આરોપ મૂક્યો કે ઇઝરાયેલીઓએ તેઓનો દેશ પચાવી પાડ્યો છે. (ન્યા ૧૧:૧૨, ૧૩) ત્યારે યિફતાએ તેને સંદેશો મોક્લ્યો. એનાથી એ ખબર પડે છે કે યિફતા શૂરવીર યોદ્ધા હતા અને તેમને ઇઝરાયેલીઓના ઇતિહાસ વિશે સારી એવી જાણકારી હતી. તે એ પણ જાણતા હતા કે યહોવાએ પોતાના લોકો માટે કેવાં કેવાં કામો કર્યા હતાં. આમ્મોનીઓનો આરોપ જૂઠો સાબિત કરવા યિફતાએ ત્રણ કારણો આપ્યાં. (૧) ઇજિપ્તમાંથી આઝાદ થયા ત્યારે ઇઝરાયેલીઓએ આમ્મોનીઓ, મોઆબીઓ અને અદોમીઓને કોઈ નુકસાન પહોંચાડ્યું ન હતું. (ન્યા ૧૧:૧૪-૧૮; પુન ૨:૯, ૧૯, ૩૭; ૨કા ૨૦:૧૦, ૧૧) (૨) આમ્મોનીઓ જે વિસ્તારની વાત કરી રહ્યા હતા એ તેઓનો નહિ, પણ અમોરીઓનો હતો. યહોવાએ ઇઝરાયેલીઓને અમોરીઓ પર જીત અપાવી હતી અને તેઓના રાજા અને વિસ્તારને ઇઝરાયેલીઓના હાથમાં સોંપી દીધા હતા. (૩) પાછલા ૩૦૦ વર્ષથી ઇઝરાયેલીઓ એ વિસ્તારમાં રહેતા હતા. એ વર્ષો દરમિયાન અમોરીઓએ એ વિસ્તાર પાછો લેવાની કોશિશ કરી ન હતી, તો હવે તેઓ કયા અધિકારથી એ માંગે છે?—ન્યા ૧૧:૧૯-૨૭.

it-૨-E ૨૭ ¶૩

યિફતા

યિફતાએ આમ્મોનીઓના રાજાને જણાવ્યું કે તે શા માટે તેઓને ઇઝરાયેલ દેશનો કોઈ વિસ્તાર આપી ન શકે. તેમણે તેનું ખરું કારણ જણાવ્યું. તેમણે જણાવ્યું કે આ વિસ્તાર ઇઝરાયેલીઓને યહોવાએ આપ્યો છે, કેમ કે તેઓ તેમની ભક્તિ કરે છે. તે આમ્મોનીઓને દેશનો એક ટુકડો પણ ના આપી શકે, કેમ કે તેઓ જૂઠા દેવોની ભક્તિ કરે છે.—ન્યા ૧૧:૨૪; ૧રા ૧૧:૧, ૭, ૮, ૩૩; ૨રા ૨૩:૧૩.

કીમતી રત્નો

it-૨-E ૨૬

યિફતા

શું યિફતા વ્યભિચારથી જન્મેલા હતા? ના. ખરું કે ‘યિફતાની મા અગાઉ વેશ્યા હતી.’ પણ પછી તેણે યિફતાના પિતા ગિલયાદ સાથે લગ્‍ન કર્યા હતા. આમ યિફતાની મા, ગિલયાદની બીજી પત્ની બની હતી. ત્યાર પછી યિફતાનો જન્મ થયો હતો. આ રીતે રાહાબ પણ એક સમયે વેશ્યા હતી, પણ પછી તેણે સલ્મોન સાથે લગ્‍ન કર્યા હતા. (ન્યા ૧૧:૧; યહો ૨:૧; માથ ૧:૫) યિફતા વ્યભિચારથી જન્મેલા ન હતા એના અમુક પુરાવા છે. પહેલો પુરાવો, યિફતાના સાવકા ભાઈઓએ યિફતાને તેના પિતાના ઘરમાંથી વારસો ન મળે માટે કાઢી મૂક્યા હતા. જો યિફતા વ્યભિચારથી જન્મેલા હોત તો વારસો મળવાનો કોઈ સવાલ જ ઊભો નથી થતો. (ન્યા ૧૧:૨) યિફતા વ્યભિચારથી જન્મ્યા ન હતા એ માનવાનો બીજો પણ એક પુરાવો છે. સમય જતાં, ગિલયાદના લોકોએ યિફતાને આગેવાન અને સેનાપતિ બનાવ્યા હતા. યિફતાના સાવકા ભાઈઓ ગિલયાદના વડીલો હતા. જો યિફતા વ્યભિચારથી જન્મ્યા હોત તો તેમને કદી આગેવાન બનાવ્યા જ ન હોત. (ન્યા ૧૧:૧૧) યિફતા વ્યભિચારથી જન્મ્યા ન હતા એનો ત્રીજો પુરાવો એ છે કે તેમણે ઈશ્વરને અગ્‍નિ-અર્પણ ચઢાવ્યું હતું. (ન્યા ૧૧:૩૦, ૩૧) જો યિફતા વ્યભિચારથી જન્મ્યા હોત, તો તે અર્પણ ચઢાવી શક્યા ન હોત. મુસાના નિયમ પ્રમાણે “વ્યભિચારથી જન્મેલો કોઈ પણ છોકરો યહોવાના મંડળનો ભાગ ન બને. તેની દસમી પેઢી સુધી તેનો કોઈ પણ વંશજ યહોવાના મંડળનો ભાગ ન બને.”—પુન ૨૩:૨.

ડિસેમ્બર ૨૭–જાન્યુઆરી ૨

બાઇબલમાં રહેલો ખજાનો | ન્યાયાધીશો ૧૩-૧૪

“માનોઆહ અને તેમની પત્નીનો માબાપ માટે દાખલો”

w૧૩ ૮/૧૫ ૧૬ ¶૧

માબાપો—તમારાં બાળકોને નાનપણથી જ તાલીમ આપો

દાનના કુટુંબના માનોઆહનો વિચાર કરો, જે પ્રાચીન ઈસ્રાએલના સોરાહ નગરમાં રહેતા હતા. યહોવાના દૂતે માનોઆહની વાંઝણી પત્નીને જણાવ્યું કે, તે પુત્રને જન્મ આપશે. (ન્યા. ૧૩:૨, ૩) નિઃશંક, વફાદાર માનોઆહ અને તેની પત્નીની ખુશીઓનો તો પાર નહિ રહ્યો હોય. પણ તેઓને એક મોટી ચિંતા હતી. એટલે, માનોઆહે ઈશ્વરને પ્રાર્થના કરી: ‘હે પ્રભુ, કૃપા કરીને જે માણસને તમે મોકલ્યો હતો તેને ફરી અમારી પાસે આવવા દેજો, કે છોકરો જનમશે તેના વિશે અમારે શું કરવું એ તે અમને શીખવે.’ (ન્યા. ૧૩:૮) માનોઆહ અને તેની પત્નીને બાળકના ઉછેર વિશે ચિંતા હતી. તેઓએ પુત્ર શામશૂનને ઈશ્વરના નિયમો શીખવ્યા અને તેઓની મહેનત રંગ લાવી. બાઇબલ કહે છે, ‘યહોવાની શક્તિ શામશૂનને પ્રેરણા આપવા લાગી.’ પરિણામે, ઈસ્રાએલના એક ન્યાયાધીશ તરીકે, શામશૂને ઘણાં પરાક્રમી કામો કર્યા.—ન્યા. ૧૩:૨૫; ૧૪:૫, ૬; ૧૫:૧૪, ૧૫.

w૦૫ ૩/૧૫ ૨૫-૨૬

યહોવાહની શક્તિથી શામશૂને મેળવેલી જીત

શામશૂન મોટો થતો ગયો તેમ, “યહોવાહે તેને આશીર્વાદ આપ્યો.” (ન્યાયાધીશો ૧૩:૨૪) એક દિવસ શામશૂને તેના માબાપને કહ્યું: “તિમ્નાહમાં પલિસ્તીઓની દીકરીઓમાં એક સ્ત્રી મેં જોઈ છે; તો હવે તેને મારી સાથે પરણાવો.” (ન્યાયાધીશો ૧૪:૨) શામશૂનના માબાપ તો અવાચક બની ગયા. શામશૂન ગાંડો તો નથી થઈ ગયો ને? પલિસ્તીઓ તો ઈસ્રાએલીઓના કટ્ટર દુશ્મન હતા. ઉપરથી જૂઠા દેવ-દેવીઓને ભજતા હતા. ને આ શામશૂન ઈસ્રાએલીઓને પલિસ્તીઓના હાથમાંથી છોડાવાને બદલે તેઓની પુત્રી સાથે પરણવા માંગતો હતો! જાણે તે ઈશ્વરનો નિયમ ભૂલી ગયો હતો. નિયમમાં જૂઠા દેવ-દેવીને ભજતી સ્ત્રીઓને પરણવાની સખત મનાઈ હતી. (નિર્ગમન ૩૪:૧૧-૧૬) આ કારણે, તેના માબાપે કહ્યું: “શા માટે તું યહુદી કન્યાને પરણવા નથી માગતો? શા માટે તારે આ મૂર્તિપૂજક પલિસ્તીઓમાંથી પત્ની લાવવા માટે જવું જોઈએ? ઈઝરાયેલી લોકોમાં શું એવી કોઈ કન્યા નથી જેની સાથે તું લગ્‍ન કરે?” તોપણ શામશૂન પોતાની જીદ પર અડગ રહ્યો. તેણે પિતાને કહ્યું: “મારે એ જ કન્યા જોઈએ. તેને મારે માટે લાવો.”—ન્યાયાધીશો ૧૪:૩, IBSI.

કીમતી રત્નો

w૦૫ ૩/૧૫ ૨૬ ¶૧

યહોવાહની શક્તિથી શામશૂને મેળવેલી જીત

શા માટે શામશૂને “એ જ” કન્યા લાવવા માટે કહ્યું? મેક્લીન્ટોક અને સ્ટ્રોંગ્સનો સાઈક્લોપેડિયા જણાવે છે: તે ‘બહુ સુંદર હતી એટલા માટે નહિ. પણ એ કન્યાની માંગણી પાછળ એક ખાસ કારણ હતું.’ કયું કારણ? ન્યાયાધીશો ૧૪:૪ કહે છે: “તેને પલિસ્તીઓ સાથે લડવાનું કારણ જોઈતું હતું.” (સંપૂર્ણ બાઈબલ) તેથી, તે પલિસ્તી સ્ત્રી લાવવાનું કહેતો હતો. શામશૂન મોટો થતો ગયો તેમ “યહોવાહનો આત્મા તેને પ્રેરણા” આપવા લાગ્યો હતો. (ન્યાયાધીશો ૧૩:૨૫) તેથી, શામશૂને પલિસ્તી સ્ત્રીની માંગ કરી એ પાછળ યહોવાહનો હાથ હતો. શામશૂન આખી ઈસ્રાએલ જાતિનો ન્યાયાધીશ હતો ત્યારે પણ યહોવાહ તેને માર્ગદર્શન આપતા હતા. શું શામશૂનની ઇચ્છા પૂરી થઈ? એ પહેલા ચાલો આપણે જોઈએ કે યહોવાહે તેને વિકટ હાલતમાં કઈ રીતે મદદ કરી?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો