વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwbr22 મે પાન ૧-૧૦
  • જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો
  • જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો—૨૦૨૨
  • મથાળાં
  • મે ૨-૮
  • મે ૯-૧૫
  • મે ૧૬-૨૨
  • મે ૨૩-૨૯
  • મે ૩૦–જૂન ૫
  • જૂન ૬-૧૨
  • જૂન ૧૩-૧૯
  • જૂન ૨૦-૨૬
  • જૂન ૨૭–જુલાઈ ૩
જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો—૨૦૨૨
mwbr22 મે પાન ૧-૧૦

જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો

મે ૨-૮

બાઇબલમાં રહેલો ખજાનો | ૧ શમુએલ ૨૭-૨૯

“દાઉદની લડવાની તરકીબ”

it-૧-E ૪૧

આખીશ

શાઉલથી બચવા દાઉદ જ્યારે નાસતા ફરતા હતા, ત્યારે રાજા આખીશને ત્યાં તેમણે બે વાર આશરો લીધો હતો. દાઉદ જ્યારે પહેલી વાર ત્યાં ગયા ત્યારે તેઓએ દાઉદ પર ભરોસો ન કર્યો અને કહ્યું, આ તો આપણો દુશ્મન છે. ત્યારે દાઉદે ગાંડા હોવાનો ઢોંગ કર્યો. એ જોઈને આખીશે કહ્યું: ‘આ તો ગાંડો છે’ તેનાથી આપણને કોઈ ખતરો નથી. એમ કહીને તેમને છોડી મૂક્યા. (૧શ ૨૧:૧૦-૧૫; ગી ૩૪:મથાળું; ૫૬:મથાળું) દાઉદ બીજી વાર ત્યાં ગયા ત્યારે તેમની સાથે તેમનાં ૬૦૦ સૈનિકો અને તેઓનાં કુટુંબો પણ હતાં. આખીશે તેઓને કહ્યું કે તેઓ સિકલાગ શહેરમાં રહી શકે. દાઉદ અને તેમના માણસો ત્યાં એક વર્ષ અને ચાર મહિના સુધી રહ્યા. એ દરમિયાન તેઓ અમુક વિસ્તારમાં છાપો મારી આવતા. આખીશે વિચાર્યું કે તેઓ યહૂદા પર હુમલો કરી રહ્યા છે. પણ ખરેખર તો દાઉદ ગશૂરીઓ, ગિર્ઝીઓ અને અમાલેકીઓને લૂંટી લેતા હતા. (૧શ ૨૭:૧-૧૨) આખીશને દાઉદ પર ભરોસો બેસી ગયો હતો. એટલે જ્યારે પલિસ્તીઓ, રાજા શાઉલ પર હુમલો કરવા જઈ રહ્યા હતા ત્યારે આખીશે દાઉદને પોતાના અંગરક્ષક બનાવી લીધા. છેલ્લી ઘડીએ પલિસ્તીઓના આગેવાનોએ આખીશને કહ્યું કે દાઉદને સાથે લઈ જવો ઠીક નથી, એટલે દાઉદ અને તેના માણસોને પાછા સિકલાગ મોકલી દેવામાં આવ્યા. (૧શ ૨૮:૨; ૨૯:૧-૧૧) એવું જાણવા મળે છે કે દાઉદ રાજા બન્યા અને ગાથ પર હુમલો કર્યો ત્યારે આખીશને જીવતો રાખ્યો. સુલેમાનનાં રાજમાં પણ તે જીવતો હતો.—૧રા ૨:૩૯-૪૧.

w૨૧.૦૩ ૪ ¶૮

યુવાન ભાઈઓ, તમે બીજાઓનો ભરોસો કઈ રીતે જીતી શકો?

૮ દાઉદે બીજી એક મુશ્કેલી પણ સહેવી પડી. તે રાજા તરીકે પસંદ તો થયા. પણ યહૂદાના રાજા બનવા માટે તેમણે ઘણાં વર્ષો રાહ જોવી પડી. (૧ શમુ. ૧૬:૧૩; ૨ શમુ. ૨:૩, ૪) એ સમયે દાઉદે શું કર્યું? શું તે હિંમત હારીને નિરાશ થઈ ગયા? ના, તેમણે ધીરજ રાખી અને તેમનાથી થયું એટલું તેમણે કર્યું. જેમ કે, જ્યારે તે શાઊલથી બચીને પલિસ્તીઓના વિસ્તારમાં ગયા ત્યારે તેમણે ઇઝરાયેલના દુશ્મનો સાથે તેમણે લડાઈ કરી અને યહૂદા વિસ્તારની સરહદનું રક્ષણ કર્યું.—૧ શમુ. ૨૭:૧-૧૨.

it-૨-E ૨૪૫ ¶૬

જૂઠ

બાઇબલમાં સાફ જણાવ્યું છે કે જૂઠું બોલવું યહોવાની નજરે ખોટું છે. પણ એનો અર્થ એ નથી કે જેઓને હક ન હોય તેઓને બધું જ જણાવી દઈએ. ઈસુએ કહ્યું: “જે પવિત્ર છે એ કૂતરાઓને ન આપો અને તમારાં મોતી ભૂંડોની આગળ ન ફેંકો. એવું ન થાય કે તેઓ એને પગ નીચે ખૂંદે અને સામા થઈને તમને ફાડી ખાય.” (માથ ૭:૬) એટલે કોઈક વાર ઈસુ બીજાઓને બધું જ જણાવી દેતા ન હતા. અમુક સવાલોના સીધે સીધા જવાબ પણ આપી દેતા ન હતા. તે સારી રીતે જાણતા હતા કે એમ કરવાથી નુકસાન થઈ શકે છે.—માથ ૧૫:૧-૬; ૨૧:૨૩-૨૭; યોહ ૭:૩-૧૦.

કીમતી રત્નો

w૧૦ ૨/૧ ૪ ¶૫; ૫ ¶૧

શું મૂએલાઓ આપણને મદદ કરી શકે?

બાઇબલ કહે છે કે વ્યક્તિ મરી જાય ત્યારે તે “ભૂમિમાં પાછું મળી જાય છે; તે જ દિવસે તેની ધારણાઓનો નાશ થાય છે.” (ગીતશાસ્ત્ર ૧૪૬:૪) એ ઉપરાંત, શાઊલ અને શમૂએલ જાણતા હતા કે ઈશ્વરે ભૂત-પ્રેત તથા મેલીવિદ્યાથી દૂર રહેવાની આજ્ઞા આપી હતી. અરે, આ લડાઈ પહેલાં શાઊલે પોતે ઈસ્રાએલમાંથી જંતર-મંતર કરનારાઓનો નાશ કરવા પગલાં ભર્યા હતા.—લેવીય ૧૯:૩૧.

આ બનાવમાંથી બીજું શું શીખી શકીએ? જો એ ભૂત ખરેખર શમૂએલ હોત, તો શું તેમણે મેલીવિદ્યા કરતી સ્ત્રી દ્વારા શાઊલને મદદ કરી હોત? શું શમૂએલે ઈશ્વરની આજ્ઞા તોડીને મેલીવિદ્યામાં ભાગ લીધો હોત? ના. હવે આનો વિચાર કરો. યહોવાહ શાઊલ સાથે વાત કરવા તૈયાર ન હતા. તો પછી, શું મેલીવિદ્યા કરતી સ્ત્રી ઈશ્વરને દબાણ કરી શકે જેથી તે મૂએલા શમૂએલ દ્વારા શાઊલ સાથે વાત કરે? ના બિલકુલ નહિ! એનાથી જોવા મળે છે કે આ ભૂત ઈશ્વરભક્ત શમૂએલ ન હતા. પણ એક ખરાબ સ્વર્ગદૂતે શમૂએલનો વેશ ધર્યો હતો.

મે ૯-૧૫

બાઇબલમાં રહેલો ખજાનો | ૧ શમુએલ ૩૦-૩૧

“આપણા ઈશ્વર યહોવા પાસેથી હિંમત મેળવીએ”

w૦૬ ૮/૧ ૨૮ ¶૧૨

ઈશ્વરનો ડર રાખનાર સુખી છે

૧૨ દાઊદ યહોવાહનો ડર રાખીને ચાલ્યા, એટલે ખોટાં કામો ન કર્યાં. એટલું જ નહિ, મુસીબતોમાં પણ તે સમજી-વિચારીને ખરા નિર્ણયો લઈ શક્યા. દાઊદ અને તેમના માણસો શાઊલથી નાસતા-ફરતા હતા, ત્યારના એક બનાવનો વિચાર કરો. તેઓએ લગભગ સવા વર્ષ સુધી, દુશ્મન પલિસ્તીઓના દેશમાં સિક્લાગ શહેરમાં આશરો લીધો. (૧ શમૂએલ ૨૭:૫-૭) એક વાર દાઊદ અને તેના માણસો શહેરમાં ન હતા ત્યારે લુટારા અમાલેકીઓ આવ્યા. બધી સ્ત્રીઓ, દીકરા-દીકરીઓ, ઢોર-ઢાંક બધું લૂંટી ગયા અને શહેરને આગ લગાડી. દાઊદ અને તેના માણસોએ પાછા આવીને જે જોયું, એના લીધે તેઓ પોક મૂકીને રડ્યા. દાઊદના માણસોના મનમાં કડવાશ ભરાઈ ગઈ. તેઓ દાઊદને પથ્થરે મારવા ઊભા થયા. દાઊદ બહુ દુઃખી થયા પણ હિંમત ન હાર્યા. (નીતિવચનો ૨૪:૧૦) તેમણે યહોવાહને મદદનો પોકાર કર્યો, “દાઊદે પોતાના દેવ યહોવાહમાં બળ પકડ્યું.” યહોવાહની મદદથી દાઊદ અને તેમના માણસોએ અમાલેકીઓને પકડી પાડ્યા. તેઓ પોતાનું બધુંય પાછું જીતી લાવ્યા.—૧ શમૂએલ ૩૦:૧-૨૦.

w૧૨ ૪/૧ ૩૧ ¶૧૪

આપણા તારણ માટે યહોવા આપણું રક્ષણ કરે છે

૧૪ દાઊદના જીવનમાં ઘણી દુઃખી-તકલીફો આવી હતી. (૧ શમૂ. ૩૦:૩-૬) બાઇબલ જણાવે છે કે દાઊદની લાગણીઓ વિષે યહોવા જાણતા હતા. (ગીતશાસ્ત્ર ૩૪:૧૮; ૫૬:૮ વાંચો.) એવી જ રીતે, યહોવા આપણી પણ લાગણીઓ જાણે છે. “આશાભંગ થએલાઓ”ની જેમ જ્યારે આપણું મન દુઃખી હોય ત્યારે, યહોવાને એની ખબર હોય છે. એ જાણીને આપણને કેટલો દિલાસો મળે છે! આ હકીકતથી દાઊદને પણ દિલાસો મળ્યો હતો. એટલે જ તેમણે યહોવા વિષે ગીતમાં લખ્યું: ‘હું તમારી દયાથી આનંદ કરીશ તથા હરખાઈશ; કેમ કે તમે મારું દુઃખ જોયું છે; તમે મારી વિપત્તિઓ જાણી છે.’ (ગીત. ૩૧:૭) યહોવા આપણા મુશ્કેલ સંજોગો જાણે છે. એ ઉપરાંત, તે એનો સામનો કરવા દિલાસો અને ઉત્તેજન પણ આપે છે. પણ એ ક્યાંથી મળે છે? એક તો મંડળની સભાઓમાંથી એ મળે છે.

કીમતી રત્નો

w૦૫ ૩/૧૫ ૨૪ ¶૮

પહેલા શમૂએલના મુખ્ય વિચારો

૩૦:૨૩, ૨૪. આ નિર્ણય ગણના ૩૧:૨૭ પરથી લેવામાં આવ્યો. એ બતાવે છે કે મંડળમાં બીજાની સેવા કરે છે તેઓને યહોવાહ સાથ આપે છે. આપણે જે કંઈ કરીએ એ “માણસોને સારૂ નહિ પણ જાણે પ્રભુને સારુ છે, એમ સમજીને . . . સઘળું ખરા દિલથી કરો.”—કોલોસી ૩:૨૩.

મે ૧૬-૨૨

બાઇબલમાં રહેલો ખજાનો | ૨ શમુએલ ૧-૩

“‘ધનુષ્ય’ નામના વિલાપગીતમાંથી આપણે શું શીખી શકીએ?”

w૦૦ ૬/૧૫ ૧૩ ¶૯

અધિકારીઓને માન આપો

૯ શું પોતાને થતા અન્યાયને કારણે દાઊદ દુઃખી થયા? હા, દાઊદે યહોવાહ પરમેશ્વરને પોકાર કર્યો કે, “જુલમગારો મારો જીવ લેવા મથે છે.” (ગીતશાસ્ત્ર ૫૪:૩) તેમણે યહોવાહને પૂરા દિલથી પ્રાર્થના કરી: “હે મારા પરમેશ્વર, મારા શત્રુઓથી મને છોડાવ . . . પરાક્રમીઓ મારી સામે એકઠા થાય છે; હે યહોવાહ, મારા ઉલ્લંઘન કે મારા પાપને લીધે આ થાય છે, એમ નથી. મારો કંઇ પણ દોષ હોવા ન છતાં તેઓ દોડી આવીને તૈયારી કરે છે; મને સહાય કરવાને જાગ અને જો.” (ગીતશાસ્ત્ર ૫૯:૧-૪) શું તમે પણ ક્યારેક આવું અનુભવ્યું છે કે કોઈનું કંઈ બગાડ્યું ન હોય, છતાં સત્તા ધરાવતી હોય એવી કોઈ વ્યક્તિએ તમને સતાવ્યા હોય? એમ હોય તો, દાઊદનો વિચાર કરો. દાઊદે હંમેશા શાઊલને માન આપ્યું. અરે! શાઊલ મરણ પામ્યો ત્યારે પણ ખુશ થવાને બદલે, દાઊદે વિલાપ કર્યો: “શાઊલ તથા યોનાથાન જીવતાં પ્રિય તથા ખુશકારક હતા. તેઓ ગરુડ કરતાં વેગવાન હતા, તેઓ સિંહો કરતાં બળવાન હતા. અરે ઈસ્રાએલની દીકરીઓ, શાઊલને માટે વિલાપ કરો.” (૨ શમૂએલ ૧:૨૩, ૨૪) ભલે શાઊલે દાઊદને હેરાન કર્યા, પણ દાઊદે યહોવાહના અભિષિક્તને ઊંડું માન આપ્યું. ચાલો આપણે એ સુંદર ઉદાહરણ અનુસરીએ!

w૧૨ ૪/૧ ૧૬ ¶૮

વિશ્વાસઘાત છેલ્લા સમયની એક નિશાની

૮ બાઇબલમાં એવા ઘણા વ્યક્તિઓના દાખલાઓ છે, જેઓએ વફાદારીનો ગુણ બતાવ્યો હતો. ચાલો બે દાખલાનો વિચાર કરીએ અને જોઈએ કે એમાંથી શું શીખી શકીએ. પહેલા યોનાથાનનો વિચાર કરીએ, જે દાઊદને વિશ્વાસુ રહ્યા હતા. યોનાથાન, શાઊલ રાજાના મોટા દીકરા હતા. એટલે તે ઈસ્રાએલના રાજા બની શક્યા હોત. પરંતુ, યહોવાએ દાઊદને રાજા તરીકે પસંદ કર્યા. યોનાથાને ઈશ્વરનો નિર્ણય સ્વીકાર્યો. દાઊદની ઈર્ષા કરવાને બદલે યોનાથાને પોતાનો “જીવ દાઊદના જીવ સાથે એક ગાંઠ” કર્યો. તેમણે દાઊદને વિશ્વાસુ રહેવાનું વચન આપ્યું. તેમણે પોતાના કપડાં, તલવાર, ધનુષ્ય અને પટ્ટો આપીને દાઊદને રાજા તરીકે માન આપ્યું. (૧ શમૂ. ૧૮:૧-૪) દાઊદનો “હાથ મજબૂત” કરવા યોનાથાને બનતું બધું જ કર્યું. અરે, શાઊલથી દાઊદનું રક્ષણ કરવા તેમણે પોતાનો જીવ પણ જોખમમાં નાખ્યો! યોનાથાને દાઊદને વિશ્વાસ અપાવતાં કહ્યું: “તું ઈસ્રાએલનો રાજા થશે, ને હું તારાથી બીજે દરજ્જે હોઈશ.” (૧ શમૂ. ૨૦:૩૦-૩૪; ૨૩:૧૬, ૧૭) એટલે, જ્યારે યોનાથાન મરણ પામ્યા ત્યારે દાઊદને ખૂબ જ દુઃખ થયું. એ દુઃખ અને યોનાથાન માટેનો પ્રેમ તેમણે એક ગીતમાં વ્યક્ત કર્યાં.—૨ શમૂ. ૧:૧૭, ૨૬.

કીમતી રત્નો

it-૧-E ૩૬૯ ¶૨

ભાઈ

બાઇબલમાં ફક્ત સગાં ભાઈઓને જ નહિ, પણ જેઓના ધ્યેયો અને વિચારો એક જેવાં હોય તેઓને પણ “ભાઈ” કહેવામાં આવ્યા છે. જ્યારે દાઉદે લખ્યું, “જુઓ! ભાઈઓ સંપીને રહે, એ કેવું સારું અને આનંદ આપનારું છે!” ત્યારે તે સગાં ભાઈઓની વાત કરી રહ્યા ન હતા. એનો અર્થ એ થાય કે બે વ્યક્તિઓ વચ્ચે ભલે લોહીનો સંબંધ ન હોય તોપણ, તેઓ વચ્ચે સગાં ભાઈઓ જેવો પ્રેમ હોય છે. (ગી ૧૩૩:૧) દાઉદ અને યોનાથાન સગાં ભાઈઓ ન હતા, તોપણ દાઉદે યોનાથાનને મારા ભાઈ કહ્યા. કેમ કે તેઓને એકબીજા માટે પ્રેમ હતો અને તેઓના વિચારો એકસરખા હતા.—૨શ ૧:૨૬.

મે ૨૩-૨૯

બાઇબલમાં રહેલો ખજાનો | ૨ શમુએલ ૪-૬

“યહોવાનો ડર રાખીએ, તેમને ગુસ્સે ન કરીએ”

w૦૫ ૫/૧૫ ૧૭ ¶૮

બીજા શમૂએલના મુખ્ય વિચારો

૬:૧-૭. ભલે દાઊદનો સારો ઈરાદો હતો છતાં, તેમણે કરારકોશને બળદગાડામાં લાવવાનો પ્રયાસ કરીને પરમેશ્વરની આજ્ઞા તોડી. એના લીધે દાઊદની મહેનત પાણીમાં ગઈ. (નિર્ગમન ૨૫:૧૩, ૧૪; ગણના ૪:૧૫, ૧૯; ૭:૭-૯) ઉઝ્ઝાહે પણ સારા ઇરાદાથી કરારકોશ પડતા અટકાવ્યો હતો. એ બતાવે છે કે કોઈ કાર્ય કરવા માટે વ્યક્તિનો સારો ઇરાદો હોય તોપણ તે પરમેશ્વરની આજ્ઞા તોડીને એમ કરી શકતી નથી.

w૦૫ ૨/૧ ૨૭ ¶૨૦

યહોવાહ જે કરે છે એ ખરું જ હોય છે

૨૦ હવે ઉઝ્ઝાહ વિષે વિચારો. ઉઝ્ઝાહ લેવી હતો (પણ તે યાજક ન હતો), એટલે તેને કરારકોશના નિયમો સારી રીતે ખબર હોવા જોઈએ. અરે, દાઊદે કરારકોશ ખસેડ્યો એ પહેલાં ૭૦ વર્ષો સુધી, ઉઝ્ઝાહના પિતાને ઘરે કરારકોશ રાખવામાં આવ્યો હતો. (૧ શમૂએલ ૬:૨૦–૭:૧) એટલે ઉઝ્ઝાહને તો નાનપણથી કરારકોશના નિયમોની જાણ હોવી જોઈએ. નિયમ કરારમાં પણ ચોખ્ખું જણાવવામાં આવ્યું હતું કે કરારકોશ પવિત્ર હતો, એટલે ગમે એ વ્યક્તિ એને હાથ લગાડી શકે નહિ. જો એને અડકે તો તે માર્યો જાય.—ગણના ૪:૧૮-૨૦; ૭:૮૯.

w૦૫ ૨/૧ ૨૭ ¶૨૧

યહોવાહ જે કરે છે એ ખરું જ હોય છે

૨૧ આપણે જોઈ ગયા તેમ યહોવાહ આપણું મન ને દિલ વાંચી શકે છે. શાસ્ત્ર જણાવે છે કે ઉઝ્ઝાહ તેના અપરાધને લીધે માર્યો ગયો. યહોવાહે કદાચ જોયું હોય કે તે સ્વાર્થી હતો, અભિમાની હતો, તેને કોઈ નિયમની પડી ન હતી. (નીતિવચનો ૧૧:૨) ઉઝ્ઝાહના પિતાને ઘરે કરારકોશ વર્ષો સુધી હતો, એટલે તે ફુલાઈ ગયો હોય શકે. (નીતિવચનો ૮:૧૩) કે પછી ઉઝ્ઝાહને યહોવાહમાં એટલી શ્રદ્ધા ન હતી કે તે કરારકોશ બચાવી શકે છે. શાસ્ત્ર બીજી વિગતો આપતું નથી. પણ આપણને ખબર છે કે યહોવાહ જે ખરું છે, એ જ કરે છે. યહોવાહે ઉઝ્ઝાહના મનની વાત જાણી લીધી, જેના કારણે તેમણે તરત જ પગલું લીધું.—નીતિવચનો ૨૧:૨.

કીમતી રત્નો

w૯૬ ૪/૧ ૨૯ ¶૧

હંમેશા તમારો બોજ યહોવાહ પર નાખો

રાજા તરીકે દાઊદે આની કેટલીક જવાબદારી ઊઠાવવાની હતી. તેનો પ્રત્યાઘાત બતાવે છે કે યહોવાહ સાથે સારો સંબંધ રાખનારાઓ પણ પ્રસંગોપાત કસોટીમય પરિસ્થિતિમાં ખરાબ પ્રત્યાઘાત પાડી શકે છે. પ્રથમ દાઊદ ગુસ્સે થયો. પછી તે બીધો. (૨ શમૂએલ ૬:૮, ૯) યહોવાહ સાથે તેના ભરોસાપાત્ર સંબંધની કપરી કસોટી થઈ. આ પ્રસંગ હતો જ્યારે તે પોતાનો બોજ યહોવાહ પર નાખવામાં નિષ્ફળ ગયો, જ્યારે તેણે તેમની આજ્ઞાઓ પાળી નહિ. કેટલીક વખત આપણને પણ એમ થઈ શકે? શું યહોવાહની સૂચનાઓ અવગણવાને કારણે પરિણમતા કોયડા માટે આપણે કદી પણ યહોવાહને દોષ દઈએ છીએ?—નીતિવચન ૧૯:૩.

મે ૩૦–જૂન ૫

બાઇબલમાં રહેલો ખજાનો | ૨ શમુએલ ૭-૮

“યહોવાએ દાઉદ સાથે કરાર કર્યો”

w૧૦-E ૪/૧ ૨૦ ¶૩

‘તારું રાજ્ય હંમેશ માટે ટકી રહેશે’

દાઉદની મંદિર બનાવવાની ઇચ્છા જાણીને યહોવા ખુશ થયા. દાઉદની ભક્તિ જોઈને અને ભવિષ્યવાણી કરવામાં આવી હતી એ પ્રમાણે, યહોવાએ દાઉદ સાથે કરાર કર્યો. યહોવાએ કહ્યું કે તેના વંશમાંથી એવા રાજાને પસંદ કરવામાં આવશે, જે કાયમ માટે રાજ કરશે. યહોવા નાથાન દ્વારા દાઉદને સંદેશો આપે છે: “તારું ઘર અને તારું રાજ્ય હંમેશ માટે સલામત રહેશે. તારી રાજગાદી કાયમ માટે ટકી રહેશે.” (કલમ ૧૬) કરાર પ્રમાણે એ વંશજ કોણ છે જેનું રાજ્ય કાયમ માટે ટકશે?—ગીતશાસ્ત્ર ૮૯:૨૦, ૨૯, ૩૪-૩૬.

w૧૦-E ૪/૧ ૨૦ ¶૪

‘તારું રાજ્ય હંમેશ માટે ટકી રહેશે’

નાઝરેથમાં રહેતા ઈસુ, દાઉદના વંશજ હતા. ઈસુના જન્મ વિશે જણાવતી વખતે દૂતે કહ્યું: “ઈશ્વર તેને તેના પૂર્વજ દાઉદની રાજગાદી આપશે. તે રાજા તરીકે યાકૂબના કુટુંબ પર હંમેશાં રાજ કરશે અને તેના રાજ્યનો કદી અંત આવશે નહિ.” (લૂક ૧:૩૨, ૩૩) યહોવાએ કરેલા કરાર પ્રમાણે જોવા મળે છે કે દાઉદના વંશજ ઈસુ જ રાજા છે. એનાથી સાબિત થાય છે કે ઈસુને માણસોએ નહિ પણ કરાર પ્રમાણે યહોવાએ રાજા બનાવ્યા છે. એટલે ઈસુને પૂરો અધિકાર છે કે તે હંમેશ માટે રાજ કરે. ભરોસો રાખીએ કે યહોવાનાં બધાં વચનો જરૂર પૂરાં થાય છે.—યશાયા ૫૫:૧૦, ૧૧.

w૧૪ ૧૦/૧૫ ૧૦ ¶૧૪

ઈશ્વરના રાજ્યમાં અડગ ભરોસો રાખીએ

૧૪ યહોવાએ પ્રાચીન ઈસ્રાએલના રાજા દાઊદને એક વચન આપ્યું, જેને દાઊદ સાથેનો કરાર કહેવાય છે. (૨ શમૂએલ ૭:૧૨, ૧૬ વાંચો.) યહોવાએ વચન આપ્યું હતું કે દાઊદના વંશમાંથી મસીહ આવશે. (લુક ૧:૩૦-૩૩) એ રીતે, યહોવાએ મસીહ જે કુળમાંથી આવશે એની વધુ સચોટ માહિતી આપી. યહોવાએ કહ્યું કે દાઊદનો એ વંશજ, મસીહી રાજ્યનો રાજા બનવાને “હકદાર” હશે. (હઝકી. ૨૧:૨૫-૨૭) દાઊદનું રાજ જાણે કાયમ ચાલશે, કેમ કે તેમના વંશજ ઈસુ ખ્રિસ્ત ‘સદા રહેશે’ અને ‘સૂર્યની જેમ તેમનું રાજ્યાસન ટકશે.’ (ગીત. ૮૯:૩૪-૩૭) એટલે આપણે ખાતરી રાખી શકીએ કે મસીહી રાજ ક્યારેય ભ્રષ્ટ થશે નહિ. તેમ જ, તેમના રાજથી મળતા આશીર્વાદો પણ સદા માટે રહેશે!

કીમતી રત્નો

it-૨-E ૨૦૬ ¶૨

છેલ્લા દિવસો

બલામની ભવિષ્યવાણી. ઇઝરાયેલીઓ વચનના દેશમાં જાય એ પહેલાં, બલામે મોઆબના રાજા બાલાકને કહ્યું: ‘ચાલો, હું તમને જણાવું કે આ ઇઝરાયેલીઓ ભાવિમાં તમારા લોકોનું શું કરશે. યાકૂબમાંથી તારો નીકળશે, ઇઝરાયેલમાંથી રાજદંડ ઊભો થશે. તે મોઆબના કપાળને વચ્ચેથી ચીરી નાખશે, અને હિંસાના દીકરાઓની ખોપરી ભાંગી નાખશે.’ (ગણ ૨૪:૧૪-૧૭) પહેલી વાર આ ભવિષ્યવાણી પૂરી થઈ ત્યારે એ “તારો” રાજા દાઉદ હતા. તેમણે મોઆબીઓને હરાવીને પોતાના ગુલામ બનાવ્યા હતા.—૨શ ૮:૨.

જૂન ૬-૧૨

બાઇબલમાં રહેલો ખજાનો | ૨ શમુએલ ૯-૧૦

“દાઉદે અતૂટ પ્રેમ બતાવ્યો”

w૦૬ ૭/૧ ૧૦ ¶૬

હા, તમે પણ સુખી થઈ શકો

દાઊદ રાજાએ લખ્યું: “જે દરિદ્રીની [દુખિયારાની] ચિંતા કરે છે તેને ધન્ય છે; સંકટને સમયે યહોવાહ તેને છોડાવશે. યહોવાહ તેનું રક્ષણ કરશે તથા તેને જીવતો રાખશે; તે સુખી થશે.” (ગીતશાસ્ત્ર ૪૧:૧, ૨) દાઊદ રાજાનો એક જિગરી દોસ્ત હતો. યોનાથાન. યોનાથાનનો દીકરો મફીબોશેથ હતો. તે લંગડો હતો. તેથી દાઊદે મફીબોશેથની પ્રેમથી કાળજી રાખી. આપણે પણ એ જ રીતે ગરીબ, દુખિયારા કે નિરાધારને મદદ કરવી જોઈએ.—૨ શમૂએલ ૯:૧-૧૩.

w૦૫ ૫/૧૫ ૧૭ ¶૧૨

બીજા શમૂએલના મુખ્ય વિચારો

૯:૧, ૬, ૭. દાઊદે પોતાનું વચન પાળ્યું. આપણે પણ આપેલાં વચનો પૂરાં કરવાં જોઈએ.

w૦૨ ૨/૧૫ ૧૪ ¶૧૦

તેઓએ કાંટાની વેદના સહન કરી

૧૦ દાઊદ રાજા બન્યા એના થોડા વર્ષો પછી, યોનાથાન માટેના પુષ્કળ પ્રેમને કારણે, તેમણે મફીબોશેથ પર કૃપા બતાવી. દાઊદે તેને શાઊલની સઘળી મિલકત પાછી આપી અને શાઊલની જમીન ખેડવા તેના ચાકર સીબાને રાખ્યો. દાઊદ રાજાએ મફીબોશેથને એમ પણ કહ્યું: “તું હમેશાં મારી મેજ પર ભોજન કરજે.” (૨ શમૂએલ ૯:૬-૧૦) એમાં કોઈ શંકા નથી કે દાઊદની કૃપાથી મફીબોશેથને ઘણો દિલાસો મળ્યો અને પોતાની અપંગતા સહન કરવા મદદ મળી હશે. ખરેખર આપણા માટે કેટલું સુંદર ઉદાહરણ! જે કોઈ ‘દેહનો કાંટો’ સહન કરતા હોય, તેઓ પર આપણે જરૂર કૃપા રાખવી જોઈએ.

કીમતી રત્નો

it-૧-E ૨૬૬

દાઢી

જૂના જમાનામાં ઇઝરાયેલમાં અને બીજા પૂર્વી દેશોમાં દાઢી રાખવી એ પુરુષોની શાન ગણાતી. ઈશ્વરે ઇઝરાયેલીઓને નિયમ આપ્યો હતો કે તેઓ “કલમ” ન મૂંડાવે અને દાઢી બાજુએથી ન મૂંડાવે. (લેવી ૧૯:૨૭; ૨૧:૫) એ નિયમ કદાચ એટલા માટે આપવામાં આવ્યો હતો, કેમ કે બીજા ધર્મના લોકો પોતાના ધાર્મિક રીવાજોને લીધે દાઢી કપાવી નાંખતા હતા.

જૂન ૧૩-૧૯

બાઇબલમાં રહેલો ખજાનો | ૨ શમુએલ ૧૧-૧૨

“ખોટી ઇચ્છાઓને કાબૂમાં રાખીએ”

w૨૧.૦૬ ૧૭ ¶૧૦

આપણે શેતાનના ફાંદામાંથી છૂટી શકીએ છીએ!

૧૦ યહોવાની કૃપા દાઉદ પર હતી. એટલે દાઉદ પાસે ઘણી ધનદોલત અને માન-મહિમા હતો. તેમણે ઘણા યુદ્ધો જીત્યા હતા. યહોવાના આશીર્વાદ માટે તે એટલા આભારી હતા કે તેમણે કહ્યું: “એ ગણ્યાં ગણાય નહિ એટલાં છે!” (ગીત. ૪૦:૫) પણ એક સમયે તે યહોવાની કૃપા ભૂલી ગયા. તેમના મનમાં લાલચ જાગી. તેમની ઘણી પત્નીઓ હતી, છતાં તેમણે ઊરિયાની પત્ની બાથ-શેબા સાથે વ્યભિચાર કર્યો અને તે ગર્ભવતી થઈ. આમ તેમણે પાપ તો કર્યું, પણ એટલેથી તે અટક્યા નહિ. તેમણે બાથ-શેબાના પતિ ઊરિયાને મારી નંખાવ્યો. (૨ શમુ. ૧૧:૨-૧૫) દાઉદ વર્ષોથી યહોવાને વફાદાર હતા અને તેમને ખબર હતી કે તે જે કરી રહ્યા છે એ ખોટું છે. પણ તેમને લોભ જાગ્યો અને મોટી ભૂલ કરી બેઠા. એ માટે તેમણે ભારે કિંમત ચૂકવવી પડી. તેમણે ભૂલ સ્વીકારી, પસ્તાવો કર્યો અને યહોવાએ તેમને માફ કર્યા. દાઉદ એ માટે ઘણા આભારી હતા.—૨ શમુ. ૧૨:૭-૧૩.

w૧૯.૦૯ ૧૭ ¶૧૫

ખુશીથી યહોવાનું કહ્યું માનીએ

૧૫ યહોવાએ દાઊદને કુટુંબના શિર તરીકેની જ નહિ, પણ આખા ઇઝરાયેલ રાષ્ટ્રની જવાબદારી આપી હતી. રાજા તરીકે દાઊદના હાથમાં ઘણી સત્તા હતી. પણ અમુક વાર તેમણે એનો ખોટો ઉપયોગ કર્યો અને ગંભીર ભૂલો કરી. (૨ શમૂ. ૧૧:૧૪, ૧૫) પણ શિસ્ત સ્વીકારીને તેમણે યહોવાનું કહ્યું માન્યું. તેમણે પ્રાર્થનામાં યહોવા આગળ દિલ ઠાલવી દીધું. યહોવાનાં સલાહ-સૂચનો પાળવા તેમણે બનતું બધું કર્યું. (ગીત. ૫૧:૧-૪) ફક્ત પુરુષો પાસેથી જ નહિ, સ્ત્રીઓ પાસેથી મળેલી સલાહ પણ તેમણે નમ્રતાથી સ્વીકારી. (૧ શમૂ. ૧૯:૧૧, ૧૨; ૨૫:૩૨, ૩૩) દાઊદ પોતાની ભૂલોમાંથી શીખ્યા. યહોવાની ભક્તિને તેમણે જીવનમાં પ્રથમ રાખી હતી.

w૧૮.૦૬ ૧૭ ¶૭

ઈશ્વરના નિયમો અને સિદ્ધાંતો દ્વારા આપણા અંતઃકરણને કેળવીએ

૭ ખરું-ખોટું પારખવા શું આપણે ઈશ્વરના નિયમો તોડીને એનાં ખરાબ પરિણામો ભોગવવાનો અખતરો કરવો જોઈએ? ના, જરાય નહિ. અગાઉના ઈશ્વરભક્તોની ભૂલો પરથી આપણે શીખી શકીએ છીએ. એ વિશેના દાખલાઓ બાઇબલમાં નોંધવામાં આવ્યા છે. નીતિવચનો ૧:૫ જણાવે છે: “જો ડાહ્યો માણસ સાંભળશે તો તેનું ડહાપણ વધશે.” (ઈઝી-ટુ-રીડ વર્ઝન) એ ડહાપણ ઈશ્વર તરફથી મળે છે અને એ સૌથી ઉત્તમ માર્ગદર્શન છે. દાખલા તરીકે, દાઊદે યહોવાની આજ્ઞા તોડી અને બાથશેબા સાથે વ્યભિચાર કર્યો. પરિણામે, તેમણે કેટલી તકલીફોનો સામનો કરવો પડ્યો હશે એ વિચારો! (૨ શમૂ. ૧૨:૭-૧૪) એ અહેવાલ વાંચો ત્યારે પોતાને પૂછો કે, “કઈ રીતે દાઊદ એ પાપ કરવાથી દૂર રહી શક્યા હોત? જો હું એવા સંજોગોમાં આવી પડું, તો શું કરીશ? શું હું દાઊદની જેમ વ્યભિચાર કરીશ કે પછી યુસફની જેમ ત્યાંથી નાસી જઈશ?” (ઉત. ૩૯:૧૧-૧૫) જો પાપનાં ગંભીર પરિણામોનો વિચાર કરીશું, તો આપણે ‘ભૂંડાને ધિક્કારવાનો’ મનમાં દૃઢ નિર્ધાર કરી શકીશું.

કીમતી રત્નો

it-૧-E ૫૯૦ ¶૧

દાઉદ

યહોવાએ દાઉદ અને બાથ-શેબાનું પાપ છુપાવ્યું નહિ. તે બધું જોતા હતા એટલે જે સાચું હતું તેને બહાર લાવ્યા. યહોવાએ આ બાબત ન્યાયાધીશોના હાથમાં સોંપી હોત, તો મૂસાના નિયમ પ્રમાણે તેઓને મોતની સજા થઈ હોત. બાથ-શેબાની સાથે તેના ગર્ભમાં રહેલું બાળક પણ મરી ગયું હોત. (પુન ૫:૧૮; ૨૨:૨૨) પણ યહોવાએ પોતે એ બાબત હાથ ધરી. તેમણે દાઉદ સાથે જે કરાર કર્યો હતો એના લીધે તેના પર દયા બતાવી. (૨શ ૭:૧૧-૧૬) દાઉદે બીજા પર દયા બતાવી હતી તેથી યહોવાએ તેના પર દયા બતાવી. (૧શ ૨૪:૪-૭; યાકૂ ૨:૧૩ સરખાવો) દાઉદ અને બાથ-શેબાને માફ કરવાનું બીજું પણ એક કારણ હતું. યહોવા જોઈ શક્યા કે તેઓએ સાચા દિલથી પસ્તાવો કર્યો હતો. (ગી ૫૧:૧-૪) પણ એનો અર્થ એ નથી કે યહોવાએ તેઓને સજા ન કરી. તેમણે નાથાન પ્રબોધક દ્વારા ભવિષ્યવાણી કરી: “હું તારા પોતાના ઘરમાંથી તારી વિરુદ્ધ આફત લાવીશ.”—૨શ ૧૨:૧-૧૨.

જૂન ૨૦-૨૬

બાઇબલમાં રહેલો ખજાનો | ૨ શમુએલ ૧૩-૧૪

“આમ્નોનના સ્વાર્થનું ખરાબ પરિણામ”

it-૧-E ૩૨

આબ્શાલોમ

આમ્નોનનું ખૂન. આબ્શાલોમની બહેન તામાર ખૂબ સુંદર હતી. તામારનો સાવકો ભાઈ આમ્નોન, જે તેનાથી મોટો હતો તે તેની સુંદરતા પર મોહી પડ્યો. આમ્નોને બીમાર હોવાનું નાટક કરીને તામારને પોતાની પાસે બોલાવી. તામારે તેની પાસે આવીને તેના માટે જમવાનું બનાવ્યું. આમ્નોને તેની સાથે જબરજસ્તી કરી અને તેના પર બળાત્કાર કર્યો. પછી આમ્નોનનો પ્રેમ ધિક્કારમાં બદલાઈ ગયો. તેણે તામારને ઘરમાંથી કાઢી મૂકી અને એકલી મૂકી દીધી.—૨શ ૧૩:૧-૨૦.

w૧૭.૦૯ ૫ ¶૧૧

સંયમનો ગુણ કેળવો

૧૧ બાઇબલમાં એવા લોકોના દાખલા પણ છે, જેઓ વ્યભિચારના ફાંદામાં ફસાયા હતા. એ દાખલા બતાવે છે કે સંયમ રાખવામાં ન આવે ત્યારે, ખરાબ પરિણામો ભોગવવાં પડે છે. જો તમે પણ કીમના જેવા સંજોગોમાં આવી પડો તો શું કરશો? નીતિવચનો ૭મા અધ્યાયમાં વર્ણન કરેલા મૂર્ખ યુવાનનો વિચાર કરજો. આમ્નોને કરેલા વ્યભિચારનું કેવું ભયાનક પરિણામ આવ્યું હતું, એને પણ યાદ કરજો. (૨ શમૂ. ૧૩:૧, ૨, ૧૦-૧૫, ૨૮-૩૨) એ દાખલાઓ વિશે કુટુંબ તરીકેની ભક્તિમાં ચર્ચા કરીને માતા-પિતા બાળકોને સંયમ અને સમજદારી રાખવાનું શીખવી શકે.

it-૧-E ૩૩ ¶૧

આબ્શાલોમ

તામાર પર બળાત્કાર થયાને બે વર્ષ વીતી ગયાં. આબ્શાલોમે ઘેટાંનું ઊન કાતરવાના સમયે બઆલ-હાસોરમાં એક મિજબાની રાખી. એ જગ્યા યરૂશાલેમથી ૨૨ કિ.મી. દૂર ઉત્તર-પૂર્વીય વિસ્તારમાં હતી. એ મિજબાનીમાં તેણે પિતા દાઉદ અને પોતાના બધા ભાઈઓને આમંત્રણ આપ્યું. જોકે, દાઉદે જણાવ્યું કે તે નહિ આવી શકે. એટલે આબ્શાલોમે તેમના પ્રથમ દીકરા એટલે કે પોતાના ભાઈ આમ્નોનને મોકલવાની વિનંતી કરી. (ની ૧૦:૧૮) મિજબાનીમાં આમ્નોન “દ્રાક્ષદારૂ પીને મસ્ત” થઈ ગયો ત્યારે, આબ્શાલોમે પોતાના ચાકરોને હુકમ કર્યો કે તેને મારી નાખે.—૨શ ૧૩:૨૩-૩૮.

કીમતી રત્નો

g૦૪-E ૧૨/૨૨ ૮-૯

કઈ વાત વ્યક્તિને ખરેખર સુંદર બનાવે છે?

આબ્શાલોમ વિશે બાઇબલમાં જણાવ્યું છે, “આખા ઇઝરાયેલમાં આબ્શાલોમ જેવો દેખાવડો કોઈ ન હતો, જેની બહુ વાહ વાહ થતી હતી. પગના તળિયાથી તે માથાના તાલકા સુધી તેનામાં કોઈ ખોડ ન હતી.” (૨ શમુએલ ૧૪:૨૫) પણ તેનું દિલ સારું ન હતું, તેનામાં ઘણા ખરાબ ગુણો હતાં. તેને રાજા બનવું હતું, એટલે પોતાના પિતા સામે બળવો કર્યો અને રાજગાદી છીનવી લેવાનો પ્રયત્ન કર્યો. અરે, પોતાના પિતાની ઉપપત્નીઓની આબરૂ પણ લીધી. એટલે ઈશ્વર તેના પર ક્રોધે ભરાયા અને આબ્શાલોમ કરૂણ મોતે મર્યો.—૨ શમુએલ ૧૫:૧૦-૧૪; ૧૬:૧૩-૨૨; ૧૭:૧૪; ૧૮:૯, ૧૫.

શું તમને આવી વ્યક્તિ ગમશે? ના, જરાય નહિ. આબ્શાલોમ દેખાવડો હતો, પણ તે બીજાઓ કરતાં ચઢિયાતો બનવા માંગતો હતો. તેણે દગો પણ કર્યો એટલે તે માર્યો ગયો. તેની સુંદરતા કંઈ કામ ન આવી. બીજી બાજુ, બાઇબલમાં ઘણા નમ્ર લોકો વિશે જણાવવામાં આવ્યું છે. તેઓના દેખાવ વિશે કોઈ માહિતી નથી, પણ તેઓના સારા ગુણોને લીધે તેઓ આપણને ગમે છે. એ લોકો દેખાવે કેવા હતા એ નહિ, દિલથી કેવા હતા એ મહત્ત્વનું છે. એ જ વાત વ્યક્તિને સુંદર બનાવે છે.

જૂન ૨૭–જુલાઈ ૩

બાઇબલમાં રહેલો ખજાનો | ૨ શમુએલ ૧૫-૧૭

“આબ્શાલોમે ઘમંડને લીધે બળવો કર્યો”

it-૧-E ૮૬૦

આગળ દોડનાર

પહેલાંના સમયમાં પૂર્વના દેશોમાં રિવાજ હતો કે, રાજાની સવારી નીકળે ત્યારે તેના રથની આગળ આગળ અમુક માણસો દોડે. તેઓ જાહેરાત કરતા કે રાજા આવી રહ્યા છે જેથી લોકો તેમનું સ્વાગત કરવા તૈયાર રહે. દોડનારાઓ રાજાને જરૂર પડે તો મદદ કરવા પણ તૈયાર રહેતા. (૧શ ૮:૧૧) આબ્શાલોમ અને અદોનિયા સારી રીતે જાણતા હતા કે રાજાના રથની આગળ જ માણસો દોડતા હોય છે. તેઓ ઇઝરાયેલના રાજાની વિરુદ્ધ થઈ ગયા હતા અને પોતે રાજા બનવા માંગતા હતા. એટલે, તેઓએ પોતપોતાના રથો આગળ ૫૦ માણસોને દોડવા માટે તૈયાર કર્યા. આબ્શાલોમ અને અદોનિયાને હતું કે એ માણસોને રથો આગળ દોડતા જોઈને લોકો અમારો વધારે આદર કરશે. લોકો વિચારશે કે અમને જ રાજા બનાવવા જોઈએ.—૨શ ૧૫:૧; ૧રા ૧:૫.

w૧૨ ૭/૧ ૧૮ ¶૫

આઝાદી આપનાર ઈશ્વરની ભક્તિ કરો

૫ બાઇબલમાં એવા ઘણા લોકોનાં ઉદાહરણો છે, જેઓની બીજાઓ પર ખરાબ અસર પડી હતી. એમાંનું એક ઉદાહરણ, દાઊદ રાજાનો દીકરો આબ્શાલોમ છે. તે ઘણો દેખાવડો હતો. સમય જતાં, આબ્શાલોમના દિલમાં પણ શેતાનની જેમ સત્તાનો લોભ જાગ્યો. તે પોતાના પિતાની રાજગાદી પચાવી પાડવા માગતો હતો, જેના માટે તે હક્કદાર ન હતો. રાજસત્તા પડાવી લેવા તેણે લુચ્ચાઈથી પ્રયાસ કર્યા. આબ્શાલોમે ઢોંગ કર્યો કે તેને ઈસ્રાએલી પ્રજા માટે બહુ ચિંતા છે. તેણે ધીરે ધીરે ચાલાકીથી પ્રજાના મનમાં ઠસાવ્યું કે તેઓને ન્યાય આપવાની રાજાને કંઈ પડી નથી. એદન બાગમાં શેતાને જેવું કર્યું હતું, એવું જ આબ્શાલોમે પણ કર્યું. તેણે તેઓનું ભલું ચાહનાર હોવાનો દેખાડો કર્યો અને પોતાના પિતાનું નામ બદનામ કર્યું.—૨ શમૂ. ૧૫:૧-૫.

it-૧-E ૧૦૮૩-૧૦૮૪

હેબ્રોન

દાઉદ રાજા બન્યા એના થોડાં વર્ષો પછી તેમનો દીકરો આબ્શાલોમ હેબ્રોન શહેરમાં ગયો. તેણે પોતાના પિતાની રાજગાદી પચાવી પાડવાનું કાવતરું રચ્યું પણ તે સફળ થયો નહિ. (૨શ ૧૫:૭-૧૦) પણ તે હેબ્રોન કેમ ગયો હતો? એના ઘણાં કારણો હોય શકે. જેમ કે હેબ્રોનમાં આબ્શાલોમનો જન્મ થયો હતો, એ યહૂદાની રાજધાની હતી અને ત્યાં ઇતિહાસના મહત્ત્વના બનાવો પણ બન્યા હતા.

કીમતી રત્નો

w૧૮.૦૮ ૬ ¶૧૧

શું તમે બધી હકીકત જાણો છો?

૧૧ લોકો આપણા વિશે એવી વાતો ફેલાવે, જેનો અમુક ભાગ જ સાચો હોય. એટલે કદાચ આપણે અન્યાય સહેવો પડે. ચાલો મફીબોશેથ સાથે શું થયું, એનો વિચાર કરીએ. રાજા દાઊદે ઉદારતાથી મફીબોશેથને તેના દાદા શાઊલની બધી જમીન આપી હતી. (૨ શમૂ. ૯:૬, ૭) પણ, પછીથી દાઊદને મફીબોશેથ વિશે એક વાત સાંભળવા મળી. એ વાત સાચી છે કે નહિ, એની તપાસ કરવાને બદલે દાઊદે મફીબોશેથની બધી સંપત્તિ લઈ લીધી. (૨ શમૂ. ૧૬:૧-૪) પછીથી દાઊદે મફીબોશેથ સાથે વાત કરી ત્યારે તેમને પોતાની ભૂલ સમજાઈ. એટલે, તેમણે કેટલીક સંપત્તિ મફીબોશેથને પાછી આપી. (૨ શમૂ. ૧૯:૨૪-૨૯) અધૂરી માહિતીને આધારે તરત જ પગલાં લેવાને બદલે દાઊદે શું કરવાની જરૂર હતી? તેમણે બધી માહિતી મેળવવાની જરૂર હતી. જો તેમણે એવું કર્યું હોત, તો મફીબોશેથ સાથે અન્યાય થયો ન હોત.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો