પહેલો શમુએલ
૨૯ પલિસ્તીઓએ+ પોતાનાં બધાં લશ્કરો અફેકમાં ભેગાં કર્યાં, જ્યારે કે ઇઝરાયેલીઓએ યિઝ્રએલના ઝરા પાસે છાવણી નાખી.+ ૨ પલિસ્તીઓના શાસકો પોતાની સો સો અને હજાર હજારની ટુકડીઓ સાથે કૂચ કરતા આગળ વધ્યા. દાઉદ અને તેના માણસો આખીશની સાથે સૈન્યમાં પાછળના ભાગમાં ચાલતા હતા.+ ૩ પલિસ્તીઓના આગેવાનોએ પૂછ્યું: “આ હિબ્રૂઓ અહીં શું કરે છે?” આખીશે તેઓને જવાબ આપ્યો: “આ તો દાઉદ છે, ઇઝરાયેલના રાજા શાઉલનો સેવક. દાઉદ મારી સાથે છે એને એક વર્ષ ઉપર થયું.+ તે નાસીને મારી પાસે આવ્યો, એ દિવસથી છેક આજ સુધી મને તેનામાં કોઈ દોષ દેખાયો નથી.” ૪ પલિસ્તીઓના આગેવાનો આખીશ પર ગુસ્સે ભરાયા અને તેને કહ્યું: “આ માણસને પાછો મોકલી દે.+ તેં તેને જે જગ્યા આપી છે એમાં તેને પાછો જવા દે. તેને આપણી સાથે લડાઈમાં આવવા ન દે, નહિ તો લડાઈમાં તે આપણને દગો દેશે.+ તે પોતાના માલિકની કૃપા મેળવવા શું નહિ કરે? તે આપણા માણસોનાં માથાં ઉતારતાં જરાય નહિ અચકાય. ૫ શું આ એ જ દાઉદ નથી, જેના વિશે તેઓ નાચતાં-ગાતાં કહેતા હતા:
‘શાઉલે માર્યા હજારને
અને દાઉદે માર્યા દસ હજારને’?”+
૬ એટલે આખીશે+ દાઉદને બોલાવીને કહ્યું: “યહોવાના સમ* કે તું સચ્ચાઈથી વર્તે છે. તું મારા લશ્કર સાથે લડવા આવે એમાં મને કોઈ વાંધો નથી.+ તું મારી પાસે આવ્યો, એ દિવસથી છેક આજ સુધી મને તારામાં કોઈ દોષ દેખાયો નથી.+ પણ બીજા શાસકોને તારા પર ભરોસો નથી.+ ૭ તેથી શાંતિથી પાછો ફર અને પલિસ્તીઓના શાસકોને ખોટું લાગે એવું કંઈ ન કર.” ૮ દાઉદે આખીશને પૂછ્યું: “મારા માલિક, કેમ એવું? મેં એવું તો શું કર્યું છે? હું તમારી પાસે આવ્યો, એ દિવસથી છેક આજ સુધી શું તમને મારામાં કોઈ વાંક-ગુનો દેખાયો છે? હું કેમ તમારી સાથે ન આવી શકું? હું રાજાના દુશ્મનો સામે કેમ લડી ન શકું?” ૯ આખીશે દાઉદને જવાબ આપ્યો: “તું મારી નજરે તો સારો છે, ઈશ્વરના દૂત જેવો છે.+ પણ પલિસ્તીઓના આગેવાનોએ કહ્યું છે, ‘તેને આપણી સાથે લડાઈમાં આવવા ન દે.’ ૧૦ તું અને તારી સાથે આવેલા માણસો વહેલી સવારે ઊઠી જજો અને અજવાળું થતા જ અહીંથી નીકળી જજો.”
૧૧ એટલે દાઉદ અને તેના માણસો સવારે વહેલા ઊઠીને પલિસ્તીઓના વિસ્તારમાં પાછા જવા નીકળી ગયા. પલિસ્તીઓ યિઝ્રએલ+ તરફ ગયા.