વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • અંજીરના ઝાડ દ્વારા શ્રદ્ધા વિશે બોધપાઠ
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
    • ઈસુ અને તેમના શિષ્યો સુકાઈ ગયેલા અંજીરના ઝાડને જુએ છે

      પ્રકરણ ૧૦૫

      અંજીરના ઝાડ દ્વારા શ્રદ્ધા વિશે બોધપાઠ

      માથ્થી ૨૧:૧૯-૨૭ માર્ક ૧૧:૧૯-૩૩ લુક ૨૦:૧-૮

      • સુકાયેલું અંજીરનું ઝાડ—શ્રદ્ધાનો બોધપાઠ

      • ઈસુના અધિકારને પડકારવામાં આવે છે

      ઈસુ સોમવારે બપોરે યરૂશાલેમ છોડીને બેથનિયા ગામ પાછા ગયા, જે જૈતૂન પહાડની પૂર્વે ઢોળાવ પર આવેલું હતું. તેમણે કદાચ પોતાના મિત્રો લાજરસ, મરિયમ અને માર્થાના ઘરે રાત વિતાવી.

      નીસાન ૧૧ની સવારે ઈસુ અને તેમના શિષ્યોએ ફરી મુસાફરી શરૂ કરી. તેઓ પાછા યરૂશાલેમ જવા નીકળ્યા. ઈસુ હવે છેલ્લી વાર મંદિરે જઈ રહ્યા હતા. જાહેરમાં પ્રચાર કરવાનો આ તેમનો છેલ્લો દિવસ હતો. એ પછી આ બનાવો બન્યા: તેમણે પાસ્ખાનો તહેવાર ઊજવ્યો; પોતાના મરણને યાદ કરવા સ્મરણપ્રસંગની સ્થાપના કરી; તેમના પર મુકદ્દમો ચાલ્યો અને છેવટે તેમને મારી નાખવામાં આવ્યા.

      બેથનિયાથી યરૂશાલેમ જતી વખતે પીતરે જૈતૂન પહાડ પર પેલું અંજીરનું ઝાડ જોયું, જેને ઈસુએ આગલી સવારે શાપ આપ્યો હતો. પીતર પોકારી ઊઠ્યા: “ગુરુજી, જુઓ! તમે શાપ આપ્યો હતો, એ અંજીરનું ઝાડ સુકાઈ ગયું છે.”—માર્ક ૧૧:૨૧.

      પણ, ઈસુએ શા માટે એ ઝાડને સૂકવી દીધું હતું? તેમણે એનું કારણ જણાવતા કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે જો તમારામાં શ્રદ્ધા હોય અને શંકા ન કરો, તો મેં અંજીરના ઝાડને જે કર્યું એ જ નહિ, પણ તમે આ પહાડને કહો કે, ‘ઊંચકાઈને સમુદ્રમાં પડ’ તો, એમ પણ થશે. તમે શ્રદ્ધાથી પ્રાર્થનામાં જે કંઈ માંગો, એ તમને મળશે.” (માથ્થી ૨૧:૨૧, ૨૨) અગાઉ તેમણે જણાવ્યું હતું કે શ્રદ્ધા હશે તો, પહાડ પણ ખસેડી શકાશે અને એ જ મુદ્દા પર તેમણે ફરીથી ભાર મૂક્યો.—માથ્થી ૧૭:૨૦.

      તેથી, ઝાડને સૂકવી નાખીને ઈસુએ શીખવ્યું કે ઈશ્વરમાં શ્રદ્ધા હોવી ખૂબ જરૂરી છે. તેમણે કહ્યું: “જે બધી બાબતો માટે તમે પ્રાર્થના કરો છો અને માંગો છો, એ તમને મળી ગયું છે એવી શ્રદ્ધા રાખો અને એ તમને મળશે.” (માર્ક ૧૧:૨૪) ઈસુના સર્વ અનુયાયીઓ માટે કેવો મહત્ત્વનો બોધપાઠ! એમાંય ખાસ કરીને પ્રેરિતો માટે એ સમયસરનો બોધપાઠ હતો, કેમ કે થોડા જ સમયમાં તેઓએ મોટી કસોટીઓનો સામનો કરવાનો હતો. અંજીરના ઝાડનું સુકાઈ જવું અને શ્રદ્ધાનો ગુણ હોવામાં બીજો એક બોધપાઠ પણ સમાયેલો હતો.

      અંજીરના ઝાડની જેમ, ઇઝરાયેલી પ્રજાએ પણ છેતરામણો દેખાવ ઊભો કર્યો હતો. એ પ્રજા સાથે ઈશ્વરે કરાર કર્યો હતો અને બહારથી એમ લાગતું હતું કે તેઓ ઈશ્વરના નિયમો પાળે છે. પરંતુ, તેઓમાં શ્રદ્ધાની ખામી હતી અને સારાં ફળો આપતાં ન હતાં. તેઓએ ઈશ્વરના દીકરાનો પણ નકાર કર્યો! આમ, અંજીરના ઝાડને સૂકવી નાખીને ઈસુએ બતાવ્યું કે ફળ ન આપનાર અને શ્રદ્ધા વગરની ઇઝરાયેલી પ્રજાના એવા જ હાલ થશે.

      થોડા સમય પછી, ઈસુ અને તેમના શિષ્યો યરૂશાલેમ આવી પહોંચ્યા. પોતાના રિવાજ પ્રમાણે ઈસુ મંદિરમાં ગયા અને શીખવવા લાગ્યા. ઈસુ આગલી સવારે નાણાં બદલનારાઓ સાથે જે રીતે વર્ત્યા હતા, એ વાત હજુ પણ મુખ્ય યાજકો અને લોકોના વડીલોના મનમાં તાજી હતી. એટલે, તેઓએ ઈસુ સામે સવાલ ઉઠાવ્યો: “તું આ બધાં કામો કયા અધિકારથી કરે છે? અથવા, આ બધાં કામો કરવાનો અધિકાર તને કોણે આપ્યો?”—માર્ક ૧૧:૨૮.

      ઈસુએ જવાબ આપ્યો: “હું તમને એક સવાલ પૂછીશ. મને જવાબ આપો, પછી હું તમને જણાવીશ કે હું આ બધું કયા અધિકારથી કરું છું. જે બાપ્તિસ્મા યોહાન આપતો હતો એ ઈશ્વર તરફથી હતું કે માણસો તરફથી? મને જવાબ આપો.” આમ, ઈસુએ પોતાના વિરોધીઓને વળતો સવાલ કરીને ગૂંચવણમાં મૂકી દીધા. યાજકો અને વડીલો અંદરોઅંદર વાત કરવા લાગ્યા કે કઈ રીતે જવાબ આપવો: “જો આપણે કહીએ, ‘ઈશ્વર તરફથી,’ તો તે કહેશે, ‘તો પછી, તમે કેમ તેનું કહેવું માન્યું નહિ?’ અથવા, શું આપણે એમ કહીએ કે ‘માણસો તરફથી’?” તેઓના મનમાં એવો વિચાર તો આવ્યો પણ તેઓ લોકોના ટોળાથી ડરતા હતા, “કેમ કે બધા લોકો એમ માનતા હતા કે યોહાન ખરેખર પ્રબોધક હતો.”—માર્ક ૧૧:૨૯-૩૨.

      ઈસુનો વિરોધ કરનારાઓને યોગ્ય જવાબ મળ્યો નહિ. એટલે, તેઓએ કહ્યું: “અમને ખબર નથી.” ઈસુએ તેઓને કહ્યું: “હું પણ તમને નથી જણાવતો કે હું કયા અધિકારથી આ કામો કરું છું.”—માર્ક ૧૧:૩૩.

      • નીસાન ૧૧નો દિવસ કેમ ખાસ હતો?

      • સૂકવી નાખેલા અંજીરના ઝાડથી ઈસુએ કયા બોધપાઠ શીખવ્યા?

      • ઈસુએ પોતાના અધિકાર પર સવાલ ઉઠાવનારાઓને કઈ રીતે ગૂંચવણમાં મૂકી દીધા?

  • દ્રાક્ષાવાડી વિશે બે ઉદાહરણ
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
    • દ્રાક્ષાવાડીના માલિકના દીકરાને ખેડૂતો મારી નાખી રહ્યા છે

      પ્રકરણ ૧૦૬

      દ્રાક્ષાવાડી વિશે બે ઉદાહરણ

      માથ્થી ૨૧:૨૮-૪૬ માર્ક ૧૨:૧-૧૨ લુક ૨૦:૯-૧૯

      • બે દીકરાઓ વિશે ઉદાહરણ

      • દ્રાક્ષાવાડીના ખેડૂતોનું ઉદાહરણ

      મંદિરમાં હમણાં જ મુખ્ય યાજકો અને લોકોના વડીલોએ સવાલ ઉઠાવ્યો હતો કે ઈસુ કયા અધિકારથી બધું કરે છે. ઈસુએ વળતો સવાલ કરીને તેઓને ગૂંચવણમાં મૂકી દીધા. ઈસુના જવાબે તેઓને ચૂપ કરી દીધા હતા. પછી, તેમણે એક ઉદાહરણ આપ્યું, જે બતાવતું હતું કે અસલમાં તેઓ કેવા છે.

      ઈસુએ જણાવ્યું: “એક માણસને બે દીકરાઓ હતા. પહેલાની પાસે જઈને તેણે કહ્યું, ‘બેટા, આજે દ્રાક્ષાવાડીમાં જઈને કામ કર.’ તેણે જવાબમાં કહ્યું, ‘હું નહિ જાઉં,’ પણ પછીથી તેને પસ્તાવો થયો અને તે ગયો. બીજાની પાસે જઈને પિતાએ એવું જ કહ્યું. તેણે જવાબ આપ્યો, ‘હું જઈશ પિતાજી,’ પણ તે ન ગયો. આ બેમાંથી કોણે પોતાના પિતાની મરજી પ્રમાણે કર્યું?” (માથ્થી ૨૧:૨૮-૩૧) જવાબ સ્પષ્ટ છે, પહેલા દીકરાએ, કેમ કે છેવટે તેણે પિતાની ઇચ્છા પ્રમાણે કર્યું હતું.

      એટલે, ઈસુએ પોતાના વિરોધીઓને કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે કર ઉઘરાવનારાઓ અને વેશ્યાઓ તમારી આગળ ઈશ્વરના રાજ્યમાં જાય છે.” કર ઉઘરાવનારાઓ અને વેશ્યાઓ શરૂઆતમાં ઈશ્વરને ભજતા ન હતા. પરંતુ, પહેલા દીકરાની જેમ તેઓએ પછીથી પસ્તાવો કર્યો અને ઈશ્વરને ભજવા લાગ્યા. એનાથી વિરુદ્ધ, ધર્મગુરુઓ બીજા દીકરા જેવા હતા. તેઓ ઈશ્વરને ભજવાનો દાવો કરતા હતા, પણ ખરેખર તો એ ભક્તિનો દેખાડો જ હતો. ઈસુએ જણાવ્યું: “યોહાન [બાપ્તિસ્મા આપનાર] ખરો માર્ગ બતાવવા તમારી પાસે આવ્યો, પણ તમે તેનું માન્યું નહિ. જોકે, કર ઉઘરાવનારાઓ અને વેશ્યાઓએ તેનું માન્યું અને તમે આ જોયા પછી પણ પસ્તાવો કર્યો નહિ અને તમે તેનું માન્યું નહિ.”—માથ્થી ૨૧:૩૧, ૩૨.

      એ પછી, ઈસુએ બીજું એક ઉદાહરણ જણાવ્યું. આ વખતે તેમણે એ વાત પર ધ્યાન દોર્યું કે ધર્મગુરુઓએ ઈશ્વરની ભક્તિ ચૂકી જવા ઉપરાંત કંઈક વધારે ગંભીર કામ કર્યું હતું. તેઓ હકીકતમાં દુષ્ટ હતા. ઈસુએ જણાવ્યું: “એક માણસે દ્રાક્ષાવાડી કરી અને એની ફરતે વાડ ઊભી કરી; દ્રાક્ષ ખૂંદવા માટે કુંડ ખોદ્યો અને ચોકી કરવા બુરજ બાંધ્યો; પછી, ખેડૂતોને ભાગે આપીને તે પરદેશ ગયો. દ્રાક્ષની કાપણીની મોસમમાં તેણે પોતાના ચાકરને ખેડૂતો પાસે મોકલ્યો, જેથી દ્રાક્ષાવાડીની પેદાશમાંથી પોતાનો ભાગ તેઓ પાસેથી મેળવે. પણ, તેઓએ તેને પકડ્યો, માર્યો અને તેને ખાલી હાથે પાછો મોકલી દીધો. ફરી તેણે બીજા ચાકરને તેઓ પાસે મોકલ્યો અને તેઓએ તેના માથા પર ઘા કર્યો અને તેનું અપમાન કર્યું. માલિકે બીજા એકને મોકલ્યો અને તેઓએ તેને મારી નાખ્યો; તેણે બીજા ઘણાને મોકલ્યા અને એમાંથી અમુકને તેઓએ માર્યા અને અમુકને મારી નાખ્યા.”—માર્ક ૧૨:૧-૫.

      ત્યાં હાજર લોકો શું એ ઉદાહરણ સમજી શક્યા? કદાચ તેઓને યશાયાના આ શબ્દો યાદ આવ્યા હશે: ‘ઇઝરાયેલી લોકો તે સૈન્યોના ઈશ્વર યહોવાની દ્રાક્ષાવાડી છે, ને યહુદાના લોક તેના મનોરંજક રોપ જેવા છે; તે ઇન્સાફની આશા રાખતા હતા, પણ ત્યાં જુઓ, રક્તપાત છે.’ (યશાયા ૫:૭) ઈસુનું ઉદાહરણ પણ એના જેવું જ હતું. દ્રાક્ષાવાડીના માલિક યહોવા હતા અને દ્રાક્ષાવાડી ઇઝરાયેલી પ્રજા હતી, જેને વાડ સમાન ઈશ્વરના નિયમોથી રક્ષણ મળતું હતું. યહોવાએ પોતાના લોકોને શિક્ષણ આપવા અને સારાં ફળ પેદા કરી શકે માટે મદદ કરવા પ્રબોધકો મોકલ્યા.

      જોકે, “ખેડૂતો” એ ‘ચાકરો’ સાથે ખરાબ રીતે વર્ત્યા અને તેઓને મારી નાખ્યા. ઈસુએ સમજાવ્યું: “[દ્રાક્ષાવાડીના માલિક] પાસે હજી એક બાકી હતો, તેનો વહાલો દીકરો. તેણે છેવટે એમ વિચારીને તેને મોકલ્યો કે, ‘તેઓ મારા દીકરાનું માન રાખશે.’ પણ, પેલા ખેડૂતોએ એકબીજાને કહ્યું: ‘આ તો વારસદાર છે. ચાલો, એને મારી નાખીએ અને વારસો આપણો થઈ જશે.’ તેથી, તેઓએ તેને પકડીને મારી નાખ્યો.”—માર્ક ૧૨:૬-૮.

      પછી, ઈસુએ પૂછ્યું: “દ્રાક્ષાવાડીનો માલિક શું કરશે?” (માર્ક ૧૨:૯) ધર્મગુરુઓએ જવાબ આપ્યો: “તેઓ દુષ્ટ હોવાથી, તે તેઓ પર ભયંકર વિનાશ લાવશે અને દ્રાક્ષાવાડી એવા ખેડૂતોને ભાગે આપશે, જેઓ તેને યોગ્ય સમયે એનાં ફળ આપે.”—માથ્થી ૨૧:૪૧.

      આમ, ધર્મગુરુઓએ અજાણતા જ જણાવી દીધું કે તેઓના કેવા હાલ થશે, કેમ કે તેઓ યહોવાની “દ્રાક્ષાવાડીના,” એટલે કે ઇઝરાયેલી પ્રજાના “ખેડૂતો” હતા. યહોવા યોગ્ય રીતે જ તેઓ પાસેથી ફળની અપેક્ષા રાખતા હતા કે જેમાં તેઓએ ઈશ્વરના દીકરા, મસીહમાં શ્રદ્ધા મૂકવાની હતી. ઈસુએ ધર્મગુરુઓ સામે જોઈને કહ્યું: “શું તમે કદી પણ આ શાસ્ત્રવચન નથી વાંચ્યું: ‘બાંધકામ કરનારાઓએ જે પથ્થર નકામો ગણ્યો, એ જ ખૂણાનો મુખ્ય પથ્થર બન્યો છે. યહોવા તરફથી આવું બન્યું છે અને એ અમારી નજરે અજાયબ છે’?” (માર્ક ૧૨:૧૦, ૧૧) પછી, ઈસુએ મુદ્દા પર આવતા કહ્યું: “એ માટે હું તમને કહું છું, તમારી પાસેથી ઈશ્વરનું રાજ્ય લઈ લેવાશે અને જે પ્રજા રાજ્યને યોગ્ય ફળ આપે છે એને એ રાજ્ય આપવામાં આવશે.”—માથ્થી ૨૧:૪૩.

      શાસ્ત્રીઓ અને મુખ્ય યાજકો સમજી ગયા કે “ઈસુએ તેઓને ધ્યાનમાં રાખીને આ ઉદાહરણ કહ્યું” હતું. (લુક ૨૦:૧૯) એટલે, તેઓ ખરા “વારસદાર” ઈસુને મારી નાખવા અધીરા બની ગયા. પરંતુ, તેઓ લોકોના ટોળાથી ડરતા હતા, કેમ કે એ ટોળું ઈસુને પ્રબોધક માનતું હતું. તેથી, તેઓએ ઈસુને ત્યાં જ મારી નાખવાની કોશિશ ન કરી.

      • ઈસુના ઉદાહરણમાં જણાવેલા બે દીકરા કોને રજૂ કરતા હતા?

      • બીજા ઉદાહરણમાં “માલિક,” “દ્રાક્ષાવાડી,” “ખેડૂતો,” “ચાકરો” અને “વારસદાર” કોને રજૂ કરતા હતા?

      • ‘ખેડૂતોના’ કેવા હાલ થવાના હતા?

  • લગ્‍નની મિજબાનીમાં રાજા આમંત્રિત મહેમાનોને બોલાવે છે
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
    • લગ્‍નનો પોશાક પહેર્યા વગર આવેલા માણસને મિજબાનીમાંથી બહાર કાઢી નાખવાનો હુકમ રાજા આપે છે

      પ્રકરણ ૧૦૭

      લગ્‍નની મિજબાનીમાં રાજા આમંત્રિત મહેમાનોને બોલાવે છે

      માથ્થી ૨૨:૧-૧૪

      • લગ્‍નની મિજબાનીનું ઉદાહરણ

      ઈસુનું સેવાકાર્ય પૂરું થવા આવ્યું તેમ, તે શાસ્ત્રીઓ અને મુખ્ય યાજકોનો ઢોંગ ખુલ્લો પાડતા રહ્યા. એટલે, તેઓ તેમને મારી નાખવા ચાહતા હતા. (લુક ૨૦:૧૯) પણ, ઈસુ તેઓને ખુલ્લા પાડવાથી અટક્યા નહિ. તેમણે બીજું એક ઉદાહરણ આપ્યું:

      “સ્વર્ગના રાજ્યને એક રાજા સાથે સરખાવી શકાય, જેણે પોતાના દીકરાના લગ્‍નની મિજબાની ગોઠવી. તેણે લગ્‍નની મિજબાનીમાં જેઓને આમંત્રણ આપ્યું હતું, તેઓને બોલાવવા પોતાના ચાકરોને મોકલ્યા, પણ તેઓ આવવા રાજી ન હતા.” (માથ્થી ૨૨:૨, ૩) ઈસુએ ઉદાહરણની શરૂઆતમાં “સ્વર્ગના રાજ્ય”નો ઉલ્લેખ કર્યો. એટલે, એ નિર્ણય પર આવી શકાય કે “રાજા” યહોવા ઈશ્વર હોવા જોઈએ. રાજાના દીકરા અને લગ્‍નની મિજબાનીમાં આમંત્રિત મહેમાનો કોણ હતા? એ પારખવું પણ અઘરું નથી કે રાજાના દીકરા એ યહોવાના દીકરા હતા. એ જ દીકરા, જે આ ઉદાહરણ જણાવી રહ્યા હતા. આમંત્રિત મહેમાનો એ લોકો હતા, જેઓ દીકરા સાથે સ્વર્ગના રાજ્યમાં હશે.

      સૌથી પહેલા કોને આમંત્રણ મળ્યું હતું? જરા વિચારો, ઈસુ અને તેમના પ્રેરિતો કોને સ્વર્ગના રાજ્ય વિશે પ્રચાર કરતા હતા? યહુદીઓને. (માથ્થી ૧૦:૬, ૭; ૧૫:૨૪) એ પ્રજાએ ઈસવીસન પૂર્વે ૧૫૧૩માં નિયમ કરારનો સ્વીકાર કર્યો હતો. આમ, “યાજકોનું રાજ્ય” બનવાનો પહેલો લહાવો તેઓને મળ્યો. (નિર્ગમન ૧૯:૫-૮) પણ, તેઓને ખરેખર ક્યારે “લગ્‍નની મિજબાની” માટે બોલાવવામાં આવ્યા? એ આમંત્રણ ઈસવીસન ૨૯માં આપવામાં આવ્યું, જ્યારે ઈસુએ સ્વર્ગના રાજ્ય વિશે પ્રચાર કરવાનું શરૂ કર્યું હતું.

      આમંત્રણ મળ્યું ત્યારે મોટા ભાગના યહુદીઓએ શું કર્યું? ઈસુએ જણાવ્યું તેમ, “તેઓ આવવા રાજી ન હતા.” મોટા ભાગના ધર્મગુરુઓએ અને લોકોએ ઈસુને મસીહ તરીકે અને ઈશ્વરે નિયુક્ત કરેલા રાજા તરીકે સ્વીકાર્યા નહિ.

      પણ, ઈસુએ સૂચવ્યું કે યહુદીઓને ફરી વાર તક મળવાની હતી: “ફરીથી [રાજાએ] બીજા ચાકરોને આમ કહીને મોકલ્યા, ‘આમંત્રણ આપ્યું છે તેઓને જણાવો: “જુઓ! મેં ભોજન તૈયાર કર્યું છે; મારા બળદો અને તાજાંમાજાં પશુઓ કાપ્યાં છે અને બધું તૈયાર છે. લગ્‍નની મિજબાનીમાં આવો.”’ પરંતુ, તેઓએ ધ્યાન પર લીધું નહિ અને જતા રહ્યા, એક પોતાના ખેતરે ગયો તો બીજો પોતાના વેપારધંધે; બાકીનાએ તેના ચાકરોને પકડ્યા, તેઓનું ભારે અપમાન કર્યું અને તેઓને મારી નાખ્યા.” (માથ્થી ૨૨:૪-૬) એ બતાવતું હતું કે ખ્રિસ્તી મંડળની સ્થાપના પછી શું બનશે. એ સમયે પણ યહુદીઓ પાસે રાજ્યમાં જવાની તક હતી. પણ, મોટા ભાગના લોકોએ એ આમંત્રણ સ્વીકાર્યું નહિ, અરે, તેઓએ ‘રાજાના ચાકરોનું’ અપમાન પણ કર્યું.—પ્રેરિતોનાં કાર્યો ૪:૧૩-૧૮; ૭:૫૪, ૫૮.

      પછી એ પ્રજાનું શું થયું? ઈસુએ જણાવ્યું: “રાજા ક્રોધે ભરાયો અને તેણે પોતાની સેનાઓ મોકલીને એ ખૂનીઓને મારી નાખ્યા અને તેઓના શહેરને બાળી મૂક્યું.” (માથ્થી ૨૨:૭) ઈ.સ. ૭૦માં રોમનોએ “તેઓના શહેર” યરૂશાલેમનો નાશ કર્યો ત્યારે, યહુદીઓએ એનો અનુભવ કર્યો.

      તેઓએ રાજાનું આમંત્રણ સ્વીકાર્યું ન હતું. શું એનો અર્થ એવો થાય કે હવે બીજા કોઈને આમંત્રણ નહિ મળે? ઈસુનું ઉદાહરણ બતાવે છે કે એવું ન હતું. એ વિશે તેમણે આગળ જણાવ્યું: “પછી, [રાજાએ] પોતાના ચાકરોને કહ્યું કે, ‘લગ્‍નની મિજબાની તો તૈયાર છે, પણ જેઓને આમંત્રણ આપ્યું હતું તેઓ એને લાયક ન હતા. તેથી, શહેરના મુખ્ય રસ્તાઓ પર જાઓ અને તમને જે કોઈ મળે એને લગ્‍નની મિજબાની માટે બોલાવી લાવો.’ એ પ્રમાણે પેલા ચાકરો રસ્તાઓ પર ગયા અને સારા કે ખરાબ જે કોઈ મળ્યા એ બધાને ભેગા કર્યા; અને જ્યાં લગ્‍ન હતું એ ઓરડો જમવા બેઠેલા મહેમાનોથી ભરાઈ ગયો.”—માથ્થી ૨૨:૮-૧૦.

      નોંધ લેવા જેવું છે કે, સમય જતાં પ્રેરિત પીતર બીજી પ્રજાના લોકોને ખ્રિસ્તના અનુયાયીઓ બનવા મદદ કરવા લાગ્યા. એમાં જન્મથી યહુદી ન હોય અથવા યહુદી ધર્મ અપનાવ્યો ન હોય, એવા લોકો હતા. ઈ.સ. ૩૬માં રોમન લશ્કરી અધિકારી કર્નેલિયસ અને તેમના કુટુંબે ઈશ્વરની પવિત્ર શક્તિ મેળવી અને ઈસુએ ઉદાહરણમાં જણાવ્યું હતું તેમ, સ્વર્ગના રાજ્યમાં તેઓને સ્થાન મળ્યું.—પ્રેરિતોનાં કાર્યો ૧૦:૧, ૩૪-૪૮.

      ઈસુએ ધ્યાન દોર્યું કે મિજબાનીમાં આવેલા બધા લોકોને “રાજા” સ્વીકારશે નહિ. તેમણે કહ્યું: “જ્યારે રાજા મહેમાનોને જોવા આવ્યો, ત્યારે તેની નજર એક માણસ પર પડી, જેણે લગ્‍નનાં કપડાં પહેર્યાં ન હતાં. એટલે, તેણે તેને કહ્યું: ‘દોસ્ત, તું લગ્‍નનો પોશાક પહેર્યા વગર અંદર કેવી રીતે આવી ગયો?’ તેને કોઈ જવાબ સૂઝ્યો નહિ. ત્યારે રાજાએ પોતાના સેવકોને કહ્યું: ‘તેના હાથપગ બાંધી દો અને તેને બહાર અંધારામાં ફેંકી દો. ત્યાં તેનું રડવું ને દાંત પીસવું થશે.’ કારણ કે ઘણાને આમંત્રણ આપવામાં આવ્યું છે, પણ પસંદ કરાયેલા થોડા છે.”—માથ્થી ૨૨:૧૧-૧૪.

      ઈસુ જે કંઈ કહી રહ્યા હતા, એનો શો અર્થ થાય અથવા એ કઈ રીતે લાગુ પડે છે, એ તેમને સાંભળનારા ધર્મગુરુઓ સમજ્યા નહિ હોય. તોપણ, ઈસુની વાતોથી તેઓએ શરમથી નીચું જોવું પડ્યું હતું અને ભારે નારાજ થયા હતા. એટલે, ઈસુથી છુટકારો પામવા તેઓ કંઈ પણ કરી છૂટવા તૈયાર હતા.

      • ઈસુના ઉદાહરણમાં “રાજા,” ‘તેનો દીકરો’ અને લગ્‍નની મિજબાનીમાં સૌથી પહેલા આમંત્રણ મેળવનારાઓ કોણ હતા?

      • યહુદીઓને ક્યારે આમંત્રણ મળ્યું અને પછી બીજા કોને આમંત્રણ આપવામાં આવ્યું?

      • ઘણાને આમંત્રણ આપવામાં આવ્યું છે, પણ પસંદ કરાયેલા થોડા છે, એ હકીકત શું બતાવે છે?

  • ઈસુ દુશ્મનોના ફાંદામાં ફસાતા નથી
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
    • ઈસુ પાસે કર ભરવાનો સિક્કો છે અને તે ફરોશીઓના સવાલોનો જવાબ આપી રહ્યા છે

      પ્રકરણ ૧૦૮

      ઈસુ દુશ્મનોના ફાંદામાં ફસાતા નથી

      માથ્થી ૨૨:૧૫-૪૦ માર્ક ૧૨:૧૩-૩૪ લુક ૨૦:૨૦-૪૦

      • જે સમ્રાટનું છે એ સમ્રાટને

      • સજીવન થયેલાઓના લગ્‍ન વિશે સવાલ

      • સૌથી મોટી આજ્ઞાઓ

      ઈસુના દુશ્મનો તેમનાથી ખૂબ નારાજ હતા. ઈસુએ થોડી વાર પહેલાં જણાવેલાં ઉદાહરણોથી તેઓનો ઢોંગ ખુલ્લો પડી ગયો હતો. એટલે, ફરોશીઓએ ઈસુને ફાંદામાં ફસાવવા યોજના ઘડી. તેઓ ઈસુના મોઢે એવું કંઈક બોલાવવા માંગતા હતા, જેના આધારે તેમને પકડીને રોમન રાજ્યપાલને સોંપી શકે. ઈસુને ફાંદામાં પાડવા તેઓએ પોતાના અમુક શિષ્યોને પૈસા આપીને મોકલ્યા.—લુક ૬:૭.

      તેઓએ ઈસુને કહ્યું: “શિક્ષક, અમે જાણીએ છીએ કે તમે સત્ય બોલો છો તથા શીખવો છો અને કોઈ ભેદભાવ રાખતા નથી, પણ તમે સત્યતાથી ઈશ્વરનો માર્ગ શીખવો છો: શું સમ્રાટને કર આપવો યોગ્ય છે કે નહિ?” (લુક ૨૦:૨૧, ૨૨) ઈસુ તેઓની ખુશામતમાં આવી ન ગયા, એની પાછળ તેઓનો ઢોંગ અને છળકપટ તે જોઈ શકતા હતા. જો તે કહે કે, ‘ના, એ કર આપવો યોગ્ય નથી,’ તો તેમના પર રોમન સત્તા સામે બળવો પોકારવાનો આરોપ લાગી શકે. અને જો તે એમ કહે કે, ‘હા, એ કર આપવો યોગ્ય છે,’ તો રોમન સત્તાથી ત્રાસી ગયેલા લોકો એને બીજી રીતે સમજી લે અને ઈસુની સામે થાય. તો પછી, ઈસુએ કેવો જવાબ આપ્યો?

      તેમણે જવાબમાં કહ્યું: “ઓ ઢોંગીઓ, તમે કેમ મારી કસોટી કરો છો? કર ભરવાનો સિક્કો મને બતાવો.” તેઓ તેમની પાસે એક દીનાર લાવ્યા. તેમણે તેઓને પૂછ્યું: “આ કોનું ચિત્ર છે અને કોના નામની છાપ છે?” તેઓએ કહ્યું, “સમ્રાટનાં.” પછી, ઈસુએ સરસ માર્ગદર્શન આપતા કહ્યું: “એ માટે જે સમ્રાટનું છે એ સમ્રાટને, પણ જે ઈશ્વરનું છે એ ઈશ્વરને આપો.”—માથ્થી ૨૨:૧૮-૨૧.

      એ લોકો ઈસુનો જવાબ સાંભળીને દંગ રહી ગયા. ઈસુના જોરદાર જવાબથી તેઓના મોં સિવાઈ ગયા અને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. પણ, દિવસ પૂરો થયો ન હતો અને ઈસુને ફાંદામાં પાડવાના પ્રયત્નો હજુ બંધ થયા ન હતા. ફરોશીઓ ઈસુને ફસાવવામાં નિષ્ફળ ગયા એ પછી, બીજા જૂથના ધર્મગુરુઓ ઈસુ પાસે આવ્યા.

      તેઓ સાદુકીઓ હતા અને તેઓ માનતા ન હતા કે મરણ પામેલા લોકો જીવતા કરાશે. તેઓએ સજીવન થવા વિશે અને પતિના ભાઈ સાથે લગ્‍ન વિશે સવાલ પૂછ્યો: “ઉપદેશક, મુસાએ કહ્યું છે કે, ‘જો કોઈ માણસ બાળકો વિના મરણ પામે, તો તેની પત્ની સાથે તેનો ભાઈ લગ્‍ન કરે અને પોતાના ભાઈ માટે વંશજ પેદા કરે.’ હવે અમારે ત્યાં સાત ભાઈઓ હતા. પહેલાએ લગ્‍ન કર્યું અને તે બાળક વિના ગુજરી ગયો; તે પોતાની પત્ની પોતાના ભાઈ માટે રાખી ગયો. બીજા અને ત્રીજા એમ સાતેય ભાઈઓ સાથે એવું જ થયું. સૌથી છેલ્લે, પેલી સ્ત્રી મરણ પામી. એટલે, મરણમાંથી લોકોને જીવતા કરવામાં આવશે ત્યારે, સાતમાંથી તે કોની પત્ની બનશે? કેમ કે એ બધાએ તેને પત્ની બનાવી હતી.”—માથ્થી ૨૨:૨૪-૨૮.

      સાદુકીઓ મુસાનાં લખાણોમાં માનતા હતા. એટલે, એ લખાણો તરફ તેઓનું ધ્યાન દોરતા ઈસુએ જવાબ આપ્યો: “તમે ભૂલ કરો છો. શું એ સાચું નથી, કેમ કે તમે નથી શાસ્ત્ર જાણતા કે નથી ઈશ્વરની તાકાત? જ્યારે તેઓને મરણમાંથી જીવતા કરવામાં આવે છે, ત્યારે માણસો પરણતા નથી કે સ્ત્રીઓને પરણાવવામાં આવતી નથી, પણ તેઓ સ્વર્ગના દૂતો જેવા હોય છે. હવે, મરણમાંથી ઉઠાડવામાં આવશે તેઓ વિશે શું તમે મુસાના પુસ્તકમાં વાંચ્યું નથી કે ઝાડવા વિશેના અહેવાલમાં ઈશ્વરે તેમને કહ્યું હતું: ‘હું ઈબ્રાહીમનો ઈશ્વર અને ઇસહાકનો ઈશ્વર અને યાકૂબનો ઈશ્વર છું’? તે મરેલાઓના નહિ, પણ જીવતાઓના ઈશ્વર છે. તમે મોટી ભૂલ કરો છો.” (માર્ક ૧૨:૨૪-૨૭; નિર્ગમન ૩:૧-૬) એ સાંભળીને ટોળું ખૂબ નવાઈ પામ્યું.

      ઈસુએ ફરોશીઓ અને સાદુકીઓ બંનેને ચૂપ કરી દીધા હતા. એટલે, હવે એ બંને જૂથના ધર્મગુરુઓ સાથે મળીને ઈસુની પરીક્ષા કરવા આવ્યા. એક શાસ્ત્રીએ તેમને પૂછ્યું: “ઉપદેશક, નિયમશાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા કઈ છે?”—માથ્થી ૨૨:૩૬.

      ઈસુએ જવાબ આપ્યો: “પહેલી આ છે, ‘હે ઇઝરાયેલ, સાંભળ, યહોવા આપણા ઈશ્વર એક જ યહોવા છે; અને તારા ઈશ્વર યહોવાને તું તારા પૂરા હૃદયથી અને તારા પૂરા જીવથી અને તારા પૂરા મનથી અને તારા પૂરા બળથી પ્રેમ કર.’ બીજી આ છે, ‘તું જેવો પોતાના પર એવો તારા પડોશી પર પ્રેમ રાખ.’ આ આજ્ઞાઓ કરતાં બીજી કોઈ મોટી આજ્ઞા નથી.”—માર્ક ૧૨:૨૯-૩૧.

      ઈસુનો જવાબ સાંભળીને એ શાસ્ત્રીએ કહ્યું: “શિક્ષક, તમે સત્ય જ કહ્યું, ‘ઈશ્વર એક જ છે અને તેમના સિવાય બીજું કોઈ નથી’; અને પોતાના પૂરા હૃદયથી, પૂરી સમજણથી અને પૂરા બળથી તેમને પ્રેમ કરવો તથા પોતાના પર રાખે છે એવો પ્રેમ પોતાના પડોશી પર રાખવો, એ આજ્ઞાઓ બધાં અગ્‍નિ-અર્પણો તથા બલિદાનો કરતાં વધારે મહત્ત્વની છે.” તેણે સમજદારીથી જવાબ આપ્યો છે, એ જોઈને ઈસુએ તેને કહ્યું: “તું ઈશ્વરના રાજ્યથી દૂર નથી.”—માર્ક ૧૨:૩૨-૩૪.

      ઈસુ ત્રણ દિવસથી (નીસાન ૯, ૧૦ અને ૧૧) મંદિરમાં શીખવતા હતા. આ શાસ્ત્રીની જેમ, અમુક લોકો ખુશી ખુશી ઈસુને સાંભળતા હતા. પણ ધર્મગુરુઓના કિસ્સામાં એવું ન હતું. ‘એ પછી તેઓએ તેમને વધારે સવાલ પૂછવાની હિંમત ન કરી.’

      • ફરોશીઓએ ઈસુને ફાંદામાં ફસાવવા શું કર્યું? એનું શું પરિણામ આવ્યું?

      • સાદુકીઓએ ઈસુને ફસાવવાની કોશિશ કરી ત્યારે, ઈસુએ કઈ રીતે તેઓની યોજના નિષ્ફળ બનાવી?

      • શાસ્ત્રીના સવાલનો જવાબ આપતી વખતે ઈસુએ કઈ ખૂબ મહત્ત્વની વાત પર ભાર મૂક્યો?

  • વિરોધીઓની ઝાટકણી કાઢતા ઈસુ
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
    • વિરોધ કરતા ધર્મગુરુઓને ઈસુ ખુલ્લા પાડે છે

      પ્રકરણ ૧૦૯

      વિરોધીઓની ઝાટકણી કાઢતા ઈસુ

      માથ્થી ૨૨:૪૧–૨૩:૨૪ માર્ક ૧૨:૩૫-૪૦ લુક ૨૦:૪૧-૪૭

      • ખ્રિસ્ત કોના દીકરા છે?

      • ઈસુ વિરોધીઓનો ઢોંગ ખુલ્લો પાડે છે

      ધર્મગુરુઓ ઈસુને નીચા પાડવામાં અથવા તેમને ફસાવીને રોમનોને હવાલે કરવામાં નિષ્ફળ ગયા. (લુક ૨૦:૨૦) નીસાન ૧૧ના રોજ ઈસુ હજુ મંદિરમાં જ હતા. હવે, તેમણે દુશ્મનોને ભીંસમાં લીધા અને પોતાની સાચી ઓળખ જાહેર કરી. તેમણે પહેલ કરીને તેઓને પૂછ્યું: “તમે ખ્રિસ્ત વિશે શું વિચારો છો? તે કોનો દીકરો છે?” (માથ્થી ૨૨:૪૨) એ જગજાહેર હતું કે ખ્રિસ્ત અથવા મસીહ દાઊદના વંશમાંથી હશે. તેઓએ પણ એવું જ કહ્યું.—માથ્થી ૯:૨૭; ૧૨:૨૩; યોહાન ૭:૪૨.

      પછી, ઈસુએ પૂછ્યું: “તો પછી, પવિત્ર શક્તિની પ્રેરણાથી દાઊદ તેને કેમ પ્રભુ કહીને બોલાવે છે અને કહે છે, ‘યહોવાએ મારા પ્રભુને કહ્યું કે, “હું તારા દુશ્મનોને તારા પગ નીચે ન લાવું ત્યાં સુધી, મારે જમણે હાથે બેસ”’? તેથી, જો દાઊદ તેને પ્રભુ કહીને બોલાવે, તો તે કઈ રીતે તેમનો દીકરો થાય?”—માથ્થી ૨૨:૪૩-૪૫.

      ફરોશીઓ પાસે કોઈ જવાબ ન હતો. તેઓ ધારતા હતા કે દાઊદના વંશનો કોઈ માણસ કદાચ રોમન સત્તાથી તેઓને છુટકારો અપાવશે. પરંતુ, ગીતશાસ્ત્ર ૧૧૦:૧, ૨માં નોંધેલા દાઊદના શબ્દો પર ધ્યાન દોરીને ઈસુએ જણાવ્યું કે મસીહ કોઈ માનવ શાસક નહિ, પણ એનાથી કંઈક વધારે હશે. તે દાઊદના પ્રભુ હતા. તે ઈશ્વરના જમણે હાથે બેસવાના હતા અને પછી રાજ કરવાના હતા. ઈસુના જવાબે વિરોધીઓના મોં બંધ કરી દીધા.

      શિષ્યો અને બીજા લોકો ઈસુની વાત સાંભળતા હતા. હવે, ઈસુએ તેઓને શાસ્ત્રીઓ અને ફરોશીઓ વિશે ચેતવણી આપી. એ માણસો ઈશ્વરના નિયમો શીખવવા “પોતે મુસાની જગ્યાએ બેસી ગયા” હતા. ઈસુએ પોતાના સાંભળનારાઓને સલાહ આપી: “તેઓ તમને જે કંઈ કહે છે એ બધું કરો અને પાળો, પણ તેઓનાં જેવાં કામ ન કરો, કેમ કે તેઓ કહે છે પણ એમ કરતા નથી.”—માથ્થી ૨૩:૨, ૩.

      પછી, ઈસુએ તેઓના ઢોંગ વિશે દાખલા આપતા કહ્યું: “રક્ષણ મેળવવા તેઓ શાસ્ત્રવચનો લખેલી જે ડબ્બીઓ પહેરે છે, એ મોટી કરાવે છે.” અમુક યહુદીઓ પોતાના કપાળ પર અથવા હાથ પર નાની ડબ્બીઓ પહેરતા અને એમાં નિયમશાસ્ત્રના લખાણનો અમુક ભાગ મૂકતા. પરંતુ, ફરોશીઓ પોતાની ડબ્બીઓ મોટી કરાવીને એવો દેખાડો કરતા કે તેઓ નિયમો પાળવામાં ઉત્સાહી છે. વધુમાં, તેઓ “કપડાંની ઝાલર પહોળી” કરાવતા. નિયમ મુજબ ઇઝરાયેલીઓએ પોતાનાં કપડાંમાં ઝાલર લગાડવાની હતી, પણ ફરોશીઓ જાણીજોઈને પોતાની ઝાલર પહોળી રાખતા. (ગણના ૧૫:૩૮-૪૦) તેઓ આવું બધું “માણસોને દેખાડવા” કરતા હતા.—માથ્થી ૨૩:૫.

      એ જોઈને ઈસુના શિષ્યોમાં પણ બીજાઓ કરતાં મોટા બનવાની ઇચ્છા જાગી શકતી હતી. એટલે, તેમણે સલાહ આપી: “તમે પોતાને ગુરુ ન કહેવડાવો, કેમ કે તમારા ગુરુ એક છે અને તમે બધા ભાઈઓ છો. વધુમાં, પૃથ્વી પર કોઈને તમારા ‘પિતા’ ન કહો, કેમ કે તમારા પિતા એક છે, જે સ્વર્ગમાં છે. વળી, પોતાને આગેવાન ન કહેવડાવો, કેમ કે તમારા આગેવાન એક છે, ખ્રિસ્ત.” તો પછી, શિષ્યોએ પોતાને કઈ દૃષ્ટિથી જોવાના હતા અને બીજાઓ સાથે કઈ રીતે વર્તવાનું હતું? ઈસુએ તેઓને કહ્યું: “તમારામાં જે સૌથી મોટો છે, એ તમારો સેવક થાય. જે કોઈ પોતાને ઊંચો કરશે તે નીચો કરાશે અને જે કોઈ પોતાને નીચો કરશે તે ઊંચો કરાશે.”—માથ્થી ૨૩:૮-૧૨.

      એ પછી, ઈસુએ ઢોંગી શાસ્ત્રીઓ અને ફરોશીઓ પર અફસોસ વ્યક્ત કરતા કહ્યું: “ઓ શાસ્ત્રીઓ અને ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ! કેમ કે લોકો માટે તમે સ્વર્ગના રાજ્યના દરવાજા બંધ કરી દો છો; તમે પોતે અંદર જતા નથી અને જેઓ અંદર જઈ રહ્યા છે, તેઓને પણ તમે દાખલ થવા દેતા નથી.”—માથ્થી ૨૩:૧૩.

      યહોવાની નજરે શું અગત્યનું છે, એની ફરોશીઓને કંઈ પડી ન હતી. તેઓ તો મન ફાવે તેમ નિયમો બનાવતા હતા. એટલે ઈસુએ તેઓને દોષિત ઠરાવ્યા. દાખલા તરીકે, તેઓ કહેતા: “જો કોઈ મંદિરના સમ ખાય તો એ પાળવા તે બંધાયેલો નથી; પણ, જો કોઈ મંદિરના સોનાના સમ ખાય તો એ પાળવા તે બંધાયેલો છે.” તેઓ મંદિરના બદલે, મંદિરના સોનાને વધારે મહત્ત્વ આપતા હતા. આમ, તેઓ ભક્તિનું મહત્ત્વ જોઈ શકતા ન હતા. મંદિર તો ભક્તિ દ્વારા યહોવા સાથેનો સંબંધ મજબૂત કરવાની જગ્યા હતી. ઉપરાંત, તેઓ ‘ન્યાય, દયા અને વિશ્વાસુપણા જેવી નિયમશાસ્ત્રની મહત્ત્વની વાતોનો અનાદર કરતા હતા.’—માથ્થી ૨૩:૧૬, ૨૩; લુક ૧૧:૪૨.

      ઈસુએ આ ફરોશીઓને “આંધળા દોરનારાઓ” કહ્યા, જેઓ ‘મચ્છર ગાળી કાઢે છે પણ ઊંટ ગળી જાય છે!’ (માથ્થી ૨૩:૨૪) નિયમશાસ્ત્ર પ્રમાણે મચ્છર અશુદ્ધ હતું એટલે તેઓ દ્રાક્ષદારૂમાંથી મચ્છરને ગાળી કાઢતા હતા. એનાથી અનેક ગણું મોટું ઊંટ પણ અશુદ્ધ પ્રાણી હતું. મચ્છરને ગાળનારા ફરોશીઓ નિયમશાસ્ત્રની અગત્યની વાતો પર ધ્યાન આપતા ન હતા અને એ તો આખું ઊંટ ગળી જવા જેવું હતું.—લેવીય ૧૧:૪, ૨૧-૨૪.

      • ગીતશાસ્ત્ર ૧૧૦માં નોંધેલા દાઊદના શબ્દો વિશે ઈસુએ ફરોશીઓને પૂછ્યું ત્યારે તેઓ કેમ ચૂપ થઈ ગયા?

      • ફરોશીઓ કેમ શાસ્ત્રવચનોની ડબ્બીઓ મોટી અને ઝભ્ભાની ઝાલર પહોળી કરાવતા?

      • ઈસુએ પોતાના શિષ્યોને કઈ સલાહ આપી?

  • મંદિરમાં ઈસુનો છેલ્લો દિવસ
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
    • એક વિધવા મંદિરની દાન પેટીમાં બે નાના સિક્કા નાખે છે તેમ, ઈસુ તેને જોઈ રહ્યા છે

      પ્રકરણ ૧૧૦

      મંદિરમાં ઈસુનો છેલ્લો દિવસ

      માથ્થી ૨૩:૨૫–૨૪:૨ માર્ક ૧૨:૪૧–૧૩:૨ લુક ૨૧:૧-૬

      • ઈસુ ફરી વાર ધર્મગુરુઓને દોષિત ઠરાવે છે

      • મંદિરનો નાશ થશે

      • ગરીબ વિધવા દાન તરીકે બે નાના સિક્કા નાખે છે

      ઈસુએ મંદિરની છેલ્લી મુલાકાત લીધી ત્યારે, તેમણે શાસ્ત્રીઓ અને ફરોશીઓને જાહેરમાં ઢોંગીઓ કહીને તેઓને ખુલ્લા પાડવાનું ચાલુ રાખ્યું. તેમણે ઉદાહરણમાં વાત કરતા કહ્યું: “તમે પ્યાલો અને થાળી બહારથી સાફ કરો છો, પણ અંદરથી એ લોભ અને અતિશય ભોગવિલાસથી ભરેલા છે. ઓ આંધળા ફરોશીઓ, પહેલા પ્યાલો અને થાળી અંદરથી સાફ કરો, જેથી એ બહારથી પણ સાફ થાય.” (માથ્થી ૨૩:૨૫, ૨૬) ધાર્મિક વિધિ પ્રમાણે શુદ્ધ થવાની અને શારીરિક દેખાવની વાત આવે ત્યારે ફરોશીઓ કંઈ પણ ચલાવી લેતા ન હતા; પરંતુ, પોતાનો સ્વભાવ કે દિલના વિચારોને શુદ્ધ કરવાની વાત આવે ત્યારે, તેઓ આંખ આડા કાન કરતા હતા.

      પ્રબોધકોની કબરો બાંધવા અને એને શણગારવા તેઓ કાયમ તૈયાર રહેતા. એમાં પણ તેઓનો ઢોંગ દેખાઈ આવતો. ઈસુએ કહ્યું તેમ, તેઓ ‘પ્રબોધકોનું ખૂન કરનારાઓના દીકરા’ હતા. (માથ્થી ૨૩:૩૧) ઈસુને મારી નાખવાના પ્રયત્નો કરીને તેઓએ એ વાત સાચી ઠરાવી હતી.—યોહાન ૫:૧૮; ૭:૧, ૨૫.

      જો તેઓ પસ્તાવો ન કરે, તો તેઓનું શું થશે એ વિશે જણાવતા ઈસુએ કહ્યું: “ઓ સર્પો, ઝેરી સાપોનાં સંતાનો, તમે ગેહેન્‍નાની સજામાંથી કેવી રીતે છટકી શકશો?” (માથ્થી ૨૩:૩૩) ગેહેન્‍ના એટલે, “હિન્‍નોમની ખીણ,” જેનો ઉપયોગ કચરો બાળવા થતો. દુષ્ટ શાસ્ત્રીઓ અને ફરોશીઓનો હંમેશ માટે વિનાશ થશે, એ બતાવવા ઈસુએ એનો ઉલ્લેખ કર્યો.

      ઈસુના શિષ્યો “પ્રબોધકો અને સમજદાર માણસો અને ઉપદેશકો” થવાના હતા. તેઓ સાથે કેવો વર્તાવ થવાનો હતો? ઈસુએ ધર્મગુરુઓને કહ્યું: ‘મારા અમુક શિષ્યોને તમે મારી નાખશો અને અમુકને શૂળીએ ચડાવશો, એમાંના અમુકને તમે તમારાં સભાસ્થાનોમાં કોરડા મારશો અને અમુકને શહેરેશહેર સતાવણી કરશો; જેથી, પૃથ્વી પર જે નેક લોકોનું લોહી વહેવડાવવામાં આવ્યું છે એ તમારા પર આવે, નેક હાબેલના લોહીથી લઈને બારખીઆના દીકરા ઝખાર્યાના લોહી સુધી. જેમને તમે મારી નાખ્યા હતા.’ તેમણે ચેતવણી આપી: “હું તમને સાચે જ કહું છું કે એ બધું આ પેઢી પર આવી પડશે.” (માથ્થી ૨૩:૩૪-૩૬) ઈસવીસન ૭૦માં એ વાત સાચી પડી. એ સમયે રોમન સૈન્યે યરૂશાલેમનો નાશ કર્યો અને હજારો યહુદીઓને મારી નાખ્યા.

      આવી પડનારી આ ભયાનક મુશ્કેલીના લીધે ઈસુ ખૂબ વ્યાકુળ હતા. તેમણે દુઃખી થતા કહ્યું: “યરૂશાલેમ, યરૂશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર અને તારી પાસે મોકલેલાને પથ્થરે મારનાર; જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પોતાની પાંખો નીચે ભેગાં કરે છે, તેમ મેં કેટલી વાર તારાં બાળકોને ભેગાં કરવા ચાહ્યું! પરંતુ, તમે એવું ચાહ્યું નહિ. જુઓ! ઈશ્વરે તમારું ઘર ત્યજી દીધું છે.” (માથ્થી ૨૩:૩૭, ૩૮) જેઓ સાંભળી રહ્યા હતા, તેઓને નવાઈ લાગી હશે કે ઈસુ કયા “ઘર” વિશે જણાવી રહ્યા છે. શું ઈસુ યરૂશાલેમમાં આવેલા ભવ્ય મંદિરની વાત કરતા હતા? લોકોને તો એવું લાગતું હતું કે ઈશ્વર પોતે એની રક્ષા કરી રહ્યા છે.

      ઈસુએ પછી જણાવ્યું: “હું તમને કહું છું કે હવેથી જ્યાં સુધી તમે નહિ કહો કે ‘યહોવાના નામમાં જે આવે છે તે આશીર્વાદિત છે!’ ત્યાં સુધી ચોક્કસ તમે મને જોશો નહિ.” (માથ્થી ૨૩:૩૯) તે ગીતશાસ્ત્ર ૧૧૮:૨૬ની ભવિષ્યવાણીના શબ્દો ટાંકી રહ્યા હતા: “યહોવાને નામે જે આવે છે તેને ધન્ય છે; યહોવાના મંદિરમાંથી અમે તમને આશીર્વાદ દીધો છે.” એ સ્પષ્ટ હતું કે એક વાર મંદિર નાશ પામે, પછી ઈશ્વરના નામે ત્યાં કોઈ આવવાનું ન હતું.

      હવે, ઈસુ મંદિરના એ ભાગ તરફ ગયા, જ્યાં દાન-પેટીઓ મૂકેલી હતી. એ પેટી ઉપરના નાના કાણામાં પૈસા નાખીને લોકો દાન કરી શકતા. ઈસુએ જોયું કે, અનેક યહુદીઓ એમાં પૈસા નાખતા હતા. ધનવાન લોકો દાન તરીકે એમાં “ઘણા સિક્કા” નાખતા હતા. પછી, ઈસુએ જોયું કે, એક ગરીબ વિધવાએ “સાવ નજીવી કિંમતના બે નાના સિક્કા નાખ્યા.” (માર્ક ૧૨:૪૧, ૪૨) ઈસુ જાણતા હતા કે વિધવાના દાનથી ઈશ્વર ઘણા ખુશ થયા હશે.

      ઈસુએ પોતાના શિષ્યોને ત્યાં બોલાવીને કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે દાન-પેટીઓમાં પૈસા નાખનારા બધા કરતાં, આ ગરીબ વિધવાએ વધારે નાખ્યું છે.” એવું કઈ રીતે બની શકે? ઈસુએ સમજાવતા કહ્યું: “એ બધાએ પોતાની પાસે વધારાનું હતું એમાંથી નાખ્યું, પણ તેણે પોતાની તંગીમાંથી પોતાનું બધું જ, એટલે પોતાની આખી જીવન-મૂડી નાખી છે.” (માર્ક ૧૨:૪૩, ૪૪) વિચારો અને કાર્યોમાં વિધવા અને ધર્મગુરુઓ વચ્ચે કેવો આભ-જમીનનો ફરક હતો!

      નીસાન ૧૧ના દિવસે ઈસુ મંદિરમાંથી બહાર નીકળ્યા ત્યારે, એ તેમની છેલ્લી મુલાકાત હતી. તેમના શિષ્યોમાંથી એક પોકારી ઊઠ્યા: “ગુરુજી, જુઓ! આ કેવા સુંદર પથ્થરો અને બાંધકામો!” (માર્ક ૧૩:૧) મંદિરની દીવાલોમાંના કેટલાક પથ્થર ખરેખર વિશાળ હતા. એ જોઈને લાગતું હતું કે મંદિરને ઊની આંચ પણ નહિ આવે, એ કાયમ ટકશે. એટલે, ઈસુએ જે કહ્યું એ માનવું અશક્ય લાગતું હતું: “શું તું આ મોટાં બાંધકામો જોઈ રહ્યો છે? અહીં એકેય પથ્થર બીજા પથ્થર પર રહેવા દેવામાં આવશે નહિ, પણ બધા પાડી નંખાશે.”—માર્ક ૧૩:૨.

      આ વાતો કહ્યા પછી, ઈસુ અને તેમના પ્રેરિતો કિદ્રોન ખીણ ઓળંગીને જૈતૂન પહાડ પર એક જગ્યાએ ગયા. પછી એવો સમય આવ્યો કે ઈસુ પોતાના ચાર પ્રેરિતો સાથે હતા, પીતર, આંદ્રિયા, યાકૂબ અને યોહાન. ત્યાંથી તેઓ ભવ્ય મંદિરને જોઈ શકતા હતા.

      • મંદિરની છેલ્લી મુલાકાત દરમિયાન ઈસુએ શું કર્યું?

      • મંદિર વિશે ઈસુએ કઈ ભવિષ્યવાણી ભાખી?

      • વિધવાએ ધનવાન લોકો કરતાં વધારે આપ્યું છે, એવું ઈસુએ કેમ કહ્યું?

  • પ્રેરિતો નિશાની માંગે છે
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
    • ચાર પ્રેરિતોએ પૂછેલા સવાલોનો ઈસુ જવાબ આપે છે

      પ્રકરણ ૧૧૧

      પ્રેરિતો નિશાની માંગે છે

      માથ્થી ૨૪:૩-૫૧ માર્ક ૧૩:૩-૩૭ લુક ૨૧:૭-૩૮

      • ચાર શિષ્યો નિશાની માંગે છે

      • પહેલી સદીમાં અને પછી પૂરી થતી ભવિષ્યવાણી

      • આપણે સજાગ રહેવું જોઈએ

      મંગળવાર બપોરનો સમય હતો અને નીસાન ૧૧નો દિવસ પૂરો થવા આવ્યો હતો. ઈસુના પૃથ્વી પરના સૌથી વ્યસ્ત દિવસો પણ પૂરા થવાને આરે આવ્યા હતા. દિવસે તે મંદિરમાં શીખવતા અને રાત્રે શહેર બહાર રહેતા. લોકોને ઈસુનું શિક્ષણ ખૂબ ગમતું હોવાથી, તેઓ “તેમને સાંભળવા વહેલી સવારે મંદિરમાં તેમની પાસે આવતા.” (લુક ૨૧:૩૭, ૩૮) હવે ઈસુ મંદિરમાં ફરી દેખાવાના ન હતા. તે જૈતૂન પહાડ પર પોતાના ચાર પ્રેરિતો પીતર, આંદ્રિયા, યાકૂબ અને યોહાન સાથે બેઠા હતા.

      એ ચાર પ્રેરિતો એકાંતમાં ઈસુ પાસે આવ્યા હતા. ઈસુએ થોડા સમય પહેલાં જ મંદિર વિશે ભાખ્યું હતું કે, એનો એકેય પથ્થર બીજા પથ્થર પર રહેવા દેવામાં આવશે નહિ. એટલે, પ્રેરિતોને મંદિરની ચિંતા થતી હતી. તેઓને બીજું કંઈક પણ મૂંઝવી રહ્યું હતું. ઈસુએ તેઓને અગાઉ અરજ કરી હતી: “તમે પણ તૈયાર રહો, કારણ કે તમે ધારતા નથી એ ઘડીએ માણસનો દીકરો આવે છે.” (લુક ૧૨:૪૦) તેમણે એ પણ જણાવ્યું હતું કે, “માણસના દીકરાને પ્રગટ કરવામાં આવશે.” (લુક ૧૭:૩૦) ઈસુની આ બધી વાતો અને મંદિર વિશે તેમણે હમણાં જે કહ્યું, એ શું કોઈક રીતે એકબીજા સાથે સંકળાયેલું હતું? પ્રેરિતો એ જાણવા ઘણા આતુર હતા. તેઓએ કહ્યું: “અમને જણાવો કે એ બનાવો ક્યારે બનશે અને તમારી હાજરીની તથા દુનિયાના અંતના સમયની નિશાની શું હશે?”—માથ્થી ૨૪:૩.

      તેઓના મનમાં એમ હશે કે ત્યાંથી નજરે પડતા મંદિરનો વિનાશ થવાનો છે. વધુમાં, તેઓએ માણસના દીકરાની હાજરી વિશે પૂછ્યું. કદાચ તેઓને ઈસુએ આપેલું ઉદાહરણ યાદ આવ્યું હશે, જેમાં “રાજવી ખાનદાનનો એક માણસ દૂર દેશ ગયો, જેથી પોતાના માટે રાજસત્તા મેળવીને પાછો ફરે.” (લુક ૧૯:૧૧, ૧૨) તેઓના મનમાં એ સવાલ પણ હતો કે ‘દુનિયાના અંતના સમયે’ કેવા બનાવો બનશે.

      ઈસુએ વિસ્તારથી જવાબ આપ્યો. તેમણે એક નિશાની આપી, જેનાથી પારખી શકાતું હતું કે યરૂશાલેમ અને એના મંદિરનો ક્યારે નાશ થશે. તેમણે વધુ માહિતી પણ આપી. એ નિશાનીથી ઈશ્વરભક્તો ભાવિમાં પારખી શકવાના હતા કે તેઓ ઈસુની “હાજરી” દરમિયાન જીવી રહ્યા છે અને આખી દુનિયાના અંતનો સમય નજીક આવ્યો છે.

      વર્ષો વીતતાં ગયાં તેમ, પ્રેરિતો જોઈ શક્યા કે ઈસુની ભવિષ્યવાણી પૂરી થઈ રહી છે. હા, તેમણે જણાવેલી ઘણી બાબતો તેઓના જીવનકાળમાં જ બનવા લાગી હતી. આમ, ઈસુની ભવિષ્યવાણીનાં ૩૭ વર્ષ પછી, ઈસવીસન ૭૦માં સજાગ ઈશ્વરભક્તો યરૂશાલેમ અને એના મંદિરના વિનાશ માટે તૈયાર હતા. જોકે, તેમણે ભાખેલી બધી જ બાબતો ઈ.સ. ૭૦ સુધીના સમયગાળામાં અને એ વર્ષમાં જ બની ન હતી. તો પછી, તે સ્વર્ગના રાજ્યમાં સત્તા પર આવશે ત્યારે, તેમની હાજરીને બતાવતી નિશાનીઓ કઈ હશે? તેમણે પ્રેરિતોને એનો જવાબ આપ્યો.

      ઈસુએ ભાખ્યું કે, ‘યુદ્ધો અને યુદ્ધોની ખબરો સંભળાશે’ અને “એક દેશ બીજા દેશ સામે થશે અને એક રાજ્ય બીજા રાજ્ય સામે થશે.” (માથ્થી ૨૪:૬, ૭) તેમણે એમ પણ કહ્યું કે, “મોટા મોટા ધરતીકંપો થશે અને એક પછી બીજી જગ્યાએ દુકાળો પડશે તથા ચેપી રોગો ફેલાશે.” (લુક ૨૧:૧૧) ઈસુએ પોતાના શિષ્યોને ચેતવણી આપી: “લોકો તમને પકડશે અને તમારી સતાવણી કરશે.” (લુક ૨૧:૧૨) જૂઠા પ્રબોધકો ઊભા થશે અને ઘણા લોકોને ખોટે માર્ગે દોરશે. દુષ્ટતા વધી જશે અને ઘણા લોકોનો પ્રેમ ઠંડો પડી જશે. વધુમાં, તેમણે જણાવ્યું, “રાજ્યની આ ખુશખબર આખી દુનિયામાં જણાવવામાં આવશે, જેથી બધી પ્રજાઓને સાક્ષી મળે અને પછી જ અંત આવશે.”—માથ્થી ૨૪:૧૪.

      રોમન સત્તાએ યરૂશાલેમનો નાશ કર્યો ત્યારે અને એ અગાઉ ઈસુની ભવિષ્યવાણી અમુક હદે પૂરી થઈ હતી. પણ, શું ઈસુ એમ સૂચવતા હતા કે ભાવિમાં એ ભવિષ્યવાણી મોટા પાયે પૂરી થવાની છે? શું તમે એ પુરાવો જોઈ શકો છો કે ઈસુની મહત્ત્વની ભવિષ્યવાણી હાલમાં મોટા પાયે પૂરી થઈ રહી છે?

      ઈસુએ પોતાની હાજરીની નિશાની આપતી વખતે એક વાત જણાવી હતી કે, “વિનાશ લાવનારી ધિક્કારપાત્ર વસ્તુ” દેખાશે. (માથ્થી ૨૪:૧૫) ઈ.સ. ૬૬માં, એ ધિક્કારપાત્ર વસ્તુ ‘ઘેરો નાખેલા’ રોમન સૈન્યના રૂપમાં દેખાઈ આવી; એ સૈન્ય પોતાના ઝંડાઓ લઈને આવ્યું હતું, જેને તેઓ પૂજતા હતા. રોમનોએ યરૂશાલેમને ઘેરી લીધું અને એની અમુક દીવાલોને નુકસાન પહોંચાડ્યું. (લુક ૨૧:૨૦) આમ, યહુદીઓ જે શહેરને ‘પવિત્ર જગ્યા’ ગણતા હતા, ત્યાં “ધિક્કારપાત્ર વસ્તુ” આવીને ઊભી રહી.

      ઈસુએ આગળ ભાખ્યું: “એ સમયે એવી મહાન વિપત્તિ આવશે, જે દુનિયાની શરૂઆતથી હમણાં સુધી થઈ નથી; ના, ફરી કદી થશે પણ નહિ.” ઈ.સ. ૭૦માં રોમન સૈન્યે યરૂશાલેમનો નાશ કર્યો. યહુદીઓના ‘પવિત્ર શહેર’ અને એના મંદિર પર થયેલો ઘાતક હુમલો એ મહાન વિપત્તિ સાબિત થયો. એમાં હજારો લોકો માર્યા ગયા. (માથ્થી ૪:૫; ૨૪:૨૧) આવો મોટો વિનાશ યરૂશાલેમ અને યહુદી પ્રજાએ પહેલા કદી જોયો ન હતો. આ વિનાશને કારણે એ ભક્તિની ગોઠવણનો અંત આવ્યો, જેને યહુદીઓ સદીઓથી અનુસરતા હતા. ઈસુએ ભાખેલા શબ્દો મોટા પાયે પૂરા થશે ત્યારે પણ એવી જ ભયાનક સ્થિતિ હશે.

      છેલ્લા દિવસો દરમિયાન ભરોસો રાખવો

      સ્વર્ગના રાજ્યમાં પોતાની હાજરીની અને દુનિયાના અંતના સમયની નિશાની વિશે ઈસુ અને પ્રેરિતોની વાતો હજુ પૂરી થઈ ન હતી. હવે, તેમણે તેઓને “જૂઠા ખ્રિસ્ત અને જૂઠા પ્રબોધકો” પાછળ ન જવાની ચેતવણી આપી. તેમણે જણાવ્યું, ‘શક્ય હોય તો ઈશ્વરે પસંદ કરેલાને પણ ભમાવવાના’ પ્રયત્નો થશે. (માથ્થી ૨૪:૨૪) પરંતુ, આ પસંદ કરાયેલા લોકો ખોટા માર્ગે ફંટાઈ જશે નહિ. જૂઠા ખ્રિસ્તને નરી આંખે જોઈ શકાશે, પણ ઈસુની હાજરી અદૃશ્ય હશે.

      દુનિયાના અંતના સમયે આવી પડનારી મહાન વિપત્તિ વિશે જણાવતા ઈસુએ કહ્યું: “સૂર્ય અંધકારમય બની જશે, ચંદ્ર પોતાનો પ્રકાશ નહિ આપે, આકાશમાંથી તારાઓ ખરશે અને આકાશોમાંની શક્તિઓ હલી ઊઠશે.” (માથ્થી ૨૪:૨૯) પ્રેરિતોએ આ ભયંકર બનાવો વિશે સાંભળ્યું ત્યારે, તેઓ જાણતા ન હતા કે ખરેખર શું બનવાનું છે, પણ એનાથી તેઓને ચોક્કસ આઘાત લાગ્યો હશે.

      એ આઘાતજનક બનાવોની મનુષ્યો પર કેવી અસર પડવાની હતી? ઈસુએ કહ્યું: “પૃથ્વી પર જે આવી પડવાનું છે, એના ભય અને ચિંતાથી લોકોના હોશ ઊડી જશે, કેમ કે આકાશોમાંની શક્તિઓ હલી ઊઠશે.” (લુક ૨૧:૨૬) હકીકતમાં, માનવ ઇતિહાસના સૌથી અંધકારમય સમયનું ઈસુ વર્ણન કરતા હતા.

      ઈસુએ પ્રેરિતોને આશ્વાસન આપતા જણાવ્યું, ‘માણસનો દીકરો સામર્થ્ય તથા મહાન ગૌરવ સાથે આવશે’ ત્યારે કંઈ બધા લોકો વિલાપ કરતા નહિ હોય. (માથ્થી ૨૪:૩૦) તેમણે અગાઉ કહ્યું હતું કે, “પસંદ થયેલા લોકોને કારણે” ઈશ્વર પગલાં ભરશે. (માથ્થી ૨૪:૨૨) તો પછી, ઈસુએ જણાવેલા ભયાનક બનાવો બને ત્યારે વફાદાર શિષ્યોએ શું કરવું જોઈએ? ઈસુએ શિષ્યોને ઉત્તેજન આપતા કહ્યું: “આ બાબતો બનવાની શરૂ થાય તેમ, માથાં ઊંચાં કરીને સીધા ઊભા રહો, કારણ કે તમારો ઉદ્ધાર નજીક આવી રહ્યો છે.”—લુક ૨૧:૨૮.

      પરંતુ, ઈસુએ ભાખેલા સમયગાળામાં જીવતા શિષ્યો કઈ રીતે પારખી શકશે કે અંત નજીક છે? ઈસુએ અંજીરના ઝાડનું ઉદાહરણ આપ્યું: “એની કુમળી ડાળી ઊગે અને એના પર પાંદડાં ફૂટે કે તરત જ તમને ખબર પડે છે કે ઉનાળો નજીક છે. એ જ રીતે, તમે જ્યારે આ બધું થતું જુઓ, ત્યારે જાણજો કે માણસનો દીકરો બારણા પાસે જ છે. હું તમને સાચે જ કહું છું કે એ બધું બનશે નહિ ત્યાં સુધી આ પેઢી જતી રહેશે નહિ.”—માથ્થી ૨૪:૩૨-૩૪.

      આમ, નિશાનીનાં વિવિધ પાસાઓ પૂરાં થતાં જોઈને શિષ્યો પારખી શકવાના હતા કે અંત નજીક છે. એ મહત્ત્વના સમયે જે શિષ્યો જીવતા હશે, તેઓને સલાહ આપતા ઈસુએ કહ્યું:

      “એ દિવસ અને ઘડી વિશે પિતા સિવાય કોઈ જાણતું નથી, સ્વર્ગના દૂતો નહિ કે દીકરો નહિ. કારણ કે જેવું નુહના દિવસોમાં થયું હતું, એવું જ માણસના દીકરાની હાજરીના સમયે થશે. કેમ કે જેમ જળપ્રલય પહેલાંના દિવસોમાં જ્યાં સુધી નુહ વહાણની અંદર ગયા નહિ, ત્યાં સુધી લોકો ખાતાપીતા, માણસો પરણતા અને સ્ત્રીઓને પરણાવતા હતા; અને જળપ્રલય આવ્યો અને તેઓ બધાને ખેંચી લઈ ગયો ત્યાં સુધી, તેઓએ ધ્યાન આપ્યું નહિ; એવું જ માણસના દીકરાની હાજરીના સમયે પણ થશે.” (માથ્થી ૨૪:૩૬-૩૯) ઈસુ યાદ અપાવતા હતા કે જેમ નુહના દિવસોમાં આવેલા જળપ્રલયની અસર આખી દુનિયામાં થઈ હતી, તેમ આ દુનિયાના અંતના સમયે પણ થશે.

      જૈતૂન પહાડ પર ઈસુની વાત સાંભળી રહેલા પ્રેરિતો સજાગ રહેવાની જરૂરિયાતને ચોક્કસ પારખી ગયા હશે. ઈસુએ કહ્યું: “પોતાના પર ધ્યાન આપો, જેથી અતિશય ખાવાપીવાથી તથા જીવનની ચિંતાઓના બોજથી તમારા હૃદયો દબાઈ ન જાય અને અચાનક એ દિવસ ઓચિંતો તમારા પર ફાંદાની જેમ આવી ન પડે. કેમ કે આખી પૃથ્વી પર રહેતા સર્વ લોકો પર એ આવી પડશે. એટલે, જાગતા રહો અને હર ઘડી વિનંતી કરતા રહો, જેથી જે ચોક્કસ થવાનું છે એ બધામાંથી તમે બચી શકો અને માણસના દીકરાની સામે તમે ઊભા રહી શકો.”—લુક ૨૧:૩૪-૩૬.

      ઈસુએ ફરી ભાર મૂક્યો કે તેમની ભવિષ્યવાણી કોઈ ચોક્કસ સમય કે સ્થળ પૂરતી ન હતી. ઈસુ ફક્ત એ બનાવો વિશે ભવિષ્યવાણી કરી રહ્યા ન હતા, જે આવનાર અમુક દાયકાઓમાં બનવાના હતા અને એની અસર ફક્ત યરૂશાલેમ કે યહુદી પ્રજાને થવાની હતી. ના, તે તો એવા બનાવો વિશે જણાવી રહ્યા હતા, જેની અસર “આખી પૃથ્વી પર રહેતા સર્વ લોકો પર” થવાની હતી.

      ઈસુ કહેતા હતા કે તેમના શિષ્યોએ સજાગ, સાવચેત અને તૈયાર રહેવું પડશે. એ ચેતવણી પર ભાર આપવા ઈસુએ બીજું એક ઉદાહરણ આપ્યું: “એક વાત જાણો: જો ઘરમાલિકને ખબર હોત કે ચોર કઈ ઘડીએ આવશે, તો તે જાગતો રહ્યો હોત અને તેણે પોતાના ઘરમાં ચોરી થવા દીધી ન હોત. એ માટે તમે પણ તૈયાર રહો, કારણ કે તમે જે ઘડીએ ધારતા નથી એ ઘડીએ માણસનો દીકરો આવી રહ્યો છે.”—માથ્થી ૨૪:૪૩, ૪૪.

      શિષ્યો નિરાશ ન થાય માટે ઈસુએ આશા બંધાવતા શબ્દો કહ્યા. તેમણે તેઓને ખાતરી આપી કે જ્યારે તેમની ભવિષ્યવાણી પૂરી થઈ રહી હશે, ત્યારે સજાગ અને ઉત્સાહી “ચાકર” હશે. પ્રેરિતો તરત જ સમજી શકે માટે ઈસુએ કહ્યું: “વિશ્વાસુ અને સમજુ ચાકર કોણ છે, જેને તેના માલિકે પોતાના ઘરના સેવકો પર ઠરાવ્યો છે, જેથી તેઓને યોગ્ય સમયે ખોરાક આપે? એ ચાકરને ધન્ય છે, જેનો માલિક આવીને તેને એમ કરતો જુએ! હું તમને સાચે જ કહું છું, તે તેને પોતાની બધી માલમિલકત પર કારભારી ઠરાવશે.” પણ, જો એ “ચાકર” દુષ્ટ વલણ કેળવીને સાથી ચાકરો સાથે ખરાબ વ્યવહાર કરે, તો માલિક “તેને કડકમાં કડક સજા કરશે.”—માથ્થી ૨૪:૪૫-૫૧; સરખાવો: લુક ૧૨:૪૫, ૪૬.

      ઈસુના કહેવાનો અર્થ એ ન હતો કે તેમના શિષ્યોમાંથી અમુક દુષ્ટ વલણ કેળવશે. તો પછી, શિષ્યોને તે કયો બોધપાઠ શીખવવા માંગતા હતા? ઈસુ ચાહતા હતા કે તેઓ સજાગ અને ઉત્સાહી રહે. આ મુદ્દા પર ભાર મૂકવા તેમણે બીજું એક ઉદાહરણ પણ આપ્યું.

      • શાને લીધે પ્રેરિતો ભાવિમાં થનાર બનાવો વિશે પૂછવા પ્રેરાયા? પણ તેઓને બીજું શું મૂંઝવી રહ્યું હતું?

      • ઈસુની ભવિષ્યવાણી ક્યારે પૂરી થવા લાગી અને કઈ રીતે?

      • ખ્રિસ્તની હાજરીને બતાવતી અમુક નિશાનીઓ કઈ હશે?

      • “ધિક્કારપાત્ર વસ્તુ” કઈ રીતે દેખાઈ હતી? એ પછી કયા બનાવો બન્યા?

      • ઈસુની ભવિષ્યવાણી પૂરી થતી જોઈને લોકો શું કરશે?

      • અંત નજીક છે એ પારખવા ઈસુએ પોતાના શિષ્યોને કયું ઉદાહરણ આપ્યું?

      • શું બતાવે છે કે ઈસુની ભવિષ્યવાણી કોઈ એક સ્થળે નહિ, પણ આખી દુનિયામાં પૂરી થશે?

      • દુનિયાના અંતના સમયે જીવતા પોતાના શિષ્યો માટે ઈસુએ કઈ ચેતવણી આપી?

  • સજાગ રહેવા વિશે બોધપાઠ—કન્યાઓ
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
    • સળગતા દીવાઓ સાથે પાંચ સમજદાર કન્યાઓ

      પ્રકરણ ૧૧૨

      સજાગ રહેવા વિશે બોધપાઠ—કન્યાઓ

      માથ્થી ૨૫:૧-૧૩

      • ઈસુ દસ કન્યાઓનું ઉદાહરણ આપે છે

      પ્રેરિતોએ ઈસુને તેમની હાજરી વિશે અને દુનિયાના અંતની નિશાની વિશે પૂછ્યું હતું. ઈસુએ એનો જવાબ આપ્યો ત્યારે બીજું એક ઉદાહરણ પણ જણાવ્યું, જેમાં તેઓના ભલા માટે ચેતવણી હતી. જેઓ ઈસુની હાજરી દરમિયાન જીવતા હશે, તેઓ એ ઉદાહરણના શબ્દો પૂરા થતા જોશે.

      તેમણે આમ કહીને ઉદાહરણની શરૂઆત કરી: “સ્વર્ગનું રાજ્ય દસ કન્યાઓ જેવું છે, જેઓ પોતપોતાના દીવા લઈને વરરાજાને મળવા બહાર ગઈ. એમાંની પાંચ મૂર્ખ હતી અને પાંચ સમજદાર હતી.”—માથ્થી ૨૫:૧, ૨.

      ઈસુના કહેવાનો અર્થ એવો ન હતો કે સ્વર્ગના રાજ્યનો વારસો મેળવનારા શિષ્યોમાંથી અડધા મૂર્ખ અને અડધા સમજદાર હતા. ઈસુ તો એ સમજાવવા માંગતા હતા કે રાજ્ય વિશે તેમના દરેક શિષ્ય પાસે આ પસંદગી છે: તેઓ સજાગ રહે અથવા બેધ્યાન બને. જોકે, પોતાના દરેક શિષ્ય વફાદાર રહીને પિતા યહોવાના આશીર્વાદો મેળવી શકે છે, એ વાતની ઈસુને કોઈ શંકા ન હતી.

      ઉદાહરણમાં, દસેદસ કન્યાઓ વરરાજાને આવકારવા અને લગ્‍નની જાનમાં સામેલ થવા બહાર ગઈ. વરરાજા આવે ત્યારે, કન્યાઓએ પોતાના દીવાઓ સળગાવીને રસ્તાને પ્રકાશિત કરી દેવાનો હતો. તૈયાર કરેલા ઘર તરફ નવવધૂને લઈ જતાં વરરાજાને માન આપવા તેઓએ એમ કરવાનું હતું. પછી, શું થયું?

      ઈસુએ આગળ જણાવ્યું: “જેઓ મૂર્ખ હતી તેઓએ પોતાના દીવા તો લીધા, પણ સાથે વધારાનું તેલ લીધું ન હતું, જ્યારે કે સમજદાર હતી તેઓએ પોતાના દીવા સાથે કુપ્પીમાં વધારાનું તેલ લીધું હતું. વરરાજાને આવવામાં મોડું થતું હોવાથી, એ બધી કન્યાઓને ઊંઘ ચડી અને સૂઈ ગઈ.” (માથ્થી ૨૫:૩-૫) કન્યાઓને હતું કે વરરાજા જલદી જ આવશે, પણ તેને આવતા મોડું થયું. એવું લાગે છે કે ઘણો સમય લાગ્યો હોવાથી, કન્યાઓને ઊંઘ આવી ગઈ. એ સમયે પ્રેરિતોને કદાચ ઈસુએ કહેલું પેલું ઉદાહરણ યાદ આવ્યું હશે, જેમાં રાજવી ખાનદાનનો એક માણસ દૂર દેશ જાય છે અને ‘છેવટે તે રાજસત્તા મેળવીને પાછો આવે છે.’—લુક ૧૯:૧૧-૧૫.

      ઈસુએ પછી જણાવ્યું કે છેવટે વરરાજા આવે છે ત્યારે શું થાય છે: “અડધી રાતે પોકાર સંભળાયો કે, ‘વરરાજા આવે છે! તેને મળવા નીકળો.’” (માથ્થી ૨૫:૬) ત્યારે કન્યાઓની શું હાલત હતી? શું તેઓ તૈયાર હતી? સજાગ હતી?

      ઈસુએ આગળ કહ્યું: “એટલે, બધી કન્યાઓ ઊઠી અને પોતપોતાના દીવા તૈયાર કર્યા. મૂર્ખ કન્યાઓએ સમજદાર કન્યાઓને કહ્યું: ‘તમારા તેલમાંથી અમને થોડું આપો, કેમ કે અમારા દીવા હોલવાઈ જવાની તૈયારીમાં છે.’ સમજદાર કન્યાઓએ જવાબ આપ્યો: ‘કદાચ અમારા અને તમારા માટે એ પૂરતું નહિ હોય, માટે તેલ વેચનારાઓ પાસે જાઓ અને તમારા માટે ખરીદી લાવો.’”—માથ્થી ૨૫:૭-૯.

      આમ, પાંચ મૂર્ખ કન્યાઓ સજાગ ન હતી અને તેઓ વરરાજાને આવકારવા માટે તૈયાર ન હતી. તેઓ પાસે પોતાના દીવાઓ માટે પૂરતું તેલ ન હતું, એટલે તેલ શોધવા નીકળવાનું હતું. ઈસુએ પછી જણાવ્યું: “તેઓ ખરીદવા ગઈ ત્યારે, વરરાજા આવી પહોંચ્યો. જે કન્યાઓ તૈયાર હતી તેઓ તેની સાથે લગ્‍નની મિજબાનીમાં ગઈ અને દરવાજો બંધ કરી દેવામાં આવ્યો. પછી, બાકીની કન્યાઓ પણ આવી અને કહેવા લાગી, ‘સ્વામી, સ્વામી, અમારા માટે બારણું ખોલો!’ જવાબમાં તેણે કહ્યું: ‘હું તમને સાચું કહું છું કે હું તમને જાણતો નથી.’” (માથ્થી ૨૫:૧૦-૧૨) તેઓ તૈયાર અને સજાગ ન રહી, એનું કેવું દુઃખદ પરિણામ આવ્યું!

      પ્રેરિતોને ખ્યાલ આવ્યો કે ઉદાહરણમાં જણાવેલ વરરાજા ઈસુને જ દર્શાવતા હતા. અગાઉ પણ ઈસુએ પોતાની સરખામણી વરરાજા સાથે કરી હતી. (લુક ૫:૩૪, ૩૫) અને સમજદાર કન્યાઓ વિશે શું? જેઓને રાજ્ય મળવાનું હતું એ “નાની ટોળી” વિશે ઈસુએ અગાઉ આમ કહ્યું હતું: “તૈયાર રહો અને તમારા દીવા સળગાવેલા રાખો.” (લુક ૧૨:૩૨, ૩૫) એટલે, પ્રેરિતો પારખી શક્યા કે સમજદાર કન્યાઓ તેઓને અને ઈસુના બીજા શિષ્યોને દર્શાવતી હતી. આ ઉદાહરણથી ઈસુ કયો સંદેશો આપી રહ્યા હતા?

      ઈસુએ એ વિશે પોતાના સાંભળનારાઓને અંધારામાં ન રાખ્યા. ઉદાહરણને અંતે તેમણે ચેતવણી આપી: “તેથી, જાગતા રહો, કેમ કે તમે એ દિવસ કે એ ઘડી જાણતા નથી.”—માથ્થી ૨૫:૧૩.

      આમ, ઈસુ પોતાના વફાદાર અનુયાયીઓને ચેતવણી આપતા હતા કે, તેમની હાજરી વિશે તેઓ ‘જાગતા રહે.’ તે જરૂર આવશે અને તેમના આગમન સમયે શિષ્યોએ તૈયાર અને સજાગ રહેવું પડશે, જેમ પાંચ સમજદાર કન્યાઓએ કર્યું હતું. એમ કરશે તો, તેઓનું ધ્યાન પોતાની અનમોલ આશાથી ફંટાઈ નહિ જાય અને તેઓ ઈશ્વર તરફથી મળનારા આશીર્વાદો પણ નહિ ગુમાવે.

      • સજાગ અને તૈયાર રહેવા વિશે પાંચ સમજદાર કન્યાઓ કઈ રીતે પાંચ મૂર્ખ કન્યાઓથી અલગ હતી?

      • વરરાજા કોને દર્શાવતા હતા અને કન્યાઓ કોને દર્શાવતી હતી?

      • દસ કન્યાઓના ઉદાહરણથી ઈસુ કયો સંદેશો આપી રહ્યા હતા?

  • તાલંતનું ઉદાહરણ—ખંતીલા બનવાનો બોધપાઠ
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
    • એક ચાકર પૈસાની થેલી જમીનમાં દાટી રહ્યો છે

      પ્રકરણ ૧૧૩

      તાલંતનું ઉદાહરણ—ખંતીલા બનવાનો બોધપાઠ

      માથ્થી ૨૫:૧૪-૩૦

      • ઈસુ તાલંતનું ઉદાહરણ આપે છે

      ઈસુ હજુ જૈતૂન પહાડ પર ચાર પ્રેરિતો સાથે હતા. તેમણે તેઓને બીજું એક ઉદાહરણ આપ્યું. થોડા દિવસો પહેલાં તે યરીખોમાં હતા ત્યારે, તેમણે ચાંદીના સિક્કાઓનું ઉદાહરણ આપીને જણાવ્યું હતું કે ઈશ્વરના રાજ્યને આવવામાં હજુ ઘણી વાર છે. તેમણે હવે તાલંતનું જે ઉદાહરણ આપ્યું, એ પણ અનેક રીતે એના જેવું જ હતું. શિષ્યોએ તેમની હાજરી અને દુનિયાના અંતના સમય વિશે સવાલ પૂછ્યો હતો. એના જવાબના એક ભાગ તરીકે તેમણે આ ઉદાહરણ આપ્યું. એ જણાવતું હતું કે ઈસુએ સોંપેલી જવાબદારી નિભાવવા શિષ્યોએ ખંતથી મંડ્યા રહેવાનું હતું.

      ઈસુએ શરૂઆત કરી: “સ્વર્ગનું રાજ્ય એવા માણસ જેવું છે, જેણે પરદેશ જતી વખતે પોતાના ચાકરોને બોલાવીને પોતાની માલમિલકત તેઓને સાચવવા આપી.” (માથ્થી ૨૫:૧૪) અગાઉના ઉદાહરણમાં “રાજસત્તા” મેળવવા જનાર માણસ તરીકે ઈસુએ પોતાને રજૂ કર્યા હતા. એટલે, શિષ્યો સહેલાઈથી સમજી શક્યા કે આ ઉદાહરણમાં જણાવેલા “માણસ” ઈસુ છે.—લુક ૧૯:૧૨.

      ઉદાહરણમાં માણસે પરદેશ જતાં પહેલાં, પોતાના ચાકરોને માલમિલકત સાચવવા આપી. ઈસુએ સાડા ત્રણ વર્ષના સેવાકાર્ય દરમિયાન, ઈશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવવા પર ધ્યાન આપ્યું હતું. તેમણે પોતાના શિષ્યોને આ કામ માટે તાલીમ આપી હતી. હવે, તે તેઓથી દૂર જઈ રહ્યા હતા. તેમને ખાતરી હતી કે શિષ્યોને જે તાલીમ આપી હતી, એ પ્રમાણે તેઓ કરતા રહેશે.—માથ્થી ૧૦:૭; લુક ૧૦:૧, ૮, ૯; સરખાવો યોહાન ૪:૩૮; ૧૪:૧૨.

      ઉદાહરણમાં માણસે પોતાની માલમિલકત કેવી રીતે વહેંચી આપી? ઈસુએ જણાવ્યું: “તેણે એકને પાંચ તાલંત, બીજાને બે તાલંત અને ત્રીજાને એક તાલંત, એમ દરેકને તેઓની આવડત પ્રમાણે આપ્યું અને તે પરદેશ ગયો.” (માથ્થી ૨૫:૧૫) ચાકરોને જે મળ્યું હતું, એનું તેઓએ શું કર્યું? શું તેઓએ એને ખંતથી વાપર્યું, જેથી માલિકને ફાયદો થાય? ઈસુએ પ્રેરિતોને કહ્યું:

      “જેને પાંચ તાલંત મળ્યા હતા, તેણે તરત જઈને એનાથી વેપાર કર્યો અને બીજા પાંચ કમાયો. એ જ રીતે, જેને બે મળ્યા હતા એ બીજા બે કમાયો. પરંતુ, જે ચાકરને ફક્ત એક તાલંત મળ્યો હતો તે ગયો અને જમીનમાં ખાડો ખોદીને પોતાના માલિકના પૈસા સંતાડી દીધા.” (માથ્થી ૨૫:૧૬-૧૮) માલિક પાછો ફર્યો ત્યારે શું થયું?

      ઈસુએ કહ્યું, “લાંબા સમય પછી, એ ચાકરોનો માલિક આવ્યો અને તેઓ પાસે હિસાબ માંગ્યો.” (માથ્થી ૨૫:૧૯) પહેલા બે ચાકરોએ પોતાની “આવડત પ્રમાણે” શક્ય હોય એટલા બધા પ્રયાસો કર્યા હતા. બંને ચાકરો ખંતીલા, મહેનતુ અને મળેલી જવાબદારીને સફળતાથી પાર પાડનારા હતા. જેઓને પાંચ તાલંત અને બે તાલંત મળ્યા હતા, એ બંનેએ એના બમણા કરી નાખ્યા હતા. (એ સમયમાં, મજૂરને એક તાલંત જેટલું કમાતા ૧૯ વર્ષ લાગતા હતા.) માલિકે તેઓ બંનેના એકસરખા વખાણ કર્યા: “શાબાશ, સારા અને વિશ્વાસુ ચાકર! તું થોડામાં વિશ્વાસુ થયો. હું તને ઘણી બાબતોની જવાબદારી સોંપીશ. તારા માલિક સાથે આનંદ કર.”—માથ્થી ૨૫:૨૧.

      ૧. એક ચાકર પૈસાની થેલી જમીનમાં દાટી રહ્યો છે; ૨. એ જ ચાકરને બહાર અંધારામાં ફેંકી દેવામાં આવી રહ્યો છે

      પરંતુ, જે ચાકરને એક તાલંત મળ્યો હતો, તેણે કંઈ અલગ જ કર્યું. તેણે કહ્યું: “માલિક, મને ખબર હતી કે તમે કડક માણસ છો; જ્યાં તમે નથી વાવ્યું ત્યાંથી લણનાર અને જ્યાં તમે મહેનત નથી કરી ત્યાંથી પાક ભેગો કરનાર છો. એ માટે મને બીક લાગી અને મેં જઈને તમારો તાલંત જમીનમાં સંતાડી દીધો. લો, તમારું છે એ તમે લઈ લો.” (માથ્થી ૨૫:૨૪, ૨૫) તેણે એ પૈસા શાહુકાર પાસે મૂકવાની તસ્દી પણ લીધી ન હતી, એમ કર્યું હોત તો તેના માલિકને થોડુંઘણું વ્યાજ મળત. તેણે તો માલિકને ફાયદો ન થાય એવું કામ કર્યું હતું.

      એટલે, માલિકે તેને “દુષ્ટ અને આળસુ ચાકર” કહ્યો, એ યોગ્ય જ હતું. તેની પાસે જે હતું એ લઈ લેવામાં આવ્યું અને મહેનત કરવા તૈયાર હતો, એવા ચાકરને આપવામાં આવ્યું. માલિકે કહ્યું: “જેની પાસે છે તે દરેકને વધારે આપવામાં આવશે અને તેની પાસે પુષ્કળ થશે. પરંતુ, જેની પાસે નથી તેની પાસેથી જે કંઈ છે એ પણ લઈ લેવાશે.”—માથ્થી ૨૫:૨૬, ૨૯.

      ઈસુના શિષ્યો પ્રચાર કરી રહ્યા છે

      ઈસુના શિષ્યોએ આ ઉદાહરણ વિશે પણ ઘણો વિચાર કરવાનો હતો. તેઓ જોઈ શકતા હતા કે શિષ્યો બનાવવાની જે મોટી જવાબદારી ઈસુએ તેઓને આપી છે, એ ઘણી કીમતી છે. આ જવાબદારી ઉઠાવવા તેઓ ખંતથી મહેનત કરે એવું ઈસુ ચાહતા હતા. તે એવું વિચારતા ન હતા કે, શિષ્યોને સોંપેલા પ્રચારકાર્યમાં તેઓ બધાએ એકસરખી મહેનત કરવી જોઈએ. ઉદાહરણમાં જણાવ્યા પ્રમાણે, દરેકે પોતાની “આવડત પ્રમાણે” બનતા બધા પ્રયાસો કરવાના હતા. એનો અર્થ એ નથી કે જો કોઈ “આળસુ” બને અને ઈસુએ સોંપેલી જવાબદારી નિભાવવામાં પૂરી મહેનત ન કરે, તો એનાથી ઈસુ ખુશ થશે.

      પ્રેરિતોને આ ખાતરી મળી હતી: “જેની પાસે છે તે દરેકને વધારે આપવામાં આવશે.” એનાથી તેઓ કેટલા ખુશ થયા હશે!

      • તાલંતના ઉદાહરણમાં, માલિક કોને રજૂ કરતા હતા અને ચાકરો કોને રજૂ કરતા હતા?

      • ઈસુએ પોતાના શિષ્યોને કયા બોધપાઠ આપ્યા?

  • ભાવિમાં ઘેટાં અને બકરાંનો ન્યાય
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
    • ઈસુ ન્યાય કરે એની સર્વ પ્રજાઓ રાહ જુએ છે તેમ, સ્વર્ગ તરફ જોઈ રહ્યા છે

      પ્રકરણ ૧૧૪

      ભાવિમાં ઘેટાં અને બકરાંનો ન્યાય

      માથ્થી ૨૫:૩૧-૪૬

      • ઈસુ ઘેટાં અને બકરાંનું ઉદાહરણ આપે છે

      જૈતૂન પહાડ પર ઈસુએ થોડી વાર પહેલાં દસ કન્યાઓ અને તાલંતનાં ઉદાહરણો આપ્યાં હતાં. તેમની હાજરી અને દુનિયાના અંતના સમય વિશે પ્રેરિતોના સવાલનો જવાબ તેમણે કઈ રીતે પૂરો કર્યો? ઘેટાં અને બકરાં વિશે છેલ્લું ઉદાહરણ આપીને.

      ઈસુએ આમ કહેતા શરૂઆત કરી: “જ્યારે માણસનો દીકરો પોતાના ગૌરવમાં બધા દૂતો સાથે આવશે, ત્યારે તે પોતાના ભવ્ય રાજ્યાસન પર બેસશે.” (માથ્થી ૨૫:૩૧) આમ, ઈસુએ સ્પષ્ટ બતાવી આપ્યું કે પોતે આ ઉદાહરણના મુખ્ય પાત્ર છે. તેમણે ઘણી વાર પોતાને “માણસના દીકરા” કહ્યા હતા.—માથ્થી ૮:૨૦; ૯:૬; ૨૦:૧૮, ૨૮.

      ઈસુ પોતાના ભવ્ય રાજ્યાસન પર બેઠા છે અને વફાદાર લોકોનો ઘેટાં તરીકે ન્યાય કરી રહ્યા છે

      આ ઉદાહરણના શબ્દો ક્યારે પૂરા થવાના હતા? જ્યારે ઈસુ દૂતો સાથે “પોતાના ગૌરવમાં” આવશે અને “ભવ્ય રાજ્યાસન” પર બિરાજશે ત્યારે. તેમણે પહેલાં પણ જણાવ્યું હતું કે, ‘માણસનો દીકરો સામર્થ્ય તથા મહાન ગૌરવ સાથે આકાશનાં વાદળો પર’ પોતાના દૂતો સાથે આવશે. એવું ક્યારે બનશે? “વિપત્તિ પછી તરત જ.” (માથ્થી ૨૪:૨૯-૩૧; માર્ક ૧૩:૨૬, ૨૭; લુક ૨૧:૨૭) ભાવિમાં, ઈસુ પોતાના ગૌરવ સાથે આવશે ત્યારે એ ઉદાહરણના શબ્દો પૂરા થશે. એ સમયે તે શું કરશે?

      ઈસુએ કહ્યું, ‘જ્યારે માણસનો દીકરો આવશે, ત્યારે સર્વ પ્રજાઓ તેમની આગળ ભેગી કરાશે અને જેમ ઘેટાંપાળક ઘેટાંને બકરાંથી અલગ પાડે છે, તેમ તે લોકોને એકબીજાથી અલગ પાડશે. અને તે ઘેટાંને પોતાને જમણે હાથે, પણ બકરાંને પોતાને ડાબે હાથે રાખશે.’—માથ્થી ૨૫:૩૧-૩૩.

      ઘેટાં જેવા લોકોનું શું થશે, એ જણાવતા ઈસુએ કહ્યું: “પછી, રાજા પોતાની જમણી બાજુના લોકોને કહેશે: ‘મારા પિતાથી આશીર્વાદ પામેલા લોકો, આવો, દુનિયાનો પાયો નંખાયો ત્યારથી તમારા માટે તૈયાર કરેલા રાજ્યનો વારસો લો.’” (માથ્થી ૨૫:૩૪) શા માટે ઘેટાં જેવા લોકો પર રાજાની કૃપા હતી?

      રાજાએ સમજાવતા કહ્યું, “હું ભૂખ્યો થયો અને તમે મને કંઈક ખાવા આપ્યું; હું તરસ્યો હતો અને તમે મને કંઈક પીવા આપ્યું. હું અજાણ્યો હતો અને તમે મને મહેમાન તરીકે રાખ્યો; મારી પાસે કપડાં ન હતાં અને તમે મને પહેરવાં કપડાં આપ્યાં. હું બીમાર થયો અને તમે મારી સંભાળ રાખી. હું કેદમાં હતો અને તમે મને મળવા આવ્યા.” જ્યારે ઘેટાં જેવા “નેક” લોકોએ પૂછ્યું કે તેઓએ કઈ રીતે આ બધી સારી બાબતો કરી હતી, ત્યારે તેમણે જણાવ્યું: “તમે મારા આ ભાઈઓમાંના સૌથી નાનાઓમાંથી એકને માટે જે કંઈ કર્યું, એ તમે મારે માટે કર્યું છે.” (માથ્થી ૨૫:૩૫, ૩૬, ૪૦, ૪૬) તેઓએ આ સારાં કાર્યો સ્વર્ગમાં કર્યાં ન હતાં, કેમ કે ત્યાં કોઈ બીમાર કે ભૂખ્યું હોતું નથી. આ કાર્યો તો ખ્રિસ્તના ભાઈઓ માટે પૃથ્વી પર કરવામાં આવ્યાં હતાં.

      દુષ્ટ લોકોનો બકરાં તરીકે ન્યાય કરવામાં આવે છે

      બકરાં જેવા લોકો વિશે શું, જેઓને ડાબી બાજુ રાખવામાં આવ્યા હતા? ઈસુએ જણાવ્યું: “ત્યાર બાદ, [રાજા] પોતાની ડાબી બાજુના લોકોને કહેશે: ‘ઓ શાપિત લોકો, મારી પાસેથી દૂર જાઓ, શેતાન અને તેના દૂતો માટે તૈયાર કરેલી હંમેશ માટેની આગમાં જાઓ. કારણ કે હું ભૂખ્યો થયો, પણ તમે મને કંઈ ખાવા ન આપ્યું; અને હું તરસ્યો હતો, પણ તમે મને કંઈ પીવા ન આપ્યું. હું અજાણ્યો હતો, પણ તમે મને મહેમાન તરીકે ન રાખ્યો; કપડાં ન હતાં, પણ તમે મને પહેરવાં કપડાં ન આપ્યાં; બીમાર અને કેદમાં હતો, પણ તમે મારી સંભાળ ન રાખી.’” (માથ્થી ૨૫:૪૧-૪૩) એ ન્યાયચુકાદો એકદમ યોગ્ય હતો, કેમ કે બકરાં જેવા લોકોએ પૃથ્વી પર ખ્રિસ્તના ભાઈઓ સાથે દયાથી વર્તવું જોઈતું હતું, પણ તેઓએ એમ ન કર્યું.

      પ્રેરિતોને શીખવા મળ્યું કે, ભાવિમાં આ ન્યાયચુકાદાની અસરો કાયમી હશે. ઈસુએ કહ્યું: “[રાજા] તેઓને જવાબ આપશે કે ‘હું તમને સાચે જ કહું છું, તમે આ સૌથી નાનાઓમાંના એકને માટે જે ન કર્યું, એ મારે માટે ન કર્યું.’ આ લોકોનો હંમેશ માટે નાશ થશે, પણ નેક લોકો હંમેશ માટેનું જીવન મેળવશે.”—માથ્થી ૨૫:૪૫, ૪૬.

      ઈસુએ પ્રેરિતોના સવાલનો જે જવાબ આપ્યો, એનાથી તેમના અનુયાયીઓ ઘણી બાબતો વિશે વિચારવા પ્રેરાય છે; તેઓને પોતાનાં સ્વભાવ અને કાર્યો વિશે તપાસવા મદદ મળે છે.

      • ઘેટાં અને બકરાંના ઉદાહરણમાં “રાજા” કોણ હતા અને એ ઉદાહરણના શબ્દો ક્યારે પૂરા થશે?

      • શા માટે ઘેટાં જેવા લોકો પર ઈસુની કૃપા હતી?

      • અમુક લોકો બકરાં જેવા છે, એવો ન્યાય શાને આધારે કરવામાં આવશે? ઘેટાં તથા બકરાંનું ભાવિ શું હશે?

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો