-
છેલ્લા પાસ્ખાએ નમ્રતાનો બોધપાઠ શીખવે છેઈસુ—માર્ગ, સત્ય અને જીવન
-
-
પ્રકરણ ૧૧૬
છેલ્લા પાસ્ખાએ નમ્રતાનો બોધપાઠ શીખવે છે
માથ્થી ૨૬:૨૦ માર્ક ૧૪:૧૭ લુક ૨૨:૧૪-૧૮ યોહાન ૧૩:૧-૧૭
ઈસુ પ્રેરિતો સાથે છેલ્લું પાસ્ખા ભોજન લે છે
પ્રેરિતોના પગ ધોઈને તે બોધપાઠ શીખવે છે
ઈસુની સૂચના મુજબ, પાસ્ખાની તૈયારી કરવા પીતર અને યોહાન યરૂશાલેમ પહોંચી ગયા હતા. પછી, ઈસુ અને બીજા દસ પ્રેરિતો પણ ત્યાં જવા નીકળ્યા. એ બપોરનો સમય હતો. તેઓ જૈતૂન પહાડ ઊતરતા હતા ત્યારે પશ્ચિમે સૂર્ય આથમી રહ્યો હતો. એ સ્થળેથી ઈસુ યરૂશાલેમને છેલ્લી વાર જોઈ રહ્યા હતા. સજીવન થયા પછી જ તે ફરીથી એ જોઈ શકવાના હતા.
થોડા જ સમયમાં ઈસુ અને તેમના શિષ્યો શહેરમાં આવી પહોંચ્યા. પછી, તેઓ સીધા એ ઘરે ગયા, જ્યાં તેઓ પાસ્ખાનું ભોજન લેવાના હતા. તેઓ દાદરા ચઢીને ઉપલા માળે મોટા ઓરડામાં ગયા. તેઓએ જોયું તો, તેઓના ભોજન માટે ત્યાં બધી તૈયારીઓ થઈ ચૂકી હતી. ઈસુએ આ પ્રસંગની આતુરતાથી રાહ જોઈ હતી, તેમણે કહ્યું: “હું દુઃખ સહન કરું એ પહેલાં, આ પાસ્ખાનું ભોજન તમારી સાથે ખાવાની મારી ઘણી ઝંખના હતી.”—લુક ૨૨:૧૫.
વર્ષો પહેલાં શરૂ થયેલા રિવાજ પ્રમાણે, પાસ્ખાના ભોજનમાં ભાગ લેનારાઓમાં દ્રાક્ષદારૂના પ્યાલાઓ પસાર કરવામાં આવતા. ઈસુએ એક પ્યાલો લઈને ઈશ્વરનો આભાર માન્યો અને કહ્યું: “તમે આ લો અને એક પછી એક એમાંથી પીઓ, કેમ કે હું તમને જણાવું છું, ઈશ્વરનું રાજ્ય આવે ત્યાં સુધી, હું હવે ફરી દ્રાક્ષદારૂ પીવાનો નથી.” (લુક ૨૨:૧૭, ૧૮) એ સાફ બતાવતું હતું કે હવે તેમના મરણની ઘડીઓ ગણાઈ રહી છે.
પાસ્ખા ભોજન દરમિયાન કંઈક અસામાન્ય બન્યું. ઈસુ ઊભા થયા, તેમણે પોતાનો ઝભ્ભો ઉતારીને એક બાજુ મૂક્યો અને રૂમાલ લીધો. પછી, તેમણે નજીકમાં પડેલા વાસણમાં પાણી ભર્યું. સામાન્ય રીતે, ઘરે મહેમાનો આવે ત્યારે યજમાન ધ્યાન રાખતા કે તેઓના પગ ધોવામાં આવે. એ કામ કદાચ ચાકરનું હતું. (લુક ૭:૪૪) પણ, આ પ્રસંગે યજમાન હાજર ન હોવાથી, ઈસુએ પોતે એ કામ ઉપાડી લીધું. એ કામ પ્રેરિતોમાંથી પણ કોઈ કરી શક્યું હોત, પણ કોઈ આગળ ન આવ્યું. શું તેઓમાં હજુ ચડસાચડસી ચાલતી હતી? કારણ ગમે તે હોય, પણ ઈસુને પગ ધોતા જોઈને તેઓને ખૂબ શરમ આવી.
ઈસુ પીતર પાસે આવ્યા ત્યારે, તેમણે વાંધો ઉઠાવ્યો: “હું તમને કદી પણ મારા પગ ધોવા નહિ દઉં.” ઈસુએ જવાબ આપ્યો: “જો હું તારા પગ ન ધોઉં, તો તારે ને મારે કોઈ લેવાદેવા નથી.” તેથી, પીતરે લાગણીવશ થઈને કહ્યું: “પ્રભુ, ફક્ત મારા પગ નહિ, મારા હાથ અને મારું માથું પણ ધુઓ.” પણ ઈસુનો આ જવાબ સાંભળીને તે નવાઈમાં ડૂબી ગયા હશે: “જેણે સ્નાન કર્યું છે, તેણે પગ સિવાય બીજું કંઈ ધોવાની જરૂર નથી, પણ તે પૂરેપૂરો શુદ્ધ થયેલો છે. અને તમે તો શુદ્ધ છો, પણ બધા જ શુદ્ધ નથી.”—યોહાન ૧૩:૮-૧૦.
ઈસુએ બારેય પ્રેરિતોના પગ ધોયા, જેમાં યહુદા ઇસ્કારિયોત પણ હતો. પછી, ઈસુએ પોતાનો ઝભ્ભો પહેરી લીધો અને ફરીથી મેજને અઢેલીને બેસી ગયા. તેમણે શિષ્યોને પૂછ્યું: “મેં તમારા માટે જે કર્યું એ શું તમે સમજો છો? તમે મને ‘ગુરુજી’ અને ‘પ્રભુ’ કહીને બોલાવો છો. એ ખરું છે, કેમ કે હું એ જ છું. એ માટે, જો મેં પ્રભુ અને ગુરુ હોવા છતાં તમારા પગ ધોયા, તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. મેં તમારા માટે નમૂનો બેસાડ્યો કે જેવું મેં તમને કર્યું, એવું તમે પણ કરો. હું તમને સાચે જ કહું છું કે દાસ પોતાના માલિક કરતાં મોટો નથી; અને મોકલવામાં આવેલો પોતાના મોકલનાર કરતાં મોટો નથી. હવે, તમે આ વાતો જાણો છો અને જો એ પાળશો, તો તમે સુખી થશો.”—યોહાન ૧૩:૧૨-૧૭.
ઈસુએ નમ્રતાનો કેવો સુંદર દાખલો બેસાડ્યો! તેમના શિષ્યોએ કદી એવું વિચારવાનું ન હતું કે પોતે મહત્ત્વના છે એટલે, પહેલું સ્થાન મળવું જોઈએ અને બીજાઓએ તેઓની સેવા કરવી જોઈએ. એને બદલે, તેઓએ તો ઈસુના દાખલાને અનુસરવાનો હતો. કઈ રીતે? પગ ધોવાની વિધિ કરીને નહિ, પણ કોઈ પક્ષપાત વગર નમ્રપણે સેવા કરવા તૈયાર રહીને.
-
-
પ્રભુનું સાંજનું ભોજનઈસુ—માર્ગ, સત્ય અને જીવન
-
-
પ્રકરણ ૧૧૭
પ્રભુનું સાંજનું ભોજન
માથ્થી ૨૬:૨૧-૨૯ માર્ક ૧૪:૧૮-૨૫ લુક ૨૨:૧૯-૨૩ યોહાન ૧૩:૧૮-૩૦
દગાખોર તરીકે યહુદાની ઓળખ છતી થાય છે
ઈસુ સ્મરણપ્રસંગના ભોજનની સ્થાપના કરે છે
ઈસુએ થોડી વાર પહેલાં જ પ્રેરિતોના પગ ધોઈને તેઓને નમ્રતાનો બોધપાઠ શીખવ્યો હતો. હવે, કદાચ પાસ્ખાનું ભોજન લીધા પછી તેમણે દાઊદની ભવિષ્યવાણીના આ શબ્દો ટાંક્યા: “મારો ખાસ મિત્ર, જેનો મને ભરોસો હતો, જે મારી રોટલી ખાતો હતો, તેણે મારી સામે લાત ઉગામી છે.” પછી, તેમણે સમજાવ્યું: “તમારામાંથી એક મને દગો દેશે.”—ગીતશાસ્ત્ર ૪૧:૯; યોહાન ૧૩:૧૮, ૨૧.
પ્રેરિતો એકબીજા સામે જોવા લાગ્યા, પછી બધા વારાફરતી ઈસુને પૂછવા લાગ્યા: “પ્રભુ, હું તે નથી, ખરું ને?” અરે, યહુદા ઇસ્કારિયોતે પણ ઈસુને પૂછ્યું. પછી પીતરે મેજ પર ઈસુની જોડે બેઠેલા યોહાનને ઇશારો કર્યો. એટલે, યોહાને ઈસુ તરફ ઝૂકીને પૂછ્યું: “પ્રભુ, એ કોણ છે?”—માથ્થી ૨૬:૨૨; યોહાન ૧૩:૨૫.
ઈસુએ જવાબ આપ્યો: “જેને હું રોટલીનો ટુકડો બોળીને આપીશ, એ જ તે છે.” પછી, વાટકામાં રોટલીનો ટુકડો બોળીને યહુદાને આપતા તેમણે કહ્યું: “ખરું કે માણસના દીકરા વિશે જે લખેલું છે એ પ્રમાણે તે મરણ પામશે, પણ જે માણસના દીકરાને દગો દે છે તેને અફસોસ! એ માણસ જો જન્મ્યો ન હોત તો તેને માટે વધારે સારું થાત.” (યોહાન ૧૩:૨૬; માથ્થી ૨૬:૨૪) પછી શેતાને યહુદાના દિલ પર કાબૂ જમાવ્યો. પહેલેથી જ ભ્રષ્ટ થયેલા યહુદાએ શેતાનની ઇચ્છા પ્રમાણે કરવા પોતાને સોંપી દીધો અને આમ તે ‘વિનાશનો દીકરો’ બન્યો.—યોહાન ૬:૬૪, ૭૦; ૧૨:૪; ૧૭:૧૨.
ઈસુએ યહુદાને કહ્યું: “તું જે કરે છે એ ઝડપથી કર.” બીજા પ્રેરિતોને એમ લાગ્યું કે યહુદા પૈસાની પેટી રાખતો હોવાથી, ઈસુ તેને કહેતા હતા કે, “‘તહેવાર માટે આપણને જે જોઈએ એ વેચાતું લઈ આવ;’ અથવા તો ગરીબોને કંઈક આપવાનું કહે છે.” (યોહાન ૧૩:૨૭-૩૦) પણ, યહુદા ઈસુને દગો દેવા ત્યાંથી નીકળી ગયો.
પાસ્ખા ભોજનની એ સાંજે, ઈસુએ એક નવા જ પ્રકારના ભોજનની શરૂઆત કરી. તેમણે રોટલી લીધી, પ્રાર્થનામાં ઈશ્વરનો આભાર માન્યો, એ તોડી અને પ્રેરિતોને ખાવા આપી. તેમણે કહ્યું: “આ મારા શરીરને રજૂ કરે છે, જે તમારા માટે આપવામાં આવશે. મારી યાદમાં આ કરતા રહો.” (લુક ૨૨:૧૯) રોટલી પસાર કરવામાં આવી અને પ્રેરિતોએ એ ખાધી.
પછી, ઈસુએ દ્રાક્ષદારૂનો પ્યાલો લીધો, પ્રાર્થનામાં ઈશ્વરનો આભાર માન્યો અને શિષ્યો મધ્યે એને પસાર કર્યો. દરેકે પ્યાલામાંથી દ્રાક્ષદારૂ પીધો અને ઈસુએ કહ્યું: “આ પ્યાલો મારા લોહીના આધારે થયેલા નવા કરારને રજૂ કરે છે, જે તમારા માટે વહેવડાવવામાં આવશે.”—લુક ૨૨:૨૦.
આમ, ઈસુએ પોતાના મરણની યાદમાં એક પ્રસંગની ગોઠવણ કરી, જેને તેમના અનુયાયીઓએ દર વર્ષે નીસાન ૧૪ના રોજ પાળવાનો હતો. એ પ્રસંગ તેઓને ઈસુ અને તેમના પિતાએ કરેલી ગોઠવણની યાદ અપાવે છે. એ ગોઠવણ મુજબ, શ્રદ્ધા મૂકનારાઓને પાપ અને મરણની સજામાંથી છુટકારો મળે છે. યહુદીઓના પાસ્ખા તહેવારથી પણ મહત્ત્વનો આ પ્રસંગ છે. કારણ કે, એ યાદ અપાવે છે કે ઈશ્વરમાં શ્રદ્ધા મૂકતા લોકોને ખરા અર્થમાં આઝાદી મળશે.
ઈસુએ કહ્યું કે તેમનું લોહી “ઘણા લોકોનાં પાપોની માફી માટે વહેવડાવવામાં આવશે.” આવી માફી મેળવનારાઓમાં તેમના વફાદાર પ્રેરિતો અને તેઓના જેવા બીજા શિષ્યોનો સમાવેશ થતો હતો. તેઓ બધા ઈસુ સાથે તેમના પિતાના રાજ્યમાં રાજ કરવાના હતા.—માથ્થી ૨૬:૨૮, ૨૯.
-
-
સૌથી મોટું કોણ એ વિશે તકરારઈસુ—માર્ગ, સત્ય અને જીવન
-
-
પ્રકરણ ૧૧૮
સૌથી મોટું કોણ એ વિશે તકરાર
માથ્થી ૨૬:૩૧-૩૫ માર્ક ૧૪:૨૭-૩૧ લુક ૨૨:૨૪-૩૮ યોહાન ૧૩:૩૧-૩૮
મોટા બનવા ચાહનારાઓને ઈસુ સલાહ આપે છે
પીતરના નકાર વિશે ભવિષ્યવાણી
ઈસુના શિષ્યોની ઓળખ, પ્રેમ
ઈસુએ જીવનની છેલ્લી સાંજ પ્રેરિતો સાથે ગુજારી ત્યારે, તેમણે તેઓના પગ ધોઈને નમ્રતાનો બોધપાઠ શીખવ્યો હતો. એ કેમ જરૂરી હતું? કેમ કે તેઓમાં મોટા બનવાની લાલસા જોવા મળતી હતી. ખરું કે તેઓ ઈશ્વરના સમર્પિત ભક્તો હતા, તોપણ સૌથી મોટું કોણ, એ વાતને લીધે તેઓમાં હજુ પણ ચડસાચડસી જોવા મળતી હતી. (માર્ક ૯:૩૩, ૩૪; ૧૦:૩૫-૩૭) એ સાંજે ફરીથી પ્રેરિતોની એ નબળાઈ દેખાઈ આવી.
પ્રેરિતો ‘વચ્ચે ગરમાગરમ ચર્ચા ઊભી થઈ કે તેઓમાં કોણ સૌથી મોટું ગણાય.’ (લુક ૨૨:૨૪) તેઓમાં ફરીથી તકરાર થતી જોઈને ઈસુ કેટલા દુઃખી થયા હશે! તેમણે શું કર્યું?
પ્રેરિતોનાં એવાં વલણ અને વર્તન માટે ઈસુએ તેઓને ઠપકો આપવાને બદલે ધીરજથી સમજાવતા કહ્યું: “દુનિયાના રાજાઓ પ્રજાઓ પર હુકમ ચલાવે છે અને પ્રજાઓ પર જેઓને અધિકાર છે, તેઓ દાતા કહેવાય છે. તેમ છતાં, તમારે એવા ન થવું. . . . કેમ કે મોટું કોણ, જમવા બેસનાર કે પીરસનાર?” પછી, ઈસુએ યાદ અપાવ્યું કે તેઓ માટે તેમણે હંમેશાં આ દાખલો બેસાડ્યો હતો: “પણ, હું તમારી વચ્ચે પીરસનારના જેવો છું.”—લુક ૨૨:૨૫-૨૭.
પ્રેરિતોમાં ઘણી નબળાઈઓ હતી, તોપણ તેઓ અનેક મુશ્કેલ સંજોગોમાં ઈસુને વળગી રહ્યા હતા. એટલે, તેમણે કહ્યું: “હું તમારી સાથે રાજ્યનો કરાર કરું છું, જેમ મારા પિતાએ મારી સાથે રાજ્યનો કરાર કર્યો છે.” (લુક ૨૨:૨૯) તેઓ ઈસુના વફાદાર શિષ્યો હતા. ઈસુએ તેઓને ખાતરી આપી કે તેમની અને તેઓની વચ્ચે થયેલા આ કરારને લીધે તેઓ રાજ્યમાં હશે. તેમ જ, ઈસુની રાજસત્તાના ભાગીદાર બનશે.
ખરું કે પ્રેરિતો પાસે અદ્ભુત ભાવિની આશા હતી, પણ તેઓ હજુ અપૂર્ણ માણસો હતા. ઈસુએ તેઓને કહ્યું: “શેતાને તમને બધાને ઘઉંની જેમ ચાળવાની માંગ કરી છે,” જેથી તેઓ વેરવિખેર થઈ જાય. (લુક ૨૨:૩૧) તેમણે તેઓને ચેતવ્યા પણ ખરા: “આજે રાતે મને જે થશે એના લીધે તમે બધા ઠોકર ખાશો, કેમ કે આમ લખેલું છે: ‘હું ઘેટાંપાળકને મારી નાખીશ અને ટોળામાંનાં ઘેટાં આમતેમ વિખેરાઈ જશે.’”—માથ્થી ૨૬:૩૧; ઝખાર્યા ૧૩:૭.
પરંતુ, પીતરે પૂરા ભરોસાથી કહ્યું: “તમને જે થવાનું છે એને લીધે બીજા બધા ભલે ઠોકર ખાય, પણ હું કદીયે ઠોકર નહિ ખાઉં!” (માથ્થી ૨૬:૩૩) ઈસુએ પીતરને કહ્યું કે, એ રાતે કૂકડો બે વાર બોલે એ પહેલાં, પીતર તેમનો નકાર કરશે. તોપણ, ઈસુએ આગળ જણાવ્યું: “મેં તારા માટે વિનંતી કરી છે કે તારી શ્રદ્ધા ખૂટે નહિ; અને તું, હા, તું પસ્તાવો કરીને એક વાર પાછો ફરે ત્યારે, તારા ભાઈઓને દૃઢ કરજે.” (લુક ૨૨:૩૨) પીતરે પૂરા જુસ્સાથી કહ્યું: “જો મારે તમારી સાથે મરવું પડે, તોયે હું તમને ઓળખવાનો કદી પણ નકાર નહિ કરું.” (માથ્થી ૨૬:૩૫) બીજા પ્રેરિતોએ પણ એવું જ કહ્યું.
ઈસુએ શિષ્યોને કહ્યું: “હું તમારી સાથે થોડી વાર છું. તમે મને શોધશો; અને મેં યહુદીઓને કહ્યું હતું કે, ‘હું જ્યાં જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી,’ એ જ વાત હવે હું તમને પણ કહું છું.” પછી, તેમણે આ વાત જણાવી: “હું તમને એક નવી આજ્ઞા આપું છું કે તમે એકબીજા પર પ્રેમ રાખો; જેવો પ્રેમ મેં તમારા પર રાખ્યો છે, એવો પ્રેમ તમે પણ એકબીજા પર રાખો. જો તમે એકબીજા પર પ્રેમ રાખશો, તો એનાથી બધા જાણશે કે તમે મારા શિષ્યો છો.”—યોહાન ૧૩:૩૩-૩૫.
ઈસુ થોડી વાર માટે જ શિષ્યો સાથે છે, એ સાંભળીને પીતરે પૂછ્યું: “પ્રભુ, તમે ક્યાં જાઓ છો?” ઈસુએ જવાબ આપ્યો: “હું જ્યાં જાઉં છું, ત્યાં તું હમણાં મારી પાછળ આવી શકતો નથી, પણ તું પછીથી આવીશ.” મૂંઝાયેલા પીતરે કહ્યું: “પ્રભુ, હું તમારી પાછળ હમણાં કેમ નથી આવી શકતો? હું તમારા માટે મારો જીવ પણ આપી દઈશ.”—યોહાન ૧૩:૩૬, ૩૭.
પછી, ઈસુએ એ સમયનો ઉલ્લેખ કર્યો જ્યારે તેમણે પ્રેરિતોને પૈસાની કે ખોરાકની થેલી વગર ગાલીલમાં પ્રચાર કરવા મોકલ્યા હતા. (માથ્થી ૧૦:૫, ૯, ૧૦) તેમણે પૂછ્યું: “તમને શું કશાની ખોટ પડી હતી?” તેઓએ કહ્યું: “ના!” પણ, હવે આવનાર દિવસોમાં તેઓએ શું કરવાનું હતું? ઈસુએ તેઓને સૂચના આપતા કહ્યું: “જેની પાસે પૈસાની થેલી હોય તે એને લઈ લે, એવી જ રીતે ખોરાકની થેલી લે અને જેની પાસે તલવાર ન હોય, તે પોતાનો ઝભ્ભો વેચીને એ ખરીદે. કેમ કે હું તમને જણાવું છું, જે કંઈ લખવામાં આવ્યું છે એ મારામાં પૂરું થવું જોઈએ, એટલે કે ‘તેને દુષ્ટો સાથે ગણવામાં આવ્યો.’ એ મારા વિશે પૂરું થઈ રહ્યું છે.”—લુક ૨૨:૩૫-૩૭.
ઈસુ એ સમયની વાત કરી રહ્યા હતા, જ્યારે તેમને દુષ્ટો કે ગુનેગારોની બાજુમાં વધસ્તંભે જડવામાં આવશે. એ પછી, તેમના શિષ્યો પર ભારે સતાવણી આવી પડવાની હતી. શિષ્યોને થયું કે તેઓ એ માટે તૈયાર છે, એટલે તેઓએ કહ્યું: “પ્રભુ, જુઓ! આ રહી બે તલવાર.” તેમણે કહ્યું: “એ પૂરતી છે.” (લુક ૨૨:૩૮) થોડા જ સમય પછી, પ્રેરિતોમાંથી એકે એમાંની એક તલવારનો ઉપયોગ કર્યો ત્યારે, ઈસુએ તેઓને મહત્ત્વનો બોધપાઠ શીખવ્યો.
-
-
ઈસુ—માર્ગ, સત્ય અને જીવનઈસુ—માર્ગ, સત્ય અને જીવન
-
-
પ્રકરણ ૧૧૯
ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
ઈસુ જગ્યા તૈયાર કરવા જાય છે
ઈસુ પોતાના અનુયાયીઓને સહાયકનું વચન આપે છે
ઈસુ કરતાં પિતા મહાન છે
સાંજના ભોજન પછી, ઈસુ હજુ પોતાના પ્રેરિતો સાથે ઉપરના ઓરડામાં હતા. તેમણે તેઓને ઉત્તેજન આપતા કહ્યું: “તમારા હૃદયને દુઃખી થવા ન દો. ઈશ્વરમાં શ્રદ્ધા રાખો; મારામાં પણ શ્રદ્ધા રાખો.”—યોહાન ૧૩:૩૬; ૧૪:૧.
ઈસુની વિદાયનો સમય પાસે આવ્યો ત્યારે, વફાદાર પ્રેરિતો દુઃખી ન થાય માટે તેમણે કહ્યું: “મારા પિતાના ઘરમાં રહેવાની જગ્યા ઘણી છે. . . . જ્યારે હું જઈને તમારા માટે જગ્યા તૈયાર કરી લઈશ, ત્યારે હું પાછો આવીશ અને હું તમને મારા ઘરમાં લઈ જઈશ, જેથી હું જ્યાં રહું છું ત્યાં તમે પણ રહી શકો.” તે સ્વર્ગમાં જવા વિશે કહેતા હતા એ પ્રેરિતો સમજ્યા નહિ. એટલે, થોમાએ પૂછ્યું: “પ્રભુ, અમે જાણતા નથી કે તમે ક્યાં જાઓ છો. તો પછી, એ માર્ગ અમને કેવી રીતે ખબર પડશે?”—યોહાન ૧૪:૨-૫.
ઈસુએ જવાબ આપ્યો: “માર્ગ અને સત્ય અને જીવન હું છું.” ઈસુને અને તેમના શિક્ષણને સ્વીકારવાથી, તેમજ તેમનો જીવન માર્ગ અનુસરવાથી જ વ્યક્તિ પિતાના ઘરમાં, એટલે કે સ્વર્ગમાં પ્રવેશી શકે છે. ઈસુએ કહ્યું: “મારા વગર પિતા પાસે કોઈ જઈ શકતું નથી.”—યોહાન ૧૪:૬.
ધ્યાનથી સાંભળી રહેલા ફિલિપે અરજ કરી: “પ્રભુ, અમને પિતા બતાવો. અમારા માટે એટલું પૂરતું છે.” ફિલિપને કદાચ ઈશ્વર વિશે દર્શન જોવાની ઇચ્છા હતી, જેમ મુસા, એલિયા અને યશાયાએ જોયાં હતાં. જોકે, પ્રેરિતો પાસે એ દર્શનોથી કંઈક વધારે હતું. એના પર ભાર મૂકતા ઈસુએ જણાવ્યું: “ફિલિપ, હું લાંબા સમયથી તમારા બધા સાથે છું, તોપણ તું મને ઓળખતો નથી? જેણે મને જોયો છે, તેણે પિતાને પણ જોયા છે.” ઈસુમાં પિતાના ગુણો આબેહૂબ દેખાય આવતા હતા; એટલે, ઈસુ સાથે રહેવું અને તેમને જોવા એ પિતાને જોવા બરાબર હતું. પરંતુ, દીકરા કરતાં પિતા મહાન છે. એ ઈસુના આ શબ્દોમાં જોવા મળે છે: “જે વાતો હું તમને કહું છું, એ મારી પોતાની નથી.” (યોહાન ૧૪:૮-૧૦) પ્રેરિતો જોઈ શક્યા કે ઈસુ પોતાના શિક્ષણનો બધો શ્રેય પિતાને આપી રહ્યા હતા.
પ્રેરિતોએ ઈસુને અદ્ભુત કામો કરતા જોયા હતા અને ઈશ્વરના રાજ્યની ખુશખબર જાહેર કરતા સાંભળ્યા હતા. હવે, તેમણે તેઓને કહ્યું: “જે મારામાં શ્રદ્ધા મૂકે છે, તે મારાં જેવા કામો પણ કરશે; તે આના કરતાં મોટાં કામો પણ કરશે.” (યોહાન ૧૪:૧૨) ઈસુ એમ કહેતા ન હતા કે પ્રેરિતો તેમનાથી વધારે મોટા ચમત્કારો કરશે. તે કહેતા હતા કે તેઓનું સેવાકાર્ય લાંબા સમય સુધી, દૂર દૂરના વિસ્તારો સુધી અને ઘણા લોકો સુધી પહોંચશે.
ઈસુ જતાં રહે પછી તેઓ એકલા પડી જવાના ન હતા, કેમ કે તેમણે વચન આપ્યું: “મારા નામમાં તમે જે કંઈ પણ માંગશો, એ હું કરીશ.” વધુમાં તેમણે કહ્યું: ‘હું પિતાને વિનંતી કરીશ અને તે તમને બીજો એક સહાયક આપશે, જે કાયમ તમારી સાથે રહેશે. એ સત્યની પવિત્ર શક્તિ છે.’ (યોહાન ૧૪:૧૪, ૧૬, ૧૭) ઈસુએ ખાતરી આપી કે તેઓને આ સહાયક, એટલે કે પવિત્ર શક્તિ મળશે. તેઓને એ પચાસમા દિવસે મળી.
ઈસુએ કહ્યું: “થોડા સમય પછી દુનિયા મને જોશે નહિ, પણ તમે મને જોશો, કેમ કે હું જીવું છું અને તમે જીવશો.” (યોહાન ૧૪:૧૯) ઈસુ સજીવન થયા પછી, માનવ શરીરમાં તેઓને દેખાવાના હતા. એટલું જ નહિ, સમય જતાં ઈસુ પ્રેરિતોને સ્વર્ગમાં સજીવન કરવાના હતા, જેથી પ્રેરિતો તેમની સાથે ત્યાં રહે.
પછી, ઈસુએ આ હકીકત જણાવી: “જે મારી આજ્ઞાઓ સ્વીકારે છે અને એને પાળે છે, તેને મારા પર પ્રેમ છે. અને જેને મારા પર પ્રેમ છે, તેના પર પિતા પ્રેમ રાખશે અને હું તેના પર પ્રેમ રાખીશ અને તેને મારા વિશે બધું જણાવીશ.” એ સાંભળીને પ્રેરિત યહુદા, જે થદ્દી તરીકે પણ ઓળખાતા હતા તેમણે પૂછ્યું: “પ્રભુ, એવું તો શું થયું કે તમારા વિશે દુનિયાને નહિ, પણ અમને બધું જણાવવા માંગો છો?” જવાબમાં ઈસુએ કહ્યું: “જે કોઈ મારા પર પ્રેમ રાખે છે, તે મારી વાતો પાળશે અને મારા પિતા તેના પર પ્રેમ રાખશે . . . જે મારા પર પ્રેમ રાખતો નથી, તે મારી વાતો પાળતો નથી.” (યોહાન ૧૪:૨૧-૨૪) ઈસુના શિષ્યોએ તેમને માર્ગ, સત્ય અને જીવન તરીકે સ્વીકાર્યા હતા, પણ દુનિયાએ તેમને એ રીતે સ્વીકાર્યા નહિ.
ઈસુ શિષ્યોને છોડીને જવાના હતા, તો પછી, તેમણે શીખવેલી વાતો તેઓને કોણ યાદ અપાવશે? ઈસુએ સમજાવ્યું: “જે સહાયક એટલે કે પવિત્ર શક્તિ, પિતા મારા નામે મોકલશે, એ તમને બધું શીખવશે અને મેં કહેલી બધી વાતો તમને યાદ અપાવશે.” પ્રેરિતોએ પવિત્ર શક્તિનું સામર્થ્ય જોયું હતું, એટલે ઈસુના શબ્દો તેઓ માટે દિલાસાજનક હતા. ઈસુએ આગળ જણાવ્યું: “હું તમને શાંતિ આપીને જાઉં છું. હું તમને મારી શાંતિ આપું છું. . . . તમારા દિલને દુઃખી થવા દેશો નહિ કે ડરવા દેશો નહિ.” (યોહાન ૧૪:૨૬, ૨૭) દુઃખી ન થવા માટે શિષ્યો પાસે આ કારણ હતું: ઈસુના પિતા યહોવા તેઓને માર્ગદર્શન અને રક્ષણ પૂરું પાડવાના હતા.
ઈશ્વરના રક્ષણની સાબિતી ટૂંક સમયમાં જ મળવાની હતી. ઈસુએ કહ્યું: “આ દુનિયાનો શાસક આવે છે અને તેને મારા પર કોઈ અધિકાર નથી.” (યોહાન ૧૪:૩૦) યહુદાના દિલ પર શેતાન કાબૂ જમાવી શક્યો હતો. પરંતુ, ઈસુ સંપૂર્ણ હતા, એટલે તેમનામાં એવી કોઈ ખામી કે નબળાઈ ન હતી, જેનો ઉપયોગ કરીને શેતાન તેમને ઈશ્વરની વિરુદ્ધ કરી શકે. તેમ જ, શેતાન હંમેશ માટે ઈસુને મરણના બંધનમાં રાખી શકવાનો ન હતો. શા માટે? ઈસુએ જણાવ્યું: “પિતાએ મને જે આજ્ઞા કરી છે, એ પ્રમાણે જ હું કરું છું.” તેમને પૂરી ખાતરી હતી કે પિતા યહોવા તેમને સજીવન કરશે.—યોહાન ૧૪:૩૧.
-
-
ફળ આપો અને ઈસુના મિત્ર બનોઈસુ—માર્ગ, સત્ય અને જીવન
-
-
પ્રકરણ ૧૨૦
ફળ આપો અને ઈસુના મિત્ર બનો
ખરો દ્રાક્ષાવેલો અને ડાળીઓ
ઈસુના પ્રેમમાં કઈ રીતે રહેવું
ઈસુ પોતાના વફાદાર પ્રેરિતો સાથે ખુલ્લા દિલે વાત કરીને ઉત્તેજન આપી રહ્યા હતા. હવે મધરાત થઈ ગઈ હતી. ઈસુએ પછી એક પ્રેરણાદાયક ઉદાહરણ જણાવ્યું.
તેમણે શરૂઆત કરી: “હું ખરો દ્રાક્ષાવેલો છું અને મારા પિતા માળી છે.” (યોહાન ૧૫:૧) સદીઓ અગાઉ કહેવામાં આવ્યું હતું કે ઇઝરાયેલ પ્રજા યહોવાનો દ્રાક્ષાવેલો છે. ઈસુનું ઉદાહરણ એની સાથે મેળ ખાતું હતું. (યિર્મેયા ૨:૨૧; હોશીઆ ૧૦:૧, ૨) પરંતુ, યહોવાએ એ પ્રજાને ત્યજી દીધી. (માથ્થી ૨૩:૩૭, ૩૮) એટલે, ઈસુએ એવું કંઈક જણાવ્યું જે પ્રેરિતો માટે નવું હતું. પિતા યહોવાએ ઈસુને ઈસવીસન ૨૯માં પવિત્ર શક્તિથી અભિષિક્ત કર્યા ત્યારથી, તે ઈસુને પોતાના દ્રાક્ષાવેલા તરીકે તૈયાર કરતા હતા. પરંતુ, દ્રાક્ષાવેલો ફક્ત ઈસુને જ સૂચવતો ન હતો, એ વિશે સમજાવતા તેમણે કહ્યું:
“મારામાં રહેલી દરેક ડાળી, જેને ફળ આવતાં નથી, એને [મારા પિતા] કાપી નાખે છે અને દરેક ડાળી, જેને ફળ આવે છે, એને તે કાપકૂપ કરે છે, જેથી એ ડાળી વધારે ફળ આપે. . . . જેમ ડાળી દ્રાક્ષાવેલાથી અલગ રહીને જાતે ફળ આપી શકતી નથી, તેમ મારી સાથે એકતામાં ન રહીને તમે પણ ફળ આપી શકતા નથી. હું દ્રાક્ષાવેલો છું; તમે ડાળીઓ છો.”—યોહાન ૧૫:૨-૫.
ઈસુએ વફાદાર શિષ્યોને વચન આપ્યું હતું કે સ્વર્ગમાં ગયા પછી તે સહાયક, એટલે કે પવિત્ર શક્તિ મોકલશે. એકાવન દિવસ પછી, પ્રેરિતો અને બીજાઓને પવિત્ર શક્તિ મળી ત્યારે તેઓ દ્રાક્ષાવેલાની ડાળીઓ બન્યા. બધી ‘ડાળીઓએ’ ઈસુ સાથે એકતામાં રહેવાનું હતું. શા માટે?
તેમણે સમજાવ્યું: “જે મારી સાથે એકતામાં રહે છે અને હું જેની સાથે એકતામાં રહું છું, તે ઘણાં ફળ આપે છે; કેમ કે મારાથી અલગ રહીને તમે કંઈ જ કરી શકતા નથી.” આ “ડાળીઓ,” એટલે કે તેમના વફાદાર શિષ્યો વધારે ફળ આપવાના હતા. કઈ રીતે? ઈસુ જેવા ગુણો બતાવીને, ઈશ્વરના રાજ્ય વિશે લોકોને ઉત્સાહથી જણાવીને અને વધારે શિષ્યો બનાવીને. કોઈ શિષ્ય ઈસુ સાથે એકતામાં ન રહે અને ફળ ન આપે તો શું? ઈસુએ સમજાવ્યું: ‘જે મારી સાથે એકતામાં રહેતો નથી, તેને ફેંકી દેવામાં આવે છે.’ બીજી બાજુ, ઈસુએ કહ્યું: “જો તમે મારી સાથે એકતામાં રહેશો અને મારી વાતો તમારા દિલમાં રાખશો, તો તમે જે કંઈ ચાહો એ માંગો અને એ પ્રમાણે જરૂર થશે.”—યોહાન ૧૫:૫-૭.
ઈસુએ પોતાની આજ્ઞાઓ પાળવા વિશે અગાઉ બે વાર જણાવ્યું હતું. હવે તેમણે ફરી એ વિશે જણાવ્યું. (યોહાન ૧૪:૧૫, ૨૧) એ આજ્ઞાઓ પાળવા શિષ્યોએ શું કરવાનું હતું? ઈસુએ એની એક રીત જણાવતા કહ્યું: “જેમ મેં પિતાની આજ્ઞાઓ પાળી છે અને તેમના પ્રેમમાં રહું છું, તેમ જો તમે મારી આજ્ઞાઓ પાળો, તો તમે મારા પ્રેમમાં રહેશો.” પરંતુ, ઈશ્વર યહોવાને અને તેમના દીકરાને પ્રેમ કરવો જ પૂરતું નથી. ઈસુએ કહ્યું: “મારી આ આજ્ઞા છે કે તમે એકબીજા પર પ્રેમ રાખો, જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો છે. મિત્રો માટે પોતાનો જીવ આપી દેવા કરતાં મોટો પ્રેમ કોઈ નથી. હું જે આજ્ઞાઓ તમને આપું છું, એ જો તમે પાળો, તો તમે મારા મિત્રો છો.”—યોહાન ૧૫:૧૦-૧૪.
થોડા જ કલાકોમાં, ઈસુ પોતાનો જીવ આપી દેવાના હતા. એનાથી સાબિત થવાનું હતું કે તેમનામાં શ્રદ્ધા મૂકનારાઓને તે કેટલી હદે પ્રેમ કરે છે. તેમનું ઉદાહરણ જોઈને શિષ્યોએ પણ એકબીજાને નિઃસ્વાર્થ પ્રેમ બતાવવાનો હતો. એ પ્રેમ તેઓની ઓળખ બનવાનો હતો, જેમ ઈસુએ અગાઉ જણાવ્યું હતું: “જો તમે એકબીજા પર પ્રેમ રાખશો, તો એનાથી બધા જાણશે કે તમે મારા શિષ્યો છો.”—યોહાન ૧૩:૩૫.
ઈસુએ પ્રેરિતોને “મિત્રો” કહ્યા, એ વાતની તેઓએ ખાસ નોંધ લેવાની હતી. તેઓને મિત્રો કહેવાનું કારણ ઈસુએ સમજાવ્યું: “હું તમને મારા મિત્રો કહું છું, કારણ કે મેં મારા પિતા પાસેથી જે સાંભળ્યું છે એ બધું જ તમને જણાવ્યું છે.” ઈસુના ગાઢ મિત્ર બનવું અને પિતાએ તેમને કહેલી વાતો જાણવી, એ કેટલો મોટો લહાવો કહેવાય! પરંતુ, એ સંબંધ જાળવી રાખવા તેઓએ ‘ફળ આપતા રહેવાનું’ હતું. તેઓ એમ કરશે તો, ઈસુએ જણાવ્યું કે ‘તમે મારા નામમાં જે કંઈ માંગો, એ પિતા તમને આપશે.’—યોહાન ૧૫:૧૫, ૧૬.
ઈસુના શિષ્યો વચ્ચેનો પ્રેમ તેઓને આવનાર સંજોગોનો સામનો કરવા મદદ કરશે. ઈસુએ તેઓને ચેતવ્યા કે દુનિયા તેઓને ધિક્કારશે, પણ તેમણે દિલાસો આપતા કહ્યું: “જો દુનિયા તમારો ધિક્કાર કરે, તો ભૂલતા નહિ કે એણે તમારા પહેલાં મારો ધિક્કાર કર્યો છે. જો તમે દુનિયાના હોત તો દુનિયા તમને પોતાના ગણીને તમારા પર પ્રેમ રાખતી હોત. હવે, તમે દુનિયાના નથી . . . એ કારણે દુનિયા તમને ધિક્કારે છે.”—યોહાન ૧૫:૧૮, ૧૯.
દુનિયા કેમ શિષ્યોને ધિક્કારશે એ વિશે વધુ જણાવતા ઈસુએ કહ્યું: “મારા નામને લીધે તેઓ તમારી વિરુદ્ધ આ બધું કરશે, કારણ કે મને મોકલનારને તેઓ જાણતા નથી.” ઈસુએ જણાવ્યું કે તેમના ચમત્કારો એવા લોકોને દોષિત સાબિત કરે છે, જેઓ તેમને ધિક્કારે છે: “કોઈએ કર્યાં ન હોય એવાં કામો જો મેં તેઓની વચ્ચે કર્યાં ન હોત, તો તેઓને પાપનો દોષ લાગ્યો ન હોત; પણ, હવે તેઓએ મને જોયો છે અને મારો ધિક્કાર કર્યો છે અને મારા પિતાનો પણ ધિક્કાર કર્યો છે.” હકીકતમાં, તેઓના ધિક્કારથી ભવિષ્યવાણી પૂરી થઈ રહી હતી.—યોહાન ૧૫:૨૧, ૨૪, ૨૫; ગીતશાસ્ત્ર ૩૫:૧૯; ૬૯:૪.
ઈસુએ ફરીથી વચન આપ્યું કે તે સહાયક, એટલે કે પવિત્ર શક્તિ મોકલશે. એ પવિત્ર શક્તિ ઈસુના બધા શિષ્યો માટે હતી અને એ તેઓને ફળ આપવા, એટલે કે ‘સાક્ષી આપવા’ મદદ કરી શકતી હતી.—યોહાન ૧૫:૨૭.
-
-
“હિંમત રાખજો! મેં દુનિયા પર જીત મેળવી છે”ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
-
-
પ્રકરણ ૧૨૧
“હિંમત રાખજો! મેં દુનિયા પર જીત મેળવી છે”
પ્રેરિતો થોડા સમય પછી ઈસુને જોશે નહિ
પ્રેરિતોનો શોક આનંદમાં બદલાઈ જશે
પાસ્ખાનું ભોજન લીધા પછી, ઈસુ અને તેમના પ્રેરિતો ઉપરના ઓરડામાંથી બહાર નીકળ્યા. ઈસુએ તેઓને ઘણી સલાહ આપી હતી. હવે, તેમણે આગળ કહ્યું: “મેં તમને એ બધું જણાવ્યું છે, જેથી તમે ઠોકર ન ખાઓ.” એવી ચેતવણી કેમ જરૂરી હતી? તેમણે કહ્યું: “લોકો તમને સભાસ્થાનમાંથી કાઢી મૂકશે. અરે, એવો સમય આવશે, જ્યારે તમને મારી નાખનારા લોકો વિચારશે કે તેઓએ ઈશ્વરની પવિત્ર સેવા કરી છે.”—યોહાન ૧૬:૧, ૨.
પ્રેરિતો માટે કદાચ એ હચમચાવી નાખનારા સમાચાર હતા. ઈસુએ શરૂઆતમાં કહ્યું હતું, દુનિયા તેઓને ધિક્કારશે. પણ, તેમણે સીધેસીધું જણાવ્યું ન હતું કે તેઓને મારી નાખવામાં આવશે. શા માટે? તેમણે કહ્યું: “મેં તમને આ વાતો અગાઉ જણાવી ન હતી, કારણ કે હું તમારી સાથે હતો.” (યોહાન ૧૬:૪) તે હવે જતાં પહેલાં તેઓને ચેતવી રહ્યા હતા, જેથી તેઓ પછીથી ઠોકર ન ખાય.
ઈસુએ આગળ કહ્યું, “મને મોકલનારની પાસે હવે હું જાઉં છું; તોપણ, તમારામાંથી કોઈ મને પૂછતું નથી કે, ‘તમે ક્યાં જાઓ છો?’” થોડા કલાકો પહેલાં તેઓએ પૂછ્યું હતું કે તે ક્યાં જવાના છે. (યોહાન ૧૩:૩૬; ૧૪:૫; ૧૬:૫) પણ હવે, ઈસુએ સતાવણી વિશે જે કહ્યું, એ સાંભળીને તેઓ હચમચી ગયા હોવાથી દુઃખી હતા. એટલે, ઈસુને મળનાર ગૌરવ વિશે કે પછી સાચા ભક્તો માટે એનો શો અર્થ થાય, એ વિશે પૂછવાનું તેઓ ચૂકી ગયા. તેમણે કહ્યું: “મેં તમને એ વાતો જણાવી હોવાથી, તમારા દિલ શોકમાં ડૂબી ગયા છે.”—યોહાન ૧૬:૬.
ઈસુએ સમજાવ્યું, “હું તમને સાચું કહું છું કે હું તમારા ભલા માટે જઈ રહ્યો છું. કેમ કે હું ન જાઉં તો સહાયક તમારી પાસે આવશે નહિ; પણ, જો હું જાઉં તો હું તેને તમારી પાસે મોકલીશ.” (યોહાન ૧૬:૭) ઈસુ મરણ પામે અને સ્વર્ગમાં જાય, એ પછી જ તેમના શિષ્યો પવિત્ર શક્તિ મેળવી શકે એમ હતા. પોતાના લોકોના સહાયક તરીકે એ શક્તિને તે પૃથ્વી પર ગમે ત્યાં મોકલી શકતા હતા.
પવિત્ર શક્તિ “દુનિયાને પાપ વિશે, ઈશ્વરનાં ધોરણો પ્રમાણે ખરું શું છે એના વિશે અને ન્યાયચુકાદા વિશે ખાતરી કરાવતા પુરાવા આપશે.” (યોહાન ૧૬:૮) હા, ઈશ્વરના દીકરામાં શ્રદ્ધા બતાવી ન હોવાથી દુનિયાનાં કામો જલદી જ ખુલ્લાં પડવાનાં હતાં. ઈસુ સ્વર્ગમાં જાય ત્યારે એની સાબિતી મળવાની હતી કે તે નેક છે. એ પણ જાહેર થવાનું હતું કે શા માટે ‘દુનિયાનો શાસક’ શેતાન ભારે ન્યાયચુકાદાને લાયક છે.—યોહાન ૧૬:૧૧.
તેમણે આગળ કહ્યું, “મારે તમને હજુ ઘણી વાતો કહેવાની છે, પણ હમણાં તમે એ સમજી શકો એમ નથી.” ઈસુ તેઓ પર પવિત્ર શક્તિ રેડવાના હતા. એનાથી તેઓ “સત્ય પૂરેપૂરું” સમજવાના હતા અને એ પ્રમાણે જીવી શકવાના હતા.—યોહાન ૧૬:૧૨, ૧૩.
ઈસુએ આગળ જે કહ્યું, એ સાંભળીને પ્રેરિતો અચંબામાં પડ્યા: “થોડા સમય પછી તમે મને જોશો નહિ અને થોડા સમય પછી તમે ફરીથી મને જોશો.” શિષ્યો એ વિશે પૂછવા માંગે છે, એ જાણીને તેમણે કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે તમે રડશો અને વિલાપ કરશો, પણ દુનિયા આનંદ કરશે; તમે શોક કરશો, પણ તમારો શોક ખુશીમાં બદલાઈ જશે.” (યોહાન ૧૬:૧૬, ૨૦) બીજા દિવસે બપોરે ઈસુને મારી નાખવામાં આવ્યા ત્યારે, ધર્મગુરુઓએ આનંદ મનાવ્યો પણ શિષ્યોએ શોક કર્યો. પછી, ઈસુ સજીવન થયા ત્યારે એ શોક ખુશીમાં બદલાઈ ગયો! ઈસુએ તેઓ પર ઈશ્વરની પવિત્ર શક્તિ રેડી ત્યારે તેઓ ખુશી મનાવતા રહ્યા.
ઈસુએ પ્રેરિતોની સ્થિતિની સરખામણી બાળકને જન્મ આપતી સ્ત્રીની વેદના સાથે કરી: “પ્રસૂતિ વખતે સ્ત્રીને વેદના થાય છે, કેમ કે બાળકને જન્મ આપવાનો સમય આવી ગયો છે. પણ, બાળકને જન્મ આપ્યા પછી તે વેદના ભૂલી જાય છે, કેમ કે દુનિયામાં બાળક આવ્યું એની તેને ખુશી થાય છે.” તેમણે પ્રેરિતોને આમ કહીને ઉત્તેજન આપ્યું, “તમે પણ હમણાં શોકમાં છો; પણ, હું તમને ફરીથી મળીશ અને તમારા દિલ ખુશ થશે અને કોઈ તમારી ખુશી છીનવી લેશે નહિ.”—યોહાન ૧૬:૨૧, ૨૨.
પ્રેરિતોએ પ્રાર્થનામાં પહેલાં કદી ઈસુના નામમાં વિનંતી કરી ન હતી. ઈસુએ હવે કહ્યું: “એ દિવસે તમે મારા નામમાં પિતાને વિનંતી કરશો.” તેઓએ કેમ એવું કરવાનું હતું? એવું ન હતું કે પિતા પ્રાર્થનાનો જવાબ આપતા ન હતા. તેમણે તો કહ્યું હતું: “પિતા પોતે તમારા પર પ્રેમ રાખે છે, કેમ કે તમે મારા પર પ્રેમ રાખ્યો છે અને તમે ભરોસો કર્યો છે કે ઈશ્વરે મને મોકલ્યો છે.”—યોહાન ૧૬:૨૬, ૨૭.
ઈસુના એ ઉત્તેજનકારક શબ્દોથી પ્રેરિતોને હિંમત મળી હશે. એટલે, તેઓ કહી શક્યા: “એ પરથી અમે માનીએ છીએ કે તમે ઈશ્વર પાસેથી આવ્યા છો.” તેઓના એ ભરોસાની જલદી જ પરખ થવાની હતી. હવે શું બનવાનું છે, એ વિશે ઈસુએ કહ્યું: “જુઓ! એવી ઘડી આવી રહી છે, હકીકતમાં, આવી પહોંચી છે, જ્યારે તમે બધા વિખેરાઈ જઈને પોતપોતાના ઘરે ચાલ્યા જશો અને તમે મને એકલો છોડી દેશો.” પરંતુ, તેઓને ખાતરી આપતા ઈસુએ કહ્યું: “મેં તમને આ વાતો જણાવી છે, જેથી મારા દ્વારા તમને શાંતિ મળે. દુનિયામાં તમારા પર તકલીફો આવશે, પણ હિંમત રાખજો! મેં દુનિયા પર જીત મેળવી છે.” (યોહાન ૧૬:૩૦-૩૩) ઈસુએ શિષ્યોને છોડી દીધા ન હતા. તેમને ખાતરી હતી કે તેઓ વફાદારીથી ઈશ્વરની ઇચ્છા પૂરી કરશે, પછી ભલે શેતાન અને તેની દુનિયા તેઓની શ્રદ્ધા તોડવા ઘણા પ્રયત્નો કરે. આમ, તેમને ખાતરી હતી કે પોતાની જેમ શિષ્યો પણ દુનિયા પર જીત મેળવી શકે છે.
-
-
ઉપરના ઓરડામાં ઈસુની છેલ્લી પ્રાર્થનાઈસુ—માર્ગ, સત્ય અને જીવન
-
-
પ્રકરણ ૧૨૨
ઉપરના ઓરડામાં ઈસુની છેલ્લી પ્રાર્થના
ઈશ્વર અને તેમના દીકરાને ઓળખવાનું પરિણામ
યહોવા, ઈસુ અને શિષ્યો વચ્ચે એકતા
ઈસુ હવે થોડા જ સમયમાં વિદાય લેવાના હતા. પ્રેરિતો માટે ઘણી લાગણી હોવાથી, તે તેઓને એ માટે તૈયાર કરી રહ્યા હતા. તેમણે આકાશ તરફ જોઈને પિતાને પ્રાર્થના કરી: “તમારા દીકરાને મહિમાવાન કરો, જેથી તમારો દીકરો તમને મહિમાવાન કરે. તમે દીકરાને બધા લોકો પર અધિકાર આપ્યો છે, જેથી તમે તેને સોંપેલા બધા લોકોને તે હંમેશ માટેનું જીવન આપે.”—યોહાન ૧૭:૧, ૨.
ઈસુ જાણતા હતા કે ઈશ્વરને મહિમા આપવો સૌથી અગત્યનું છે. તેમણે હંમેશ માટેના જીવનની આશા વિશે પણ જણાવ્યું, એ જાણીને કેટલી રાહત મળે છે! ઈસુને “બધા લોકો પર અધિકાર” મળ્યો હોવાથી, પોતે ચૂકવેલી કિંમતના આશીર્વાદો તે સર્વ મનુષ્યોને આપી શકે છે. પણ, ફક્ત અમુકને જ એ આશીર્વાદો મળશે. શા માટે અમુકને જ? ઈસુ ફક્ત એવા લોકોને એ આશીર્વાદો આપશે, જેઓ તેમના આ શબ્દો પ્રમાણે કરે છે: “હંમેશ માટેનું જીવન એ છે કે તેઓ તમને, એકલા ખરા ઈશ્વરને અને ઈસુ ખ્રિસ્ત, જેને તમે મોકલ્યો છે તેને ઓળખે.”—યોહાન ૧૭:૩.
એ માટે વ્યક્તિએ શું કરવું જોઈએ? પિતા અને પુત્રને સારી રીતે ઓળખીને તેઓ સાથે ગાઢ સંબંધ બાંધવો જોઈએ. તેઓની દૃષ્ટિએ બાબતોને જોવી જોઈએ. તેણે બીજાઓ સાથેના વર્તનમાં યહોવા અને ઈસુ જેવા અજોડ ગુણો બતાવવા પૂરો પ્રયાસ કરવો જોઈએ. બતાવી આપવું જોઈએ કે ઈશ્વરને મહિમા મળે એ વધારે અગત્યનું છે, મનુષ્યોને હંમેશ માટેનું જીવન મળે એ નહિ. હવે, ઈસુએ મુખ્ય વિષય પર આવતા કહ્યું:
“તમે મને સોંપેલું કામ પૂરું કરીને, મેં તમને પૃથ્વી પર મહિમાવાન કર્યા છે. એટલે હવે, હે પિતા, દુનિયાની શરૂઆત પહેલાં, મારો જે મહિમા તમારી સાથે હતો, એનાથી મને તમારી સાથે ફરી મહિમાવાન કરો.” (યોહાન ૧૭:૪, ૫) ઈસુ ચાહતા હતા કે ઈશ્વર તેમને સજીવન કરીને સ્વર્ગમાં ફરીથી મહિમાવાન કરે.
પણ, ઈસુ એ ભૂલી ગયા ન હતા કે તેમણે સેવાકાર્યમાં શું સિદ્ધ કર્યું છે. તેમણે પ્રાર્થના કરી: “દુનિયામાંથી જે માણસો તમે મને આપ્યા, તેઓને મેં તમારું નામ જાહેર કર્યું છે. તેઓ તમારા હતા અને તમે જ તેઓને મને સોંપ્યા અને તેઓએ તમારો સંદેશો સ્વીકાર્યો છે.” (યોહાન ૧૭:૬) ઈસુએ સેવાકાર્યમાં ઈશ્વરનું નામ યહોવા પ્રગટ કર્યું. તેમણે પ્રેરિતોને એ નામનો અર્થ પણ સમજાવ્યો, એટલે કે ઈશ્વરના ગુણો વિશે અને માણસો સાથે તે કઈ રીતે વર્તે છે, એ વિશે જણાવ્યું.
યહોવા વિશે, તેમના પુત્ર ઈસુની ભૂમિકા વિશે અને તેમણે શીખવેલી વાતો વિશે પ્રેરિતો શીખ્યા હતા. ઈસુએ નમ્રતાથી પ્રાર્થનામાં કહ્યું: “તમે જે વાતો મને જણાવી, એ મેં તેઓને જણાવી છે અને તેઓએ એનો સ્વીકાર કર્યો છે; તેઓ ચોક્કસ જાણે છે કે હું તમારી પાસેથી આવ્યો છું અને તેઓ માને છે કે તમે મને મોકલ્યો છે.”—યોહાન ૧૭:૮.
ઈસુએ પછી પોતાના અનુયાયીઓ અને દુનિયાના લોકો વચ્ચેનો તફાવત જણાવતા કહ્યું: “હું તેઓ માટે વિનંતી કરું છું; હું દુનિયા માટે નહિ, પણ તમે મને જેઓ આપ્યા છે, તેઓ માટે વિનંતી કરું છું, કારણ કે તેઓ તમારા છે . . . હે પવિત્ર પિતા, તમે મને આપેલા તમારા નામને લીધે તેઓનું ધ્યાન રાખજો, જેથી જેમ આપણે એક છીએ તેમ તેઓ પણ એક થાય. . . . મેં તેઓનું રક્ષણ કર્યું છે અને તેઓમાંથી એકનો પણ નાશ થયો નથી, સિવાય કે વિનાશના દીકરાનો.” એ યહુદા ઇસ્કારિયોત હતો, જે ઈસુને દગો દેવા જઈ રહ્યો હતો.—યોહાન ૧૭:૯-૧૨.
ઈસુએ પ્રાર્થનામાં આગળ કહ્યું, “દુનિયા તેઓને ધિક્કારે છે, . . . દુનિયામાંથી તેઓને લઈ લેવાની હું તમને વિનંતી કરતો નથી, પણ દુષ્ટથી તેઓનું રક્ષણ કરવાની વિનંતી કરું છું. જેમ હું દુનિયાનો ભાગ નથી, તેમ તેઓ પણ દુનિયાનો ભાગ નથી.” (યોહાન ૧૭:૧૪-૧૬) શેતાનનું રાજ હોય એવી દુનિયામાં પ્રેરિતો અને બીજા શિષ્યો રહેતા હતા. પણ, તેઓએ એ દુનિયાથી અને એની બૂરાઈઓથી દૂર રહેવાનું હતું. કઈ રીતે?
તેઓએ પવિત્ર રહેવાનું હતું અને ઈશ્વરની ભક્તિ માટે પોતાને અલગ રાખવાના હતા. એ માટે તેઓએ હિબ્રૂ શાસ્ત્રવચનોમાં રહેલી અને ઈસુએ શીખવેલી સત્ય વાતો લાગુ પાડવાની હતી. ઈસુએ પ્રાર્થના કરી: “સત્ય દ્વારા તેઓને પવિત્ર કરો; તમારો સંદેશો સત્ય છે.” (યોહાન ૧૭:૧૭) સમય જતાં, અમુક પ્રેરિતો પણ ઈશ્વરપ્રેરણાથી અમુક પુસ્તકો લખવાના હતા, જે પછી આ “સત્ય”નો ભાગ બન્યા. આ સત્યથી વ્યક્તિ પવિત્ર રહી શકતી હતી.
બીજા લોકો “સત્ય” સ્વીકારે એવો સમય પણ આવવાનો હતો. એટલે, ત્યાં હાજર લોકો ‘માટે જ નહિ, પણ તેઓના સંદેશા દ્વારા જે કોઈ તેમનામાં શ્રદ્ધા મૂકે છે, તેઓ માટે પણ’ ઈસુએ પ્રાર્થના કરી. ઈસુએ તેઓ બધા માટે શું વિનંતી કરી? “તેઓ બધા એક થાય, હે પિતા, તમે મારી સાથે એકતામાં છો અને હું તમારી સાથે એકતામાં છું; એ જ રીતે, તેઓ પણ આપણી સાથે એકતામાં રહે.” (યોહાન ૧૭:૨૦, ૨૧) ઈસુ અને તેમના પિતા કંઈ એક જ વ્યક્તિ નથી. પણ, તેઓ એકતામાં છે, એટલે કે બધી બાબતોમાં એકસરખા વિચારો ધરાવે છે. ઈસુએ પ્રાર્થના કરી કે તેમના શિષ્યોમાં પણ એવી એકતા હોય.
એના થોડા જ સમય પહેલાં, ઈસુએ પીતરને અને બીજાઓને જણાવ્યું હતું કે તે તેઓ માટે જગ્યા તૈયાર કરવા જાય છે, એટલે કે સ્વર્ગમાં જગ્યા તૈયાર કરવા. (યોહાન ૧૪:૨, ૩) ઈસુએ ફરીથી એનો ઉલ્લેખ કરતા પ્રાર્થનામાં કહ્યું, “હે પિતા, હું ચાહું છું કે તમે મને જે લોકો આપ્યા છે, તેઓ જ્યાં હું હોઉં ત્યાં મારી સાથે હોય; એ માટે કે તમે જે મહિમા મને આપ્યો છે, એ તેઓ જુએ, કારણ કે દુનિયાનો પાયો નંખાયો એના પહેલાંથી તમે મારા પર પ્રેમ રાખ્યો છે.” (યોહાન ૧૭:૨૪) આમ, તેમણે જણાવ્યું કે આદમ અને હવાને બાળકો થયાં એના લાંબા સમય પહેલાંથી, ઈશ્વર પોતાના એકના એક દીકરાને પ્રેમ કરે છે, જે પછી ઈસુ ખ્રિસ્ત તરીકે ઓળખાયા.
પ્રાર્થનાની સમાપ્તિમાં ઈસુએ ફરીથી પિતાના નામ પર ભાર મૂક્યો. તેમ જ, પ્રેરિતો અને જેઓ “સત્ય” સ્વીકારવાના હતા તેઓ પ્રત્યે ઈશ્વરના પ્રેમ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું: “મેં તેઓને તમારું નામ જણાવ્યું છે અને જણાવતો રહીશ, જેથી જેવો પ્રેમ તમે મારા પર રાખ્યો છે, એવો પ્રેમ તેઓમાં પણ રહે અને હું તેઓની સાથે એકતામાં રહું.”—યોહાન ૧૭:૨૬.
-
-
બહુ જ દુઃખી હતા ત્યારે પ્રાર્થના કરીઈસુ—માર્ગ, સત્ય અને જીવન
-
-
પ્રકરણ ૧૨૩
બહુ જ દુઃખી હતા ત્યારે પ્રાર્થના કરી
માથ્થી ૨૬:૩૦, ૩૬-૪૬ માર્ક ૧૪:૨૬, ૩૨-૪૨ લુક ૨૨:૩૯-૪૬ યોહાન ૧૮:૧
ગેથશેમાને બાગમાં ઈસુ
તેમનો પરસેવો લોહીનાં ટીપાં જેવો છે
ઈસુએ તેમના વફાદાર પ્રેરિતો સાથે પ્રાર્થના પૂરી કરી. પછી, “સ્તુતિ-ગીતો ગાઈને તેઓ જૈતૂન પહાડ પર જવા નીકળી ગયા.” (માર્ક ૧૪:૨૬) તેઓ પૂર્વમાં ગેથશેમાને નામના બાગમાં ગયા, જ્યાં ઈસુ ઘણી વાર જતા હતા.
તેઓ જૈતૂન વૃક્ષો વચ્ચે આવેલા એ સુંદર બાગમાં આવી પહોંચ્યા ત્યારે, આઠ પ્રેરિતોને ત્યાં છોડીને ઈસુ આગળ વધ્યા. કદાચ તેઓ બાગના પ્રવેશદ્વારે જ રોકાઈ ગયા હતા, કેમ કે ઈસુએ તેઓને કહ્યું હતું: “હું ત્યાં જઈને પ્રાર્થના કરું ત્યાં સુધી અહીં બેસો.” ઈસુ ત્રણ પ્રેરિતોને લઈને બાગની અંદર થોડે દૂર ગયા. એ પ્રેરિતો પીતર, યાકૂબ અને યોહાન હતા. ઈસુ બહુ પરેશાન થયા અને ત્રણ પ્રેરિતોને કહ્યું: “હું બહુ જ દુઃખી, અરે મરવા જેવો થયો છું. અહીં રહો અને મારી સાથે જાગતા રહો.”—માથ્થી ૨૬:૩૬-૩૮.
તેઓથી થોડે દૂર જઈને, ઈસુ “જમીન પર ઘૂંટણે પડ્યા અને પ્રાર્થના કરવા લાગ્યા.” આ કટોકટીની પળોમાં તે ઈશ્વરને શી પ્રાર્થના કરતા હતા? તેમણે આ પ્રાર્થના કરી: “પિતાજી, તમારા માટે બધું શક્ય છે; આ પ્યાલો મારાથી દૂર કરો. તોપણ, હું ચાહું છું એમ નહિ, પણ તમે ચાહો છો એ પ્રમાણે થાઓ.” (માર્ક ૧૪:૩૫, ૩૬) તે શું કહેવા માંગતા હતા? શું તે છુટકારાની કિંમત ચૂકવવામાં પીછેહઠ કરી રહ્યા હતા? ના!
ઈસુએ સ્વર્ગમાંથી જોયું હતું કે રોમનો નિર્દયતાથી લોકોને રિબાવી રિબાવીને મોતને ઘાટ ઉતારતા હતા. હવે, તે માનવ શરીરમાં હતા અને મનુષ્યોની લાગણીઓ તેમજ દુઃખ-દર્દ અનુભવી શકતા હતા. એટલે, પોતાની સાથે જે બનવાનું હતું એની તે રાહ જોતા ન હતા. એનાથી પણ મહત્ત્વનું તો, તેમને આ વાતની ભારે વેદના હતી: તે જોઈ શકતા હતા કે તેમને રીઢા ગુનેગાર ગણીને મારી નાખવામાં આવશે ત્યારે, તેમના પિતાના નામ પર કલંક લાગી શકે છે. થોડા જ કલાકોમાં, ઈશ્વરનિંદાનો આરોપ મૂકીને દુશ્મનો તેમને વધસ્તંભે ચડાવી દેવાના હતા.
લાંબી પ્રાર્થના કર્યા પછી, ઈસુ પાછા આવ્યા અને તેમણે ત્રણેય પ્રેરિતોને ઊંઘતા જોયા. તેમણે પીતરને કહ્યું: “શું તમે મારી સાથે થોડી વાર પણ જાગતા રહી શકતા નથી? જાગતા રહો અને પ્રાર્થના કરતા રહો, જેથી તમે કસોટીમાં આવી ન પડો.” ઈસુને ખબર હતી કે પ્રેરિતો પણ ભારે તાણમાં છે અને મોડી રાત થઈ ગઈ છે. તેમણે આગળ કહ્યું: “ખરું કે મન તો આતુર છે, પણ શરીર કમજોર છે.”—માથ્થી ૨૬:૪૦, ૪૧.
પછી, ઈસુ બીજી વાર દૂર ગયા અને “આ પ્યાલો” દૂર કરવા ઈશ્વરને વિનંતી કરી. તે પાછા ફર્યા ત્યારે, તેમણે ફરીથી ત્રણ પ્રેરિતોને ઊંઘતા જોયા. તેઓએ પોતે પરીક્ષણમાં આવી ન પડે માટે પ્રાર્થનામાં લાગુ રહેવાનું હતું. ઈસુએ તેઓ સાથે વાત કરી ત્યારે, “તેઓને ખ્યાલ ન આવ્યો કે તેમને શું કહેવું.” (માર્ક ૧૪:૪૦) ઈસુ ત્રીજી વાર દૂર ગયા અને ઘૂંટણ ટેકવીને પ્રાર્થના કરવા લાગ્યા.
એક ગુનેગાર તરીકે મળનાર મોતથી પિતાના નામ પર કેવું કલંક લાગશે, એ વિશે ઈસુને ખૂબ ચિંતા થતી હતી. જોકે, યહોવા તેમના દીકરાની પ્રાર્થનાઓ સાંભળી રહ્યા હતા અને એક સમયે તો તેમણે ઈસુને હિંમત આપવા દૂતને પણ મોકલ્યો. તોપણ, ઈસુ તેમના પિતાને “કાલાવાલા કરીને” પ્રાર્થના કરતા રહ્યા. ચિંતાનાં કાળાં વાદળોથી તે ઘેરાયેલા હતા. ઈસુને માથે કેવી મોટી જવાબદારી હતી! તેમનું પોતાનું અને શ્રદ્ધા મૂકતા મનુષ્યોનું હંમેશ માટેનું જીવન દાવ પર લાગેલું હતું. અરે, “લોહીનાં ટીપાં જેવો તેમનો પરસેવો જમીન પર ટપકવા લાગ્યો.”—લુક ૨૨:૪૪.
ઈસુ ત્રીજી વાર તેમના પ્રેરિતો પાસે આવ્યા ત્યારે, તેમણે ફરીથી તેઓને સૂતેલા જોયા. તેમણે કહ્યું: “આવા સમયે તમે ઊંઘો છો અને આરામ કરો છો! જુઓ, માણસના દીકરાને દગાથી પાપીઓના હાથમાં સોંપવાની ઘડી નજીક આવી પહોંચી છે. ઊઠો, ચાલો જઈએ. જુઓ! મને દગો દેનાર નજીક આવી પહોંચ્યો છે.”—માથ્થી ૨૬:૪૫, ૪૬.
-
-
ખ્રિસ્તને દગો અને તેમની ધરપકડઈસુ—માર્ગ, સત્ય અને જીવન
-
-
પ્રકરણ ૧૨૪
ખ્રિસ્તને દગો અને તેમની ધરપકડ
માથ્થી ૨૬:૪૭-૫૬ માર્ક ૧૪:૪૩-૫૨ લુક ૨૨:૪૭-૫૩ યોહાન ૧૮:૨-૧૨
યહુદા ઈસુને બાગમાં દગો દે છે
પીતર એક માણસનો કાન કાપી નાખે છે
ઈસુની ધરપકડ થાય છે
મધરાત પછીનો સમય હતો. ઈસુને યહુદા દગો દે એ માટે યાજકો તેને ચાંદીના ૩૦ સિક્કા આપવા તૈયાર થયા હતા. એટલે, મુખ્ય યાજકો અને ફરોશીઓનું મોટું ટોળું લઈને યહુદા ઈસુને શોધવા નીકળ્યો. તેઓ સાથે શસ્ત્રસજ્જ રોમન સૈનિકોની ટુકડી અને એના સેનાપતિ પણ હતા.
એમ લાગે છે કે, ઈસુએ પાસ્ખાના ભોજન પછી યહુદાને નીકળી જવા કહ્યું ત્યારે, તે સીધો મુખ્ય યાજકો પાસે ગયો હતો. (યોહાન ૧૩:૨૭) તેઓએ પોતાના અધિકારીઓને અને સૈનિકોને એકઠા કર્યા. યહુદા કદાચ તેઓને એ ઓરડામાં દોરી ગયો, જ્યાં ઈસુએ પોતાના પ્રેરિતો સાથે પાસ્ખાનો તહેવાર ઊજવ્યો હતો. પરંતુ, હવે ટોળું કિદ્રોન ખીણ ઓળંગીને બાગ તરફ આગળ વધી રહ્યું હતું. ઈસુને શોધવા સજ્જ થયેલા ટોળા પાસે હથિયારો ઉપરાંત દીવાઓ અને મશાલો પણ હતી.
ઈસુ ક્યાં મળશે એ કદાચ યહુદા જાણતો હતો. એટલે, તે ટોળાને જૈતૂન પહાડ પર લઈ ગયો. છેલ્લા અઠવાડિયે ઈસુ અને તેમના પ્રેરિતો બેથનિયાથી યરૂશાલેમ આવજા કરતા હતા ત્યારે, તેઓ ઘણી વાર ગેથશેમાને બાગમાં આરામ કરવા રોકાયા હતા. પણ, હવે રાતનો સમય હતો અને ઈસુ કદાચ જૈતૂન વૃક્ષોની છાયામાં ક્યાંક હતા. એટલે, જે સૈનિકોએ ઈસુને કદાચ પહેલાં જોયા પણ ન હતા, તેઓ કઈ રીતે તેમને ઓળખી શકે? તેઓને મદદ કરવા યહુદા એક નિશાની આપવાનો હતો. તેણે કહ્યું: “હું જેને ચુંબન કરું એ જ તે છે; તેને પકડી લેજો અને સિપાઈઓના પહેરા નીચે તેને લઈ જજો.”—માર્ક ૧૪:૪૪.
યહુદા ટોળાને બાગમાં લઈ ગયો. તેણે ઈસુને તેમના પ્રેરિતો સાથે જોયા, એટલે તે સીધો તેમની પાસે ગયો. યહુદાએ કહ્યું: “સલામ ગુરુજી!” અને પછી તેમને ચુંબન કર્યું. ઈસુએ કહ્યું: “મિત્ર, તું કયા ઇરાદાથી આવ્યો છે?” (માથ્થી ૨૬:૪૯, ૫૦) પછી, ઈસુએ પોતે જ જવાબ આપતા કહ્યું: “યહુદા, શું તું ચુંબન કરીને માણસના દીકરાને દગો દે છે?” (લુક ૨૨:૪૮) જોકે, ઈસુને હવે યહુદાની કંઈ પડી ન હતી.
ત્યાર બાદ, ઈસુએ દીવાઓ અને મશાલોના પ્રકાશમાં આગળ આવીને કહ્યું: “તમે કોને શોધો છો?” ટોળામાંથી જવાબ આવ્યો: “નાઝરેથના ઈસુને.” ઈસુએ હિંમતથી કહ્યું: “હું તે છું.” (યોહાન ૧૮:૪, ૫) તેઓ મૂંઝાઈ ગયા હોવાથી પાછા હઠ્યા અને જમીન પર ગબડી પડ્યા.
ઈસુએ ચાહ્યું હોત તો એ પળે અંધારામાં નાસી છૂટ્યા હોત. પણ એમ કરવાને બદલે તેમણે ફરીથી પૂછ્યું કે તેઓ કોને શોધે છે. તેઓએ ફરીથી કહ્યું: “નાઝરેથના ઈસુને.” તેમણે શાંતિથી જવાબ આપ્યો: “મેં તમને જણાવ્યું કે હું તે છું. એટલે, જો તમે મને શોધતા હો, તો આ માણસોને જવા દો.” આ કપરા સંજોગોમાં પણ ઈસુને પોતાના શબ્દો યાદ હતા કે, તે એક પણ શિષ્યને ગુમાવશે નહિ. (યોહાન ૬:૩૯; ૧૭:૧૨) તેમણે વફાદાર પ્રેરિતોનું રક્ષણ કર્યું હતું અને તેઓમાંથી એકને પણ ગુમાવ્યો ન હતો, “સિવાય કે વિનાશના દીકરા” યહુદાને. (યોહાન ૧૮:૭-૯) એટલે, ઈસુએ જણાવ્યું કે તેઓ શિષ્યોને જવા દે.
સૈનિકો ઊભા થઈને ઈસુ તરફ આગળ વધ્યા ત્યારે, પ્રેરિતોને ખ્યાલ આવ્યો કે શું થઈ રહ્યું છે. તેઓએ પૂછ્યું: “પ્રભુ, શું અમે તલવાર ચલાવીએ?” (લુક ૨૨:૪૯) ઈસુ કંઈ જણાવે એ પહેલાં, પ્રેરિતો પાસે જે બે તલવારો હતી એમાંની એક પીતરે ખેંચી કાઢી. તેમણે પ્રમુખ યાજકના ચાકર, માલ્ખસ પર હુમલો કરીને તેનો જમણો કાન ઉડાવી દીધો.
પણ, ઈસુએ માલ્ખસના કાનને અડકીને તેને સાજો કર્યો. પછી, તેમણે મહત્ત્વનો બોધપાઠ શીખવતા પીતરને આજ્ઞા કરી: “તારી તલવાર એની જગ્યાએ પાછી મૂકી દે, કેમ કે જેઓ તલવાર ઉઠાવે છે તેઓ સર્વ તલવારથી નાશ પામશે.” ઈસુ પકડાઈ જવા તૈયાર હતા અને એ સમજાવતા તેમણે કહ્યું: “એ શાસ્ત્રવચનો કઈ રીતે પૂરાં થશે, જે કહે છે કે આ રીતે જ થવું જોઈએ?” (માથ્થી ૨૬:૫૨, ૫૪) તેમણે આગળ જણાવ્યું: “શું પિતાએ મને આપેલો પ્યાલો મારે પીવો ન જોઈએ?” (યોહાન ૧૮:૧૧) ઈસુને મન ઈશ્વરની ઇચ્છા પૂરી કરવી સૌથી મહત્ત્વનું હતું, પછી ભલેને એ માટે મરવું પડે.
ઈસુએ ટોળાને પૂછ્યું: “લુટારા સામે આવતા હો એમ, શું તમે તલવારો અને લાઠીઓ લઈને મને પકડવા આવ્યા છો? રોજ હું મંદિરમાં બેસીને શીખવતો હતો, તોપણ તમે મને પકડ્યો નહિ. પરંતુ, પ્રબોધકોએ લખેલું પૂરું થાય એ માટે આ બધું બન્યું છે.”—માથ્થી ૨૬:૫૫, ૫૬.
સૈનિકોની ટુકડી, સેનાપતિ અને યહુદીઓના અધિકારીઓએ ઈસુને પકડીને બાંધી દીધા. એ જોઈને પ્રેરિતો ત્યાંથી નાસી ગયા. જોકે, “એક યુવાન” જે કદાચ માર્ક હતા, તે ટોળા સાથે રહીને ઈસુની પાછળ પાછળ ગયા. (માર્ક ૧૪:૫૧) પણ, લોકો માર્કને ઓળખી ગયા અને તેમને પકડવાની કોશિશ કરી. એટલે તે પોતાનું શણનું કપડું મૂકીને ત્યાંથી નાસી છૂટ્યા.
-
-
અન્નાસના ઘરે, પછી કાયાફાસના ઘરે લઈ જાય છેઈસુ—માર્ગ, સત્ય અને જીવન
-
-
પ્રકરણ ૧૨૫
અન્નાસના ઘરે, પછી કાયાફાસના ઘરે લઈ જાય છે
માથ્થી ૨૬:૫૭-૬૮ માર્ક ૧૪:૫૩-૬૫ લુક ૨૨:૫૪, ૬૩-૬૫ યોહાન ૧૮:૧૩, ૧૪, ૧૯-૨૪
અગાઉના પ્રમુખ યાજક અન્નાસને ત્યાં ઈસુને લઈ જવાયા
યહુદી ન્યાયસભા દ્વારા ગેરકાનૂની મુકદ્દમો
ઈસુને ગુનેગારની જેમ બાંધ્યા પછી અન્નાસને ત્યાં લઈ જવામાં આવ્યા. બાળપણમાં ઈસુએ મંદિરમાં શિક્ષકોને દંગ કર્યા હતા ત્યારે, અન્નાસ પ્રમુખ યાજક હતો. (લુક ૨:૪૨, ૪૭) અન્નાસના દીકરાઓમાંથી કેટલાક પછીથી મુખ્ય યાજક બન્યા હતા અને હમણાં તેનો જમાઈ કાયાફાસ પ્રમુખ યાજક હતો.
અન્નાસ ઈસુને સવાલ પૂછતો હતો ત્યારે, કાયાફાસને યહુદી ન્યાયસભા ભેગી કરવાનો સમય મળી ગયો. એ ન્યાયસભામાં ૭૧ સભ્યો હતા. એમાં પ્રમુખ યાજક અને અગાઉના પ્રમુખ યાજકોનો પણ સમાવેશ થતો હતો.
અન્નાસે ઈસુને “તેમના શિષ્યો અને તેમના શિક્ષણ” વિશે સવાલો પૂછ્યા. ઈસુએ જવાબમાં કહ્યું, “મેં દુનિયા આગળ ખુલ્લેઆમ વાત કરી છે. હું હંમેશાં સભાસ્થાનમાં અને મંદિરમાં શીખવતો હતો, જ્યાં બધા યહુદીઓ ભેગા મળે છે અને મેં છાની રીતે કંઈ જણાવ્યું નથી. તમે મને સવાલ કેમ પૂછો છો? મને સાંભળનારા લોકોને જઈને પૂછો. જુઓ! મેં તેઓને જે કહ્યું હતું, એ તેઓ જાણે છે.”—યોહાન ૧૮:૧૯-૨૧.
ત્યાં ઊભેલા અધિકારીએ ઈસુને લાફો માર્યો અને ઠપકો આપતા કહ્યું: “શું મુખ્ય યાજક સાથે આ રીતે વાત કરાય?” પણ, ઈસુ જાણતા હતા કે પોતે કંઈ ખોટું કર્યું નથી, એટલે તેમણે કહ્યું: “જો મેં કંઈ ખોટું કહ્યું હોય, તો એ સાબિત કર; પણ જો મારી વાત સાચી હોય, તો તું મને કેમ મારે છે?” (યોહાન ૧૮:૨૨, ૨૩) પછી, અન્નાસ પોતાના જમાઈ કાયાફાસને ત્યાં ઈસુને લઈ ગયો.
હવે, આખી ન્યાયસભા એકઠી થઈ હતી, જેમાં પ્રમુખ યાજક, લોકોના વડીલો અને શાસ્ત્રીઓ હતા. તેઓ કાયાફાસના ઘરે ભેગા થયા હતા. પાસ્ખાની રાત્રે આવો મુકદ્દમો ચલાવવો કાયદેસર ન હતું, પણ તેઓ પોતાના દુષ્ટ ઇરાદાને પૂરો કરવા, કોઈ પણ હદે જવા તૈયાર હતા.
ત્યાં હાજર મોટા ભાગના લોકો ઈસુ વિશે સારું વિચારતા ન હતા. ઈસુએ લાજરસને સજીવન કર્યા પછી, યહુદી ન્યાયસભાએ ઈસુને મારી નાખવાનું નક્કી કર્યું હતું. (યોહાન ૧૧:૪૭-૫૩) થોડા દિવસો પહેલાં જ, ધર્મગુરુઓએ ઈસુને પકડીને મારી નાખવાનું કાવતરું ઘડ્યું હતું. (માથ્થી ૨૬:૩, ૪) હા, મુકદ્દમો શરૂ થાય એ પહેલાં જ, તેઓએ ઈસુને મોતની સજા માટે દોષિત ઠરાવી દીધા હતા!
મુખ્ય યાજકો અને બીજા સભ્યોની ન્યાયસભા ગેરકાયદેસર મળી હતી. એટલું જ નહિ, તેઓ એવા સાક્ષીઓને શોધતા હતા, જેઓ ઈસુને ગુનેગાર ઠરાવવા ખોટા પુરાવા રજૂ કરે. તેઓને એવા તો ઘણા લોકો મળ્યા, પણ તેઓની જુબાની એકબીજા સાથે મેળ ખાતી ન હતી. છેવટે, બે માણસો આવ્યા અને કહ્યું: “અમે તેને આમ કહેતા સાંભળ્યો હતો, ‘હાથે બનેલા આ મંદિરને હું પાડી નાખીશ અને હાથે બન્યું ન હોય એવું મંદિર હું ત્રણ દિવસમાં બાંધીશ.’” (માર્ક ૧૪:૫૮) જોકે, આ માણસોની જુબાની પણ એકબીજા સાથે મેળ ખાતી ન હતી.
કાયાફાસે ઈસુને પૂછ્યું: “શું તારે જવાબમાં કંઈ નથી કહેવું? આ બધા તારી વિરુદ્ધ જુબાની આપે છે, એનું શું?” (માર્ક ૧૪:૬૦) સાક્ષીઓ ખોટા આરોપો મૂકતા હતા ત્યારે, ઈસુ ચૂપ રહ્યા. એટલે, પ્રમુખ યાજક કાયાફાસે બીજી એક યુક્તિ વાપરી.
કાયાફાસ જાણતો હતો કે કોઈ વ્યક્તિ ઈશ્વરનો દીકરો હોવાનો દાવો કરે તો, યહુદીઓ ગુસ્સે થશે. અમુક સમય પહેલાં, ઈસુએ ઈશ્વરને પોતાના પિતા કહ્યા હતા. એ સાંભળીને યહુદીઓ તેમને મારી નાખવા માંગતા હતા, કેમ કે તેઓને લાગ્યું કે ઈસુ “પોતાને ઈશ્વર સમાન ગણાવતા હતા.” (યોહાન ૫:૧૭, ૧૮; ૧૦:૩૧-૩૯) કાયાફાસ યહુદીઓની લાગણીઓને જાણતો હતો. એટલે, ખૂબ ચાલાકીથી તેણે ઈસુને કહ્યું: “હું જીવતા ઈશ્વરના સમ આપીને તને કહું છું કે અમને જણાવ, તું ખ્રિસ્ત, ઈશ્વરનો દીકરો છે કે નહિ!” (માથ્થી ૨૬:૬૩) ઈસુએ પહેલાં સ્વીકાર્યું હતું કે પોતે ઈશ્વરના દીકરા છે. (યોહાન ૩:૧૮; ૫:૨૫; ૧૧:૪) હવે એમ ન સ્વીકારે તો, એનો અર્થ એવો થાય કે, પોતે ઈશ્વરના દીકરા અને ખ્રિસ્ત છે એ વાત નકારી રહ્યા છે. એટલે, ઈસુએ કહ્યું: “હા, હું છું અને તમે માણસના દીકરાને શક્તિશાળીના જમણા હાથે બેઠેલો અને આકાશનાં વાદળો સાથે આવતો જોશો.”—માર્ક ૧૪:૬૨.
એ સાંભળીને કાયાફાસ જાણે અભિનય કરતો હોય એમ, પોતાનાં કપડાં ફાડીને પોકારી ઊઠ્યો: “તેણે ઈશ્વરની નિંદા કરી છે! આપણને હવે સાક્ષીઓની શી જરૂર છે? જુઓ! હવે તમે પોતે એ નિંદા સાંભળી છે. તમારું શું કહેવું છે?” ન્યાયસભાએ અન્યાયી ચુકાદો જાહેર કર્યો: “તે મોતને લાયક છે.”—માથ્થી ૨૬:૬૫, ૬૬.
પછી, તેઓ ઈસુની મશ્કરી કરવા લાગ્યા અને મુક્કા મારવા લાગ્યા. કેટલાકે તેમને લાફા માર્યા અને તેમના પર થૂંક્યા. તેઓ તેમનો આખો ચહેરો ઢાંકી દઈને, તેમને લાફો મારતા. પછી, મશ્કરી કરતા પૂછતા: “જો તું પ્રબોધક હોય, તો અમને જણાવ કે તને કોણે માર્યું?” (લુક ૨૨:૬૪) આમ, રાત્રે ગેરકાનૂની મુકદ્દમો ચલાવીને ઈશ્વરના દીકરા સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો.
-
-
કાયાફાસના ઘરે ઈસુનો નકાર થાય છેઈસુ—માર્ગ, સત્ય અને જીવન
-
-
પ્રકરણ ૧૨૬
કાયાફાસના ઘરે ઈસુનો નકાર થાય છે
માથ્થી ૨૬:૬૯-૭૫ માર્ક ૧૪:૬૬-૭૨ લુક ૨૨:૫૪-૬૨ યોહાન ૧૮:૧૫-૧૮, ૨૫-૨૭
પીતર ઈસુનો નકાર કરે છે
ગેથશેમાને બાગમાં ઈસુની ધરપકડ થયા પછી, પ્રેરિતો ડરના માર્યા તેમને છોડીને ભાગી ગયા હતા. પણ, એમાંના બે પાછા ફર્યા. એક પીતર અને ‘બીજા એક શિષ્ય,’ જે કદાચ પ્રેરિત યોહાન હતા. (યોહાન ૧૮:૧૫; ૧૯:૩૫; ૨૧:૨૪) ઈસુને અન્નાસ પાસે લઈ જવામાં આવતા હતા ત્યારે, આ બે શિષ્યો કદાચ તેઓ સાથે ભળી ગયા. જ્યારે અન્નાસે ઈસુને પ્રમુખ યાજક કાયાફાસના ઘરે મોકલ્યા, ત્યારે પીતર અને યોહાન થોડું અંતર રાખીને પાછળ પાછળ ગયા. તેઓ ડરી ગયા હોવાથી પોતાનો જીવ બચાવવા મથતા હતા. તેઓને એ પણ ચિંતા હતી કે તેઓના ગુરુજીનું શું થશે.
પ્રમુખ યાજકને યોહાન ઓળખતા હતા. એટલે, કાયાફાસના ઘરના આંગણામાં તે અંદર જઈ શક્યા. પણ, પીતરે બહાર ઊભા રહેવું પડ્યું. યોહાને પાછા આવીને ચોકીદાર તરીકે ઊભેલી દાસી સાથે વાત કરી ત્યારે પીતરને અંદર જવા રજા મળી.
એ રાત્રે ઠંડી હોવાથી, આંગણામાં લોકોએ કોલસાનું તાપણું કર્યું હતું. પીતર પણ તેઓ સાથે તાપવા બેઠા અને રાહ જોવા લાગ્યા કે ઈસુના મુકદ્દમાનું “પરિણામ શું આવે છે.” (માથ્થી ૨૬:૫૮) હવે, જે ચોકીદાર દાસીએ પીતરને અંદર આવવા દીધા હતા, તે તાપણાના પ્રકાશમાં તેમને બરાબર જોઈ શકતી હતી. તેણે પૂછ્યું, “તું પણ આ માણસના શિષ્યોમાંનો એક છે ને?” (યોહાન ૧૮:૧૭) ફક્ત દાસી જ નહિ, બીજાઓ પણ પીતરને ઓળખી ગયા અને તેમના પર ઈસુના શિષ્ય હોવાનો આરોપ મૂકવા લાગ્યા.—માથ્થી ૨૬:૬૯, ૭૧-૭૩; માર્ક ૧૪:૭૦.
એટલે, પીતર પરેશાન થઈ ગયા. તેમણે કહ્યું: “નથી હું તેને ઓળખતો, કે નથી મને સમજાતું, કે તું શું કહી રહી છે.” (માર્ક ૧૪:૬૭, ૬૮) તે “શાપ દેવા અને સમ ખાવા” લાગ્યા. એટલે કે, પોતાની વાત સાચી છે અને જો એમ ન હોય તો પોતાના પર આફત આવે, એવા સોગંદ ખાવા પણ તે તૈયાર હતા.—માથ્થી ૨૬:૭૪.
એ દરમિયાન, કાયાફાસના ઘરના એક ભાગમાં ઈસુ પર મુકદ્દમો ચાલતો હતો. એ ભાગ કદાચ આંગણા ઉપર આવેલો હતો. નીચે પીતર અને બીજાઓ રાહ જોઈ રહ્યા હતા અને જુબાની આપવા માટે આવજા કરતા સાક્ષીઓને જોઈ શકતા હતા.
પીતરની બોલી ગાલીલ પ્રદેશની હતી, જે તેમના નકારને ખોટો સાબિત કરતી હતી. વધુમાં, પીતરે જેનો કાન કાપ્યો હતો, એ માલ્ખસનો એક સગો પણ ત્યાં હાજર હતો. તેણે પણ પીતરને કહ્યું: “શું મેં તને બાગમાં તેની સાથે જોયો ન હતો?” જ્યારે પીતરે ત્રીજી વખત નકાર કર્યો, ત્યારે ભવિષ્યવાણી મુજબ કૂકડો બોલ્યો.—યોહાન ૧૩:૩૮; ૧૮:૨૬, ૨૭.
એ સમયે, ઈસુ ઝરૂખામાં ઊભા હતા, જ્યાંથી આંગણું દેખાતું હતું. તેમણે ફરીને સીધું પીતર સામે જોયું. એનાથી તો પીતરનું દિલ વીંધાઈ ગયું હશે! થોડા કલાકો પહેલાં, ઉપરના માળે ઓરડામાં ઈસુએ જે કહ્યું હતું, એ તેમને યાદ આવ્યું. વિચાર કરો, પોતે શું કર્યું એનો ખ્યાલ આવ્યો ત્યારે, પીતરની હાલત કેવી થઈ હશે! પીતર બહાર જઈને ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડ્યા.—લુક ૨૨:૬૧, ૬૨.
આવું કઈ રીતે બની શકે? પીતરને પોતાની શ્રદ્ધા અને વફાદારી માટે ગર્વ હતો; તે કઈ રીતે પોતાના ગુરુનો નકાર કરી શકે? ઈસુના શબ્દોનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો હતો અને તેમને રીઢા ગુનેગાર સાબિત કરવાના પ્રયાસો થઈ રહ્યા હતા. ઈસુ નિર્દોષ હોવાથી પીતરે તેમને સાથ આપવો જોઈતો હતો. પણ, તેમણે તો ઈશ્વરના દીકરાને તરછોડી દીધા, જેમની પાસે “હંમેશ માટેના જીવનની વાતો” હતી.—યોહાન ૬:૬૮.
પીતરનો દુઃખદ અનુભવ શું બતાવે છે? અણધારી સતાવણી કે લાલચનો સામનો કરવા વ્યક્તિ તૈયાર ન હોય તો, તેનામાં અડગ શ્રદ્ધા અને ભક્તિભાવ હોય તોપણ તે ડગમગી જઈ શકે છે. પીતરનો આ અનુભવ બધા ઈશ્વરભક્તો માટે ચેતવણીરૂપ છે.
-