યુવાનો પૂછે છે
મારે કોના જેવું બનવું જોઈએ?
“સ્કૂલમાં જ્યારે પણ મને કોઈ મુશ્કેલી ઊભી થતી, ત્યારે હું એવી વ્યક્તિનો વિચાર કરતી જેમને હું માન આપું છું અને જેમણે મારા જેવી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. પછી, હું પણ એ વ્યક્તિ જેવું કરવાનો પ્રયત્ન કરું છું. સાચે જ, કોઈ સારી વ્યક્તિને રોલ મૉડલ બનાવવાથી હું મુશ્કેલીઓનો સારી રીતે સામનો કરી શકું છું.”—હેલી.
હા, કોઈને રોલ મૉડલ બનાવવાથી તમે મુશ્કેલીઓથી બચી શકો છો અને તમે રાખેલા ધ્યેય પૂરા કરી શકો છો. પણ એ માટે જરૂરી છે કે તમે સારી વ્યક્તિને પસંદ કરો.
કેમ સમજી-વિચારીને પસંદ કરશો?
તમે જે વ્યક્તિ જેવા બનવા માંગો છો એની તમારાં જીવન પર અસર થાય છે.
બાઇબલમાં ઈશ્વરભક્તોને ઉત્તેજન આપ્યું છે કે તેઓ સારા દાખલાને અનુસરે. એમાં લખ્યું છે: “તેઓનાં વાણી-વર્તનનાં સારાં પરિણામનો વિચાર કરો અને તેઓ જેવી શ્રદ્ધા બતાવો.”—હિબ્રૂઓ ૧૩:૭.
અજમાવી જુઓ: તમે જે વ્યક્તિ જેવા બનવા માંગશો એની તમારા જીવન પર સારી કે ખરાબ અસર થશે. એટલે, એ ધ્યાનમાં રાખીને પસંદ ન કરો કે વ્યક્તિ કેટલી મશહૂર છે અથવા તે તમારી ઉંમરની છે. એને બદલે, જેનામાં સારા ગુણો હોય તેને પસંદ કરો.
“હું એદમભાઈનાં વાણી-વર્તનથી ઘણું બધું શીખ્યો છું. નવાઈની વાત છે કે તે ભાઈની અમુક વાતો અને અમુક કામો આજે પણ મને યાદ છે. તેમને તો ખબર જ નહિ હોય, કે મારા જીવન પર તેમણે કેટલી સારી છાપ છોડી છે!”—કોલિન.
તમે જે વ્યક્તિ જેવા બનવા માંગો છો એની તમારાં વિચારો અને લાગણીઓ પર અસર થાય છે.
બાઇબલમાં લખ્યું છે: “છેતરાશો નહિ. ખરાબ સંગત સારી આદતોને બગાડે છે.”—૧ કોરીંથીઓ ૧૫:૩૩.
અજમાવી જુઓ: વ્યક્તિનો સુંદર દેખાવ જોઈને નહિ, પણ તેના સારા ગુણો જોઈને તેને પસંદ કરો. નહિતર, તમને નિરાશા જ હાથ લાગશે.
“જો આપણે પોતાની સરખામણી મશહૂર કે ખૂબસૂરત લોકો સાથે કરતા રહીશું, તો કાયમ પોતાને નકામા અને બદસૂરત ગણીશું. પછી આપણા પર સુંદર દેખાવાનું ઝનૂન સવાર થઈ જશે.”—ટેમરા.
વિચારવા જેવું: ફિલ્મી દુનિયાના કે રમત-ગમતના જાણીતા લોકોને રોલ મૉડલ પસંદ કરવાથી કેવાં જોખમો આવી શકે?
તમે કોના જેવા બનવાનું પસંદ કરો છો, એનાથી નક્કી થશે કે તમે તમારા ધ્યેયને પૂરા કરી શકશો કે નહિ.
બાઇબલમાં લખ્યું છે: “બુદ્ધિમાન સાથે ચાલનાર બુદ્ધિમાન થશે.”—નીતિવચનો ૧૩:૨૦.
અજમાવી જુઓ: તમે એવી વ્યક્તિને પસંદ કરો જેના સારા ગુણોને લાગુ કરવા માંગો છો. જો તેના પર ધ્યાન આપશો, તો તમે અમુક એવી રીતો શીખશો જેનાથી તમારા ધ્યેયને પૂરો કરી શકશો.
“એવો કોઈ ધ્યેય ન રાખશો કે ‘હું વધારે જવાબદાર વ્યક્તિ બનવા માંગું છું.’ એના બદલે, એક ચોક્કસ ધ્યેય રાખો. જેમ કે, ‘હું જેનની જેમ જવાબદાર વ્યક્તિ બનવા માંગું છું. તે સમયસર કામ પતાવે છે અને દરેક કામમાં પોતાનું દિલ રેડી દે છે.’”—મિરિયમ.
વાતનો સાર: તમે એક સારી વ્યક્તિને રોલ મૉડલ પસંદ કરો છો ત્યારે, નક્કી કરો છો કે તમે કેવી વ્યક્તિ બનવા માંગો છો.
સારી વ્યક્તિ પાસેથી શીખશો તો તમે તમારા ધ્યેયો જલદી પૂરા કરી શકશો!
કેવી રીતે પસંદ કરશો?
નીચે આપેલી કોઈ પણ એક રીત પસંદ કરીને નક્કી કરો કે તમે કોના જેવા બનવા માંગો છો.
૧. એવો કોઈ ગુણ પસંદ કરો, જેને તમે જીવનમાં લાગુ કરવા માંગો છો. પછી એવી કોઈ વ્યક્તિને પસંદ કરો જેને તમે માન આપો છો અને તેનામાં એ ગુણ છે.
૨. એવી કોઈ વ્યક્તિને પસંદ કરો, જેને તમે માન આપો છો. પછી તેનામાં જે ગુણો છે એમાંથી કોઈ એક પસંદ કરો, જેને તમે જીવનમાં લાગુ કરવા માંગો છો.
આ લેખ સાથે આપેલી વર્કશીટથી તમને મદદ મળી શકે છે.
નીચે આપેલા લોકોમાંથી તમે કોઈને રોલ મૉડલ તરીકે પસંદ કરી શકો છો:
તમારી ઉંમરના દોસ્તોને. “હું મારી બેસ્ટ ફ્રેન્ડ જેવી બનવા માંગું છું. બીજાઓને મદદ કરવા હંમેશાં તેની પાસે સમય હોય છે. તે મારાથી નાની છે, પણ તેનામાં એવા સુંદર ગુણો છે જે મારામાં નથી. એટલે હું તેના જેવી બનવા માંગું છું.”—મિરિયમ.
મોટી ઉંમરના લોકોને. એમાં તમારાં મમ્મી-પપ્પા કે મંડળનાં ભાઈ-બહેનો હોઈ શકે. “હું મારાં મમ્મી-પપ્પા જેવી જ બનવા માંગું છું. તેઓમાં ઘણા બધા સારા ગુણો છે. જોકે તેઓમાં ખામીઓ પણ છે, છતાં તેઓ વફાદારીથી ઈશ્વરની ભક્તિ કરે છે. મને આશા છે કે જ્યારે મારી ઉંમર તેઓ જેટલી થઈ જશે, ત્યારે લોકો મારા વિશે પણ એવું જ કહેશે.”—એનેટ.
બાઇબલમાં જણાવેલા લોકોને. “મેં બાઇબલનાં ઘણાં પાત્રોને રોલ મૉડલ તરીકે પસંદ કર્યાં છે. જેમ કે, તિમોથી, રૂથ, અયૂબ, પિતર અને નાની ઇઝરાયેલી છોકરી. દરેકને પસંદ કરવાનું એક ખાસ કારણ છે. આ પાત્રો વિશે હું જેટલું વધારે જાણું છું, એટલું વધારે તેઓ મારા માટે જીવંત બની જાય છે. તેઓની શ્રદ્ધાને પગલે ચાલો પુસ્તકમાં, તેઓ વિશે વાંચવાની મને બહુ મજા આવે છે. ઉપરાંત, પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છે, (અંગ્રેજી) ગ્રંથ ૧ અને ૨માં ‘રોલ મૉડલ ઇન્ડેક્સ’ આપેલી છે. એમાં આપેલાં ઉદાહરણો વાંચીને મને ઘણું સારું લાગે છે.”—મેલિંડા.
અજમાવી જુઓ: તમે કોઈ એક જ વ્યક્તિ જેવા બનવાનું પસંદ ના કરશો. પ્રેરિત પાઉલે બીજા ઈશ્વરભક્તોને કહ્યું: “અમે તમારા માટે જે દાખલો બેસાડ્યો છે, એ પ્રમાણે ચાલનાર લોકો પર તમે ધ્યાન આપો.”—ફિલિપીઓ ૩:૧૭.
શું તમે જાણો છો? તમે પણ કોઈના માટે દાખલો બેસાડી શકો છો. બાઇબલમાં લખ્યું છે: “તું બોલવામાં, વર્તનમાં, પ્રેમમાં, શ્રદ્ધામાં અને શુદ્ધ ચારિત્રમાં વફાદાર લોકો માટે સારો દાખલો બેસાડજે.”—૧ તિમોથી ૪:૧૨.
“તમે કદાચ સારા ગુણો વિકસાવવાનો પ્રયત્ન કરતા હશો, જોકે એવા સમયે પણ તમે બીજા લોકોને મદદ કરી શકો છો. ભલે તમને ખ્યાલ ન હોય પણ બીજાઓ તમને જોતા હોય છે. તમે જે કહો છો, એનાથી તેઓનું જીવન બદલાઈ શકે છે.”—કિયાના.