-
એઝરાએ નિયમશાસ્ત્રમાંથી શીખવ્યુંચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
-
-
પાઠ ૬૬
એઝરાએ નિયમશાસ્ત્રમાંથી શીખવ્યું
ઘણા ઇઝરાયેલીઓ યરૂશાલેમ પાછા આવ્યા, એ વાતને આશરે ૭૦ વર્ષ વીતી ગયા હતા. જોકે, હજી પણ કેટલાક ઇઝરાયેલીઓ ઈરાનના અલગ અલગ વિસ્તારમાં રહેતા હતા. એમાંના એક હતા એઝરા. એઝરા યાજક હતા અને લોકોને યહોવાના નિયમો શીખવતા હતા. તેમણે સાંભળ્યું કે યરૂશાલેમમાં લોકો ઈશ્વરના નિયમો પ્રમાણે જીવતા નથી. એટલે તે ત્યાં જઈને લોકોને મદદ કરવા માંગતા હતા. ઈરાનના રાજા આર્તાહશાસ્તાએ તેમને કહ્યું: ‘ઈશ્વરે તને બુદ્ધિ આપી છે, જેથી તું ઈશ્વરના નિયમો શીખવી શકે. તું યરૂશાલેમ જા અને તારી સાથે જે આવવા ચાહતા હોય તેઓને લઈ જા.’ જેઓ યરૂશાલેમ આવવા માંગતા હતા, એ બધાને એઝરા મળ્યા. તેઓએ ભેગા મળીને યહોવાને પ્રાર્થના કરી કે રસ્તામાં આવતા જોખમોથી બચાવે. પછી તેઓ લાંબી મુસાફરી માટે નીકળી પડ્યા.
ચાર મહિના પછી તેઓ યરૂશાલેમ પહોંચ્યા ત્યારે, ત્યાંના આગેવાનોએ એઝરાને જણાવ્યું: ‘ઇઝરાયેલીઓએ યહોવાની આજ્ઞા પાળી નથી. તેઓએ એવી સ્ત્રીઓ સાથે લગ્ન કરી લીધા છે, જેઓ જૂઠા દેવોની ભક્તિ કરે છે.’ એ સાંભળીને એઝરાએ શું કર્યું? તેમણે લોકોના દેખતા ઘૂંટણિયે પડીને યહોવાને પ્રાર્થના કરી: ‘હે યહોવા, તમે અમારા માટે કેટલું બધું કર્યું છે. તોપણ અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું.’ લોકોએ પસ્તાવો તો કર્યો હતો, પણ હજુય તેઓને યહોવાની આજ્ઞા પ્રમાણે કરવા મદદની જરૂર હતી. એટલે એઝરાએ મુખીઓ અને ન્યાયાધીશો પસંદ કર્યા, જેથી તેઓ એ વિશે પગલાં ભરે. એ પછીના ત્રણ મહિના દરમિયાન, યહોવાની ભક્તિ ન કરતા લોકોને પોતપોતાના દેશ પાછા મોકલી દીધા.
બાર વર્ષ વીતી ગયાં હતાં. એ દરમિયાન યરૂશાલેમની દીવાલો બાંધવાનું કામ પૂરું થઈ ગયું હતું. ઈશ્વરના નિયમો વાંચી સંભળાવવા એઝરાએ લોકોને ચોકમાં ભેગા કર્યા. જ્યારે એઝરાએ નિયમશાસ્ત્ર ખોલ્યું, ત્યારે લોકો ઊભા થઈ ગયા. એઝરાએ યહોવાની સ્તુતિ કરી અને લોકોએ હાથ ઊંચા કરીને બતાવ્યું કે તેઓ એઝરાની વાતથી સહમત છે. પછી એઝરાએ ઈશ્વરના નિયમો વાંચીને સમજાવ્યા અને લોકોએ ધ્યાનથી સાંભળ્યું. લોકોએ કબૂલ કર્યું કે તેઓ ફરી એક વાર યહોવાથી દૂર જતા રહ્યા હતા. તેઓને એનું એટલું દુઃખ થયું કે તેઓ રડવા લાગ્યા. બીજા દિવસે પણ એઝરાએ તેઓને નિયમશાસ્ત્રમાંથી વાંચી સંભળાવ્યું. તેઓને ખબર પડી કે જલદી જ માંડવાનો તહેવાર ઊજવવાનો છે, એટલે તરત એની તૈયારીઓ કરવા લાગ્યા.
એ તહેવાર સાત દિવસનો હતો. લોકોએ એમાં ખૂબ આનંદ કર્યો અને સારા પાક માટે યહોવાનો આભાર માન્યો. યહોશુઆના દિવસો પછી ક્યારેય માંડવાનો તહેવાર આ રીતે ઊજવવામાં આવ્યો ન હતો. તહેવાર પછી લોકોએ ભેગા થઈને યહોવાને પ્રાર્થના કરી: ‘હે યહોવા, તમે અમને ગુલામીમાંથી છોડાવ્યા, વેરાન વિસ્તારમાં અમને ખાવા-પીવાનું પૂરું પાડ્યું અને સુંદર દેશ આપ્યો. અમે વારંવાર તમારી આજ્ઞાઓ તોડી, તોપણ અમને ચેતવણી આપવા તમે પ્રબોધકો મોકલ્યા. અમે તેઓની વાત પણ ન માની, તોય તમે અમારી સાથે ધીરજ રાખી. તમે ઇબ્રાહિમને આપેલું વચન પૂરું કર્યું છે. અમે પણ વચન આપીએ છીએ કે અમે તમારી આજ્ઞાઓ પાળીશું.’ તેઓએ પોતાનું વચન લખી લીધું અને આગેવાનો, લેવીઓ અને યાજકોએ એના પર મહોર લગાવી.
‘જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાળે છે, તેઓ સુખી છે!’—લૂક ૧૧:૨૮
-
-
યરૂશાલેમની દીવાલોચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
-
-
પાઠ ૬૭
યરૂશાલેમની દીવાલો
ચાલો, થોડા વર્ષો પહેલાં થયેલા અમુક બનાવોનો વિચાર કરીએ. નહેમ્યા નામના એક ઇઝરાયેલી ઈરાનના શુશાન શહેરમાં રહેતા હતા. તે રાજા આર્તાહશાસ્તાના સેવક હતા. એક દિવસે તેમના ભાઈએ યરૂશાલેમથી આવીને આ ખરાબ સમાચાર આપ્યા: ‘જે લોકો યરૂશાલેમ પાછા ગયા હતા, તેઓ સલામત નથી. બાબેલોનના લોકોએ તોડી નાખેલી શહેરની દીવાલો અને દરવાજા હજુ સુધી બંધાયા નથી, એવાને એવા જ પડ્યા છે.’ એ સાંભળીને નહેમ્યા ઉદાસ થઈ ગયા. તે યરૂશાલેમ જઈને લોકોની મદદ કરવા માંગતા હતા. એટલે તેમણે પ્રાર્થના કરી કે ઈશ્વર એવું કંઈક કરે કે રાજા તેમને જવા દે.
રાજાએ જોયું કે નહેમ્યા ખૂબ ઉદાસ છે. એટલે રાજાએ પૂછ્યું: ‘મેં તને આટલો ઉદાસ ક્યારેય નથી જોયો. શું થયું?’ નહેમ્યાએ કહ્યું: ‘મારું શહેર યરૂશાલેમ હજી પણ તૂટેલી હાલતમાં છે, એટલે હું ઉદાસ છું.’ રાજાએ તેમને પૂછ્યું: ‘હું તારા માટે શું કરી શકું?’ નહેમ્યાએ તરત પ્રાર્થના કરી અને પછી રાજાને અરજ કરી: ‘મને યરૂશાલેમ જવા દો, જેથી હું ત્યાંની તૂટેલી દીવાલો બાંધી શકું.’ રાજા આર્તાહશાસ્તાએ નહેમ્યાને કહ્યું કે તે જઈ શકે છે. તે સલામત રીતે લાંબી મુસાફરી કરી શકે, એ માટે રાજાએ બધી ગોઠવણ કરી. તેમણે નહેમ્યાને યહૂદાના રાજ્યપાલ પણ બનાવ્યા અને શહેરના દરવાજા બનાવવા લાકડાં આપ્યા.
જ્યારે નહેમ્યા યરૂશાલેમ પહોંચ્યા, ત્યારે તેમણે દીવાલોની તપાસ કરી. પછી તેમણે યાજકો અને અધિકારીઓને ભેગા કર્યા અને કહ્યું: ‘હાલત ખૂબ ખરાબ છે. આપણે તરત કામ શરૂ કરવું પડશે.’ લોકો પણ તૈયાર થઈ ગયા અને તેઓએ દીવાલો બાંધવાનું શરૂ કરી દીધું.
પણ ઇઝરાયેલીઓના અમુક દુશ્મનોએ તેઓની મજાક ઉડાવતા કહ્યું: ‘તમારી દીવાલો એટલી નબળી છે કે એના પર એક શિયાળ ચઢશે, તોપણ એ પડી જશે.’ દીવાલ બાંધતા લોકોએ તેઓની વાતો પર કોઈ ધ્યાન આપ્યું નહિ અને પોતાનું કામ ચાલુ રાખ્યું. ધીરે ધીરે દીવાલ ઊંચી અને મજબૂત બનતી ગઈ.
હવે દુશ્મનોએ નક્કી કર્યું કે તેઓ અલગ અલગ દિશામાંથી આવશે અને અચાનક યરૂશાલેમ પર હુમલો કરી દેશે. યહૂદીઓ એ વાત સાંભળીને ડરી ગયા. પણ નહેમ્યાએ તેઓને કહ્યું: ‘ડરશો નહિ! યહોવા આપણી સાથે છે.’ તેમણે દીવાલ બાંધતા લોકોનું રક્ષણ કરવા ચોકીદારો રાખ્યા. એટલે દુશ્મનો હુમલો કરી શક્યા નહિ.
ફક્ત બાવન દિવસમાં દીવાલો અને દરવાજા બનીને તૈયાર થઈ ગયા. એના ઉદ્ઘાટન માટે નહેમ્યા બધા લેવીઓને યરૂશાલેમ લઈ આવ્યા. તેમણે તેઓને ગાયકોની બે ટોળીમાં વહેંચ્યા. તેઓ ફુવારા નામના દરવાજા પાસે આવેલા દાદરાથી દીવાલ પર ચઢ્યા, ત્યાંથી એક ટોળી એક બાજુ ગઈ અને બીજી ટોળી એની વિરુદ્ધ દિશામાં ગઈ. એક ટોળી સાથે એઝરા હતા અને બીજી ટોળી સાથે નહેમ્યા હતા. તેઓ દીવાલ પર ચાલતાં ચાલતાં રણશિંગડું, ઝાંઝ અને વીણા વગાડતાં વગાડતાં યહોવા માટે ગીતો ગાતા હતા. પછી બંને ટોળી મંદિરે મળી. એ પછી બધાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકોએ યહોવા માટે બલિદાનો ચઢાવ્યાં અને ખુશી મનાવી. તેઓએ એટલો આનંદ કર્યો કે તેઓનો અવાજ દૂર દૂર સુધી સંભળાતો હતો.
“તારી વિરુદ્ધ ઘડેલું એક પણ હથિયાર સફળ થશે નહિ.”—યશાયા ૫૪:૧૭
-