તમે કઈ રીતે મરણના ડર પર જીત મેળવી શકો?
શાસ્ત્રમાંથી જવાબ
આપણને બધાને મરણનો ડર લાગે છે અને એને આપણો દુશ્મન ગણીએ છીએ. (૧ કોરીંથીઓ ૧૫:૨૬) એટલે જ પોતાની કાળજી રાખીએ છીએ, જેથી કોઈ પણ રીતે આપણું જીવન જોખમમાં ન આવી જાય. પણ આજે લોકો અંધશ્રદ્ધા અને જૂઠાણાંને લીધે મરણથી ડરી ડરીને જીવે છે અને જાણે “આખી જિંદગી ગુલામીમાં” વિતાવે છે. (હિબ્રૂઓ ૨:૧૫) એ ડરને લીધે તેઓ ખુશ પણ રહી શકતા નથી. પણ શું તમે સાચી હકીકત જાણો છો? એક વખત એ જાણી લીધા પછી, તમે મરણના ડરથી આઝાદ થઈ જશો!—યોહાન ૮:૩૨.
મરણ વિશે સાચી હકીકત
ગુજરી ગયેલા લોકો કંઈ જાણતા કે સમજતા નથી. (ગીતશાસ્ત્ર ૧૪૬:૪) તમારે એ વિચારીને ડરવાની જરૂર નથી કે મરણ પછી તમને રિબાવવામાં આવશે, કેમ કે બાઇબલમાં મરણને ઊંઘ સાથે સરખાવવામાં આવ્યું છે.—ગીતશાસ્ત્ર ૧૩:૩; યોહાન ૧૧:૧૧-૧૪.
ગુજરી ગયેલા લોકો આપણને નુકસાન પહોંચાડી શકતા નથી. અરે, ખૂંખાર દુશ્મનો પણ મરી જાય પછી કંઈ કરી શકતા નથી, સાવ “લાચાર” બની જાય છે. (યશાયા ૨૬:૧૪) બાઇબલમાં જણાવ્યું છે કે “તેઓની નફરત અને તેઓની ઈર્ષાનો અંત આવ્યો છે.”—સભાશિક્ષક ૯:૬.
મરણનો અર્થ એ નથી કે આપણું અસ્તિત્વ કાયમ માટે ભૂંસાઈ જાય છે. જે લોકો ગુજરી ગયા છે, તેઓને ઈશ્વર પાછા ઉઠાડશે!—યોહાન ૫:૨૮, ૨૯; પ્રેરિતોનાં કાર્યો ૨૪:૧૫.
ઈશ્વરે એક એવા ભાવિનું વચન આપ્યું છે, જેમાં ‘મરણ હશે જ નહિ.’ (પ્રકટીકરણ ૨૧:૪) બાઇબલમાં જણાવ્યું છે કે એ સમયે “સચ્ચાઈથી ચાલનારા ધરતીના વારસ થશે અને એમાં તેઓ સદા જીવશે.” તેઓને જરાય મરણનો ડર નહિ સતાવે.—ગીતશાસ્ત્ર ૩૭:૨૯.