-
ઈસુને ખ્રિસ્ત તરીકે પસંદ કરવામાં આવ્યાચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
-
-
પાઠ ૭૪
ઈસુને ખ્રિસ્ત તરીકે પસંદ કરવામાં આવ્યા
યોહાન પ્રચાર કરતા હતા કે ‘મારા કરતાં પણ મહાન કોઈ આવવાનું છે.’ ઈસુ આશરે ૩૦ વર્ષના હતા ત્યારે, ગાલીલથી યર્દન નદી પાસે ગયા. યોહાન ત્યાં લોકોને બાપ્તિસ્મા આપતા હતા. ઈસુ ચાહતા હતા કે યોહાન તેમને પણ બાપ્તિસ્મા આપે. પણ યોહાને તેમને કહ્યું: ‘હું કઈ રીતે તમને બાપ્તિસ્મા આપી શકું? મારે તો તમારી પાસેથી બાપ્તિસ્મા લેવું જોઈએ.’ ઈસુએ કહ્યું: ‘યહોવા ચાહે છે કે તું મને બાપ્તિસ્મા આપે.’ એટલે તેઓ યર્દન નદીમાં ગયા અને યોહાને ઈસુને પાણીમાં પૂરેપૂરા ડુબાડીને બાપ્તિસ્મા આપ્યું.
ઈસુએ પાણીમાંથી બહાર આવીને પ્રાર્થના કરી. એ જ સમયે આકાશ ખૂલી ગયું અને ઈશ્વરની શક્તિ કબૂતરના રૂપમાં તેમના પર આવી. પછી યહોવાએ સ્વર્ગમાંથી કહ્યું: “તું મારો વહાલો દીકરો છે. મેં તને પસંદ કર્યો છે.”
યહોવાની પવિત્ર શક્તિ ઈસુ પર ઊતરી ત્યારે, તે મસીહ એટલે કે ખ્રિસ્ત બન્યા. પછી યહોવાએ તેમને જે કામ માટે ધરતી પર મોકલ્યા હતા, એ તેમણે શરૂ કરી દીધું.
બાપ્તિસ્મા પછી ઈસુ તરત વેરાન પ્રદેશમાં ગયા અને ૪૦ દિવસ ત્યાં જ રહ્યા. ત્યાંથી આવીને તે યોહાનને મળવા ગયા. ઈસુ યોહાન પાસે જઈ રહ્યા હતા ત્યારે, યોહાને કહ્યું: ‘આ ઈશ્વરનું ઘેટું છે, જે દુનિયાનું પાપ દૂર કરશે.’ એમ કહીને તે લોકોને જણાવી રહ્યા હતા કે ઈસુ જ ખ્રિસ્ત છે. પણ શું તમને ખબર છે કે ઈસુ વેરાન વિસ્તારમાં હતા ત્યારે, તેમની સાથે શું થયું? ચાલો જોઈએ.
“આકાશમાંથી ઈશ્વરનો અવાજ સંભળાયો: ‘તું મારો વહાલો દીકરો છે. મેં તને પસંદ કર્યો છે.’”—માર્ક ૧:૧૧
-
-
શેતાને ઈસુની કસોટી કરીચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
-
-
પાઠ ૭૫
શેતાને ઈસુની કસોટી કરી
ઈસુએ બાપ્તિસ્મા લીધું એ પછી, પવિત્ર શક્તિ તેમને વેરાન વિસ્તારમાં દોરી ગઈ. ઈસુએ ૪૦ દિવસ સુધી કંઈ ખાધું ન હતું. તેમને બહુ ભૂખ લાગી હતી. એટલે શેતાને તેમને લાલચ આપવાની કોશિશ કરી. શેતાને પહેલી લાલચ આપતા ઈસુને કહ્યું: ‘જો તું સાચે જ ઈશ્વરનો દીકરો હોય, તો આ પથ્થરને કહે કે એ રોટલી બની જાય.’ પણ ઈસુએ શાસ્ત્રમાંથી જવાબ આપ્યો: ‘લખ્યું છે કે માણસ ફક્ત ખોરાકથી જીવતો નથી. જીવતા રહેવા જરૂરી છે કે તે યહોવાની દરેક વાત માને.’
બીજી લાલચ આપતા શેતાને ઈસુને કહ્યું: ‘જો તું સાચે જ ઈશ્વરનો દીકરો હોય, તો મંદિરની ટોચ પરથી કૂદી જા. કેમ કે એમ લખેલું છે કે ઈશ્વર પોતાના દૂતોને મોકલીને તને ઝીલી લેશે.’ ઈસુએ ફરી એક વાર શાસ્ત્રમાંથી જણાવ્યું: ‘લખેલું છે કે તું તારા ઈશ્વર યહોવાની કસોટી ન કર.’
શેતાને ત્રીજી લાલચ આપતા ઈસુને દુનિયાનાં બધાં રાજ્યો અને એની જાહોજલાલી બતાવ્યાં અને કહ્યું: ‘જો તું ફક્ત એક વાર મારી ભક્તિ કરીશ, તો હું આ બધાં રાજ્યો અને એની જાહોજલાલી તને આપી દઈશ.’ ઈસુએ તેને કહ્યું: ‘અહીંથી ચાલ્યો જા શેતાન! એમ લખેલું છે કે ફક્ત ઈશ્વર યહોવાની ભક્તિ કરવી જોઈએ.’
એ સાંભળીને શેતાન ત્યાંથી જતો રહ્યો અને દૂતોએ આવીને ઈસુને ખાવાનું આપ્યું. પછી ઈસુ લોકોને ઈશ્વરના રાજ્યની ખુશખબર જણાવવા લાગ્યા. ઈસુ ધરતી પર એ જ કામ માટે આવ્યા હતા. ઈસુ જે શીખવતા, એ લોકોને ખૂબ ગમતું. તે જ્યાં પણ જતા લોકો તેમની પાછળ પાછળ જતા.
“તે [શેતાન] પોતાના સ્વભાવ પ્રમાણે જૂઠું બોલે છે, કારણ કે તે જૂઠો અને જૂઠાનો બાપ છે.”—યોહાન ૮:૪૪
-