વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwbr26 માર્ચ પાન ૧-૧૪
  • “જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા” માટે સંદર્ભો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા” માટે સંદર્ભો
  • જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો—૨૦૨૬
  • મથાળાં
  • માર્ચ ૨-૮
  • માર્ચ ૯-૧૫
  • વીડિયો: બાબેલોનના વિનાશની ભવિષ્યવાણી (૦:૫૮)
  • માર્ચ ૧૬-૨૨
  • માર્ચ ૨૩-૨૯
  • એપ્રિલ ૬-૧૨
  • એપ્રિલ ૧૩-૧૯
  • એપ્રિલ ૨૦-૨૬
  • સત્ય ખરીદવા માટે તમે શું જતું કર્યું છે?
  • એપ્રિલ ૨૭–મે ૩
જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો—૨૦૨૬
mwbr26 માર્ચ પાન ૧-૧૪

જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો

© 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania

માર્ચ ૨-૮

બાઇબલમાં રહેલો ખજાનો યશાયા ૪૧-૪૨

“તું ગભરાઈશ નહિ”

ip-૨ ૨૦ ¶૧૦

શાંતિ આપનાર ભવિષ્યવાણીનાં વચનો તમારા માટે પણ છે

૧૦ આશરે ૨૦૦ વર્ષ પછી દુનિયાની હાલત કેવી હશે, એ વિશે યહોવાએ અહીં વિગતવાર જણાવ્યું છે. કોરેશની શક્તિશાળી સેના ઝડપથી આગળ વધશે અને બધા દુશ્મનો પર જીત મેળવશે. બધા લોકો, તેના આવવાની ખબર સાંભળીને થરથર કાંપશે. અરે, દૂર દૂર ટાપુઓ પર રહેનારા લોકોની હાલત પણ એવી જ થશે. યહોવા એ લોકોને શિક્ષા કરવા પૂર્વથી કોરેશને ઊભો કરશે. તેના ડરના લીધે એ બધા જ લોકો એક થઈ જશે, જેથી ભેગા મળીને કોરેશનો સામનો કરી શકે. “હિંમત રાખ,” એમ કહીને તેઓ એકબીજાને ઉત્તેજન આપવાનો પ્રયત્ન કરશે.

w૨૫.૦૫ ૧૨-૧૩ ¶૧૩-૧૬

દિલાસો મેળવવા યહોવા પાસે જાઓ

૧૩ યહોવાએ બાબેલોનમાં રહેતા યહૂદીઓને છુટકારાની જોરદાર આશા આપી હતી. એ આશાથી યહૂદીઓને દિલાસો મળ્યો હશે. પણ યહોવા જાણતા હતા કે છુટકારાનો સમય નજીક આવશે ત્યારે તેઓનું જીવન અઘરું થઈ જશે. યહોવાએ ભાખ્યું હતું કે એક શક્તિશાળી રાજા હુમલો કરશે અને બાબેલોનની આસપાસનાં રાષ્ટ્રો પર કબજો મેળવી લેશે. પછી તે બાબેલોન પર પણ હુમલો કરશે. (યશા. ૪૧:૨-૫) શું એના લીધે યહૂદીઓએ ડરી જવાની જરૂર હતી? ના. યહોવાએ પહેલેથી પોતાના લોકોને દિલાસો આપતા કહ્યું હતું: “તું ગભરાઈશ નહિ, હું તારી સાથે છું. તું ચિંતામાં ડૂબી જઈશ નહિ, હું તારો ઈશ્વર છું.” (યશાયા ૪૧:૧૦-૧૩ વાંચો.) “હું તારો ઈશ્વર છું,” એ શબ્દોથી યહોવા શું કહેવા માંગતા હતા? શું તે યહૂદીઓને યાદ અપાવી રહ્યા હતા કે તેઓએ તેમની ભક્તિ કરવી જોઈએ? ના. એ વાત તો યહૂદીઓ પહેલેથી જાણતા હતા. યહોવા તો તેઓને યાદ અપાવી રહ્યા હતા કે તે હજી તેઓના પક્ષે છે.—ગીત. ૧૧૮:૬.

૧૪ પોતાના લોકોનો ડર દૂર કરવા યહોવાએ બીજું શું કર્યું? તેમણે તેઓને યાદ અપાવ્યું કે તેમની શક્તિ અને બુદ્ધિનો કોઈ પાર નથી. તેમણે યહૂદીઓને જણાવ્યું કે તેઓ તારાઓથી ભરેલું આકાશ જુએ. તેમણે જણાવ્યું કે એ બધા તારા તેમણે પોતે બનાવ્યા છે. તે દરેક તારાનું નામ પણ જાણે છે. (યશા. ૪૦:૨૫-૨૮) જો યહોવા દરેક તારાનું નામ જાણતા હોય, તો શું તે પોતાના દરેક સેવકનું નામ જાણતા નહિ હોય? જો યહોવા પાસે આટલા બધા તારા બનાવવાની શક્તિ હોય, તો શું તેમની પાસે પોતાના સેવકોને મદદ કરવાની શક્તિ નહિ હોય? એમાં શંકાને જરાય સ્થાન નથી. સાચે, બાબેલોનની ગુલામીમાં ગયેલા યહૂદીઓ પાસે ચિંતા કરવાનું કે ડરવાનું કોઈ કારણ ન હતું.

૧૫ યહોવાએ પોતાના લોકોને પહેલેથી તૈયાર પણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે છુટકારાનો સમય આવે ત્યારે તેઓએ શું કરવાનું હતું. યશાયાના પુસ્તકના શરૂઆતના ભાગમાં જોવા મળે છે કે યહોવાએ પોતાના લોકોને કહ્યું હતું: “તમારા અંદરના ઓરડાઓમાં જાઓ અને બારણાં બંધ કરી દો. કોપ પૂરો થાય ત્યાં સુધી થોડી વાર સંતાઈ રહો.” (યશા. ૨૬:૨૦) એવું લાગે છે કે જ્યારે કોરેશ રાજાએ બાબેલોન પર હુમલો કર્યો હતો, ત્યારે કદાચ યહૂદીઓએ એ સલાહ પાળી હતી. જૂના જમાનાના એક ગ્રીક ઇતિહાસકારના કહેવા પ્રમાણે જ્યારે કોરેશ બાબેલોન પર ચઢી આવ્યો ત્યારે તેણે ‘પોતાના સૈનિકોને હુકમ કર્યો હતો કે જેઓ ઘરની બહાર દેખાય તેઓની કતલ કરી નાખે.’ જરા વિચારો, એ સાંભળીને બાબેલોનના રહેવાસીઓને કેટલો ડર લાગ્યો હશે! તેઓના હાંજા ગગડી ગયા હશે. પણ યહોવાની સલાહ પાળવાને લીધે બાબેલોનમાં રહેતા યહૂદીઓ બચી ગયા હશે.

૧૬ આપણને શું શીખવા મળે છે? બહુ જલદી જ મોટી વિપત્તિ શરૂ થઈ જશે. એ માનવ ઇતિહાસનો સૌથી અઘરો સમય હશે. એ શરૂ થશે ત્યારે લોકોમાં અફરાતફરી મચી જશે. પણ યહોવાના લોકો વિશે શું? આપણે જાણીએ છીએ કે યહોવા આપણા ઈશ્વર છે. આપણે માથું ઊંચું કરીને સીધા ઊભા રહીશું, કારણ કે આપણે જાણીએ છીએ કે ‘આપણો ઉદ્ધાર નજીક આવ્યો છે.’ (લૂક ૨૧:૨૮) જ્યારે રાષ્ટ્રોનો સમૂહ આપણા પર હુમલો કરશે, ત્યારે પણ આપણે ડરીશું નહિ અને યહોવા પર ભરોસો રાખતા રહીશું. યહોવા પોતાના દૂતો દ્વારા આપણું રક્ષણ કરશે અને જીવન બચે એવું માર્ગદર્શન આપશે. એ માર્ગદર્શન કઈ રીતે આપવામાં આવશે? એનો જવાબ જાણવા આપણે રાહ જોવી પડશે. પણ એ માર્ગદર્શન કદાચ મંડળો દ્વારા આપવામાં આવશે. એ મંડળો આપણા માટે ‘અંદરના ઓરડા’ જેવાં હશે, જ્યાં આપણને સલામતી મળશે. ભાવિમાં જે બનવાનું છે એ માટે કઈ રીતે પોતાને તૈયાર કરી શકીએ? ભાઈ-બહેનો સાથેનો સંબંધ ગાઢ કરીએ, યહોવાના સંગઠન તરફથી મળતું માર્ગદર્શન રાજીખુશીથી પાળીએ અને પૂરો ભરોસો રાખીએ કે યહોવા જ એ સંગઠનને ચલાવી રહ્યા છે.—હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫; ૧૩:૧૭.

w૧૬.૦૭ ૧૮ ¶૪-૫

“તું બીશ મા, હું તને સહાય કરીશ”

યહોવાના એ શબ્દોથી આપણને ઘણી રાહત મળે છે. યહોવા આપણને ખરેખર કયું વચન આપી રહ્યા છે એનો વિચાર કરો. એ કલમ એવું નથી કહેતી કે તમે યહોવાનો હાથ પકડીને તેમની સાથે સાથે ચાલી રહ્યા છો. જો તમે તેમની સાથે સાથે ચાલી રહ્યા હો, તો યહોવાનો જમણો હાથ તમારા ડાબા હાથમાં હોય. પરંતુ, યહોવા તો પોતાનો ‘ન્યાયનો જમણો હાથ’ તમારા તરફ લંબાવીને ‘તમારો જમણો હાથ’ પકડે છે. એ તો જાણે દુઃખોની ખીણમાંથી તમને બહાર ખેંચતા હોય એના જેવું છે. યહોવા તમારો જમણો હાથ પકડીને આ શબ્દો દ્વારા તમને હિંમત આપે છે: “તું બીશ મા, હું તને સહાય કરીશ.”

શું તમે યહોવાને પ્રેમાળ પિતા અને મિત્ર તરીકે જુઓ છો? શું તમને ભરોસો છે કે મુશ્કેલ સંજોગોમાં તે તમારી પડખે ઊભા રહેશે? યહોવા ખરેખર તમારી સંભાળ રાખે છે અને તમને સહાય કરવા ઇચ્છે છે. યહોવા ચાહે છે કે, અઘરા અને મુશ્કેલ સંજોગોમાં પણ તમે પોતાને સલામત મહેસૂસ કરો. શા માટે? કારણ કે, તે તમને ખૂબ જ પ્રેમ કરે છે. સાચે જ, “સંકટને સમયે તે હાજરાહજૂર મદદગાર છે.”—ગીત. ૪૬:૧.

કીમતી રત્નો

w૦૧ ૧૦/૧ ૨૦ ¶૩

વફાદાર બનવાનો અર્થ શું થાય છે?

યહોવાહે પોતાના મિત્ર ઈબ્રાહીમને કહ્યું: “હું તારી ઢાલ છું.” (ઉત્પત્તિ ૧૫:૧; યશાયાહ ૪૧:૮) તે એ શબ્દો બોલવા ખાતર જ બોલ્યા ન હતા. યહોવાહે ઈબ્રાહીમ અને તેમના કુટુંબનું ફારૂન અને અબીમેલેખથી રક્ષણ કર્યું તેમ જ તેઓને છોડાવ્યા. તેમણે ચાર રાજાઓના મોટા લશ્કરથી લોટને છોડાવવા માટે ઈબ્રાહીમને મદદ કરી. યહોવાહે ૧૦૦ વર્ષના ઈબ્રાહીમને અને ૯૦ વર્ષની સારાહને પ્રજનન શક્તિ પાછી આપી જેથી તેઓ દ્વારા વચનનું સંતાન આવી શકે. યહોવાહે ઈબ્રાહીમ સાથે સંદર્શનો, સ્વપ્નો અને દૂતો દ્વારા સંદેશાઓ મોકલીને નિયમિત રીતે વાતચીત કરી. હકીકતમાં, ઈબ્રાહીમ જીવતા હતા ત્યારે અને તેમના મૃત્યુ પછી પણ લાંબા સમય સુધી યહોવાહે તેમના પ્રત્યે વફાદારી બતાવી હતી. ઈબ્રાહીમના સંતાનો, ઈસ્રાએલી પ્રજા યહોવાહને અનાજ્ઞાધીન બની ગઈ હોવા છતાં, સદીઓ સુધી તેમણે ઈબ્રાહીમને આપેલાં વચનો પાળ્યાં. ઈબ્રાહીમ સાથે યહોવાહનો સંબંધ સાચી વફાદારીનો એક પુરાવો હતો, જેમાં ઈબ્રાહીમ પ્રત્યેના પ્રેમને કારણે તેમણે કૃત્યો કર્યાં.—ઉત્પત્તિ ૧૨થી ૨૫ અધ્યાય.

માર્ચ ૯-૧૫

બાઇબલમાં રહેલો ખજાનો યશાયા ૪૩-૪૪

એક એવી ભવિષ્યવાણી પૂરી થઈ, જે ૨૦૦ વર્ષ પહેલાં લખાઈ હતી

lff પાઠ ૩ મુદ્દો ૫

શું બાઇબલની વાતો પર ભરોસો મૂકી શકીએ?

૫. મહત્ત્વના બનાવો વિશે બાઇબલમાં પહેલેથી જણાવ્યું હતું

યશાયા ૪૪:૨૭–૪૫:૨ વાંચો અને વીડિયો જુઓ. પછી આ સવાલની ચર્ચા કરો.

• દુશ્મનોએ બાબેલોન શહેર જીતી લીધું એના ૨૦૦ વર્ષ પહેલાં બાઇબલમાં શું જણાવ્યું હતું?

વીડિયો: બાબેલોનના વિનાશની ભવિષ્યવાણી (૦:૫૮)

ઇતિહાસ પુરાવો આપે છે કે ઈસવીસન પૂર્વે ૫૩૯માં ઈરાનના રાજા કોરેશે અને તેની સેનાએ બાબેલોન જીતી લીધું હતું. એક નદીને લીધે બાબેલોનનું રક્ષણ થતું હતું. કોરેશની સેનાએ એ નદીના પાણીને વાળી દીધું. શહેરના દરવાજા પણ ખુલ્લા હતા. આમ કોરેશની સેનાએ લડ્યા વગર એ શહેર જીતી લીધું. એ વાતને આશરે ૨,૫૦૦ વર્ષ વીતી ચૂક્યાં છે અને બાબેલોન હજુય ખંડેર હાલતમાં છે. એ વાત પણ બાઇબલમાં પહેલેથી લખી હતી. ચાલો એ વાંચીએ.

યશાયા ૧૩:૧૯, ૨૦ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:

• આજે બાબેલોન કેવી હાલતમાં છે? એનાથી કઈ રીતે સાબિત થાય છે કે બાઇબલની ભવિષ્યવાણી પૂરી થઈ?

it “કોરેશ” ¶૭

કોરેશ

બાબેલોન પર જીત. કોરેશ બાબેલોન પર હુમલો કરવા માટે તૈયાર હતો. ત્યારથી લઈને તેણે બાઇબલની ભવિષ્યવાણી પૂરી કરવામાં ખાસ ભૂમિકા ભજવી. યશાયાએ ભવિષ્યવાણી કરી હતી કે યહોવા કોરેશને પસંદ કરશે, જેથી તે બાબેલોનને હરાવે અને યહૂદીઓને ગુલામીમાંથી છોડાવે. (યશા ૪૪:૨૬–૪૫:૭) આ ભવિષ્યવાણી લખાઈ એના ૧૫૦ કરતાં વધારે વર્ષ પછી કોરેશ રાજા બન્યો. અરે, યહૂદીઓને ગુલામીમાં લઈ જવામાં આવ્યા ત્યારે તો હજુ કોરેશ જન્મ્યો પણ ન હતો. તોપણ યહોવાએ પહેલેથી કહ્યું હતું કે કોરેશ મારો પસંદ કરેલો “ઘેટાંપાળક” હશે, જે મારા લોકોને છોડાવશે. (યશા ૪૪:૨૮; રોમ ૪:૧૭ સરખાવો.) એટલા માટે તેને યહોવાનો ‘પસંદ કરેલો’ કહેવામાં આવ્યો. (યશા ૪૫:૧) બાઇબલમાં લખ્યું છે કે ઈશ્વરે કોરેશને ‘તેનું નામ લઈને બોલાવ્યો.’ (યશા ૪૫:૪) એનો અર્થ એ નથી કે તે જન્મ્યો ત્યારે ઈશ્વરે તેનું નામ પાડ્યું. પણ, એનો અર્થ થાય કે યહોવાને અગાઉથી ખબર હતી કે ભવિષ્યમાં એક માણસ જન્મ લેશે, જેનું નામ કોરેશ હશે. ઈશ્વર તેના નામનો ઉલ્લેખ કરશે.

it “કોરેશ” ¶૧૭

કોરેશ

કોરેશ યહૂદીઓ સાથે બહુ સારી રીતે વર્ત્યો હતો. જૂઠાં દેવ-દેવીઓની ભક્તિ કરતા અગાઉના રાજાઓ કરતાં તે એકદમ અલગ રીતે વર્ત્યો હતો. નબૂખાદનેસ્સાર યહોવાના મંદિરમાંથી જે કીમતી વાસણો લઈ ગયો હતો, એ કોરેશે પાછાં આપ્યાં. તેણે લબાનોનથી દેવદારનાં લાકડાં લાવવાની મંજૂરી આપી. તેણે મંદિરના બાંધકામ માટેનો ખર્ચ રાજવી ભંડારમાંથી લેવાની પણ મંજૂરી આપી. (એઝ ૧:૭-૧૧; ૩:૭; ૬:૩-૫) એક લખાણ [જે સિલિંડર જેવા આકારની માટીની વસ્તુ પર કર્યું હતું, જેને સાઈરસ સિલિંડર કહેવામાં આવે છે.] પરથી જોવા મળે છે કે કોરેશ જે દેશ જીતી લેતો, ત્યાંના લોકોને દયા અને કરુણા બતાવતો. એમાં લખ્યું છે કે તેણે દેવોની મૂર્તિઓ તેઓના પવિત્ર શહેરોને પાછી આપી. તેણે તેઓ માટે ફરીથી મંદિરો બંધાવ્યાં. અગાઉ જેઓ એ શહેરોમાં રહેતા હતા, તેઓને તેણે ભેગા કર્યા અને પોતાના વતન પાછા જવા મદદ કરી.

કીમતી રત્નો

w૨૪.૦૨ ૩૦ ¶૮

વાચકો તરફથી પ્રશ્નો

બીજો દાખલો કોરેશનો છે. તેના વિશે ભાખ્યું હતું કે તે યહૂદીઓને ગુલામીમાંથી આઝાદ કરશે અને યહોવાના મંદિરને ફરીથી બાંધવાનો હુકમ આપશે. (યશા. ૪૪:૨૬–૪૫:૪) ઈરાનના રાજા કોરેશે એ ભવિષ્યવાણી પૂરી કરી. (એઝ. ૧:૧-૪) કોરેશ સાચા ઈશ્વરની ભક્તિ કરતો ન હતો. યહોવાએ તેના દ્વારા આ ભવિષ્યવાણી પૂરી તો કરી, પણ કોરેશને તેમની ભક્તિ કરવા ક્યારેય દબાણ ન કર્યું.—નીતિ. ૨૧:૧.

માર્ચ ૧૬-૨૨

બાઇબલમાં રહેલો ખજાનો યશાયા ૪૫-૪૭

“હું ઈશ્વર છું અને મારા જેવો બીજો કોઈ નથી”

w૨૦.૦૬ ૫ ¶૧૪

“તમારું નામ પવિત્ર મનાઓ”

૧૪ યહોવાનો હેતુ પૂરો ન થાય એ માટે શેતાને ઘણા ધમપછાડા કર્યા છે. પણ શેતાનને હાથ કંઈ લાગ્યું નથી. બાઇબલમાંથી જોવા મળ્યું છે કે યહોવાએ કઈ કઈ બાબતો કરી છે. એનાથી સાબિત થાય છે કે યહોવા ઈશ્વર જેવું બીજું કોઈ નથી. શેતાન યહોવાની વિરુદ્ધ ગયો અને બીજાઓને પણ પોતાની સાથે લેતો ગયો ત્યારે યહોવાનું કાળજું કપાઈ ગયું. (ગીત. ૭૮:૪૦) પોતાના નામ પર કલંક લાગ્યો ત્યારે તેમણે ધીરજ રાખી. તે ન્યાયથી અને સમજી-વિચારીને વર્ત્યા. તેમણે પોતાની અપાર શક્તિ અલગ અલગ રીતે બતાવી. સૌથી મહત્ત્વનું તો, તેમના દરેક કામમાં તેમનો પ્રેમ દેખાઈ આવ્યો છે. (૧ યોહા. ૪:૮) પોતાના નામને પવિત્ર મનાવવા તેમણે ઘણું કર્યું છે અને હજુ પણ કરી રહ્યા છે.

cl ૪૨ ¶૧૪

“યહોવા . . . મહાશક્તિમાન છે”

૧૪ આપણે જોઈશું કે ઈશ્વર પોતાની શક્તિનો ઉપયોગ સૃષ્ટિનું સર્જન કરવા, વિનાશ કરવા, રક્ષણ કરવા અને ફરીથી બધું વ્યવસ્થિત કરવા કરે છે. ટૂંકમાં કહીએ તો તેમના હેતુના સુમેળમાં હોય એવાં બધાં કામ કરવા પોતાની શક્તિનો ઉપયોગ કરે છે. (યશાયા ૪૬:૧૦) અમુક વાર યહોવા કોઈ ખાસ ગુણ બતાવવા, તો અમુક વાર પોતાના ધોરણોનું ખાસ પાસું બતાવવા પોતાની શક્તિનો ઉપયોગ કરે છે. સૌથી મહત્ત્વનું તો પોતાની ઇચ્છા પૂરી કરાવવા પોતાની શક્તિનો ઉપયોગ કરે છે. એટલે કે મસીહ રાજ્ય દ્વારા પોતાના નામને પવિત્ર કરવા એનો ઉપયોગ કરે છે. કોઈ પણ બાબત તેમના હેતુને પૂરો કરતા રોકી શકતી નથી.

it “બાબેલોનની ગુલામીમાંથી પાછા ફર્યા” ¶૧

બાબેલોનની ગુલામીમાંથી પાછા ફર્યા

ઈ.સ. પૂર્વે ૬૦૭માં યહૂદીઓને બાબેલોનમાં ગુલામ બનાવીને લઈ ગયા. બાકી રહેલા અમુક યહૂદીઓ ઇજિપ્ત નાસી ગયા. યહોવાએ કહ્યું હતું કે યહૂદા દેશ ‘ઉજ્જડ થઈ જશે, ત્યાં એકેય રહેવાસી વસશે નહિ.’ અને એવું જ થયું. (યર્મિ ૯:૧૧) જોકે, યહોવા પ્રેમાળ અને દયાળુ હોવાથી તેમણે પોતાના લોકોને હંમેશ માટે ગુલામીમાં રહેવા દીધા નહિ. તેમણે પહેલેથી જણાવ્યું હતું કે તેઓએ “૭૦ વર્ષ સુધી બાબેલોનના રાજાની ગુલામી કરવી પડશે.” (યર્મિ ૨૫:૧૧, ૧૨; ૨૯:૧૦-૧૪) એ સમયે બાબેલોન મહાસત્તા હતું અને એને જીતવું અશક્ય હતું. તોપણ યહોવાના શબ્દો સાચા પડ્યા. એવું થતા કોઈ રોકી શક્યું નહિ. યહૂદીઓ પોતાના વતન પાછા ફર્યા. આ તો ફક્ત એક જ દાખલો છે, જે બતાવે છે કે યહોવાએ કરેલી ભવિષ્યવાણી સોએ સો ટકા સાચી પડે છે.

w૯૯ ૫/૧૫ ૧૪ ¶૧૮-૧૯

ખુશ થાઓ કે યહોવાહ પોતાના માર્ગો આપણને બતાવે છે

૧૮ આજે, ભૂતકાળની જેમ જ, યહોવાહના માર્ગમાં ચાલવું એ વફાદારી માંગી લે છે—ફક્ત તેમના એકલામની જ ઉપાસના કરવાનો નિર્ણય. એ વિશ્વાસ માંગે છે—સંપૂર્ણ ભરોસો કે યહોવાહના વચનો ભરોસાપાત્ર છે અને સાચા સાબિત થશે. યહોવાહના માર્ગમાં ચાલવા આજ્ઞાધીનતાની જરૂર છે—તેમના નિયમો પ્રમાણે ચલિત થયા વિના ચાલવું અને તેમના ઉચ્ચ ધોરણોને વળગી રહેવું. “યહોવાહ ન્યાયી છે; તે ન્યાયીપણાને ચાહે છે.”—ગીતશાસ્ત્ર ૧૧:૭.

૧૯ આહાઝે સલામતી માટે સીરિયાના દેવો તરફ જોયું. મિસરમાંના ઈસ્રાએલીઓ માનતા હતા કે “આકાશની રાણી,” પ્રાચીન મધ્યપૂર્વમાં વ્યાપકપણે જેની ઉપાસના થતી હતી તે—તેઓને ભૌતિક સમૃદ્ધિ આપશે. આજે, ઘણા દેવોની શાબ્દિક મૂર્તિઓ નથી. ઈસુએ યહોવાહને બદલે “દ્રવ્ય”ની સેવા કરવા વિરુદ્ધ ચેતવણી આપી. (માત્થી ૬:૨૪) પ્રેષિત પાઊલે “ભૂંડી ઇચ્છા . . . જે મૂર્તિપૂજા છે,” એ વિષે કહ્યું. (કોલોસી ૩:૫) અને ‘ઉદર જેઓનો દેવ’ છે તેઓ વિષે પણ તે બોલ્યા. (ફિલિપી ૩:૧૯) હા, આજે ઉપાસના કરવામાં આવતા મુખ્ય દેવોમાં પૈસા અને ભૌતિક બાબતો છે. વાસ્તવમાં, મોટે ભાગે—ધાર્મિક સંસ્થાઓના ભાગ બનેલાઓ—‘દ્રવ્યની અસ્થિરતા પર આશા રાખે’ છે. (૧ તીમોથી ૬:૧૭) આ દેવોની ઉપાસના કરવા ઘણા ખૂબ મહેનત કરે છે, અને કેટલાક બદલાઓ મેળવે છે—જેમ કે સૌથી સારા ઘરમાં રહેવું, મોંઘી વસ્તુઓનો આનંદ માણવો અને ઉત્તમ ખોરાક ખાવો. તેમ છતાં, કંઈ બધા લોકો આવી સમૃદ્ધિનો આનંદ માણતા નથી. અને છેવટે આ બધી વસ્તુઓનો આનંદ માણનારાઓ પણ પોતાને અસંતોષી માને છે. આ વસ્તુઓ અચોક્કસ છે, કામચલાઉ છે, અને ભક્તિની જરૂરિયાતો પૂરી પાડતી નથી.—માત્થી ૫:૩.

કીમતી રત્નો

w૧૧ ૧/૧ ૧૪ ¶૨-૩

શું ઈશ્વરને ખબર હતી કે આદમ અને હવા પાપ કરશે?

શાસ્ત્રમાં એ પણ જણાવ્યું છે કે યહોવા “એકમાત્ર બુદ્ધિમાન” ઈશ્વર છે. (રોમનો ૧૬:૨૭) ઈશ્વરના દૂતોએ તેમની અપાર બુદ્ધિનાં કામને ઘણી વાર જોયાં હતાં. જ્યારે ઈશ્વરે પૃથ્વીનું સર્જન કર્યું, ત્યારે તેઓએ “ખુશીનો પોકાર” કર્યો હતો. (અયૂબ ૩૮:૪-૭) એદન બાગ તૈયાર કરવામાં આવતો હતો ત્યારે, એ બુદ્ધિશાળી દૂતોએ ઈશ્વરનાં ઝીણામાં ઝીણા સર્જનને ચોક્કસ બહુ ધ્યાનથી જોયું હશે. આ શાનદાર વિશ્વ અને ધરતી પરની સુંદર વસ્તુઓનું સર્જન કર્યા પછી, શું બુદ્ધિમાન ઈશ્વર એવી મૂર્ખામી કરે કે તે દૂતોની નજર સામે એવા બે મનુષ્યોને બનાવે જે આગળ જઈને પાપ કરવાના હતા? એ તો શક્ય જ નથી.

તોપણ કોઈ પૂછી શકે કે ‘એ કેવી રીતે બની શકે કે આટલા બુદ્ધિમાન ઈશ્વરને એની કંઈ ખબર જ ના હોય?’ યહોવાની અપાર બુદ્ધિનો વિચાર કરીએ તો તેમની પાસે ‘શરૂઆતથી જ પરિણામ જાહેર’ કરવાની ક્ષમતા છે. (યશાયા ૪૬:૯, ૧૦) જેમ યહોવા દર વખતે પોતાની તાકાતનો પૂરેપૂરો ઉપયોગ કરતા નથી, તેમ શરૂઆતથી જ પરિણામ જાહેર કરવાની ક્ષમતાનો પણ પૂરેપૂરો ઉપયોગ કરતા નથી. તે ફક્ત ત્યારે જ એનો ઉપયોગ કરે છે, જ્યારે એની જરૂર હોય અથવા એના માટે કોઈ યોગ્ય કારણ હોય.

માર્ચ ૨૩-૨૯

બાઇબલમાં રહેલો ખજાનો યશાયા ૪૮-૪૯

યહોવા પાસેથી શીખો અને લાગુ પાડો

it “શિક્ષક, શીખવવું” ¶૨

શિક્ષક, શીખવવું

સર્જનહાર યહોવા પોતાના સેવકોના મહાન શિક્ષક કે શીખવનાર છે. (૧રા ૮:૩૬; ગી ૨૭:૧૧; ૮૬:૧૧; ૧૧૯:૧૦૨; યશા ૩૦:૨૦; ૫૪:૧૩) તેમણે સર્જન કરેલી વસ્તુઓથી જોઈ શકીએ છીએ કે એક બુદ્ધિમાન ઈશ્વર સાચે જ છે. એ વસ્તુઓ પર વર્ષોથી સંશોધન કરવામાં આવ્યું છે, તોપણ તેમની પાસેથી હજુ ઘણું શીખવાનું બાકી છે. (અયૂ ૧૨:૭-૯) યહોવાએ તેમનું નામ, હેતુ અને નિયમો વિશે પણ શીખવ્યું છે. (નિર્ગ ૪:૧૨, ૧૫; ૨૪:૧૨; ૩૪:૫-૭ સરખાવો.) આ વિશેનું શિક્ષણ તેમના શબ્દ બાઇબલમાં આપવામાં આવ્યું છે. એની મદદથી આપણે તેમની ઇચ્છા વિશે વધારે સારી રીતે સમજી શકીએ છીએ. (રોમ ૧૫:૪; ૨તિ ૩:૧૪-૧૭) ઈશ્વરની પવિત્ર શક્તિ પણ આપણને શીખવે છે.—યોહ ૧૪:૨૬.

ijwbq લેખ ૪૪ ¶૨-૩

પસંદગી કરવાની છૂટ વિશે બાઇબલ શું કહે છે? શું ભગવાન આપણું ભાવિ નક્કી કરે છે?

● ભગવાને આપણામાં તેમના જેવા ગુણો મૂક્યા છે. (ઉત્પત્તિ ૧:૨૬) પ્રાણીઓ સહજ બુદ્ધિથી અથવા સ્વાભાવિક રીતે વર્તે છે. પણ આપણે સર્જનહારને અનુસરી શકીએ છીએ તેમજ તેમની જેમ પ્રેમ અને ન્યાય જેવા ગુણો બતાવી શકીએ છીએ. આપણા સર્જનહારની જેમ આપણી પાસે જાતે નિર્ણયો લેવાની છૂટ છે.

● મોટા ભાગે આપણે જ નક્કી કરી શકીએ છીએ કે આપણું ભાવિ કેવું હશે. બાઇબલમાં કહ્યું છે કે ‘જીવન પસંદ કરીએ’ અને એ માટે ‘ઈશ્વરનું સાંભળીએ,’ એટલે કે તેમની આજ્ઞા પાળીએ. (પુનર્નિયમ ૩૦:૧૯, ૨૦) જો આપણી પાસે જાતે નિર્ણયો લેવાની આઝાદી જ ન હોત તો એ પસંદગી આપવાનો શો અર્થ. એ તો ક્રૂરતા કહેવાય! ભગવાન તેમની વાત મનાવવા આપણને જબરજસ્તી નથી કરતા, એના બદલે તે પ્રેમથી અરજ કરે છે: “જો તમે મારી આજ્ઞાઓ પાળો તો કેવું સારું! જો એમ કરો તો તમારી શાંતિ નદીના જેવી થશે.”—યશાયા ૪૮:૧૮.

lv ૨૨૭ ¶૮

‘તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં વધતા જાઓ’

૮ યહોવા અહીં યાદ દેવડાવે છે કે તેમની આજ્ઞાઓ પાળવાથી આપણને લાભ થાય છે. તેમની આજ્ઞાઓ પાળીશું તો, તે બે આશીર્વાદોનું વચન આપે છે. એક, આપણી શાંતિ નદી જેવી હશે, જે એકદમ નિર્મળ, વિશાળ અને સતત વહેતી હોય છે. બીજો આશીર્વાદ, આપણું ન્યાયીપણું સમુદ્રનાં મોજાં જેવું હશે. શું તમે દરિયા કિનારે ઊભા રહી સમુદ્રનાં મોજાં જોયા છે? તમને ખબર છે, એ મોજાં એક પછી એક કિનારા પર આવતા જ રહે છે અને કદી અટકશે નહિ. યહોવા કહે છે કે આપણું ન્યાયીપણું એ મોજાં જેવું કાયમી રહેશે. એટલે કે આપણે સચ્ચાઈના માર્ગ પરથી કદી ભટકી નહિ જઈએ. જ્યાં સુધી યહોવાને વફાદાર રહેવાનો પ્રયાસ કરીશું, ત્યાં સુધી તે આપણને ઠોકર ખાવા નહિ દે. (ગીતશાસ્ત્ર ૫૫:૨૨) આ વચનોથી દિલને કેટલી ઠંડક વળે છે! શું એનાથી યહોવા અને તેમના નિયમોમાં આપણો વિશ્વાસ મજબૂત નથી થતો?

કીમતી રત્નો

it “કૃપા બતાવવાનો સમય” ¶૧-૩

કૃપા બતાવવાનો સમય

યશાયા ૪૯:૮ની ભવિષ્યવાણીમાં “યહોવા આમ કહે છે: ‘કૃપાના સમયે મેં તને જવાબ આપ્યો. ઉદ્ધારના દિવસે મેં તને મદદ કરી. મેં તને સાચવી રાખ્યો, જેથી મારી અને લોકોની વચ્ચે તું કરાર થાય, જેથી દેશમાં ફરીથી લોકોની વસ્તી થાય અને લોકો પોતાના વારસાનો કબજો લે, જે ઉજ્જડ પડી રહેલો છે.’” આ ભવિષ્યવાણી સૌથી પહેલા ત્યારે પૂરી થઈ હતી જ્યારે ઇઝરાયેલીઓને બાબેલોનની ગુલામીમાંથી છોડાવ્યા હતા. એ સમયે યહોવાએ ઇઝરાયેલીઓને કહ્યું હતું, “બહાર આવો!” એ પછી તેઓ પોતાના વતન પાછા ફર્યા જે ઉજ્જડ પડ્યું હતું અને એને ફરીથી વસાવ્યું.—યશા ૪૯:૯.

યશાયા ૪૯:૮ની ભવિષ્યવાણી ઈસુ ખ્રિસ્ત દ્વારા મોટા પાયે પૂરી થઈ. યહોવાએ કલમ ૮માં કહ્યું, “મારી અને લોકોની વચ્ચે તું કરાર થાય” અને કલમ ૬માં કહ્યું, “મેં તો તને બીજી પ્રજાઓ માટે પ્રકાશ ઠરાવ્યો છે, જેથી ઉદ્ધારનો મારો સંદેશો પૃથ્વીના છેડા સુધી પહોંચે.” આ શબ્દોથી ખબર પડે છે કે આ ભવિષ્યવાણી મસીહ વિશે છે, જે ઈશ્વરના “સેવક” હોય. જ્યારે ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે મોટેથી પોકારીને અને આંસુ વહેવડાવીને ઈશ્વરને કાલાવાલા કર્યા હતા, જે તેમને બચાવી શકતા હતા. (હિબ્રૂ ૫:૭-૯; યોહ ૧૨:૨૭, ૨૮; ૧૭:૧-૫; લૂક ૨૨:૪૧-૪૪; ૨૩:૪૬ સરખાવો.) યહોવાએ ઈસુની પ્રાર્થના સાંભળી અને તેમને મદદ કરી. આ રીતે એ સમય ઈસુ માટે ‘કૃપાનો સમય’ અને ‘ઉદ્ધારનો દિવસ’ બની ગયો. તે ઈશ્વરને વફાદાર રહ્યા અને “તેમને જવાબદારી સોંપવામાં આવી કે તે આજ્ઞા પાળનારા બધા લોકોને હંમેશ માટેનું તારણ આપે.”—હિબ્રૂ ૫:૯.

બીજો કોરીંથીઓ ૬:૨માં પ્રેરિત પાઉલે યશાયા ૪૯:૮ની ભવિષ્યવાણીનો ઉલ્લેખ કર્યો. એ બતાવે છે કે આ ભવિષ્યવાણી ઈસુના શિષ્યોમાં પણ પૂરી થઈ, જેઓને “ઈશ્વરનું ઇઝરાયેલ” કહેવામાં આવ્યા. (ગલા ૬:૧૬) પાઉલે તેઓને ઉત્તેજન આપ્યું, “જુઓ! ઈશ્વર કૃપા બતાવે એ સમય અત્યારે જ છે. જુઓ! ઉદ્ધારનો દિવસ અત્યારે જ છે.” આ શબ્દોથી શિષ્યોને યાદ અપાવ્યું કે તેઓએ એ કામ કરવાનું હતું અને ઈશ્વરની અપાર કૃપાનો હેતુ ભૂલવાનો ન હતો. (૨કો ૬:૧) જો તેઓ વફાદાર રહેતા, તો તેઓને પણ “ઉદ્ધારનો દિવસ” જોવા મળતો.

એપ્રિલ ૬-૧૨

બાઇબલમાં રહેલો ખજાનો યશાયા ૫૦-૫૧

ઈશ્વરે જેમને શીખવ્યું, તેમનું સાંભળો

kr ૧૮૨ ¶૫

રાજ્યના સેવકોને તાલીમ

૫ સમય આવ્યો ત્યારે યહોવાએ પોતાના દીકરાને એ સેવાકાર્ય વિશે શીખવ્યું જે તેમણે પૃથ્વી પર કરવાનું હતું. એક ભવિષ્યવાણીનો વિચાર કરો, જેમાં જણાવ્યું છે કે મહાન શિક્ષક યહોવાનો પોતાના પ્રથમ જન્મેલા દીકરા સાથે કેવો સંબંધ હતો. (યશાયા ૫૦:૪, ૫ વાંચો.) ભવિષ્યવાણીમાં જણાવ્યું છે કે યહોવા પોતાના દીકરાને “દરરોજ સવારે” ઉઠાડે છે. એ ઉદાહરણ એવા શિક્ષકને બતાવે છે જે પોતાના વિદ્યાર્થીને દરરોજ સવારે જગાડે છે, જેથી તેને શીખવી શકે. બાઇબલની સમજણ આપતું એક પુસ્તક કહે છે, ‘જેમ સ્કૂલમાં એક શિક્ષક શીખવાડે છે એવી જ રીતે યહોવાએ સ્વર્ગમાં ઈસુને શીખવ્યું કે તેણે શાનો પ્રચાર કરવો જોઈએ અને કેવી રીતે કરવો જોઈએ.’ યહોવાએ પોતાના દીકરાને શીખવ્યું કે તેણે “શું કહેવું અને શું બોલવું.” (યોહા. ૧૨:૪૯) પિતાએ તેને એ પણ બતાવ્યું કે તેણે બીજાઓને કેવી રીતે શીખવવાનું છે. ઈસુએ પોતાના પિતા પાસેથી મળેલી તાલીમનો સારો ઉપયોગ કર્યો. તેમણે પોતે તો પોતાનું સેવાકાર્ય પૂરું કર્યું જ, સાથે સાથે શિષ્યોને તાલીમ પણ આપી જેથી તેઓપોતાનું સેવાકાર્ય પૂરું કરી શકે.

cf ૧૩૩ ¶૧૩

“હું પિતા પર પ્રેમ રાખું છું”

૧૩ પૃથ્વી પર આવતા પહેલાં દીકરો મન લગાડીને પિતા પાસેથી શીખતો હતો. યશાયા ૫૦:૪-૬માં લખેલી ભવિષ્યવાણીથી ખબર પડે છે કે યહોવાએ પોતાના દીકરાને શીખવ્યું હતું કે મસીહ તરીકે તેમણે કયાં કામ કરવાનાં છે. ઈસુએ અભિષિક્ત તરીકે તેમના પર જે મુશ્કેલીઓ આવવાની હતી એ વિશે શીખવાનું હતું. તોપણ તે મન લગાડીને શીખ્યા. પછીથી તે પૃથ્વી પર આવ્યા અને મોટા થતા ગયા. એ સમયે પણ તે પિતાના ઘરે જવા, ત્યાં ભક્તિ કરવા અને તેમના પિતાએ શીખવેલી વાતો શીખવવા હંમેશાં તૈયાર હતા. યહોવા ચાહતા હતા કે ઈસુ તેમણે શીખવેલી વાતો લોકોને શીખવે. બાઇબલમાં જણાવ્યું છે કે ઈસુ મંદિરમાં અને સભાસ્થાનમાં દરરોજ જતા હતા. (લૂક ૪:૧૬; ૧૯:૪૭) જો આપણે યહોવા માટેનો પ્રેમ વધારવા માંગતા હોઈએ, તો દરેક સભામાં જવું જઈએ. સભામાં જઈને આપણે યહોવાની ભક્તિ કરીએ છીએ, તેમના વિશે વધારે શીખીએ છીએ અને તેમનો આભાર માનીએ છીએ.

કીમતી રત્નો

it “ખાણ” ¶૨

ખાણ

યહોવાએ પ્રબોધક યશાયા દ્વારા પોતાનો લોકોને એક જોરદાર દાખલો આપ્યો. તેમણે ખાણ વિશે જણાવ્યું, જેમાંથી પથ્થર કાપવામાં આવે છે. (યશા ૫૧:૧) પછીની કલમમાં ઇબ્રાહિમને “ખડક” સાથે અને સારાહને “ખાણ” સાથે સરખાવ્યાં છે. કેમ કે ઇબ્રાહિમ ઇઝરાયેલી પ્રજાના કુળપિતા હતા અને સારાહનો ગર્ભ ખાણ જેવો હતો, જેમાંથી ઇઝરાયેલનો વંશજ ઇસહાક પેદા થયો. (યશા ૫૧:૨) જોકે ઇસહાકનો જન્મ એક ચમત્કાર હતો. એ ચમત્કાર ઈશ્વરની શક્તિથી થયો હતો. એટલે એનો ઊંડો અર્થ થઈ શકે છે. પુનર્નિયમ ૩૨:૧૮માં યહોવાને ‘ખડક’ અને ‘પિતા’ કહેવામાં આવ્યા છે, જે ઇઝરાયેલને “જન્મ આપનાર” છે. અહીં “જન્મ આપનાર” માટે જે ક્રિયાપદ વપરાયું છે, એ જ ક્રિયાપદ યશાયા ૫૧:૨માં સારાહ માટે પણ વપરાયું છે.

એપ્રિલ ૧૩-૧૯

બાઇબલમાં રહેલો ખજાનો યશાયા ૫૨-૫૩

ઈસુનો અજોડ પ્રેમ!

w૧૦ ૧૧/૧ ૧૫ ¶૨

યુવાનો, મિત્રોના દબાણનો સામનો કરો

૨ શું તમારા પર કાયમ દોસ્તોનું દબાણ રહે છે? એવું કેમ બને છે? શું એનું કારણ એ હોઈ શકે કે તમે તેઓને ખુશ કરવા માગો છો? એવી ઇચ્છા રાખવી હંમેશાં ખોટું નથી. મોટી વ્યક્તિઓ પણ એવું ચાહે છે કે દોસ્તો પોતાનાથી નારાજ ન થાય. નાના હોય કે મોટા, આપણે કોઈ એવું ઇચ્છતા નથી કે સાથે ભણનારા કે કામ કરનારા તેઓ સાથે આપણને હળવા-ભળવા ન દે. ખરું કહીએ તો, જે સાચું છે એને વળગી રહીશું તો બધાને ગમશે નહિ. ઈસુએ પણ એ અનુભવ્યું હતું. તોય યહોવાહની નજરમાં જે સારું હતું એ જ ઈસુએ હંમેશાં કર્યું. અમુક લોકો તેમના શિષ્યો બન્યા. જ્યારે કે બીજાઓએ ઈશ્વરના દીકરાનો ધિક્કાર કર્યો અને ‘તેમની કદર કરી નહિ.’—યશા. ૫૩:૩.

w૧૯.૦૨ ૧૧ ¶૧૫

નમ્ર બનીએ અને યહોવાને ખુશ કરીએ

૧૫ ઈસુના મરણને થોડા જ મહિના બાકી હતા. એ સમયે તે ખૂબ ચિંતામાં હતા. તે જાણતા હતા કે તેમને રિબાવી રિબાવીને મારી નાખવામાં આવશે. (યોહા. ૩:૧૪, ૧૫; ગલા. ૩:૧૩) મરણના થોડા મહિના પહેલાં તેમણે કહ્યું હતું કે તે ઘણી ચિંતામાં છે. (લુક ૧૨:૫૦) મરણના થોડા જ દિવસો અગાઉ તેમણે કહ્યું, “હું બેચેન છું.” તેમણે પ્રાર્થનામાં પોતાની લાગણીઓ ઠાલવી: “હે પિતા, મને આ ઘડીથી બચાવો. જોકે, એ માટે જ તો હું આ ઘડી સુધી આવ્યો છું. હે પિતા, તમારું નામ મહિમાવાન કરો.” (યોહા. ૧૨:૨૭, ૨૮) એનાથી આપણે જોઈ શકીએ કે તે નમ્ર હતા અને ઈશ્વરની આજ્ઞાઓ પાળતા હતા. એ ઘડી આવી ત્યારે ઈસુએ પોતાને દુશ્મનોના હાથમાં સોંપી દીધા. તેઓએ ઈસુને રિબાવી રિબાવીને મારી નાખ્યા. ઈસુ ચિંતા અને દુઃખોનો સામનો કરી રહ્યા હતા, તોપણ તેમણે નમ્રતાથી ઈશ્વરની ઇચ્છા પૂરી કરી. ચિંતામાં હોઈએ ત્યારે પણ નમ્રતા બતાવી શકાય છે, એ વિશે ઈસુએ સૌથી સારો દાખલો બેસાડ્યો છે!—પ્રેરિતોનાં કાર્યો ૮:૩૨ વાંચો.

કીમતી રત્નો

it “વાસણો” ¶૨

વાસણો

યહોવાના મંદિરમાં અલગ અલગ જાતનાં વાસણો વાપરવામાં આવતાં હતાં. (નિર્ગ ૨૫:૨૯, ૩૦, ૩૯; ૨૭:૩, ૧૯; ૩૭:૧૬, ૨૩; ૩૮:૩; ૧રા ૭:૪૦-૫૦; ૨કા ૪:૧૧-૨૨) એ વાસણો યહોવાની ભક્તિ માટે વાપરવામાં આવતાં હતાં, એટલે એને “પવિત્ર” ગણવામાં આવતાં હતાં. (૧રા ૮:૪) નબૂખાદનેસ્સાર રાજા એ વાસણો યરૂશાલેમથી બાબેલોન લઈ ગયો હતો. એટલે જ્યારે ઈ.સ. પૂર્વે ૫૩૭માં યહૂદીઓ બાબેલોનથી પોતાના વતન યરૂશાલેમ પાછા ફર્યા, ત્યારે તેઓને એ વાસણો પાછાં લઈ જવાનો લહાવો મળ્યો. જોકે, મૂસાના નિયમ પ્રમાણે એ વાસણો લઈ જવા તેઓએ પોતાને દરેક રીતે શુદ્ધ રાખવાના હતા. તેઓને કહેવામાં આવ્યું હતું કે “બહાર નીકળો, બહાર નીકળો, એમાંથી [બાબેલોનમાંથી] બહાર નીકળી આવો, કંઈ પણ અશુદ્ધ વસ્તુને અડતા નહિ. યહોવાનાં વાસણો ઊંચકનારા લોકો, એમાંથી બહાર નીકળી આવો. પોતાને શુદ્ધ રાખો.” (યશા ૫૨:૧૧) આ ચેતવણીનો અર્થ એ હતો કે તેઓએ શારીરિક રીતે, નિયમ પ્રમાણે અને મનથી પણ શુદ્ધ રહેવાનું હતું. પછીથી યશાયાના એ શબ્દોને પ્રેરિત પાઉલે ખ્રિસ્તીઓ પર લાગુ પાડ્યા. એ બતાવે છે કે તેઓએ તન-મનની દરેક પ્રકારની ગંદકીથી દૂર રહેવાનું હતું.—૨કો ૬:૧૪-૧૮; ૭:૧.

એપ્રિલ ૨૦-૨૬

બાઇબલમાં રહેલો ખજાનો યશાયા ૫૪-૫૫

યહોવા પાસેથી શીખવા તમે શું જતું કરવા તૈયાર છો?

w૦૯ ૯/૧ ૨૪ ¶૩

સૌથી સારું શિક્ષણ, યહોવાહનું શિક્ષણ

૩ યહોવાહ આપણા જેવા મામૂલી ઇન્સાનને શીખવે છે, એ તેમની ભલાઈ છે. સ્વર્ગમાં જનારા ભાઈ-બહેનો વિષે, યશાયાહ ૫૪:૧૩માં ભવિષ્યવાણી થઈ હતી કે “તારાં સર્વ સંતાન યહોવાહનાં શિષ્ય થશે; અને તારાં છોકરાંને ઘણી શાંતિ મળશે.” એ આશીર્વાદનો લાભ ઈસુનાં ‘બીજાં ઘેટાંને’ પણ મળે છે. (યોહા. ૧૦:૧૬) આજે પૂરી થઈ રહેલી એક ભવિષ્યવાણી એની સાબિતી આપે છે. યશાયાહે સંદર્શનમાં જોયું કે યહોવાહની ભક્તિ કરવા બધી નાત-જાતના લોકો ભેગા થાય છે. તેઓ એકબીજાને કહે છે: “ચાલો, આપણે યહોવાહના પર્વત પાસે, યાકૂબના દેવના મંદિર પાસે, ચઢી જઈએ; તે આપણને તેના માર્ગ શિખવશે, ને આપણે તેના રસ્તામાં ચાલીશું.” (યશા. ૨:૧-૩) ખુદ યહોવાહ પાસેથી શીખવું, એ કેટલો મોટો આશીર્વાદ છે!

w૧૮.૧૧ ૪-૫ ¶૬-૭

‘સત્ય ખરીદો અને એને વેચી ન દો’

૬ યશાયા ૫૫:૧-૩ વાંચો. આ કલમોમાં ‘સત્ય ખરીદવાનો’ શો અર્થ થાય એ સમજાવવામાં આવ્યું છે. યહોવા પોતાના સત્ય વચનોને પાણી, દૂધ અને દ્રાક્ષદારૂ સાથે સરખાવે છે. જેમ પાણી તરસ્યાને તાજગી આપે છે, તેમ ઈશ્વરની વાણી આપણને તાજગી આપે છે. જેમ દૂધ પીવાથી બાળક મજબૂત થાય છે, તેમ સત્યથી યહોવા સાથેનો આપણો સંબંધ મજબૂત થાય છે. યહોવાએ સત્યને દ્રાક્ષદારૂ સાથે પણ સરખાવ્યું છે. શા માટે? બાઇબલ જણાવે છે કે દ્રાક્ષદારૂથી વ્યક્તિને ખુશી મળે છે. (ગીત. ૧૦૪:૧૫) યહોવા કહે છે કે ‘દ્રાક્ષદારૂ વેચાતો લો.’ એનો અર્થ થાય કે તેમના માર્ગદર્શન પ્રમાણે ચાલવાથી આપણને ખુશી મળે છે. (ગીત. ૧૯:૮) આ સરખામણીથી યહોવા આપણને શું શીખવે છે? સત્ય શીખીને જીવનમાં લાગુ પાડીશું તો આપણને ફાયદો થશે. ‘સત્ય ખરીદવા’ આપણે કંઈક જતું પણ કરવું પડે છે. ચાલો, એવી પાંચ બાબતો પર ધ્યાન આપીએ.

સત્ય ખરીદવા માટે તમે શું જતું કર્યું છે?

૭ સમય. જેઓ સત્ય ખરીદે છે, તેઓએ સામે કંઈક આપવું પડે છે. તેઓએ આવી બાબતો માટે ‘સમય’ આપવો પડે છે: ખુશખબર સાંભળવી, બાઇબલ અને આપણું સાહિત્ય વાંચવું, એનો જાતે અભ્યાસ કરવો, સભાની તૈયારી કરવી અને સભામાં જવું. આ બધા માટે આપણે ‘સમય ખરીદવો’ જોઈએ. એટલે કે, જરૂરી ન હોય એવાં કામો પાછળ સમય વેડફવો ન જોઈએ. (એફેસીઓ ૫:૧૫, ૧૬ અને ફુટનોટ વાંચો.) બાઇબલની મૂળ વાતો શીખતા કેટલો સમય લાગે? દરેક વ્યક્તિને અલગ અલગ સમય લાગે છે. યહોવાની બુદ્ધિ, તેમનાં માર્ગો અને કામો અપાર છે. એ વિશે જેટલું શીખીએ એટલું ઓછું છે! (રોમ. ૧૧:૩૩) ચોકીબુરજના પહેલા અંકમાં સત્યને ‘નાનકડા ફૂલ’ સાથે સરખાવવામાં આવ્યું હતું. એમાં જણાવ્યું હતું: ‘સત્યનું એક ફૂલ મળી જાય ત્યારે, ખુશ થઈને બેસી જવું ન જોઈએ. સત્યનાં બીજાં ફૂલો પણ મહત્ત્વનાં છે. આપણે એ ફૂલો પણ શોધવાં જોઈએ.’ આપણે પોતાને પૂછવું જોઈએ, ‘હું યહોવા વિશે કેટલું શીખ્યો છું?’ યહોવા વિશે શીખવા તો યુગોના યુગો પણ ઓછા પડે! આજે આપણા માટે શું મહત્ત્વનું છે? એ જ કે, સત્ય શીખવા વધારે ને વધારે સમય કાઢીએ. ચાલો, એક અનુભવ જોઈએ.

be ૧૪ ¶૩-૫

“તમે ધ્યાનથી સાંભળો”

સાંભળતી વખતે ઘણી બધી બાબતોને લીધે આપણું ધ્યાન ભટકી જાય છે. કદાચ આપણા મનમાં ઘણી બધી ચિંતાઓ હોય. હૉલની અંદર કે બહારથી આવતા અવાજોને લીધે અથવા હૉલમાં થતી અવર-જવરને લીધે પણ આપણું ધ્યાન ભટકી શકે છે. બેસી રહેવાનું અઘરું લાગતું હોય ત્યારે પણ, ધ્યાનથી સાંભળવું અઘરું લાગી શકે. જેઓનાં બાળકો નાનાં છે, તેઓ પણ મોટા ભાગે પૂરતું ધ્યાન આપી શકતા નથી. તો પછી કાર્યક્રમ ધ્યાનથી સાંભળવા શું કરી શકીએ?

જ્યાં આપણી નજર જાય છે, ત્યાં જ આપણું ધ્યાન જાય છે. એટલે ધ્યાનથી સાંભળવા વક્તા ઉપર જ નજર રાખો. તે બાઇબલની કલમ વાંચે ત્યારે, તમે પણ બાઇબલમાંથી એ ખોલો અને વાંચો, પછી ભલે એ કલમ તમને મોંઢે હોય. જો કોઈ અવર-જવર કે અવાજ થાય, તોપણ એ બાજુ ન જુઓ. તમે જેટલી વધારે વસ્તુઓ જોશો, એટલું વધારે તમારું ધ્યાન ભટકી જશે. આમ, તમે ઘણું બધું સાંભળવાનું ચૂકી જશો.

‘ચિંતાઓના બોજને’ લીધે સભાઓમાં ધ્યાન આપવું મુશ્કેલ થઈ જાય છે. એવા સમયે યહોવાને પ્રાર્થના કરો કે તમારાં હૃદય અને મનને શાંત રાખે, જેથી તમે ધ્યાનથી સાંભળી શકો. (ગીત. ૯૪:૧૯; ફિલિ. ૪:૬, ૭) જો જરૂર લાગે તો વારંવાર પ્રાર્થના કરો. (માથ. ૭:૭, ૮) સભાઓની ગોઠવણ યહોવાએ જ કરી છે, તે ચાહે છે કે તમે એમાંથી લાભ મેળવો.—૧ યોહા. ૫:૧૪, ૧૫.

કીમતી રત્નો

w૧૯.૦૧ ૬ ¶૧૪-૧૫

‘જરાય ચિંતા ન કર, કેમ કે હું તારો ઈશ્વર છું’

૧૪ પહેલો મુદ્દો, આપણે ખ્રિસ્તને પગલે ચાલતા હોવાથી મુશ્કેલીઓ તો આવવાની જ છે. (માથ. ૧૦:૨૨) ઈસુએ જણાવ્યું હતું કે છેલ્લા દિવસોમાં તેમના શિષ્યો પર ભારે સતાવણી આવશે. (માથ. ૨૪:૯; યોહા. ૧૫:૨૦) બીજો મુદ્દો, યશાયાની ભવિષ્યવાણીથી ચેતવણી મળે છે કે દુશ્મનો આપણને ફક્ત ધિક્કારશે જ નહિ, પણ તેઓ આપણી સામે બીજાં હથિયારો વાપરશે, હુમલો કરશે. જેમ કે, તેઓ ચાલાકીથી જૂઠાણાંની જાળ બિછાવશે, આપણા વિશે ખોટી વાતો ફેલાવશે અને ક્રૂર રીતે સતાવણી કરશે. (માથ. ૫:૧૧) દુશ્મનો આપણી વિરુદ્ધ એ હથિયારો વાપરે ત્યારે, યહોવા તેઓને અટકાવતા નથી. (એફે. ૬:૧૨; પ્રકટી. ૧૨:૧૭) પણ, આપણે જરાય ડરવાની જરૂર નથી. શા માટે?

૧૫ ત્રીજો મુદ્દો, યહોવાએ કહ્યું હતું કે ‘કોઈ પણ હથિયાર’ આપણી સામે વાપરવામાં આવે, એ જરાય ‘સફળ થશે નહિ.’ ભારે તોફાન અને વાવાઝોડામાં દીવાલ આપણને રક્ષણ આપે છે, એ રીતે ‘ભયંકર લોકોના’ હુમલાથી યહોવા આપણું રક્ષણ કરે છે. (યશાયા ૨૫:૪, ૫ વાંચો.) દુશ્મનો ક્યારેય આપણને હંમેશાંનું જીવન મેળવતા અટકાવી શકશે નહિ.—યશા. ૬૫:૧૭.

એપ્રિલ ૨૭–મે ૩

બાઇબલમાં રહેલો ખજાનો યશાયા ૫૬-૫૭

આપણને ખુશી છે કે યહોવા આપણા ઈશ્વર છે

ip-૨ ૨૬૯ ¶૧૪-૧૬

નિરાશ લોકોમાં યહોવા તાજગી ભરી દે છે

૧૪ એક દિવસ યહોવાની ધીરજનો અંત જરૂર આવશે. એ સમય વિશે યહોવા સ્પષ્ટ કહે છે: “હું તમારી ‘સચ્ચાઈ’ અને તમારાં કરતૂતો ખુલ્લાં પાડીશ. એ બધું તમને કંઈ કામમાં નહિ આવે. તમે મદદનો પોકાર કરો ત્યારે, તમારી જાતજાતની મૂર્તિઓ તમને છોડાવવા નહિ આવે. પવન તેઓને ઉડાવી લઈ જશે, ફક્ત એક ફૂંક તેઓને ઉડાવી જશે.” (યશાયા ૫૭:૧૨, ૧૩ક) યહૂદા દેશમાં ધર્મના નામે થતા ઢોંગને યહોવા ખુલ્લો પાડશે. યહૂદાને ઢોંગી કામોનો કોઈ ફાયદો નહિ થાય. ‘જાતજાતની મૂર્તિઓનો’ ઢગલો યહૂદાને છોડાવી નહિ શકે. યહૂદા જે દેવો પર ભરોસો રાખે છે, એ દેવોને તો આફતના સમયે ફક્ત એક ફૂંકની જેમ ઉડાવી દેવામાં આવશે.

૧૫ ઈ.સ. પૂર્વે ૬૦૭માં યહોવાના આ શબ્દો પૂરા થયા. એ જ વર્ષે બાબેલોનના રાજા નબૂખાદનેસ્સારે યરૂશાલેમનો નાશ કર્યો, મંદિર બાળી નાંખ્યુ અને ઘણા બધા લોકોને ગુલામ બનાવીને લઈ ગયો. “આ રીતે યહૂદાએ પોતાનું વતન છોડીને પારકા દેશમાં ગુલામ થવું પડ્યું.”—૨ રાજાઓ ૨૫:૧-૨૧.

૧૬ એવી જ રીતે ચર્ચના લોકોએ ભેગી કરેલી મૂર્તિઓનો ઢગલો તેઓને યહોવાના કોપના દિવસે બચાવી નહિ શકે. (યશાયા ૨:૧૯-૨૨; ૨ થેસ્સાલોનિકીઓ ૧:૬-૧૦) ‘મહાન બાબેલોન’ એટલે કે દુનિયાના બધા જૂઠા ધર્મોની સાથે ચર્ચના લોકોનું પણ નામનિશાન મિટાવી દેવામાં આવશે. લાલ રંગનું જંગલી જાનવર અને એનાં દસ શિંગડાં જાણે “તેને [મહાન બાબેલોનને] બરબાદ કરશે, નગ્‍ન કરશે, તેનું માંસ ખાશે અને તેને અગ્‍નિથી પૂરેપૂરી બાળી નાખશે.” (પ્રકટીકરણ ૧૭:૩, ૧૬, ૧૭) જોકે, આપણે આ આજ્ઞા પાળીને ખુશ છીએ: “ઓ મારા લોકો, તેનામાંથી બહાર નીકળી આવો, જેથી તમે તેનાં પાપના ભાગીદાર ન થાઓ અને તેના પર આવનાર આફતોમાંની કોઈ તમારા પર ન આવે.” (પ્રકટીકરણ ૧૮:૪, ૫) ચાલો આપણે મનમાં ગાંઠ વાળીએ કે મહાન બાબેલોન કે એના માર્ગે ફરી ક્યારેય નહિ જઈએ.

w૧૮.૦૬ ૭ ¶૧૬

“મારું રાજ્ય આ દુનિયાનું નથી”

૧૬ આપણા માટે પણ આવા ફેરફારો કરવા ખૂબ મહત્ત્વના છે. બાઇબલ કહે છે કે મનુષ્યો સમુદ્ર જેવા છે, જેના પાણી ઊછળ્યા કરે છે અને સમુદ્ર ક્યારેય શાંત પડતો નથી. (યશા. ૧૭:૧૨; ૫૭:૨૦, ૨૧; પ્રકટી. ૧૩:૧) રાજકીય બાબતો લોકોને ઉશ્કેરે છે, તેઓમાં ભાગલા પાડે છે અને તેઓને હિંસા તરફ દોરી જાય છે. પણ આપણે શાંતિ અને એકતાના મજબૂત બંધનમાં બંધાયેલા છીએ. આ દુનિયામાં ભાગલા પડી ગયા છે, પણ યહોવાના ભક્તો એકતામાં રહે છે. એ જોઈને ચોક્કસ યહોવાનું દિલ ખુશીથી છલકાઈ જતું હશે!—સફાન્યા ૩:૧૭ વાંચો.

it “શાંતિ” ¶૩

શાંતિ

શાંતિ મેળવવી. યહોવા શાંતિના ઈશ્વર છે. (૧કો ૧૪:૩૩; ૨કો ૧૩:૧૧; ૧થે ૫:૨૩; હિબ્રૂ ૧૩:૨૦) તે જ આપણને શાંતિ આપે છે. (ગણ ૬:૨૬; ૧કા ૨૨:૯; ગી ૪:૮; ૨૯:૧૧; ૧૪૭:૧૪; યશા ૪૫:૭; રોમ ૧૫:૩૩; ૧૬:૨૦) શાંતિ એ પવિત્ર શક્તિથી ઉત્પન્‍ન થતો એક ગુણ છે. (ગલા ૫:૨૨) એટલે ખરી શાંતિ ફક્ત તેને જ મળે છે, જેનો ઈશ્વર સાથે પાકો સંબંધ છે. જ્યારે કોઈ વ્યક્તિ ગંભીર પાપ કરે છે ત્યારે યહોવા સાથેનો તેનો સંબંધ તૂટી જાય છે અને તેની શાંતિ છીનવાઈ જાય છે. ગીતશાસ્ત્રના એક લેખકે કહ્યું: “મારા પાપને લીધે મારાં હાડકાંમાં જરાય શાંતિ નથી.” (ગી ૩૮:૩) એટલે જે શાંતિ મેળવવા ચાહે છે, તેણે ‘ખરાબ કામોથી પાછા ફરવું અને ભલું કરવું.’ (ગી ૩૪:૧૪) શાંતિ મેળવવા ઈશ્વરનાં ન્યાયી ધોરણો પાળવા જરૂરી છે. (ગી ૭૨:૩; ૮૫:૧૦; યશા ૩૨:૧૭) એટલે દુષ્ટ લોકોને ક્યારેય શાંતિ મળતી નથી. (યશા ૪૮:૨૨; ૫૭:૨૧; યશા ૫૯:૨-૮ સરખાવો.) પરંતુ જે લોકો યહોવાને વફાદાર રહે છે, તેમના નિયમને ચાહે છે અને તેમની આજ્ઞાઓ પાળે છે તેઓને પુષ્કળ શાંતિ મળે છે.—ગી ૧૧૯:૧૬૫; યશા ૪૮:૧૮.

કીમતી રત્નો

w૦૭ ૨/૧ ૧૦ ¶૩

યશાયાહના પુસ્તકના મુખ્ય વિચારો—૨

૫૬:૬—“પરદેશીઓ” કોણ છે? કઈ રીતે તેઓ ‘યહોવાહના કરારને વળગી રહે છે’? “પરદેશીઓ” ઈસુનાં “બીજાં ઘેટાં” છે. (યોહાન ૧૦:૧૬) તેઓ યહોવાહના નવા કરારને આ રીતે વળગી રહે છે: તેઓ એ કરારના નિયમો પાળે છે. એ કરાર દ્વારા થયેલી ગોઠવણોમાં પૂરો સાથ આપે છે. સ્વર્ગમાં જનારા ભાઈ-બહેનોની જેમ જ યહોવાહનું શિક્ષણ લે છે અને તેઓને સાથ આપીને લોકોને સત્યનો માર્ગ બતાવે છે.

w૦૬ ૧૧/૧ ૨૮ ¶૧

આપણી મિટિંગોની કદર કરીએ

યહોવાહે પોતાના ભક્તોને “પવિત્ર પર્વત પર,” તેમના “પ્રાર્થનાના મંદિરમાં” ભેગા કર્યા છે. જેથી સ્વર્ગમાં જનારા અને પૃથ્વી પર રહેનારા ભક્તો દિલથી એ મંદિરમાં યહોવાહની ભક્તિ કરી શકે. એ મંદિર ‘સર્વ દેશનાઓને સારુ પ્રાર્થનાનું ઘર’ છે. (યશાયાહ ૫૬:૭; માર્ક ૧૧:૧૭) આ બતાવે છે કે યહોવાહની ભક્તિ બધાથી પવિત્ર છે, શુદ્ધ છે. આજે આપણે યહોવાહનું જ્ઞાન લેવા, તેમની ભક્તિ કરવા મિટિંગોમાં ભેગા થઈએ છીએ. જો એની દિલથી કદર કરીશું તો યહોવાહને પગલે ચાલનારા બનીશું.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો