વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w20 એપ્રિલ પાન ૨-૭
  • ઉત્તર તરફથી હુમલો!

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઉત્તર તરફથી હુમલો!
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • મથાળાં
  • સરખી માહિતી
  • ફેરફાર માટેનાં ચાર કારણો
  • ભવિષ્યવાણીનો શું અર્થ થાય?
  • દેશ પાછો ફૂલશે-ફાલશે
  • કયો ફેરફાર થયો?
  • પ્રબોધકોનો દાખલો લો—યોએલ
    ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
  • યોએલ અને આમોસના મુખ્ય વિચારો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
w20 એપ્રિલ પાન ૨-૭

અભ્યાસ લેખ ૧૪

ઉત્તર તરફથી હુમલો!

‘એક બળવાન પ્રજા મારા દેશ પર ચઢી આવી છે.’—યોએ. ૧:૬.

ગીત ૪૩ જાગતા રહીએ

ઝલકa

૧. સી. ટી. રસેલ અને બીજા અમુક કઈ રીતે બાઇબલનો અભ્યાસ કરતા અને કેમ એ રીત સહેલી હતી?

સોએક વર્ષ પહેલાં સી. ટી. રસેલ અને બીજા અમુક લોકો ભેગા મળીને બાઇબલનો અભ્યાસ કરવા લાગ્યા. તેઓને જાણવું હતું કે બાઇબલમાં યહોવા ઈશ્વર અને ઈસુ ખ્રિસ્ત વિશે શું લખ્યું છે. એટલું જ નહિ, ગુજરી ગયા પછી વ્યક્તિનું શું થાય છે એ વિશે અને ઈસુએ આપેલા બલિદાન વિશે બાઇબલમાં શું લખ્યું છે, એ પણ જાણવું હતું. તેઓની અભ્યાસ કરવાની રીત એકદમ સહેલી હતી. કોઈ એક સવાલ કરતું અને બધા ભેગા મળીને એ વિષયને લગતી દરેક કલમો પર સંશોધન કરતા. પછી તેઓ બધી માહિતી લખી લેતા. યહોવાએ તેઓને બાઇબલનું મહત્ત્વનું સત્ય સમજવા મદદ કરી. આજે પણ એ સત્ય આપણા માટે ઘણું મહત્ત્વનું છે.

૨. કઈ રીતે ભવિષ્યવાણીનો ખોટો અર્થ નીકળી શકે?

૨ થોડા સમય પછી એ વિદ્યાર્થીઓને ખબર પડી કે બાઇબલનાં શિક્ષણ કરતાં બાઇબલની ભવિષ્યવાણી સમજવી અઘરી છે. શા માટે? કારણ કે ભવિષ્યવાણીઓ પૂરી થઈ ગઈ હોય કે પૂરી થઈ રહી હોય ત્યારે જ, એ સારી રીતે સમજી શકાય છે. બીજું કે, ભવિષ્યવાણીને સારી રીતે સમજવા આખી ભવિષ્યવાણી પર ધ્યાન આપવું પડે છે. જો આપણે ભવિષ્યવાણીના એક જ ભાગ પર ધ્યાન આપીશું, તો એનો ખોટો અર્થ નીકળી શકે. એવું લાગે છે કે યોએલના પુસ્તકની ભવિષ્યવાણી વિશે આપણે એવું જ કંઈક કર્યું છે. ચાલો એ ભવિષ્યવાણી પર ધ્યાન આપીએ અને જોઈએ કે શા માટે એની સમજણમાં ફેરફાર કરવાની જરૂર છે.

૩-૪. અત્યાર સુધી આપણે યોએલ ૨:૭-૯ની ભવિષ્યવાણીનો શું અર્થ સમજતા હતા?

૩ યોએલ ૨:૭-૯ વાંચો. યોએલે ભવિષ્યવાણી કરી હતી કે તીડોનું મોટું ઝુંડ ઇઝરાયેલ દેશનો નાશ કરશે. એ તીડોનાં દાંત અને જડબાં સિંહના જેવા હતાં અને તેઓ જે મળે એનો સફાયો કરી દેતાં હતાં. (યોએ. ૧:૪, ૬) ઘણાં વર્ષોથી આપણે માનતા હતા કે ભવિષ્યવાણીમાં બતાવેલા તીડો યહોવાના લોકોને રજૂ કરે છે. કારણ કે તેઓ ખુશખબર ફેલાવવાનું કામ તીડોની જેમ કરે છે, જેઓને રોકી શકાતા નથી. આપણે માનતા હતા કે તેઓ પોતાના કામથી એવા “દેશ” કે લોકોને હચમચાવી દેશે, જેઓ ધર્મગુરુઓના પંજામાં છે.b

૪ જો આપણે ફક્ત યોએલ ૨:૭-૯ વાંચીએ, તો લાગે કે એ ભવિષ્યવાણી આપણા પ્રચારકામ વિશે છે. પણ જો આપણે આખી ભવિષ્યવાણી પર ધ્યાન આપીએ તો ખબર પડે છે કે એનો અર્થ બીજો છે. શા માટે? ચાલો એનાં ચાર કારણો તપાસીએ.

ફેરફાર માટેનાં ચાર કારણો

૫-૬. (ક) યોએલ ૨:૨૦ તપાસવાથી આપણા મનમાં કયો સવાલ થઈ શકે? (ખ) યોએલ ૨:૨૫ તપાસવાથી આપણા મનમાં કયો સવાલ થઈ શકે?

૫ શા માટે એ ભવિષ્યવાણીની સમજણમાં ફેરફાર કરવાની જરૂર પડી? યહોવાએ તીડો વિશે જે કહ્યું એમાં એનું પહેલું કારણ જોવા મળે છે. તેમણે કહ્યું હતું: “હું ઉત્તરના સૈન્યને [તીડોને] તમારાથી ઘણે દૂર હાંકી કાઢીશ.” (યોએ. ૨:૨૦) જો તીડો યહોવાના સાક્ષીઓને રજૂ કરતા હોય, તો યહોવા શા માટે તેઓને દૂર હાંકી કાઢે છે? તેઓ તો ઈસુની આજ્ઞા પાળીને ખુશખબર ફેલાવવાનું અને શિષ્યો બનાવવાનું કામ કરે છે. (હઝકી. ૩૩:૭-૯; માથ. ૨૮:૧૯, ૨૦) એટલે સાફ જોવા મળે છે કે, યહોવા પોતાના વફાદાર ભક્તોને નહિ, પણ એવા લોકોને હાંકી કાઢે છે જેઓ તેમના ભક્તોને સતાવે છે.

૬ ચાલો બીજું કારણ જાણવા યોએલ ૨:૨૫ પર ધ્યાન આપીએ. યહોવા કહે છે: “મેં મારું મહાન વિનાશક તીડોનું લશ્કર તમારી વિરૂદ્ધ મોકલ્યું હતું–સામૂહિક તીડો, ફુદકતાં તીડો, વિનાશક તીડો, અને કાપતાં તીડો. તેમના દ્વારા નષ્ટ થયેલો પાક હું તમને પાછો આપીશ.” (ઈઝી-ટુ-રીડ વર્ઝન) ધ્યાન આપો, યહોવા કહે છે કે તીડોએ જે નુકસાન કર્યું છે એ તે પાછું ભરપાઈ કરી આપશે. જો તીડો યહોવાના લોકોને રજૂ કરતા હોય તો કઈ રીતે તેઓનો સંદેશો નુકસાન ફેલાવી શકે? હકીકતમાં તો તેઓના સંદેશાથી ફાયદો થાય છે. અરે, દુષ્ટ લોકો પસ્તાવો કરે તો એનાથી તેઓનું જીવન બચે છે. (હઝકી. ૩૩:૮, ૧૯) એ સંદેશો તો તેઓ માટે આશીર્વાદ છે!

૭. યોએલ ૨:૨૮, ૨૯માં જણાવેલા ‘ત્યાર પછી’ શબ્દોથી શું સમજાય છે?

૭ યોએલ ૨:૨૮, ૨૯ વાંચો. ત્રીજું કારણ જાણવા ધ્યાન આપીએ કે ભવિષ્યવાણીમાં એક પછી એક કયા બનાવો બનવાના છે. યહોવા કહે છે: ‘ત્યાર પછી હું મારો આત્મા [“મારી પવિત્ર શક્તિ,” NWT] રેડી દઈશ.’ તીડો પોતાનું કામ પૂરું કરી લેશે પછી યહોવા પોતાની પવિત્ર શક્તિ રેડી દેશે. જો તીડો યહોવાના લોકો હોય તો ખુશખબર ફેલાવવાનું કામ પૂરું થયા પછી કેમ યહોવા તેઓને પવિત્ર શક્તિ આપે છે? એવું તો બની જ ન શકે. પવિત્ર શક્તિ વગર તો તેઓ ખુશખબર ફેલાવવાનું કામ કરી જ શકતા નથી. એની મદદથી જ તેઓ વર્ષોથી એ કામ કરી રહ્યા છે. અરે, વિરોધ અને પ્રતિબંધ હોવા છતાં તેઓ એ કામ કરી રહ્યા છે.

ચિત્રો: પ્રચારકામના ઐતિહાસિક ચિત્રો. ૧. એક બહેન પુસ્તકોથી ભરેલી પૈડાવાળી સૂટકેસ સાથે. ૨. ભાઈ-બહેનોએ મોટું બોર્ડ ગળે પહેર્યું છે અને હાથમાં પકડ્યું છે. ૩. સાઉન્ડ કાર. ૪. ભાઈએ હાથમાં મૅગેઝિન પકડ્યું છે. ૫. જોસેફ એફ. રધરફર્ડ સંમેલનમાં બોલી રહ્યા છે. ૬. ભાઈ ફોનોગ્રાફ પર રેકોર્ડ વગાડી રહ્યા છે અને બે ઘરમાલિક સાંભળી રહ્યા છે.

જે. એફ. રધરફર્ડ અને બીજા અભિષિક્તોએ સંગઠનમાં આગેવાની લીધી હતી. તેઓએ દુષ્ટ દુનિયા વિરુદ્ધ ઈશ્વરનો ન્યાયચુકાદો હિંમતથી જાહેર કર્યો હતો (ફકરો ૮ જુઓ)

૮. પ્રકટીકરણ ૯:૧-૧૧માં જણાવેલા તીડો કોને રજૂ કરે છે? (પહેલા પાનનું ચિત્ર જુઓ.)

૮ પ્રકટીકરણ ૯:૧-૧૧ વાંચો. ચાલો હવે ચોથું કારણ જોઈએ. અગાઉ આપણે માનતા કે યોએલના પુસ્તકમાં તીડોના ઝુંડ વિશેની ભવિષ્યવાણી આપણા પ્રચારકામને રજૂ કરે છે. કારણ કે એ ભવિષ્યવાણી પ્રકટીકરણમાં આપેલી ભવિષ્યવાણી જેવી જ છે. પ્રકટીકરણમાં લખ્યું છે કે એ તીડોનો દેખાવ માણસોના ચહેરા જેવો હતો અને “સોનાના મુગટો જેવું કંઈક તેઓના માથા પર હતું.” (પ્રકટી. ૯:૭) તેઓ ઈશ્વરના દુશ્મનોને રિબાવે છે, “જેઓના કપાળ પર ઈશ્વરની મહોર નથી.” (પ્રકટી. ૯:૪, ૫) એ તીડો પાંચ મહિના સુધી લોકોને રિબાવે છે, કારણ કે તીડોનું જીવન પાંચ મહિનાનું હોય છે. એવું લાગે છે કે પ્રકટીકરણની ભવિષ્યવાણીમાં બતાવેલા તીડો યહોવાના અભિષિક્ત ભક્તોને રજૂ કરે છે. તેઓ હિંમતથી દુષ્ટ દુનિયામાં યહોવાનો ન્યાયચુકાદો જાહેર કરે છે. એટલે એ સંદેશો લોકોને આંખમાં કણાની જેમ ખૂંચે છે.

૯. યોએલ અને પ્રકટીકરણની ભવિષ્યવાણીમાં બતાવેલા તીડોમાં શું ફરક છે?

૯ ખરું કે, પ્રકટીકરણ અને યોએલની ભવિષ્યવાણીની અમુક વાતો એકબીજાને મળતી આવે છે. પણ અમુક વાતો સાવ અલગ છે. યોએલની ભવિષ્યવાણીમાં બતાવ્યું છે કે તીડો વનસ્પતિને ખાય જાય છે. (યોએ. ૧:૪, ૬, ૭) પ્રકટીકરણની ભવિષ્યવાણીમાં તીડોને ‘કહેવામાં આવ્યું કે પૃથ્વીની કોઈ પણ વનસ્પતિને નુકસાન પહોંચાડે નહિ.’ (પ્રકટી. ૯:૪) યોએલે દર્શનમાં જોયું કે તીડો ઉત્તર દિશામાંથી આવે છે. (યોએ. ૨:૨૦) પણ પ્રકટીકરણના પુસ્તકમાં બતાવેલા તીડો અનંત ઊંડાણમાંથી બહાર આવે છે. (પ્રકટી. ૯:૨, ૩) યોએલની ભવિષ્યવાણીમાં કહેવામાં આવ્યું હતું કે તીડોને હાંકી કાઢવામાં આવે છે. જ્યારે કે પ્રકટીકરણના પુસ્તકમાં બતાવેલા તીડોને હાંકી કાઢવામાં આવતા નથી. પણ યહોવા તેઓને પોતાનું કામ પૂરું કરવા દે છે. બાઇબલમાં એવું ક્યાંય બતાવ્યું નથી કે યહોવા તેઓથી ખુશ નથી.—“તીડો વિશેની ભવિષ્યવાણી—એકસરખી પણ અર્થ સાવ અલગ” બૉક્સ જુઓ.

તીડો વિશેની ભવિષ્યવાણી —એકસરખી પણ અર્થ સાવ અલગ

યોએલ ૧:૪; ૨:૭-૯, ૨૦

  • બાબેલોની સૈનિકોના હાથમાં તલવાર અને ભાલો છે. તેઓની પાછળ તીડોનું ઝુંડ છે.

    તેઓ ઉત્તર દિશાથી આવે છે

  • તેઓ વનસ્પતિ ખાય જાય છે

  • તેઓને હાંકી કાઢવામાં આવે છે

  • તેઓ બાબેલોનની સેનાને રજૂ કરે છે, જેણે ઇ. સ. પૂર્વે ૬૦૭માં યરૂશાલેમનો વિનાશ કર્યો

પ્રકટીકરણ ૯:૧-૧૧

  • ભાઈ-બહેનો મોટા બોર્ડ સાથે પ્રચાર કરે છે. તેઓની નીચે તીડોનું ઝુંડ છે.

    તેઓ અનંત ઊંડાણમાંથી બહાર આવે છે

  • તેઓ વનસ્પતિને નુકસાન પહોંચાડતા નથી

  • યહોવા તેઓને પોતાનું કામ પૂરું કરવા દે છે

  • તેઓ યહોવાના અભિષિક્તોને રજૂ કરે છે, જેઓ હિંમતથી યહોવાનો ન્યાયચુકાદો જાહેર કરે છે

૧૦. દાખલો આપીને સમજાવો કે યોએલમાં બતાવેલા તીડો અને પ્રકટીકરણમાં બતાવેલા તીડો અલગ અલગ બાબતોને રજૂ કરે છે.

૧૦ એનાથી જોવા મળે છે કે યોએલ અને પ્રકટીકરણની ભવિષ્યવાણીમાં મોટો ફરક છે. યોએલમાં બતાવેલા તીડો અને પ્રકટીકરણમાં બતાવેલા તીડો અલગ અલગ બાબતોને રજૂ કરે છે. એ શાના પરથી કહી શકાય? બાઇબલમાં અમુક વાર કોઈ નિશાનીનો અલગ અલગ અર્થ થઈ શકે છે. દાખલા તરીકે, પ્રકટીકરણ ૫:૫માં ઈસુને “યહુદા કુળમાંના સિંહ” કહેવામાં આવ્યા છે. જ્યારે કે ૧ પીતર ૫:૮માં શેતાનને ‘ગાજનાર સિંહ’ કહેવામાં આવ્યો છે. આપણે ચાર કારણો જોઈ ગયા, જે બતાવે છે કે યોએલની ભવિષ્યવાણી વિશેની આપણી સમજણમાં સુધારો કરવાની જરૂર છે. તો યોએલની ભવિષ્યવાણીનો શું અર્થ થાય?

ભવિષ્યવાણીનો શું અર્થ થાય?

૧૧. યોએલ ૧:૬ અને ૨:૧, ૮, ૧૧માંથી તીડોની ઓળખ વિશે કયો પુરાવો મળે છે?

૧૧ યોએલની આખી ભવિષ્યવાણીનો ધ્યાનથી અભ્યાસ કરવાથી ખબર પડે છે કે યોએલ એક સૈન્યના હુમલા વિશે વાત કરી રહ્યા હતા. (યોએ. ૧:૬; ૨:૧, ૮, ૧૧) યહોવાએ કહ્યું હતું કે બેવફા ઇઝરાયેલીઓને સજા કરવા તે ‘મોટી ફોજનો’ (બાબેલોનના સૈનિકોનો) ઉપયોગ કરશે. (યોએ. ૨:૨૫) બાબેલોનની સેનાએ ઉત્તર તરફથી હુમલો કર્યો હતો. એટલે યોએલે બરાબર જ કહ્યું હતું કે એ ‘ઉત્તરનું સૈન્ય’ હશે. (યોએ. ૨:૨૦) એ સેનાને એવા તીડોના ઝુંડ સાથે સરખાવવામાં આવે છે જે વ્યવસ્થિત રીતે હુમલો કરે છે. યોએલ કહે છે, “તેઓ [સૈનિકો] સીધે માર્ગે જાય છે. . . . તેઓ નગર ઉપર તૂટી પડે છે; તેઓ કોટ પર દોડે છે; તેઓ ચઢીને ઘરોમાં પેસી જાય છે; તેઓ ચોરની પેઠે બારીઓમાં થઈને અંદર પ્રવેશ કરે છે.” (યોએ. ૨:૮, ૯) શું તમે આવી કલ્પના કરી શકો? બાબેલોન હુમલો કરી રહ્યું છે; ચારેબાજુ સૈનિકો છે; સંતાવાની કોઈ જગ્યા નથી; બાબેલોનના સૈનિકોની તલવારથી કોઈ બચી શકતું નથી.

૧૨. તીડો વિશેની યોએલની ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ?

૧૨ ઈસવીસન પૂર્વે ૬૦૭માં તીડોની જેમ બાબેલોનીઓએ (કાસ્દીઓએ અથવા ખાલદીઓએ) યરૂશાલેમ પર હુમલો કર્યો હતો. બાઇબલમાં લખ્યું છે, ‘કાસ્દીઓના રાજાએ તેઓ પર ચઢાઈ કરી, તેઓના યુવાનોને તરવારથી મારી નાખ્યા; યુવાન, યુવતી કે વૃદ્ધ પર તેણે દયા રાખી નહિ; યહોવાએ એ બધાંને તેના હાથમાં સોંપ્યાં. તેણે ઈશ્વરના મંદિરને બાળી નાખ્યું અને યરૂશાલેમનો કોટ તોડી પાડ્યો, ને એના બધા મહેલોને બાળીને ભસ્મ કર્યા તથા બધા મૂલ્યવાન પાત્રોનો નાશ કર્યો.’ (૨ કાળ. ૩૬:૧૭, ૧૯) જ્યારે બાબેલોનીઓએ ઇઝરાયેલીઓનો નાશ કર્યો ત્યારે તેઓની હાલત જોઈને લોકોએ કહ્યું, ‘આ દેશ તો વસ્તી વગરનો તથા પશુ વગરનો ઉજ્જડ થયો છે, એને ખાલદીઓના હાથમાં સોંપવામાં આવ્યો છે.’—યિર્મે. ૩૨:૪૩.

૧૩. યિર્મેયા ૧૬:૧૬, ૧૮નો શું અર્થ થાય?

૧૩ યોએલની ભવિષ્યવાણીના આશરે ૨૦૦ વર્ષ પછી બાબેલોનના હુમલા વિશે યહોવાએ બીજી એક ભવિષ્યવાણી કરી હતી. એમાં બીજી અમુક બાબતો જણાવવામાં આવી. એ ભવિષ્યવાણી યિર્મેયા દ્વારા કરવામાં આવી. યહોવા કહે છે, ‘હું ઘણા માછીમારોને બોલાવીશ, ને તેઓ તેમને માછલાંની જેમ પકડશે. પછી હું ઘણા શિકારીઓને બોલાવીશ ને તેઓ દરેક પર્વત અને ડુંગર પરથી તેમજ ખડકોની ફાટોમાંથી તેઓનો શિકાર કરશે. પ્રથમ હું તેઓનાં અન્યાય અને પાપનો બદલો વાળીશ.’ (યિર્મે. ૧૬:૧૬, ૧૮) યહોવાએ કહ્યું હતું કે દુશ્મનો એવા બધા ઇઝરાયેલીઓની શોધ કરશે જેઓ ખરાબ કામ કરતા હતા.

દેશ પાછો ફૂલશે-ફાલશે

૧૪. યોએલ ૨:૨૮, ૨૯ની ભવિષ્યવાણી ક્યારે પૂરી થઈ?

૧૪ યરૂશાલેમના વિનાશ વિશે વાત કર્યા પછી યોએલ એક સારા સમાચાર જણાવે છે. તે કહે છે કે ઇઝરાયેલીઓ પોતાના વતન પાછા ફરશે. દેશ પાછો ફૂલશે-ફાલશે અને પુષ્કળ અનાજ પાકશે. (યોએ. ૨:૨૩-૨૬) લાંબા સમય પછી એટલે કે ભાવિમાં સત્યનું જ્ઞાન ઘણા લોકોને મળશે. એ વિશે યહોવાએ અગાઉથી કહ્યું હતું: ‘હું સર્વ મનુષ્યો પર મારી પવિત્ર શક્તિ રેડી દઈશ. તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબોધ કરશે. દાસો તથા દાસીઓ પર હું મારી પવિત્ર શક્તિ રેડી દઈશ.’ (યોએ. ૨:૨૮, ૨૯) એ ભવિષ્યવાણી ઇઝરાયેલીઓ પોતાના વતન પાછા ફર્યા ત્યારે નહિ, પણ વર્ષો પછી પૂરી થઈ. સાલ ૩૩ના પચાસમાના દિવસે એ ભવિષ્યવાણી પૂરી થઈ. ચાલો એ વિશે જોઈએ.

૧૫. (ક) પીતરે યોએલની ભવિષ્યવાણીનો ઉલ્લેખ કર્યો ત્યારે કયા અલગ શબ્દો વાપર્યા હતા? (ખ) એનાથી શું ખબર પડે છે?

૧૫ પચાસમાના દિવસે સવારે નવેક વાગે એક અદ્‍ભુત ઘટના બની. ઈશ્વરે પોતાના લોકો પર પવિત્ર શક્તિ રેડી અને તેઓ “ઈશ્વરનાં મહિમાવંત કાર્યો વિશે” બોલવા લાગ્યા. (પ્રે.કા. ૨:૧૧) એ સમયે પ્રેરિત પીતરે ઈશ્વરની પ્રેરણાથી કહ્યું કે એ ઘટનાથી યોએલ ૨ :૨૮, ૨૯માં લખેલી ભવિષ્યવાણી પૂરી થઈ છે. પણ પીતરે યોએલની ભવિષ્યવાણીનો ઉલ્લેખ કર્યો ત્યારે થોડા અલગ શબ્દો વાપર્યા હતા. યોએલની ભવિષ્યવાણીની શરૂઆતમાં ‘ત્યાર પછી’ શબ્દો લખ્યા હતા. પણ પીતરે ‘છેલ્લા દિવસો’ શબ્દો વાપર્યા હતા. (પ્રેરિતોનાં કાર્યો ૨:૧૬, ૧૭ વાંચો.) યરૂશાલેમ અને મંદિરનો નાશ થયો એ પહેલાંના સમય માટે તેમણે એ શબ્દો વાપર્યા હતા. તેમણે કહ્યું કે એ સમયે ઈશ્વરની “પવિત્ર શક્તિ દરેક પ્રકારના મનુષ્યો પર” રેડવામાં આવશે. એનાથી ખબર પડે છે કે યોએલની ભવિષ્યવાણીનો એ ભાગ ઘણા સમય પછી પૂરો થવાનો હતો.

૧૬. (ક) પવિત્ર શક્તિ રેડવામાં આવી ત્યારે ખુશખબરનું કામ ક્યાં સુધી ફેલાયું? (ખ) આજે ક્યાં સુધી ખુશખબર ફેલાવવાનું કામ થઈ રહ્યું છે?

૧૬ પચાસમાના દિવસે ઈશ્વરે પવિત્ર શક્તિ રેડી ત્યાર પછી ખુશખબર ફેલાવવાનું કામ જોરશોરથી થવા લાગ્યું. ઈ. સ. ૬૧ સુધીમાં લગભગ આખી દુનિયામાં ખુશખબર ફેલાઈ ગઈ. એટલે જ પાઊલે કોલોસીઓને પત્ર લખ્યો ત્યારે કહી શક્યા કે “આકાશ નીચેની સર્વ સૃષ્ટિને” ખુશખબર જણાવવામાં આવી છે. (કોલો. ૧:૨૩) પાઊલે ‘સર્વ સૃષ્ટિ’ કહ્યું ત્યારે તેમનો કહેવાનો અર્થ હતો કે તે અને બીજા ઈશ્વરભક્તો જઈ શક્યા એ બધી જગ્યાઓ. આપણા સમયમાં પવિત્ર શક્તિની મદદથી ખુશખબર ફેલાવવાનું કામ દૂર દૂર સુધી એટલે કે “પૃથ્વીના છેડા સુધી” થઈ રહ્યું છે.—પ્રે.કા. ૧૩:૪૭; “હું મારી પવિત્ર શક્તિ રેડી દઈશ” બૉક્સ જુઓ.

‘હું મારી પવિત્ર શક્તિ રેડી દઈશ’

સાલ ૩૩ના પચાસમાના દિવસે આશરે ૩,૦૦૦ સ્ત્રી-પુરુષોએ બાપ્તિસ્મા લીધું અને ઈસુ ખ્રિસ્તના શિષ્યો બન્યા. તેઓ તરત ઈસુ વિશેનું સત્ય બીજાઓને જણાવવા લાગ્યા. શું યહોવાએ તેઓના કામ પર આશીર્વાદ આપ્યો? હા, ચોક્કસ! આશરે “હજારો લોકો” ખ્રિસ્તના શિષ્યો બન્યા.—પ્રે.કા. ૨:૪૧; ૨૧:૨૦.

કેટલા લોકો ખ્રિસ્તના શિષ્યો બન્યા હતા? બાઇબલ એ વિશે જણાવતું નથી. પણ પહેલી સદીના અંતે, એ શિષ્યોની સંખ્યા ૧,૪૪,૦૦૦ કરતાં ઘણી ઓછી હતી. એ સમયે, યહોવા સ્વર્ગના રાજ્યના વારસો બનાવવા સ્ત્રી-પુરુષોની પસંદગી કરતા હતા. પણ મોટા ભાગના અભિષિક્તોની પસંદગી આપણા સમયમાં કરવામાં આવી. જોકે, પહેલી સદીમાં ઈસુના શિષ્યોમાં ઘણો વધારો જોવા મળ્યો હતો. એ બતાવે છે કે એ સમયના શિષ્યો પર યહોવાએ પોતાની પવિત્ર શક્તિ રેડી હતી.—પ્રે.કા. ૨:૧૬-૧૮.

યહોવા આજે પણ પોતાના ભક્તો પર પવિત્ર શક્તિ રેડે છે, શું એનો કોઈ પુરાવો છે? હા, ચોક્કસ. ચાલો આ હકીકતો તપાસીએ: મળેલા અહેવાલો પ્રમાણે ૧૯૧૯માં ૬,૦૦૦થી પણ ઘણા ઓછા પ્રકાશકો દુનિયાભરમાં ખુશખબર ફેલાવતા હતા. યહોવાએ ખુશખબર ફેલાવવાના કામ પર આશીર્વાદ આપ્યો. ૧૯૮૩થી દર વર્ષે ૧,૪૪,૦૦૦થી પણ વધારે લોકો બાપ્તિસ્મા લઈને યહોવાના સાક્ષી બની રહ્યા છે! એ બતાવે છે કે યહોવા પોતાના ભક્તોને આપેલું આ વચન પૂરું કરે છે: ‘હું મારી પવિત્ર શક્તિ રેડી દઈશ.’—યોએ. ૨:૨૮, ૨૯.

કયો ફેરફાર થયો?

૧૭. તીડો વિશે યોએલની ભવિષ્યવાણીનો હવે શો અર્થ થાય છે?

૧૭ કઈ સમજણમાં ફેરફાર થયો? હવે આપણે યોએલ ૨:૭-૯માં તીડો વિશે આપેલી ભવિષ્યવાણી સારી રીતે સમજ્યા છીએ. આપણે જોયું કે એ કલમોમાં ખુશખબર ફેલાવવાના કામ વિશે જણાવવામાં આવ્યું નથી. એ ભવિષ્યવાણી તો ઈ. સ. પૂર્વે ૬૦૭માં બાબેલોને યરૂશાલેમ પર હુમલો કર્યો એના વિશે હતી.

૧૮. શું ખુશખબર ફેલાવવાના કામમાં કોઈ ફેરફાર થયો છે?

૧૮ કઈ સમજણમાં ફેરફાર થયો નથી? ખુશખબર ફેલાવવાની વાત આવે તો એમાં કોઈ ફેરફાર થયો નથી. યહોવાના લોકો આજે પણ અલગ અલગ જગ્યાએ અને જુદી જુદી રીતો વાપરીને ખુશખબર ફેલાવે છે. (માથ. ૨૪:૧૪) ભલે સરકાર અમુક નિયંત્રણ મૂકે, પણ આપણું કામ રોકી શકશે નહિ. યહોવાની મદદથી આપણે પહેલાં કરતાં પણ વધારે જોરશોરથી અને હિંમતથી ખુશખબર ફેલાવી રહ્યા છીએ. બાઇબલની ભવિષ્યવાણી સમજવા આપણે યહોવા પાસે માર્ગદર્શન લઈએ છીએ. આપણને પૂરો ભરોસો છે કે યહોવા યોગ્ય સમયે “સત્ય પૂરેપૂરું સમજવા મદદ કરશે.”—યોહા. ૧૬:૧૩.

તમે કેવો જવાબ આપશો?

  • અમુક બાઇબલ ભવિષ્યવાણી વિશે આપણે અગાઉ જે માનતા હતા એમાં ફેરફાર કરવાની કેમ જરૂર પડી?

  • યોએલ ૨:૭-૯માં કઈ ભવિષ્યવાણી કરવામાં આવી?

  • શા પરથી કહી શકાય કે ભવિષ્યવાણીની સમજણમાં ફેરફાર થવાથી આપણી શ્રદ્ધા મજબૂત થાય છે?

ગીત ૪૮ યહોવાને માર્ગે ચાલીએ

a આપણે વર્ષોથી માનીએ છીએ કે યોએલ ૧ અને ૨ની ભવિષ્યવાણી આપણા સમયના પ્રચારકામને રજૂ કરે છે. પણ લાગે છે કે એ સમજણમાં અમુક ફેરફાર કરવાની જરૂર છે. ચાલો એનાં ચાર કારણો તપાસીએ.

b દાખલા તરીકે, એપ્રિલ ૧, ૨૦૦૯ ચોકીબુરજના આ લેખના ફકરા ૧૪-૧૬ જુઓ: “સૃષ્ટિમાં યહોવાહનું જ્ઞાન દેખાઈ આવે છે.”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો