વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • તમે કોનું માનશો?
    સજાગ બનો!—૨૦૦૬ | ઑક્ટોબર
    • તમે કોનું માનશો?

      ‘દરેક ઘર કોઈએ બાંધ્યું છે; પણ સઘળી વસ્તુઓનો સર્જનહાર તો ઈશ્વર છે.’—હેબ્રી ૩:૪.

      શું આપણા જમાનામાં પણ બાઇબલનું આ લખાણ સાચું છે? એ શબ્દો લખાયાને લગભગ બે હજાર વર્ષો થયાં. આટલાં વર્ષોમાં તો સાયન્સે ઘણી પ્રગતિ કરી છે. શું હજુ પણ એમ માની શકાય કે કુદરતની રચના પાછળ કોઈ છે? એને બનાવનાર ઈશ્વર છે?

      સાયન્સમાં આગળ પડતા દેશોમાં પણ ઘણા લોકો ઈશ્વરમાં માને છે. જેમ કે, અમેરિકામાં ન્યૂઝવીક મૅગેઝિને ૨૦૦પમાં એક સર્વે કર્યો. એ સર્વે પ્રમાણે, ૮૦ ટકા લોકો “માને છે કે ઈશ્વરે વિશ્વ બનાવ્યું.” શું આ લોકો ઓછું ભણેલા હોવાથી એમ માને છે? શું કોઈ વૈજ્ઞાનિકો ઈશ્વરમાં માને છે? ૧૯૯૭માં નેચર નામનું સાયન્સ મૅગેઝિન જણાવે છે કે લગભગ ૪૦ ટકા જીવ-વૈજ્ઞાનિકો, ભૌતિક અને ગણિત શાસ્ત્રના વૈજ્ઞાનિકો ઈશ્વરમાં માને છે. તેઓ એમ પણ માને છે કે ઈશ્વર આપણી પ્રાર્થનાઓ સાંભળે છે. એના જવાબ પણ આપે છે.

      તોયે એવા વૈજ્ઞાનિકો પણ છે, જેઓ ઈશ્વરમાં જરાય માનતા નથી. નોબેલ વિજેતા ડૉક્ટર હરબર્ટ હૉપ્ટમેને વિજ્ઞાનની એક કૉન્ફરન્સમાં આમ જણાવ્યું: ઈશ્વરમાં કે એવી કોઈ મહાન શક્તિમાં માનવું, એ સાચા વિજ્ઞાનનું કામ નહિ. ‘અરે એવી માન્યતા તો મનુષ્યને નુકસાન કરે છે.’ જે વૈજ્ઞાનિકો ઈશ્વરમાં માને છે, તેઓ પણ એવું શીખવવા તૈયાર નથી કે પ્રાણી અને વનસ્પતિ જગતની રચના પાછળ કોઈ છે. એને બનાવનાર કોઈ છે. કેમ એવું? પ્રાણીઓના અવશેષો પર સંશોધન કરનાર, ડગલસ એચ. અરવીન એક કારણ બતાવતા કહે છે: “વિજ્ઞાનનો એક નિયમ એ છે કે એમાં કોઈ ચમત્કાર ન ચાલે.”

      તમે કોનું માનશો? ક્યાં તો તમે બીજા જે કહે એ માની શકો. અથવા તો તમે પોતે પુરાવાઓ તપાસો. પછી પોતે સમજી-વિચારીને નક્કી કરો કે શું માનવું. હવે પછીનાં પાનાઓ પર તમે વિજ્ઞાનની શોધખોળ વિષે વાંચો તેમ, આ સવાલ પર વિચાર કરજો: ‘શું વિશ્વ ઈશ્વરની કરામત છે?’ (g 9/06)

      [પાન ૩ પર બ્લર્બ]

      તમે પોતે પુરાવાઓ તપાસો

      [પાન ૩ પર બોક્સ]

      યહોવાહના સાક્ષીઓ ઉત્પત્તિ વિષે શું માને છે?

      બાઇબલના પહેલા પુસ્તકનું નામ ઉત્પત્તિ છે. એ પુસ્તક સૃષ્ટિના સર્જન વિષે જણાવે છે. યહોવાહના સાક્ષીઓ એમાં માને છે. તોપણ, ઘણા માને છે એમ યહોવાહના સાક્ષીઓ ‘ક્રિએશનીસ્ટ’ નથી. એટલે કે તેઓ એવું માનતા નથી કે લગભગ ૧૦,૦૦૦ વર્ષો પહેલાં, વિશ્વ, ધરતી અને એમાંની સર્વ વસ્તુઓને ૨૪ કલાકનો એક, એવા છ દિવસમાં બનાવવામાં આવ્યા. બાઇબલ એવું શીખવતું જ નથી.a પણ આવી ખોટી માન્યતામાં માનનારા એવું ઘણું માને છે, જે બાઇબલમાં નથી. જ્યારે કે યહોવાહના સાક્ષીઓનું શિક્ષણ તો ફક્ત બાઇબલમાંથી જ છે.

      અમુક દેશોમાં ‘ક્રિએશનીસ્ટને’ ઝનૂની ભક્તો [ફન્ડામેન્ટલીસ્ટ] જેવા જ ગણવામાં આવે છે, જેઓ રાજનીતિમાં પણ માથું મારતા હોય છે. આ ગ્રૂપો રાજનેતાઓ, ન્યાયાધીશો અને શિક્ષણ અધિકારીઓ પર દબાણ લાવે છે કે તેઓએ ‘ક્રિએશનીસ્ટʼની માન્યતા સ્વીકારવી જોઈએ.

      યહોવાહના સાક્ષીઓ રાજનીતિમાં જરાય માથું નથી મારતા. તેઓ માને છે કે સરકારને કાયદા ઘડવાનો અને પ્રજા એ પાળે એવી માંગ કરવાનો હક્ક છે. (રૂમી ૧૩:૧-૭) સાથે સાથે તેઓ દિલથી માને છે કે ઈસુના કહેવા પ્રમાણે, પોતે ‘જગતના નથી.’ (યોહાન ૧૭:૧૪-૧૬) યહોવાહના સાક્ષીઓ લોકોને શીખવે છે કે ઈશ્વર શું ચાહે છે. એનાથી તેઓ લોકોને યહોવાહના શિક્ષણથી આવતા આશીર્વાદ પામવાનો મોકો આપે છે. યહોવાહના ભક્તો માણસોના કોઈ ગ્રૂપમાં જોડાતા નથી. ભલે પછી એ ફન્ડામેન્ટલીસ્ટ ગ્રૂપ હોય, જેઓ લોકોના હક્કો ઘડવા માંગે છે અને બાઇબલનું શિક્ષણ લોકો પર ઠોકી બેસાડવા માંગે છે.—યોહાન ૧૮:૩૬.

      [ફુટનોટ]

      a આ મૅગેઝિનના પાન ૧૮ પરનો લેખ જુઓ: “બાઇબલ શું કહે છે: શું વિજ્ઞાન ઉત્પત્તિનો અહેવાલ ખોટો ઠરાવે છે?”

  • કુદરત પાસેથી શીખીએ
    સજાગ બનો!—૨૦૦૬ | ઑક્ટોબર
    • કુદરત પાસેથી શીખીએ

      “પશુઓને પૂછો એટલે તેઓ તમને શીખવશે; આકાશનાં પક્ષીઓ તમને કહી બતાવશે. અથવા પૃથ્વીને પૂછો, એટલે તે તમને જ્ઞાન આપશે. સાગરનાં માછલાં તમને પાઠ શીખવશે.”—યોબ (અયૂબ) ૧૨:૭, ૮, કોમન લેંગ્વેજ.

      હાલનાં વર્ષોથી વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો ઝાડ-પાન અને પશુ-પંખીઓ પાસેથી ઘણું શીખી રહ્યા છે. તેઓ કુદરતી ચીજ-વસ્તુઓ પર નજર રાખે છે. સંશોધન કરે છે. શીખે છે. તેઓની રચનાની નકલ કરીને નવી નવી ચીજો બનાવે છે. અને મશીનોમાં હજુ વધારે સુધારો કરે છે. ચાલો અમુક દાખલા પર વિચાર કરીએ. સાથે સાથે આ સવાલો ધ્યાનમાં રાખીએ: ‘એ બધી રચનાઓ પાછળ કોણ છે? એ માટે કોની વાહ વાહ થવી જોઈએ?’

      વ્હેલના પાંખિયામાંથી શીખીએ

      ખૂંધવાળી વ્હેલ માછલીની રચનામાંથી વિમાન બનાવનારા શું શીખી શકે? તેઓ ઘણું જ શીખી શકે છે. આ વ્હેલનું વજન ત્રીસેક ટન હોય છે, જાણે કે ભારે વજનવાળી કોઈક ટ્રક જોઈ લો. એનું શરીર ખૂબ અક્કડ અને બંને બાજુએ મોટા પાંખિયા [ફ્લીપર્સ] હોય છે. આ દસેક મીટર લાંબી ચપળ માછલી પાણીની અંદર પૂરઝડપે તરે છે. ખાવા માટે જે રીતે શિકાર કરે છે, એનો વિચાર કરો. એ નાની નાની માછલીઓનો શિકાર કરવા ઊંડેથી ગોળ ગોળ ફરતી ઉપરની તરફ આવે છે. સાથે સાથે પરપોટા [બબલ્સ] કાઢતી જાય. ધીમે ધીમે આ પરપોટાની જાણે એક ગોળ જાળ બિછાવી દે છે. એ ફક્ત દોઢ મીટર [પાંચ ફૂટ] જેટલું જ નાનું કૂંડાળું હોય છે. એ જાળ તેના શિકારને પાણીની સપાટી પર લઈ આવે છે. આખરે નીચેથી ઉપર આવેલી વ્હેલ મોઢું ફાડીને કૂંડાળામાંનો પોતાનો શિકાર એક ઝાપટમાં કોળિયો કરી જાય છે.

      ખૂંધવાળી વ્હેલના સંશોધકોને નવાઈ લાગી કે કઈ રીતે આ અક્કડ શરીરવાળી મોટી માછલી આટલા નાના કૂંડાળામાં ફરી શકે! તેઓને જાણવા મળ્યું કે વ્હેલના પાંખિયા એનો જવાબ છે. એ કઈ રીતે? એના પાંખિયાનો આગળનો ભાગ લીસો હોતો નથી, જેમ પ્લેન કે વિમાનની પાંખનો હોય છે. જ્યારે કે આ વ્હેલના પાંખિયા પર તો જાણે કરવતના દાંતાની જેમ ભીંગડાં નીકળેલાં હોય છે.

      વ્હેલ પાણીમાં ઝડપથી ઉપર તરીને આવે છે, ત્યારે આ ભીંગડાં એની સ્પીડ વધારવા મદદ કરે છે. કઈ રીતે? નેચરલ હીસ્ટરી નામનું મૅગેઝિન એની સમજણ આપે છે. એ જણાવે છે કે ભલેને વ્હેલ ઝડપથી ગોળ ફરતી ફરતી ઉપર ચડી આવતી હોય તોપણ, આ ભીંગડાંને લીધે પાંખિયા પરથી પાણી એકધારું સહેલાઈથી સરી જાય છે. પણ જો પાંખિયાનો આગળનો ભાગ લીસો હોત, તો એટલા નાના કૂંડાળામાં વ્હેલ એવી રીતે ઉપર ચડી શકે નહિ. શા માટે નહિ? કેમ કે પાણી ગોળ ગોળ વલોવાઈને જાણે પાંખિયા પાછળ વમળ બની જાય અને માછલીને ઉપર ધકેલી ન શકે.

      આ શોધથી કયો ફાયદો થઈ શકે? વ્હેલના પાંખિયા પરથી જે વિમાનની પાંખો બનશે, એના પરથી હવા સહેલાઈથી પસાર થઈ જાય એ માટે, એમાં ખોલ-બંધ થતાં ઓછા પડ કે સાધનની જરૂર પડશે. વિમાનની એવી પાંખો વધારે સલામત હશે અને એનું રીપેર કામ કરવાનું પણ સહેલું બનશે. જીવવિજ્ઞાનના ઍક્સપર્ટ, જોન લોંગ માને છે કે જલદી જ એક દિવસ “આપણે જોઈશું કે દરેક વિમાનની પાંખો પર, ખૂંધવાળી વ્હેલના પાંખિયા પર છે, એવાં ભીંગડાં હશે.”

      દરિયાઈ પક્ષીની પાંખોની નકલ

      ખરું કે વિમાનની પાંખો પક્ષીની પાંખો પરથી જ બનાવવામાં આવી છે. હવે એને એન્જિનિયરો હજુ એક પગલું આગળ લઈ ગયા છે. ન્યૂ સાયન્ટિસ્ટ મૅગેઝિન જણાવે છે: “ફ્લોરિડા યુનિવર્સિટીના સંશોધકોએ એક પ્લેનનું ટ્રાયલ મોડેલ બનાવ્યું છે, જેમાં પાયલોટની જરૂર નથી. એ રીમોટ કંટ્રોલથી ઉડાવી શકાય છે. એ પ્લેન ઊડે છે, ઝડપથી નીચે ઊતરી પાછું ઉપર ચડી શકે છે.”

      સી-ગલ નામે લાંબી પાંખોવાળું એક દરિયાઈ પક્ષી છે. એ ઊડતી વખતે જાણે ફક્ત ખભાથી જ નહિ, કોણીથી પણ પાંખો ફફડાવે છે. ઉપર જણાવેલું મૅગેઝિન કહે છે: ‘એના પરથી નકલ કરીને, ૨૪ ઇંચના પ્લેનનું મોડેલ બનાવ્યું છે. એમાં મૂકેલી નાની મોટર નાના-નાના લોખંડના સળિયાની બનેલી પાંખોને કંટ્રોલ કરે છે.’ જોરદાર કારીગરીથી બનાવેલી આ પાંખોથી પ્લેન ઊંચી ઊંચી બિલ્ડિંગોની વચ્ચે ઊડી શકે છે. ઝડપથી ઉપર-નીચે જઈ શકે છે. અમેરિકાના ઍરફોર્સવાળા આવું પ્લેન બને એની કાગને ડોળે રાહ જુએ છે. પછી તેઓ મોટાં મોટાં શહેરોમાં જાનને જોખમી રોગો ફેલાવતાં જીવાણુઓ અને ઝેરી રસાયણો ભરેલાં હથિયારો શોધવા એ પ્લેન વાપરી શકશે.

      ગરોળીના પગની નકલ

      જમીન પર રહેતા જીવ-જંતુઓ પણ આપણને ઘણું શીખવે છે. જેમ કે ગરોળી. નાનકડી ગરોળી દીવાલ પર ચડી જાય છે. છતને ઊંધે માથે વળગી રહી શકે છે. અરે, એને તો ગુરુત્વાકર્ષણનો નિયમ પણ નડતો નથી! એવું તો ગરોળીમાં શું છે?

      ગરોળીના પગની આંગળીઓ નીચેથી જાણે ગાદી જેવી હોય છે. એના પર જાણે તાંતણા જેવા ઝીણા વાળ હોય છે. એના લીધે ગરોળી કાચ જેવી એકદમ લીસી સપાટીને પણ ચોંટી રહી શકે છે. એવું નથી કે તેના પગમાં ગુંદર ઝરે છે. ગરોળી તો નાનાં નાનાં કણો વચ્ચેના ખેંચાણનો ફાયદો ઉઠાવે છે. આ ખેંચાણ ‘વાન ડેર વોલ્સ’ નામે ઓળખાય છે. એ સાધારણ ખેંચાણને લીધે બંને સપાટી પરનાં કણો એકબીજા સાથે ચોંટી જાય છે. ગુરુત્વાકર્ષણના બળને કારણે આપણે દીવાલ સાથે હાથ ચોંટાડીને ઉપર ચડી શકતા નથી. પણ ગરોળી દીવાલ સાથે ચોંટે ત્યારે તેના પગ, પંજા બરાબર પસારી દે છે. એનાથી પંજામાં વાન ડેર વોલ્સનું ખેંચાણ હજારોગણું વધી જાય છે, જે નાનકડી ગરોળીનું વજન પકડી રાખી શકે છે.

      આ શોધનો શું ફાયદો થઈ શકે? ગરોળીના પગની નકલ પરથી બનાવેલું કાપડ વેલ્ક્રો નામના કાપડને બદલે વાપરી શકાય. વેલ્ક્રો પણ કુદરતની રચનાની નકલ કરીને જ બનાવાયું છે.a ધી ઇકોનોમીસ્ટ મૅગેઝિનમાં એક સંશોધક આમ જણાવે છે: ‘ખાસ કરીને કૅમિકલવાળા ગુંદરની ટેપ વાપરી ન શકાય એવા સમયે, મેડિકલ સારવારમાં ગરોળીના પગની નકલ કરીને બનાવેલી ટેપ વાપરી શકાય.’

      એ બધાનો યશ કોને મળવો જોઈએ?

      ‘નાસા’ (અમેરિકાની અવકાશ સંસ્થા) એક એવું રોબો મોડેલ બનાવી રહી છે, જે વીંછીની જેમ ઘણા પગથી ચાલી શકે. ફિનલૅન્ડના એન્જિનિયરોએ તો છ પગવાળાં જીવડાં જેવું એવું ટ્રૅક્ટર બનાવ્યું છે, જે રસ્તા પર આવતી કોઈ પણ અડચણોને પાર કરી જાય. બીજા સંશોધકોએ ઝીણાં ઝીણાં ફરવાળું કાપડ બનાવ્યું છે, જે શંકુ આકારના ચીડ નામના ઝાડના ફળ (પાઈન કોન) જેવું ખોલ-બંધ થઈ શકે. કાર બનાવનારા હવે બૉક્સફીશ નામની માછલીની રચના પરથી વાહન બનાવે છે. આ માછલીના શરીરની રચના એવી છે જેથી તરતી વખતે તેની ગતિમાં વધારે અવરોધ ન આવે અને એ સહેલાઈથી તરી શકે. હજુ બીજા એવા સંશોધકો છે જેઓ શરીર માટે છીપલાના કવચ જેવું બખ્તર બનાવવા માગે છે. જેનાથી અચાનક કોઈ ઝાટકા ન લાગે, વજન પણ બહુ ન હોય અને મજબૂત હોય.

      કુદરતની રચનામાંથી સંશોધકોને ઘણું જ શીખવા મળ્યું છે, ઘણા આઇડિયા મળ્યા છે. અરે, તેઓએ તો હજારો જુદી જુદી રીતોનું લીસ્ટ બનાવી રાખ્યું છે. ધી ઇકોનોમીસ્ટ મૅગેઝિન કહે છે કે વૈજ્ઞાનિકો એ માહિતીમાંથી “ડિઝાઇનને લગતી પોતાની મુશ્કેલીઓ વિષે કુદરતનો જવાબ” મેળવી શકે છે. સંશોધકોનું કહેવું છે કે એ કુદરતી રચનાની માહિતીના પેટન્ટ અધિકાર “જીવવિજ્ઞાનને” મળવા જોઈએ. મોટે ભાગે એ પેટન્ટ અધિકાર એવી વ્યક્તિ કે કંપનીને આપવામાં આવે છે, જેમણે કોઈ નવી રીત કે મશીનની શોધ કરી હોય. આ વિષે ચર્ચા કરતા ધી ઇકોનોમીસ્ટ કહે છે: “કુદરતી રચના પરથી મળેલા જોરદાર આઇડિયા કે ડિઝાઇનના પેટન્ટ અધિકાર ‘જીવવિજ્ઞાનને મળવા જોઈએ’ એમ કહીને સંશોધકો એ વાત પર ભાર મૂકવા માંગે છે કે હકીકતમાં તો કુદરતનો જ એના પર હક્ક છે.”

      હવે મોટો સવાલ એ છે કે કુદરતમાં આ બધી ડિઝાઇન આવી ક્યાંથી? ઘણા સંશોધકો આ અજબ-ગજબની રચનાનો યશ ઉત્ક્રાંતિને આપે છે. કહે છે કે કુદરતમાં આવી બધી ડિઝાઇનોની ઉત્ક્રાંતિ થતા લાખો વર્ષો થયાં છે. જોકે બીજા સંશોધકો કંઈક અલગ જ માને છે. ૨૦૦પમાં ધ ન્યૂ યોર્ક ટાઇમ્સમાં જીવવિજ્ઞાની મીખેલ બેહેએ લખ્યું કે કુદરતમાં જોવા મળતી ડિઝાઇનોની સીધી-સાદી એક જ દલીલ છે: ‘પ્રાણી અને વનસ્પતિનો અભ્યાસ સ્પષ્ટ પુરાવો આપે છે કે કોઈએ તેઓને બનાવ્યા છે. પુરાવો એ પણ બતાવે છે કે કોઈએ વિશ્વ બનાવ્યું છે. તો બધાએ સ્વીકારવું જોઈએ કે એ સાચું છે.’ તે શું કહેવા માંગતા હતા? એ જ કે ‘જો કોઈ ડિઝાઇન દેખીતી રીતે જ કંઈક સાબિત કરતી હોય તો એનાથી આંખ આડા કાન કરવાની જરૂર નથી.’

      જો કોઈ એન્જિનિયર વિમાનની વધારે સારી પાંખોની ડિઝાઇન કરે, તો એની શોધ માટે તેને શાબાશી મળવી જોઈએ. માનો કે કોઈએ જખમ પર બાંધવાના વધારે સારા પાટાની શોધ કરી હોય. કોઈએ સરસ કાપડની શોધ કરી હોય. કોઈએ વધારે સારી કાર બનાવી હોય. એ બધાયને તેઓની રચના માટે શાબાશી તો મળવી જ જોઈએ. પણ જો કોઈ બીજાની ડિઝાઇનની નકલ કરે અને અસલ ડિઝાઇન કરનારનો હક્ક ન સ્વીકારે તો એ ગુનેગાર ઠરે છે.

      તો પછી તમને આ વિષે શું લાગે છે? ભણેલા-ગણેલા સંશોધકો જાત-જાતની મુશ્કેલીઓનો જવાબ શોધવા કુદરતી રચનાની નકલ કરે. પછી સવાલ ઊઠે કે એ અસલ રચના આટલી સરસ કોણે બનાવી? તો કહેશે કે ઠોઠ ઉત્ક્રાંતિએ! જો ડિઝાઇનની કૉપી કરવા માટે હોશિયાર ડિઝાઇનર જોઈએ, તો અસલ ડિઝાઇન વિષે શું? એ માટે કોને યશ મળવો જોઈએ? અસલ કલાકાર, ચિત્રકારને કે પછી એની કૉપી કરતા સ્ટુડન્ટને?

      સીધો-સાદો જવાબ

      કુદરતની રચનાને જોઈને ઘણા લોકો આ કવિ સાથે સહમત થાય છે: “હે યહોવાહ, તારાં કામ કેવાં તરેહતરેહનાં છે! તેં તે સઘળાંને ડહાપણથી પેદા કર્યાં છે; પૃથ્વી તારી સંપત્તિથી ભરપૂર છે.” (ગીતશાસ્ત્ર ૧૦૪:૨૪) બાઇબલના એક લેખક પાઊલે પણ એમ જ કહ્યું: ‘ઈશ્વરના અદૃશ્ય ગુણો, એટલે તેનું સનાતન પરાક્રમ અને ઈશ્વરત્વ જગત ઉત્પન્‍ન થયું ત્યારથી સર્જેલી વસ્તુઓનો વિચાર કરતા સ્પષ્ટ દેખાય છે.’—રૂમી ૧:૧૯, ૨૦.

      તોપણ ઘણા એવા લોકો છે, જેઓ બાઇબલને માન આપે છે અને ઈશ્વરમાં માને છે. સાથે સાથે એમ પણ માને છે કે ઈશ્વરે કુદરતી દુનિયાની અજબ-ગજબની રચના તો ઉત્ક્રાંતિથી જ કરી છે. ચાલો જોઈએ કે બાઇબલ એ વિષે શું જણાવે છે? (g 9/06)

      [ફુટનોટ]

      a વેલ્ક્રો એટલે ઝીણા ઝીણા હૂકવાળું, સામેના કાપડને ચોંટી રહેતું કાપડ. એની શોધ કાંટાળાં ફૂલવાળા એક છોડનાં (બરડૉકનાં) બીની નકલ પરથી થઈ છે.

      [પાન ૫ પર બ્લર્બ]

      કુદરતમાં આવી અજબ-ગજબની રચના ક્યાંથી આવી?

      [પાન ૬ પર બ્લર્બ]

      કુદરતી ડિઝાઇન પર કોનો હક્ક છે?

      [પાન ૭ પર બોક્સ/ચિત્રો]

      જો કોઈ ડિઝાઇનની કૉપી કરવા માટે હોશિયાર ડિઝાઇનર જોઈએ, તો અસલ ડિઝાઇન વિષે શું?

      ગરોળીના પગ નથી ગંદા થતા, નથી નિશાન છોડતા. એ ટેફ્લોન કે નોન-સ્ટીક સિવાય બધી સપાટી પર સહેલાઈથી ચોંટી ને ઊખડી શકે છે. સંશોધકો એની નકલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે

      સહેલાઈથી ઉપર-નીચે જતું આ વિમાન, સી-ગલ નામના દરિયાઈ પક્ષીની પાંખોની નકલ છે

      બૉક્સફીશ કહેવાતી માછલીની રચના પરથી કારની ડિઝાઇન, બૉક્સફીશને પાણીનો અવરોધ ઓછો નડે છે

      [ક્રેડીટ લાઈન્સ]

      વિમાન: Kristen Bartlett/University of Florida; ગરોળીના પગ: Breck P. Kent; બૉક્સફીશ અને કાર: Mercedes-Benz USA

      [પાન ૮ પર બોક્સ/ચિત્રો]

      બુદ્ધિશાળી મુસાફરો

      પૃથ્વી પર હરતા-ફરતા ઘણાં પશુ-પંખીઓ, જીવ-જંતુઓ બહુ જ “શાણાં છે.” તેઓ બહુ બુદ્ધિશાળી હોય છે. (નીતિવચનો ૩૦:૨૪, ૨૫) ચાલો બે દાખલા લઈએ.

      ▪ કીડીઓની મુસાફરી વિચારો કે ખોરાકની શોધમાં નીકળેલી કીડી કઈ રીતે પોતાના ઘરે પાછી આવે છે? યૂનાઈટેડ કિંગ્ડમના સંશોધકોને જાણવા મળ્યું છે કે કેટલીક કીડીઓ પોતાના આગેવાનોએ ત્યજેલી ગંધને પારખીને પાછી આવે છે. જ્યારે કે અમુક કીડીઓને એ માટે ભૂમિતિનું જ્ઞાન છે. કઈ રીતે? દાખલા તરીકે, ન્યૂ સાયન્ટિસ્ટ મૅગેઝિન આમ જણાવે છે: એક પ્રકારની કીડીઓ ‘કીડિયારાંમાંથી નીકળતી વખતે, ૫૦થી ૬૦ અંશના ખૂણે દાંતા જેવો ચળકતો લિસોટો કે નિશાની મૂકતી જાય છે.’ એનાથી કીડીઓને કઈ રીતે મદદ મળે છે? એટલે ઘરે પાછી ફરતી વખતે, કીડીને જ્યારે એ ચળકતો લિસોટો કે નિશાની દેખાય, એટલે એ પકડીને આમ-તેમ ફાંફાં માર્યા વગર ઘરે પહોંચી જાય છે. ઉપર જણાવેલું મૅગેઝિન કહે છે કે ‘આ રીતે દાંતા જેવા રસ્તાની ભૂમિતિથી કીડીઓ સારી રીતે અવર-જવર કરી શકે છે. ખાસ કરીને જ્યારે બે-ત્રણ લાઇનમાં અમુક કીડીઓ આવતી હોય, અમુક જતી હોય. આ રીતે ખોટે રસ્તે ભૂલા ન પડવાથી, દરેક કીડીની શક્તિ બચી જાય છે.’

      ▪ પક્ષીઓમાં હોકાયંત્ર કે કમ્પસ ઘણા પક્ષીઓ દૂર દૂર લાંબા અંતરે ઊડે છે. ભલે ગમે એવી મોસમ હોય તોપણ, તેઓની ધારેલી જગ્યાએ બરાબર પહોંચી જાય છે. કઈ રીતે? સંશોધકોને જાણવા મળ્યું છે કે પક્ષીઓ પૃથ્વીના ચુંબકીય પ્રવાહને પારખીને આમ કરી શકે છે. તોપણ, સાયન્સ મૅગેઝિન પ્રમાણે પૃથ્વીનો ‘ચુંબકીય પ્રવાહ એકથી બીજી જગ્યાએ જુદો જુદો હોઈ શકે. એ હંમેશાં ઉત્તર દિશા તરફ ખેંચતો ન પણ હોય.’ તો પછી પક્ષીઓ કેમ ખોટી દિશાએ ફંટાઈ જતાં નથી? પક્ષીઓમાં જાણે કે હોકાયંત્ર હોય છે. દર સાંજે આથમતા સૂરજ સાથે જાણે તે પોતાના હોકાયંત્રને તપાસીને ખરી દિશા જાણી લે છે. પરંતુ ભૂમધ્ય રેખાથી દક્ષિણ કે ઉત્તરનું કોણીય અંતર અને મોસમ બદલાય છે તેમ, સૂરજ આથમવાની જગ્યા પણ બદલાતી હોય છે. એટલે સાયન્સ મૅગેઝિન પ્રમાણે સંશોધકોને લાગે છે કે આવા કિસ્સામાં ખરી દિશા જાણવા પક્ષીઓ “જાણે પોતાની અંદર રહેલી કુદરતી ઘડિયાળની મદદ લે છે, જે બતાવે છે કે વર્ષની કઈ મોસમ ચાલી રહી છે.”

      કીડીઓને કોણે ભૂમિતિનું જ્ઞાન આપ્યું? પક્ષીઓને કોણે હોકાયંત્ર આપ્યું? કુદરતી ઘડિયાળ આપી? કોણે એવું જોરદાર મગજ આપ્યું, જેનાથી સાધનો પૂરી પાડે એવી માહિતી તેઓ જાણે છે? શું અબુધ ઉત્ક્રાંતિએ? કે પછી બુદ્ધિશાળી ઈશ્વરે?

      [ક્રેડીટ લાઈન]

      © E.J.H. Robinson 2004

  • શું ઈશ્વરે ઉત્ક્રાંતિથી જીવનની શરૂઆત કરી?
    સજાગ બનો!—૨૦૦૬ | ઑક્ટોબર
    • શું ઈશ્વરે ઉત્ક્રાંતિથી જીવનની શરૂઆત કરી?

      “ઓ અમારા પ્રભુ તથા દેવ [યહોવાહ], મહિમા, માન તથા સામર્થ્ય પામવાને તું જ યોગ્ય છે; કેમ કે તેં સર્વેને ઉત્પન્‍ન કર્યાં, અને તારી ઇચ્છાથી તેઓ હતાં, ને ઉત્પન્‍ન થયાં.”—પ્રકટીકરણ ૪:૧૧.

      ઉત્ક્રાંતિની માન્યતા ચાર્લ્સ ડાર્વિને જગજાહેર કરી. એ સમયે ઘણાં ચર્ચના ખ્રિસ્તીઓ એવી રીતો શોધવા માંડ્યા, જેનાથી ઈશ્વરમાં શ્રદ્ધા પણ રહે અને ઉત્ક્રાંતિમાં પણ માની શકાય.

      આજે મોટા ભાગે ચર્ચોના ખ્રિસ્તીઓને એવું માનવામાં વાંધો નથી કે ઈશ્વરે ઉત્ક્રાંતિથી જીવનની ઉત્પત્તિ કરી. અમુક તો એવું શીખવે છે કે ઈશ્વરે વિશ્વને પહેલેથી જ એવી રીતે બનાવ્યું હશે. એટલે નિર્જીવ રસાયણો કે કૅમિકલમાંથી કોઈક જીવની ઉત્ક્રાંતિ થઈ. આખરે એમાંથી માનવ પેદા થયો. એવું માનનારા લોકોને એવું લાગે છે કે એક વાર એ પ્રોગ્રામ શરૂ કર્યા પછી, ઈશ્વરે એમાં માથું માર્યું નહિ. બીજા એમ પણ માને છે કે મોટે ભાગે ઈશ્વરે ઉત્ક્રાંતિથી વનસ્પતિ અને પ્રાણીઓનાં કુટુંબ ઉત્પન્‍ન થવાં દીધાં. પણ ક્યારેક ક્યારેક ઈશ્વરે એમાં વધારે પ્રગતિ કરવા મદદ કરી.

      આ માન્યતાની ભેળ-સેળ ગળે ઉતરે એવી છે?

      શું ઉત્ક્રાંતિની માન્યતા સાચે જ બાઇબલના શિક્ષણને મળતી આવે છે? બાઇબલ જણાવે છે કે પહેલા માણસ, આદમને ઈશ્વરે ઉત્પન્‍ન કર્યો. જો ઉત્ક્રાંતિની માન્યતા સાચી હોય, તો પછી બાઇબલનો એ અહેવાલ ફક્ત વાર્તા જ કહેવાય, હકીકત નહિ. (ઉત્પત્તિ ૧:૨૬, ૨૭; ૨:૧૮-૨૪) ઈસુએ એના વિષે શું જણાવ્યું? તેમણે કહ્યું કે “શું તમે આ શાસ્ત્રભાગ નથી વાંચ્યો? આરંભમાં સર્જનહારે નર અને નારી ઉત્પન્‍ન કર્યાં, અને કહ્યું: આ કારણને લીધે માણસ પોતાનાં માતાપિતાને મૂકીને પોતાની પત્નીને વળગી રહેશે અને તેઓ બંને એક થશે. તેથી હવે તેઓ બે નહિ, પણ એક જ છે. એ માટે ઈશ્વરે જેઓને જોડ્યાં છે તેઓને કોઈ માણસે અલગ પાડવાં નહિ.”—માથ્થી ૧૯:૪-૬, પ્રેમસંદેશ.

      ઈસુ અહીં બાઇબલના પહેલાં પુસ્તક ઉત્પત્તિના બીજા અધ્યાયની વાત કરતા હતા. શું ઈસુ એમ માનતા હતા કે પહેલા સ્ત્રી-પુરુષ, આદમ અને હવાના લગ્‍નની વાત તો ફક્ત વાર્તા જ હતી? ના, જો એમ હોત તો લગ્‍નના પવિત્ર બંધન વિષે શીખવવા ઈસુ એ દાખલો જરાય ન વાપરત. એના બદલે ઈસુએ ઉત્પત્તિનો એ બનાવ જણાવ્યો, કેમ કે ઈસુને ખબર હતી કે એ હકીકત છે.—યોહાન ૧૭:૧૭.

      ઈસુના શિષ્યો પણ તેમની જેમ જ ઉત્પત્તિના પુસ્તકના એ લખાણમાં માનતા હતા. જેમ કે લુક નામના શિષ્યે લખેલા પુસ્તકમાં, ઈસુની વંશાવળી છેક આદમ સુધી જાય છે. (લુક ૩:૨૩-૩૮) જો આદમ વિષે ફક્ત વાર્તા જ હોય, હકીકત ન હોય, તો એ વંશાવળી કેટલી સાચી? જો અસલ કુટુંબની વંશાવળી મૂળથી જ ખોટી હોય, તો પછી ઈસુની એ વાત કેટલી સાચી કે તે મસીહ છે, તે દાઊદના વંશમાંથી આવે છે? (માત્થી ૧:૧) બાઇબલના એક લેખક લુકે જણાવ્યું કે તેમણે ‘શરૂઆતથી સઘળી વાતોની શોધ ચોકસાઈથી કરી હતી.’ એ બતાવે છે કે તે પોતે ઉત્પત્તિના લખાણમાં માનતા હતા.—લુક ૧:૩.

      ઈશ્વરભક્ત પાઊલે ઈસુમાં પૂરો ભરોસો મૂક્યો, કેમ કે તે પણ ઉત્પત્તિના એ લખાણમાં ભરોસો કરતા હતા. તેમણે એ વિષે લખ્યું: ‘જેમ માણસ દ્વારા મરણ થયું, તેમ માણસ દ્વારા મૂએલાંનું પુનરુત્થાન પણ થયું. કેમ કે જેમ આદમ દ્વારા સર્વ મરે છે, તેમ જ વળી ખ્રિસ્ત દ્વારા સર્વ સજીવન થશે.’ (૧ કોરીંથી ૧૫:૨૧, ૨૨) માનો કે જેનાથી “જગતમાં પાપ પેઠું, ને પાપથી મરણ,” એ આદમથી સર્વ મનુષ્યો આવ્યા નથી. તો પછી, પાપ અને મરણનો નાશ કરવા, ઈસુએ શા માટે કુરબાની આપવાની જરૂર પડી?—રૂમી ૫:૧૨; ૬:૨૩.

      જો ઉત્પત્તિના લખાણમાં આપણે ન માનીએ, તો ઈશ્વરમાં આપણી શ્રદ્ધાનો પાયો ડગમગી રહ્યો છે, પડી ભાંગવાની તૈયારીમાં છે. ઉત્ક્રાંતિની માન્યતા અને ઈસુના શિક્ષણમાં આભ જમીનનો ફરક છે. એ બંનેની ભેળસેળ કરવાનો પ્રયત્ન કરવાથી આપણી શ્રદ્ધાની જ્યોત ધીમે ધીમે હોલવાતી જશે. પછી આપણે “દરેક ભિન્‍ન ભિન્‍ન મતરૂપી પવનથી ડોલાં ખાનારા તથા આમતેમ ફરનારા” બની જઈશું.—એફેસી ૪:૧૪.

      હકીકતોના પાયા પર બંધાયેલી અડગ શ્રદ્ધા

      સદીઓથી બાઇબલની ટીકા કરવામાં આવે છે. ઘણું સાચું-ખોટું કહેવામાં આવે છે. તોપણ આખરે બાઇબલની જ જીત થઈ છે. ભલે પછી એ ઇતિહાસ, તંદુરસ્તી, વિજ્ઞાન જેવા કોઈ પણ વિષયની વાત હોય, બાઇબલની માહિતી પર ભરોસો મૂકી શકાય છે. બાઇબલ એ પણ શીખવે છે કે આપણે એકબીજા સાથે કેવી રીતે હળી-મળીને રહી શકીએ. એ સલાહ કદી જૂની થતી નથી. મનુષ્યોની ફિલસૂફીઓ લીલા ઘાસની જેમ, માનો કે આજે ઊગે ને કાલે ચીમળાઈ જાય. પણ બાઇબલમાં ઈશ્વરની જે સલાહ છે એ “સર્વકાળ સુધી કાયમ રહેશે.”—યશાયાહ ૪૦:૮.

      ઉત્ક્રાંતિનું શિક્ષણ હવે ફક્ત સાયન્સની માન્યતા પૂરતું જ રહ્યું નથી. એ તો વર્ષોથી માનવ ફિલસૂફી તરીકે ફૂલ્યું-ફાલ્યું છે. જોકે હમણાં હમણાં તો ઉત્ક્રાંતિ વિષે ડાર્વિનની મૂળ માન્યતાની પણ જાણે ઉત્ક્રાંતિ થઈ રહી છે. એમાં પ્રગતિ થઈ છે. એનું કારણ એ કે કુદરતની કરામતના જીવતા દાખલા મળી આવે છે, એને સમજાવવા કેવી રીતે? એ માટે જાણે નવાં નવાં કારણો શોધવાં પડે છે. અમે ચાહીએ છીએ કે આ વિષય પર આ મૅગેઝિનમાં તમે આગળ વાંચો. એ સિવાય આ પાન અને ૩૨મા પાન પર બતાવેલાં પુસ્તકો પણ તમે વાંચી શકો.

      આ વિષય પર વધારે જાણીને પહેલાના જમાના વિષે બાઇબલ જે જણાવે છે, એમાં તમારો ભરોસો હજુ વધશે. ખાસ કરીને, આવતી કાલ વિષે બાઇબલમાં જે વચનો આપેલાં છે, એમાં તમારી શ્રદ્ધા વધશે. (હેબ્રી ૧૧:૧) તમને પણ ઈશ્વર યહોવાહની ભક્તિ કરવાનું મન થઈ શકે, જે ‘આકાશ અને પૃથ્વીના ઉત્પન્‍ન કરનાર છે.’—ગીતશાસ્ત્ર ૧૪૬:૬. (g 9/06)

      આ પણ વાંચો

      સર્વ લોકો માટેનું પુસ્તક બાઇબલની સચ્ચાઈના અમુક પુરાવાની આ પુસ્તિકામાં ચર્ચા થઈ છે

      વધારે વૈજ્ઞાનિક પુરાવા જાણો અને જુઓ કે પ્રેમના સાગર ઈશ્વર કેમ બધાં દુઃખો ચાલવા દે છે?

      પવિત્ર બાઇબલ શું શીખવે છે? આ પુસ્તકનું ત્રીજું પ્રકરણ જણાવે છે કે ઈશ્વરે આ ધરતી કેમ બનાવી?

      [પાન ૧૦ પર બ્લર્બ]

      ઈસુ ઉત્પત્તિના લખાણમાં માનતા હતા. શું તે છેતરાયા હતા?

      [પાન ૯ પર બોક્સ]

      ઉત્ક્રાંતિ એટલે શું?

      ઉત્ક્રાંતિની એક વ્યાખ્યા આ છે: ‘એક ચોક્કસ રીતે ધીમે ધીમે ફેરફારો થવા.’ પણ એ વ્યાખ્યા જુદા જુદા અર્થમાં વપરાય છે. દાખલા તરીકે, એનો એક અર્થ આમ થાય છે: નિર્જીવ વસ્તુઓમાં થતા મોટા મોટા ફેરફારો, જેમ કે વિશ્વનો ફેલાવો. એ સિવાય, સજીવોમાં થતા નાના નાના ફેરફારો વિષે સમજાવવા પણ આ શબ્દ વપરાય છે. જેમ કે વનસ્પતિ અને પ્રાણીઓ આસપાસના વાતાવરણ પ્રમાણે ટેવાઈ જાય છે ત્યારે તેઓમાં નાના નાના ફેરફારો જોવા મળે છે. જોકે ‘ઉત્ક્રાંતિ’ શબ્દ ખાસ કરીને આ મંતવ્ય કે થીયરી સમજાવવા માટે વપરાય છે: નિર્જીવ રસાયણોમાંથી જીવનની શરૂઆત થઈ. એ રસાયણો જાતે જ ફલિત થતા કોષો બન્યા. એમાંથી ધીમે ધીમે વધારે અંગોવાળા પ્રાણીઓ બનતા ગયા. આખરે સૌથી બુદ્ધિશાળી માણસ બન્યો. આ લેખમાં “ઉત્ક્રાંતિ” શબ્દ ત્રીજી રીત માટે વપરાયો છે.

      [પાન ૧૦ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

      અવકાશનો ફોટો: J. Hester and P. Scowen (AZ State Univ.), NASA

  • જીવવૈજ્ઞાનિક સાથે ઇન્ટર્વ્યૂં
    સજાગ બનો!—૨૦૦૬ | ઑક્ટોબર
    • જીવવૈજ્ઞાનિક સાથે ઇન્ટર્વ્યૂં

      માઈકલ જે. બિહી જીવવૈજ્ઞાનિક છે. તે પેન્સીલ્વેનિયા, અમેરિકાની લીહાઇ યુનિવર્સિટીમાં એક પ્રોફેસર છે. તેમણે ૧૯૯૬માં ડાર્વિન્સ બ્લેક બૉક્સ—ધ બાયોકૅમિકલ ચેલેંજ ટુ ઇવોલ્યુશન નામનું પુસ્તક બહાર પાડ્યું હતું. મે ૮, ૧૯૯૭ના અવેક! (સજાગ બનો!)માં માઈકલ બિહીના પુસ્તકમાંથી અમુક બાબતો ટાંકવામાં આવી હતી. ‘આપણે આપોઆપ આવી ગયા કે કોઈએ બનાવ્યા છે?’ વિષય ઉપર એમાં અનેક લેખો હતા. ડાર્વિન્સ બ્લેક બૉક્સ પુસ્તકમાં બિહીએ જે રીતે માહિતી રજૂ કરી છે એને જૂઠી પાડવા ઉત્ક્રાંતિમાં માનતા વૈજ્ઞાનિકો દસેક વર્ષથી સખત પ્રયત્ન કરી રહ્યા છે. તેઓનું કહેવું છે કે બિહી રોમન કૅથલિક હોવાથી વૈજ્ઞાનિક રીતે જીવનની શરૂઆત વિષે બરાબર વિચારી શકતા નથી. તે ફક્ત પોતાની માન્યતા જ રજૂ કરે છે. તેમ જ બીજા વૈજ્ઞાનિકોનું માનવું છે કે બિહીનું શિક્ષણ વિજ્ઞાન સાથે સહમત નથી. સજાગ બનો!ના લેખકે પ્રોફેસર બિહીને ઇન્ટર્વ્યૂંમાં પૂછ્યું કે ‘તમારા વિચારોને કારણે વિજ્ઞાનની દુનિયામાં કેમ હલચલ મચી ગઈ છે?’

      સજાગ બનો!: જીવંત વસ્તુઓ જોઈને તમને કેમ એવું લાગે છે કે એને બનાવનાર કોઈ હોવું જ જોઈએ?

      પ્રોફેસર બિહી: અનેક જટિલ ભાગોથી બનેલી ચીજ-વસ્તુઓ જોઈને અમે અનુમાન કરીએ છીએ કે એને જરૂર કોઈએ બનાવી છે. ઘાસ કાપવાનું મશીન કે કારનો જ દાખલો લો. એનાથી પણ સાદો દાખલો લઈએ: ઉંદરિયું, ઉંદર પકડવાનું પાંજરું. મને ઉંદરિયાંનો દાખલો વાપરવાનું બહુ જ ગમે. સાદા ઉંદરિયામાં પણ અનેક ભાગો હોય છે. એ યોગ્ય રીતે ગોઠવ્યા હોવાથી ઉંદર પકડાય છે. એ બતાવે છે કે એને કોઈએ બનાવ્યું છે.

      વિજ્ઞાનમાં બહુ જ પ્રગતિ થઈ છે. વૈજ્ઞાનિકો હવે સારી રીતે સમજી શકે છે કે સજીવ વસ્તુઓમાં જુદા જુદા ભાગ કેવી રીતે કામ કરે છે. શરીરના કોષનો અભ્યાસ કરવાથી વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે એમાં મશીનની જેમ જુદા જુદા ભાગો હોય છે. દાખલા તરીકે, દરેક કોષમાં નાના નાના અણુ હોય છે. અણુઓ કોષમાં એક છેડેથી બીજે છેડે ‘ટ્રકની’ જેમ જરૂરિયાતો પહોંચાડે છે. રસ્તાઓ પર જે રીતે “નિશાનીઓ” હોય છે એવી જ રીતે કોષમાં પણ નિશાનીઓ હોય છે. જેથી અણુ ખોટી દિશામાં ન પહોંચી જાય. અમુક કોષોમાં એવા અણુ હોય છે જે મોટરવાળી બોટની જેમ કામ કરે છે. એની મદદથી કોષ એકથી બીજી જગ્યાએ સહેલાઈથી જઈ શકે છે. આમ, કોષમાં જે રીતે અનેક ભાગો કામ કરે છે એવી જ ગોઠવણ આપણને બીજી કોઈ વસ્તુમાં પણ જોવા મળે તો, જરૂર કબૂલ કરીશું કે કોઈકે એને બનાવ્યું છે. એ જટિલ બાબતો કેવી રીતે બની એ સમજાવવા અમારી પાસે બીજો કોઈ પુરાવો નથી. પછી ભલેને ડાર્વિનનું શિક્ષણ એમ શીખવતું હોય કે આપણે આપમેળે આવી ગયા છીએ. અમારો અનુભવ છે કે આવી જટિલ બાબતોની રચના કરનાર કોઈ હોવું જ જોઈએ. એટલે જ અમારું માનવું છે કે કોઈકે તો અણુની રચના કરી હોવી જોઈએ.

      સજાગ બનો!: તમે કહો છો કે કોઈકે સૃષ્ટિ રચી છે. પણ મોટા ભાગના વૈજ્ઞાનિકો એમ માનતા નથી. એનું શું કારણ?

      પ્રોફેસર બિહી: સૃષ્ટિ પાછળ કોઈનો હાથ છે, એ સાંભળીને ઘણા વૈજ્ઞાનિકો ગભરાઈ જાય છે. કારણ કે તેઓ એ સ્વીકારવા તૈયાર નથી કે સર્જનહાર છે. એ નિષ્કર્ષ પર આવતા ઘણાને ગભરામણ થાય છે. તોપણ હું એ જ શીખવતો આવ્યો છું કે વૈજ્ઞાનિક પુરાવાઓથી જે કંઈ સાબિત થાય એને આપણે ખુશીથી સ્વીકારવું જોઈએ. મારા માનવા પ્રમાણે બધી વસ્તુઓમાંથી પુરાવો મળે છે કે એની પાછળ કોઈ શક્તિ છે. જેઓ એ સ્વીકારવા તૈયાર નથી તેઓ બીકણ છે. તેઓ જો એ સ્વીકારે તો તેઓએ સર્જનહારમાં માનવું પડે. પણ એમ કરવા તેઓ તૈયાર નથી.

      સજાગ બનો!: બીજા વૈજ્ઞાનિકો જ્યારે એમ કહે છે કે તમે સર્જનહારમાં માનો છો ત્યારે લોકોને અંધારામાં રાખો છો. તેઓને તમે કેવો જવાબ આપશો?

      પ્રોફેસર બિહી: કુદરતી વસ્તુઓ પરથી હું માનું છું કે કોઈ બુદ્ધિશાળી સર્જનહાર છે. એમ કહેવાથી કંઈ આપણે અંધારામાં નથી. આપણે અજ્ઞાની હોવાથી નહિ પણ જ્ઞાની હોવાથી માનીએ છીએ કે સર્જનહાર છે. આજથી દોઢસો વર્ષ પહેલાં ડાર્વિને ઓરિજીન ઓફ સ્પિસીસ પુસ્તક લખ્યું હતું. ત્યારે વૈજ્ઞાનિકો માનતા કે જીવનની રચના એકદમ સાદી છે. એટલે કે સમુદ્રના કાદવમાંથી કોષ આપમેળે પેદા થઈ ગયો. ખરું કહીએ તો વૈજ્ઞાનિકોને આજકાલમાં ખબર પડી છે કે આપણે ધાર્યું હતું એટલો સાદો કોષ નથી. એ તો ૨૧મી સદીના મશીનો કરતાં પણ વધારે જટિલ છે. એ જ પુરાવો આપે છે કે એનો રચનાર કોઈ છે.

      સજાગ બનો!: શું વિજ્ઞાને એવું કંઈ પુરવાર કર્યું છે કે ઉત્ક્રાંતિથી મશીન જેવા અણુ આપોઆપ પેદા થઈ શકે?

      પ્રોફેસર બિહી: તમે જો વિજ્ઞાનના પુસ્તકોમાં સંશોધન કરશો તો જોવા મળશે કે, આજ સુધી કોઈએ પુરવાર કર્યું નથી કે ઉત્ક્રાંતિથી અણુ કઈ રીતે બને છે. મેં પુસ્તકમાં લખ્યું છે કે જીવન કોઈ કુશળ કારીગરની કરામત છે. એ જૂઠું ઠરાવવા વૈજ્ઞાનિકોએ નૅશનલ એકેડમી ઑફ સાયન્સીસ અને અમેરિકન એસોસિએશન ફૉર ધી એડવાન્સમેન્ટ ઑફ સાયન્સ જેવી સંસ્થાઓને આગ્રહ કર્યો કે તેઓ મને ખોટો સાબિત કરવા કંઈક કરે. એને પણ આજે દસ વર્ષ થયાં છે. તોય તેઓએ હજી કંઈ કર્યું નથી.

      સજાગ બનો!: વૈજ્ઞાનિકો જ્યારે અમુક વૃક્ષ કે પ્રાણીનો દાખલો આપીને કહે છે કે તેઓની રચનામાં ખામી છે, ત્યારે તમે તેઓને શું કહો છો?

      પ્રોફેસર બિહી: આપણે અમુક અંગ વિષે બધું જ જાણતા ન હોવાથી એવું ન માનવું જોઈએ કે એ નકામું છે. અથવા એમાં ખામી છે. દાખલા તરીકે, અમુક વર્ષો પહેલાં માનવામાં આવતું કે કોઈ અંગની બરાબર વૃદ્ધિ થઈ ન હોય તો, એની રચનામાં ખામી છે. પણ એવું નથી. એક દાખલો લો: એક સમયે એવું માનવામાં આવતું કે આપણા શરીરમાં ઍપેન્ડિક્સ અને કાકડા કે ટોન્સીલ નકામા છે. એ ન હોય તોપણ ચાલે. તેથી ઑપરેશન કરીને ઘણી વાર એને કાઢી નાખવામાં આવતાં. પરંતુ સમય જતાં ખબર પડી કે એ તો, રોગ સામે લડવામાં મોટો ભાગ ભજવે છે.

      બીજી એક બાબત ભૂલવી ન જોઈએ કે સજીવોમાં અણધાર્યા ફેરફાર થાય છે. એક દાખલો લઈએ: જો મારી કારમાં ગોબો પડે કે ટાયરમાં પંચર પડી જાય તો, આપણે એવું ન વિચારવું જોઈએ કે એનો કોઈ બનાવનાર જ નથી. એ જ રીતે, જીવંત વસ્તુઓમાં કોઈ અણધાર્યા ફેરફાર થાય તો એમ ન માનવું કે મશીન જેવા જટિલ કોષો આપમેળે આવી ગયા છે. એ ઉત્ક્રાંતિથી આવી ગયા છે એમ માનવું જરાય વાજબી નથી. (g 9/06)

      [પાન ૧૨ પર બ્લર્બ]

      “મારા માનવા પ્રમાણે બધી વસ્તુઓમાંથી પુરાવો મળે છે કે એની પાછળ કોઈ શક્તિ છે. જેઓ એ સ્વીકારવા તૈયાર નથી તેઓ બીકણ છે. તેઓ જો એ સ્વીકારે તો તેઓએ સર્જનહારમાં માનવું પડે. પણ એમ કરવા તેઓ તૈયાર નથી”

  • શું ઉત્ક્રાંતિનું શિક્ષણ સાચું છે?
    સજાગ બનો!—૨૦૦૬ | ઑક્ટોબર
    • શું ઉત્ક્રાંતિનું શિક્ષણ સાચું છે?

      ‘જેમ સૂર્યમાંથી આવતી ગરમી એક હકીકત છે, તેમ ઉત્ક્રાંતિ એક હકીકત છે,’ પ્રોફેસર રીચર્ડ ડોકિન્સ પૂરા વિશ્વાસથી આમ કહે છે. તે મશહુર ઉત્ક્રાંતિવાદી વૈજ્ઞાનિક પણ છે. વાત સાચી છે કે અનેક વૈજ્ઞાનિક પરીક્ષણો અને આપણો પોતાનો અનુભવ સાબિત કરે છે કે સૂરજમાંથી ખૂબ ગરમી નીકળે છે. પણ શું કોઈ પરીક્ષણથી કે માણસના અનુભવથી એ સાબિત થયું છે કે આખું વિશ્વ ઉત્ક્રાંતિથી આવ્યું છે?

      આ પ્રશ્નનો જવાબ આપતા પહેલાં, એક બીજી બાબત જાણવાની જરૂર છે. ઘણા વૈજ્ઞાનિકોએ જોયું છે કે લાંબા સમય દરમિયાન કોઈ જાતિમાં (પ્રાણી કે વનસ્પતિમાં) અમુક ફેરફાર થઈ શકે છે. ચાર્લ્સ ડાર્વિને એને ‘દરેક સંતાન કે પેઢી દરમિયાન થતું બદલાણ’ કહ્યું. માણસોએ વનસ્પતિ અને પ્રાણીઓમાં એક પેઢીથી બીજી પેઢીમાં આવા નજીવા ફેરફારો જોયા છે. વૈજ્ઞાનિકોએ પરીક્ષણો કરીને એના પરિણામો રેકોર્ડ કર્યા છે. આજે વનસ્પતિ ને પ્રાણીઓને ઉછેરનારા ઘણા લોકોએ (બ્રીડર્સ) આ કુદરતી રીતનો સારો એવો ફાયદો ઉઠાવ્યો છે.a આ જીવોમાં થતા નાના નાના ફેરફારોને એક રીતે હકીકત કહી શકીએ. પણ વૈજ્ઞાનિકો એ નાના ફેરફારોને માઇક્રો-ઈવોલ્યુશન કે સૂક્ષ્મઉત્ક્રાંતિ કહે છે. તેઓ એ પણ કહે છે કે એ ક્રિયા દ્વારા અમુક જીવોમાં ખૂબ મોટા ફેરફારો થાય છે જે કોઈએ જોયા નથી. તેઓ એને મૅક્રો-ઈવોલ્યુશન કે મહાઉત્ક્રાંતિ કહે છે.

      આમ, ડાર્વિન એવા બનાવ વિષે વાત કરતો હતો જેને કોઈએ જોયો ન હતો. પોતાના પુસ્તકમાં તેણે કહ્યું: ‘હું નથી માનતો કે પૃથ્વી પરના સર્વ જીવો કે વનસ્પતિને અલગ અલગ બનાવવામાં આવ્યા હતા. તેઓ તો સાવ થોડાંક જ જીવોમાંથી આવ્યા છે.’ (ધ ઓરિજીન ઑફ સ્પીસીસ) ડાર્વિનનું કહેવું છે કે વિશ્વની શરૂઆતમાં ‘ફક્ત થોડાંક’ સાવ સાદા જીવજંતુ હતા. એ જીવજંતુના સંતાનોમાં ‘એકદમ નાના ફેરફાર’ થવા લાગ્યા. એ થોડા જીવજંતુમાંથી લાખો જાતના પ્રાણીઓ અસ્તિત્વમાં આવ્યા. ઉત્ક્રાંતિમાં માનતા લોકો કહે છે કે એ કરોડો-અબજો વર્ષ દરમિયાન આવા નાના નાના ફેરફાર થયા પછી જીવોમાં અમુક મોટા ફેરફારો પણ થયા. દાખલા તરીકે, માછલીઓ એવા પ્રાણીઓમાં બદલાઈ ગઈ જે પાણીમાં પણ રહી શકે અને જમીન પર પણ. જેમ કે, દેડકો. (દ્વિચર) તેમ જ વાંદરામાંથી માણસ બન્યો. વૈજ્ઞાનિકો કહે છે કે આ ક્રિયા મૅક્રો-ઈવોલ્યુશન છે. ઘણા લોકો હવે એવું કંઈક માનવા લાગ્યા છે. તેઓ એમ વિચારે છે કે જો કોઈ એક જાતિના જીવોમાં નાના નાના ફેરફારો થતા હોય તો, લાખો-કરોડો વર્ષ દરમિયાન ઉત્ક્રાંતિથી મોટા મોટા ફેરફારો જરૂર થઈ શકે.

      મૅક્રો-ઈવોલ્યુશનનું શિક્ષણ ત્રણ અનુમાનો પર આધાર રાખે છે:

      ૧. જીવોના જિન્સમાં ફેરફાર (મ્યૂટેશન) કરવાથી નવી જાતિઓ જન્મે છે.b

      ૨. પ્રાકૃતિક પસંદગીથી (Natural selection) નવી જાતિઓ નીકળે છે.

      ૩. ખડકોમાં સચવાઈ રહેલા અશ્મિઓ (ફોસિલ્સ) સાબિત કરે છે કે વનસ્પતિ અને પ્રાણીઓ ઉત્ક્રાંતિથી આવ્યા છે.

      શું મૅક્રો-ઈવોલ્યુશનની સાબિતી એટલી જોરદાર છે કે આપણે એને હકીકત તરીકે માની લેવી જોઈએ?

      શું જીવોના જિન્સમાં ફેરફાર (મ્યૂટેશન) કરવાથી નવી જાતિઓ જન્મી શકે?

      વનસ્પતિ કે પ્રાણીના દરેક કોષમાં કોષકેન્દ્ર હોય છે. એમાં ડી.એન.એ.થી ઓળખાતો જિનેટિક કોડ હોય છે. ડી.એન.એ.ની અંદર એ સજીવ વિષેની બધી માહિતી હોય છે. જેમ કે, એ સજીવ કઈ રીતે મોટો થશે, રૂપ કેવું હશે, રંગ કેવો હશે વગેરે વગેરે.c વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે એ જિનેટિક કોડની માહિતીમાં કોઈ કારણ વગર ફેરફાર થાય, કે કરવામાં આવે તો એ વનસ્પતિ કે પ્રાણીના વંશજોમાં કોઈ નવો ફેરફાર જોવા મળે છે. નોબેલ પ્રાઇઝ વિજેતા હર્મન જે. મુલ્લરે જિન્સમાં થતા ફેરફારના ક્ષેત્રમાં સંશોધન શરૂ કર્યું હતું. તેમણે ૧૯૪૬માં કહ્યું હતું: ‘વનસ્પતિ અને પ્રાણીઓની દુનિયામાં આવા ફેરફાર થાય છે ત્યારે કમજોર જીવો મરી જાય છે, ને ઊંચી ક્ષમતાવાળા જીવો જીવતા રહે છે. આ ઉત્ક્રાંતિ દરમિયાન, એના કોષમાં પણ નાના ફેરફારો થતા હોય છે. પરિણામે જીવોની દરેક પેઢી વધુ જોરદાર બનતા જાય છે. એ જ રીત અપનાવીને વૈજ્ઞાનિકો આજે કોઈ વનસ્પતિ કે પ્રાણીમાં ઘણો સુધારો લાવ્યા છે. જો માણસ આવું કરી શકતો હોય તો, પ્રાકૃતિક પસંદગીથી કુદરતમાં ઉત્ક્રાંતિનો વિકાસ જરૂર થયો હશે.’

      મૅક્રો-ઈવોલ્યુશનમાં માનનારા શું શીખવે છે? એ જ કે કોઈ જીવના કોષમાં એવા ફેરફારો થઈ શકે જેનાથી એના સંતાનો કે વંશજો થોડા-ગણા અલગ પડે. એટલું જ નહિ, એ કોષના ફેરફાર કે મ્યૂટેશન દ્વારા એકદમ જુદી જાતિના જીવો પણ પેદા થઈ શકે છે. આ શિક્ષણ તો વૈજ્ઞાનિકોનું અનુમાન જ છે. શું એને સાબિત કરી શકાય? ચાલો જોઈએ કે છેલ્લાં સોએક વર્ષમાં જિન્સના ક્ષેત્રમાં કામ કરતા વૈજ્ઞાનિકોએ શું શોધી કાઢ્યું છે.

      ૧૯૩૭ની આસપાસના વર્ષોમાં વૈજ્ઞાનિકો એવું માનીને ખુશ થઈ ગયા કે તેઓ હવે કોષોમાં ભેળસેળ કે ફેરફાર કરીને કોઈ નવી જાતિ પેદા કરી શકે છે. તેઓનું કહેવું હતું કે જો ઝાડ-પાન ને પ્રાણીઓના કોષોમાં કુદરતી રીતે ફેરફાર થઈને નવી જાતિ નીકળતી હોય તો, માણસ પણ એ જ રીત અપનાવીને નવી નવી ફળદ્રૂપ જાતિઓ પેદા કરી શકે. વૈજ્ઞાનિકોના આ સપનાઓ વિષે વુલ્ફ-એકહાર્ડ લોનિંગ નામના વૈજ્ઞાનિકે સજાગ બનો!ને એક ઇન્ટર્વ્યૂંમાં કહ્યું, ‘આ જાણીને જીવ વૈજ્ઞાનિકો, જિનેટિક્સ પર કામ કરનારા અને સારી ઓલાદ પેદા કરવા પ્રાણીઓ ને વનસ્પતિનો ઉછેર કરનારા એકદમ ખુશ થઈ ગયા.’ શા માટે? લોનિંગે કહ્યું કે ‘તેઓને લાગ્યું કે વનસ્પતિ કે પ્રાણીની સારી ઓલાદ મેળવવા હવે જૂની રીત છોડીને નવી રીત અપનાવવી જોઈએ. તેઓએ વિચાર્યું કે જીવોના જિન્સમાં ફેરફાર કરીને સારા જિન્સ તૈયાર કરવામાં આવે તો, જલદીથી એકદમ નવી જાતિના ઉત્તમ પ્રાણી ને ઝાડ-પાન પેદા કરી શકાય.’ વુલ્ફ-એકહાર્ડ લોનિંગ છેલ્લાં ૨૮ વર્ષથી વનસ્પતિના જિન્સમાં થતા ફેરફાર પર સંશોધન કરી રહ્યા છે. તે જર્મનીના મેક્સ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટ ફૉર પ્લાન્ટ બ્રીડિંગ રિસર્ચ’માં કામ કરે છે.d

      પોતાના સપના પૂરા કરવા વૈજ્ઞાનિકો અમેરિકા, એશિયા અને યુરોપમાં ખૂબ અભ્યાસ કરવા લાગ્યા. આ સંશોધન પાછળ ખૂબ પૈસા ખર્ચ્યા. તેઓ ચાહતા હતા કે નવી રીતોથી તેઓ પ્રાણી કે વનસ્પતિમાં ઉત્ક્રાંતિની ક્રિયાને વધુ ઝડપી બનાવી શકશે. ૪૦ વર્ષ માટે તેઓએ ખૂબ મહેનત કરી. પરિણામ શું હતું? પીટર વોન સેન્ગબુશ નામના વૈજ્ઞાનિકે કહ્યું: ‘આ પ્રયોગ પાછળ ખૂબ પૈસા વેડફી દેવામાં આવ્યા છે. રેડિયેશનની ક્રિયાથી (કિરણોત્સર્ગ) વૈજ્ઞાનિકોએ વધુ ફળદ્રુપ ઝાડ-પાન બનાવવાની કોશિશ કરી. પણ મોટા ભાગના કિસ્સામાં તેઓ સાવ નિષ્ફળ હતા.’ લોનિંગે કહ્યું: ‘૧૯૮૦ના વર્ષ સુધીમાં તો દુનિયાભરના વૈજ્ઞાનિકોની ખુશી, ગમમાં પલટાઈ ગઈ હતી. મોટા ભાગના વિકસિત દેશોમાં તેઓએ જિન્સમાં ફેરફાર કરવાના ક્ષેત્રને છોડી દીધું. કેમ કે તેઓએ કોષોમાં ફેરફાર કરીને જે વનસ્પતિ કે પ્રાણી પેદા કર્યા હતા, એમાંના મોટા ભાગના “નકામા” હતા. એ જલદીથી મરી ગયા કે પછી બીજા કુદરતી વનસ્પતિ કે પ્રાણીની સરખામણીમાં કમજોર હતા.’e

      જોકે જિન્સમાં ફેરફાર કરવાના આ પ્રયોગથી એક ફાયદો જરૂર થયો છે. છેલ્લાં સોએક વર્ષથી આ ક્ષેત્રમાં થયેલા સંશોધન અને અભ્યાસથી ઘણું જાણવા મળ્યું છે. છેલ્લાં ૭૦ વર્ષથી તેઓ જિન્સમાં ભેળસેળ કરીને નવી જાતિ પેદા કરવા કોશિશ કરી રહ્યા હતા. તેઓ હવે જોઈ શક્યા છે કે કોષોમાં ફેરફાર કરવાથી નવી જાતિ પેદા થાય છે કે કેમ. બધી માહિતી તપાસીને લોનિંગે કહ્યું: ‘વનસ્પતિ અને પ્રાણીના કોષોમાં ફેરફાર કરીને મૂળ જાતિમાંથી સાવ અલગ જાતિને પેદા કરવી અશક્ય છે. આ હકીકત શાના પર નિર્ભર છે? વીસમી સદીમાં કરવામાં આવેલા સંશોધનો અને વૈજ્ઞાનિકોના અનુભવો પર. ટેસ્ટના પરિણામો અને કોઈ બનાવની શક્યતાના નિયમ (લૉ ઑફ પ્રૉબબિલિટિ) પર. જીવ-જંતુઓના વારંવાર થતા એક જ પ્રકારના ફેરફારનો નિયમ બતાવે છે કે જે બે જાતિઓના જિન્સમાં ફરક હોય છે, એમાં સાચે જ એક હદ હોય છે. તેથી એ કદીયે સાવ બદલાતા નથી. ભલે ગમે તેટલી કોશિશ કરો, કે ભલે કુદરતી રીતે ગમે તે થાય.’

      આ હકીકતનો જરા વિચાર કરો. ખૂબ ભણેલા-ગણેલા વૈજ્ઞાનિકો જાણી-જોઈને કોઈ ઝાડ-પાન કે પ્રાણીના જિન્સમાં ભેળસેળ કરીને પણ કોઈ નવી જાતિ પેદા કરી શક્યા નથી. તો પછી ઉત્ક્રાંતિ દ્વારા એ કઈ રીતે થઈ શકે? વૈજ્ઞાનિકોનું સંશોધન બતાવે છે કે કોષોની ભેળસેળ કરવાથી સાવ અલગ જીવ પેદા થતા જ નથી, તો કઈ રીતે કહી શકીએ કે વિશ્વ આપમેળે આવી ગયું છે?

      શું પ્રાકૃતિક પસંદગીથી નવી જાતિઓ નીકળે છે?

      ડાર્વિન માનતો હતો કે ઊંચી ક્ષમતાવાળા જીવો કોઈ આકરાં વાતાવરણમાં જીવતા રહી શકે, જ્યારે કે કમજોર જીવો ને એના સંતાનો ધીમે ધીમે નાશ પામે. આમ, પ્રાકૃતિક પસંદગી હેઠળ ઊંચી ક્ષમતાવાળા જીવો ટકી રહે છે. આજના ઉત્ક્રાંતિવાદીઓ શીખવે છે કે દરેક સજીવોની જુદી જુદી જાતિઓ ધરતી પર ફેલાઈ ગઈ અને જુદી જુદી જગ્યાએ રહેવા લાગી. નવા વાતાવરણમાં ટકી રહેવા જે સજીવોના જિન્સમાં ફેરફાર થયા, તેઓ જીવતા રહ્યા. બાકીના સજીવો મરી ગયા. ઉત્ક્રાંતિવાદીઓ કહે છે કે આ સજીવો વાતાવરણને આધીન રહીને પૂર્વજોથી જુદાં પડ્યા. છેવટે એકદમ નવી જાતિમાં બદલાઈ ગયા.

      પણ આપણે જોઈ ગયા તેમ, ભલે કોઈ પણ સજીવના જિન્સમાં થોડો ફેરફાર થાય છે, એ ફેરફારોમાંથી એકદમ અલગ પ્રાણી કે વનસ્પતિની જાતિ પેદા થતી નથી. તોપણ ઉત્ક્રાંતિવાદીઓ શીખવે છે કે ઊંચી ક્ષમતાવાળા સજીવોના જિન્સમાં ફેરફારો થાય છે ને એમાંથી નવી જાતિ પેદા થાય છે. ચાલો જોઈએ કે તેઓ એ માન્યતાને કઈ રીતે સાબિત કરે છે. અમેરિકાની નેશનલ ઍકેડેમી ઑફ સાયન્સે (એન.એ.એસ.) ૧૯૯૯માં એક બ્રોશર છાપ્યું હતું. એમાં તેઓએ લખ્યું: ‘ડાર્વિને ગલાપાગસ ટાપુ પર ૧૩ જાતની ફિન્ચ નામની ચકલીઓનો અભ્યાસ કર્યો હતો. એ અભ્યાસને લીધે આ ચકલીઓ આજે “ડાર્વિનની ફિન્ચ” તરીકે ઓળખાય છે. એ અભ્યાસે સાબિત કર્યું કે ઉત્ક્રાંતિથી નવી જાતિઓ પેદા થાય છે.’

      ૧૯૭૦ના વર્ષોમાં પીટર અને રોઝમેરી ગ્રાન્ટ નામના સંશોધકો એક ગ્રૂપ લઈને એ ચકલીઓનો અભ્યાસ કરવા માંડ્યા. તેઓ ૧૩ જાતની ફિન્ચ ચકલીઓની ઓળખ એની ચાંચ દ્વારા કરી શક્યા. તેઓના અભ્યાસ દરમિયાન ટાપુ પર એક વર્ષ દુકાળ પડ્યો હતો. તેઓએ જોયું કે જેઓની ચાંચ બીજી ફિન્ચ ચકલીથી થોડી મોટી હતી, તેઓ દુકાળમાં જીવતી રહી, જ્યારે કે નાની ચાંચવાળી ચકલીઓ મરી ગઈ. અમુકને લાગ્યું કે આ સંશોધન ખૂબ મહત્ત્વનું છે. કારણ, જો ૧૩ જાતની ચકલીઓમાંથી એક અલગ ચાંચવાળી ચકલીઓ જોવા મળે, તો એ એક નવી જાતની ફિન્ચ હોઈ શકે. એન.એ.એસ. બ્રોશરે વધુમાં કહ્યું: ‘પીટર અને રોઝમેરી ગ્રાન્ટે અંદાજ લગાવ્યો કે જો એ ટાપુ પર દર ૧૦ વર્ષે એક દુકાળ આવે, તો એ વાતાવરણને લીધે ચકલીના જિન્સમાં ફેરફાર થશે. પરિણામે ૨૦૦ વર્ષની અંદર એક નવી જાતની ફિન્ચ જન્મશે.’

      પણ આ બ્રોશરે જાણી-જોઈને અમુક મહત્ત્વની વિગતો છુપાવી. નહિતર એ વિગતોએ ઉત્ક્રાંતિના શિક્ષણ પર પાણી ફેરવી નાખ્યું હોત. તેઓએ શું છુપાવ્યું? દુકાળ પૂરો થયો ત્યારે થોડાં વર્ષોમાં નાની ચાંચવાળી ફિન્ચો ફરી ફૂલવા-ફાલવા લાગી. મોટી ચાંચવાળી ચકલીઓ સામે એની સંખ્યા વધી ગઈ. એટલે પીટર ગ્રાન્ટ અને ગ્રૅજ્યુએટ વિદ્યાર્થી લાઈલ ગીબ્સે ૧૯૮૭માં નેચર નામના વિજ્ઞાનના મૅગેઝિનમાં લખ્યું કે તેઓએ ‘પ્રાકૃતિક પસંદગીને બદલાતાં જોઈ છે.’ ૧૯૯૧માં ગ્રાન્ટે લખ્યું કે ‘વાતાવરણ બદલાયું ત્યારે “અમુક હદ સુધી ઊંચી ક્ષમતાવાળી ચકલીઓ વધતી ગઈ,” જ્યારે કે કમજોર ચકલીઓની સંખ્યા ઘટી. પણ જ્યારે ફરી વાતાવરણ બદલાયું ત્યારે કમજોર ચકલીઓ ફરીથી ફાલવા લાગી. આ ક્રિયા, ચક્રની જેમ ચાલે છે.’ સંશોધકોએ એ પણ જોયું કે અમુક જુદી ‘જાતની’ ફિન્ચ, કુદરતી રીતે એકબીજા સાથે ભળી જતી હતી. તેઓનાં બચ્ચાં વધારે ક્ષમતાવાળા હતા. તેમ જ આકરા સંજોગોમાં તેઓની બચવાની શક્યતા વધારે હતી. પીટર અને રોઝમેરી ગ્રાન્ટે છેવટે કહ્યું કે જો બે જુદી જાતની ફિન્ચો એકબીજા સાથે ભળતી રહેશે, તો ૨૦૦ વર્ષની અંદર એ બે ‘જાતની’ ફિન્ચો, એક જ જાત બની જશે.

      ૧૯૬૬માં ઉત્ક્રાંતિના અભ્યાસી, જીવવૈજ્ઞાનિક જોર્જ ક્રિસ્ટોફર વિલિયમ્સે લખ્યું: ‘ઉત્ક્રાંતિને સમજાવવા વૈજ્ઞાનિકો નિયમ સ્થાપે છે કે કુદરતમાં ફક્ત ઊંચી ક્ષમતાવાળા જ જીવતા રહે છે. આ નિયમથી તેઓ ઉત્ક્રાંતિને હકીકત સાબિત કરવા મથે છે. પણ એ જાણીને મને દુઃખ થાય છે. આ નિયમ ઉત્ક્રાંતિને સાબિત કરતો નથી. એ બસ એ જ બતાવે છે કે કુદરતમાં સજીવો બદલાતા વાતાવરણમાં કેવી રીતે પોતે અનુકૂળ થઈને રહે છે.’ ઉત્ક્રાંતિની માન્યતાને ઉત્તેજન આપનાર જેફરી શ્વાટ્‌ર્સે ૧૯૯૯માં લખ્યું કે, જો ક્રિસ્ટોફર વિલિયમ્સની વાત સાચી હોય તો, અલગ અલગ જાતિના સજીવો પ્રાકૃતિક પસંદગીની મદદથી બદલાતા સંજોગોમાં જીવતા રહે છે. પરંતુ એનાથી ‘કોઈ નવી જાતિ પેદા થતી નથી.’

      હકીકત એ છે કે ડાર્વિનની ફિન્ચોમાં ભલે નજીવા ફેરફાર થતા રહે, તેઓ હજી ચકલીઓ જ છે. ‘સાવ નવી જાતિ’ બનતી નથી. વળી, ઉત્ક્રાંતિવાદીઓ કહે છે તેમ તેઓ એકદમ અલગ જાતિની ચકલીઓ હોય, તો તેઓ કઈ રીતે એકબીજા સાથે પ્રજનન કરીને બચ્ચાં પેદા કરી શકે? આનાથી એ હકીકત પણ બહાર આવે છે કે દુનિયાની મોટી મોટી વિજ્ઞાનની સંસ્થાઓ પણ પોતાને ગમે એવી જ માહિતી રજૂ કરી શકે છે. પુરાવાઓ સાથે ચેડા કરી શકે છે.

      શું ખડકોમાં સચવાઈ રહેલા અશ્મિઓ (ફોસિલ્સ) મૅક્રો-ઈવોલ્યુશનને સાબિત કરે છે?

      એન.એ.એસ. બ્રોશર વાચકોને એવી ખાતરી આપે છે કે પથ્થરોમાં સચવાઈ રહેલા વનસ્પતિ ને પ્રાણીના અશ્મિઓ મૅક્રો-ઈવોલ્યુશનને ખરું સાબિત કરે છે. એ બ્રોશરે કહ્યું: ‘ઉત્ક્રાંતિથી માછલીમાંથી પાણી અને જમીન બંને પર રહી શકતા દ્વિચર (ઍમ્ફિબિઅન) બન્યા. દ્વિચરમાંથી સરિસૃપ કે પેટે ચાલનારા પ્રાણીઓ આવ્યા. એમાંથી સસ્તન પ્રાણીઓ આવ્યા. પછી વાનરમાંથી માણસ આવ્યો. ઉત્ક્રાંતિની આ ક્રિયામાં બધાની વચ્ચે થઈ ગયેલા અનેક જુદી જાતના પ્રાણીઓના અશ્મિઓ મળી આવ્યા છે. પરંતુ એ ચોક્કસ બતાવવું મુશ્કેલ છે કે આ બધી જાતિઓમાં ક્યારે એકદમ મોટા ફેરફાર થયા અને કેવી રીતે.’

      આ બ્રોશરે જે કબૂલ કર્યું એ એકદમ વિચિત્ર છે. શા માટે? કારણ કે ૨૦૦૪માં નેશનલ જિઑગ્રાફીકે કહ્યું કે અશ્મિઓનો (ફોસિલ્સ) રેકોર્ડ જાણે ‘ઉત્ક્રાંતિ વિષેની ફિલ્મની રીલ જેવો છે. રીલમાં દરેક ૧૦૦૦ ફોટામાંથી ૯૯૯ કાપીને ભોંય પર ફેંકી દેવામાં આવ્યા છે.’ જો રીલમાં દરેક ૧૦૦૦ ફોટામાંથી ફક્ત એક જ ‘ફોટો’ બચ્યો હોય, તો શું એનાથી સાબિત કરી શકાય કે મૅક્રો-ઈવોલ્યુશન ખરેખર થયું હતું? અશ્મિઓનો રેકોર્ડ ખરેખર શું બતાવે છે? નાઈલ્ઝ એલ્ડરીજ ઉત્ક્રાંતિમાં ચુસ્ત રીતે માને છે. અશ્મિઓના રેકોર્ડ જોઈને તે પોતે કબૂલે છે કે લાંબા સમય દરમિયાન ‘ઉત્ક્રાંતિ દ્વારા મોટા ભાગની જાતિઓમાં એકદમ નજીવા અથવા કોઈ જ ફેરફાર થયા ન હતા.’

      આજ સુધી વૈજ્ઞાનિકોએ ધરતીમાંથી લગભગ ૨૦ કરોડ મોટા અશ્મિઓ અને અબજો સૂક્ષ્મ અશ્મિઓ (માઈક્રો ફોસિલ્સ) શોધી કાઢ્યા છે. ઘણા સંશોધકો એ વાત સાથે સહમત થાય છે કે આ ઢગલાબંધ પુરાવાઓ બતાવે છે તેમ, મોટા ભાગના બધા પ્રાણીઓ એક જ સમયે અસ્તિત્વમાં આવ્યા. લાંબા સમય દરમિયાન તેઓમાં બહુ ફેરફાર થયા ન હતા. વળી, જેમ મોટા ભાગની જાતિઓ એક જ સમયે અચાનક અસ્તિત્વમાં આવી, તેમ અચાનક એક જ સમયે નાબૂદ પણ થઈ ગઈ. અશ્મિઓનો રેકોર્ડ તપાસ્યા પછી જીવવૈજ્ઞાનિક જોનાથન વેલ્ઝે લખ્યું: ‘આજ સુધી માનવામાં આવતું કે સર્વ પ્રાણીઓની શરૂઆત એક જ પૂર્વજમાંથી થઈ છે. તેઓ સંજોગો ને વાતાવરણને લીધે ધીમે ધીમે નવી જાતિમાં બદલાયા. પરંતુ જુદાં જુદાં પ્રાણીઓ તથા વનસ્પતિઓનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે, એનાથી જોવા મળે છે કે એક જ પૂર્વજમાંથી બધા સજીવોની શરૂઆત થઈ હોય એ શક્ય જ નથી. અશ્મિનો રેકોર્ડ કે પછી અણુનો અભ્યાસ ઉત્ક્રાંતિની ક્રિયા કે તર્કને જરાય સાબિત કરતા નથી.’

      ઉત્ક્રાંતિનું શિક્ષણ સત્ય છે કે બનાવટ?

      ઘણા મશહૂર ઉત્ક્રાંતિવાદીઓ કેમ એ વાતને વળગી રહે છે કે વિશ્વ મૅક્રો-ઈવોલ્યુશનની ક્રિયાથી આવ્યું છે? ઉત્ક્રાંતિવાદી રીચર્ડ ડોકિન્ઝના તર્ક પર ટીકા કરનાર રીચર્ડ લેવોનટિન કહે છે કે ઘણા વૈજ્ઞાનિકો વિજ્ઞાનની એવી બાબતો માની લેવા તૈયાર છે જે આપણે સમજી જ નથી શકતા. કેમ કે અમે વૈજ્ઞાનિકોએ આ વાત માનવાનું વચન આપ્યું છે: “જે વસ્તુ દેખાય છે એ જ હકીકત છે. વિશ્વ અને એમાં જોવા મળતા સજીવોની પાછળ કોઈ શક્તિનો હાથ નથી.” તેમણે એ પણ કહ્યું કે ‘ઘણા વૈજ્ઞાનિકો એ વાત પર વિચાર કરવાની પણ સાફ ના પાડે છે કે કોઈ બુદ્ધિશાળી સર્જનહાર છે.’ ઉત્ક્રાંતિવાદી લેવોનટિને એમ પણ કહ્યું કે ‘ઈશ્વર છે એવી માન્યતાને વિજ્ઞાનમાં કોઈ જગ્યા નથી.’

      આ વિષે સાયન્ટિફિક અમેરિકન નામના મૅગેઝિનમાં સમાજવાદના પ્રોફેસર રોડની સ્ટાર્કે કહ્યું: ‘છેલ્લાં ૨૦૦ વર્ષથી એ વાતનો પ્રચાર થઈ રહ્યો છે કે જો તમારે વિજ્ઞાનમાં માનવું હોય, તો ધર્મથી દૂર રહેવું જ પડશે. નહિતર એ તમારા મનને જાણે સાંકળથી બાંધી રાખશે.’ પછી તેમણે કહ્યું કે સંશોધન કરતી ઘણી યુનિવર્સિટીઓમાં ‘ધાર્મિક લોકો ચૂપ રહે છે, ને નાસ્તિક લોકો તેઓને નીચા પાડે છે.’ રોડની સ્ટાર્ક કહે છે કે ‘જો તમે નાસ્તિક હો, તો વૈજ્ઞાનિક ક્ષેત્રમાં ટોચ સુધી પહોંચી શકશો. મોકો, પૈસા ને પદવી મેળવવાની સારી તકો છે.’

      શું તમે મૅક્રો-ઈવોલ્યુશનની ક્રિયામાં માનો છો? તો તમારે એ પણ માનવું પડશે કે નાસ્તિક અને ઈશ્વર છે કે કેમ એવી શંકા કરનારા વૈજ્ઞાનિકો પોતાના સંશોધનમાં પોતાના વિચારો નહિ મૂકે. તેઓની સાબિતીમાં પોતાની માન્યતા નહિ ઉમેરે. તમે એ પણ માનશો કે અબજો વર્ષો દરમિયાન જીવોના જિન્સમાં ફેરફાર થવાથી અને પ્રાકૃતિક પસંદગીથી દરેક પ્રકારના જટિલ સજીવો પેદા થયા છે. પછી ભલેને સોએક વર્ષના અભ્યાસથી અને અબજો પ્રાણી-વનસ્પતિના જિન્સમાં ફેરફાર કરીને પણ વૈજ્ઞાનિકો કોઈ બે જાતના સજીવોમાંથી એક નવી જાતિ પેદા કરી શક્યા નથી. જો તમે ઉત્ક્રાંતિમાં માનતા હો તો તમે એ પણ સ્વીકારશો કે સર્વ પ્રાણીઓ અને ઇન્સાન ફક્ત એક જ પૂર્વજમાંથી આવ્યા છે. પછી ભલેને અશ્મિઓનો રેકોર્ડ ફક્ત એ જ બતાવે કે બધી વનસ્પતિઓ ને પ્રાણીઓ અચાનક એક જ સમયે અસ્તિત્વમાં આવ્યા અને યુગો દરમિયાન તેઓ બીજી કોઈ નવી જાતિમાં બદલાયા જ નહિ. હવે તમે જ કહો, શું તમને ખરેખર લાગે છે કે ઉત્ક્રાંતિનું શિક્ષણ સાચું છે? કે પછી એક બનાવટ છે? (g 9/06)

      [ફુટનોટ્‌સ]

      a કૂતરાઓને ઉછેરનારા કોઈ એક જાતિના કૂતરાને બીજી જાતિના કૂતરા સાથે પ્રજનન કરાવે છે. જેથી સમય જતાં તેઓને એવા બચ્ચાં જન્મે જેના પગ વધારે ટૂંકા હોય કે વાળ વધારે લાંબા હોય. પરંતુ મોટા ભાગે આ ફેરફાર બચ્ચાંના જિન્સમાં ખામી હોવાને લીધે જોવા મળે છે. દાખલા તરીકે, ડાક્સહુન્ડ નામનો કૂતરો કદમાં ખૂબ નાનો છે. કેમ કે એના સ્નાયુ વચ્ચેના કૂર્ચા (કાર્ટાલિજ) સરખી રીતે વિકસતા નથી. આ કારણે એ જાતિનો કૂતરો ઠીંગણો જ રહે છે.

      b “સજીવોને અલગ અલગ વર્ગમાં વહેંચવામાં આવ્યા છે,” પાન ૧૪ પરનું આ બૉક્સ જુઓ.

      c વૈજ્ઞાનિકોનો અભ્યાસ બતાવે છે કે કોષમાં મળી આવતો કોષરસ (સાઈટોપ્લાઝમ), એની અંતરછાલ (મેમ્બ્રેન) અને એની અંદરના બીજા સૂક્ષ્મ અંગો પણ એક જીવ બનાવવામાં ભાગ ભજવે છે.

      d લોનિંગે સજાગ બનો!ને જે કહ્યું છે એ ફક્ત તેમના પોતાના જ વિચારો છે. એ મેક્સ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટ ફૉર પ્લાન્ટ બ્રીડિંગ રીસર્ચના વિચારો નથી.

      e જિન્સમાં ફેરફાર કરવાના પ્રયોગથી વૈજ્ઞાનિકોને વારંવાર શું જોવા મળ્યું? એનાથી પ્રાણી કે વનસ્પતિમાં નવા ફેરફારો તો જોવા મળતા. પણ એ જ ફેરફારો તેઓના વંશજોમાં જોવા મળતા ન હતા. તેમના વંશજોમાં એવા ફેરફારો ઘટતા જતા અને છેવટે મૂળ પ્રાણી કે વનસ્પતિ પેદા થતા રહેતા. લોનિંગે એને વારંવાર થતા એક જ પ્રકારના ફેરફારનો નિયમ (લૉ ઑફ રીકરન્ટ વેરીયેશન) કહ્યો. એનો અર્થ થાય કે, ‘કોષોમાં ફેરફાર કર્યા પછી પેદા થયેલા સંતાનો ભલે થોડા બદલાયેલા લાગે, સમય બાદ એ પહેલાના જેવા જ પાછા થઈ જાય છે.’ વૈજ્ઞાનિકોએ જે છોડના કોષોમાં ભેળસેળ કરી હતી એમાંના એક ટકાથી પણ ઓછા છોડ પર તેઓ વધારે અભ્યાસ કરી શક્યા. પછી એ છોડમાંથી ફક્ત એકાદ ટકા છોડ બજારમાં વેચવા લાયક હતા. પ્રાણીઓના જિન્સમાં જે ભેળસેળ કરી હતી એનું પરિણામ તો વનસ્પતિથી પણ વધારે ખરાબ આવ્યું. એટલે તેઓએ એ વૈજ્ઞાનિક ક્ષેત્રને સાવ છોડી દીધું.

      [પાન ૧૫ પર બ્લર્બ]

      ‘વનસ્પતિ અને પ્રાણીના કોષોમાં ભલે ફેરફાર થાય, તેઓ મૂળ જાતિમાંથી સાવ નવી જાતિને પેદા કરી શકતા નથી’

      [પાન ૧૬ પર બ્લર્બ]

      ડાર્વિનની ફિન્ચ ચકલીઓનો અભ્યાસ ફક્ત એ જ બતાવે છે કે કોઈ પણ જાતના પ્રાણી, વાતાવરણ મુજબ થોડા બદલાઈ શકે છે

      [પાન ૧૭ પર બ્લર્બ]

      અશ્મિઓના રેકોર્ડ એ જ બતાવે છે કે મોટા ભાગના બધા પ્રાણીઓ એક જ સમયે અચાનક અસ્તિત્વમાં આવ્યા અને યુગો દરમિયાન તેઓમાં નજીવા ફેરફાર થયા

      [પાન ૧૪ પર ચાર્ટ]

      (લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

      સજીવોને અલગ અલગ વર્ગમાં વહેંચવામાં આવ્યા છે

      જુદા જુદા પ્રાણીઓ અને સજીવોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. દરેક વર્ગ એના ઉપરના એક વર્ગમાં આવી જાય છે.f જેમ કે માનવીઓ અને ફળ-માખીઓના વર્ગ વિષે નીચેનો ચાર્ટ જુઓ.

      માણસ ફળ-માખીઓ

      જાત સેપીયન્સ મેલાનોગાસ્ટર

      વર્ગ હોમો ડ્રોસોફિલા

      કુટુંબ હૉમાન્ડિઝ ડ્રોસોફિલિડ્‌ઝ

      ક્રમ પ્રાઈમેટ્‌સ દ્વીપંખી

      પ્રકાર સ્તનધારી/મૅમલ્ઝ જીવડાં

      ફાઈલમ કૉર્ડેટ્‌સ આર્ત્રોપોડ્‌ઝ

      કિંગ્ડમ જાનવર પ્રાણીઓ

      [ફુટનોટ]

      f નોંધ કરો: ઉત્પત્તિનો પહેલો અધ્યાય સ્પષ્ટ જણાવે છે કે પ્રાણીઓ ને વનસ્પતિઓ “પોતપોતાની જાત પ્રમાણે” સંતાનો પેદા કરશે. (ઉત્પત્તિ ૧:૧૨, ૨૧, ૨૪, ૨૫) અહીંયા બાઇબલમાં ‘જાત’ શબ્દનો અર્થ સામાન્ય છે. એ વૈજ્ઞાનિક રીતે ઉલ્લેખ થતા ‘જાતʼનો અર્થ બતાવતો નથી.

      [ક્રેડીટ લાઈન]

      આ ચાર્ટ આઈકોન્સ ઑફ ઈવોલ્યુશન—સાયન્સ ઑર મિથ? વાય મચ ઑફ વૉટ વી ટીચ અબાઉટ ઈવોલ્યુશન ઈઝ રૉન્ગ નામનાં પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. એના લેખક જોનાથન વેલ્ઝ છે

      [પાન ૧૫ પર ચિત્રો]

      જિન્સમાં ફેરફાર કર્યા પછી પેદા થયેલી માખી. (ઉપરનો ફોટો) ભલે એની પાંખો વગેરે બરાબર બન્યા નથી, પણ એ હજી ફળ-માખી જ છે

      [ક્રેડીટ લાઈન]

      © Dr. Jeremy Burgess/ Photo Researchers, Inc.

      [પાન ૧૫ પર ચિત્રો]

      વનસ્પતિના જિન્સમાં ફેરફાર કરવાના પ્રયોગથી વૈજ્ઞાનિકોને અનેક વાર જોવા મળ્યું છે કે એનાથી પેદા થયેલા વનસ્પતિ કે પ્રાણીમાં નવા ફેરફાર તો જોવા મળે છે. પણ પછીની નસલોમાં એ ફેરફાર ધીમે ધીમે ઓછા થતા જાય છે અને છેવટે પહેલાં જેવી જ નસલો પેદા થતી રહે છે (જિન્સમાં ફેરફાર કર્યા પછી તૈયાર કરેલા છોડનું મોટું ફૂલ)

      [પાન ૧૩ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

      From a Photograph by Mrs. J. M. Cameron/U.S. National Archives photo

      [પાન ૧૬ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

      ફિન્ચ ચકલીનાં માથાં: © Dr. Jeremy Burgess/ Photo Researchers, Inc.

      [પાન ૧૭ પર ચિત્રની ક્રેડીટ લાઈન્સ]

      ડાઇનોસોર: © Pat Canova/Index Stock Imagery; અશ્મિઓ: GOH CHAI HIN/AFP/Getty Images

  • અમે કેમ સર્જનહારમાં માનીએ છીએ
    સજાગ બનો!—૨૦૦૬ | ઑક્ટોબર
    • અમે કેમ સર્જનહારમાં માનીએ છીએ

      અનેક વૈજ્ઞાનિક ક્ષેત્રોમાંથી ઘણા લોકો માને છે કે વિશ્વનો કોઈ રચનાર છે. તેઓ સ્વીકારી જ નથી શકતા કે પૃથ્વી પર સર્વ જીવો બસ આપમેળે જ આવ્યા છે. આ કારણથી ઘણા ભણેલા-ગણેલા લોકો માને છે કે કોઈ સર્જનહાર હશે.

      આ વૈજ્ઞાનિકોમાંથી અમુક યહોવાહના સાક્ષીઓ બન્યા છે. તેઓને હવે પૂરી ખાતરી છે કે બાઇબલમાં જણાવેલા ઈશ્વર, યહોવાહે જ વિશ્વની રચના કરી છે, એને બનાવ્યું છે. તેઓ કેમ એ કહી શકે છે? સજાગ બનો!એ તેઓને એ પ્રશ્ન પૂછ્યો. ચાલો જોઈએ કે તેઓએ શું કહ્યું.a

      ‘કુદરત એટલું જટિલ છે કે એને સમજી જ નથી શકતો’

      ▪ વુલ્ફ-એકહાર્ડ લોનિંગ

      પરિચય: છેલ્લાં ૨૮ વર્ષથી હું વનસ્પતિના જિન્સમાં ફેરફાર કરવાના ક્ષેત્રમાં સંશોધન કરી રહ્યો છું. એમાંના ૨૧ વર્ષો મેં જર્મનીના કલોન નામના શહેરમાં ‘મૅક્સ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટ ફૉર પ્લાન્ટ બ્રીડિંગ રિસર્ચ’માં કામ કર્યું છે. લગભગ ત્રીસેક વર્ષથી હું યહોવાહના સાક્ષીઓના એક મંડળમાં વડીલ તરીકે સેવા આપું છું.

      મેં જિનેટિક્સ, જીવવિજ્ઞાન, શરીરવિજ્ઞાન અને મોરફોલોજી (જાનવરો અને વનસ્પતિના આકાર અને બનાવટનો અભ્યાસ) પર ઘણું સંશોધન ને પ્રયોગો કર્યા છે. એ અભ્યાસમાંથી હું જોઈ શક્યો છું કે જીવન ને કુદરત એટલા જટિલ છે કે એને સમજી જ નથી શકતો. પણ એક બાબતની પૂરી ખાતરી છે. એ જ કે કોઈ બુદ્ધિમાન સર્જનહારે જીવનની, અરે સાદામાં સાદા જીવજંતુઓની પણ રચના કરી છે.

      જગતભરના વૈજ્ઞાનિકોને ખબર છે કે જીવો ને કુદરત એકદમ જટિલ છે. પણ તેઓમાંના મોટા ભાગના કહેશે કે એ બધું ઉત્ક્રાંતિથી આવ્યું. તેઓ બાઇબલમાં ઉત્પત્તિની કલમોની ખૂબ ટીકા કરે છે. પણ તમે તેઓની ટીકાને વૈજ્ઞાનિક નજરે જુઓ તો તેઓની ફરિયાદમાં કોઈ જ દમ નથી. તેઓની આવી ફરિયાદો તો હું વર્ષોથી તપાસી રહ્યો છું. મેં જીવજંતુ અને વનસ્પતિનો ઊંડો અભ્યાસ કર્યો છે. કુદરત ને વિશ્વના નિયમોને ખંતથી તપાસ્યા છે. એના પરથી જોવા મળ્યું છે કે કશામાં ખોટ નથી. એ નિયમોને લીધે જ પૃથ્વી પર જીવન શક્ય છે. આ બધું જાણીને હું પૂરા વિશ્વાસથી કહી શકું છું કે આપણા સર્જનહાર છે.

      ‘બધી વસ્તુઓ પાછળ કોઈ છે’

      ▪ બાયરોન લીયોન મેડોઝ

      પરિચય: હું અમેરિકામાં રહું છું. હું નેશનલ ઍરોનૉટિક્સ એન્ડ સ્પેઈસ એડ્‌મિનિસ્ટ્રેશન સંસ્થામાં, ભૌતિકશાસ્ત્રના લેસર ક્ષેત્રમાં કામ કરું છું. હમણાં હું એવી ટેકનૉલૉજીની શોધ પર કામ કરું છું જેના દ્વારા આપણે પૃથ્વીની મોસમ, વાતાવરણ અને બીજા ગ્રહો પર થનાર ઘટનાઓને વધુ સારી રીતે સમજી શકીએ. એના પર નજર રાખી શકીએ. યહોવાહના સાક્ષીઓના વર્જિનિયા જિલ્લાના કિલમાર્નક મંડળમાં હું એક વડીલ તરીકે સેવા આપું છું.

      મારા કામમાં હું ઘણી વખત ભૌતિકશાસ્ત્રને લગતા નિયમો ને સિદ્ધાંતો તપાસું છું. હું સમજવા કોશિશ કરું છું કે કોઈ પણ બનાવ કઈ રીતે થાય છે ને શા માટે થાય છે. મારા અભ્યાસમાંથી મને પૂરી સાબિતી મળી છે કે બધી વસ્તુ ને બનાવો પાછળ કોઈ કારણ છે. વૈજ્ઞાનિક નજરથી આપણે કહી શકીએ કે બધી કુદરતી બાબત પાછળ ઈશ્વરનો હાથ છે. શા માટે? કારણ કે કુદરતી નિયમો બદલાતા જ નથી. એ તો કોઈ સર્જનહારનું જ કામ હોવું જોઈએ.

      જો આ માન્યતા સમજવી ખૂબ સાદી હોય, તો મોટા ભાગના વૈજ્ઞાનિકો કેમ ઉત્ક્રાંતિમાં માનતા રહે છે? શું એવું છે કે પૂરી સાબિતી મળતા પહેલાં જ તેઓ અમુક નિર્ણય પર આવી જાય છે? હા, આવું તો ઘણી વખત થાય છે. ભલે સગી આંખે તેઓ ગમે તે જુએ, તેઓ એમ કહી નથી શકતા કે એ હવે હકીકત છે. બદલાશે જ નહિ. કેમ નહિ? એક દાખલો લઈએ. ભૌતિકશાસ્ત્રના લેસર ક્ષેત્રમાં કામ કરનાર કહેશે કે પ્રકાશના કિરણો, જાણે અવાજના મોજાંની જેમ ડોલે છે. પણ આ માન્યતા એકદમ સાચી નથી. કારણ કે સાબિતી એ પણ બતાવે છે કે પ્રકાશના કિરણો સૂક્ષ્મકણોની (ફૉટોન્ઝ) જેમ પણ ફરે છે. આવી જ રીતે, જેઓ ઉત્ક્રાંતિમાં માને છે તેઓ પણ પોતાની માન્યતા અધૂરી સાબિતી પર બાંધે છે. પૂરી સાબિતી મેળવતા પહેલાં તેઓ ખોટા નિર્ણય પર આવી જાય છે. પછી એ નિર્ણય પ્રમાણે પુરાવો આપવાનો પ્રયત્ન કરે છે.

      હું સમજી જ નથી શકતો કે લોકો કેમ ઉત્ક્રાંતિમાં માને છે, ખાસ કરીને જ્યારે ‘ઉત્ક્રાંતિવાદીઓ’ પોતે એકબીજા સાથે ઉત્ક્રાંતિની ક્રિયા વિષે ઝઘડતા હોય છે. દાખલા તરીકે, જો અમુક ગણિતશાસ્ત્રી કહે કે બે વત્તા બે ચાર થાય, પણ બીજાઓ કહે કે ના, એ ત્રણ કે છ થાય, તો તમે શું માનશો? શું તમે તેઓની ગણવાની રીતમાં ભરોસો રાખશો? જરાય નહિ. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો કોઈ બનાવ કે બાબત કસોટી ને પરીક્ષામાંથી પાસ થાય, એની નકલ થાય, તો જ એને હકીકત તરીકે સ્વીકારવી જોઈએ. એ સાચું હોય, તો આપણે માનવું ન જોઈએ કે સર્વ જીવ કોઈ એક જીવમાંથી આવ્યા, કેમ કે વૈજ્ઞાનિકો એને સાબિત કરી શકતા નથી. (g 9/06)

      “જે વસ્તુ છે જ નહિ, એમાંથી બીજું કશું આવી જ ન શકે”

      ▪ કેનિથ લૉઈડ ટનાકા,

      પરિચય: એરીઝોના જિલ્લાના ફેલ્ગસ્ટાફ શહેરમાં યુ.એસ. ભૂસ્તરશાસ્ત્ર સંશોધન સંસ્થા માટે હું એક ભૂસ્તરશાસ્ત્રી (જિઑલજિસ્ટ) તરીકે કામ કરું છું. લગભગ ત્રીસેક વર્ષથી હું ધરતી અને ગ્રહોની ભૂમિના અનેક વૈજ્ઞાનિક અભ્યાસો કરી રહ્યો છું. જાણીતા વૈજ્ઞાનિક મૅગેઝિનોમાં મારા સંશોધન વિષેના લેખો અને મંગળ ગ્રહના (માર્સ) અનેક નકશા છપાયા છે. યહોવાહના ભકત તરીકે હું દર મહિને લગભગ ૭૦ કલાક બીજાઓને બાઇબલ વિષે શીખવું છું.

      નાનપણથી મને ઉત્ક્રાંતિની માન્યતા શીખવવામાં આવી હતી. પણ હું માની જ શકતો ન હતો કે વિશ્વને રચવા માટેની અપાર શક્તિ કોઈ સર્જનહારથી નહિ, પણ આમ જ આવી છે. કોઈ પણ ચીજ એમ જ ક્યાંથી આવી શકે? બાઇબલ અનેક રીતે બતાવે છે કે એક સર્જનહાર છે. એમાં એવી હકીકતો પણ છે જે મારા વૈજ્ઞાનિક ક્ષેત્રમાં જોવા મળે છે. જેમ કે પૃથ્વી ગોળ છે ને ‘અધ્ધર લટકે’ છે. (અયૂબ ૨૬:૭; યશાયાહ ૪૦:૨૨) માણસોએ વૈજ્ઞાનિક રીતે એ સાબિત કર્યું એના વર્ષો અગાઉ બાઇબલે એ જણાવ્યું હતું.

      જરા વિચાર કરો કે આપણું શરીર કઈ રીતે બનાવવામાં આવ્યું છે. આપણામાં સાંભળવાની, ચાખવાની, જોવાની અને સૂંઘવાની ઇંદ્રિયો છે. આપણે જાણીએ છીએ કે પોતે કેવા છીએ. આપણામાં બુદ્ધિ છે. બીજાઓ સાથે વાત કરી શકીએ છીએ. લાગણીઓ અનુભવી શકીએ છીએ. ખાસ કરીને, પ્રેમભાવ અનુભવીને બીજાને બતાવી શકીએ છીએ. ઉત્ક્રાંતિવાદીઓ સમજાવી શકતા નથી કે આ સુંદર ગુણો આપણામાં કેવી રીતે આવ્યા છે.

      હવે તમે વિચારો: ‘ઉત્ક્રાંતિવાદીઓ જે સાબિતીઓ રજૂ કરે છે એ કેટલી ભરોસાપાત્ર છે?’ દાખલા તરીકે, ભૂસ્તરશાસ્ત્રના ક્ષેત્રમાં, બધા બનાવો વિષે પૂરી સાબિતી નથી. અરે, જે માહિતી છે એ ખૂબ જટિલ છે ને એનાથી લોકો મૂંઝાઈ જાય છે. ઉત્ક્રાંતિવાદીઓ વૈજ્ઞાનિક રીતોથી લૅબોરેટરીમાં સાબિત કરી શક્યા નથી કે ઉત્ક્રાંતિની ક્રિયા કેવી રીતે ચાલે છે. સાચી વાત છે કે કોઈ પણ બાબત વિષે માહિતી મેળવવા, વૈજ્ઞાનિકો અનેક સૌથી સારી રીતોનો ઉપયોગ કરશે. પણ એ માહિતી રજૂ કરતી વખતે તેઓનો સ્વાર્થ જોવા મળે છે. ખાસ કરીને જ્યારે માહિતી અધૂરી હોય, કે બીજી વિગતો સાથે બંધબેસતી ન હોય ત્યારે પણ તેઓ પોતાના વિચારો પકડી રાખે છે. તેઓને મન કૅરિયર, પોતાના વિચારો ને અભિમાનનું રક્ષણ કરવા ખૂબ જ મહત્ત્વની બાબત બની જાય છે.

      હું એક વૈજ્ઞાનિક છું. સાથે સાથે બાઇબલમાં પણ માનું છું. હું કોઈ બાબત તપાસું ત્યારે સત્ય શોધું છું. એવું સત્ય જે હકીકત અને થયેલા બીજા અભ્યાસ સાથે સુમેળમાં હોય. આમ કરવાથી ચોક્કસ સમજણ મેળવી શકાય છે. મારા વિષે કહું તો, ઈશ્વરમાં માનવું જ સૌથી વાજબી છે.

      ‘કોષની ઉત્તમ રચનાને લીધે મને ખાતરી છે’

      ▪ પોલા કીંચાલૉ

      પરિચય: મને જીવજંતુના કોષ, અણુ-જીવવિજ્ઞાન અને સૂક્ષ્મ જીવવિજ્ઞાનના ક્ષેત્રમાં સંશોધન કરવાનો ઘણાં વર્ષોનો અનુભવ છે. હવે હું જ્યોર્જિયા, અમેરિકાના એટ્‌લાંટા શહેરની એમોરી યુનિવર્સિટીમાં કામ કરું છું. હું રશિયન ભાષા બોલતા વિસ્તારમાં લોકોને બાઇબલ શીખવું છું.

      હું જીવવિજ્ઞાન ભણતી હતી ત્યારે મેં ચાર વર્ષ, કોષ અને એની અંદરના ભાગો વિષે ખાસ અભ્યાસ કર્યો. કોષમાં રહેલા ડી.એન.એ., આર.એન.એ., પ્રોટીન્સ તેમ જ કોષોની જીવવા માટેની અને ખોરાક પચાવવાની ક્રિયા વિષે હું ઘણું શીખી. એનાથી હું ખૂબ પ્રભાવિત થઈ કે ભલે આ બધી બાબતો બહુ જ જટિલ છે, તેમ છતાં કેટલી વ્યવસ્થિત અને ચોક્કસ રીતે એ કામ કરે છે. માણસ આ બધી બાબતો વિષે ઘણું શીખ્યો છે. પણ મને બહુ જ અચરજ થાય છે કે એના વિષે હજી ઘણું જાણવાનું બાકી રહ્યું છે. કોષની ઉત્તમ રચનાને લીધે જ મને ખાતરી થઈ કે ખરેખર સર્જનહાર છે.

      બાઇબલમાંથી શીખવાથી મને ખબર પડી કે સર્જનહારનું નામ યહોવાહ છે. મને પૂરી ખાતરી છે કે તે ફક્ત એક બુદ્ધિમાન ડિઝાઇનર જ નથી, પણ એક પિતાની જેમ મને ખૂબ પ્રેમ કરે છે, મારી સંભાળ રાખે છે. બાઇબલ સમજાવે છે કે જીવનનો હેતુ શું છે. એ સુખી ભાવિ વિષે આશા પણ આપે છે.

      સ્કૂલમાં બાળકોને ઉત્ક્રાંતિ વિષે શીખવવામાં આવે છે. પણ તેઓ પોતે મૂંઝાઈ જાય છે કે શું માનવું જોઈએ. જો તેઓ ઈશ્વરમાં માનતા હોય, તો ઉત્ક્રાંતિનું શિક્ષણ તેઓની શ્રદ્ધાની કસોટી કરશે. પણ જો તેઓ કુદરતમાં જોવા મળતી અજોડ રચનાઓ વિષે વિચારતા રહે, સર્જનહાર અને તેમના ગુણો વિષે જ્ઞાન વધારતા રહે તો તેઓ શ્રદ્ધાને જાળવી રાખી શકશે. મેં પોતે આમ કર્યું છે. એટલે મને ખાતરી છે કે બાઇબલમાં ઉત્પત્તિનો અહેવાલ સાચો છે અને વિજ્ઞાન સાથે પણ મળતો આવે છે.

      ‘કેવા સરળ ને સુંદર નિયમો છે’

      ▪ એનરીકે હર્નાન્ડેઝ લીમશ

      પરિચય: યહોવાહના એક સાક્ષી તરીકે હું મારો પૂરો સમય લોકોને બાઇબલ વિષે શીખવું છું. હું ભૌતિકશાસ્ત્રનો વૈજ્ઞાનિક પણ છું અને મૅક્સિકોની નેશનલ યુનિવર્સિટીમાં કામ કરું છું. હું હમણા નવા તારાઓના જન્મ વિષે અભ્યાસ કરું છું. જેમ કે, એ કેવી રીતે બને છે, ક્યાંથી આવે છે. કેવી જાતની શક્તિ એને અસર કરે છે. આના પહેલાં, મેં ડી.એન.એ.માં કેવી માહિતી છે, એની શોધ પણ કરી છે.

      બધા સજીવો એટલા જટિલ છે કે એ આપમેળે આવી જ ન શકે. દાખલા તરીકે, વિચાર કરો કે એક સૂક્ષ્મ ડી.એન.એ.માં કેટલી પુષ્કળ માહિતી હોય છે. એની અંદર એક ક્રોમોઝોમ આપમેળે પેદા થવાની શક્યતા ૯ લાખ-કરોડમાં (૯ પાછળ ૧૨ ઝીરો અથવા ૯૦૦૦ અબજ) એકથી પણ ઓછી હોય છે. એટલે એ આપમેળે આવી જ ન શકે. તેથી, એમ વિચારવું મૂર્ખાઈભર્યું કહેવાય કે ફક્ત એક ક્રોમોઝોમ જ નહિ, પણ સર્વ સજીવ પ્રાણીઓમાં જોવા મળતી જટિલ વ્યવસ્થા આપોઆપ આવી ગઈ.

      વધુમાં, જ્યારે હું સૂક્ષ્મ જીવોથી લઈને છેક અંતરિક્ષના મોટા મોટા વાદળોની તપાસ કરું છું ત્યારે એકદમ દંગ થઈ જાઉં છું. સૌથી નાની વસ્તુથી માંડીને મોટી મોટી વસ્તુઓના હલન-ચલન પાછળ ખૂબ સરળ ને સુંદર નિયમો છે. મારી માટે, આ નિયમો ફક્ત એક ઉત્તમ ગણિતશાસ્ત્રીનું જ કામ નથી, પણ એ તો જાણે એક મહાન કલાકારની સહી છે.

      હું લોકોને કહું કે હું યહોવાહનો સાક્ષી છું ત્યારે તેઓ માની જ નથી શકતા. અમુક વાર તેઓ પૂછે છે કે હું ઈશ્વરમાં કેવી રીતે માની શકું છું. તેઓનું કહેવું હું સમજી શકું છું, કેમ કે મોટા ભાગના ધર્મો લોકોને ઉત્તેજન નથી આપતા કે તેઓ ધાર્મિક માન્યતાની સાબિતી તપાસે, એના વિષે પૂછે કે વધુ શીખે. પણ બાઇબલ કહે છે કે આપણે “વિવેકબુદ્ધિ” વાપરવી જોઈએ. (નીતિવચનો ૩:૨૧) કુદરતમાં એવા પુષ્કળ પુરાવા છે જે વિશ્વના સર્જનહારની સાબિતી આપે છે. તેમ જ બાઇબલ પણ એના વિષે ખૂબ જણાવે છે. એ બાબતો મને પૂરી ખાતરી આપે છે કે ઈશ્વર છે. એટલું નહિ, પણ તે આપણી પ્રાર્થનાઓ સાંભળવા ચાહે છે.

      [ફુટનોટ]

      a આ વૈજ્ઞાનિકો જે કહે છે, એ તેઓના પોતાના જ વિચારો છે. એ તેઓના માલિકના વિચારો નથી.

      [પાન ૨૨ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

      Mars in background: Courtesy USGS Astrogeology Research Program, http://astrogeology.usgs.gov

  • વનસ્પતિની સુંદર પૅટર્ન
    સજાગ બનો!—૨૦૦૬ | ઑક્ટોબર
    • વનસ્પતિની સુંદર પૅટર્ન

      ઘણી જાતની વનસ્પતિ સર્પિલ આકારમાં ઊગે છે. શું તમે કદીયે એ જોયું છે? દાખલા તરીકે, અનાનસની છાલ કાંટેદાર ગોળ ટપકાંવાળી હોય છે. એ ટપકાં સર્પાકારમાં એક બાજુથી આઠ હારમાં જોવા મળે છે. જ્યારે કે ઊલટી બાજુએ પાંચ કે તેર હારમાં એ ટપકાં જોવા મળે છે. (પહેલું ચિત્ર જુઓ.) સૂરજમુખીનું ફૂલ (સનફ્લાવર) જુઓ. એનાં બી ૫૫ અને ૮૯ સર્પિલ આકારમાં એક બીજાનો રસ્તો કાપતા જોવા મળશે. અમુક સૂરજમુખીમાં એનાથી પણ વધારે સર્પિલ આકાર જોવા મળશે. તમે ફ્લાવરમાં પણ એવા સર્પિલ આકાર જોઈ શકશો. એક વાર તમે શાકભાજી અને ફળોના આવા સર્પિલ આકાર પર ધ્યાન આપવા લાગશો તેમ, તમને એ ખરીદવા જવાની વધારે મઝા આવશે. આવા ફૂલ-ફળ આ રીતે કેમ ઊગે છે? એ સર્પિલ આકારમાં શું નોંધ કરવા જેવું છે?

      વનસ્પતિ કઈ રીતે વિકસે છે?

      મોટા ભાગની વનસ્પતિના કેન્દ્રમાં મેરીસ્ટેમ નામનો ભાગ હોય છે. એમાંથી નવા થડ, ડાળી, પાંદડાં ને ફૂલો જેવા અંગો ઊગે છે. એ દરેક નવા અંગોને પ્રાઈમોર્ડિયમ કહેવાય છે. એ અંગ મેરીસ્ટેમથી એક નવી દિશામાં વધવા માંડે છે અને પહેલા ઊગી ગયેલા અંગ સાથે ખૂણો બનાવે છે.a (બીજું ચિત્ર જુઓ.) મોટા ભાગની વનસ્પતિમાં દરેક નવું અંગ એક ખાસ ખૂણે ઊગે છે અને એ કારણે એનો આકાર સર્પિલ હોય છે. એ ખાસ ખૂણો કયો છે?

      આ ઉખાણાનો વિચાર કરો: તમારે એવી વનસ્પતિની ડિઝાઈન કરવાની છે જેમાં દરેક નવો ભાગ કેન્દ્રથી ઊગે. જેમાં દરેક નવો ભાગ બીજા ભાગો સાથે એકદમ ફિટ બેસી જાય, કોઈ ખાલી જગ્યા ન રહે. ધારો કે તમે વનસ્પતિના ચારે તરફના ઘેરાવ કે ચક્રને પાંચ સરખા ભાગમાં વહેંચી દો છો. પછી કેન્દ્રમાંથી દરેક નવો ભાગ, ચક્રના બે ભાગના ખૂણે (૨૧૬ ડિગ્રી) ગોઠવો છો. ક્રિયા આમ ચાલતી રહી. પણ થોડી વારમાં તમે જોઈ શકશો કે દરેક નવો પાંચમો ભાગ, કોઈ જૂના ભાગ ઉપર જ અને એ જ દિશામાં ફૂટતો હશે. પરિણામે વનસ્પતિમાં પાંચ હાર જોવા મળશે ને દરેક હાર વચ્ચે ખાલી જગ્યા રહી જશે. (ત્રીજું ચિત્ર જુઓ.) હકીકત એ છે કે ચક્રના સરખા ભાગ (સિમ્પલ ફ્રેકશન) ગમે તેટલા કરો, પરિણામ હંમેશાં એવું જ હશે. પણ એક ખૂણો છે જેનાથી બધા ભાગો શક્ય એટલા એકબીજાની એકદમ નજીક ઊગશે. એને ગોલ્ડન ઍન્ગલ કહેવાય છે. એ લગભગ ૧૩૭.૫ ડિગ્રી છે. જો વનસ્પતિનો દરેક નવો ભાગ એ ખૂણા મુજબ ઊગે, તો બધી જગ્યાનો ઉપયોગ થઈ શકશે અને બધા અંગો એકદમ નીકટ રહેશે. (પાંચમું ચિત્ર જુઓ.) વનસ્પતિના વિકાસ માટે આ ખૂણો કેમ એટલો વિશિષ્ટ છે?

      કેમ કે ગોલ્ડન ઍન્ગલ કોઈ ગણિતના સિમ્પલ ફ્રેકશનમાં રજૂ થઈ શકતો નથી. આઠમાંથી પાંચ ભાગનો આંકડો (૧૩૫ ડિગ્રી) એ ઍન્ગલની નજીક આવે છે. તેરમાંથી આઠ ભાગોનો આંકડો (૧૩૮.૪ ડિગ્રી) એનાથી પણ વધુ નજીક આવે છે. એકવીસ ભાગોમાંથી તેર ભાગનો આંકડો (૧૩૭.૧ ડિગ્રી) ખૂબ નજીક આવી જાય છે. તોયે કોઈ ભાગો એ ૧૩૭.૫ ડિગ્રીના ખૂણાને રજૂ કરી શકતો નથી. ગોલ્ડન ઍન્ગલને લીધે વનસ્પતિના કેન્દ્રમાંથી કોઈ નવો ભાગ કદીયે બીજા ભાગ પર કે એની દિશામાં ઊગશે નહિ. ચોથું ચિત્ર જુઓ.) તેથી ફૂલની પાંખડીઓ સૂર્યનાં કિરણોની જેમ, કેન્દ્રથી બધી દિશામાં ખીલશે નહિ, પણ સર્પિલ આકારમાં ખીલશે.

      કૉમ્પ્યુટર પ્રોગ્રામ દ્વારા પણ આપણે હવે જોઈ શકીએ છીએ કે ઊગતું ફૂલ કઈ રીતે એ સર્પિલ આકાર મુજબ ઊગે છે. પણ જો પ્રોગ્રામમાં બધા ગોલ્ડન ઍન્ગલના આંકડા એકદમ ચોક્કસ ન હોય, તો એ સર્પિલ આકાર નહિ થાય. જો એ આંકડામાં ૦.૧ ડિગ્રી આમતેમ હોય, તોપણ સર્પિલ આકાર નહિ બને.—પાંચમું ચિત્ર જુઓ.

      ફૂલમાં કેટલી પાંખડીઓ હોય છે?

      વનસ્પતિમાં બનતા સર્પિલ આકાર ગોલ્ડન ઍન્ગલને આધારે હોય છે. પણ ફૂલ પર કેટલા સર્પિલ આકાર હશે, એ ‘ફિબોનાચી ક્રમ’ પર આધાર રાખે છે. તેરમી સદીના લીઓનાર્ડો ફિબોનાચી નામના ઇટાલિયન ગણિતશાસ્ત્રીએ એ ક્રમ વિષે પહેલી વાર જણાવ્યું હતું. આ ક્રમમાં, એક પછીનો દરેક આંકડો, પાછલા બે આંકડાનો સરવાળો હોય છે. જેમ કે: ૧, ૧, ૨, ૩, ૫, ૮, ૧૩, ૨૧, ૩૪, ૫૫ વગેરે.

      જે ફૂલો સર્પિલ આકારમાં ઊગતાં હોય, તેઓની પાંખડીઓની સંખ્યા મોટા ભાગે ફિબોનાચી ક્રમ મુજબ થાય છે. એટલે અમુકનું કહેવું છે કે બટરકપ ફૂલમાં પાંચ પાંખડીઓ હશે. બ્લડરુટમાં આઠ, ફાઈયરવીડમાં ૧૩, એસ્ટરમાં ૨૧, સામાન્ય ડેઈઝીમાં ૩૪ અને માયકેલમસ ડેઈઝીમાં ૫૫ કે ૮૯ પાંખડીઓ હશે. (છઠ્ઠું ચિત્ર જુઓ.) ઘણા ફળો અને શાકભાજીમાં પણ ફિબોનાચી ક્રમની ગણતરી જોવા મળશે. દાખલા તરીકે, કેળાંને અધવચ્ચે કાપો તો એમાં પાંચ પાસાનો આકાર જોવા મળશે.

      ઈશ્વરે ‘દરેક વસ્તુને સુંદર બનાવી છે’

      જે વનસ્પતિ ગોલ્ડન ઍન્ગલ મુજબ ઊગે છે એ બહુ જ જોવા જેવી છે. વર્ષોથી કુશળ ચિત્રકારોએ એની તારીફ કરી છે. પણ વનસ્પતિના નવા ભાગો કઈ રીતે આ એકદમ ચોક્કસ ખૂણો મુજબ જ ઊગે છે? ઘણા લોકો માને છે કે આ સર્જનહારની કરામત છે.

      અનેક પ્રાણીઓ અને વનસ્પતિઓની અજોડ રચના જોવામાં શું તમને મઝા આવતી નથી? ઘણા લોકો માને છે કે ઈશ્વરે આ બધી કુદરતી ચીજો, આપણા આનંદ માટે જ બનાવી છે. આપણા સર્જનહાર વિષે બાઇબલ કહે છે: ‘તેમણે દરેક વસ્તુને તેને સમયે સુંદર બનાવી છે.’—સભાશિક્ષક ૩:૧૧. (g 9/06)

      [ફુટનોટ]

      a સૂરજમુખી થોડી નોખી રીતે વિકસે છે. આ ફૂલમાં જોવા મળતા ફ્લોરેટ, જે પછી બી બની જાય છે, વચ્ચેથી નહિ, પણ બહારથી અંદરની તરફ સર્પિલ આકાર બનાવે છે.

      [પાન ૨૪, ૨૫ પર ડાયગ્રામ્સ]

      ૧

      (See publication)

      ૨

      (See publication)

      ૩

      (See publication)

      ૪

      (See publication)

      ૫

      (See publication)

      ૬

      (See publication)

      [પાન ૨૪ પર ચિત્ર]

      મેરીસ્ટેમનો ખૂબ નજીકથી ખેંચેલો ફોટો

      [ક્રેડીટ લાઈન]

      R. Rutishauser, University of Zurich, Switzerland

      [પાન ૨૫ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

      સફેદ ફૂલ: Thomas G. Barnes @ USDA-NRCS PLANTS Database

  • તમે જે માનો છો એનાથી શું ફરક પડે છે?
    સજાગ બનો!—૨૦૦૬ | ઑક્ટોબર
    • તમે જે માનો છો એનાથી શું ફરક પડે છે?

      શું તમને લાગે છે કે જીવનનો કોઈ હેતુ છે? જો જીવન ઉત્ક્રાંતિથી આવ્યું હોય તો સાયન્ટિફિક અમેરિકન મૅગેઝિને જે કહ્યું એ સાચું કહેવાય: ‘આજે ઉત્ક્રાંતિવાદ શીખવે છે કે જીવનનો કોઈ હેતુ નથી.’ તમને શું લાગે છે?

      એનો શું અર્થ થાય એ વિચારો. જો જીવનનો હેતુ ન હોય તો, જીવનનો શું અર્થ? ફક્ત એ જ કે બીજાનું ભલું કરતા રહીએ? પોતાના બાળકોમાં સદ્‍ગુણો ઉતારીએ? કેમ કે મરણ પછી કાંઈ જ બચતું નથી. ફક્ત એટલું જ માનવું કે આપણે આપોઆપ આવી ગયા છીએ અને એક દિવસે મરણ પામીશું. પછી બુદ્ધિ કે વિચારવાની ક્ષમતાનો અંત આવે છે.

      એટલું જ પૂરતું નથી. ઉત્ક્રાંતિમાં માનતા લોકો કહે છે કે ઈશ્વર કે કુદરત જેવું કાંઈ જ નથી. જો હોય તોપણ તે ઇન્સાનનું દુઃખ દૂર કરશે નહિ. ભલે તેઓ ગમે એ કહે, એનો એ જ અર્થ થયો કે આપણું ભાવિ નેતાઓ, શિક્ષકો અને ધર્મગુરુઓના હાથમાં જ છે. તેઓએ આજ સુધી સમાજમાં શું કર્યું છે! અશાંતિ, લડાઈ-ઝગડા અને ભ્રષ્ટાચાર ફેલાવ્યા છે. તેમ જ ફેલાવતા રહેશે. જો ઉત્ક્રાંતિ સાચું હોય તો, માણસ માટે આવું વિચારવું જરાય ખોટું નથી, ‘ચાલો આપણે ખાઈએ ને પીઈએ. કેમ કે કાલે તો આપણે મરવાના છીએ.’—૧ કોરીંથી ૧૫:૩૨.

      ઉપર જણાવ્યા પ્રમાણે યહોવાહના સાક્ષીઓ એમાં જરાય માનતા નથી. તેઓ ઉત્ક્રાંતિમાં નહિ પણ બાઇબલમાં માને છે. તેઓ માને છે ફક્ત બાઇબલ જ સત્ય શીખવે છે. (યોહાન ૧૭:૧૭) એટલે જ ઇન્સાન આ ધરતી પર કેવી રીતે આવ્યો એ વિષે બાઇબલ જે કહે છે એમાં તેઓને પૂરી શ્રદ્ધા છે. બાઇબલ કહે છે: “જીવનનો ઝરો તારી [ઈશ્વરની] પાસે છે.” (ગીતશાસ્ત્ર ૩૬:૯) એનો શું અર્થ થાય?

      એ જ કે આપણા જીવનનો હેતુ છે. ઈશ્વરે આપણને બનાવ્યા એની પાછળ સૌથી મહત્ત્વનું કારણ છે. જેઓ તેમની ઇચ્છા પ્રમાણે જીવશે તેઓને એ હેતુનો ખરો અનુભવ થશે. (સભાશિક્ષક ૧૨:૧૩) એ હેતુ શું છે? ઈશ્વર ચાહે છે કે જેઓ તેમના કહેવા પ્રમાણે ચાલશે તેઓ સ્વર્ગ જેવી દુનિયામાં રહેશે: એ દુનિયામાં લડાઈ-ઝગડા કે ભ્રષ્ટાચાર નહિ હોય. બધે જ શાંતિ હશે. અરે, કોઈ મરણ પણ નહિ પામે. તેઓ સદા જીવશે. (યશાયાહ ૨:૪; ૨૫:૬-૮) આજે યહોવાહના લાખો સાક્ષીઓ તન-મનથી સાચા ઈશ્વરને ભજે છે. તેઓનું માનવું છે કે ઈશ્વરના કહેવા પ્રમાણે જીવવાથી જીવનમાં હેતુ મળશે. એના જેવું જીવનમાં બીજું કંઈ જ નથી!—યોહાન ૧૭:૩.

      તો પછી, તમે જે માનો છો એનાથી શું કોઈ ફરક પડે છે? હા, જરૂર પડે છે. એની અસર ખાલી આજે જ નહિ, આપણી આવતીકાલ પર પણ પડે છે. તો હવે તમે શું માનશો? શું પસંદ કરશો? શું તમે ઉત્ક્રાંતિની થીયરીમાં માનશો, જે સમજાવી શકતી નથી કે સૃષ્ટિની રચના કેવી રીતે થઈ છે? કે પછી બાઇબલ જે શીખવે છે એમાં માનશો? બાઇબલ કહે છે કે પૃથ્વી અને સર્વ સજીવો મહાન સર્જનહારની કરામત છે. એટલે કે યહોવાહ ઈશ્વરે બધું જ “ઉત્પન્‍ન” કર્યું છે.—પ્રકટીકરણ ૪:૧૧. (g 9/06)

  • શું વિજ્ઞાન ઉત્પત્તિનો અહેવાલ ખોટો ઠરાવે છે?
    સજાગ બનો!—૨૦૦૬ | ઑક્ટોબર
    • બાઇબલ શું કહે છે

      શું વિજ્ઞાન ઉત્પત્તિનો અહેવાલ ખોટો ઠરાવે છે?

      ઘણા દાવો કરે છે કે બાઇબલમાં આપેલા ઉત્પત્તિના અહેવાલને વિજ્ઞાન ખોટો સાબિત કરે છે. હકીકતમાં વિજ્ઞાન બાઇબલને નહિ, ‘ક્રિશ્ચિયન ફન્ડામેન્ટલીસ્ટ’ નામના એક ગ્રૂપને ખોટા સાબિત કરે છે. તેઓ જેવા અમુક ગ્રૂપનું કહેવું છે કે બાઇબલના દરેક શબ્દો શાબ્દિક રીતે માનવા જોઈએ. તેઓનું માનવું છે કે બાઇબલના કહેવા પ્રમાણે આજથી લગભગ ૧૦,૦૦૦ વર્ષ પહેલાં, ઈશ્વરે ૨૪ કલાકનો એક એવા છ દિવસમાં, આખા વિશ્વનું સર્જન કર્યું હતું.

      બાઇબલ એવું શીખવતું નથી. એ એવું શીખવતું હોત તો, છેલ્લાં સોએક વર્ષમાં વૈજ્ઞાનિકોએ કરેલી શોધખોળે બાઇબલને સાવ ખોટું સાબિત કર્યું હોત. બાઇબલમાં શોધખોળ કરવાથી એવું કંઈ જોવા મળતું નથી, જે વિજ્ઞાનની વિરુદ્ધમાં હોય. એટલે યહોવાહના સાક્ષીઓ ‘ક્રિશ્ચિયન ફન્ડામેન્ટલીસ્ટ કે ક્રિએશનિસ્ટ’ સાથે સહમત નથી. નીચેના પુરાવાઓ સાફ બતાવે છે કે બાઇબલ શું શીખવે છે.

      ‘આદિની’ શરૂઆત ક્યારે થઈ?

      ઉત્પત્તિ ૧:૧ સીધી-સાદી ભાષામાં કહે છે: ‘આદિએ ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્‍ન કર્યાં.’ એમાં સનાતન સત્ય છે. બાઇબલ વિદ્વાનો પણ સહમત થાય છે કે આ કલમ એટલું જ બતાવે છે કે ઈશ્વરે શું ઉત્પન્‍ન કર્યું. જ્યારે કે ત્રીજી કલમ પછીનો અહેવાલ જણાવે છે કે ઈશ્વરે ઉત્પત્તિના દરેક દિવસે શું કર્યું. એ જાણતા ન હોઈએ તો, અર્થનો અનર્થ થઈ જાય. બાઇબલમાં ઉત્પત્તિ ૧:૧ બતાવે છે કે ઉત્પત્તિનો પહેલો દિવસ શરૂ થયો, એના અગણિત વર્ષો પહેલાં ઈશ્વરે પૃથ્વી અને આખું વિશ્વ ઉત્પન્‍ન કર્યા હતા.

      પૃથ્વીના પડનો અભ્યાસ કરનારાના (ભૂસ્તરશાસ્ત્રીઓના) અંદાજ પ્રમાણે, પૃથ્વીની રચનાને ચાર અબજ વર્ષ થયાં. ગ્રહો, તારાનો અભ્યાસ કરનારાના (ખગોળશાસ્ત્રીઓના) અંદાજ પ્રમાણે, વિશ્વની રચનાને પંદર અબજ વર્ષ થયાં છે. પૃથ્વી વિષે આજે આપણે જે જાણીએ છીએ અને હજુ જે જાણીશું, એનાથી ઉત્પત્તિ ૧:૧ ખોટું ઠરશે? જરાય નહિ. બાઇબલ એ નથી જણાવતું કે ‘આકાશ તથા પૃથ્વીને’ કેટલાં વર્ષ થયાં છે. બાઇબલમાં જે લખ્યું છે, એને વિજ્ઞાન ખોટું સાબિત કરી શકતું નથી.

      ઉત્પત્તિના છ દિવસ કેટલા લાંબા હતા?

      દરેક દિવસ કેટલો લાંબો હતો? શું દરેક દિવસ ૨૪ કલાકનો હતો? ઈશ્વરે મુસા પાસે ઉત્પત્તિનો અહેવાલ લખાવ્યો હતો. એમાં તેમણે લખ્યું કે છ દિવસમાં ઈશ્વરે સર્વ ઉત્પન્‍ન કર્યું. એના પછીના દિવસને, એટલે કે સાતમા દિવસને ઈશ્વરે સાબ્બાથ કહ્યો. આમ, સાત દિવસનું અઠવાડિયું બન્યું. ઘણાનું કહેવું છે કે ઉત્પત્તિનો દરેક દિવસ ચોવીસ કલાકનો હોવો જોઈએ. (નિર્ગમન ૨૦:૧૧-૧૨) શું તેઓની સાથે ઉત્પત્તિનું પુસ્તક સહમત થાય છે?

      ના, કારણ કે હિબ્રૂમાં ફક્ત ચોવીસ કલાકના સમયને જ “દિવસ” કહેવામાં આવતો ન હતો. દાખલા તરીકે, ઈશ્વરે છ દિવસમાં જે ઉત્પન્‍ન કર્યું હતું, એને મુસાએ એક દિવસ કહ્યો છે. (ઉત્પત્તિ ૨:૪) ઉત્પત્તિના પહેલા દિવસે, “દેવે અજવાળાને દહાડો કહ્યો, ને અંધારાને રાત કહી.” (ઉત્પત્તિ ૧:૫) અહીં ચોવીસ કલાકના ફક્ત અમુક ભાગને જ ‘દહાડો કે દિવસ’ કહેવામાં આવ્યો. એ બતાવે છે કે આપણે મન ફાવે એમ મારી-મચકોડીને બાઇબલમાંથી પુરાવો ન આપીએ કે ઉત્પત્તિનો દરેક દિવસ ચોવીસ કલાકનો હતો.

      તો ઉત્પત્તિના દરેક દિવસ કેટલા લાંબા હતા? ઉત્પત્તિના પહેલા અને બીજા અધ્યાય પરથી જોવા મળે છે કે એ સમય ઘણો લાંબો હતો.

      સર્વ વસ્તુઓ ધીરે ધીરે ઉત્પન્‍ન કરવામાં આવી

      મુસાએ ઉત્પત્તિનો અહેવાલ હિબ્રૂમાં લખ્યો હતો. મુસા જાણે પૃથ્વી પરથી બધું જોતા હોય એવી રીતે તેમણે લખ્યું. એની સાથે સાથે એ પણ ભૂલીએ નહિ કે ઈશ્વરે ‘છ દિવસમાં’ પૃથ્વીનું સર્જન કર્યું ત્યારે વિશ્વ હતું જ. એમ કરીશું તો ઉત્પત્તિ વિષેની અનેક ગેરસમજણ દૂર થશે. કેવી રીતે?

      ઉત્પત્તિનો અહેવાલ બરાબર તપાસીએ તો જોવા મળે છે કે પહેલા ‘દિવસે’ જે બનાવ શરૂ થયો, તે એ જ દિવસે પૂરો થયો ન હતો. ઘણી વાર એ બીજે દિવસે અથવા અમુક દિવસ પછી પૂરો થયો. દાખલા તરીકે, ઉત્પત્તિનો પહેલો “દિવસ” શરૂ થયો એ પહેલાં પણ સૂરજ તો હતો જ. ફક્ત એનો પ્રકાશ ગાઢાં વાદળોમાં રોકાઈ ગયો હતો. તેથી એ પૃથ્વી પર પહોંચી શકતો ન હતો. (અયૂબ ૩૮:૯) ઉત્પત્તિના પહેલા ‘દિવસે’ વાદળો ધીમે ધીમે ઓછાં થવાં લાગ્યાં. આમ, પ્રકાશ ધીમે ધીમે વાતાવરણમાંથી પૃથ્વી પર પહોંચવા લાગ્યો.a

      બીજા ‘દિવસે’ વાતાવરણ હજી વધારે ચોખ્ખું થવા લાગ્યું. આમ ઉપર ગાઢાં વાદળોના થર અને નીચે દરિયા વચ્ચે ખુલ્લું હવામાન બન્યું. ચોથા ‘દિવસે’ વાદળો તો એ હદ સુધી ઓછાં થઈ ગયાં કે ધીમે ધીમે ‘આકાશમાં’ સૂરજ ને ચંદ્ર દેખાવા લાગ્યા. (ઉત્પત્તિ ૧:૧૪-૧૬) બીજા શબ્દોમાં તમે પૃથ્વી પર એ સમયે હોત તો, પહેલી જ વાર સૂરજ ને ચંદ્રને જોયા હોત. આ બધા બનાવો ધીમે ધીમે બન્યા.

      ઉત્પત્તિનો અહેવાલ જણાવે છે કે પૃથ્વી પરના વાતાવરણમાં ધીરે ધીરે સુધારો થતો ગયો, તેમ તેમ પક્ષીઓને પણ ઉત્પન્‍ન કરવામાં આવ્યાં. મૂળ હિબ્રૂ ભાષામાં ઊડતા જીવજંતુઓનો પણ પક્ષીઓમાં સમાવેશ થાય છે. તેઓ પાંચમા ‘દિવસે’ દેખાવાં લાગ્યાં. બાઇબલ એ પણ બતાવે છે કે ઈશ્વર છઠ્ઠા ‘દિવસે’ પણ “ખેતરના હરેક જાનવરને, તથા આકાશના હરેક પક્ષીને ભૂમિમાંથી ઉત્પન્‍ન” કરી રહ્યા હતા.—ઉત્પત્તિ ૨:૧૯.

      બાઇબલની ભાષા પરથી દેખાય છે કે એમાં જણાવેલા મોટા મોટા બનાવો કોઈ એક જ ‘દિવસમાં’ બન્યા ન હતા. અમુક તો ધીમે ધીમે બન્યા હોવાથી એને ‘ઘણા દિવસ’ લાગ્યા હોઈ શકે.

      પોતપોતાની જાત પ્રમાણે

      એનો શું એવો અર્થ થાય કે ઈશ્વરે ઉત્ક્રાંતિથી જાત-જાતનાં ઝાડ-પાન અને પ્રાણીઓ બનાવ્યાં હતાં? જરાય નહિ. બાઇબલ જણાવે છે કે ઈશ્વરે દરેક પ્રકારનાં છોડ-પાન અને પ્રાણીઓને ઉત્પન્‍ન કર્યાં હતાં. (ઉત્પત્તિ ૧:૧૧, ૧૨, ૨૦-૨૫) ઈશ્વરે પ્રથમ છોડ-પાન અને પ્રાણીઓને શું એવી રીતે બનાવ્યાં હતાં કે બદલાતા હવામાનની સાથે તેઓ પણ સહેલાઈથી ટેવાઈ જાય? ‘પોતપોતાની જાતમાં’ કઈ હદ સુધી ફેરફાર થશે એ કોણ નક્કી કરે? બાઇબલ એના વિષે કંઈ જણાવતું નથી. તોપણ એમ કહે છે કે “પોતપોતાની જાત પ્રમાણે” પુષ્કળ પ્રાણીઓ હતાં. (ઉત્પત્તિ ૧:૨૧) આ કલમ બતાવે છે કે દરેક ‘જાતમાં’ અમુક હદ સુધી જ ફેરફાર થાય છે. અવશેષો અને આધુનિક સંશોધન પરથી એવું જોવા મળ્યું છે કે શરૂઆતના વનસ્પતિ-પ્રાણીઓના અવશેષો અને આજના વનસ્પતિ-પ્રાણીઓમાં થોડો જ ફરક જોવા મળે છે.

      અમુક ‘ફન્ડામેન્ટલીસ્ટ’ માને છે કે વિશ્વ, આકાશ, પૃથ્વી અને પૃથ્વી પરની બધી જ વસ્તુઓને થોડાં વર્ષો પહેલાં અને થોડા જ સમયમાં ઉત્પન્‍ન કરવામાં આવી છે. પરંતુ બાઇબલમાં ઉત્પત્તિનું પુસ્તક એવું શીખવતું નથી. એને બદલે, વિશ્વનું સર્જન કઈ રીતે થયું અને પૃથ્વી પર જીવન કેવી રીતે આવ્યું, એ વિષે ઉત્પત્તિના અહેવાલ સાથે વિજ્ઞાનમાં થયેલું આધુનિક સંશોધન સહમત થાય છે.

      ‘ફન્ડામેન્ટલીસ્ટની’ આવી ફિલસૂફીને લીધે, ઘણા વૈજ્ઞાનિકો બાઇબલમાં આપેલા ઉત્પત્તિના અહેવાલને માનતા નથી. જ્યારે કે એના લેખક મુસાએ સાફ સાફ લખ્યું કે વિશ્વ રચવામાં આવ્યું છે. પૃથ્વી પર વનસ્પતિ, જીવજંતુઓ, પ્રાણીઓ, એ બધું એક સાથે નહિ પણ ધીમે ધીમે ઉત્પન્‍ન કરવામાં આવ્યું છે. તો પછી સવાલ થાય કે મુસાને આજથી ૩,૫૦૦ વર્ષ પહેલાં, એ ચોક્કસ વૈજ્ઞાનિક માહિતી ક્યાંથી મળી? એનો એક જ જવાબ છે: આપણું વિશ્વ, આકાશ અને પૃથ્વીના સર્જનહારે તેમને એ જણાવ્યું જ હશે. ત્યારે જ તેમણે વિજ્ઞાનની રીતે સાચી માહિતી લખી. એ પુરાવો આપે છે કે બાઇબલ ‘ઈશ્વરની પ્રેરણાથી’ લખાયું છે.—૨ તીમોથી ૩:૧૬. (g 9/06)

      તમે કદી વિચાર્યું છે?

      ▪ ઈશ્વરે વિશ્વ રચ્યું એને કેટલાં વર્ષ થયાં?— ઉત્પત્તિ ૧:૧.

      ▪ શું ઈશ્વરે ૨૪ કલાકનો એક, એવા છ દિવસમાં વિશ્વ રચ્યું હતું?— ઉત્પત્તિ ૨:૪.

      ▪ મુસાને પૃથ્વીની રચના વિષે વૈજ્ઞાનિક સત્ય જણાવતી માહિતી ક્યાંથી મળી? — ૨ તીમોથી ૩:૧૬.

      [ફુટનોટ]

      a પહેલા ‘દિવસે’ પૃથ્વી પર દેખાવા લાગેલા પ્રકાશ માટે હિબ્રૂમાં ઑર શબ્દ વાપરવામાં આવ્યો છે. એ બધા જ પ્રકાશ માટે વપરાય છે. પણ ચોથા ‘દિવસે’ દેખાયેલા પ્રકાશ માટે માઑર શબ્દ વાપરવામાં આવ્યો હતો, જે પ્રકાશના ઉદ્‍ભવ માટે વપરાય છે.

      [પાન ૧૯ પર બ્લર્બ]

      બાઇબલનો ઉત્પત્તિનો અહેવાલ એમ શીખવતો નથી કે વિશ્વ થોડાં વર્ષો પહેલાં અને થોડા જ સમયમાં ઉત્પન્‍ન કરવામાં આવ્યું

      [પાન ૨૦ પર બ્લર્બ]

      ‘આદિએ ઈશ્વરે આકાશ અને પૃથ્વી ઉત્પન્‍ન કર્યાં.’—ઉત્પત્તિ ૧:૧

      [પાન ૧૮ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

      વિશ્વ: IAC/RGO/David Malin Images

      [પાન ૨૦ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

      NASA photo

  • કોઈએ સૃષ્ટિ રચી છે એવો હું કેવી રીતે પુરાવો આપી શકું?
    સજાગ બનો!—૨૦૦૬ | ઑક્ટોબર
    • યુવાનો પૂછે છે . . .

      કોઈએ સૃષ્ટિ રચી છે એવો હું કેવી રીતે પુરાવો આપી શકું?

      ‘ક્લાસમાં ઉત્ક્રાંતિ વિષે શીખવવામાં આવતું ત્યારે મારી શ્રદ્ધા હલી જતી. એ જાણે સત્ય હોય એમ શીખવવામાં આવતું. એ મારા ધર્મની વિરુદ્ધ હતું.’—રાયન, ૧૮.

      ‘હું ૧૨ વર્ષનો હતો ત્યારે મારા સાયન્સના ટીચર ઉત્ક્રાંતિ વિષે શીખવતા. એ પોતાનો ધર્મ હોય એ રીતે તે એમાં માનતા. અરે, તેમણે પોતાની કાર પર ડાર્વિનના શિક્ષણને ઉત્તેજન આપતું સ્ટિકર પણ લગાવ્યું હતું! એટલે મને ઈશ્વર વિષે વાત કરવાનો ડર લાગતો.’—ટાઇલર, ૧૯.

      ‘એક દિવસે સોશિયલ સ્ટડીના મારા ટીચરે કહ્યું કે આપણે આવતા ક્લાસમાં ઉત્ક્રાંતિ વિષે શીખીશું. એ સાંભળીને હું એકદમ ચોંકી ગઈ. હું જાણતી હતી કે મારે ક્લાસમાં કહેવું પડશે કે હું તો ઈશ્વરમાં માનું છું.’—રાકેલ, ૧૪.

      જો તમારા ક્લાસમાં ઉત્ક્રાંતિ વિષય પર ચર્ચા કરવામાં આવે તો, કદાચ તમને પણ રાયન, ટાઇલર અને રાકેલની જેમ ગભરામણ થશે, ખરું ને? તમે તો માનો છો કે ઈશ્વરે સર્વ વસ્તુઓ “ઉત્પન્‍ન” કરી છે. (પ્રકટીકરણ ૪:૧૧) તમે જાણો છો કે એ તો ઈશ્વરની કરામત છે. તેમ છતાં ઉત્ક્રાંતિ શીખવતાં પુસ્તકો અને ટીચરો શીખવે છે કે બધું આપમેળે આવી ગયું છે. તેથી તમને મનમાં સવાલ થઈ શકે કે ‘તેઓનો’ વિરોધ કરવાવાળો ‘હું’ કોણ? તેમ જ તમને થઈ શકે કે ‘હું’ જો ઈશ્વર વિષે ક્લાસમાં વાત કરું તો, બીજા સ્ટુડન્ટ મારા વિષે શું વિચારશે?

      શું તમને એવા પ્રશ્નથી ગભરામણ થાય છે? તોપણ ગભરાશો નહિ! આજે ઘણા લોકો માને છે કે ઈશ્વર છે. તેમણે બધું રચ્યું છે. એમ માનવામાં તમે જ એકલા નથી. ખરું કહીએ તો બધા વૈજ્ઞાનિકો પણ ઉત્ક્રાંતિમાં માનતા નથી. અરે, બધા ટીચરો પણ એમાં માનતા નથી. અમેરિકામાં પાંચમાંથી ચાર બાળકો ઈશ્વરમાં માને છે. પછી ભલેને પુસ્તકો ઉત્ક્રાંતિ શીખવતાં હોય!

      તોપણ તમને કદાચ સવાલ થશે કે સૃષ્ટિના સર્જનહાર છે, એનો હું કેવી રીતે પુરાવો આપી શકું? એ ભૂલશો નહિ કે તમે શરમાળ હો કે ડરતા હો તોપણ એ પૂરી હિંમતથી સમજાવી શકશો. એટલું જ કે તમારે પહેલેથી થોડું વિચારવું પડશે કે પુરાવો આપવા હું શું કહી શકું.

      તમારી માન્યતા સત્ય શીખવે છે કે નહિ એ પારખો!

      જો તમારાં માબાપ યહોવાહ ઈશ્વરમાં માનતા હોય તો, તેઓએ કદાચ તમને નાનપણથી એવું શીખવ્યું હશે કે સૃષ્ટિ તો ઈશ્વરની કરામત છે. પણ હવે મોટા થયા પછી તમે શું માનો છો? તમારાં માબાપના કહેવાથી તમારે ઈશ્વરમાં માનવું ન જોઈએ. પણ જાતે પુરાવો શોધવો જોઈએ કે સર્જનહાર છે. જેથી તમે સમજી વિચારીને “બુદ્ધિપૂર્વક” તેમની સેવા કરી શકો. એમ કરશો તો તમારી શ્રદ્ધા દિવસે દિવસે મજબૂત બનશે. (રૂમી ૧૨:૧) પહેલી સદીમાં પ્રેરિત પાઊલે યહોવાહના ભક્તોને ઉત્તેજન આપતા સલાહ આપી કે “સઘળાંની પારખ કરો.” (૧ થેસ્સાલોનીકી ૫:૨૧) તેથી સવાલ થાય કે ઉત્પત્તિ સત્ય શીખવે છે કે નહિ? એ આપણે કઈ રીતે પારખી શકીએ?

      પ્રથમ, પાઊલે ઈશ્વર વિષે જે કહ્યું એનો વિચાર કરો: ‘જગત ઉત્પન્‍ન થયું ત્યારથી સૃજેલી વસ્તુઓ પરથી તેમના ગુણો’ દેખાઈ આવે છે. (રૂમી ૧:૨૦) આ શબ્દો ધ્યાનમાં રાખીને વિચાર કરો કે, ગગન, વિશ્વ, આપણું શરીર, પૃથ્વી, સમુદ્ર, જીવજંતુઓ, પ્રાણીઓ અને છોડ-પાન કોણે બનાવ્યાં? કેવી રીતે આવ્યાં? પછી પોતાને પૂછો, ‘હું શાના પરથી કહી શકું કે ઈશ્વર છે?’

      ૧૪ વર્ષના સામે એનો આ રીતે જવાબ આપ્યો: ‘મનુષ્યનું શરીર અજોડ છે. નાના-મોટા દરેક અંગો એટલા જટિલ છે કે આપણે સહેલાઈથી બધું સમજી જ ન શકીએ. એ બધા અંગો એકરાગમાં જે રીતે એકબીજા સાથે કામ કરે છે એ જોઈને કહી જ ન શકાય કે એ આપમેળે આવી ગયું છે.’ સોળ વર્ષની હૉલી પણ તેની સાથે સહમત છે. તે કહે છે: ‘મને ડાયાબિટીસ થયા પછી હું આપણા શરીર વિષે ઘણું જ શીખી. આપણું પેન્ક્રિયાઝ કે સ્વાદુપિંડ તો અજોડ છે. એ આપણા પેટની પાછળ આવેલું નાનકડું અંગ છે. છતાં એ મહત્ત્વનું કામ કરે છે. એ લોહીને શુદ્ધ રાખે છે. અને બીજા અંગોને સારી હાલતમાં રાખે છે.’

      ઈશ્વર છે કે નહિ એના વિષે બીજા યુવાનો આમ કહે છે. ૧૯ વર્ષનો જરાડ કહે છે: ‘આપણામાં ઈશ્વરને ભજવાની ભૂખ છે. સુંદરતાની કદર કરવાની ચાહના છે. નવું નવું શીખવાની તમન્‍ના છે. એ જ પુરાવો છે કે સૃષ્ટિ ઈશ્વરની કરામત છે. જ્યારે કે ઉત્ક્રાંતિના શિક્ષણ પ્રમાણે જીવતા રહેવા માટે એ બાબતોની કોઈ જરૂર જ નથી. હું એટલું જ માનું છું કે કુદરતે આપણને પૃથ્વી પર એટલા માટે બનાવ્યા છે કે આપણે જીવનનો આનંદ માણતા રહીએ.’ આપણે લેખની શરૂઆતમાં ટાઇલરની વાત કરી હતી. તે પણ જરાડની જેમ નિર્ણય પર આવ્યો છે. તે કહે છે કે ‘છોડ-પાન વગર જીવન હોત જ નહિ. એની રચના જ અનોખી છે. એની રચના વિષે બધું જાણવું અશક્ય છે. એના પરથી હું કહી શકું કે ઈશ્વર છે.’

      જો તમે પણ તેઓની જેમ સૃષ્ટિની રચના વિષે ઊંડો વિચાર કર્યો હોય તો, ઈશ્વર વિષે વાત કરવી અઘરું નહિ લાગે. સામ, હૉલી, જોરાડ અને ટાઇલરે ઈશ્વરની કરામત પર ઊંડો વિચાર કર્યો. તમે પણ એમ કરીને પારખી શક્શો કે એ તો ઈશ્વરની કરામત છે. તમે પણ પ્રેરિત પાઊલની જેમ એક જ નિર્ણય પર આવશો કે, ઈશ્વર છે. એટલું જ નહિ પણ ‘સૃજેલી વસ્તુઓ’ પરથી તમે તેમના ગુણો જોઈ શકશો.a

      બાઇબલ શું શીખવે છે?

      સૃજેલી વસ્તુઓનો દાખલો વાપરીને પુરાવો આપવો કે ઈશ્વર છે, એ જ પૂરતું નથી. એ ઉપરાંત, એના વિષે બાઇબલ શું શીખવે છે એ આપણે જાણવું જોઈએ. બાઇબલમાં જો કોઈક બાબતો વિષે કાંઈ જણાવ્યું ન હોય તો એના વિષે ખોટો વાદવિવાદ કરવો ન જોઈએ. ચાલો અમુક દાખલાઓ જોઈએ.

      ▪ મારું વિજ્ઞાનનું પુસ્તક શીખવે છે કે આપણી પૃથ્વી અને સૂર્યમંડળને અબજો વર્ષો થયાં છે. બાઇબલ એ જણાવતું નથી કે પૃથ્વી અને સૂર્યમંડળને કેટલાં વર્ષ થયાં છે. પરંતુ બાઇબલ જે જણાવે છે એનાથી આપણે કહી શકીએ કે ઈશ્વરે ઉત્પત્તિના પહેલા ‘દિવસે’ પૃથ્વી પર સર્જન કર્યું એના અબજો વર્ષો પહેલાં વિશ્વ, ગગન, સૂર્યમંડળ અને પૃથ્વી રચ્યાં હતાં.—ઉત્પત્તિ ૧:૧, ૨.

      ▪ મારા ટીચરનું કહેવું છે કે છ દિવસમાં પૃથ્વી ઉત્પન્‍ન કરવામાં આવી જ ન હોઈ શકે. બાઇબલ શીખવતું નથી કે ઉત્પત્તિના છ “દિવસ,” ૨૪ કલાકનો ‘એક દિવસ’ એવા છ દિવસ હતા. વધુ માહિતી માટે પાન ૧૮-૨૦ જુઓ.

      ▪ ક્લાસમાં અમે અનેક દાખલાઓ પર ચર્ચા કરી, જે બતાવે છે કે માણસ અને પ્રાણીઓમાં સમય જતાં ઉત્ક્રાંતિથી ફેરફારો થયા છે. બાઇબલ કહે છે કે ઈશ્વરે “પોતપોતાની જાત પ્રમાણે” પ્રાણીઓ અને જીવજંતુઓ બનાવ્યા છે. (ઉત્પત્તિ ૧:૨૦, ૨૧) બાઇબલ એમ શીખવતું નથી કે નિર્જીવ પદાર્થોમાંથી જીવોની ઉત્પત્તિ થઈ. અથવા ઈશ્વરે ઉત્ક્રાંતિ દ્વારા કોઈ એક કોષમાંથી સર્વ સજીવોની શરૂઆત કરી. જોકે દરેક ‘જાતિમાં’ ઘણા જુદા જુદા રૂપ હોય છે. તેથી બાઇબલ પ્રમાણે ‘પોતપોતાની જાતમાં જ’ અમુક ફેરફાર થાય છે.

      તમારા ધર્મમાં પૂરી શ્રદ્ધા મૂકો!

      તમે ઉત્પત્તિમાં માનતા હોવાથી જરાય નીચું જોવું ન જોઈએ. અથવા શરમાવું ન જોઈએ. આપણે જે પુરાવા જોયા એ બતાવે છે કે ઉત્પત્તિમાં માનવું વાજબી છે. એ વૈજ્ઞાનિક રીતે સત્ય શીખવે છે. સૃષ્ટિના રચનાર બુદ્ધિમાન છે. તેમણે આપણને બનાવ્યા છે. ખરું કહીએ તો ઉત્પત્તિમાં માનવું જેટલું સહેલું છે એટલું જ ઉત્ક્રાંતિમાં માનવું સહેલું નથી. કેમ કે, ઉત્ક્રાંતિમાં માનનાર જાણે કહે છે કે જાદુગર વગર જાદુ થઈ શકે. ખરું કહીએ તો, આ મૅગેઝિનમાં આપેલા લેખો બરાબર વાંચીને એના પર વિચાર કર્યા પછી, તમે પોતે કહી શકશો કે ઉત્ક્રાંતિ નહિ, પણ ઉત્પત્તિ સત્ય શીખવે છે. પછી તમે ક્લાસમાં ગભરાયા વગર બધાને કહી શકશો કે ઈશ્વરે સૃષ્ટિ રચી છે.

      આપણે આ લેખની શરૂઆતમાં રાકેલની વાત કરી હતી. રાકેલને પણ એવો જ અનુભવ થયો હતો. તે કહે છે: ‘શરૂઆતમાં મેં ક્લાસમાં કોઈને જણાવ્યું નહિ કે હું શું માનું છું. અમુક દિવસો પછી મને થયું કે હવે જણાવવું જ પડશે. મેં પછી મારા ટીચરને લાઇફ—હાઉ ડીડ ઈટ ગેટ હીઅર? બાય ઇવોલ્યુશન ઓર બાય ક્રિએશન? પુસ્તક આપ્યું. એમાં મેં ટીચરના ધ્યાનમાં લાવવા અમુક મુદ્દાઓ નીચે લીટી દોરી હતી. અમુક સમય પછી તેમણે મને કહ્યું કે મેં જે પુસ્તક આપ્યું હતું એનાથી તેમને ઉત્ક્રાંતિ વિષે કાંઈક નવું જ શીખવા મળ્યું. તેમણે એ પણ કહ્યું કે આવતા દિવસોમાં ઉત્ક્રાંતિ વિષે શીખવતી વખતે એ પુસ્તકમાં આપેલી માહિતીને તે ધ્યાનમાં રાખશે.’ (g 9/06)

      “યુવાનો પૂછે છે . . .” વિષય પર વધારે લેખો માટે આ વેબસાઈટ જુઓ. www.watchtower.org/ype

      આનો વિષે વિચાર કરો

      ▪ તમે સ્કૂલમાં ગભરાયા વગર કેવી રીતે સમજાવશો કે સૃષ્ટિ ઈશ્વરની કરામત છે?

      ▪ વિશ્વ અને બીજી સર્વ વસ્તુઓ બનાવનાર ઈશ્વરના તમે કેવી રીતે ગુણગાન ગાઈ શકો?—પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૬, ૨૭.

      [ફુટનોટ]

      a લાઇફ—હાઉ ડીડ ઈટ ગેટ હીઅર? બાય ઇવોલ્યુશન ઓર બાય ક્રિએશન? અને ઈઝ ધેર એ ક્રિએટર હું કેર્સ અબાઉટ યુ? પુસ્તકમાંથી ઘણા યુવાનોને લાભ થયો છે. યહોવાહના સાક્ષીઓએ એ બહાર પાડ્યાં છે.

      [પાન ૨૭ પર બોક્સ]

      “અઢળક પુરાવા”

      ‘માબાપે નાનપણથી શીખવ્યું હોવાથી કોઈ યુવાન ઈશ્વરમાં માને છે. પણ સ્કૂલમાં તેને ઉત્ક્રાંતિ વિષે શીખવવામાં આવે છે. એવા યુવાનને તમે શું કહેશો?’ આ સવાલ એક માઇક્રોબાયોલોજિસ્ટને (જીવવિજ્ઞાનીને) પૂછવામાં આવ્યો હતો, જે યહોવાહની સાક્ષી પણ છે. એ વૈજ્ઞાનિકે કહ્યું: “હું તેને કહીશ, તારા માબાપે તને શીખવ્યું છે કે ઈશ્વર છે. એટલે તારે એ તરત જ માની ન લેવું જોઈએ. પણ તારે પોતે સાબિત કરવું જોઈએ કે ઈશ્વર છે. એમ કરવા માટે તારી પાસે સારો મોકો છે. ઘણી વાર ટીચરને પૂછવામાં આવે છે કે ઉત્ક્રાંતિ સાચું છે એનો ‘પુરાવો’ આપો. ત્યારે તેઓ એનો પુરાવો આપી શકતા નથી. તેઓને ત્યારે ભાન થાય છે કે સ્કૂલમાં ઉત્ક્રાંતિ વિષે શીખવવામાં આવે છે એટલે તેઓ એ માની લે છે. એવી જ રીતે ફક્ત ઈશ્વરમાં માનવું એ પૂરતું નથી. પણ ઈશ્વર છે એનો જાતે પુરાવો આપતા શીખવું જોઈએ. એ ખૂબ જ મહત્ત્વનું છે. ઈશ્વર છે એના અઢળક પુરાવા છે. એ શોધવા જરાય અઘરા નથી.”

      [પાન ૨૮ પર બોક્સ/ચિત્ર]

      તમે કેમ માનો છો?

      ઈશ્વરમાં માનવા માટે તમારી પાસે કયાં ત્રણ કારણ છે, એ નીચે લખો:

      ૧. .............................................................

      ૨. .............................................................

      ૩. .............................................................

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો